મારા પ્રિય મિત્રો!
મને તમારા બધાનું 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં સ્વાગત કરવાની ખુશી છે. આ 13મી કોન્ફરન્સ યાયાવર પ્રજાતિઓનાં સંરક્ષણ પર કેન્દ્રીત છે. કોન્ફરન્સ મહાત્મા ગાંધીની ભૂમિ ગાંધીનગરમાં યોજાઈ રહી છે.
ભારત દુનિયામાં સૌથી વધુ વિવિધતા ધરાવતા દેશોમાં સામેલ છે. દુનિયાનાં 2.4 જમીન વિસ્તાર સાથે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી જૈવ વિવિધતામાં આશરે 8 ટકા પ્રદાન કરે છે. ભારત વિવિધતાસભર ઇકોલોજીકલ જીવો ધરાવે છે અને ચાર જૈવ વિવિધતા ધરાવતા કેન્દ્રો પણ ધરાવે છે.તેમાં – પૂર્વ હિમાલય, પશ્ચિમ ઘાટ, ઇન્ડો-મ્યાન્માર ભૂમિ અને આંદમાન અને નિકોબારનાં ટાપુઓ સામેલ છે. ઉપરાંત ભારત દુનિયાભરમાંથી આશરે 500 યાયાવર પક્ષીઓનું નિવાસસ્થાન પણ છે.
દેવીઓ અને સજ્જનો,
યુગોથી વન્યજીવ અને જીવોનું સંરક્ષણ ભારતની સંસ્કૃતિ સાથે વણાઈ ગયું છે, જે કરુણા અને સહ-અસ્તિત્વને પ્રોત્સાહન આપે છે. અમારા વેદો પ્રાણીઓનાં રક્ષણ વિશે વાતો કરે છે. સમ્રાટ અશોકે જંગલો કાપવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને પ્રાણીઓની હત્યાનો નિષેધ ફરમાવ્યો હતો. ગાંધીજીથી પ્રેરિત અહિંસા અને પ્રાણીઓ અને કુદરતી સંરક્ષણને ભારતીય બંધારણમાં સ્થાન મળ્યું છે. એમાં કેટલાંક કાયદા અને નિયમોનું પ્રતિબિંબ પણ જોવા મળે છે.
વર્ષોથી સતત પ્રયાસોથી સારાં પરિણામોને પ્રોત્સાહન મળ્યું છે. સંરક્ષિત ક્ષેત્રોની સંખ્યા વર્ષ 2014માં 745હતી, જે વર્ષ 2019માં વધીને 870 થઈ છે, જેમાં આશરે 1 લાખ સિતેર હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.
ભારતમાં જંગલનાં આવરણમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્તમાન આકારણી એવું પણ સૂચવે છે કે, દેશનાં કુલ ભૌગોલિક વિસ્તારનો 21.67 ટકા વિસ્તાર જંગલ વિસ્તાર છે.
ભારત સંરક્ષણનાં મૂલ્યો, પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી અને ગ્રીન ડેવલપમેન્ટ મોડલ પર આધારિત આબોહવા સાથે સંબંધિત કામગીરી કરવામાં ચેમ્પિયન છે. અમારી પહેલોની રેન્જમાં રિન્યૂએબલ એનર્જીમાં 450 મેગાવોટનાં મહત્વકાંક્ષી લક્ષ્યાંક, ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટ સિટીઝ, જળ સંરક્ષણ વગેરે પર ભાર મૂકવા જેવી બાબતો સામેલ છે.
આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, ડિઝાસ્ટર રિસાઇલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોડાણ તથા સ્વીડન સાથે ઇન્ડસ્ટ્રીઝ ટ્રાન્ઝિશન લીડરશિપમાં વિવિધ દેશોની પ્રોત્સાહનજનક ભાગીદારી જોવા મળી છે. ભારત એવા થોડા દેશો પૈકીમાંનો એક દેશ છે, જેની કામગીરી પેરિસ સમજૂતીનાં લક્ષ્યાંકો સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસથી ઓછા વધારાને જાળવવાનો છે.
મિત્રો,
ભારતે પ્રજાતિઓ કેન્દ્રિત સંરક્ષણ પ્રોજેક્ટ/પ્રોગ્રામો શરૂ કર્યા છે. એના સારાં પરિણામો જોવા મળ્યાં છે. વાઘ અભયારણ્યની સંખ્યા એની શરૂઆતનાં વર્ષોમાં 9 હતી, જે અત્યારે 50 થઈ છે. અત્યારે ભારતમાં વાઘની વસ્તી લગભગ 2970 છે. ભારતે વર્ષ 2022 સુધી વાઘની વસ્તી બમણી કરવાના લક્ષ્યાંકને બે વર્ષ અગાઉ પૂરો કરી દીધો છે. હું અહીં ટાઇગર રેન્જ દેશો અને અન્ય દેશોને બેન્ચમાર્ક પ્રેક્ટિસ વહેંચીને વાઘનું સંરક્ષણ કરવા એકમંચ પર આવવાની અપીલ કરું છું.
