આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રારંભ કરવામાં આવેલી
નવી પહેલો શૈક્ષણિક ક્રાંતિ લાવશે અને ભારતની શિક્ષણ પ્રણાલીને વૈશ્વિક નક્શા પર લાવશે: પ્રધાનમંત્રી
આપણે પરિવર્તનના સમયગાળાની મધ્યે છીએ, સદભાગ્યે, આપણે આધુનિક અને ભવિષ્યલક્ષી નવી શિક્ષણ નીતિ ધરાવીએ છીએ: પ્રધાનમંત્રી
ફરી એકવાર જાહેર સહભાગીતા ભારતની રાષ્ટ્રીય લાક્ષાણિકતા બની રહી છે: પ્રધાનમંત્રી
દરેક ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયન પ્રધાનમંત્રીના અનુરોધ અનુસાર 75 શાળાઓની મુલાકાત લેશે
શિક્ષણ ક્ષેત્રમાં નવા પરિવર્તનો ફક્ત નીતિ આધારિત નથી પરંતુ સહભાગીતા આધારિત પણ છે: પ્રધાનમંત્રી
'વિદ્યાંજલી 2.0' દેશના 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ની સાથે 'સબકા પ્રયાસ' સંકલ્પ માટે એક મંચ સમાન છે: પ્રધાનમંત્રી
N-DEAR તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વચ્ચે સુપર કનેક્ટ તરીકે વર્તશે: પ્રધાનમંત્રી
નિષ્ઠા 3.0 શિક્ષણ, કળા એકીકૃતતા અને સર્જનાત્મક તેમજ મહત્વપૂર્ણ વિચારસરણીના આધારે સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપશે: પ્રધાનમંત્રી

નમસ્કાર!

શિક્ષક પર્વના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ રહેલ કેબિનેટમાં મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રીમતી અન્નપૂર્ણા દેવી જી, ડૉ. સુભાષ સરકારજી, ડૉ. રાજકુમાર રંજન સિંહજી, દેશના જુદા જુદા રાજ્યોના આદરણીય શિક્ષણ મંત્રીગણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાને તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ ડૉ. કસ્તુરી રંગનજી, તેમની ટીમના તમામ આદરણીય સન્માનિત સભ્યગણ, સંપૂર્ણ દેશમાંથી અમારી સાથે ઉપસ્થિત તમામ વિદ્વાન આચાર્યગણ, શિક્ષકગણ અને વ્હાલા વિદ્યાર્થીઓ!

હું સૌથી પહેલા, રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનારા આપણાં શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌએ મુશ્કેલ સમયમાં દેશમાં શિક્ષણ માટે, વિદ્યાર્થીઓના ભવિષ્યની માટે જે એકનિષ્ઠ પ્રયાસ કર્યો છે, યોગદાન આપ્યું છે, તે અતુલનીય છે, સરાહનીય છે. આ કાર્યક્રમમાં આપણાં જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે, હું તેમના ચહેરા પણ સ્ક્રીન પર જોઈ રહ્યો છું. દોઢ બે વર્ષોમાં પહેલી વખત આ જુદી જ ચમક તમારા ચહેરા પર જોવા મળી રહી છે. આ ચમક કદાચ શાળાઓ ખૂલવાની લાગે છે. લાંબા સમય પછી શાળાએ જવું, મિત્રોને મળવું, વર્ગમાં બેસીને ભણવું, તેનો આનંદ જ કઇંક જુદો હોય છે. પરંતુ ઉત્સાહની સાથે સાથે કોરોનાના નિયમોનું પાલન પણ આપણે સૌને, તમારે પણ પુરી ચુસ્તતા સાથે કરવાનું છે.

