આદરણીય,
મહાનુભવો,
આજે, આપણે આપણા નાગરિકો અને અર્થતંત્રને વૈશ્વિક મહામારીના પ્રભાવથી બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. આબોહવા પરિવર્તન સામે લડત આપવા માટે પણ આપણે આટલું જ ધ્યાન કેન્દ્રિત કરીએ તે મહત્વનું છે. આબોહવા પરિવર્તન સામે અવશ્ય લડવું જોઇએ, મર્યાદિત રીતે નહીં પરંતુ એકીકૃત, વ્યાપક અને સર્વગ્રાહી રીતે. પર્યાવરણ સાથે સૌહાર્દપૂર્વક રહેવાના અમારા પરંપરાગત સિદ્ધાંતો અને મારી સરકારની કટિબદ્ધતાથી પ્રેરણા લઇને, ભારતે ઓછા કાર્બન અને આબોહવા અનુકૂળ વિકાસની પદ્ધતિઓ અપનાવી છે.
મને જણાવતા આનંદ થાય છે કે, ભારતે માત્ર અમારા પેરિસ કરારના લક્ષ્યો જ પ્રાપ્ત નથી કર્યાં, પરંતુ તેનાથી પણ આગળ વધ્યું છે. ભારતે સંખ્યાબંધ ક્ષેત્રોમાં નક્કર પગલાં લીધા છે. અમે LED લાઇટ્સને લોકપ્રિય બનાવી છે. આનાથી દર વર્ષે 38 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું થાય છે. અમારી ઉજ્જવલા યોજના મારફતે 80 મિલિયનથી વધુ પરિવારોને ધુમાડારહિત રસોડા આપવામાં આવ્યા છે. આ વૈશ્વિક સ્તરે સૌથી મોટી સ્વચ્છ ઉર્જાની કવાયતો પૈકી એક છે.
એકલ વપરાશ પ્લાસ્ટિકના ઉપયોગના નાબૂદ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે; અમારા વનાવરણનું વિસ્તરણ થઇ રહ્યું છે; સિંહ અને વાઘની વસ્તી સંખ્યા વધી રહી છે; અમે 2030 સુધીમાં 26 મિલિયન હેક્ટર વેરાન જમીનને ફરી હરિયાળી કરવાનું લક્ષ્ય રાખીએ છીએ; અને અમે વલયાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપીએ છીએ. ભારત આગામી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે, મેટ્રો નેટવર્ક, જળમાર્ગો અને બીજા અનેક કાર્યોનું નિર્માણ કરી રહ્યું છે. સગવડતા અને કાર્યદક્ષતાની સાથે સાથે, તેનાથી સ્વચ્છ પર્યાવરણમાં યોગદાન મળશે. અમે 2022 સુધીમાં 175 ગીગાવૉટ અક્ષય ઉર્જાનું નિર્ધારિત લક્ષ્ય ઘણા વહેલાં જ પ્રાપ્ત કરી લઇશું. હવે, અમે 2030 સુધીમાં 450 ગીગાવૉટનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં એક મોટું ડગલું ભરી રહ્યાં છીએ.
આદરણીય,
મહાનુભવો,
આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન સૌથી ઝડપથી વધી રહેલા આંતરરાષ્ટ્રીય સંગઠનો પૈકી છે જેમાં 88 સભ્ય દેશોએ હસ્તાક્ષર કર્યા છે. અબજો ડૉલરને કાર્યાન્વિત કરવાના, હજારો હિતધારકોને તાલીમ આપવાના અને અક્ષય ઉર્જા ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાના આયોજન સાથે, ISA કાર્બન ફુટપ્રિન્ટમાં ઘટાડો કરવામાં સતત યોગદાન આપતું રહેશે. અન્ય એક દૃશ્ટાંત આપત્તિ પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગઠબંધન છે.
જી-20ના 9 સભ્ય દેશો સહિત 18 દેશો – અને 4 આંતરરાષ્ટ્રીય સંગઠનો પહેલાંથી જ આ ગઠબંધનમાં જોડાયેલા છે. CDRIએ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિસ્થાપકતા વધારવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. કુદરતી આપત્તિઓ દરમિયાન થતું માળખાકીય નુકસાન એક એવો વિષય છે જેના પર હકીકતમાં આપવું જોઇએ એટલું ધ્યાન અપાયું નથી. આનાખી ખાસ કરીને ગરીબ રાષ્ટ્રો પર વધુ અસર પડી છે. આથી, આ ગઠબંધન ઘણું મહત્વ ધરાવે છે.
આદરણીય,
મહાનુભવો,
નવી અને ટકાઉક્ષમ ટેકનોલોજીઓના સંશોધન અને આવિષ્કારમાં હજુ પણ વૃદ્ધિ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. આપણે સહકાર અને સહયોગની ભાવના સાથે આ કરવું જોઇએ. જો વિકાસશીલ વિશ્વને ટેકનોલોજી અને નાણાંનું વધુ સમર્થન મળે તો આખી દુનિયા ઝડપથી પ્રગતિ કરી શકે છે.
આદરણીય,
મહાનુભવો,
માનવજાતની સમૃદ્ધિ માટે, પ્રત્યેક વ્યક્તિ સમૃદ્ધ થાય તે જરૂરી છે. શ્રમને માત્ર ઉત્પાદનના પરિબળ તરીકે જોવાના બદલે, દરેક કામદારના માનવીય ગૌરવ પર ધ્યાન આપવું આવશ્યક છે. આવો અભિગમ આપણા ગ્રહને સલામત રાખવા માટે શ્રેષ્ઠત્તમ બાંહેધરી આપી શકશે.
આપનો આભાર.