દેશના સંરક્ષણ મંત્રી શ્રીમાન રાજનાથ સિંહજી, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સાથી હિમાચલના છોકરા અનુરાગ ઠાકુર, હિમાચલ સરકારના મંત્રીગણ, અન્ય જન પ્રતિનિધિ ગણ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતજી, આર્મી ચીફ, સંરક્ષણ મંત્રાલય સરહદ માર્ગ સાથે જોડાયેલ તમામ સાથીઓ અને હિમાચલ પ્રદેશના મારા ભાઈઓ અને બહેનો.
આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. આજે માત્ર અટલજીનું જ સપનું પૂરું નથી થયું, પરંતુ આજે હિમાચલ પ્રદેશના કરોડો લોકોની પણ દાયકાઓ સુધી જોવાયેલી પ્રતિક્ષાનો અંત આવ્યો છે.
મારુ બહુ મોટું સૌભાગ્ય છે કે આજે મને અટલ ટનલનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો છે. અને જેમ કે હમણાં રાજનાથજીએ જણાવ્યું કે હું અહિયાં સંગઠનનું કામ જોતો હતો, અહિયાના પહાડો, અહિયાની ખીણોમાં હું મારો ખૂબ શ્રેષ્ઠ સમય વિતાવતો હતો અને જ્યારે અટલજી મનાલીમાં આવીને રહેતા હતા તો અવારનવાર તેમની પાસે બેસવાનું, વાતચીત કરવી. અને હું અને ધૂમલજી એક દિવસ ચા પીતા પીતા આ વિષયને ખૂબ આગ્રહ સાથે તેમની સમક્ષ મૂકી રહ્યા હતા. અને જેમ કે અટલજીની વિશેષતા હતી કે તેઓ ખૂબ આંખો ખોલીને ખૂબ ઊંડાણથી અમને વાંચી રહ્યા હતા કે અમે શું કહી રહ્યા છીએ. તેઓ માથું ધૂણાવી દેતા હતા કે હા ભાઈ. પરંતુ આખરે જે વાતને લઈને હું અને ધૂમલજી તેમની આગળ લાગેલા રહેતા હતા તે ભલામણ અટલજીનું સપનું બની ગયું, સંકલ્પ બની ગયો અને આજે આપણે તેને એક સિદ્ધિના રૂપમાં આપણી નજર સમક્ષ જોઈ રહ્યા છીએ. તેના લીધે જીવનમાં કેટલો મોટો સંતોષ મળી શકે છે તમે કલ્પના કરી શકો છો.
હવે આ થોડી મિનિટો પહેલા આપણે બધાએ એક મૂવી પણ જોઈ અને મેં ત્યાં એક ચિત્ર પ્રદર્શન પણ જોયું – ધી મેકિંગ ઓફ અટલ ટનલ. અવારનવાર લોકાર્પણની ઝાકઝમાળમાં એ લોકો ક્યાંક પાછળ રહી જાય છે જેમના પરિશ્રમ દ્વારા જ આ બધુ શક્ય બન્યું હોય છે. અભેદ્ય પીર પાંજલ તેને ભેદીને એક અત્યંત કઠોર સંકલ્પને આજે પૂરો કરવામાં આવ્યો છે. આ મહાયજ્ઞમાં પોતાનો પરસેવો વહાવનારા, પોતાનો જીવ જોખમમાં નાખનારા મહેનતુ જવાનોને, એન્જિનિયરોને, તમામ શ્રમિક ભાઈ બહેનોને આજે હું આદરપૂર્વક નમન કરું છું.
સાથીઓ, અટલ ટનલ હિમાચલ પ્રદેશના એક મોટા ભાગની સાથે સાથે નવા કેન્દ્ર શાસિત પ્રદેશ લેહ લદ્દાખની પણ જીવાદોરી બનવા જઈ રહી છે. હવે સાચા અર્થમાં હિમાચલ પ્રદેશનું આ મોટું ક્ષેત્ર અને લેહ લદ્દાખ દેશના બાકી ભાગો સાથે હંમેશા જોડાયેલ રહેશે, પ્રગતિ પથ પર ઝડપથી આગળ વધશે.