સાથીઓ,

આજે શિક્ષક પર્વના અવસર પર અનેક નવી યોજનાઓનો પ્રારંભ થયો છે. અને હમણાં આપણે એક નાનકડી ફિલ્મના માધ્યમથી આ તમામ યોજનાઓના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી. આ પહેલો એટલા માટે પણ મહત્વની છે કારણ કે દેશ હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આઝાદીના 100 વર્ષ થવા પર ભારત કેવું હશે, તેની માટે આજે ભારત નવા સંકલ્પો લઈ રહ્યું છે. આજે જે યોજનાઓ શરૂ થઈ છે, તે ભવિષ્યના ભારતને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આજે વિદ્યાંજલિ 2.0, નિષ્ઠા 3.0, વાતચીત કરતાં પુસ્તકો અને યુડીએલ આધારિત આઈએસએલ શબ્દકોશ જેવા નવા કાર્યક્રમો અને વ્યવસ્થાઓની જાહેરાત કરવામાં આવી છે. સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યૉરન્સ ફ્રેમવર્ક એટલે કે S.Q.A.A.F જેવી આધુનિક શરૂઆત પણ કરવામાં આવી છે, મને પૂરો ભરોસો છે કે તે માત્ર આપણી શિક્ષણ વ્યવસ્થાને વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક જ નહિ બનાવે પરંતુ આપણાં યુવાનોને પણ ભવિષ્ય માટે તૈયાર કરવામાં બહુ મોટી મદદ કરશે.

સાથીઓ,

આ કોરોના કાળમાં આપ સૌ બતાવી ચૂક્યા છો કે આપણી શિક્ષણ વ્યવસ્થાનું સામર્થ્ય કેટલું વધારે છે. પડકારો અનેક હતા, પરંતુ આપ સૌએ તે પડકારોનું ઝડપી ગતિએ સમાધાન પણ કર્યું. ઓનલાઈન વર્ગો, ગ્રુપ વીડિયો કૉલ, ઓનલાઈન પ્રોજેક્ટ્સ, ઓનલાઈન પરીક્ષાઓ, પહેલા આવા શબ્દો પણ ઘણા બધા લોકોએ સાંભળ્યા જ નહોતા. પરંતુ આપણાં શિક્ષકોએ, વાલીઓએ, આપણાં યુવાનોએ તેમને સહજતાપૂર્વક દૈનિક જીવનનો હિસ્સો બનાવી દીધા.

સાથીઓ,

હવે સમય છે કે આપણે આપણી આ ક્ષમતાઓને વધારે આગળ વધારીએ. આપણે આ મુશ્કેલ સમયમાં જે કઈં પણ શીખ્યા છીએ તેને એક નવી દિશા આપીએ. સૌભાગ્ય વડે આજે એક બાજુ દેશની પાસે પરિવર્તનનું વાતાવરણ છે તો સાથે જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવી આધુનિક અને ભવિષ્યગામી નીતિઓ પણ છે. એટલા માટે છેલ્લા કેટલાક સમયથી દેશ સતત શિક્ષણ ક્ષેત્રમાં એક પછી એક નવા નિર્ણયો લઈ રહ્યો છે, એક પરિવર્તન થતું જોઈ રહ્યો છે. અને તેની પાછળ જે સૌથી મોટી શક્તિ છે, તે બાજુ હું આપ સૌ વિદ્વાનોનું ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું. આ અભિયાન માત્ર નીતિ આધારિત નથી, પરંતુ ભાગીદારી આધારિત છે. નવી શિક્ષણ નીતિની રચનાથી લઈને અમલીકરણ સુધી, દરેક સ્તર પર શિક્ષણવિદોનું, નિષ્ણાતોનું, શિક્ષકોનું સૌનું યોગદાન રહ્યું છે. આપ સૌ તેની માટે પ્રશંસાને પાત્ર છો. હવે આપણે આ ભાગીદારીને એક નવા સ્તર પર લઈને જવાની છે, આપણે આમાં સમાજને પણ જોડવાનો છે.

