"મહારાષ્ટ્ર પાસે જગતગુરુ શ્રી સંત તુકારામ મહારાજથી લઈને બાબાસાહેબ આંબેડકર સુધીના સમાજ સુધારકોનો ખૂબ સમૃદ્ધ વારસો છે"
"જ્યારે ભારતની આઝાદીમાં અસંખ્ય લોકોની 'તપસ્યા' સામેલ છે ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામને અમુક ઘટનાઓ સુધી મર્યાદિત રાખવાનું વલણ છે"
"સ્વાતંત્ર્ય ચળવળની 'સ્થાનિકથી વૈશ્વિક' ભાવના એ આપણાં આત્મનિર્ભર ભારત અભિયાનની તાકાત છે"
“મહારાષ્ટ્રનાં ઘણાં શહેરો 21મી સદીમાં દેશના વિકાસનાં કેન્દ્રો બનવા જઈ રહ્યાં છે”

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારીજી, મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેજી, નાયબ મુખ્યમંત્રી શ્રી અજિત પવારજી, શ્રી અશોકજી, વિપક્ષના નેતા શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો, આજે પણ વટ પૂર્ણિમા પણ છે અને સંત કબીરની જયંતિ પણ છે.  હું તમામ દેશવાસીઓને મારી અનેક-અનેક શુભકામનાઓ આપું છું.

એકા અતિશય ચાંગલ્યા કાર્યક્રમાસાઠી, આપણ આજ સારે એકત્ર આલો આહોત. સ્વાતંત્ર્ય-સમરાતિલ, વીરાંના સમર્પિત ક્રાંતિગાથા, હી વાસ્તુ સમર્પિત કરતાના, મલા, અતિશય આનંદ હોતો આહે.

સાથીઓ,

મહારાષ્ટ્રનું આ રાજભવન વીતેલા દાયકાઓમાં અનેક લોકશાહી ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. બંધારણ અને રાષ્ટ્રનાં હિતમાં અહીં શપથ સ્વરૂપે લેવાયેલા સંકલ્પોનું પણ તે સાક્ષી રહ્યું છે. હવે અહીં જલભૂષણ ભવન અને રાજભવનમાં બનેલ ક્રાંતિકારીઓની ગૅલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મને રાજ્યપાલના નિવાસસ્થાન અને કાર્યાલયનાં દ્વાર પૂજનમાં પણ ભાગ લેવાની તક મળી.

આ નવું ભવન મહારાષ્ટ્રની સમસ્ત જનતા માટે મહારાષ્ટ્રનાં શાસન માટે નવી ઊર્જા આપનારું હોય, તેવી જ રીતે રાજ્યપાલે કહ્યું કે આ રાજભવન નહીં પણ લોક ભવન છે, તે સાચા અર્થમાં જનતા-જનાર્દન માટે એક આશાનું કિરણ બનીને ઉભરશે, એવો મને પૂરો વિશ્વાસ છે. અને અહીંના તમામ બંધુઓ આ મહત્વપૂર્ણ અવસર માટે અભિનંદનને પાત્ર છે. હું ક્રાંતિ ગાથાનાં નિર્માણ સાથે સંકળાયેલ ઈતિહાસકાર વિક્રમ સંપથજી અને અન્ય તમામ સાથીઓને પણ અભિનંદન આપું છું.

સાથીઓ,

હું અગાઉ પણ અનેકવાર રાજભવન આવ્યો છું. અહીં ઘણી વખત રોકાવાનું પણ થયું છે. મને આનંદ છે કે તમે આ ઈમારતના આટલા લાંબા ઈતિહાસને, તેનાં સ્થાપત્યને સાચવીને આધુનિકતાનું એક સ્વરૂપ અપનાવ્યું છે.