આ ટનલ દ્વારા મનાલી અને કેલોન્ગની વચ્ચેનું અંતર 3-4 કલાક ઓછું થઈ જ જશે. પહાડના મારા ભાઈ બહેનો સમજી શકે છે કે પહાડ પર 3-4 કલાકનું અંતર ઓછું થવું એનો અર્થ શું થાય છે.
સાથીઓ, લેહ લદ્દાખના ખેડૂતો, માળીઓ, યુવાનો માટે પણ હવે દેશની રાજધાની દિલ્હી અને અન્ય બજારો સુધીની તેમની પહોંચ સરળ બની જશે. તેમનું જોખમ પણ ઓછું થઈ જશે. એટલું જ નહિ, આ ટનલ દેવધરા હિમાચલ અને બુદ્ધ પરંપરાના તે જોડાણને પણ સશક્ત કરવાની છે કે જે ભારતથી નીકળીને આજે આખી દુનિયાને નવી રાહ, નવો પ્રકાશ પ્રદર્શિત કરી રહી છે. તેની માટે હિમાચલ અને લેહ લદ્દાખના તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન!
સાથીઓ, અટલ ટનલ ભારતની સરહદ ઇન્ફ્રાસ્ટ્રકચરને પણ નવી તાકાત આપવા જઈ રહી છે. આ વિશ્વસ્તરીય સરહદ સંપર્કનું જીવતું જાગતું ઉદાહરણ છે. હિમાલયનો તે ભાગ હોય, કે પછી પશ્ચિમ ભારતનો રણ વિસ્તાર હોય કે પછી દક્ષિણ અને પૂર્વી ભારતનો દરિયાઈ વિસ્તાર હોય, તે બધા દેશની સુરક્ષા અને સમૃદ્ધિ, બંનેના બહુ મોટા સંસાધનો છે. હંમેશથી આ ક્ષેત્રોના સંતુલન અને સંપૂર્ણ વિકાસને લઈને અહિયાના ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ સારું બનાવવાની માંગણી થતી રહી છે. પરંતુ લાંબા સમય સુધી આપણે ત્યાં બોર્ડર સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેક્ટ્સ કાં તો પ્લાનિંગના સ્ટેજમાંથી બહાર જ નથી નીકળી શક્યા અથવા તો જે નીકળ્યા છે તે અટકીને પડેલા રહ્યા, લટકેલા રહ્યા, ભટકેલા રહ્યા. અટલ ટનલની સાથે પણ ક્યારેક ક્યારેક તો આવું જ કઇંક અનુભવાયું પણ છે.
વર્ષ 2002માં અટલજીએ આ ટનલ માટે એપ્રોચ રોડનો શિલાન્યાસ કર્યો હતો. અટલજીની સરકાર ગયા બાદ જે રીતે આ કામને ભુલાવી દેવામાં આવ્યું. હાલત એવી હતી કે વર્ષ 2013-14 સુધી ટનલની માટે માત્ર 1300 મીટર એટલે કે દોઢ કિલોમીટર કરતાં પણ ઓછું કામ થઈ શક્યું હતું.
નિષ્ણાતો જણાવે છે કે જે ગતિએ અટલ ટનલનું કામ તે સમયે થઈ રહ્યું હતું, જો તે જ ગતિએ ચાલુ રહ્યું હોત તો આ સુરંગ વર્ષ 2040માં જઈને કદાચ પૂરી થઈ શકી હોત. તમે જરા કલ્પના કરો કે તમારી આજે જે ઉંમર છે, તેમાં 20 વર્ષ બીજા ઉમેરી દો ત્યારે જઈને લોકોના જીવનમાં આ દિવસ આવવાનો હતો, તેમનું સપનું પૂરું થવાનું હતું.
જ્યારે વિકાસના પથ પર ઝડપથી આગળ વધવું હોય, જ્યારે દેશના લોકોના વિકાસની પ્રબળ ઈચ્છા હોય, તો ગતિ વધારવી જ પડે છે. અટલ ટનલના કામમાં પણ 2014 પછી અભૂતપૂર્વ ગતિ લાવવામાં આવી. બીઆરઓ સમક્ષ આવનારી તમામ મુશ્કેલીને ઉકેલવામાં આવી.
તેનું પરિણામ એ આવ્યું કે જ્યાં દર વર્ષે 300 મીટર સુરંગ બની રહી હતી તેની ગતિ વધીને 1400 મીટર પ્રતિ વર્ષ થઈ ગઈ. માત્ર 6 વર્ષની અંદર અમે 26 વર્ષનું કામ પૂર્ણ કરી નાખ્યું.
સાથીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આટલા મહત્વપૂર્ણ અને મોટા પ્રોજેક્ટના નિર્માણમાં વિલંબ થવાથી દેશનું બધી રીતે નુકસાન થાય છે. તેનાથી લોકોને સુવિધા મળવામાં તો મોડું થાય જ છે પરંતુ સાથે સાથે તેનું પરિણામ દેશને આર્થિક સ્તર ઉપર પણ વેઠવું પડે છે.
વર્ષ 2005માં એવું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, કે આ ટનલ લગભગ સાડા નવસો કરોડ રૂપિયામાં તૈયાર થઈ જશે પરંતુ સતત થઈ રહેલ વિલંબનાં કારણએ આજે તે ત્રણ ગણી કરતાં પણ વધુ એટલે કે લગભગ લગભગ 3200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચ કર્યા પછી પૂરી થઈ શકી છે. જરા કલ્પના કરો કે જો 20 વર્ષ વધારે લાગી જાત તો શું હાલત થઈ હોત.
સાથીઓ, સંપર્કનો દેશના વિકાસ સાથે સીધો સંબંધ હોય છે. વધુમાં વધુ સંપર્ક એટલે કે તેટલો જ વધુ ઝડપી વિકાસ. ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં તો સંપર્ક સીધે સીધો દેશની સુરક્ષા જરૂરિયાતો સાથે જોડાયેલો હોય છે. પરંતુ તેને લઈને જે રીતે ગંભીરતા હતી અને તેની માટે જેટલી ગંભીરતાની જરૂરિયાત હતી, જે રીતની રાજનૈતિક ઈચ્છા શક્તિની જરૂરિયાત હતી, દુર્ભાગ્યે તે જોવા નહોતી મળી.
અટલ ટનલની જેમ જ અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સાથે આવો જ વ્યવહાર કરવામાં આવ્યો. લદ્દાખમાં દૌલત બેગ ઓલ્ડીના રૂપમાં વ્યૂહાત્મક રૂપે ખૂબ મહત્વપૂર્ણ એર સ્ટ્રીપ 40-50 વર્ષ સુધી બંધ રહી હતી. શું મજબૂરી હતી, એવું કયું દબાણ હતું, હું તેમાં ઊંડો જવા માંગુ છું. તે વિષયમાં ઘણું બધુ કહેવાઈ ચૂક્યું છે, ઘણું બધુ લખાઈ ચૂક્યું છે. પરંતુ વાસ્તવિકતા તો એ જ છે કે દૌલત બેગ ઓલ્ડીની એર સ્ટ્રીપ વાયુસેનાના પોતાના ઈરાદાઓના કારણે જ શરૂ થઈ શકી છે, તેમાં રાજનૈતિક ઈચ્છા શક્તિ ક્યાંય જોવા નહોતી મળી.
સાથીઓ, હું એવા ડઝનબંધ પ્રોજેક્ટ તમને ગણાવી શકું છું કે જે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અને સુવિધાની દ્રષ્ટિએ ભલે ગમે તેટલા મહત્વપૂર્ણ કેમ ના રહ્યા હોય પરંતુ વર્ષો સુધી તેની અવગણના કરવામાં આવી છે.
મને યાદ છે કે હું લગભગ બે વર્ષ પહેલા અટલજીના જન્મ દિવસના અવસર પર આસામમાં હતો. ત્યાં આગળ ભારતના સૌથી લાંબા રેલ રોડ બ્રિજ ‘બોગીબિલ પુલ’ દેશને સમર્પિત કરવાનો અવસર મને મળ્યો હતો. આ પુલ આજે ઉત્તર પૂર્વ અને અરુણાચલ પ્રદેશ સાથે સંપર્કનું બહુ મોટું માધ્યમ બની રહ્યો છે. બોગીબિલ પુલ પર પણ અટલજીની સરકારના સમય દરમિયાન કામ શરૂ થયું હતું, પરંતુ તેમની સરકાર ગયા બાદ ફરી પાછું આ પુલનું કામ ઢીલું પડી ગયું. વર્ષ 2014 પછી આ કામે પણ ગતિ પકડી અને ચાર વર્ષની અંદર અંદર આ પુલનું કામ પૂરું કરી દેવામાં આવ્યું.
અટલજીની સાથે જ એક અન્ય પુલનું નામ જોડાયેલું છે- કોસી મહાસેતુનું. બિહારમાં મિથિલાંચલના બે ભાગોને જોડનારી કોસી મહાસેતુનો શિલાન્યાસ પણ અટલજીએ જ કર્યો હતો. પરંતુ તેનું કામ પણ અટવાયેલું રહ્યું, ગુંચવાયેલું રહ્યું.
2014 માં અમે સરકારમાં આવ્યા બાદ કોસી મહાસેતુનું કામ પણ અમે ઝડપી કરાવ્યું. હમણાં થોડા દિવસો પહેલા જ કોસી મહાસેતુનું પણ લોકાર્પણ કરવામાં આવી ચૂક્યું છે.
સાથીઓ, દેશના લગભગ પ્રત્યેક વિસ્તારમાં કનેક્ટિવિટીના મોટા–મોટા પ્રોજેક્ટ્સની આ જ હાલત રહી છે. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે અને ઘણી ઝડપભેર બદલાઈ રહી છે. વીતેલાં 6 વર્ષોમાં આ દિશામાં અભૂતપૂર્વ પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પૂરેપૂરી શક્તિ લગાડવામાં આવી છે.
હિમાલય ક્ષેત્રમાં, ભલે તે હિમાચલ હોય, જમ્મુ કાશ્મીર હોય, કારગીલ–લેહ–લદ્દાખ હોય, ઉત્તરાખંડ હોય, સિક્કિમ હોય, અરુણાચલ પ્રદેશ હોય, પ્રોજેક્ટ પૂરા કરવામાં આવ્યા છે અને અનેક પ્રોજેક્ટ્સ ઉપર ઝડપભેર કામ ચાલી રહ્યું છે. માર્ગ બનાવવાનાં કામ હોય, પુલ બનાવવાનાં કામ હોય, સુરંગ બનાવવાનાં કામ હોય, અગાઉ ક્યારેય દેશમાં આ ક્ષેત્રોમાં આટલા મોટા પાયે કામ નથી થયાં.
આનો ઘણો મોટો લાભ સામાન્ય લોકોની સાથે સાથે આપણા લશ્કરના ભાઈ–બહેનોને પણ થઈ રહ્યો છે. ઠંડીની મોસમમાં તેમના સુધી સાધન–સરંજામ પહોંચાડવાનાં હોય, તેમની સુરક્ષા સંબંધિત માલસામાન હોય, તેઓ સુગમતાપૂર્વક પેટ્રોલિંગ કરી શકે, એ માટે માર્ગો બાંધવામાં આવી રહ્યા છે.
સાથીઓ, દેશની સુરક્ષા માટેની આવશ્યકતાઓ, દેશની સુરક્ષા કરવાવાળાઓની જરૂરિયાતો ધ્યાન ઉપર રાખવી, તેમના હિતોને ધ્યાનમાં રાખવાં, એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક છે.
હિમાચલ પ્રદેશના આપણા ભાઈ–બહેનોને આજે પણ યાદ છે કે વન રેન્ક વન પેન્શન માટે અગાઉની સરકારોનું વર્તન કેવું હતું. ચાર દાયકાઓ સુધી આપણા લશ્કરના ભૂતપૂર્વ જવાનોને ફક્ત વાયદા જ કરવામાં આવ્યા. કાગળ ઉપર ફક્ત 500 કરોડ રૂપિયા બતાવીને એ લોકો કહેતા હતા કે વન રેન્ક વન પેન્શનનો અમલ કરીશું. પરંતુ એ પછી પણ અમલ ન કર્યો. આજે વન રેન્ક – વન પેન્શનનો લાભ દેશના લાખો લશ્કરના ભૂતપૂર્વ જવાનોને મળી રહ્યો છે. ફક્ત એરિયર તરીકે જ કેન્દ્ર સરકારે લગભગ 11 હજાર કરોડ રૂપિયા ભૂતપૂર્વ લશ્કરી જવાનોને આપ્યા છે.
હિમાચલ પ્રદેશના પણ આશરે એક લાખ સૈનિક સાથીઓને તેનો લાભ મળ્યો છે. અમારી સરકારના નિર્ણયો સાક્ષી છે કે અમે જે નિર્ણયો લીધા, તે અમે અમલ કરીને બતાવીએ છીએ. દેશના હિતથી વધુ, દેશની સુરક્ષાથી વધુ, અમારે માટે બીજું કંઈ પણ નથી. પરંતુ દેશે લાંબા સમય સુધી એવો સમય પણ જોયો છે, જ્યારે દેશની સુરક્ષાનાં હિતો સાથે સમાધાન કરાયું હોય. દેશની વાયુસેના આધુનિક ફાઈટર પ્લેન માંગતી રહી. એ લોકો ફાઈલ ઉપર ફાઈલ, ફાઈલ ઉપર ફાઈલ, ક્યારેક ફાઈલ ખોલતા હતા, ક્યારેક ફાઈલ સાથે રમત રમતા હતા.
શસ્ત્રો અને દારૂગોળો હોય, આધુનિક રાયફલો હોય, બુલેટપ્રૂફ જેકેટ્સ હોય, કડકડતી ઠંડીમાં કામ આવતાં સાધનો અને અન્ય સામાન હોય, બધું જ નેવે મૂકી દેવામાં આવ્યું હતું. એક સમય હતો, જ્યારે આપણાં શસ્ત્ર–સરંજામનાં કારખાનાંની તાકાત, ભલભલાના હોશ ઉડાવી દેતી હતી. પરંતુ દેશનાં શસ્ત્ર–સરંજામનાં કારખાનાંને પોતાની હાલત પર છોડી મૂકવામાં આવ્યાં.
દેશમાં સ્વદેશી લડાયક વિમાનો, હેલિકોપ્ટરો માટે એચએએલ જેવી વિશ્વસ્તરીય સંસ્થા બનાવવામાં આવી, પરંતુ તેને મજબૂત કરવા ઉપર એટલું ધ્યાન ન અપાયું. વર્ષો સુધી સત્તામાં બેઠેલા લોકોના સ્વાર્થે આપણી સૈન્ય ક્ષમતાઓને મજબૂત થતાં અટકાવી, તેનું નુકસાન કર્યું છે.
જે તેજસ લડાયક વિમાન ઉપર આજે દેશને ગર્વ છે, તેને પણ આ લોકોએ ડબ્બામાં બંધ કરી દેવાની તૈયારી કરી લીધી હતી. આ હતી આ લોકોનું સત્ય, આ છે આ લોકોનું સત્ય.
સાથીઓ, હવે આજે દેશમાં આ સ્થિતિ બદલાઈ રહી છે. દેશમાં જ આધુનિક અસ્ત્ર–શસ્ત્ર બને, મેઇક ઈન ઈન્ડિયા હથિયાર બને, એ માટે મોટા સુધારા કરવામાં આવ્યા છે. લાંબો સમય રાહ જોયા બાદ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની વ્યવસ્થા હવે આપણી સિસ્ટમનો ભાગ છે.
તેનાથી દેશની સેનાઓની આવશ્યકતાઓ મુજબ પ્રક્યોરમેન્ટ (ખરીદી) અને પ્રોડક્શન (ઉત્પાદન) બંનેમાં વધુ તાલમેળ સ્થાપિત થયો છે. હવે અનેક એવાં સાધન–સરંજામ છે, જેને વિદેશથી મંગાવવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એ સામાન હવે ફક્ત ભારતીય એકમો પાસેથી જ ખરીદવાનું ફરજિયાત બનાવાયું છે.
સાથીઓ, ભારતમાં ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં વિદેશી રોકાણ અને વિદેશી ટેકનિક પ્રવેશી શકે તે માટે હવે ભારતીય સંસ્થાઓને અનેક પ્રકારનાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાં છે. જેમ–જેમ ભારતની વૈશ્વિક ભૂમિકા બદલાઈ રહી છે, આપણે એટલી જ ઝડપથી, એ જ ગતિથી આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને, આપણા આર્થિક અને સૈન્યને લગતા વ્યૂહાત્મક સામર્થ્યને પણ વધારવાનું છે.
આત્મનિર્ભર ભારતનો આત્મવિશ્વાસ આજે લોકોના વિચારનો હિસ્સો બની ચૂક્યો છે. અટલ ટનલ એ જ આત્મવિશ્વાસનું પ્રતીક છે.
ફરી એકવાર હું આપ સહુને, હિમાચલ પ્રદેશને અને લેહ–લદ્દાખના લાખો સાથીઓને ખૂબ–ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ–ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
હિમાચલ ઉપર મારો કેટલો અધિકાર છે, એ તો હું નથી કહી શકતો, પરંતુ હિમાચલનો મારા ઉપર ખૂબ અધિકાર છે. આજના આ કાર્યક્રમમાં સમય ઘણો ઓછો હોવા છતાં પણ આપણા હિમાચલના પ્રેમે મારા ઉપર એટલું દબાણ કર્યું કે ત્રણ કાર્યક્રમ બનાવી દીધા. આના પછી મારે બીજા બે કાર્યક્રમમાં ઘણા ઓછા સમયમાં બોલવાનું છે. અને એટલે જ હું અહીં વધારે ન કહેતાં કેટલીક વાતો બીજા બે કાર્યક્રમોમાં પણ કહેવાનો છું.
પરંતુ કેટલાક સૂચનો, હું અહીં અવશ્ય આપવા માંગું છું. મારાં આ સૂચનો ભારત સરકારના રક્ષા મંત્રાલય માટે પણ છે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલય માટે પણ છે અને બીઆરઓ માટે ખાસ પણ છે – એક, આ ટનલનું કામ એન્જિનિયરીંગની દ્રષ્ટિએ, વર્ક કલ્ચરની દ્રષ્ટિએ યુનિક છે. પાછલાં વર્ષોમાં, જ્યારે તેનું ડિઝાઈનિંગનું કામ શરૂ થયું, કાગળ ઉપર લખવાનું શરૂ થયું, ત્યારથી અત્યાર સુધીમાં. જો 1000-1500 જગ્યાઓ એવી પસંદ કરાય, મજૂર પણ હોઈ શકે છે અને ટોચની વ્યક્તિ પણ હોઈ શકે છે. તેમણે જે કામ કર્યું છે, તેનો તેમને પોતાને જે અનુભવ થયો છે, એ અનુભવ તેઓ પોતાની ભાષામાં લખે. 1500 લોકો સમગ્ર કોશિષનું શબ્દનિરૂપણ કરશે, ક્યારે, શું, શા માટે થયું, કેવી રીતે થયું, તો તે એક એવો દસ્તાવેજ હશે, જેમાં માનવીય સ્પર્શ હશે. જ્યારે કામ ચાલુ હતું, ત્યારે તે શું વિચારતો હતો, ક્યારેક મુશ્કેલી આવી તો તેને શું લાગ્યું. એક સારો દસ્તાવેજ, હું શૈક્ષણિક દસ્તાવેજની વાત નથી કરી રહ્યો, આ એવો દસ્તાવેજ હશે, જેમાં માનવીય સ્પર્શ હોય. જેમાં મજૂર કામ કરી રહ્યો હશે, તેના સુધી કેટલાક દિવસ ખાવાનું નહીં પહોંચ્યું હોય, કેવી રીતે કામ કર્યું હશે, એ વાતનું પણ ઘણું મહત્ત્વ છે. ક્યારેક કોઈ સામાન પહોંચાડવાવાળો હશે, બરફને કારણે પહોંચી નહીં શક્યો હોય, તેણે કેવી રીતે કામ કર્યું હશે.
ક્યારેક કોઈ પડકાર ઊભો થયો હશે, તો કોઈ એન્જિનિયરે તેનો કેવી રીતે સામનો કર્યો હશે. હું ઈચ્છું છું કે ઓછામાં ઓછા 1500 લોકો, દરેક સ્તરે કામ કરવાવાળા લોકો, પાંચ પાનાં, છ પાનાં, 10 પાનાંમાં પોતાના અનુભવ લખે. કોઈ એક વ્યક્તિને જવાબદારી આપો, પછી તે અનુભવોને થોડા મઠારીને ભાષાકીય સુધારા કરીને દસ્તાવેજ બનાવી દેવાય અને છાપવાની જરૂર નથી, ડિજિટલ બનાવી દેવાશે તો પણ ચાલશે.
બીજું, શિક્ષણ મંત્રાલયને મારો આગ્રહ છે કે આપણા દેશમાં જેટલી પણ ટેકનિકલ અને એન્જિનિયરીંગથી જોડાયેલી યુનિવર્સિટીઝ છે, તે યુનિવર્સિટીઓના બાળકોને કેસ સ્ટડીનું કામ આપવામાં આવે. અને દરેક વર્ષે એક–એક યુનિવર્સિટીમાંથી આઠ–દસ બાળકોની બેચ અહીં આવે, કેસ સ્ટડીનો કેવી રીતે વિચાર આવ્યો, કેવી રીતે બન્યો, કેવા પડકારો આવ્યા, કેવી રીતે ઉકેલ નીકળ્યા અને દુનિયામાં સૌથી ઊંચી અને સૌથી લાંબી જગ્યા ઉપર વિશ્વભરમાં ખ્યાતિ મેળવનારી આ ટનલનું એન્જિનિયરીંગ જ્ઞાન આપણા દેશના વિદ્યાર્થીઓને હોવું જોઈએ.
એટલું જ નહીં, વૈશ્વિક સ્તરે પણ હું ઈચ્છીશ કે વિદેશ સંબંધિત બાબતોના મંત્રાલયના કેટલાક લોકો કેટલીક યુનિવર્સિટીઓને આમંત્રણ આપે. ત્યાંની યુનિવર્સિટીઓ અહીં કેસ સ્ટડી માટે આવે. પ્રોજેક્ટ ઉપર અભ્યાસ કરે. દુનિયામાં આપણી તાકાતનો પરિચય થવો જોઈએ. વિશ્વને આપણી તાકાતનો પરિચય હોવો જોઈએ. મર્યાદિત સંસાધનો હોવા છતાં પણ વર્તમાન પેઢીના આપણા યુવાન કેવું અદભુત કામ કરી શકે છે, તેની માહિતી દુનિયાને હોવી જોઈએ.
અને એટલે જ હું ઈચ્છું કે સંરક્ષણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, વિદેશ સંબંધિત બાબતોના મંત્રાલય, બીઆરઓ, સહુ સાથે મળીને એક રીતે સતત આ ટનલના કાર્યના શિક્ષણનો હિસ્સો બની જાય. આપણી એક સમગ્ર નવી પેઢી તેનાથી તૈયાર થઈ જશે તો ટનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનશે, પરંતુ મનુષ્ય નિર્માણ પણ એક ઘણું મોટું કામ હોય છે. આપણા એન્જિનિયરોને શ્રેષ્ઠ બનાવવાનું કામ પણ આ ટનલ કરી શકે છે અને આપણે આ દિશામાં પણ કામ કરીએ.
હું ફરી એકવાર તમને સહુને ખૂબ–ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ–ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હું એ જવાનોને પણ અભિનંદન પાઠવું છું, જેમણે આ કામને કાબેલિયતપૂર્વક નિભાવ્યું, સરસ રીતે પૂરું કર્યું અને દેશનું માન વધાર્યું છે.
ખૂબ–ખૂબ આભાર!!!