નમ: પાર્વતી પતયે...હર હર મહાદેવ!
યુપીના સીએમ યોગી આદિત્યનાથજી, નાયબ મુખ્યમંત્રી શ્રીમાન કેશવ પ્રસાદ મૌર્ય, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન અને આજે ખાસ ખેડૂતોને ભેટ-સોગાદ આપવા આવેલા શ્રીમાન શંકરભાઈ ચૌધરી, રાજ્ય મંત્રી પરિષદના સભ્યો, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, અને બનારસના મારા પરિવારજનો.
બાબા શિવ કે પાવન ધરતી પર આપ સબ કાશી કે લોગન કે હમાર પ્રણામ બા.
મારી કાશીનાં લોકોના આ જોશે, ઠંડીની આ સિઝનમાં પણ ગરમી વધારી દીધી છે. કા કહલ જાલા બનારસ મેં....જિયા રજા બનારસ!!! અચ્છા, શુરૂઆત મેં હમ્મે એક ઠે શિકાયત હ...કાશી કે લોગન સે. કહીં હમ આપન શિકાયત? એ સાલ હમ દેવ દીપાવલી પર ઈહાં ના રહલી, ઔર એદા પારી દેવ દીપાવલી પર, કાશી કે લોગ સબ મિલકર રિકોર્ડ તોડ દેહલન.
તમે બધા વિચારતા હશો કે જ્યારે બધું સારું થયું તો હું શા માટે ફરિયાદ કરું છું. હું ફરિયાદ એટલા માટે કરી રહ્યો છું કે જ્યારે હું બે વર્ષ પહેલા દેવ દિવાળી પર અહીં આવ્યો હતો ત્યારે તમે તે સમયનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. હવે, ઘરના સભ્ય હોવાને કારણે, હું તો ફરિયાદ કરીશ જ, કારણ કે આપની આ મહેનત જોવા માટે આ વખતે હું અહીં હતો જ નહીં. આ વખતે દેવ દિવાળીનું અદ્ભૂત દ્રશ્ય જોવાં જે લોકો આવ્યાં…વિદેશના મહેમાનો પણ આવ્યા હતા, તેઓએ મને દિલ્હીમાં આખો હેવાલ જણાવ્યો હતો. G-20માં આવેલા મહેમાનો હોય કે બનારસમાં આવતા કોઈ પણ અતિથિ...જ્યારે તેઓ બનારસનાં લોકોના વખાણ કરે છે ત્યારે મારું પણ મસ્તક ઊંચું થઈ જાય છે. કાશીવાસીઓએ જે કામ કરી બતાવ્યું છે, જ્યારે દુનિયા એનું ગૌરવગાન કરે છે ત્યારે સૌથી વધુ આનંદ મને થાય છે. મહાદેવની કાશીની હું જેટલી પણ સેવા કરી શકું... તે મને ઓછી જ લાગે છે.
