ભારત માતા કી જય
ભારત માતા કી જય
ભારત માતા કી જય
વણક્કમ તમિલનાડુ!
તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર એન રવિજી, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એમ કે સ્ટાલિનજી, કેન્દ્ર સરકારમાં મારા સહયોગી શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી અને તમિલનાડુનાં ભાઈઓ અને બહેનો, આપ સૌને મારી શુભકામનાઓ.
સાથીઓ,
તમિળનાડુ આવવું હંમેશાં મોટી વાત હોય છે. તે ઇતિહાસ અને વારસાનું ઘર છે. તે ભાષા અને સાહિત્યની ભૂમિ છે. તે દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર પણ છે. આપણા ઘણા અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓ તમિલનાડુના હતા.
સાથીઓ,
હું જાણું છું કે હું તહેવારના સમયે તમારી પાસે આવ્યો છું. થોડા જ દિવસોમાં તમિલ પુથાન્ડુ અહીં આવી જશે. આ સમય નવી ઊર્જા, નવી આશાઓ, નવી આકાંક્ષાઓ અને નવી શરૂઆતનો છે. નવી પેઢીના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ આજથી લોકોની સેવા કરવાનું શરૂ કરશે. કેટલાક અન્ય પ્રોજેક્ટ્સમાં હવેથી કામ શરૂ થતું જોવા મળશે. રોડવેઝ, રેલવે અને એરવેઝને આવરી લેતી આ પરિયોજનાઓ નવાં વર્ષની ઉજવણીમાં ઉત્સાહ વધારશે.
સાથીઓ,
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં માળખાગત સુવિધાની દ્રષ્ટિએ ક્રાંતિ જોવા મળી રહી છે. તે ગતિ અને વ્યાપ દ્વારા સંચાલિત છે. જ્યારે સ્કેલની વાત આવે છે, ત્યારે તમે આ વર્ષની શરૂઆતમાં આવેલાં કેન્દ્રીય બજેટને જોઇ લો. અમે માળખાગત સુવિધામાં રોકાણ માટે વિક્રમજનક રૂ. 10 લાખ કરોડ ફાળવ્યા છે. આ 2014ની તુલનામાં પાંચ ગણા વધારે છે! રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે રકમ અલગ રાખવામાં આવી છે તે પણ ઓલટાઈમ રેકોર્ડ છે.
સાથીઓ,
જ્યાં સુધી ગતિની વાત છે, ત્યાં સુધી કેટલાક તથ્યો આપણને સાચું અરસપરસ પ્રમાણ આપી શકે છે. વર્ષ 2014 અગાઉના સમયગાળાની સરખામણીમાં દર વર્ષે ઉમેરવામાં આવતા રાષ્ટ્રીય રાજમાર્ગોની લંબાઈ લગભગ બમણી થઈ ગઈ છે. વર્ષ 2014 અગાઉ દર વર્ષે 600 રૂટ કિલોમીટરની રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થતું હતું. આજે તે દર વર્ષે લગભગ 4,000 રૂટ કિલોમીટર સુધી પહોંચી રહ્યું છે. ૨૦૧૪ સુધીમાં બાંધવામાં આવેલા એરપોર્ટ્સની સંખ્યા ૭૪ હતી. વર્ષ 2014થી અત્યાર સુધીમાં અમે તેને બમણું કરીને લગભગ 150 કરી દીધું છે. તમિલનાડુમાં લાંબો દરિયાકિનારો છે જે વેપાર માટે મહત્ત્વનો છે. વર્ષ 2014 અગાઉનાં સમયગાળાની સરખામણીમાં આપણાં બંદરોની ક્ષમતામાં વધારો લગભગ બમણો થઈ ગયો છે.
ગતિ અને વ્યાપ માત્ર ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ નહીં, પણ સામાજિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ જોવા મળી રહ્યાં છે. 2014 સુધી ભારતમાં લગભગ 380 મેડિકલ કૉલેજ હતી. આજે, આપણી પાસે લગભગ 660 છે! વીતેલાં 9 વર્ષોમાં આપણા દેશમાં એઈમ્સની સંખ્યા લગભગ ત્રણ ગણી થઈ ગઈ છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં આપણે વિશ્વના નંબર વન છીએ. આપણી પાસે વિશ્વના સૌથી સસ્તા મોબાઇલ ડેટામાંનો એક છે. લગભગ 2 લાખ ગ્રામ પંચાયતોને જોડતા 6 લાખ કિલોમીટરથી વધુ લંબાઈના ઓપ્ટિક ફાઈબર પાથરવામાં આવ્યા છે. અને આજે, ભારતમાં શહેરી વપરાશકર્તાઓ કરતાં વધારે ગ્રામીણ ઈન્ટરનેટ વપરાશકારો છે!
