




ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી ડૉક્ટર જિતેન્દ્રસિંહજી, વિવિધ રાજય સરકારોના મંત્રીગણ, સ્ટાર્ટ અપની દુનિયા સાથે સંકળાયેલા તમામ સાથીઓ, વિદ્યાર્થી મિત્રો, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.
‘કેન્દ્ર રાજ્ય વિજ્ઞાન પરિષદ’ આ મહત્વપૂર્ણ સમારંભમાં હું આપ સૌનું સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. આજના નવા ભારતમાં ‘સૌના પ્રયાસ’ની જે ભાવનાને લઈને આપણે ચાલી રહ્યા છીએ તેનું આ આયોજન એક જીવંત ઉદાહરણ છે.
સાથીઓ,
21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન એ ઊર્જાની માફક છે જેમાં તમામ ક્ષેત્રના વિકાસને, દરેક રાજ્યના વિકાસને ખૂબ જ વેગ આપવાનું સામર્થ્ય છે. આજે જ્યારે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવાની દિશામાં આગળ ધપી રહ્યું છે તો તેમાં ભારતની વિજ્ઞાન તથા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા અત્યંત મહત્વની છે. આવામાં નીતિ-નિર્માતાઓના શાસન-પ્રશાસન સાથે સંકળાયેલા આપણા લોકોની જવાબદારી ઓર વધી જાય છે. મને આશા છે કે અમદાવાદની સાયન્સ સિટીમાં યોજાઇ રહેલા આ મંથન, આપને એક નવી પ્રેરણા આપશે. સાયન્સને પ્રોત્સાહિત કરવાના ઉત્સાહથી ભરી દેશે.
સાથીઓ,
આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યત જ્ઞાત્વા મોક્ષ્યતે અશુભાત. એટલે કે જ્ઞાન જ્યારે વિજ્ઞાનની સાથે જોડાય છે, જ્યારે જ્ઞાન અને વિજ્ઞાનથી આપણો પરિચય થાય છે તો સંસારની તમામ સમસ્યાઓ અને સંકટોથી મુક્તિનો માર્ગ આપોઆપ ખૂલી જાય છે. સમાધાનનો, ઉકેલનો, વિકાસનો અને સંશોધનનો આધાર વિજ્ઞાન જ છે. આ જ પ્રેરણાથી આજનું નવું ભારત, જય જવાન જય કિસાન, જય વિજ્ઞાનની સાથે જ જય અનુસંધાનનું આહવાન કરીને આગળ ધપી રહ્યું છે.
સાથીઓ,
વીતેલા સમયનું એક મહત્વનું પાસું છે જેની તરફ હું આપનું ધ્યાન દોરવા માગું છું. ઇતિહાસની એ શીખામણ, કેન્દ્ર અને રાજ્ય બંને માટે ભવિષ્યનો માર્ગ બનાવવામાં અત્યંત મદદરૂપ થશે. જો આપણે ગઈ શતાબ્દીના પ્રારંભના દાયકાઓને યાદ કરી શકીએ છીએ તો દુનિયામાં કેવી રીતે તારાજી અને આપત્તિનો ગાળો ચાલી રહ્યો હતો. પરંતુ એ સમયમાં પણ વાત ચાહે પૂર્વની હોય કે પશ્ચિમની હોય દરેક જગ્યાએ વૈજ્ઞાનિક પોતાની મહાન શોધ પાછળ લાગેલા રહ્યા હતા પશ્ચિમમાં આઇનસ્ટાઇન, ફેર્મી, મેક્સ પ્લાન્ક, નીલ્સ બોર, ટેસ્લા એવા તો અનેક વૈજ્ઞાનિકો પોતાના પ્રયોગોથી દુનિયાને આશ્ચર્યમાં ગરકાવ કરી રહ્યા હતા. એ જ સમયગાળામાં સી. વી. રમણ, જગદીશચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ, મેઘનાદ સહા, એસ. ચંદ્રશેખર જેવા