"સમય જતાં, ઇન્દોર વધુ સારું બદલાયું પરંતુ ક્યારેય દેવી અહિલ્યાબાઈની પ્રેરણા ગુમાવી નહીં અને આજે ઇન્દોર સ્વચ્છતા અને નાગરિક ફરજની યાદ પણ અપાવે છે"
“કચરામાંથી ગોબર્ધન, ગોબર ધનમાંથી સ્વચ્છ ઈંધણ, સ્વચ્છ ઈંધણમાંથી ઊર્જા એ જીવનની પુષ્ટિ કરતી સાંકળ છે”
"આવનારાં બે વર્ષમાં 75 મોટી મ્યુનિસિપલ સંસ્થાઓમાં ગોબર ધન બાયો સીએનજી પ્લાન્ટ્સની સ્થાપના કરવામાં આવશે"
"સરકારે સમસ્યાઓના ફટાફટ ઉકેલના કામચલાઉ ઉપાયોને બદલે કાયમી ઉકેલ આપવાનો પ્રયાસ કર્યો છે"
"2014થી દેશની કચરાના નિકાલની ક્ષમતામાં 4 ગણો વધારો થયો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી છુટકારો મેળવવા માટે 1600થી વધુ સંસ્થાઓ સામગ્રી પુનઃપ્રાપ્તિ સુવિધાઓ મેળવી રહી છે"
“ભારતના મોટાભાગના શહેરોને વોટર પ્લસ બનાવવાનો સરકારનો પ્રયાસ છે. સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કામાં આના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે”
"આપણે આપણા સફાઈ કાર્યકરોનાં તેમનાં પ્રયત્નો અને સમર્પણ માટે ઋણી છીએ"

નમસ્કાર !

મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજ સિંહ ચૌહાણજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી હરદીપસિંહ પુરીજી, ડો. વિરેન્દ્ર કુમારજી, કૌશલ કિશોરજી, મધ્ય પ્રદેશ સરકારના મંત્રીગણ, ઈન્દોર સહિત મધ્ય પ્રદેશનાં અન્ય શહેરોમાંથી જોડાયેલા ભાઈઓ અને બહેનો, અહિંયા હાજર રહેલા અન્ય મહાનુભવો. અમે જ્યારે નાના હતા અને જ્યારે ભણતા હતા ત્યારે ઈન્દોરનું નામ આવતાની સાથે જ પહેલાં દેવી અહલ્યાબાઈ હોલ્કર, માહેશ્વર અને તેમના સેવા ભાવ તરફ ધ્યાન જરૂર જતું હતું. સમયની સાથે સાથે ઈન્દોર બદલાતું ગયું અને વધુ સારા થવા માટે બદલાયું, પણ દેવી અહલ્યાજીની પ્રેરણા ઈંદોરે ક્યારેય પણ ગુમાવી નથી. દેવી અહલ્યાજીની સાથે સાથે આજે ઈન્દોરનું નામ આવતાં જ મનમાં સ્વચ્છતાનો વિચાર આવે છે. ઈન્દોરના લોકોમાં નાગરિક કર્તવ્ય જેટલું જોવા મળે છે તેમાં તેમણે પોતાના શહેરને સુંદર સ્વરૂપ આપ્યું છે. તમે સૌ માત્ર સફરજનના જ શોખીન નથી, પણ ઈન્દોરના લોકોને પોતાના શહેરની સેવા કરતાં પણ આવડે છે.

આજનો દિવસ સ્વચ્છતા માટે ઈન્દોરના અભિયાનને એક નવી તાકાત આપી રહ્યો છે. ઈન્દોરને આજે ભીના કચરામાંથી બાયો સીએનજી પ્લાન્ટ બનાવવાનો જે ગોબર-ધન પ્લાન્ટ મળ્યો છે તેના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

હું શિવરાજ સિંહ અને તેમની ટીમની ખાસ પ્રશંસા કરવા માંગુ છું, કારણ કે આ કામગીરીને તેમણે આટલા ઓછા સમયમાં શક્ય બનાવી છે. હું આજે સુમિત્રા તાઈનો પણ આભાર વ્યક્ત કરૂં છું, કારણ કે તેમણે એક સાંસદ તરીકે ઈન્દોરની ઓળખને નવી ઊંચાઈ સુધી પહોંચાડ્યું છે. ઈન્દોરના વર્તમાન સાંસદ મારા ભાઈ શંકર લાલવાણીજીએ પણ તેમના પગલે ચાલીને જે માર્ગ અપનાવ્યો છે તે કદમ પર ઈન્દોરને આગળ ધપવા માટે અને બહેતર બનાવવા માટે નિરંતર કામ ચાલી રહ્યું છે.