સાથીઓ,

આપણે ત્યાં કહેવામાં આવે છે કે-

વ્યયે કૃતે વર્ધતે એવ નિત્યમ્ વિદ્યાધનમ્ સર્વધન પ્રધાનમ્ ||

અર્થાત, વિદ્યા તમામ સંપદાઓમાં, તમામ સંપત્તિઓમાં, સૌથી મોટી સંપત્તિ છે. કારણ કે વિદ્યા જ એવું ધન છે કે જે અન્યોને આપવાથી, દાન કરવાથી વધે છે. વિદ્યાનું દાન, શિક્ષણ આપનારના જીવનમાં પણ બહુ મોટું પરિવર્તન લાવે છે. આ કાર્યક્રમમાં જોડાયેલ આપ સૌ શિક્ષકોએ પણ હ્રદયથી તે બાબતનો અનુભવ કર્યો હશે. કોઈને કઇંક નવું શીખવાડવાનું જે સુખ અને સંતોષ હોય છે તે અલગ જ હોય છે. વિદ્યાંજલિ 2.0, આ જ પુરાતન પરંપરાને હવે એક નવા કલેવરમાં મજબૂત કરશે. દેશે ‘સૌનો સાથસૌનો વિકાસસૌનો વિશ્વાસ તેની સાથે ‘સૌનો પ્રયાસ માટેનો જે સંકલ્પ લીધો છે, ‘વિદ્યાંજલિ 2.0’ તેની માટે એક બહુ જીવંત મંચ જેવી છે. ગતિશીલ મંચની જેવી છે. તેમાં આપણાં સમાજને, આપણાં ખાનગી ક્ષેત્રને આગળ આવવાનું છે અને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવામાં પોતાનું યોગદાન આપવાનું છે.