મારા પરિવારજનો,
જ્યારે કાશીનો વિકાસ થાય છે ત્યારે યુપીનો વિકાસ થાય છે. અને જ્યારે યુપીનો વિકાસ થાય છે ત્યારે દેશનો વિકાસ થાય છે. આજે પણ એ જ ભાવના સાથે લગભગ 20 હજાર કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ અહીં કરવામાં આવ્યું છે. બનારસનાં ગામડાંઓમાં પીવાનાં પાણીનો પુરવઠો હોય, બીએચયુ ટ્રોમા સેન્ટરમાં ક્રિટિકલ કેર યુનિટ હોય, રસ્તા, વીજળી, ગંગા ઘાટ, રેલવે, એરપોર્ટ, સૌર ઉર્જા અને પેટ્રોલિયમ જેવાં અનેક ક્ષેત્રોને લગતા પ્રોજેક્ટ હોય...તે આ વિસ્તારના વિકાસની ગતિને વધુ તેજ કરશે. ગઈકાલે સાંજે જ મને કાશી-કન્યાકુમારી તમિલ સંગમમ્ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવવાની તક મળી હતી. આજે વારાણસીથી દિલ્હી માટે બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ છે. મૌ-દોહરીઘાટ ટ્રેન પણ આજથી શરૂ થઈ રહી છે. આ લાઈન ચાલુ થવાથી દોહરીઘાટની સાથે જ બધલગંજ, હાટા, ગોલા-ગગહા સુધી તમામ લોકોને ફાયદો થવાનો છે. આ તમામ વિકાસ કાર્યો માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
મારા પરિવારજનો,
આજે કાશી સહિત સમગ્ર દેશ વિકસિત ભારતનાં નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા હજારો ગામડાંઓ અને હજારો શહેરોમાં પહોંચી ચૂકી છે. આ યાત્રામાં કરોડો લોકો જોડાઈ રહ્યા છે. અહીં કાશીમાં મને પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ભાગ બનવાની તક મળી છે. આ યાત્રામાં જે ગાડી ફરી રહી છે-એને દેશવાસીઓ મોદીની ગૅરંટીવાળી ગાડી ગણાવી રહ્યા છે. આપ સબ લોગ મોદી ક ગારંટી જાને લા...ના? અમારો પ્રયાસ છે કે ભારત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ અને લોક કલ્યાણ માટેની જે પણ યોજનાઓ બનાવવામાં આવી છે તેનાથી કોઈ પણ લાભાર્થી વંચિત ન રહે. પહેલા ગરીબો સરકાર પાસે સુવિધાઓ માટે આંટા મારતા હતા. હવે મોદીએ કહી દીધું છે કે સરકાર પોતે ચાલીને ગરીબો પાસે જશે. અને એટલા માટે, મોદીની ગૅરંટીવાળી ગાડી, એકદમ સુપરહિટ થઈ ગઈ છે. કાશીમાં પણ હજારો નવા લાભાર્થીઓ સરકારી યોજનાઓમાં જોડાયા છે, જેઓ અગાઉ વંચિત હતા. કોઈને આયુષ્માન કાર્ડ મળ્યું છે, કોઈને મફત રાશનવાળું કાર્ડ મળ્યું છે, કોઈને પાક્કા આવાસની ગૅરંટી મળી છે, કોઈને નળનાં પાણીનું કનેક્શન મળ્યું છે, કોઈને મફત ગેસ કનેક્શન મળ્યું છે, અમારો પ્રયાસ છે કે કોઈ પણ લાભાર્થી વંચિત ન રહે, સૌને તેમનો અધિકાર મળે. અને આ અભિયાનથી લોકોને જે સૌથી મોટી વસ્તુ મળી છે તે છે વિશ્વાસ. જેમને યોજનાઓનો લાભ મળ્યો છે તેઓને એ વિશ્વાસ મળ્યો છે કે તેમનું જીવન હવે વધુ સારું થશે. જેઓ વંચિત હતા તેમને વિશ્વાસ મળ્યો કે એક દિવસ તેઓને પણ યોજનાઓનો લાભ ચોક્કસ મળશે. આ વિશ્વાસે દેશનો વિશ્વાસ પણ વધાર્યો છે કે ભારત વર્ષ 2047 સુધી વિકસિત બનીને જ રહેશે. અને નાગરિકોને તો જે લાભ મળે છે મળે છે, મને પણ લાભ થાય છે. હું 2 દિવસથી આ સંકલ્પ યાત્રામાં જઈ રહ્યો છું અને મારું જે નાગરિકોને મળવાનું થાય છે, ગઈકાલે હું જ્યાં ગયો ત્યાં મને શાળાનાં બાળકોને મળવાનો મોકો મળ્યો, શું આત્મવિશ્વાસ હતો, બાળકીઓ કેટલી સુંદર કવિતાઓ બોલી રહી હતી, આખું વિજ્ઞાન સમજાવી રહી હતી અને એટલી સરસ રીતે આંગણવાડીનાં બાળકો ગીત ગાઈને સ્વાગત કરી રહ્યા હતા. મને જોઈને ખૂબ આનંદ મળતો અને આજે હમણાં અહીં મેં આપણી એક બહેન ચંદા દેવીનું ભાષણ સાંભળ્યું, કેટલું અદ્ભૂત ભાષણ હતું, એટલે કે હું કહું છું કે મોટા લોકો પણ આવું ભાષણ કરી શકતા નથી. તે બધી બાબતોને એટલી બારીકાઈથી વિગતવાર સમજાવતી હતી અને મેં કેટલાક પ્રશ્નો પૂછ્યા, એ સવાલોના જવાબ પણ અને તે આપણી લખપતિ દીદી છે. અને જ્યારે મેં તેને કહ્યું કે આપ લખપતિ દીદી બની ગયાં છો તો તેણે કહ્યું કે સાહેબ, આ તો મને બોલવાનો મોકો મળ્યો છે, પરંતુ અમારા સમૂહમાં તો બીજી પણ 3-4 બહેનો લખપતિ બની ચૂકી છે. અને સૌને લખપતિ બનાવવાનો સંકલ્પ કર્યો છે. એટલે આ સંકલ્પ યાત્રામાં મને અને મારા તમામ સાથીઓને સમાજની અંદર કેવી કેવી શક્તિ પડેલી છે, એક એકથી ચઢિયાતી સામર્થ્યવાન આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, બાળકો કેટલાં સામર્થ્યથી ભરપૂર છે, ખેલકૂદમાં કેટલા હોંશિયાર છે, જ્ઞાનની સ્પર્ધાઓમાં કેટલા તેજ છે. આ તમામ વાતો જાતે જોવાની, સમજવાની, જાણવાની, અનુભવ કરવાની, આ સૌથી મોટી તક મને સંકલ્પ યાત્રાએ આપી છે. અને તેથી જ હું જાહેર જીવનમાં કામ કરતા દરેકને કહું છું કે, આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા, એ આપણા જેવા લોકો માટે શિક્ષણની હાલતી-ચાલતી યુનિવર્સિટી છે. આપણને શીખવા મળે છે, 2 દિવસમાં આટલું બધું શીખી લીધું, ઘણી બધી બાબતો સમજાઈ ગઈ, આજે તો મારું જીવન ધન્ય બની ગયું છે.
મારા પરિવારજનો,
કહલ જાલા: કાશી કબહુ ના છાડિએ, વિશ્વનાથ દરબાર. કાશીમાં રહેવાનું સરળ બનાવવાની સાથે સાથે અમારી સરકાર કાશીને જોડવા માટે પણ એટલી જ મહેનત કરી રહી છે. અહીં ગામડાં હોય કે શહેરી વિસ્તારો, કનેક્ટિવિટીની સારામાં સારી સુવિધાઓ બની રહી છે. આજે અહીં જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેનાથી કાશીના વિકાસને વધુ ગતિ મળશે. તેમાં આજુબાજુનાં ગામડાઓને જોડતા અનેક રસ્તાઓ પણ છે. શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડ અને રોડ-ઓવરબ્રિજનાં નિર્માણથી સમય અને ઇંધણ બંનેની બચત થશે. શહેરના દક્ષિણ વિસ્તારમાંથી બાબતપુર એરપોર્ટ જતા લોકોને પણ આ પ્રોજેક્ટ ખૂબ મદદરૂપ થશે.
