ભારત માતા કી જય! ભારત માતા કી જય!
આ ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગોવાના રાજ્યપાલ શ્રી પી. એસ. શ્રીધરન પિલ્લઈજી, ગોવાના ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતજી, ઉપ મુખ્યમંત્રી ચંદ્રકાન્ત કાબલેકરજી, મનોહર અજગાંવજી, કેન્દ્રની કેબિનેટમાં મારા સહયોગી શ્રીપદ નાયકજી, ગોવા વિધાનસભાના સ્પીકર રાજેશ પટનેકરજી, ગોવા સરકારના તમામ મંત્રીઓ, લોક પ્રતિનિધિ ગણ અને ગોવાના મારા ભાઈઓ અને બહેનો.
ગોવાની ધરતીને, ગોવાની હવાને, ગોવાના સમુદ્રને પ્રકૃતિનું અદ્ભૂત વરદાન પ્રાપ્ત થયું છે. અને આજે ગોવાના તમામ લોકોનુ આ જોશ ગોવાની હવામાં મુક્તિના ગૌરવમાં ઉમેરો કરી રહ્યો છે. આજે તમારા ચહેરા પર ગોવાના ગૌરવશાળી ઈતિહાસનો ગર્વ જોઈને હું પણ એટલો જ ખુશ છું, આનંદિત છું. મને કહેવામાં આવ્યું છે કે આ જગા નાની પડી રહી છે. બાજુમાં આવા જ બે મંડપ ઉભા કરવામાં આવ્યા છે અને તમામ લોકો ત્યાં બેઠા છે.
સાથીઓ,
આજે ગોવા પોતાની મુક્તિની ડાયમંડ જ્યુબિલી મનાવી રહ્યું છે, એટલું જ નહીં પણ 60 વર્ષની આ યાત્રાની સ્મૃતિઓ પણ આપણી સામે છે. આપણી સામે આજે આપણાં સંઘર્ષ અને બલિદાનોની ગાથા પણ છે. આપણી સામે લાખો ગોવાવાસીઓનો પરિશ્રમ અને લગનનું એ પરિણામ છે કે જેના કારણે આપણે ઓછા સમયમાં એક લાંબુ અંતર કાપી શક્યા છીએ. અને તે સામે જો આટલા ગર્વથી કશુંક થઈ શકતું હોય તો ભવિષ્ય માટેના સંકલ્પ જાતે જ બનવા માંડે છે. નવા સપનાં જાતે જ આકાર લેતા રહે છે અને એ પણ એક સુંદર યોગાનુંયોગ છે કે ગોવાની આઝાદીની આ ડાયમંડ જ્યુબિલી, આઝાદીના અમૃત મહોત્સવની સાથે સાથે મનાવવામાં આવી રહી છે. એટલા માટે ગોવાના સપનાં અને ગોવાનો સંકલ્પ આજે દેશને નવી ઊર્જા પૂરી પાડી રહ્યા છે.
સાથીઓ,
હમણાં અહીં આવતા પહેલાં મને આઝાદ મેદાનના શહીદ મેમોરિયલમાં શહીદોને શ્રધ્ધાંજલિ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. શહીદોને નમન કર્યા પછી મિરામરમાં સેલ પરેડ અને ફ્લાય પાસ્ટનો હું સાક્ષી પણ બન્યો છું. અહીં આવીને ઓપરેશન વિજયના વીરલોકોને, પીઢ સેનાનીઓને, દેશ તરફથી સન્માન આપવાની તક પ્રાપ્ત થઈ છે. આટલી તકો, અભિભૂત કરી દે તેવો આ અનુભવ મને ગોવામાં એક સાથે પ્રાપ્ત થયો છે અને આ જ તો, ઝિંદાદિલ, વાયબ્રન્ટ ગોવાનો સ્વભાવ છે. હું આ સ્નેહ માટે અને પોતાપણું દેખાડવા માટે ગોવાના દરેક નાગરિકનો આભાર માનું છું.