અને સાથીઓ,

આજે જ્યારે હું ઈન્દોરમાં આટલી પ્રશંસા કરી રહ્યો છું ત્યારે મારા સંસદિય ક્ષેત્ર વારાણસીનો પણ ઉલ્લેખ કરીશ. મને આનંદ છે કે કાશી વિશ્વનાથ ધામમાં દેવી અહલ્યાબાઈ હોલ્કરજીની ખૂબ જ સુંદર પ્રતિમા રાખવામાં આવી છે. ઈન્દોરના લોકો જ્યારે જ્યારે બાબા વિશ્વનાથના દર્શન કરવા જશે ત્યારે તેમને ત્યાં દેવી અહલ્યાબાઈજીની મૂર્તિના દર્શન કરવાની પણ તક મળશે અને પોતાના શહેર માટે ગર્વ થશે.

સાથીઓ,

પોતાના શહેરને પ્રદૂષણ મુક્ત રાખવા માટે અને ભીના કચરાનો નિકાલ કરવા માટે આજે એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. શહેરોના ઘરમાંથી નિકળેલો ભીનો કચરો હોય, ગામડાંઓમાં પશુધન અને ખેતીથી મળેલો કચરો હોય તો આ બધુ એક રીતે કહીએ તો ગોબર ધન જ છે. શહેરના કચરા અને પશુધનથી ગોબર ધન, ગોબરધનમાંથી સ્વચ્છ ઈંધણ ધન, સ્વચ્છ ઈંધણમાંથી ઊર્જા ધન- આ શૃંખલા જીવન ધનનું નિર્માણ કરે છે. આ શૃંખલાની દરેક કડી કેવી રીતે એક બીજા સાથે જોડાયેલી છ તેના પ્રત્યક્ષ ઉદાહરણ તરીકે ઈન્દોરનો આ ગોબરધન પ્લાન્ટ અન્ય શહેરોને પણ પ્રેરણા પૂરી પાડશે.

મને આનંદ છે કે આવનારા બે વર્ષમાં દેશના 75 મોટા નગર એકમોમાં આ પ્રકારના ગોબરધન બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવા માટે કામ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન ભારતના શહેરોને સ્વચ્છ બનાવવા માટે, પ્રદૂષણ રહિત બનાવવા માટે તથા સ્વચ્છ એનર્જીની દિશામાં ઘણી મદદ કરશે. અને હવે તો માત્ર શહેરોમાં જ નહીં, દેશના ગામડાંઓમાં પણ હજારોની સંખ્યામાં ગોબરધન બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે અને તેનાથી આપણાં પશુપાલકોને છાણમાંથી વધારાની આવક પણ મળવાની શરૂ થઈ છે. આપણાં ગામડાંઓમાં ખેડૂતોને બેશહારા જાનવરોને કારણે જે તકલીફો પડતી હતી, તેવા આ પ્રકારના પ્રયાસોના કારણે ભારતમાં જલવાયુ પરિવર્તનની કટિબધ્ધતા પૂરી કરવામાં પણ સહાય થશે.

સાથીઓ,

ગોબર ધન યોજના એટલે કે કચરામાંથી કંચન બનાવવાના અમારા અભિયાનની જે અસર થઈ રહી છે તેની જાણકારી જેમ જેમ વધુને વધુ લોકોને મળતી થશે તો તે ખૂબ જ સારી બાબત ગણાશે. ગોબર-ધન બાયો સીએનજી પ્લાન્ટથી ઈન્દોરને દૈનિક 17 થી 18 હજાર કીલો બાયો સીએનજી તો મળશે જ, પણ તે ઉપરાંત દૈનિક 100 ટન જૈવિક ખાતર પણ મળતું થશે. સીએનજીના કારણે પ્રદૂષણ ઓછું થશે, જેના કારણે દરેક વ્યક્તિને જીવન જીવવાની સુવિધામાં વધારો પણ થશે. આ રીતે અહિંયા જે જૈવિક ખાતર બનશે તેનાથી આપણી ધરતી માતાને પણ નવું જીવન મળશે અને આપણી ધરતી માતાનો કાયાકલ્પ થશે.