અગણિત વૈજ્ઞાનિક પોતાની નવી નવી શોધ સામે લઈને આવ્યા હતા. આ તમામ વૈજ્ઞાનિકે ભવિષ્યને બહેતર બનાવવાના ઘણા માર્ગો ખોલી દીધા. પરંતુ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે એક મોટું અંતર એ રહ્યું કે આપણે આપણા વૈજ્ઞાનિકોના કાર્યોને એટલું પ્રોત્સાહન આપ્યું નહીં જેટલું આપવાની જરૂર હતી. આ જ કારણસર વિજ્ઞાનને લઈને આપણા સમાજના એક મોટા હિસ્સામાં ઉદાસીનતાનો ભાવ પેદા થઈ ગયો. એક વાત આપણે યાદ રાખવી જોઈએ કે જ્યારે આપણે કલાની ઉજવણી કરીએ છીએ તો આપણે વધુ નવા કલાકારોને પ્રેરણા પણ આપીએ છીએ, પેદા પણ કરીએ છીએ. જ્યારે આપણે રમતોની ઉજવણી કરીએ છીએ તો નવા ખેલાડીઓને પ્રેરિત પણ કરીએ છીએ અને પેદા પણ કરીએ છીએ. આવી જ રીતે જ્યારે આપણે આપણા વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓની ઉજવણી કરીએ છીએ તો સાયન્સ આપણા સમાજનો સ્વાભાવિક હિસ્સો બની જાય છે તે સંસ્કૃતિનો એક ભાગ બની જાય છે. આથી જ આજે મારો સૌ પ્રથમ આગ્રહ એ જ છે કે આપ તમામ રાજયોમાંથી આવેલા લોકો છો, હું તમને આગ્રહ કરું છું કે આપણે આપણા દેશના વૈજ્ઞાનિકોની સિદ્ધિઓને ભરપેટ ઉજવીએ, તેમનું ગૌરવગાન કરીએ, તેમનું મહિમામંડન કરીએ.
ડગલેને પગલે આપણા દેશના વૈજ્ઞાનિકો આપણને તેમની શોધ દ્વારા તેનો અવસર પણ આપી રહ્યા છે. તમે વિચારો, આજે ભારત જો કોરોનાની વેક્સિન વિકસીત કરી શક્યું છે, 200 કરોડથી વધારે વેક્સિન ડોઝ લગાવી દેવામાં આવ્યા છે તો તેની પાછળ આપણા વૈજ્ઞાનિકોની કેટલી મોટી તાકાત છે. આવી જ રીતે આજે તમામ ક્ષેત્રમાં ભારતના વૈજ્ઞાનિક કમાલ કરી રહ્યા છે. ભારતના વૈજ્ઞાનિકોની તમામ નાની મોટી સિદ્ધિઓની ઉજવણી કરવાથી દેશમાં સાયન્સ પ્રત્યે જે લાગણી પેદા થશે તે આ અમૃતકાળમાં આપણી ઘણી મદદ કરશે.
સાથીઓ,
મને આનંદ છે કે અમારી સરકાર વિજ્ઞાન આધારિત વિકાસના વિચારની સાથે આગળ ધપી રહી છે. 2014 પછીથી સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણમાં ઘણી વૃદ્ધિ કરવામાં આવી છે. સરકારના પ્રયાસોથી આજે ભારત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 46મા ક્રમે છે. જ્યારે 2015માં ભારત 81મા સ્થાને હતું. આટલા ઓછા સમયમાં આપણે 81થી 46મા સ્થાને આવી ગયા છીએ પરંતુ અહીં અટકવાનું નથી હજી આપણે ઉપર જવાનું છે. આજે ભારતમાં વિક્રમી સંખ્યામાં પેટન્ટ બની રહ્યા છે. નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. આપ પણ જોઈ રહ્યા છો કે આજે એક પરિષદમાં આટલા બધા સ્ટાર્ટ અપ્સ, સાયન્સના ક્ષેત્રમાંથી આપણે ત્યાં આવ્યા છે. દેશમાં સ્ટાર્ટ અપ્સની લહેર પુરવાર કરી રહી છે કે પરિવર્તન કેટલું ઝડપથી આવી રહ્યું છે.