સાથીઓ,
આજે આપણે વધુ એક વખત ગોવા લિબરેશન ડેની ઉજવણી કરી રહ્યા છીએ અને બીજી તરફ ગોવાના વિકાસ માટે નવા કદમ પણ આગળ ધપાવી રહ્યા છીએ. હજુ હમણાં જ અહીંયા ગોવા સરકારના અલગ અલગ વિભાગોને, એજન્સીઓને આત્મનિર્ભર ભારત અને સ્વયંપૂર્ણ ગોવાના સફળ અમલીકરણ માટે પુરસ્કાર આપવામાં આવ્યા. શાનદાર કામ કરનારી ગોવાની પંચાયતો અને મ્યુનિસિપાલિટીને પણ એવોર્ડ આપવામાં આવ્યા. તેની સાથે સાથે પુનઃનિર્મિત અગવાડા કિલ્લો, જેલ સંગ્રહાલય, મેડિકલ કોલેજના સુપર સ્પેશ્યાલિટી બ્લોક, દક્ષિણ ગોવા જિલ્લા હોસ્પિટલ અને ડાવોરલિમના ગેસ ઈન્સ્યુલેટેડ સબસ્ટેશનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. ગોવા મેડિકલ કોલેજ અને મોપા એરપોર્ટ ઉપર વિમાનન કૌશલ વિકાસ કેન્દ્રની શરૂઆત પણ આજથી થઈ ગઈ છે. આ તમામ સિધ્ધિઓ માટે, વિકાસની યોજનાઓ માટે હું આપ સૌને, ખૂબ ખૂબ અભિનંદન આપું છે.
સાથીઓ,
અમૃત મહોત્સવમાં દેશે દરેક દેશવાસીને 'સબ કા પ્રયાસ' માટે અનુરોધ કર્યો છે. ગોવાનો મુક્તિ સંગ્રામ આ મંત્રનું એક મોટું ઉદાહરણ છે. હમણાં હું આઝાદ મેદાનમાં શહીદ મેમોરિયલ જોઈ રહ્યો હતો. તેને ચાર હાથની આકૃતિ બનાવીને આકાર આપવામાં આવ્યો છે. તે એ વાતનું પ્રતિક છે કે ગોવાની મુક્તિ માટે કેવી રીતે ભારતના ચારેય ખૂણેથી એક સાથે હાથ ઉઠાવવામાં આવ્યા હતા. હવે જુઓ, ગોવા એક એવા સમયે પોર્ટુગલને આધિન થઈ ગયું હતું કે જ્યારે દેશના અન્ય ભાગોમાં મોગલોનું શાસન હતું અને એ પછી આ દેશે ઘણાં રાજકિય તોફાન જોયા. સત્તાઓની ઉથલપાથલ પણ થઈ, પણ સમય અને સત્તાની ઉથલપાથલ વચ્ચે સદીઓના અંતર પછી પણ ગોવા પોતાની ભારતીયતાને ભૂલ્યું નહીં અથવા ભારત પણ પણ પોતાના ગોવાને ભૂલ્યું. આ એક એવો સંબંધ છે કે સમય વિતવાની સાથે મજબૂત થયો છે. ગોવાનો મુક્તિ સંગ્રામ એ એક એવી અમર જ્યોતિ છે કે જે ઈતિહાસના હજારો ઝંઝાવાત સહન કરીને અકબંધ રહી છે, અટલ રહી છે. કુંકલલી સંગ્રામથી માંડીને છત્રપતિ શિવાજી મહારાજ અને સંભાજીના નેતૃત્વમાં વીર મરાઠાઓના સંઘર્ષ સુધી ગોવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા હતા અને દરેક દિશામાંથી કરવામાં આવ્યા હતા.