ભારત આંતરરાષ્ટ્રીય એશિયન હાથીઓની 60 ટકાથી વધારે વસ્તી પણ ધરાવે છે. અમારા રાજ્યોએ 30 30 એલીફન્ટ રિઝર્વની ઓળખ કરી છે. ભારતે એશિયન હાથીઓના રક્ષણ માટે કેટલીક પહેલો પણ હાથ ધરી છે અને ધારાધોરણો સ્થાપિત કર્યા છે.
અમે પ્રોજેક્ટ સ્નોલેપર્ડ પણ શરૂ કર્યો છે, જેનો આશય હિમાયલની ઊંચાઈઓ પર વસતાં સ્નોલેપર્ડનું સંરક્ષણ કરવાનો છે. તાજેતરમાં ભારતે 12 દેશોના ગ્લોબલ સ્નોલેપર્ડ ઇકોસિસ્ટમ પ્રોગ્રામ (જીએસએલઇપી) ની સ્ટીઅરિંગ કમિટીની બેઠકનું આયોજન પણ કર્યું હતું, જેમાં ચોક્કસ દેશ પર કેન્દ્રીત માળખું અને સ્નોલેપર્ડનાં સંરક્ષણ માટે વિવિધ દેશો વચ્ચે સાથસહકારને વિકસાવવા નવી દિલ્હીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મને તમને એ જણાવતા આનંદ થાય છે કે, ભારત ગ્રીન ઇકોનોમીને પ્રોત્સાહન આપવામાં અગ્રિમ ભૂમિકા ભજવશે, જેમાં લોકોની ભાગીદારી સાથે પર્વતીય પ્રદેશોની ઇકોલોજીનું સંરક્ષણ સામેલ છે.
મિત્રો,
ગુજરાતમાં ગિરપ્રદેશ એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર નિવાસસ્થાન છે અને દેશને એના પર ગર્વ છે. અમે જાન્યુઆરી, 2019થી એશિયાટિક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનો આશય એનું સંરક્ષણ કરવાનો છે. મને એ જણાવતા ખુશી થાય છે કે, અત્યારે એશિયાટિક લાયનની સંખ્યા 523 છે.
ભારતમાં એક-શિંગડાવાળા ગેંડા ત્રણ રાજ્યો અસમ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. ભારત સરકારે વર્ષ 2019માં “એક શિંગડાવાળા ગેંડા માટે રાષ્ટ્રીય સંરક્ષણ વ્યૂહરચના” શરૂ કર્યું હતું.
અતિ દુર્લભ પક્ષી ‘ધ ગ્રેટ ઇન્ડિયન બુસ્ટાર્ડ’ અમારા સંરક્ષણનાં પ્રયાસોનાં કેન્દ્રમાં સામેલ છે. કેપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામનાં ભાગરૂપે 9 ઇંડા જંગલમાંથી સફળતાપૂર્વક વિકસાવવામાં આવ્યાં છે. આ ભારતીય વિજ્ઞાનીઓ અને વન વિભાગની ઇન્ટરનેશનલ ફંડ ફોર હાઉબારા કન્ઝર્વેશન, અબુ ધાબી માટે ઇન્ટરનેશનલ ફંડ પાસેથી ટેકનિકલ સહાય સાથેની નોંધપાત્ર સફળતા છે.
એટલે અમે ગ્રેટ ઇન્ડિયન બુસ્ટાર્ડને શ્રદ્ધાંજલિ સ્વરૂપે માસ્કોટ ગિબી-ધ ગ્રેટ ધરાવીએ છીએ.
મિત્રો,
ભારતને ગાંધીનગરમાં યાયાવર પ્રજાતિઓ પર સંમેલન યોજના 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું આયોજન કરવાનું બહુમાન મળ્યું છે.
તમે જોયું હશે કે, સીએમએસ સીઓપી 13 લોગો દક્ષિણ ભારતમાંથી પરંપરાગત ‘કોલમ’ દ્વારા પ્રેરિત છે, જે કુદરત સાથે સંવાદી જીવન જીવવાનાં સંદર્ભમાં નોંધપાત્ર મહત્વ ધરાવે છે.
મિત્રો,
અમે સદીઓથી “અતિથિ દેવો ભવ”નાં મંત્રમાં માનીએ છીએ, જે સીએમએસ સીઓપી 13: “પૃથ્વી સાથે સંબંધિત યાયાવાર પ્રજાતિઓ અને અમે સંયુક્તપણે એમને આવકારીએ છીએ” માટે સ્લોગન/થીમમાં પ્રતિબિંબિત છે. આ પ્રજાતિઓ કોઈ પણ પાસપોર્ટ કે વિઝા વિના વિવિધ દેશો વચ્ચે અવરજવર કરે છે, પણ શાંતિ અને સમૃદ્ધિનાં સંદેશવાહકો છે અને તેમનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે.