સાથીઓ,
આજની યુવાન પેઢીના ડીએનએમાં સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશન પ્રત્યે રસ છે. તેઓ અત્યંત ઝડપથી ટેકનોલોજીને અપનાવી લેતા હોય છે. આપણે આ યુવા પેઢીને સંપૂર્ણ શક્તિ સાથે સપોર્ટ કરવાનો છે. આજના નવા ભારતમાં યુવાન પેઢી માટે રિસર્ચ તથા ઇનોવેશનના ક્ષેત્રમાં નવા ક્ષેત્ર બની રહ્યા છે. નવા ક્ષેત્રો ખૂલી રહ્યા છે. સ્પેશ મિશન હોય, ડીપ સમૂદ્ર મિશન હોય, નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન હોય, સેમિ કન્ડક્ટર મિશન હોય, મિશન હાઇડ્રોજન હોય, ડ્રોન ટેકનોલોજી હોય, આવા અનેક અભિયાનો પર ઝડપથી કામ થઈ રહ્યું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ આ વાત પર ખાસ ભાર આપવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું શિક્ષણ ઉપલબ્ધ થઈ શકે.
સાથીઓ,
આ અમૃતકાળમાં ભારતને રિસર્ચ અને ઇનોવેશનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે આપણે સૌએ એક સાથે મળીને અનેક મોરચા પર કામ કરવાનું છે. આપણી સાયન્સ અને ટેકનોલોજી સાથે સકળાયેલા રિસર્ચને આપણે સ્થાનિક સ્તરે લઈ જવાની છે. આજે સમયની માગ છે કે દરેક રાજ્ય પોતાની સ્થાનિક સમસ્યાઓ મુજબ ઉકેલ તૈયાર કરવા માટે ઇનોવેશન પર ભાર મૂકે. હવે જેમ કે કન્સ્ટ્રક્શનનું જ ઉદાહરણ લો. જે ટેકનોલોજી હિમાલયના ક્ષેત્રોમાં અનુકૂળ છે તે જરૂરી નથી કે પશ્ચિમી ઘાટમાં પણ એટલી જ પ્રભાવશાળી હોય. રેગિસ્તાનના પોતાના પડકારો છે તો તટવર્તી પ્રદેશોની પોતાની જ સમસ્યા છે. તેથી જ આજે અમે પરવડે તેવા હાઉસિંગ માટે લાઇટ હાઉસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ જેમાં ઘણી ટેકનિકનો ઉપયોગ થઈ રહ્યો છે તેને અજમાવવામાં આવી રહી છે. આ જ રીતે આબોહવા સ્થિતિસ્થાપક પાક, તેને લઈને પણ આપણે જેટલા સ્થાનિક બનીશું, પગભર બનીશું તેટલા જ બહેતર પરિણામ લાવી શકીશું. આપણા શહેરોથી નીકળનારી જે ખરાબ પેદાશ છે તેની રિ-સાઇક્લિંગમાં, સરક્યુલર ઇકોનોમીમાં પણ સાયન્સની મોટી ભૂમિકા છે. આવા દરેક પડકારને પહોંચી વળવા માટે આવશ્યક છે પ્રત્યેક રાજ્ય સાયન્સ ઇનોવેશન્સ અને ટેકનોલોજીથી સંકળાયેલી આધુનિક નીતિનું નિર્માણ કરે અને તેની ઉપર અમલ કરે.
સાથીઓ,
સરકાર તરીકે આપણે આપણા વૈજ્ઞાનિકોની સાથે વઘુમાં વધુ સહકાર અને સંયોજન કરવું પડશે. તેનાથી જ દેશમાં વૈજ્ઞાનિક આધુનિકતાનો માહોલ વધશે. ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારોએ વધુમાં વધુ વૈજ્ઞાનિક સંસ્થાનોનું નિર્માણ માટે અને પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે ભાર મૂકવો જોઇએ. રાજ્યમાં જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો છે તેમાં ઇનોવેશન લેબોરેટરીની સંખ્યામાં પણ વધારો કરવો જોઇએ. આજકાલ હાઇપર વિશેષજ્ઞતાનો ગાળો ચાલી રહ્યો છે. રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની વિશેષ લેબોરેટરીઝની સ્થાપના કરવામાં આવી રહી છે તેની જરૂરિયાત પણ ઘણી છે. તેમાં કેન્દ્રના સ્તર પર રાષ્ટ્રીય સંસ્થાનોની કુશળતાના સ્તર પર રાજ્યોની જ દરેક પ્રકારની મદદ માટે અમારી સરકાર તત્પર છે. શાળાઓમાં સાયન્સની આધુનિક લેબની સાથે સાથે અટલ ટિંકરિંગ લેબ્સનું નિર્માણના અભિયાનને પણ આપણે વેગીલું બનાવવાનું છે.