સાથીઓ,
દેશ તો ગોવાની પહેલાં જ આઝાદ થઈ ગયો હતો. દેશના મોટા ભાગના લોકોને પોતાના અધિકારો મળી ચૂક્યા હતા. હવે તેમની પાસે પોતાના સપનાં અનુસાર જીવવાનો સમય હતો. તેમની પાસે વિકલ્પ હતો કે તે શાસન અને સત્તા માટે સંઘર્ષ કરી શકતા હતા, પદ પ્રતિષ્ઠા મેળવી શકતા હતા, પરંતુ અનેક સેનાનીઓએ આ બધુ છોડીને ગોવાની આઝાદી માટે સંઘર્ષ અને બલિદાનનો માર્ગ પસંદ કર્યો. ગોવાના લોકોએ મુક્તિ અને સ્વરાજ માટેના આંદોલનને ક્યારેય અટકવા દીધુ ન હતુ. તેમણે ભારતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી આઝાદીની જ્યોત જલાવવાનું ચાલુ રાખ્યું હતું. આવું એટલા માટે થયું, કારણ કે ભારત માત્ર એક રાજકિય સત્તા ન હતી. ભારત માનવતાના હિતોનું રક્ષણ કરનારો એક અભિગમ છે, એક પરિવાર છે. ભારત એક એવી ભાવના ધરાવે છે કે જ્યાં રાષ્ટ્ર 'સ્વ' થી ઉપર હોય છે, સર્વોપરી હોય છે. ત્યાં એક જ મંત્ર હોય છે- રાષ્ટ્ર પ્રથમ, નેશન ફર્સ્ટ. જ્યાં એક જ સંકલ્પ હોય છે. તમે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની જ વાત જુઓ લુઈસ દી મિનેઝીસ બ્રાગાંઝા, ત્રિસ્તાવ બ્રાગાંઝા દ કુન્હા, જ્યુલિઓ મિનેઝીસ જેવા નામ હોય, પુરૂષોત્તમ કાકોડકર, લક્ષ્મીકાંત ભેંબરે જેવા સેનાનીઓ હોય કે પછી રાયા માપારી જેવા યુવાનો હોય, કે યુવાનોના બલિદાનો હોય, આપણાં કેટલા બધા સેનાનીઓએ આઝાદી પછી પણ આંદોલન કર્યા છે. પીડા સહન કરી છે, બલિદાન આપ્યા છે, પરંતુ આંદોલનને અટકવા દીધુ ન હતું. આઝાદીના થોડાક સમય પછી જ રામ મનોહર લોહિયાજીથી શરૂ કરીને, આઝાદી પછી જનસંઘના અનેક નેતાઓ તરફથી આ મુક્તિ આંદોલનને સતત ચાલુ રાખવામાં આવ્યું હતું. યાદ કરો, મોહન રાનાડેજીને કે જેમને ગોવાની મુક્તિનું આંદોલન કરવા બદલ જેલમાં મોકલી અપાયા હતા. તેમણે અનેક વર્ષો સુધી જેલમાં યાતનાઓ સહન કરવી પડી હતી. ગોવાની આઝાદી પછી પણ તેમને અનેક વર્ષો સુધી જેલમાં જ રહેવું પડ્યું હતું. ત્યારે રાનાડેજી જેવા ક્રાંતિકારી માટે અટલજીએ દેશની સંસદમાં અવાજ ઉઠાવ્યો હતો. આઝાદ ગોમાન્તક દળ સાથે જોડાયેલા અનેક નેતાઓએ પણ ગોવાના આંદોલન માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યુ હતું. પ્રભાકર, ત્રિવિક્રમ વૈદ્ય, વિશ્વનાથ લવાંડે, જગન્નાથરાવ જોષી, નાના કાજરેકર, સુધીર ફડકે, જેવા અનેક સેનાની હતા કે જેમણે ગોવા, દમણ, દીવ, દાદરા અને નગર હવેલીની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો. એ આંદોલનને દિશા આપી હતી, ઊર્જા આપી હતી.
સાથીઓ,
ગોવા મુક્તિ વિમોચન સમિતિના સત્યાગ્રહમાં 31 સત્યાગ્રહીઓએ પોતાના પ્રાણ ગૂમાવવા પડ્યા હતા. પંજાબના વીર કરનૈલ સિંહ બેનીપાલ જેવા વીરોના બલિદાનોને તમે યાદ કરો. તેમની અંદર બેચેની હતી, કારણ કે તે સમયે પણ દેશનો એક હિસ્સો આઝાદ થયો ન હતો. કેટલાક દેશવાસીઓને તે સમયે પણ આઝાદી મળી ન હતી. અને આજે આ પ્રસંગે હું એ પણ કહીશ કે જો સરદાર વલ્લભભાઈ પટેલ થોડા વધુ વર્ષ જીવિત રહ્યા હોત તો ગોવાને પોતાની મુક્તિ માટે આટલી લાંબી પ્રતિક્ષા કરવી પડી ના હોત.