તેમાં મહારાષ્ટ્રની મહાન પરંપરાને અનુરૂપ શૌર્ય, આસ્થા, આધ્યાત્મિકતા અને સ્વતંત્રતા ચળવળમાં આ સ્થાનની ભૂમિકાનાં પણ દર્શન થાય છે. અહીંથી એ સ્થળ બહુ દૂર નથી, જ્યાંથી પૂજ્ય બાપુએ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. આ ભવને આઝાદી સમયે ગુલામીનાં પ્રતિકને ઉતરતું અને તિરંગાને શાનથી ફરકતો જોયો છે. હવે જે આ નવું નિર્માણ થયું છે, અહીં આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને જે સ્થાન આપવામાં આવ્યું છે, તેનાથી દેશભક્તિના મૂલ્યો વધુ મજબૂત બનશે.

સાથીઓ,

આજનું આ આયોજન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે દેશ તેની આઝાદીનાં 75 વર્ષ, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ તે સમય છે જ્યારે દેશની આઝાદી, દેશનાં ઉત્થાનમાં યોગદાન આપનાર દરેક વીર-વીરાંગના, દરેક સેનાની, દરેક મહાન વ્યક્તિત્વને યાદ કરવાનો આ સમય છે, જેમણે આપ્યું છે. મહારાષ્ટ્રએ તો અનેક ક્ષેત્રોમાં દેશને પ્રેરણા આપી છે. જો સામાજિક ક્રાંતિઓની વાત કરીએ તો જગતગુરુ શ્રી સંત તુકારામ મહારાજથી લઈને બાબાસાહેબ આંબેડકર સુધીના સમાજ સુધારકોનો ખૂબ જ સમૃદ્ધ વારસો છે.

અહીં આવતા પહેલા હું દેહુમાં હતો જ્યાં મને સંત તુકારામ શિલા મંદિરનું લોકાર્પણ કરવાનો લહાવો મળ્યો. મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ, સમર્થ રામદાસ, સંત ચોખામેળા જેવા સંતોએ દેશને ઊર્જા આપી છે. જો આપણે સ્વરાજ્યની વાત કરીએ તો છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજનું જીવન આજે પણ દરેક ભારતીયમાં દેશભક્તિની લાગણી વધુ પ્રબળ કરી દે છે. જ્યારે આઝાદીની વાત આવે છે, ત્યારે મહારાષ્ટ્રે તો એવા અસંખ્ય વીર સેનાની આપ્યા છે, જેમણે આઝાદીના યજ્ઞમાં પોતાનું સર્વસ્વ બલિદાન આપી દીધું. આજે મને દરબાર હૉલમાંથી આ મહાસાગરનો વિસ્તાર દેખાઇ રહ્યો છે, તો આપણને  સ્વાતંત્ર્ય વીર વિનાયક દામોદર સાવરકરજીની વીરતાનું સ્મરણ થાય છે. તેમણે કેવી રીતે દરેક યાતનાને આઝાદીની ચેતનામાં બદલી, તે દરેક પેઢીને પ્રેરિત કરનાર છે.

સાથીઓ,

જ્યારે આપણે ભારતની આઝાદીની વાત કરીએ છીએ ત્યારે જાણ્યે-અજાણ્યે આપણે તેને અમુક ઘટનાઓ સુધી સીમિત કરીએ છીએ. જ્યારે ભારતની આઝાદીમાં અસંખ્ય લોકોનું તપ અને તેમની તપસ્યા સામેલ રહ્યાં છે. સ્થાનિક સ્તરે ઘણી ઘટનાઓની સામૂહિક અસર રાષ્ટ્રીય હતી. સાધનો અલગ હતાં પણ સંકલ્પ એક જ હતો. લોકમાન્ય ટિળકે પોતાનાં સાધનોથી, જ્યારે તેમનાથી પ્રેરણા મેળવનારા ચાપેકર બંધુઓએ પોતાની રીતે સ્વતંત્રતાનો માર્ગ મોકળો કર્યો.

