ભારત માતા કી જય
ભારત માતા કી જય
મંચ પર ઉપસ્થિત શ્રીમાન પ્રફુલ પટેલ, સાંસદ શ્રી વિનોદ સોનકર, સાંસદ બહેન કલાબહેન, જિલ્લા પરિષદની અધ્યક્ષા નિશા ભવરજી, ભાઇ રાકેશ સિંહ ચૌહાણ જી, મેડિકલ ક્ષેત્રના સાથીઓ, અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં પધારેલા મારા પ્રિય ભાઇઓ અને બહેનો. કેમ છો ? મજામા, સુખમાં, સંતોષમાં, આનંદમાં, પ્રગતિમાં, વિકાસમાં...વાહ.. હું જયારે પણ અહીં આવું છુ, મન આનંદથી ભરાઇ જાય છે. દમણ, દીવ, દાદરા અને નગર હવેલીની વિકાસની યાત્રાને જોવી તે મારા માટે ખૂબ સુખદ હોય છે. અને હમણાં જે વીડીયો જોઇ કોઇ કલ્પના કરી શકે નહીં કે આટલા નાના ક્ષેત્રમાં ચારે દિશામાં આધુનિક અને ઝડપી ગતિથી થતો વિકાસ કેવો હોય છે તે વીડીયોમાં આપણે ઘણી સારી રીતે જોયું છે.
સાથીઓ,
આ ક્ષેત્રની એક મોટી વિશેષતા હવે આપણું સિલવાસા પહેલા જેવું નથી, આ આપણું સિલવાસા હવે કોસ્મોપોલિટન (પચરંગી) થઇ ગયું છે. હિન્દુસ્તાનનો કોઇ ખૂણો એવો નહી હોય કે જેના લોકો સિલવાસામાં રહેતા ના હોય. તમને તમારી જડો-મૂળ સાથે પ્રેમ, લાગણી છે પરંતુ આધુનિકતાને પણ એટલું જ પોતિકાપણું આપો છો. આ કેન્દ્રશાસિત પ્રદેશની આ ખૂબીને જોઇને કેન્દ્ર સરકાર અલગ અલગ સ્તરો પર ઝડપથી કામ કરી રહી છે. અહીં ઉત્તમ ગુણવત્તાની માળખાકીય સુવિધાઓ હોય, સારા રસ્તાઓ, સારા બ્રીજ હોય, પુલ હોય, અહીં સારી શાળાઓ હોય, પાણી સપ્લાય સારો હોય, આ તમામ પર કેન્દ્ર સરકારનું ખૂબ ધ્યાન છે. છેલ્લા પાંચ વર્ષમાં આ તમામ સુવિધાઓ માટે 5500 કરોડ રૂપિયા, સાડા પાંચ હજાર કરોડથી વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. લાઇટ બિલથી જોડાયેલી વ્યવસ્થા હોય, સારી સ્ટ્રીટ લાઇટોને એલઇડીથી ઝગમગાવવાની હોય, આ ક્ષેત્ર ઝડપથી બદલાઇ રહ્યું છે. અહીં ઘરે ઘરે કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા હોય કે સો ટકા વેસ્ટ પ્રોસેસિંગ હોય આ કેન્દ્ર શાસિત પ્રદેશ, તમામ રાજયોને પ્રેરણા આપી રહ્યા છે. અહીં જે નવી ઓદ્યોગિક નીતિ લાવવામાં આવી છે, તે પણ અહીં ઔધોગિક વિકાસને વધારવામાં, રોજગારીની નવી તકો ઉભી કરવામાં મદદરૂપ પુરવાર થઇ રહી છે. આજે ફરી એક વાર મને અંદાજે પાંચ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો પ્રારંભ કરવાની તક મળી છે. આ પ્રોજેક્ટ હેલ્થ, હાઉસિંગ, ટુરિઝમ, શિક્ષણ અને શહેરી વિકાસ સાથે જોડાયેલા છે. તેનાથી સરળ જીવનને વેગ મળશે. તેનાથી સરળ પ્રવાસનને વેગ મળશે. તેનાથી સરળ પરિવહન વધશે અને તેનાથી સરળ વ્યાપારને પણ વેગ મળશે અને તેમાં વઘારો થશે.