મારા પરિવારજનો,
આધુનિક કનેક્ટિવિટી અને બ્યુટિફિકેશનને કારણે કેવા ફેરફારો આવે છે તે આપણે કાશીમાં જોઈ રહ્યા છીએ. આસ્થા અને આધ્યાત્મિકતાનાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે કાશીનું ગૌરવ દિવસેને દિવસે વધી રહ્યું છે. અહીં પ્રવાસન પણ સતત વિસ્તરી રહ્યું છે અને પ્રવાસન દ્વારા કાશીમાં હજારો નવી રોજગારીની તકો પણ ઊભી થઈ રહી છે. શ્રી કાશી વિશ્વનાથ ધામનું ભવ્ય સ્વરૂપ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં 13 કરોડ લોકો બાબા વિશ્વનાથના દર્શન કરી ચૂક્યા છે. બનારસ આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. અને જ્યારે કોઈ પ્રવાસી આવે છે ને, ત્યારે તે કંઈક ને કંઈક આપીને જાય છે. દરેક પર્યટક 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, હજાર, પાંચ હજાર જેની જેવી તાકાત, તે કાશીમાં ખર્ચ કરે છે. એ પૈસા આપનાં જ ખિસ્સામાં જાય છે. તમને યાદ હશે, મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આપણે પહેલા આપણા દેશનાં ઓછાંમાં ઓછાં 15 શહેરોમાં ફરવું જોઈએ, 15 સ્થળોની મુલાકાત લેવી જોઈએ અને પછી બીજે ક્યાંક વિશે વિચારવું જોઈએ. મને સારું લાગ્યું કે જે લોકો પહેલા સિંગાપોર કે દુબઈ જવાનું વિચારતા હતા તેઓ હવે પોતાનો દેશ જોવા જઈ રહ્યા છે અને પોતાનાં બાળકોને કહી રહ્યા છે, ભાઈ, જાવ પોતાનો દેશ જોઇને આવો. જે પૈસા તેઓ વિદેશમાં ખર્ચતા હતા તે હવે પોતાના જ દેશમાં ખર્ચવામાં આવી રહ્યા છે.
અને ભાઈઓ અને બહેનો,
જ્યારે પ્રવાસન વધે છે ત્યારે દરેક વ્યક્તિ કમાય છે. બનારસમાં પણ પ્રવાસીઓ આવી રહ્યા છે તો હૉટેલિયર્સ કમાણી કરી રહ્યા છે. દરેક પ્રવાસી જે બનારસ આવે છે તે અહીંના ટૂર-ટેક્સી ઓપરેટરો, આપણા નાવિકોને, આપણા રિક્ષાચાલકોને કોઇને કોઇ કમાણી કરાવી દે છે. અહીં પ્રવાસન વધવાને કારણે નાના-મોટા તમામ દુકાનદારોને જબરદસ્ત ફાયદો થયો છે. અચ્છા એક બાત બતાવા, એક બાત બતાવા, ગદૌલિયા સે લંકા તક ટૂરિસ્ટન કા સંખ્યા બઢલ હૌ કી નાહીં?
સાથીઓ,
કાશીના લોકોની આવક વધારવા માટે, અહીં પ્રવાસીઓને વધુ સુવિધાઓ આપવા માટે અમારી સરકાર સતત કામ કરી રહી છે. આજે, સ્માર્ટ સિટી મિશન હેઠળ વારાણસીમાં યુનિફાઇડ ટૂરિસ્ટ પાસ સિસ્ટમ – કાશી દર્શનનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આ સાથે હવે પ્રવાસીઓને અલગ-અલગ સ્થળોએ જવા માટે અલગ-અલગ ટિકિટ ખરીદવાની જરૂર નહીં પડે. દરેક જગ્યાએ માત્ર એક પાસ સાથે પ્રવેશ શક્ય બનશે.
સાથીઓ,
કાશીમાં ક્યાં શું જોવાનું છે, કાશીમાં ખાણી-પીણીની જાણીતી જગાઓ કંઈ છે, અહીં મનોરંજન અને ઐતિહાસિક મહત્વનાં સ્થાનો કયાં છે, એવી દરેક જાણકારી, દેશ અને દુનિયાને આપવા માટે વારાણસીની ટુરિસ્ટ વેબસાઇટ- કાશીને પણ લૉન્ચ કરવામાં આવી છે. અબ જે બાહર સે આવૈલા...ઓકે થોડી પતા હ.. કિ ઈ મલઈયો કે મૌસમ હૌ. જાડા કે ધૂપ મેં, ચૂડા મટર કા આનંદ... કોઈ બહરી કઈસે જાન પાઈ? ગોદૌલિયા ક ચાટ હોએ યા રામનગર ક લસ્સી, ઈ સબ જાનકારી... અબ કાશી વેબસાઇટ પર મિલ જાઈ.