એક એવું અનુમાન છે કે આ પ્લાન્ટમાંથી જે સીએનજી મળશે તેનાથી ઈન્દોર શહેરમાં દરરોજ આશરે 400 બસ ચલાવી શકાશે. આ પ્લાન્ટમાંથી સેંકડો યુવાનોને કોઈને કોઈ પ્રકારે રોજગારી પણ મળવાની છે. એટલે કે ગ્રીન જોબ વધારવામાં સહાય થશે.

ભાઈઓ અને બહેનો,

કોઈપણ પડકારને પાર પાડવા માટે બે ઉપાયો હોય છે. પ્રથમ ઉપાય એ છે કે તે પડકારનો તાત્કાલિક ઉકેલ શોધવામાં આવે અને બીજી બાબત એ છે કે તે પડકારનો એ રીતે નિકાલ કરવામાં આવે કે જેથી કાયમી ઉકેલ મળી આવે. વિતેલા 7 વર્ષમાં અમારી સરકારે જે યોજનાઓ બનાવી છે તે યોજનાઓ કાયમી ઉકેલ આપનારી છે અને એક સાથે અનેક લક્ષ્ય પાર પાડનારી પણ હોય છે.

સ્વચ્છ ભારત અભિયાનની જ વાત કરીએ તો તેમાં સ્વચ્છતાની સાથે સાથે બહેનોની ગરિમા, બીમારીઓથી બચાવ તથા ગામડાં અને શહેરોને સુંદર બનાવવાની સાથે સાથે રોજગારીની તકો ઉભી કરવા જેવા અનેક કામ થયા છે. હવે અમારૂ કામ ઘર અને ગલીથી બહાર નિકળીને કચરાના નિકાલ માટેનું છે. શહેરના કચરા પહાડોને મુક્ત કરવાનું છે. તેમાં પણ ઈન્દોરમાંથી એક બહેતર મોડલ બહાર આવ્યું છે. આપ સૌ જાણો છો કે આ નવા પ્લાન્ટની જ્યાં સ્થાપના કરવામાં આવી છે ત્યાં નજીકમાં જ દેવગુડરિયામાં કચરાનો પહાડ બનેલો રહેતો હતો. દરેક ઈન્દોરવાસીને તેના કારણે તકલીફ પડતી હતી, પણ હવે ઈન્દોર નગર નિગમે 100 એકરની આ ડમ્પ સાઈટને ગ્રીન ઝોનમાં બદલી નાંખી છે.

સાથીઓ,

આજે સમગ્ર દેશના શહેરોમાં લાખો ટન કચરો દાયકાઓથી જમીનો ઉપર ખડકાયેલો પડ્યો છે તે શહેરોમાં વાયુ પ્રદૂષણ અને જલ પ્રદૂષણથી થનારી બીમારીઓનું મોટું કારણ બની રહ્યો છે. એટલા માટે સ્વચ્છ ભારત મિશનના બીજા ચરણમાં આવી સમસ્યાઓના ઉકેલ માટે કામ કરવામાં આવી રહ્યુ છે. લક્ષ્ય એવું છે કે આવનારા બે-ત્રણ વર્ષમાં કચરાના આ પહાડોથી આપણાં શહેરોને મુક્તિ મળી શકશે અને તેનું ગ્રીન ઝોનમાં રૂપાંતર કરી શકાશે.

એટલા માટે રાજ્ય સરકારોને શક્ય તેટલી તમામ મદદ કરવામાં આવી રહી છે. એક સારી બાબત એ પણ છે કે વર્ષ 2014ની તુલનામાં હવે દેશમાં શહેરી કચરાના નિકાલની ક્ષમતા ચાર ગણી વધી ચૂકી છે. દેશને સિંગલ યુઝ્ડ પ્લાસ્ટીકથી મુક્ત કરવા માટે 1600થી વધુ નગર નિગમોમાં મટિરિયલ રિકવરી ફેસિલીટી પણ તૈયાર કરવામાં આવી રહી છે. અમારો એવો પ્રયાસ રહ્યો છે કે હવે પછીના થોડાંક વર્ષોમાં દેશના દરેક શહેરમાં આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી શકાય. આ રીતે આધુનિક વ્યવસ્થા મારફતે ભારતના શહેરોમાં સરક્યુલર ઈકોનોમીને પણ એક નવી શક્તિ આપવામાં આવી રહી છે.