સાથીઓ,
શા માટે આ બધી સિદ્ધિઓ શક્ય બની? બે વસ્તુ- કાર્ય સંસ્કૃતિ અને દ્રષ્ટિ. સૌ પ્રથમ કાર્યસંસ્કૃતિ છે. અગાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો અર્થ ડિલે (વિલંબ) થતો હતો. હવે, તેનો અર્થ ડિલિવરી (સોંપણી) છે. ડિલેથી ડિલિવરી સુધીની આ યાત્રા અમારી કાર્ય સંસ્કૃતિને કારણે થઈ છે. આપણા કરદાતાઓ ચૂકવે છે તે દરેક રૂપિયા માટે અમે જવાબદાર અનુભવીએ છીએ. અમે ચોક્કસ સમયમર્યાદા સાથે કામ કરીએ છીએ અને તેના પહેલાં જ પરિણામો પ્રાપ્ત કરીએ છીએ.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની અમારી દ્રષ્ટિ પણ અગાઉની તુલનામાં અલગ છે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કોંક્રિટ, ઇંટો અને સિમેન્ટ તરીકે જોતા નથી. અમે માનવ ચહેરા સાથેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છીએ. તે આકાંક્ષાઓને સિદ્ધિ, લોકોને શક્યતાઓ સાથે અને સ્વપ્નોને વાસ્તવિકતા સાથે જોડે છે.
ઉદાહરણ તરીકે આજના કેટલાક પ્રોજેક્ટ્સ લો. એક માર્ગ પ્રોજેક્ટ વિરુધાનગર અને તેનકાસીના કપાસના ખેડૂતોને અન્ય બજારો સાથે જોડે છે. ચેન્નઈ અને કોઈમ્બતુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ નાના ઉદ્યોગોને ગ્રાહકો સાથે જોડે છે. ચેન્નઈ એરપોર્ટનું નવું ટર્મિનલ વિશ્વને તમિલનાડુમાં લાવે છે. તે રોકાણ લાવે છે જે અહીંના યુવાનો માટે આવકની તકો ઊભી કરે છે. રોડ, રેલવે ટ્રેક કે મેટ્રોમાં માત્ર વાહનો જ સ્પીડ પકડે છે એવું નથી. લોકોનાં સ્વપ્નો અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પણ વેગ મળે છે. અર્થતંત્રને વેગ મળે છે. દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કરોડો પરિવારોનાં જીવનમાં પરિવર્તન લાવે છે.
સાથીઓ,
તમિલનાડુનો વિકાસ અમારા માટે ખૂબ જ પ્રાથમિકતા ધરાવે છે. તમિલનાડુને રેલવે માળખાગત સુવિધા માટે ચાલુ વર્ષે રૂ. 6,000 કરોડથી વધારેનું અત્યાર સુધીનું સૌથી ઊંચું બજેટ ફાળવવામાં આવ્યું છે. વર્ષ 2009-2014 દરમિયાન દર વર્ષે ફાળવવામાં આવેલી સરેરાશ રકમ રૂપિયા 900 કરોડથી ઓછી હતી. વર્ષ 2004થી 2014 વચ્ચે તમિલનાડુમાં ઉમેરવામાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ આશરે 800 કિલોમીટર હતી. 2014થી 2023ની વચ્ચે, લગભગ બે હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉમેરવામાં આવ્યા! વર્ષ 2014-15માં તમિલનાડુમાં રાષ્ટ્રીય રાજમાર્ગોના વિકાસ અને જાળવણીમાં આશરે એક હજાર બસો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2022-23માં તે 6 ગણું વધીને આઠ હજાર બસો કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં તમિલનાડુમાં અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓ જોવા મળી છે. ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ભારતની સુરક્ષાને મજબૂત કરી રહ્યું છે અને અહીં રોજગારીનું સર્જન પણ કરી રહ્યું છે. પીએમ મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્ક સાથે સંબંધિત તાજેતરની જાહેરાતથી તમિલનાડુનાં ટેક્સટાઇલ ક્ષેત્રને પણ લાભ થશે. ગયાં વર્ષે અમે બેંગલુરુ-ચેન્નાઈ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કર્યો હતો. ચેન્નઈ નજીક મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનું નિર્માણ પણ ચાલી રહ્યું છે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ મમલ્લાપુરમથી કન્યાકુમારી સુધીના આખા પૂર્વ કાંઠાના રસ્તાને સુધારવામાં આવી રહ્યો છે. આવા ઘણા બધા પ્રોજેક્ટ્સ છે જે તમિલનાડુના વિકાસને આગળ ધપાવી રહ્યા છે. અને આજે પણ કેટલીક વધુ પરિયોજનાઓનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અથવા શિલાન્યાસ થઈ રહ્યો છે.
સાથીઓ,
આજે તમિલનાડુ – ચેન્નાઈ, મદુરાઈ અને કોઈમ્બતુર એમ ત્રણ મહત્ત્વપૂર્ણ શહેરોને ઉદ્ઘાટન કે શરૂ કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સથી સીધો લાભ મળી રહ્યો છે. ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. આ વધતી જતી મુસાફરોની માગને પૂર્ણ કરશે. આ નવું ટર્મિનલ બિલ્ડિંગ તમિલ સંસ્કૃતિની સુંદરતાને પ્રતિબિંબિત કરે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તમે કેટલીક અદ્ભૂત તસવીરો તો જોઈ જ હશે. છતની ડિઝાઇન હોય, ફ્લોરિંગ હોય, સિલિંગ હોય કે ભીંતચિત્રો હોય, દરેક તમને તમિલનાડુનાં કેટલાંક પાસાની યાદ અપાવશે. જ્યારે પરંપરા એરપોર્ટમાં ચમકે છે, ત્યારે તે ટકાઉપણાની આધુનિક જરૂરિયાતો માટે પણ બનાવવામાં આવ્યું છે. તેનું નિર્માણ ઇકો-ફ્રેન્ડલી મટિરિયલ્સનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે અને તેમાં એલઇડી લાઇટિંગ અને સૌર ઊર્જા જેવી ઘણી ગ્રીન ટેકનિક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
સાથીઓ,
ચેન્નઈને બીજી વંદે ભારત ટ્રેન પણ મળી રહી છે, જે તેને કોઈમ્બતુર સાથે જોડે છે. જ્યારે પહેલી વંદે ભારત ટ્રેન ચેન્નઈ આવી હતી, ત્યારે મને યાદ છે કે, તમિલનાડુના મારા યુવાન મિત્રો ખાસ કરીને ખૂબ જ ઉત્સાહિત હતા. મેં તે સમયે વંદે ભારત ટ્રેનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોયા હતા. 'મેડ ઇન ઇન્ડિયા'નું આ ગૌરવ મહાન વીઓ ચિદમ્બરમ પિલ્લઇની ભૂમિમાં સ્વાભાવિક છે.
સાથીઓ,
ટેક્સટાઇલ સેક્ટર હોય, એમએસએમઇ હોય કે ઇન્ડસ્ટ્રીઝ હોય, કોઇમ્બતુર ઇન્ડસ્ટ્રીયલ પાવરહાઉસ રહ્યું છે. આધુનિક કનેક્ટિવિટી ફક્ત તેના લોકોની ઉત્પાદકતામાં વધારો કરશે. હવે, ચેન્નાઈ અને કોઈમ્બતુર વચ્ચેની મુસાફરી ફક્ત 6 કલાકની આસપાસ રહેશે! આ વંદે ભારત એક્સપ્રેસથી સલેમ, ઇરોડ અને તિરુપુર જેવાં ટેક્સટાઇલ અને ઔદ્યોગિક કેન્દ્રોને પણ લાભ મળે છે.
સાથીઓ,
મદુરાઇને તમિલનાડુની સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવે છે. તે વિશ્વનાં સૌથી પ્રાચીન શહેરોમાંનું એક છે. આજના પ્રોજેક્ટ્સ આ પ્રાચીન શહેરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ આપે છે. તે ઈઝ ઑફ લિવિંગ- જીવન જીવવાની સરળતા અને મદુરાઈ સુધીની મુસાફરીની સરળતા-ઈઝ ઑફ ટ્રાવેલ પ્રદાન કરે છે. તમિળનાડુના દક્ષિણ પશ્ચિમ અને દરિયાકાંઠાના ભાગોના ઘણા જિલ્લાઓને પણ આજની ઘણી યોજનાઓથી ફાયદો થઈ રહ્યો છે.
સાથીઓ,
તમિલનાડુ એ ભારતનાં વિકાસ એન્જિનોમાંનું એક છે. મને ખાતરી છે કે આજે જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તે તમિલનાડુના લોકોની આકાંક્ષાઓને મોટું પ્રોત્સાહન આપશે. જ્યારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં રોજગારીનું સર્જન કરે છે, ત્યારે આવકો વધે છે અને તામિલનાડુ વધે છે. જ્યારે તામિલનાડુનો વિકાસ થાય છે, ત્યારે ભારતનો વિકાસ થાય છે. તમારા પ્રેમ માટે તમારો ખૂબ ખૂબ આભાર. વણક્કમ!