સાથીઓ,
ગોવાનો ઈતિહાસ સ્વરાજ માટેના ભારતના સંકલ્પનું માત્ર પ્રતિક જ નથી, પણ તે ભારતની એકતા અને અખંડિતતાનો પણ જીવતો જાગતો દસ્તાવેજ છે. ગોવાએ શાંતિથી દરેક વિચારને ફૂલવા ફાલવાની તક પૂરી પાડી છે. એક સાથે દરેક પંથ, ધર્મ અને સંપ્રદાયે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' માં રંગ પૂર્યા છે. ગોવાએ આ કરી બતાવ્યું છે. ગોવા એ એવુ સ્થળ છે કે જેણે જ્યોર્જિયાની સેંટ ક્વિન કેટેવાનના પવિત્ર અવશેષો, જ્યોર્જીયા સરકારને પાછા સોંપ્યા છે. સેંટ ક્વિન કેટેવાનના આ પવિત્ર અવશેષ વર્ષ 2005માં અહીં સેંટ ઓગસ્ટીન ચર્ચમાંથી મળ્યા હતા.
સાથીઓ,
જ્યારે ગોવાની આઝાદી માટે સંઘર્ષની શરૂઆત થઈ ત્યારે બધા લોકો સંગઠીત થઈને લડ્યા, એક સાથે સંઘર્ષ કર્યો. વિદેશી હકૂમત વિરૂધ્ધની પીન્ટોસ ક્રાંતિને તો અહીંના સ્થાનિક ખ્રિસ્તી લોકોએ જ આગેવાની પૂરી પાડી હતી. ભારતની આ જ તો ઓળખ છે. અહીંયા મતમતાંતરનો એક જ અર્થ છે- માનવતાની સેવા. માનવ માત્રની સેવા. ભારતની આ એકતા, એકબીજા સાથે ભળી ગયેલી ઓળખની પ્રશંસા સમગ્ર દુનિયા કરે છે. હમણાં હું થોડા સમય પહેલાં ઈટાલી અને વેટીકન સિટીમાં ગયો હતો. ત્યાં મને પોપ ફ્રાન્સિસજીની મુલાકાત કરવાની તક મળી હતી. ભારત તરફનો તેમનો આદર એવોને એવો અભિભૂત કરી દે તેવો હતો. મેં તેમને ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે. અને હું આ પ્રસંગે જણાવવા માંગુ છું કે, તેમણે મને નિમંત્રણ આપ્યા પછી કહ્યું હતું કે- પોપ ફ્રાન્સિસે કહ્યું હતું કે તમે મને આપેલી આ સૌથી મોટી ભેટ છે. ભારતની આ વિવિધતા અને આપણી વાયબ્રન્ટ લોકશાહી તરફનો તેમનો આ સ્નેહ છે.
સાથીઓ,
ગોવાની કુદરતી સુંદરતા હંમેશા તેની ઓળખ રહી છે, પણ અહીંયા હાલમાં જે સરકાર છે તે ગોવાની વધુ એક ઓળખને વધુ સશક્ત બનાવી રહી છે. આ નવી ઓળખ છે. દરેક કામમાં મોખરે રહેવાની, ઉત્તમ કામ કરવાની, ઉત્તમ કામ કરનારા રાજ્ય તરીકેનીએની ઓળખ છે. અન્ય સ્થળોએ જ્યારે કામની શરૂઆત થાય છે અથવા તો કામ આગળ ધપે છે ત્યાં સુધીમાં તો ગોવા તે કામને પૂરૂ કરી દે છે. એક પ્રવાસન સ્થળ તરીકે લોકોની પસંદ ગોવા જ રહ્યું છે, પણ હવે સુશાસનની વાત હોય તો પણ ગોવા મોખરે છે. માથાદીઠ આવકની વાત હોય તો પણ ગોવા ટોચ ઉપર છે. ખૂલ્લામાં શૌચમુક્ત રાજ્ય તરીકે પણ ગોવાનું કામ 100 ટકા ! છોકરીઓ માટે શાળાઓમાં અલગ ટોયલેટની સુવિધાની વાત હોય તો તોમાં પણ ગોવા 100 ટકા! ગોવાને પૂરા માર્કસ. ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની વાત હોય તો ત્યાં પણ ગોવા 100 ટકા! દરેક ઘર માટે નળના જોડાણો હોય તો એમાં પણ ગોવાનું કામ 100 ટકા! આધાર કાર્ડની નોંધણી હોય તો તેમાં પણ ગોવાએ 100 ટકા કામ પૂર્ણ કર્યું છે. આહાર સુરક્ષા બાબતે પણ ગોવા મોખરે રહ્યું છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બારમાસી રોડની કનેક્ટિવિટીમાં પણ ગોવાનું કામ 100 ટકા. જન્મની નોંધણીનો રેકોર્ડ હોય તો તે પણ 100 ટકા. યાદી એટલી લાંબી છે કે ગણાવતાં ગણાવતાં કદાચ સમય ઓછો પડે.