સાથીઓ,
આજે મને વધુ એક વાતની ખુશી છે. આજે જે પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે. તેમાંથી કેટલાકના શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય તમે બધાએ મને જ આપ્યું હતું. લાંબા સમય સુધી આપણા દેશમાં સરકારી પ્રોજેક્ટ વર્ષોના વર્ષો સુધી લટકતાં હતા, અટકતા હતા, ભટકતા હતા. કેટલીક વખત તો શિલાન્યાસનો પથ્થર પણ જૂનો થઇને તૂટી પડતો હતો, પરંતુ પ્રોજેક્ટ પુરા થતાં ન હતા. પરંતુ છેલ્લા નવ વર્ષમાં અમે દેશમાં એક નવી કાર્ય પદ્ધતિ વિકસાવી છે, નવુ વર્ક કલ્ચર લાવ્યા છીએ. હવે જે કામની પાયો નાખવામાં આવે, તેને ઝડપથી પૂરો કરવાનો પણ ભરપુર પ્રયાસ કરવામાં આવે છે. એક કામ પૂર્ણ કરતાં જ અમે બીજું કામ શરૂ કરી દઇએ છીએ. સિલવાસાનો આ કાર્યક્રમ પણ તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે. તેના માટે હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
સાથીઓ,
કેન્દ્રની ભાજપ સરકાર, સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસના મંત્ર પર ચાલી રહી છે. દેશના દરેક ક્ષેત્રનો વિકાસ થાય, દેશના દરેક ક્ષેત્રનો સંતુલિત અને સમાન વિકાસ થાય, તેવો અમારો પ્રયાસ છે. પરંતુ દેશનું એ પણ દુર્ભાગ્ય છે કે અનેક દાયકાઓ સુધી વિકાસને રાજનીતિના, વોટ બેંકના ત્રાજવાથી તોલવામાં આવતો હતો. યોજનાઓની, પ્રોજેક્ટની જાહેરાતો જોઇને તો ખૂબ સારું લાગતું હતું પરંતુ કેવી રીતે થતી હતી, કયાંથી કેટલા મત મળશે, કયા વર્ગને ખુશ કરવાથી મત મળશે. જેની પહોંચ ન હતી, જેમનો અવાજ નબળો હતો, તેઓ અભાવમાં રહ્યા, વિકાસયાત્રામાં પાછળ રહી ગયા. આ જ કારણ છે કે આપણા આદિવાસી વિસ્તારો, આપણા સીમાવર્તી વિસ્તારો, વિકાસથી વંચિત રહી ગયા. આપણા માછીમારોને તેમની હાલત પર છોડી દેવામાં આવ્યા. દમણ, દીવ, દાદરા અને નગર હવેલીને પણ આ જ વર્તનની ઘણી મોટી કિમંત ચૂકવવી પડી છે.