વાસુદેવ બલબંત ફડકેએ પોતાની નોકરી છોડીને સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અપનાવ્યો, જ્યારે મેડમ ભીખાજી કામાએ સમૃદ્ધિથી ભરપૂર પોતાનાં જીવનનું બલિદાન આપીને આઝાદીની જ્યોત પ્રગટાવી. આપણા આજના ત્રિરંગાના પ્રેરણા સ્ત્રોત છે, તે ધ્વજના પ્રેરણાસ્ત્રોત મેડમ કામા અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા સેનાની જ હતા. સામાજિક, કૌટુંબિક, વૈચારિક ભૂમિકાઓને ભલે ગમે તે રહી હોય, આંદોલનનું સ્થાન દેશ-વિદેશમાં ક્યાંય પણ રહ્યું હોય, તેનું લક્ષ્ય એક હતું- ભારતની સંપૂર્ણ આઝાદી.

સાથીઓ,

આઝાદીનું જે આપણું આંદોલન હતું, એનું સ્વરૂપ સ્થાનિક પણ હતું અને વૈશ્વિક પણ હતું. જેમ કે ગદર પાર્ટી, દિલથી રાષ્ટ્રીય પણ હતી પરંતુ સ્તરે વૈશ્વિક હતી. શ્યામજી કૃષ્ણ વર્માનું ઈન્ડિયા હાઉસ, લંડન ખાતે ભારતીયોનો મેળાવડો હતો, પરંતુ મિશન ભારતની સ્વતંત્રતા હતું. નેતાજીનાં નેતૃત્વ હેઠળની આઝાદ હિંદ સરકાર ભારતીય હિતોને સમર્પિત હતી, પરંતુ તેનો વ્યાપ વૈશ્વિક હતો. આ જ કારણ છે કે ભારતનાં સ્વતંત્રતા આંદોલને  વિશ્વના ઘણા દેશોની આઝાદીનાં આંદોલનોને પ્રેરિત કર્યાં.

સ્થાનિકથી વૈશ્વિક-લોકલથી ગ્લોબલની આ જ ભાવના આપણાં આત્મનિર્ભર ભારત અભિયાનની પણ તાકાત છે. આત્મનિર્ભર અભિયાન દ્વારા ભારતના સ્થાનિકને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઓળખ અપાઈ રહી છે. મને વિશ્વાસ છે કે, ક્રાંતિકારીઓની ગૅલેરીથી, અહીં આવનાર લોકોને રાષ્ટ્રીય સંકલ્પો પૂરા કરવાની નવી પ્રેરણા મળશે, દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના વધશે.

સાથીઓ,

વીતેલા 7 દાયકામાં, મહારાષ્ટ્રએ હંમેશાથી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મુંબઈ તો સપનાઓનું શહેર છે જ, મહારાષ્ટ્રમાં એવાં ઘણાં શહેરો છે, જે 21મી સદીમાં દેશના વિકાસનું કેન્દ્ર બનવા જઈ રહ્યાં છે. આ જ વિચાર સાથે એક તરફ મુંબઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ અન્ય શહેરોમાં પણ આધુનિક સુવિધાઓ વધારવામાં આવી રહી છે.

આજે, જ્યારે આપણે મુંબઈ લોકલમાં અસાધારણ સુધારો જોઈએ છીએ, જ્યારે આપણે ઘણાં શહેરોમાં મેટ્રો નેટવર્કનાં વિસ્તરણને જોઈએ છીએ, જ્યારે આપણે મહારાષ્ટ્રના ખૂણે ખૂણાને આધુનિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાયેલા જોઈએ છીએ, ત્યારે વિકાસની સકારાત્મકતા અનુભવાય છે. આપણે સૌ એ પણ જોઈ રહ્યા છીએ કે વિકાસની યાત્રામાં પાછળ રહી ગયેલા આદિવાસી જિલ્લાઓમાં પણ આજે વિકાસની નવી આકાંક્ષા જાગી છે.