પ્રમોદજી, તમને અને તમારી સમગ્ર ટીમને મારા તરફથી અભિનંદન પાઠવું છું. ગોવાએ જે કાંઈ હાંસલ કર્યું છે તે અભૂતપૂર્વ છે. ગોવાના લોકોએ જે કરી બતાવ્યુ છે તે સાચે જ પ્રશંસાપાત્ર છે. તમારી નવી એક ઉપલબ્ધિ માટે પણ હું ગોવા સરકારને અને તમામ ગોવાવાસીઓને ખાસ અભિનંદન આપવા માંગુ છું. આ સિધ્ધિ છે 100 ટકા રસીકરણ. ગોવામાં પાત્રતા ધરાવતા તમામ લોકોને રસી અપાઈ ચૂકી છે. બીજી રસી માટેનું અભિયાન પણ ઝડપભેર આગળ ધપી રહ્યું છે. આવી સિધ્ધિ હાંસલ કરનારા દેશના મોખરાના રાજ્યોમાં ગોવા એક છે અને તે માટે હું ગોવાના લોકોને અભિનંદન આપું છું.
ભાઈઓ અને બહેનો,
ગોવાની આ સિધ્ધિઓને, આ ઓળખને જ્યારે હું મજબૂત થતી જોઉં છું ત્યારે મને મારા ખાસ સાથી મનોહર પારિકરજીની યાદ આવે છે. તેમણે ગોવાના વિકાસને નવી ઉંચાઈએ પહોંચાડયો છે તેટલું જ નથી, પણ ગોવાની ક્ષમતાનું વિસ્તરણ પણ કર્યું છે. ગોવાના લોકો કેટલા પ્રમાણિક હોય છે, કેટલા પ્રતિભાશાળી અને મહેનતુ હોય છે તે અંગે દેશે ગોવાનું આ ચરિત્ર મનોહરજીમાં જોયું હતું. છેલ્લા શ્વાસ સુધી કોઈ કેવી રીતે પોતાના રાજ્યને, પોતાના લોકો માટે મથી રહે છે તે તેમના જીવનમાં આપણે જાતે જોયું છે. આ પ્રસંગે હું મારા પરમ મિત્ર અને ગોવાના મહાન સપૂત મનોહરજીને પણ નમન કરૂં છું.
સાથીઓ,
ગોવામાં વિકાસ માટે, ગોવાની પ્રવાસન સ્થળ તરીકેની અપાર સંભાવનાઓને આગળ ધપાવવા માટે જે અભિયાન પરિકરજીએ શરૂ કર્યું હતું તે આજે એટલા જ જોર સાથે ચાલુ રહ્યું છે. કોરોનાની આટલી મોટી વૈશ્વિક મહામારીમાં પણ ગોવા ઝડપભેર ઉભરી રહ્યું છે તે આપણે જોઈ રહ્યા છીએ. કેન્દ્ર સરકાર તરફથી પર્યટન ઉદ્યોગોને નવું ઉંચુ સ્તર આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિઝાના નિયમો સરળ કરવાની વાત હોય, ઈ-વિઝાવાળા દેશની સંખ્યા વધારવાની વાત હોય, દરેક બાબતે પ્રવાસન ઉદ્યોગને ટેકો પૂરો પાડવાનું કામ હોય, બધામાં ગોવા આગળ રહે છે. હમણાં જ અહીંયા જે ફિલ્મ ફેસ્ટીવલ યોજાયો તેની સફળતા પણ બતાવે છે કે ગોવામાં પ્રવાસન પ્રવૃત્તિ કેવી રીતે આગળ ધપી રહી છે.
સાથીઓ,
જે રીતે ગોવા સરકારે અહીંયા સારી સડકો બનાવી. માળખાકીય સુવિધાઓ અને સર્વિસીસને મજબૂત કરી તેના કારણે અહીંયા પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે. તેવી જ રીતે આજે સમગ્ર દેશમાં હાઈવે, એક્સપ્રેસ વે અને હાઈટેક માળખાકીય સુવિધાઓને આધુનિક બનાવવામાં આવી રહી છે. આજે રેલવેનો કાયાકલ્પ થઈ રહ્યો છે. દેશના તમામ શહેરોમાં એરપોર્ટ બની રહ્યા છે. તેના કારણે લોકોનો પ્રવાસ આસાન બને છે. તેમણે ગોવા આવવું હોય તો રસ્તાની ચિંતા કરીને આયોજ પડતું મૂકવું પડતું નથી. આ મિશનને ગતિ આપવા માટે તેમજ તેને શક્તિ આપવા માટે હવે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આવનારા વર્ષોમાં આ મિશન ગતિશક્તિ, દેશમાં માળખાકીય સુવિધાઓ અને પ્રવાસનના ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત કરશે.
સાથીઓ,
ગોવામાં એક તરફ અનંત સમુદ્ર છે, તો બીજી તરફ અહીંના યુવાનોમાં સમુદ્ર જેવા જ વ્યાપક સપનાં છે. આ સપનાં પૂરા કરવા માટે એવા જ વ્યાપક વિઝનની જરૂર પડે છે. હું એમ કહી શકું તેમ છું કે પ્રમોદ સાવંતજી આવા જ એક મોટા વિઝન અંગે કામ કરી રહ્યા છે. હાલમાં ગોવાની શાળાઓમાં બાળકોને ભવિષ્યલક્ષી શિક્ષણ માટે કોડીંગ અને રોબોટિક્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ટેકનિકલ શિક્ષણમાં સબસીડી આપવામાં આવી રહી છે. ઉચ્ચ શિક્ષણ માટે સરકાર 50 ટકા ફી જતી કરી રહી છે. આજે અહીંયા જે એવિએશન સ્કીલ ડેવલપમેન્ટ સેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે પણ હવે યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરશે. એવી જ રીતે આજે દેશ 'આત્મનિર્ભર ભારત અભિયાન' ના સંકલ્પ સાથે પગભર થઈ રહ્યો છે તેવા સમયે 'સ્વયંપૂર્ણ ગોવા' મિશન દેશને તાકાત પૂરી પાડી રહ્યું છે. મને આ મિશનના 'સ્વયંપૂર્ણ મિત્રો' સાથે વર્ચ્યુઅલી વાત કરવાની પણ તક પ્રાપ્ત થઈ હતી. આપ સૌ સાથે મળીને જે રીતે ગોવાને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આગળ ધપાવી રહ્યા છો, જે રીતે વર્તમાન સરકાર જાતે ડોર ટુ ડોર પહોંચી રહી છે. સરકારી સેવાઓ જે રીતે ઓનલાઈન થઈને નાગરિકો સુધી પહોંચી રહી છે, ગોવામાં ભ્રષ્ટાચાર માટેના તમામ દરવાજા ઝડપથી બંધ થઈ રહ્યા છે. આ જ તો 'સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ'નો એવો સંકલ્પ છે કે જે ગોવામાં આજે પૂર્ણ થતો દેખાઈ રહ્યો છે.
સાથીઓ,
આજે જે રીતે આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ, આઝાદીના 100 વર્ષ માટે નવા સંકલ્પો લઈ રહ્યો છે તે રીતે હું પણ અનુરોધ કરૂં છું કે ગોવા પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થશે ત્યારે ક્યાં પહોચશે, તે માટે નવા સંકલ્પ કરે, નવા લક્ષ્ય નક્કી કરે. તે માટે જે સાતત્યની જરૂર પડે છે તે હાલમાં ગોવામાં દેખાઈ રહ્યું છે અને આગળ જતાં પણ તે ચાલુ રહેવુ જોઈએ. આપણે અટકવાનું નથી. આપણી ઝડપને ઓછી થવા દેવાની નથી. ગોંય આની ગોંયકારાંચી, તોખણાય કરીત, તિતકી થોડીચ! તુમકા સગણ્યાંક, પરત એક ફાવટ, ગોંય મુક્તિદિસાચીં, પરબીં દિવન, સગણ્યાખાતીર, બરી ભલાયકી આની યશ માંગતાં!
ખૂબ ખૂબ ધન્યવાદ!
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ધન્યવાદ!