સાથીઓ,
રાજ્યોમાં રાષ્ટ્રીય સ્તરના અનેક વૈજ્ઞાનિક સંસ્થાન હોય છે, નેશનલ લેબોરેટરીઝ પણ હોય છે. તેના સામર્થ્યનો લાભ તેની કુશળતાનો સંપૂર્ણ લાભ રાજ્યોને લેવો જોઇએ. આપણે આપણા સાયન્સ સાથે સંકળાયેલા સંસ્થાનોને સિલોસની સ્થિતિમાંથી બહાર લાવવા પડશે. રાજ્યના સામર્થ્ય અને સંસાધનોના બહેતર ઉપયોગ માટે તમામ વૈજ્ઞાનિક સંસ્થાનોનો મહત્તમ ઉપયોગ એટલો જ જરૂરી છે. તમારે તમારા રાજ્યમાં આ પ્રકારના કાર્યક્રમોની સંખ્યામાં વધારો કરવો જોઇએ. જે પાયાના સ્તરે સાયન્સ અને ટેકનોલોજીને લઈને આપણને સૌને આગળ ધપાવે છે. પરંતુ તેમાં પણ આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે. જેમ કે કેટલાક રાજ્યમાં સાયન્સ ફેસ્ટિવલ થાય છે પરંતુ એ પણ હકીકત છે કે તેમાં ઘણી બધી શાળાઓ ભાગ જ લેતી નથી. આપણે તેના કારણો પર કામ કરવું જોઇએ, વધુમાં વધુ શાળાઓને સાયન્સ ફેસ્ટિવલનો હિસ્સો બનાવવી જોઇએ. આપ તમામ મંત્રી સાથીઓને મારું સૂચન છે કે પોતાના રાજ્યોની સાથે સાથે અન્ય રાજ્યોના સાયન્સ અભ્યાસક્રમ પર બારીક નજર રાખો. અન્ય રાજ્યોમાં જે કાંઈ સારી બાબત છે તેને તમે તમારે ત્યાં ઉપયોગમાં લઈ શકો છો. દેશમાં સાયન્સને વેગ આપવા માટે દરેક રાજ્યમાં સાયન્સ અને ટેકનોલોજી સાથે સંકળાયેલા માળખાનું નિર્માણ એટલું જ જરૂરી છે.
સાથીઓ,
ભારતની રિસર્ચ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ દુનિયામાં શ્રેષ્ઠ હોય, અમૃતકાળમાં આપણે તેના માટે ઇમાનદારી સાથે સંકળાવાનું છે. આ દિશામાં આ કોન્કલેવ, સાર્થક અને સમયબદ્ધ ઉકેલો સાથે સામે આવશે. આ શુભકામનાની સાથે સાથે આપ તમામનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું અને મને વિશ્વાસ છે કે આપના આ મંથનથી વિજ્ઞાનની ગતિ પ્રગતિમાં નવા પાસાઓ ઉમેરાશે, નવા સંકલ્પો ઉમેરાશે અને આપણે સૌ મળીને આવનારા દિવસોમાં જે આપણી સમક્ષ અવસર છે તે અવસરને ગુમાવવા દઇશું નહીં કોઇ પણ સંજોગોમાં આ તક જવી જોઇએ નહીં. આપણી પાસે ઘણા મૂલ્યવાન 25 વર્ષ છે. આ 25 વર્ષ જે વિશ્વમાં ભારતની એક નવી ઓળખ, નવી તાકાત, નવા સામર્થ્યની સાથે સાથે ભારતને ઊભું કરી દેશે. અને તેથી જ સાથીઓ આપનો આ સમય સાચા અર્થમાં આપના રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વેગ આપનારો બની રહેવો જોઇએ. મને વિશ્વાસ છે કે આપ આ મંથનથી એ અમૃત કાઢીને લાવશો જે અમૃત તમે તમારા પોતપોતાના રાજ્યમાં અનેક અનુસંધાનોની સાથે દેશની પ્રગતિ સાથે સાંકળી લેશો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.