સાથીઓ,

સ્વચ્છ બનેલા શહેરોમાં વધુ એક નવી સંભાવના આકાર લે છે અને આ સંભાવના છે પર્યટનની. આપણાં દેશમાં એવું કોઈ શહેર નહીં હોય કે જ્યાં ઐતિહાસિક સ્થળો ના હોય, પવિત્ર સ્થળો ના હોય. જો ઊણપ રહેતી હોય તો તે સ્વચ્છતાની ઊણપ છે. હવે શહેરો સ્વચ્છ થશે તો અન્ય સ્થળોના લોકોને ત્યાંની મુલાકાત લેવાની ઈચ્છા થશે અને વધુ પ્રમાણમાં લોકો આવશે. હવે જે રીતે અનેક લોકો માત્ર ઈન્દોરને જોવા માટે આવતા હતા તે જોશે કે સફાઈ અંગે અહિંયા કેટલું કામ થયું તે જોઈએ તો ખરા! જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પર્યટન હોય છે, ત્યાં સમગ્રપણે એક નવી અર્થવ્યવસ્થા ઉભી થતી હોય છે.

સાથીઓ,

હમણાં જ ઈન્દોરને વોટર પ્લસ બનવાની ઉપલબ્ધિ પણ હાંસલ થઈ છે અને તે પણ અન્ય શહેરો માટે દાખલારૂપ બનશે. જ્યારે કોઈ શહેરના જળસ્રોત સ્વચ્છ હોય છે અને તેમાં ગટરનું ગંદુ પાણી પડતું નથી ત્યારે એક અલગ જ જીવન ઊર્જા શહેરમાં આવે છે. સરકારનો એવો પ્રયાસ રહ્યો છે કે ભારતના વધુને વધુ શહેરોને વોટર પ્લસ બનાવવામાં આવે. એટલા માટે સ્વચ્છ ભારત મિશનના બીજા ચરણમાં આ બાબત ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 1 લાખ કરતાં ઓછી વસતિ ધરાવતા નગર નિગમોમાં ગંદા પાણીની પ્રક્રિયા કરવાની સુવિધા વધારવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો,

સમસ્યાઓને ઓળખીને તેને ઉકેલવાનો જો પ્રમાણિક પ્રવાસ કરવામાં આવે તો પરિવર્તન શક્ય બને છે. આપણે ત્યાં તેલના કૂવાઓ નથી, પેટ્રોલિયમની જરૂરિયાત માટે બહારના દેશો ઉપર આધાર રાખવો પડે છે, પણ આપણી પાસે બાયોફ્યુઅલના ઈથેનોલ બનાવવાના સાધનો વર્ષોથી ઉપલબ્ધ છે. આ ટેકનોલોજી પણ ઘણાં સમય પહેલાં આવી ચૂકી હતી. અમારી સરકારે આ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો છે. સાત થી આઠ વર્ષ પહેલાં ભારતમાં ઈથેનોલનું બ્લેન્ડીંગ મુશ્કેલીથી એક થી દોઢ ટકા જેટલું થતું હતુ અને બે ટકા કરતાં આગળ વધતું ન હતું. આજે પેટ્રોલમાં ઈથેનોલનું બ્લેન્ડીંગ કરવાની ટકાવારી સાતથી આઠ ટકા સુધી પહોંચી ગઈ છે. વિતેલા 7 વર્ષમાં બ્લેન્ડીંગ કરવા માટે ઈથેનોલનો પૂરવઠો પણ ઘણો વધારવામાં આવી રહયો છે.

વર્ષ 2014ની પહેલાં આશરે 40 કરોડ લીટર ઈથેનોલનો પૂરવઠો બ્લેન્ડીંગ માટે આપવામાં આવતો હતો. આજે ભારતમાં 300 કરોડ લીટરથી વધુ ઈથેનોલ બ્લેન્ડીંગ માટે પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. ક્યાં 40 કરોડ લીટર અને ક્યાં 300 કરોડ લીટર! તેનાથી આપણી ખાંડની મિલોની તબિયત સુધરી છે અને શેરડી ઉગાડતા ખેડૂતોને ઘણી મદદ પણ મળી રહી છે.