સાથીઓ,

અનાદિ કાળથી ભારતમાં સમાજની સામૂહિક શક્તિ પર ભરોસો કરવામાં આવ્યો છે. તે સદીઓથી આપણી સામાજિક પરંપરાનો ભાગ રહી છે. જ્યારે સમાજ સાથે મળીને કઇંક કરે છે, તો ઇચ્છિત પરિણામ જરૂરથી મળે છે. અને તમે એ જોયું પણ હશે કે વિતેલા કેટલા વર્ષોમાં જન ભાગીદારી હવે ફરીથી ભારતનું રાષ્ટ્રીય ચરિત્ર બનવા લાગી છે. છેલ્લા 6-7 વર્ષોમાં જન ભાગીદારીની શક્તિ વડે ભારતમાં એવા એવા કાર્યો થયા છે, કે જેમની કોઈ કલ્પના પણ કરી શકતું નહોતું. પછી તે સ્વચ્છતા આંદોલન હોય, છોડી દેવાની ભાવના વડે દરેક ગરીબના ઘરમાં ગેસના જોડાણોને પહોંચાડવાના હોય, કે પછી ગરીબોને ડિજિટલ લેવડદેવડ શિખવાડવાની વાત હોય, દરેક ક્ષેત્રમાં ભારતની પ્રગતિએ, જન-ભાગીદારી વડે ઉર્જા પ્રાપ્ત કરી છે. હવે ‘વિદ્યાંજલિ’ પણ આ જ કડીમાં એક સુવર્ણ અધ્યાય બનવા જઈ રહી છે. ‘વિદ્યાંજલિ’ દેશના દરેક નાગરિક માટે એક આહવાહન છે કે તે આમાં ભાગીદાર બને, દેશના ભવિષ્યનું ઘડતર કરવામાં પોતાની સક્રિય ભૂમિકા નિભાવે! બે પગલાં આગળ આવે. તમે એક એન્જિનિયર હોઇ શકો છો, એક ડૉક્ટર હોઇ શકો છો, એક સંશોધન વૈજ્ઞાનિક હોઇ શકો છો, તમે કોઈ જગ્યાએ આઇએએસ અધિકારી બનીને ક્યાંક કલેકટરના રૂપમાં કામ કરતાં હશો. તેમ છતાં તમે કોઈ શાળામાં જઈને બાળકોને કેટલું બધુ શીખવાડી શકો છો! તમારા માધ્યમથી તે બાળકોને જે શીખવા મળશે, તેનાથી તેમના સપનાઓને નવી દિશા મળી શકે છે. તમે અને આપણે એવા કેટલાય લોકો વિષે જાણીએ છીએ કે જેઓ આવું કામ કરી પણ રહ્યા છે. કોઈ બેન્કના નિવૃત્ત મેનેજર છે પરંતુ ઉત્તરાખંડમાં દૂર-સુદૂરના પહાડી ક્ષેત્રોની શાળાઓમાં બાળકોને ભણાવી રહ્યા છે નિવૃત્તિ લીધા પછી. કોઈ મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલું છે પરંતુ ગરીબ બાળકોને ઓનલાઈન વર્ગો આપી રહ્યું છે, તેમની માટે સંસાધનો ઉપલબ્ધ કરાવી રહ્યું છે. એટલે કે તમે ભલે સમાજમાં કોઈપણ ભૂમિકા નિભાવી રહ્યા હોવ, સફળતાની કોઈ પણ સીડી ઉપર હોવ, યુવાનોના ભવિષ્ય નિર્માણમાં તમારી ભૂમિકા પણ છે અને ભાગીદારી પણ છે! હમણાં તાજેતરમાં જ પૂર્ણ થયેલ ટોક્યો ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં આપણાં રમતવીરોને શાનદાર પ્રદર્શન કર્યું છે. આપણાં યુવાનો તેનાથી કેટલા પ્રેરિત થયા છે. મેં આપણાં ખેલાડીઓને વિનંતી કરી છે કે આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર દરેક રમતવીર ઓછામાં ઓછી 75 શાળાઓમાં જાય. મને ખુશી છે કે આ રમતવીરોએ મારી આ વાતનો સ્વીકાર કર્યો છે. અને હું તમામ આદરણીય શિક્ષકગણને કહીશ, આચાર્યગણને કહીશ કે તમે તમારા વિસ્તારમાં આ રમતવીરો સાથે સંપર્ક કરો. તેમને તમારી શાળામાં બોલાવો. બાળકોની સાથે તેમનો સંવાદ કરાવો. પછી જુઓ કે આનાથી આપણાં વિદ્યાર્થીઓને કેટલી પ્રેરણા મળે છે, કેટલા પ્રતિભાવાન વિદ્યાર્થીઓને રમતગમતમાં આગળ જવાનો ઉત્સાહ મળશે.

સાથીઓ,

આજે બીજી એક મહત્વપૂર્ણ શરૂઆત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યૉરન્સ ફ્રેમવર્ક એટલે કે S.Q.A.A.F ના માધ્યમથી પણ થઈ રહી છે. અત્યાર સુધી દેશમાં આપણી શાળાઓ માટે, શિક્ષણ માટે કોઈ એક સામાન્ય વૈજ્ઞાનિક માળખું જ નહોતું. સામાન્ય માળખા વિના શિક્ષણના તમામ પાસાઓ જેવા કે અભ્યાસક્રમ, શિક્ષણ શાસ્ત્ર, મૂલ્યાંકન, ઇન્ફ્રાસ્ટ્રકચર, સંકલિત પ્રેક્ટિસ અને શાસન પ્રક્રિયા, આ બધા માટે સ્ટેન્ડર્ડ બનવું મુશ્કેલ થતું હતું. તેનાથી દેશના જુદા જુદા ભાગોમાં, જુદી જુદી શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં અસમાનતાનો શિકાર બનવું પડતું હતું. પરંતુ S.Q.A.A.F હવે આ અંતરને ભરવાનું કામ કરશે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ માળખામાં પોતાની જરૂરિયાત અનુસાર પરિવર્તન કરવાની લવચિકતા પણ રાજ્યો પાસે રહેશે. શાળાઓ પણ તેના આધાર પર પોતાનું મૂલ્યાંકન જાતે જ કરી શકશે. તેના આધાર પર શાળાઓને એક પરિવર્તનશીલ બદલાવ માટે પ્રોત્સાહિત પણ કરી શકવામાં આવશે.