સાથીઓ,
આજે ગંગાજી પર અનેક ઘાટોનાં નવીનીકરણનું કામ પણ શરૂ થઈ ગયું છે. આધુનિક બસ શેલ્ટર હોય કે એરપોર્ટ અને રેલવે સ્ટેશનમાં બનાવવામાં આવી રહેલી આધુનિક સુવિધાઓ હોય, આનાથી વારાણસી આવતાં લોકોના અનુભવમાં વધુ સુધારો થશે.
મારા પરિવારજનો,
કાશી સહિત દેશની રેલ કનેક્ટિવિટી માટે પણ આજનો દિવસ મોટો છે. તમે જાણો છો કે દેશમાં રેલવેની સ્પીડ વધારવા માટે એક મોટું અભિયાન ચાલી રહ્યું છે. માલગાડીઓ માટે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનાં નિર્માણથી રેલવેની તસવીર જ બદલાઈ જશે. આ જ શ્રેણીમાં આજે પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન અને ન્યુ ભાઈપુર જંકશન વચ્ચેના વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આનાથી પૂર્વ ભારતમાંથી કોલસો અને અન્ય કાચો માલ યુપીમાં લાવવાનું વધુ સરળ બનશે. આનાથી કાશી ક્ષેત્રના ઉદ્યોગોમાં બનતો માલ અને ખેડૂતોની ઊપજને પૂર્વ ભારત અને વિદેશમાં મોકલવામાં પણ ઘણી મદદ મળશે.
સાથીઓ,
આજે, બનારસ રેલવે એન્જિન ફૅક્ટરીમાં ઉત્પાદિત 10 હજારમું એન્જિન પણ કાર્યરત થઈ ગયું છે. આ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. યુપીના વિવિધ ભાગોમાં ઔદ્યોગિકીકરણને વેગ મળે, એ માટે પરવડે તેવી અને પર્યાપ્ત વીજળી અને ગેસ બંનેની ઉપલબ્ધતા જરૂરી છે. મને ખુશી છે કે ડબલ એન્જિન સરકારના પ્રયાસોને કારણે યુપી સૌર ઊર્જાનાં ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ચિત્રકૂટ ખાતે 800 મેગાવૉટ ક્ષમતાનો સોલર પાવર પાર્ક યુપીમાં પર્યાપ્ત વીજળી પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરશે. આનાથી રોજગારીની ઘણી તકો ઊભી થશે અને નજીકનાં ગામોના વિકાસને પણ વેગ મળશે. અને સૌર ઊર્જાની સાથે સાથે, પૂર્વી ઉત્તર પ્રદેશમાં પેટ્રોલિયમ સંબંધિત મજબૂત નેટવર્ક પણ બનાવવામાં આવી રહ્યું છે. દેવરિયા અને મિર્ઝાપુરમાં બનાવવામાં આવી રહેલી આ સુવિધાઓ પેટ્રોલ-ડીઝલ, બાયો-સીએનજી, ઇથેનોલની પ્રક્રિયામાં પણ મદદ કરશે.