સાથીઓ,

બીજો એક વિષય છે પરાળીનો. પરાળીને કારણે આપણાં ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને શહેરોમાં વસનારા લોકો પણ પરેશાન થાય છે. અમે આ બજેટમાં પરાળી સાથે જોડાયેલો એક મહત્વનો નિર્ણય કર્યો છે.

અમે એવું નક્કી કર્યું છે કે કોલસાથી ચાલનારા વિજળીના કારખાનામાં તેનો ઉપયોગ કરવામાં આવે. તેના કારણે ખેડૂતોની તકલીફ તો દૂર થશે જ, અને ખેતીના કચરાના નિકાલને કારણે ખેડૂતોને વધારાની આવક પણ મળશે. અમે જોયું છે કે અગાઉ સૌર ઊર્જા- સોલાર પાવર બાબતે પણ કેટલી બધી ઉદાસીનતા દાખવવામાં આવી હતી. 2014 પછી અમારી સરકારે સમગ્ર દેશમાં સોલાર પાવરનું ઉત્પાદન વધારવા માટે અભિયાન શરૂ કર્યું છે અને તેનું પરિણામ એ આવ્યું છે કે આજે ભારતે સોલાર પાવરમાંથી વિજળી પેદા કરવાની બાબતમાં દુનિયાના ટોચના પાંચ દેશમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. આ સોલાર પાવરની શક્તિથી અમારી સરકાર ખેડૂતોને અન્નદાતાની સાથે સાથે ઊર્જા દાતા પણ બનાવી રહી છે. અન્ન દાતા, ઊર્જા દાતા બને તે હેતુથી સમગ્ર દેશમાં ખેડૂતોને સોલાર પંપ પણ આપવામાં આવી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો,

આજે ભારત જે કાંઈ પણ હાંસલ કરી રહ્યું છે તેમાં ટેકનોલોજી અને ઈનોવેશનની સાથે સાથે ભારતના લોકોના પરિશ્રમનો પણ ઘણો મોટો હાથ છે. આ કારણે ભારત આજે ગ્રીન અને ક્લિન ફ્યુચર બાબતે મોટા લક્ષ્યાંકો નક્કી કરી શક્યું છે. આપણાં યુવાનો, આપણી બહેનો, આપણાં લાખો સફાઈ કર્મચારીઓ ઉપર મને અતૂટ ભરોંસો છે અને તે ભરોંસો વધતો જાય છે. ભારતના યુવાનો નવી ટેકનોલોજી, નવા ઈનોવેશનની સાથે સાથે જનજાગૃતિ બાબતે પણ ખૂબ જ મહત્વની ભૂમિકા બજાવી રહ્યા છે.

જે રીતે મને કહેવામાં આવ્યું છે કે ઈન્દોરની જાગૃત બહેનોએ કચરાના નિકાલ માટેની વ્યવસ્થાને એક અલગ મુકામ સુધી પહોંચાડી છે. ઈન્દોરના લોકો કચરાને 6 ભાગમાં વહેંચી દે છે, જેના કારણે કચરાનું પ્રોસેસીંગ અને રિસાયક્લિંગ સારી રીતે થઈ શકે છે. કોઈપણ શહેરમાં લોકોની આ ભાવના, આ પ્રયાસ, સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવામાં મદદગાર સાબિત થઈ રહ્યા છે. સ્વચ્છતાની સાથે સાથે રિસાયક્લિંગની ભાવના મજબૂત બનાવીને આપણાં દેશની મોટી સેવા થઈ રહી છે. આ જ કારણે LIFE એટલે કે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયર્મેન્ટની આપણી વિચારધારા છે અને તે જીવન જીવવાની એક પધ્ધતિ છે.