હું તો ગુજરાતનો હતો, હું સતત જોઇ રહ્યો હતો કે શું કરીને રાખ્યું છે આ લોકોએ. આજે જે મેડિકલ કોલેજને પોતાનું કેમ્પસ મળ્યું છે, તે આ અન્યાયનું ઘણું મોટુ સાક્ષી રહ્યું છે. તમે વિચારો સાથીઓ, આઝાદીના દાયકાઓના દાયકાઓ વીતી ગયા, પરંતુ દમણ, દીવ, દાદરા અને નગર હવેલીમાં એક પણ મેડિકલ કોલેજ બની ન હતી. અહીં કેટલાક ગણ્યા-ગાંઠ્યા કેટલાક યુવાનોને કોઇ પણ રીતે દાકતરી-મેડિકલનો અભ્યાસ કરવાની તક મળતી હતી તે પણ બીજી જગ્યાએ. તેમાં પણ આદિવાસી પરિવારોની દિકરા-દિકરીઓની ભાગીદારી તો બિલકુલ ના બરાબર હતી. જેમણે દાયકાના દાયકાઓ સુધી દેશ પર શાસન કર્યું, તેઓને અહીંના યુવાનોની સાથે થઇ રહેલા ભયંકર અન્યાયની ચિંતા કયારેય પણ થઇ નથી. તેઓ સમજતા હતા કે આ નાના એવા કેન્દ્ર શાસિત પ્રદેશનો વિકાસ કરીને, તેઓને કશું મળવાનું નથી. તેઓ તમારા આ આર્શીવાદની કિમંત કયારેય સમજી જ શકયા નથી. 2014માં જયારે તમે અમને સેવાની તક આપી તો, અમે તમારી સેવાની ભાવનાથી કામ શરૂ કર્યું, સમર્પણ ભાવથી કામ શરૂ કર્યું. તેનુ પરિણામ છે કે દમણ, દીવ, દાદરા અને નગર હવેલીને પોતાનું પહેલી નેશનલ એકેડમિક મેડિકલ ઓર્ગેનાઇઝેશન (NaMo) મેડિકલ કોલેજ મળી. હવે અહીંથી દર વર્ષે ઓછામાં ઓછા દોઢસો સ્થાનિક યુવાનોને મેડિકલનો અભ્યાસ કરવાની તક મળશે. કેટલાક વર્ષોમાં જ નજીકના ભવિષ્યમાં જ એક હજાર જેટલા ડોક્ટરો અહીંથી જ તૈયાર થઇ જશે. તમે કલ્પના કરો આટલા નાના વિસ્તારમાંથી એક હજાર ડોક્ટર. તેમાં પણ આપણા આદિવાસી પરિવારોના યુવાનોની સંખ્યા સતત વધી રહી છે. હું અહીં આવતાં પહેલાં, એક સમાચાર અહેવાલમાં એક દિકરીની વાત વાંચી રહ્યો હતો. આદિવાસી પરિવારમાંથી આવનારી આ દિકરી હાલ અહીં મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. આ દિકરીએ છાપાવાળાઓને કહ્યું કે મારા પરિવારની વાત છોડો, મારા આખા ગામમાં કયારેય કોઇ ડોક્ટર બની શકયા નથી. હવે આ દિકરી તેને પોતાનું સૌભાગ્ય માને છે કે દાદરા અને નગર હવેલીમાં આ મેડિકલ કોલેજ બની છે અને તે તેની વિદ્યાર્થિની છે.
સાથીઓ,
સેવા ભાવના એ અહીંના લોકોની ઓળખ છે. મને યાદ છે કોરોના સમયે અહીંના મેડિકલના વિદ્યાર્થીઓએ આગળ આવીને લોકોની મદદ કરી હતી. અને કોરોના કાળના સમયે તો પરિવારમાં પણ કોઇ એક બીજાની મદદ કરી શકતાં ન હતા. ત્યારે અહીંના વિદ્યાર્થીઓ ગામડાઓમાં મદદ કરવા પહોંચ્યાં હતા અને હું આ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગું છું તમે લોકોએ જે ગ્રામ દત્તક કાર્યક્રમ ચલાવ્યો હતો, તેનો ઉલ્લેખ મે મન કી બાતમાં પણ કર્યો હતો. અહીંના ડોક્ટરોએ, મેડિકલ વિદ્યાર્થીઓએ જે રીતે પોતાના કર્તવ્યનું પાલન કર્યુ છે, તે બધા માટે મોટી પ્રેરણા છે. હું આજે આ કાર્ય માટે અહીં ચિકિત્સા સુવિધાઓ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિની પ્રશંસા કરીશ.