સાથીઓ,

આઝાદીના આ અમૃત કાળમાં આપણે બધાએ એ સુનિશ્ચિત કરવાનું છે કે આપણે જે પણ કાર્ય કરીએ છીએ, આપણી ભૂમિકા ગમે તે હોય, તે આપણા રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત કરે. આ જ ભારતના ઝડપી વિકાસનો માર્ગ છે. તેથી, હું રાષ્ટ્રના વિકાસમાં સબ કા પ્રયાસનાં આહ્વાનને પુનરાવર્તિત કરવા માગું છું. આપણે એક રાષ્ટ્ર તરીકે પરસ્પર સહયોગ અને સહયોગની ભાવના સાથે આગળ વધવાનું છે, આપણે એકબીજાને શક્તિ આપવી પડશે. એ જ ભાવના સાથે, હું ફરી એકવાર જલભૂષણ ભવન અને ક્રાંતિકારીઓની ગૅલેરી માટે બધાને અભિનંદન આપું છું.

અને હવે જુઓ, કદાચ દુનિયાના લોકો આપણી મજાક ઉડાવશે કે રાજભવન, અહીં 75 વર્ષથી પ્રવૃત્તિ ચાલે છે પણ નીચે એક બંકર છે જેની સાત દાયકાથી કોઈને ખબર જ ન પડી. એટલે કે આપણે કેટલા ઉદાસીન છીએ,  આપણા પોતાના વારસા પ્રત્યે કેટલા ઉદાસીન છીએ. આપણા ઈતિહાસનાં પાનાંઓ શોધી-શોધીને સમજીએ, દેશને આ દિશામાં આઝાદીનો અમૃત ઉત્સવ એક કારણ બને.

મને યાદ છે આપણે હમણાં શામજી કૃષ્ણ વર્માનાં ચિત્રમાં પણ જોયું, તમને આશ્ચર્ય થશે કે આપણે દેશમાં કેવી રીતે નિર્ણયો લીધા છે. લોકમાન્ય ટિળકે શામજી કૃષ્ણ વર્માને પત્ર લખ્યો હતો. અને તેમને કહ્યું હતું કે હું સ્વાતંત્ર્ય વીર સાવરકર જેવા આશાસ્પદ યુવાનને મોકલી રહ્યો છું. કૃપા કરીને તેના રહેવાની વ્યવસ્થા કરવામાં થોડી મદદ કરો. શામજી કૃષ્ણ વર્મા એ વ્યક્તિત્વ હતા.

સ્વામી વિવેકાનંદજી તેમની સાથે સત્સંગમાં જતા. અને તેઓએ લંડનમાં ઈન્ડિયા હાઉસ કર્યું, જે ક્રાંતિકારીઓ માટે એક પ્રકારનું તીર્થસ્થાન બની ગયું હતું, અને ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓ ઈન્ડિયા હાઉસમાં અંગ્રેજોના નાક નીચે થતી હતી. શામજી કૃષ્ણ વર્માજીનું 1930માં નિધન થયું હતું. અવસાન 1930માં તેમનો સ્વર્ગવાસ થયો અને તેમની ઈચ્છા હતી કે મારાં અસ્થિઓ સાચવવામાં આવે અને જ્યારે ભારત આઝાદ થાય ત્યારે મારી અસ્થિઓ આઝાદ ભારતની ધરતી પર લઈ જવામાં આવે.

1930ની ઘટના, 100 વર્ષ થવાં આવ્યાં છે, સાંભળીને આપનાં પણ રૂવાંટાં ઊભા થઈ રહ્યાં છે. પણ મારા દેશની કમનસીબી જુઓ, 1930માં દેશ માટે મરી ફિટનાર વ્યક્તિ, જેની એકમાત્ર ઈચ્છા હતી કે મારી અસ્થિ આઝાદ ભારતની ધરતી પર જાય, જેથી મારું આઝાદીનું સપનું હું નહિ, મારાં અસ્થિ અનુભવે, અને બીજી કોઈ અપેક્ષા ન હતી. આ કામ 15મી ઓગસ્ટ, 1947ના બીજા દિવસે થવું જોઈતું હતું કે ન થવું જોઇતું હતું? થયું નહીં. અને કદાચ ઇશ્વરનો જ કોઇ સંકેત હશે.