સાથીઓ,

શિક્ષણમા અસમાનતાને દૂર કરવા માટે તેને આધુનિક બનાવવામાં રાષ્ટ્રીય ડિજિટલ શિક્ષણ બાંધકામ એટલે કે N-DEAR ની પણ બહુ મોટી ભૂમિકા રહેવાની છે. જે રીતે UPI ઇન્ટરફેસે બેંકિંગ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી છે,  તે જ રીતે એન-ડિયર પણ તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓની વચ્ચે એક સુપર જોડાણનું કામ કરશે. એક શાળામાંથી બીજી શાળામાં જવાનું હોય કે પછી ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ, એકથી વધુ પ્રવેશ નિકાસની વ્યવસ્થા હોય, કે પછી શૈક્ષણિક ક્રેડિટ બેંક અને વિદ્યાર્થીઓના કૌશલ્યનો રેકોર્ડ, બધુ જ એન-ડિયરના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થશે. આ તમામ પરિવર્તનો આપણાં ‘નવા યુગના શિક્ષણ’નો ચહેરો પણ બનશે અને ગુણવત્તા શિક્ષણમાં ભેદભાવને નાબૂદ પણ કરશે.

સાથીઓ,

આપ સૌ એ વાતથી પરિચિત છો કે કોઈ પણ દેશની પ્રગતિ માટે શિક્ષણ માત્ર સંકલિત જ ના હોવું જોઈએ પરંતુ ન્યાય સંગત પણ હોવું જોઈએ. એટલા માટે આજે દેશ વાતચીત કરતાં પુસ્તકો અને ઓડિયો પુસ્તકો જેવી ટેકનોલોજીને શિક્ષણનો ભાગ બનાવી રહ્યો છે. યૂનિવર્સલ ડિઝાઇન ઓફ લર્નિંગ એટલે કે UDL પર આધારિત 10 હજાર શબ્દોની ઇંડિયન સાઇન લેંગ્વેજ શબ્દકોશને પણ વિકસિત કરવામાં આવ્યો છે. આસામના બીહુથી લઈને ભરતનાટ્યમ સુધી, સાંકેતિક ભાષા આપણે ત્યાં સદીઓથી કળા અને સંસ્કૃતિનો હિસ્સો રહી છે. હવે દેશ પહેલી વખત સાંકેતિક ભાષાને એક વિષયના રૂપમાં અભ્યાસક્રમનો એક ભાગ બનાવી રહ્યો છે કે જેથી જે માસૂમ બાળકોને આની ખાસ જરૂરિયાત છે તેઓ કોઇથી પાછળ ના રહી જાય. આ ટેકનોલોજી દિવ્યાંગ યુવાનો માટે પણ એક નવી દુનિયાનું નિર્માણ કરશે. એ જ રીતે નિપુણ ભારત અભિયાનમાં ત્રણ વર્ષથી 8 વર્ષ સુધીના બાળકો માટે પાયાગત સાક્ષરતા અને આંકડાકીય મિશન શરૂ કરવામાં આવ્યું છે. 3 વર્ષની ઉંમરથી જ તમામ બાળકો અનિવાર્યપણે પ્રિ-સ્કૂલ શિક્ષણ પ્રાપ્ત કરે, તે દિશામાં જરૂરી પગલાં ભરવામાં આવશે. આ બધા જ પ્રયાસોને આપણે ઘણા આગળ સુધી લઈને જવાના છે, અને તેમાં આપ સૌની, ખાસ કરીને આપણાં શિક્ષક મિત્રોની ભૂમિકા ખૂબ વધારે મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે –

દ્રષ્ટાન્તો નૈવ દ્રષ્ટત્રિ-ભુવન જઠરેસદગુરોજ્ઞાન દાતુ:”

એટલે કે સંપૂર્ણ બ્રહ્માંડમાં ગુરુની કોઈ ઉપમા નથી હોતી, કોઈ સરખામણી નથી હોતી. જે કામ ગુરુ કરી શકે છે તે કોઈ નથી કરી શકતું. એટલા માટે આજે દેશ પોતાના યુવાનો માટે શિક્ષણ સાથે જોડાયેલ જે પણ પ્રયાસ કરી રહ્યો છે તેની બાગડોર આપણાં આ શિક્ષક ભાઈઓ બહેનોના હાથમાં જ રહેલી છે. પરંતુ ઝડપથી બદલાતા આ સમયમાં આપણાં શિક્ષકોને પણ નવી વ્યવસ્થાઓ અને ટેકનોલોજીના વિષયમાં ઝડપથી શીખવું પડતુ હોય છે. ‘નિષ્ઠા’ તાલીમ કાર્યક્રમ વડે આ તાલીમ કાર્યક્રમની એક સારી એવી નિષ્ઠા તમારી સામે અત્યારે રજૂ કરવામાં આવી છે. આ નિષ્ઠા કાર્યક્રમના માધ્યમથી દેશ પોતાના શિક્ષકોને આ જ પરિવર્તનો માટે તૈયાર કરી રહ્યો છે. ‘નિષ્ઠા 3.0’ હવે આ દિશામાં એક વધુ આગળનું પગલું છે અને હું તેને ખૂબ મહત્વપૂર્ણ પગલું માનું છું. આપણાં શિક્ષકો જ્યારે ક્ષમતા આધારિત શિક્ષણ, કળા-સંકલન, હાઇ ઓર્ડર થિંકિંગ અને રચનાત્મક અને ક્રિટિકલ થિંકિંગ જેવી નવી રીત ભાતો વડે પરિચિત થશે તો તેઓ ભવિષ્ય માટે યુવાનોને વધારે સહજતાપૂર્વક ઘડી શકશે.

સાથીઓ,

ભારતના શિક્ષકોમાં કોઈપણ વૈશ્વિક માનાંક પર ખરા ઊતરવાની ક્ષમતા તો રહેલી છે જ, સાથે જ તેમની પાસે પોતાની એક વિશેષ પૂંજી પણ છે. તેમની આ વિશેષ પૂંજી, આ વિશેષ તાકાત છે તેમની અંદર ભારતીય સંસ્કાર. અને હું તમને મારા બે અનુભવો જણાવવા માંગુ છું. હું પ્રધાનમંત્રી બનીને જ્યારે પહેલી વખત ભૂટાન ગયો હતો તો ત્યાંનાં રાજ પરિવાર હોય, ત્યાંનાં શાસકીય વ્યવસ્થાના લોકો હોય, ખૂબ ગર્વ સાથે કહેતા હતા કે પહેલા અમારે ત્યાં લગભગ લગભગ બધા જ શિક્ષકો ભારતમાંથી આવતા હતા અને અહિયાના દૂર-સુદૂરના વિસ્તારોમાં ચાલીને પગપાળા જઈને ભણાવતા હતા. અને જ્યારે આ શિક્ષકોની વાત કરતાં હતા. ભૂટાનનો રાજપરિવાર હોય, ત્યાંનાં શાસક, બહુ ગર્વનો અનુભવ કરતાં હતા, તેમની આંખોમાં ચમક જોવા મળતી હતી. તે જ રીતે જ્યારે સાઉદી અરેબિયા ગયો અને કદાચ સાઉદી અરેબિયાના રાજા સાથે જ્યારે વાત કરી રહ્યો હતો ત્યારે તેઓ એટલા ગર્વ સાથે મને જણાવી રહ્યા હતા કે મને ભારતના શિક્ષકે ભણાવ્યો છે. મારા શિક્ષક ભારતના હતા. હવે જુઓ, શિક્ષક પ્રત્યે કોઈપણ વ્યક્તિ ગમે ત્યાં પહોંચે તેના મનમાં શું ભાવ હોય છે.