સાથીઓ,

આજના આ કાર્યક્રમમાં ઈન્દોરની સાથે સાથે હું સમગ્ર દેશના લાખો સફાઈ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. ઠંડી હોય કે ગરમી હોય, તમે સૌ સવારે સવારે નિકળી પડો છો અને પોતાના શહેરને સ્વચ્છ બનાવવા માટે અને કોરોનાના આ કપરા સમયમાં પણ પોતાનો સેવાભાવ દર્શાવી રહ્યા છો. તેના કારણે ઘણાં લોકોનું જીવન બચાવવામાં સહાય થઈ છે. આ દેશ, આપણાં દરેક સફાઈકર્મીનું ખૂબ જ આભારી છે. પોતાના શહેરને સ્વચ્છ રાખીને, ગંદકી નહીં ફેલાવીને તથા નિયમોનું પાલન કરીને આપણે તેમની મદદ કરી શકીએ તેમ છીએ.

મને યાદ છે કે પ્રયાગરાજમાં કુંભ મેળા દરમ્યાન તમે પણ જોયું હશે કે દુનિયામાં પ્રથમ વખત ભારતના કુંભ મેળાને એક નવી ઓળખ મળી છે. અગાઉ તો ભારતના કુંભ મેળાની ઓળખ આપણાં સાધુ મહાત્માઓ અને તેમની આસપાસની વાતો જ ચાલતી હતી, પણ પ્રથમ વખત યોગીજીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં જે કુંભ મેળો થયો તેની ઓળખ સ્વચ્છ કુંભ મેળા તરીકેની થઈ અને સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ. દુનિયાના અખબારોમાં તેના માટે કશુંકને કશુંક લખવામાં આવ્યું મારા મન ઉપર તેની ખૂબ જ હકારાત્મક અસર થઈ છે. આથી હું જ્યારે કુંભ મેળામાં પવિત્ર સ્નાન માટે ગયો હતો ત્યારે સ્નાન કરીને આવ્યા પછી મારા મનમાં સફાઈ કર્મચારીઓ માટે એટલો બધો અહોભાવ પેદા થયો હતો કે મેં તે સફાઈ કર્મચારીઓના પગ ધોયા હતા, તેમનું સન્માન કર્યું હતું અને તેમની પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા.

આજે હું દિલ્હીથી, ઈન્દોરના આપણાં દરેક સફાઈ કર્મચારી ભાઈ-બહેનોને આદરપૂર્વક પ્રણામ કરૂં છું, તેમને નમન કરૂં છું. આ કોરોના કાળમાં તમે લોકોએ આ સફાઈ અભિયાન ચાલુ ના રાખ્યું હોત તો ન જાણે આપણે કેટલી બધી મુસીબતો ભોગવવી પડી હતી. આપણાં દેશના સામાન્ય માનવીને બચાવવામાં અને તેણે ડોક્ટર સુધી ના જવું પડે તેની તમે ચિંતા કરી હોવાથી હું આપ સૌને પ્રણામ કરૂં છું.

ભાઈઓ અને બહેનો,

આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ફરી એક વખત તમામ ઈન્દોરવાસીઓને અને ખાસ કરીને ઈન્દોરની મારી માતાઓ અને બહેનોને, કારણ કે તેમણે આ કામગીરી માટે જે પહેલ કરી, કૂડા-કચરાને બિલકુલ બહાર નહીં ફેંકીને, તેને અલગ રાખવાનું કામ કર્યું છે તે બદલ તે સૌ ખૂબ અભિનંદનની અધિકારી છે. હું મારા તરફથી બાલ સેના કે જે ઘરમાં કોઈને કચરો ફેંકવા દેતી નથી, તેમણે ભારતના સ્વચ્છતા અભિયાનને તાકાત પૂરી પાડીને સફળ બનાવવામાં બાલ સેનાએ ઘણી મદદ કરી છે. ત્રણ ત્રણ- ચાર -ચાર વર્ષના બાળકો તેમના દાદાને કહેતા હોય છે કે કૂડોકચરો અહીંયા ફેંકશો નહીં. ચોકલેટ ખાધી હોય તો અહિંયા કચરો ફેંકવો નહીં, ગમે ત્યાં કાગળ ફેંકવા નહીં. આ બધુ જણાવીને બાળ સેનાએ જે કામ કર્યું છે તે આપણાં ભારતના ભવિષ્યનો પાયો મજબૂત થાય તેવી કામગીરી છે. હું આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન આપવાની સાથે સાથે બાયો સીએનજી પ્લાન્ટ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ! નમસ્કાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi