"ભારત દેશમાં ઑલિમ્પિકની યજમાની કરવા આતુર છે. વર્ષ 2036માં ઑલિમ્પિકનાં સફળ આયોજનની તૈયારીમાં ભારત કોઈ કસર છોડશે નહીં. આ 140 કરોડ ભારતીયોનું સપનું છે"
"ભારત વર્ષ 2029 માં યોજાનારી યુથ ઑલિમ્પિક્સની યજમાની માટે પણ ઉત્સુક છે"
"ભારતીયો માત્ર રમતપ્રેમીઓ જ નથી, પરંતુ આપણે તેને જીવીએ પણ છીએ"
"ભારતનો રમતગમતનો વારસો સમગ્ર વિશ્વનો છે"
"રમતગમતમાં, કોઈ હારનાર નથી હોતા, ફક્ત વિજેતાઓ અને શીખનારાઓ હોય છે"
"અમે ભારતમાં રમતગમતમાં સર્વસમાવેશકતા અને વિવિધતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ"
"આઇઓસીના એક્ઝિક્યુટિવ બૉર્ડે ક્રિકેટને ઑલિમ્પિકમાં સામેલ કરવાની ભલામણ કરી છે અને અમને આશા છે કે ટૂંક સમયમાં સકારાત્મક સમાચાર સાંભળવા મળશે"

IOCના અધ્યક્ષ શ્રી થોમસ બાચ, IOCના માનનીય સભ્યો, તમામ આંતરરાષ્ટ્રીય રમતગમત સંઘો, ભારતના રાષ્ટ્રીય સંઘના તમામ પ્રતિનિધિઓ, બહેનો અને ભાઇઓ!

140 કરોડ ભારતીયો વતી હું આપ સૌનું ખાસ આયોજનમાં સ્વાગત કરું છું અને અભિનંદન પાઠવું છું. તે ખૂબ જ ખાસ છે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘનું આ 141મું સત્ર ભારતમાં યોજાવા જઇ રહ્યું છે. ભારતમાં 40 વર્ષ પછી IOC સત્રનું આયોજન કરવામાં આવ્યું છે તે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે.

મિત્રો,

હમણાં થોડી મિનિટો પહેલાં જ અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા મેદાનમાં ભારતે શાનદાર જીત નોંધાવી હતી. હું આ ઐતિહાસિક જીત બદલ ભારતની ટીમ અને તમામ ભારતીયોને અભિનંદન પાઠવું છું.

 

સાથીઓ,

ભારતમાં રમતગમત આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે. જો તમે ભારતના ગામડાઓની મુલાકાતે જશો તો તમને જોવા મળશે કે દરેક તહેવાર રમત-ગમત વિના અધૂરો હોય છે. અમે ભારતીયો માત્ર રમતપ્રેમી જ નથી, પરંતુ અમે રમતમાં જીવનારા લોકો છીએ. અને આ બાબત હજારો વર્ષના અમારા ઇતિહાસમાં પ્રતિબિંબિત થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિ હોય, હજારો વર્ષ પહેલાનો વૈદિક કાળ હોય કે ત્યાર પછીનો સમયગાળો હોય, રમતગમતને લગતો ભારતનો વારસો દરેક સમયગાળામાં ઘણો સમૃદ્ધ રહ્યો છે. હજારો વર્ષ પહેલાં લખાયેલા આપણા ગ્રંથોમાં 64 વિદ્યાઓમાં વ્યક્તિની નિપુણતાની વાત કરવામાં આવી છે. આમાંની ઘણી વિદ્યાઓ રમત સાથે સંબંધિત હતી, જેમ કે ઘોડેસવારી, તીરંદાજી, તરણવિદ્યા, કુસ્તી, આવા અનેક કૌશલ્યો શીખવા પર ભાર મૂકવામાં આવતો હતો. તીરંદાજી શીખવા માટે આખી ધનુર્વિદ્યા સંહિતા લખવામાં આવી હતી. આ કોડમાં એક જગ્યાએ કહેવાયું છે કે -

धनुश चकरन्च् कुन्तन्च् खडगन्च् क्षुरिका गदा।

सप्तमम् बाहु युद्धम्, स्या-देवम्, युद्धानी सप्तधा।

એટલે કે, વ્યક્તિ પાસે તીરંદાજી સાથે સંબંધિત 7 પ્રકારના કૌશલ્ય હોવા જોઇએ. જેમાં ધનુષ અને તીર, ચક્ર, ભાલા એટલે કે આજની ભાલા ફેંક, તલવારબાજી, ડ્રેગર, ગદા અને કુસ્તીનો સમાવેશ થાય છે.

સાથીઓ,

રમતગમતના આ હજારો વર્ષ જૂના આપણા વારસાના ઘણા વૈજ્ઞાનિક પુરાવા છે. આપણે મુંબઇમાં અત્યારે જ્યાં છીએ ત્યાંથી લગભગ 900 કિલોમીટર દૂર, કચ્છમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સાઇટ – ધોળાવીરા આવેલી છે. ધોળાવીરા 5 હજાર વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ખૂબ જ વિશાળ અને સમૃદ્ધ બંદર શહેર હતું. આ પ્રાચીન શહેરમાં શહેરી આયોજનની સાથે સાથે રમતગમતને લગતી માળખાકીય સુવિધાઓની પણ શાનદાર રચના જોવા મળી છે. ખોદકામ દરમિયાન અહીં બે સ્ટેડિયમ હોવાનું પણ બહાર આવ્યું હતું. આમાંથી એક વિશ્વનું સૌથી જૂનું મેદાન અને તે સમયે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. ભારતના આ 5 હજાર વર્ષ જૂના સ્ટેડિયમમાં એક સાથે 10 હજાર લોકો બેસી શકે તેવી ક્ષમતા છે. ભારતના અન્ય એક પ્રાચીન સ્થળ રાખીગઢીમાં પણ રમતગમત સાથે સંબંધિત માળખાઓની ઓળખ કરવામાં આવી છે. ભારતનો આ વારસો સમગ્ર વિશ્વની ધરોહર છે.

 

મિત્રો,

રમતગમતમાં કોઇ હારનાર નથી હોતા, રમતગમતમાં ફક્ત વિજેતાઓ અને શીખનારાઓ છે. રમતગમતની ભાષા સાર્વત્રિક છે, તેની ભાવના સાર્વત્રિક છે. રમતગમત એ માત્ર કોઇ સ્પર્ધા નથી. રમતગમત માનવજાતને વિસ્તરણ કરવાની તક આપે છે. ભલે કોઇપણ વ્યક્તિ વિક્રમ તોડે છે, પરંતુ આખી દુનિયા તેનું સ્વાગત કરે છે. રમતગમત ‘વસુધૈવ કુટુંબકમ્’ એટલે કે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની આપણી લાગણીને પણ વધારે મજબૂત બનાવે છે. તેથી અમારી સરકાર દરેક સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવ, ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ, ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ, સંસદ સભ્ય રમતમગત સ્પર્ધા અને ટૂંક સમયમાં યોજાનારા ખેલો ઇન્ડિયા પેરા રમતોત્સવ તેના ઉદાહરણો છે. અમે ભારતમાં રમતગમતના વિકાસ માટે સર્વસમાવેશીતા અને વિવિધતા પર પણ સતત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

મિત્રો,

રમતગમતો પર ભારત દ્વારા જે પ્રકારે આ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે તેને કારણે આજે ભારત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. ગત ઓલિમ્પિકમાં ઘણા ભારતીય ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં સંપન્ન થયેલા એશિયાઇ રમતોત્સવમાં ભારતે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. તે પહેલાં યોજાયેલા વિશ્વ યુનિવર્સિટી રમતોત્સવમાં પણ અમારા યુવા ખેલાડીઓએ નવા વિક્રમો સ્થાપિત કર્યા છે. આ ભારતમાં બદલાઇ રહેલા અને ઝડપથી વિકસી રહેલા રમતગમતના પરિદૃશ્યનો આ સંકેત છે.

 

સાથીઓ,

વિતેલા વર્ષોમાં, ભારતે તમામ પ્રકારની વૈશ્વિક રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવાની તેની ક્ષમતા પુરવાર કરી બતાવી છે. અમે તાજેતરમાં જ ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કર્યું હતું, જેમાં વિશ્વના 186 દેશોએ ભાગ લીધો હતો. અમે ફૂટબોલ અંડર-17, મહિલા વિશ્વ કપ, પુરુષ હોકી વિશ્વ કપ, મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ અને શૂટિંગ વિશ્વ કપનું પણ આયોજન કર્યું હતું. ભારત દર વર્ષે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગનું પણ આયોજન કરે છે. હાલના સમયમાં જ ભારતમાં ક્રિકેટ વિશ્વ કપ પણ ચાલી રહ્યો છે. ઉત્સાહ ભર્યા આ માહોલમાં, IOCના કાર્યકારી બોર્ડે ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાની ભલામણ કરી છે તે સાંભળીને પણ દરેક વ્યક્તિને ખુશી થઇ છે. અમે આશા રાખીએ છીએ કે, અમને ટૂંક સમયમાં આ વિશે કોઇ સકારાત્મક સમાચાર સાંભળવા મળશે.

સાથીઓ,

વૈશ્વિક કાર્યક્રમોનું આયોજન એ અમારા માટે સમગ્ર દુનિયાના દેશોનું સ્વાગત કરવાનો અવસર છે. ભારત તેના ઝડપથી વિકાસ પામી રહેલા અર્થતંત્ર અને તેના સુવિકસિત માળખાકીય સુવિધાઓને કારણે મોટા વૈશ્વિક કાર્યક્રમો માટે તૈયાર છે. ભારતની G-20ની અધ્યક્ષતા દરમિયાન દુનિયાએ પણ આ જોયું છે. અમે સમગ્ર દેશના 60થી વધુ શહેરોમાં આ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. હેરફેરથી લઇને દરેક પાસાઓમાં આ અમારી આયોજન ક્ષમતાનો આ પુરાવો છે. તેથી, આજે હું 140 કરોડ ભારતીયોની તમામ ભાવનાઓ આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. ભારત પોતાની ધરતી પર ઓલિમ્પિકનું આયોજન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

 

વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિકનું સફળતાપૂર્વક આયોજન કરવાના પ્રયાસોમાં ભારત કોઇ જ કસર નહીં છોડે. આ 140 કરોડ ભારતીયોનું વર્ષો જૂનું સપનું છે અને તેમની આકાંક્ષા છે. હવે આ સપનું અમે આપ સૌના સહકારથી સાકાર કરવા માંગીએ છીએ. અને 2036 ઓલિમ્પિક પહેલાં પણ ભારત 2029માં યોજાનારા યુથ ઓલિમ્પિકની યજમાની કરવા પણ ઇચ્છુક છે. મને પૂરો વિશ્વાસ છે કે, ભારતને IOCનો સહયોગ એકધારો મળતો રહેશે.

મિત્રો,

રમતગમત માત્ર ચંદ્રક જીતવાનું માધ્યમ નથી પણ લોકોના દિલ જીતવાનું માધ્યમ પણ છે. રમતગમતો સૌની છે, સૌના માટે હોય છે. રમતગમત માત્ર ચેમ્પિયન જ તૈયાર નથી કરતી પરંતુ શાંતિ, પ્રગતિ અને સુખાકારીને પણ પ્રોત્સાહન આપે છે. તેથી, રમતગમત એ વિશ્વને જોડવાનું બીજું એક શક્તિશાળી માધ્યમ છે. હું ઓલિમ્પિકના મૂળસૂત્ર ‘ઝડપી, ઉચ્ચ, મજબૂત, સાથે’નું આપની સમક્ષ ફરી એક વખત પુનરાવર્તન કરવા માંગું છું. હું ફરી એકવાર IOCના 141મા સત્રમાં આવેલા તમામ અતિથિઓનો, અધ્યક્ષ થોમસ બાચ અને તમામ પ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમારે આવનારા કેટલાક કલાકોમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના છે. હું હવે આ સત્રને ખુલ્લું જાહેર કરું છું!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ડિસેમ્બર 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India