2003માં, 73 વર્ષ પછી, મને તે અસ્થિઓ ભારત લાવવાનું સૌભાગ્ય મળ્યું. ભારત માતાના એક લાલની અસ્થિઓ રાહ જોતી રહી દોસ્તો. જેને મારા ખભા પર લઈ જવાનું સૌભાગ્ય મને મળ્યું અને હું એ લાવીને અહીં મુંબઈ એરપોર્ટ પર ઊતર્યો હતો. અને અહીંથી વીરાંજલિ યાત્રા લઈને હું ગુજરાત ગયો હતો. અને તેમનાં જન્મસ્થળ કચ્છ, માંડવી, ત્યાં એવું જ ઈન્ડિયા હાઉસ બનાવ્યું છે જે લંડનમાં હતું. અને હજારો વિદ્યાર્થીઓ ત્યાં જાય છે, ક્રાંતિકારીઓની આ ગાથાનો અનુભવ કરે છે.

મને વિશ્વાસ છે કે આજે જે બંકર કોઈને ખબર પણ ન હતી, જે બંકરની અંદર એ સામાન રાખવામાં આવ્યો હતો, જે ક્યારેક હિંદુસ્તાનના ક્રાંતિકારીઓનો જીવ લેવા માટે કામ આવવાનો હતો, તે જ બંકરમાં આજે મારા ક્રાંતિકારીઓનું નામ છે, આ લાગણી દેશવાસીઓમાં હોવી જોઈએ જી. અને ત્યારે જ જઈને દેશની યુવા પેઢીને પ્રેરણા મળે છે. અને આ માટે રાજભવનનો આ પ્રયાસ બહુ અભિનંદનીય છે.

હું ખાસ કરીને શિક્ષણ વિભાગના લોકોને વિનંતી કરીશ કે આપણે આપણા વિદ્યાર્થીઓને ત્યાં તો લઈ જઈએ છીએ, વર્ષમાં એક વાર, બે વાર ટૂર કરીએ તો  કેટલાક તેમને મોટા પિકનિક સ્થળે લઈ જશે. થોડી આદત પાડો, ક્યારેક આંદામાન અને નિકોબાર જાઓ અને તે જેલ જુઓ જ્યાં વીર સાવરકરે તેમની યુવાની ખપાવી દીધી હતી. ક્યારેક આ બંકરમાં આવો અને જુઓ કે કેવી રીતે વીર પુરુષોએ દેશ માટે પોતાનું જીવન ખપાવી દીધું હતું.

આ આઝાદી માટે અસંખ્ય લોકો લડ્યા છે. અને આ દેશ એવો છે કે હજાર-બારસો વર્ષના ગુલામીના કાળમાં કોઇ એવો દિવસ નહીં હશે કે જ્યારે હિંદુસ્તાનના એક યા બીજા ખૂણે આઝાદીની જ્યોત  જાગી ન હોય. 1200 વર્ષથી આ એક મન, આ મિજાજ આ દેશના લોકોનો છે. આપણે તેને જાણવાનો છે, તેને ઓળખવાનો છે અને તેને જીવવા માટે ફરી એકવાર પ્રયાસ કરવો પડશે અને આપણે કરી શકીએ છીએ.

સાથીઓ,

તેથી જ હું આજના આ પ્રસંગને ઘણી રીતે મહત્વપૂર્ણ માનું છું. હું ઈચ્છું છું કે આ વિસ્તાર સાર્થક અર્થમાં દેશની યુવા પેઢી માટે પ્રેરણાનું કેન્દ્ર બને. આ પ્રયાસ માટે દરેકને અભિનંદન આપીને, હું આપ સૌનો આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore

Media Coverage

PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.