ભાઇઓ અને બહેનો,
સિલવાસાની આ નવી મેડિકલ કોલેજ, હાલની સ્વાસ્થ્ય સુવિધાઓ પરનું દબાણ પણ ઓછું કરશે. તમે પણ જાણો છો કે અહીં બાજુમાં જે સિવિલ હોસ્પિટલ છે, તેના પર કેટલું દબાણ અને ધસારો રહેતો હતો. હવે તો અહીં દમણમાં એક વધુ 300 બેડની નવી હોસ્પિટલ બની રહી છે. સરકારે આયુર્વેદિક હોસ્પિટલના નિર્માણ માટે પણ પોતાની મંજૂરી આપી દીધી છે. એટલે કે આવનારા સમયમાં, સિલવાસા અને આ સમગ્ર વિસ્તાર સ્વાસ્થ્ય સુવિધાઓને લઇને અત્યંત મજબૂત થવાનો છે.
સાથીઓ,
તમને યાદ હશે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હુ અહીં ઘણી વખત આવ્યો છું, તમારી વચ્ચે આવ્યો છું. જયારે હું ત્યાં સરકારમાં આવ્યો હતો તો જોયુ કે અંબાજીથી લઇને ઉમરગાંવ સુધીના આદિવાસી પટ્ટામાં કોઇ પણ સ્કૂલમાં સાયન્સનો અભ્યાસ થતો ન હતો. જયારે સાયન્સનો અભ્યાસ જ થતો ન હતો તો પછી બાળકો ડોક્ટર અને એન્જિનિયર કેવી રીતે બનશે ? એટલા માટે મે ત્યાં સ્કૂલો-કોલેજોમાં સાયન્સનો અભ્યાસ શરૂ કરાવ્યો, આપણા આદિવાસી બાળકોને એક મોટી મુશ્કેલી, બીજી ભાષાઓમાં અભ્યાસ કરવામાં થતી હતી, કોઇ પણ બાળકને હોય છે.અંગ્રેજીમાં અભ્યાસ થતો હોવાને કારણે ગામડાના, ગરીબ, દલિત, વંચિત, આદિવાસી પરિવારોના અનેક પ્રતિભાશાળી દિકરા-દિકરીઓ ડોક્ટર-એન્જિનિયર બની શકતાં ન હતા. અમારી સરકારે હવે આ સમસ્યાનું સમાધાન પણ કરી નાંખ્યું છે. હવે ભારતીય ભાષાઓમાં, પોતાની ભાષામાં મેડિકલ-એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે. તેનાથી પણ આ વિસ્તારના બાળકોને બહુ મોટી મદદ મળવાની છે. હવે ગરીબ માતાનો દિકરો પણ ડોક્ટર બનવાનું સ્વપ્ન નિહાળી શકે છે.
સાથીઓ,
આજે મેડિકલ કોલેજની સાથે સાથે અહીં એન્જિનિયરિંગ કોલેજનું પણ લોકાર્પણ થયું છે. તેનાથી અહીંના અંદાજે 300 યુવકોને દર વર્ષે એન્જિનિયરિંગમાં અભ્યાસની તક મળશે. મને એ વાતની પણ ખુશી છે કે, દેશની મોટી શૈક્ષણિક સંસ્થાઓ પણ દમણ, દીવ, દાદરા અને નગર હવેલીમાં પોતાના કેમ્પસ ખોલી રહી છે. દમણમાં નિફ્ટનું સેટેલાઇટ કેમ્પસ બન્યું છે, સિલવાસામાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીનું કેમ્પસ બન્યું છે, દીવમાં ટ્રિપલ આઇટી વડોદરાએ પોતાનું કેમ્પસ ખોલ્યું છે. આ નવી મેડિકલ કોલેજ તો સિલવાસાની સુવિધાઓને એક નવી ઉંચાઇ પર લઇ જશે. હું આ વિસ્તારના દરેક વિદ્યાર્થીઓને ભરોસો આપું છું કે, તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી સરકાર કોઇ એટલે કોઇ કસર બાકી નહીં રાખે.
ભાઇઓ અને બહેનો,
હું જયારે છેલ્લે સિલવાસા આવ્યો હતો, તો મેં વિકાસની પંચધારાની વાત કરી હતી. વિકાસની પંચધારા એટલે કે બાળકોને અભ્યાસ, યુવાનોને કમાણી, વૃદ્ધોને દવાઓ, ખેડૂતોને સિંચાઇ અને દરેક દરેકની સાંભળવું. આજે હું તેમાં એક વધુ ધારા જોડીશ અને તે છે, મહિલાઓને પોતાના ઘરની ઘણી બધી શુભકામનાઓ. અમારી સરકારે પાછલા વર્ષોમાં દેશના ત્રણ કરોડથી વધારે ગરીબ પરિવારોને પાક્કા ઘર બનાવીને આપ્યા છે. અહીં પણ અમારી સરકારે 15 હજારથી વધારે ઘર બનાવીને ગરીબોને આપવાનું નક્કી કર્યું છે. તેમાંથી મોટા ભાગના ઘરો બનીને તૈયાર થઇ ગયા છે. આજે પણ અહીં 1200થી વધારે પરિવારોને પોતાના માલિકીપણાના હક્કવાળા ઘરો મળ્યા છે. અને તમે એ જાણો છો કે, પીએમ આવાસ યોજનાના જે ઘરો આપવામાં આવે છે, તેમાં મહિલાઓને પણ બરાબરની ભાગીદારી આપવામાં આવે છે. એટલે કે અમારી સરકારે અહીં દમણ, દીવ, દાદરા અને નગર હવેલીની હજારો મહિલાઓને પણ પોતાના ઘરની માલકણ બનાવવાનું કામ કર્યું છે. નહીતર આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં કેવું હતું કે, ઘરનો માલિક પુરુષ, ખેતરનો માલિક પુરુષ, દુકાનનો માલિક પુરુષ, ગાડીનો માલિક પુરુષ, સ્કૂટર છે તો તેનો માલિક પણ પુરુષ. મહિલાઓના નામ પર કશું ન હતુ. અમે આ ઘરોના માલિકપણાનો હક્ક મહિલાઓને આપ્યો છે. અને તમે એ પણ જાણો છો કે, પીએમ આવાસ યોજના અંતર્ગત બનેલા એક એક મકાનની કિમંત કેટલાય લાખ રૂપિયાઓ હોય છે. એટલા માટે આ મહિલાઓ જેઓને આજે ઘર મળ્યા છે ને, લાખો રૂપિયાની કિમંતના ઘર મળ્યા છે અને એટલા આ આપણા ગરીબ પરિવારની માતા-બહેનો, આ અમારી મહિલાઓ લાખોપતિ દીદી બની ગઇ છે, હવે તે લાખોપતિ દીદીના નામથી ઓળખાશે કારણ કે, લાખ રૂપિયાથી પણ મોટી કિમંતના ઘરની તે માલિક બની છે. હું આ તમામ લખપતિ દીદીઓને જેટલી શુભેચ્છાઓ આપુ તેટલી ઓછી છે તેમને હું ખાસ શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ,
ભારતના પ્રયાસોને કારણે જ આજે સમગ્ર વિશ્વ, આ વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે મનાવી રહ્યું છે. મિલેટ્સ એટલે કે મોટા અનાજને , અમારી સરકારે, શ્રીઅન્ન નામની ઓળખ આપી છે. અહીંના ખેડૂતો, રાગી કે અહીંની ભાષામાં કહીએ તો નાગલી કે નચની જેવા જે મિલેટ્સની ઉપજ કરતાં હતા, તેને પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. આજે રાગીથી બનેલો લોટ હોય, રાગીથી બનેલી કુકીઝ હોય, રાગીથી બનેલી ઇડલી હોય, લાડુ હોય, તે બધાનું વેચાણ વધી રહ્યું છે અને ખેડૂતોને પણ ફાયદો થઇ રહ્યો છે. હું હંમેશાં મન કી બાત કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કરું છું. અને તમે તો જાણો છો કે હવે તો મન કી બાતનો આવતાં રવિવારે સદી પૂરી થવાની છે, 100 મો હપ્તો. ભારતના લોકોના પ્રયાસોને સામે લાવવાનું, ભારતની વિશેષતાઓને તેની ગૌરવગાન કરવા માટે, મન કી બાત ઘણું સારું પ્લેટફોર્મ બન્યું છે. તમારી જેમ મને પણ 100મા હપ્તાની ખૂબ આતુરતા છે, રવિવારની રાહ જોવી છે.
સાથીઓ,
વધતી જતી આ વ્યવસ્થાઓની વચ્ચે, હું દમણ, દીવ, દાદરા અને નગર હવેલીને ભારતમાં કોસ્ટલ પ્રવાસનના ઉજ્જવળ સ્થળના રૂપમાં પણ જોઇ રહ્યો છું. દમણ, દીવ, દાદરા અને નગર હવેલીની પાસે દેશના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળના રૂપમાં બહાર આવવાનું સામર્થ્ય છે. આજે જયારે ભારતને આપણે દુનિયાના સૌથી આકર્ષણ પ્રવાસન સ્થળ બનાવવા પર કામ કરી રહ્યા છીએ, ત્યારે અહીંનું મહત્વ વધી જાય છે. દમણમાં રામસેતૂ અને નાની દમણ મરીન ઓવર વ્યૂ (NaMo) પથ નામથી જે બે દરિયા કાંઠા બન્યા છે, તે પણ અહીં ટુરિઝમને વધારવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. સપ્તાહના અંતમાં જે પ્રવાસી અહીં આવે છે, તેમનું તો આ ફેવરિટ સ્પોટ બનવા જઇ રહ્યું છે. મને જણાવવામાં આવ્યું છે કે પર્યટકોની સુવિધા માટે બિચ વિસ્તારમાં નવા ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી રહ્યા છે. થોડી વારમાં હું પોતે નાની દમણ મરીન ઓવર વ્યૂ (NaMo) પથને જોવા જવાનો છું. આ સી ફ્રન્ટ ચોક્કસપણે દેશ-દુનિયાના પર્યટકોને આકર્ષિત કરશે. તેની સાથે જ ખાનવેલ રિવર ફ્રન્ટ, દૂધની જેટ્ટી, ઇકો રિસોર્ટનું નિર્માણ, આ બધું અહીંના ટૂરિઝમમાં વધારો કરશે. કોસ્ટલ પ્રોમોનેડ, બિચના વિકાસના પ્રોજેક્ટ પણ જયારે પૂરા થઇ જશે તો અહીંનું આકર્ષણ ઓર વધી જશે. અને આ બધાથી રોજગારની નવી તકો પેદા થશે. સ્વરોજગારની તકો બનશે.
ભાઇઓ અને બહેનો,
આજે દેશમાં તુષ્ટિકરણ પર નહી પરંતુ સંતુષ્ટિકરણ પર જોર આપવામાં આવી રહ્યું છે. વંચિતોને પ્રાથમિકતા, તે પાછલા નવ વર્ષના સુશાસનની ઓળખ બની ગઇ છે. કેન્દ્ર સરકાર દેશના દરેક જરૂરતમંદ, દરેક વંચિતવર્ગ, વંચિત ક્ષેત્ર સુધી સુવિધાઓ પહોંચાડવા માટે ઝડપથી કામ કરી રહી છે. જયારે યોજનાઓનું એકત્રિકરણ થાય છે, જયારે સરકાર પોતે લોકોના દરવાજા સુધી જાય છે, તો ભેદભાવ પૂરા થઇ જાય છે, ભષ્ટ્રાચાર ખતમ થઇ જાય છે, ભાઇ-ભત્રીજાવાદ ખતમ થઇ જાય છે. મને ખુશી છે કે, દમણ, દીવ અને દાદરા, નગર હવેલી, કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના એકીકરણની ઘણી નજીક પહોંચી ગઇ છે. તમારા તમામના આવા જ પ્રયાસોથી સમૃદ્ધિ આવશે, વિકસીત ભારતનો સંકલ્પ સિદ્ધ થશે. એક વાર ફરીથી આપ સૌને વિકાસ કાર્યોની ખૂબ ખૂબ શુભેચ્છા..
ભારત માતા કી જય
ભારત માતા કી જય
ખૂબ ખૂબ ધન્યવાદ....