દેવીઓ અને સજ્જનો,
ભારત આગામી ત્રણ વર્ષ માટે આ સંમેલનનું પ્રમુખપદ સંભાળશે. આ ગાળા દરમિયાન ભારત નીચેનાં ક્ષેત્રોમાં નેતૃત્વ કરશેઃ
યાયાવર પક્ષીઓ માટે મધ્ય એશિયાનાં ઉડ્ડયન માર્ગમાં ભારત એક ભાગ છે. મધ્ય એશિયાનાં ઉડ્ડયન માર્ગની સાથે પક્ષીઓનું સંરક્ષણ કરવા ભારત ‘મધ્ય એશિયન ઉડ્ડયન માર્ગની સાથે યાયાવર પક્ષીઓના સંરક્ષણ માટે રાષ્ટ્રીય કાર્યયોજના’ તૈયાર કરી છે. આ સંબંધમાં ભારત અન્ય દેશો માટે કાર્યયોજનાઓ તૈયાર કરવા પણ સાથસહકાર આપશે. અમે યાયાવર પક્ષીઓના સંરક્ષણને સેન્ટ્રલ એશિયન ફ્લાયવે રેન્જ કન્ટ્રીઝનાં સક્રિય સાથસહકાર સાથે નવી ઊંચાઈ પર લઈ જવા આતુર છીએ. હું સંશોધન, અભ્યાસો, આકારણી, ક્ષમતા નિર્માણ અને સામાન્ય પ્લેટફોર્મ ઊભું કરવા સંરક્ષણ પહેલો હાથ ધરવા સંસ્થાગત વ્યવસ્થા સ્થાપિત કરવાની શુભેચ્છા પણ આપું છું.
મિત્રો,
ભારત આશરે 75,000 ચોરસ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે અને ભારતીય દરિયાઈ પાણી સારી જૈવવિવિધતા ધરાવે છે, જેમાં અનેક પ્રજાતિઓ વસે છે. ભારતે આસિયન અને ઇસ્ટ એશિયા સમિટ દેશો સાથે જોડાણમાં ક્ષમતા વધારવાની દરખાસ્ત રજૂ કરી છે. આ ઇન્ડો પેસિફિસ ઓશન ઇનિશિયેટિવ (આઇપીઓઆઇ) સાથે સુસંગત હશે, જેમાં ભારત લીડરશિપ ભૂમિકા ભજવશે. વર્ષ 2020 સુધીમાં ભારત એની મેરિન ટર્ટલ પોલિસી અને મેરિન મેનેજમેન્ટ પોલિસી લોંચ કરશે. આ માઇક્રો-પ્લાસ્ટિક દ્વારા થતાં પ્રદૂષણની સમસ્યાનું સમાધાન પણ કરશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણલક્ષી સંરક્ષણ માટે પડકારજનક છે અને અમે ભારતમાં એના વપરાશને ઘટાડવા યુદ્ધને ધોરણે કામ કરી રહ્યાં છીએ.
મિત્રો,
ભારતમાં કેટલાંક સંરક્ષિત વિસ્તારો પડોશી દેશોનાં સુરક્ષિત વિસ્તારો સાથે સામાન્ય હદો ધરાવે છે. ‘ટ્રાન્સ બાઉન્ડ્રી પ્રોટેક્ટેડ એરિયા’ની સ્થાપના કરીને વન્યજીવનું સંરક્ષણ કરવાનો સાથસહકાર અતિ સકારાત્મક પરિણામો તરફ દોરી જશે.
મિત્રો,
મારી સરકાર દ્રઢપણે પર્યાવરણને અનુકૂળ વિકાસમાં માને છે. અમે ખાતરી આપીએ છીએ કે, પર્યાવરણને નુકસાન કર્યા વિના વિકાસ થઈ શકે છે. અમે પારસ્થિતિક રીતે નબળાં વિસ્તારોમાં વિકાસ સાથે સંબંધિત લિનીયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી ગાઇડલાઇન્સ જાહેર કરી છે.
લોકો ભવિષ્યની પેઢીઓ માટે કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવાની કામગીરીમાં મહત્વપૂર્ણ હિતધારકો છે. મારી સરકાર “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ” સૂત્ર સાથે અગ્રેસર છે. દેશમાં જંગલ વિસ્તારની આસપાસમાં રહેતાં લાખો લોકો હવે જોઇન્ટ ફોરેસ્ટ્રી મેનેજમેન્ટ કમિટીઝ અને ઇકો ડેવલપમેન્ટ કમિટીઝ સ્વરૂપે સંકલિત કરવામાં આવી છે તથા જંગલ અને વન્યજીવનાં સંરક્ષણ સાથે સંલગ્ન છે.
મિત્રો,
મને ખાતરી છે કે, આ કોન્ફરન્સ પ્રજાતિઓ અને રહેઠાણનાં સંરક્ષણનાં ક્ષેત્રમાં અનુભવની વહેંચણી અને ક્ષમતા નિર્માણ માટે ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પ્રદાન કરશે. મને આશા છે કે, તમે ભારતનાં આતિથ્યસત્કાર અને સમૃદ્ધ વિવિધતાનો અનુભવ મેળવવા તમને સમય મળશે.
ધન્યવાદ
તમારો ખૂબ ખૂબ આભાર.