મારા પરિવારજનો,
વિકસિત ભારત માટે દેશની નારીશક્તિ, યુવા શક્તિ, ખેડૂતો અને દરેક ગરીબનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. મારા માટે તો આ ચાર જ્ઞાતિઓ જ સૌથી મોટી જાતિ છે. જો આ ચાર જ્ઞાતિઓ મજબૂત થશે તો આખો દેશ મજબૂત બનશે. આ વિચારને ધ્યાનમાં રાખીને અમારી સરકાર ખેડૂતોનાં હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા અત્યાર સુધીમાં દેશના દરેક ખેડૂતનાં બૅન્ક ખાતામાં 30 હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જે નાના ખેડૂતો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ ન હતો, એમને પણ આ સુવિધા આપવામાં આવી રહી છે. કુદરતી ખેતી પર ભાર મૂકવાની સાથે અમારી સરકાર ખેડૂતો માટે આધુનિક વ્યવસ્થા પણ બનાવી રહી છે. હમણાં જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે, એમાં ડ્રોન જોઈને તમામ ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ડ્રોન આપણી કૃષિ પ્રણાલીનું ભવિષ્ય ઘડવાના છે. દવા હોય કે ખાતર, તેનો છંટકાવ હવે વધારે સરળ બનશે. આ માટે સરકારે નમો ડ્રોન દીદી અભિયાન પણ શરૂ કર્યું છે, ગામડાંઓમાં લોકો તેને નમો દીદી કહે છે. આ અભિયાન હેઠળ સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી બહેનોને ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે કાશીની બહેનો અને દીકરીઓ પણ ડ્રોનની દુનિયામાં ધૂમ મચાવશે.
સાથીઓ,
તમારા બધાના પ્રયત્નોને લીધે, બનારસમાં અમૂલ તરીકે ઓળખાતા આધુનિક બનાસ ડેરી પ્લાન્ટનું નિર્માણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને શંકરભાઈ મને કહેતા હતા કે કામ કદાચ એકાદ મહિનામાં પૂરું પણ થઈ જશે. બનાસ ડેરી બનારસમાં રૂ. 500 કરોડથી વધુનું રોકાણ કરી રહી છે. આ ડેરી ગાય સંવર્ધન માટે પણ અભિયાન ચલાવી રહી છે જેથી દૂધ ઉત્પાદન વધુ વધે. બનાસ ડેરી, કિસાનન બદે વરદાન સાબિત ભઈલ હૌ. લખનૌ અને કાનપુરમાં બનાસ ડેરીના પ્લાન્ટ પહેલેથી ચાલી રહ્યા છે. આ વર્ષે બનાસ ડેરીએ યુપીનાં 4 હજારથી વધુ ગામોના ખેડૂતોને એક હજાર કરોડ રૂપિયાથી વધુની ચુકવણી કરી છે. અહીં આ કાર્યક્રમમાં બીજું મોટું કામ થયું. ડિવિડન્ડ તરીકે, બનાસ ડેરીએ આજે યુપીના ડેરી ખેડૂતોનાં બૅન્ક ખાતામાં રૂ. 100 કરોડથી વધુ જમા કરાવ્યા છે. આ લાભ મેળવનાર તમામ ખેડૂતોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
મારા પરિવારજનો,
વિકાસની આ અમૃતધારા જે કાશીમાં વહી રહી છે તે આ સમગ્ર પ્રદેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. પૂર્વાંચલનો આ આખો વિસ્તાર દાયકાઓથી ઉપેક્ષિત રહ્યો છે. પરંતુ મહાદેવના આશીર્વાદથી હવે મોદી તમારી સેવામાં લાગેલા છે. હવેથી થોડાક જ મહિનામાં દેશભરમાં ચૂંટણી છે. અને મોદીએ દેશને ગૅરંટી આપી છે કે તેઓ તેમની ત્રીજી ઇનિંગમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવશે. જો આ ગૅરંટી હું આજે દેશને આપી રહ્યો છું તો તેનું કારણ આપ સૌ છો, કાશીના મારા સ્વજનો છે. તમે હંમેશા મારી પડખે ઊભા છો, મારા સંકલ્પોને મજબૂત કરો છો.
આઈએ- એક બાર દુનૌ હાથ ઉઠાકર ફિર સે બોલા. નમ: પાર્વતી પતયે.. હર હર મહાદેવ.
ખૂબ ખૂબ અભિનંદન.