સાથીઓ,

આપણાં શિક્ષકો પોતાના કામને માત્ર એક વ્યવસાય જ નથી માનતા, તેમની માટે ભણાવવું એ એક માનવીય સંવેદના છે, એક પવિત્ર અને નૈતિક કર્તવ્ય છે. એટલા માટે આપણે ત્યાં શિક્ષક અને બાળકોની વચ્ચે વ્યાવસાયિક સંબંધ નથી હોતો પરંતુ પારિવારિક સંબંધ હોય છે, અને આ સંબંધ આખા જીવન દરમિયાનનો હોય છે. એટલા માટે બહુરત્ન શિક્ષક દુનિયામાં ભલે ગમે ત્યાં જાય છે, પોતાની એક જુદી જ છાપ છોડી જાય છે. આ જ કારણે આજે ભારતના યુવાનો માટે દુનિયામાં અપાર સંભાવનાઓ પણ રહેલી છે. આપણે આધુનિક શિક્ષણ ઇકો-સિસ્ટમ અનુસાર આપણી જાતને તૈયાર કરવાની છે, અને આ સંભાવનાઓને અવસરોમાં પરિવર્તિત પણ કરવાની છે. તેની માટે આપણે સતત ઇનોવેશન કરતાં રહેવાનું છે. આપણે શીખવાડવા અને શીખવાની પ્રક્રિયાને સતત પુનઃ વ્યાખ્યાયિત અને પુનઃ નિર્માણ કરતાં રહેવું પડશે. જે જુસ્સો તમે અત્યાર સુધી બતાવ્યો છે તેને આપણે હવે વધુ ઊંચાઈ સુધી પહોંચાડવાનો છે, તેમાં વધારે ઉત્સાહ જોડવાનો છે. મને જણાવવામાં આવ્યું છે કે શિક્ષક પર્વના આ અવસર પર તમે લોકો આજથી 17 સપ્ટેમ્બર સુધી, 17 સપ્ટેમ્બર આપણાં દેશમાં વિશ્વકર્મા જયંતિના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વિશ્વકર્મા પોતાનામાં જ નિર્માતા છે, સર્જનહાર છે. જે 7 તારીખથી 17 તારીખ સુધી જુદા જુદા વિષયો પર કાર્યશાળાઓ, સેમિનાર આયોજિત કરી રહ્યા છો તે પોતાનામાં જ એક પ્રશંસનીય પ્રયાસ છે. સમગ્ર દેશના આટલા બધા શિક્ષકો, નિષ્ણાતો અને નીતિ ઘડવૈયાઓ જ્યારે એક સાથે મંથન કરશે તો તેનાથી વધુ આઝાદીના અમૃત મહોત્સવમાં આ અમૃતની મહત્તા વધારે વધી જશે. તમારા આ સામૂહિક મંથન વડે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સફળતાપૂર્વક લાગુ કરવામાં ઘણી મદદ મળશે. હું ઇચ્છીશ કે આ જ રીતે તમે લોકો તમારા શહેરોમાં, ગામડાઓમાં પણ સ્થાનિક સ્તર પર પ્રયાસ કરો. મને વિશ્વાસ છે કે આ દિશામાં ‘સૌના પ્રયાસ’ વડે દેશના સંકલ્પોને નવી ગતિ મળશે. અમૃત મહોત્સવમાં દેશે જે લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે તેમને આપણે સૌ સાથે મળીને પ્રાપ્ત કરીશું. એ જ શુભકામનાઓ સાથે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભકામનાઓ!!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi