ચિત્રમય શિવ પુરાણ ગ્રંથનું વિમોચન કર્યું
લીલા-ચિત્ર મંદિરની મુલાકાત લીધી
"ગીતા પ્રેસ માત્ર એક પ્રિન્ટિંગ પ્રેસ નથી પરંતુ જીવંત આસ્થા છે"
“વાસુદેવ સર્વમ એટલે કે બધું જ વાસુદેવથી છે અને તેમનામાં છે”
“1923માં ગીતા પ્રેસના રૂપમાં જે આધ્યાત્મિક જ્યોત પ્રગટી હતી તે આજે સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક પ્રકાશ બની ગઇ છે”
"ગીતા પ્રેસ ભારતને જોડે છે, ભારતની એકતાને મજબૂત કરે છે"
"ગીતા પ્રેસ એક રીતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે"
"જ્યારે અનીતિ અને આતંકનું જોર વધે છે, અને સત્ય ભયથી ઘેરાયેલું હોય છે, ત્યારે ભગવદ્ ગીતા હંમેશા પ્રેરણા સ્રોત બની છે"
"ગીતા પ્રેસ જેવી સંસ્થાઓનો જન્મ માનવ મૂલ્યો અને આદર્શોને પુનર્જીવિત કરવા માટે થયો છે"
"આપણે એક નવા ભારતનું નિર્માણ કરીશું, અને વિશ્વ કલ્યાણની આપણી દૂરંદેશીને સફળ બનાવીશું"

શ્રી હરિ:। વસુદેવ સુતં દેવં, કંસ ચાણૂર-મર્દનમ્‌।

દેવકી પરમાનન્દં, કૃષ્ણં વંદે જગદ્‌ગુરુમ્‌॥

ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, ગીતા પ્રેસના શ્રી કેશોરામ અગ્રવાલજી, શ્રી વિષ્ણુ પ્રસાદજી, સાંસદ ભાઇ રવિ કિશનજી, અન્ય મહાનુભાવ, દેવીઓ અને સજ્જનો!

શ્રાવણનો પવિત્ર માસ, ઈન્દ્ર દેવના આશીર્વાદ, શિવાવતાર ગુરુ ગોરખનાથની તપોસ્થળી અને અનેકાનેક સંતોની કર્મસ્થળી આ ગીતાપ્રેસ ગોરખપુર! જ્યારે સંતોના આશીર્વાદ ફળીભૂત થાય ત્યારે આવા સુખદ અવસરનો લાભ મળે છે. મારી આ વખતે ગોરખપુરની મુલાકાત 'વિકાસ ભી, વિરાસત ભી'ની આ નીતિનું એક અદ્‌ભૂત ઉદાહરણ છે. મને હમણાં જ ચિત્રમય શિવ પુરાણ અને નેપાળી ભાષામાં શિવ પુરાણનાં વિમોચનનું સૌભાગ્ય મળ્યું છે. ગીતા પ્રેસના આ કાર્યક્રમ પછી હું ગોરખપુર રેલવે સ્ટેશન જઈશ. ગોરખપુર રેલવે સ્ટેશનનાં આધુનિકીકરણનું કામ પણ આજથી જ શરૂ થવા જઈ રહ્યું છે. અને જ્યારથી મેં તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, લોકો આશ્ચર્ય સાથે જોઈ રહ્યા છે. લોકોએ ક્યારેય વિચાર્યું જ ન હતું કે રેલવે સ્ટેશનોનો પણ આ રીતે કાયાકલ્પ થઈ શકે છે. અને આ જ કાર્યક્રમમાં હું ગોરખપુરથી લખનૌ સુધી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીશ. અને એ સાથે જ જોધપુરથી અમદાવાદ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવશે. વંદે ભારત ટ્રેને સવલતો અને સુવિધાઓ માટે દેશના મધ્યમ વર્ગને એક નવી ઉડાન આપી છે. એક સમય હતો જ્યારે નેતાઓ પત્ર લખતા હતા કે અમારા વિસ્તારમાં આ ટ્રેન માટે જરા હૉલ્ટ આપો, તે ટ્રેન માટે હૉલ્ટ આપો. આજે દેશના ખૂણે-ખૂણેથી નેતાઓ મને પત્ર લખીને કહે છે કે વંદે ભારત અમારા વિસ્તારમાંથી પણ ચલાવવામાં આવે. આ વંદે ભારતનો ક્રેઝ છે. આ તમામ આયોજનો માટે હું ગોરખપુરના લોકોને અને દેશના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

ગીતાપ્રેસ એ વિશ્વનું એકમાત્ર પ્રિન્ટિંગ પ્રેસ છે, જે માત્ર એક સંસ્થા જ નથી પરંતુ એક જીવંત આસ્થા છે. ગીતા પ્રેસનું કાર્યાલય કરોડો-કરોડ લોકો માટે એક મંદિરથી જરાય ઓછું નથી. તેનાં નામમાં પણ ગીતા છે, અને તેનાં કાર્યમાં પણ ગીતા છે. અને જ્યાં ગીતા છે- ત્યાં સાક્ષાત્‌ કૃષ્ણ છે. અને જ્યાં કૃષ્ણ છે- ત્યાં કરુણા પણ છે, કર્મ પણ છે. ત્યાં જ્ઞાનનો બોધ પણ છે અને વિજ્ઞાનની શોધ પણ છે. કારણ કે, ગીતાનું વાક્ય છે- 'વાસુદેવ: સર્વમ્'. બધું જ વાસુદેવમય છે, બધું વાસુદેવથી જ છે, બધું વાસુદેવમાં જ છે.

ભાઇઓ અને બહેનો,

જે આધ્યાત્મિક જ્યોતિ અહીં 1923માં ગીતાપ્રેસનાં રૂપમાં પ્રજ્વલિત થઈ, આજે તેનો પ્રકાશ સમગ્ર માનવતાને માર્ગદર્શન આપી રહ્યો છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે બધા આ માનવતાવાદી મિશનની શતાબ્દીના સાક્ષી બની રહ્યા છીએ. આ ઐતિહાસિક અવસર પર જ અમારી સરકારે ગીતાપ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર પણ આપ્યો છે. ગાંધીજીને ગીતા પ્રેસ સાથે ભાવનાત્મક લગાવ હતો. એક સમયે ગાંધીજી ગીતા પ્રેસ માટે કલ્યાણ પત્રિકા દ્વારા લખતા હતા. અને મને કહેવામાં આવ્યું કે ગાંધીજીએ જ સૂચન કર્યું હતું કે કલ્યાણ પત્રિકામાં જાહેરાતો પ્રકાશિત ન થવી જોઈએ. કલ્યાણ પત્રિકા હજુ પણ ગાંધીજીનાં એ સૂચનને શત-પ્રતિશત અનુસરી રહી છે. મને ખુશી છે કે ગીતાપ્રેસને આજે આ પુરસ્કાર મળ્યો છે. આ દેશ તરફથી ગીતાપ્રેસનું સન્માન છે, તેનાં યોગદાનનું સન્માન છે અને તેનાં 100 વર્ષના વારસાનું સન્માન છે. આ 100 વર્ષમાં ગીતાપ્રેસ દ્વારા કરોડો કરોડો પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યાં છે. આંકડો ક્યારેક કોઇ 70 કહે છે, કોઈ 80 કહે છે, કોઈ 90 કરોડ કહે છે! આ સંખ્યા કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે. અને આ પુસ્તકો પડતર કિંમત કરતા પણ ઓછા ભાવે વેચાય છે, ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. તમે કલ્પના કરી શકો છો, જ્ઞાનના આ પ્રવાહે કેટલાય લોકોને આધ્યાત્મિક-બૌદ્ધિક સંતોષ આપ્યો હશે. સમાજ માટે કેટલાય સમર્પિત નાગરિકો સર્જયા હશે. હું એ વિભૂતિઓને અભિનંદન આપું છું, જેઓ આ યજ્ઞમાં નિઃસ્વાર્થ ભાવે, કોઈપણ પ્રચાર વિના પોતાનો સહકાર આપતા આવ્યા છે. હું આ અવસરે શેઠજી શ્રી જયદયાલ ગોયંદકા અને ભાઈજી શ્રી હનુમાન પ્રસાદ પોદ્દાર જેવી વિભૂતિઓને મારી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરું છું.

સાથીઓ,

ગીતાપ્રેસ જેવી સંસ્થા માત્ર ધર્મ અને કર્મ સાથે જ જોડાયેલી નથી, પરંતુ તે એક રાષ્ટ્રીય ચારિત્ર પણ ધરાવે છે. ગીતાપ્રેસ ભારતને જોડે છે, ભારતની એકતાને મજબૂત કરે છે. દેશભરમાં તેની 20 શાખાઓ છે. દેશના દરેક ખૂણે રેલવે સ્ટેશનો પર ગીતાપ્રેસના સ્ટૉલ જોવા મળે છે. અહીંથી 15 વિવિધ ભાષાઓમાં લગભગ 1600 પ્રકાશનો થાય છે. ગીતાપ્રેસ ભારતનાં મૂળ ચિંતનને વિવિધ ભાષાઓમાં લોકો સુધી પહોંચાડે છે. ગીતાપ્રેસ એક રીતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે.

સાથીઓ,

ગીતાપ્રેસે તેની 100 વર્ષની યાત્રા એવા સમયે પૂર્ણ કરી છે જ્યારે દેશ તેની આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આવા યોગ માત્ર સંયોગ નથી હોતા. 1947 પહેલા ભારતે તેનાં પુનરુજ્જીવન માટે વિવિધ ક્ષેત્રોમાં સતત પ્રયાસો કર્યા હતા. ભારતના આત્માને જાગૃત કરવા અલગ-અલગ સંસ્થાઓએ આકાર લીધો. આનું પરિણામ એ આવ્યું કે 1947 આવતા સુધીમાં ભારત મન અને માનસથી ગુલામીની બેડીઓ તોડવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું હતું. ગીતાપ્રેસની સ્થાપના પણ તેનો એક બહુ મોટો આધાર બની. સો વર્ષ પહેલાંનો એવો સમય જ્યારે સદીઓની ગુલામીએ ભારતની ચેતનાને ધૂંધળી કરી દીધી હતી. તમે પણ જાણો છો કે એનાં પણ સેંકડો વર્ષ પહેલાં વિદેશી આક્રમણકારોએ આપણાં પુસ્તકાલયો સળગાવી દીધાં હતાં. ગુરુકુળ અને ગુરુ પરંપરાનો અંગ્રેજોના સમયમાં લગભગ નાશ કરી દેવાયો હતો. આવી સ્થિતિમાં જ્ઞાન અને વારસો લુપ્ત થવાના આરે હોય તે સ્વાભાવિક હતું. આપણા પવિત્ર ગ્રંથો અદૃશ્ય થવા લાગ્યા હતા. ભારતમાં જે પ્રિન્ટીંગ પ્રેસ હતી તે ઊંચી કિંમતને કારણે સામાન્ય માણસની પહોંચની બહાર હતી. તમે કલ્પના કરો, ગીતા અને રામાયણ વિના આપણો સમાજ કેવી રીતે ચાલ્યો હશે? જ્યારે મૂલ્યો અને આદર્શોના સ્ત્રોત જ સુકાવા લાગે, ત્યારે સમાજનો પ્રવાહ આપોઆપ અટકી જાય જાય છે. પરંતુ મિત્રો, આપણે એક બીજી વાત યાદ રાખવાની છે. ભારતની આપણી શાશ્વત યાત્રામાં એવાં ઘણાં બધાં સીમાચિહ્નો બન્યાં છે, એવા મુકામ આવ્યા છે જ્યારે આપણે વધુને વધુ શુદ્ધ થઈને બહાર આવ્યા છીએ. ગમે તેટલી વાર અધર્મ અને આતંક બળવાન બન્યો હોય, સત્ય પર સંકટના વાદળો ગમે તેટલાં ઘેરાયેલાં છે, પરંતુ પછી આપણને શ્રીમદ્ ભાગવત ગીતાથી જ સૌથી મોટો વિશ્વાસ મળે છે – યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત। અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્‌॥  એટલે કે જ્યારે જ્યારે ધર્મની શક્તિ પર, સત્યની શક્તિ પર સંકટ આવે છે ત્યારે ત્યારે ભગવાન તેની રક્ષા માટે પ્રગટ થાય છે. અને, ગીતાનો દસમો અધ્યાય સમજાવે છે કે ભગવાન કેટલીય વિભૂતિઓનાં સ્વરૂપોમાં સામે આવી શકે છે. ક્યારેક કોઈ સંત આવીને સમાજને નવી દિશા બતાવે છે. તો ક્યારેક ગીતાપ્રેસ જેવી સંસ્થાઓ માનવીય મૂલ્યો અને આદર્શોને પુનર્જીવિત કરવા માટે જન્મ લે છે. તેથી જ, જ્યારે ગીતાપ્રેસે 1923માં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે ભારત માટે પણ તેની ચેતના અને ચિંતનનો પ્રવાહ ઝડપી બન્યો. ગીતા સહિત આપણા ધર્મગ્રંથો ફરી એકવાર ઘેર ઘેર ગુંજવા લાગ્યા. મન ફરી ભારતનાં મનમાં ભળ્યું. કૌટુંબિક પરંપરાઓ અને નવી પેઢીઓ આ ગ્રંથો સાથે જોડાવા લાગી, આપણાં પવિત્ર પુસ્તકો આવનારી પેઢીઓની મૂડી બનવાં લાગ્યાં.

સાથીઓ,

ગીતાપ્રેસ એ વાતનું પણ પ્રમાણ છે કે જ્યારે તમારા ઉદ્દેશ્ય શુદ્ધ હોય, તમારાં મૂલ્યો શુદ્ધ હોય ત્યારે સફળતા તમારા માટે પર્યાય બની જાય છે. ગીતાપ્રેસ એક એવી સંસ્થા છે, જેણે હંમેશા સામાજિક મૂલ્યોને સમૃદ્ધ કર્યાં છે, લોકોને કર્તવ્ય પથનો માર્ગ બતાવ્યો છે. ગંગાજીની સ્વચ્છતાની વાત હોય, યોગ વિજ્ઞાનની વાત હોય, પતંજલિ યોગ સૂત્રનું પ્રકાશન હોય, આયુર્વેદ સાથે જોડાયેલ આરોગ્ય અંક હોય, ભારતીય જીવનશૈલીથી લોકોને પરિચિત કરાવવા માટે ‘જીવનચર્યા અંક’ હોય, સમાજમાં સેવાના આદર્શોને મજબૂત કરવા માટે ‘સેવા અંક’ અને ‘દાન મહિમા’ હોય, આ તમામ પ્રયાસો પાછળ રાષ્ટ્ર સેવાની પ્રેરણા જોડાયેલી રહી છે, રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ રહ્યો છે.

સાથીઓ,

સંતોની તપસ્યા ક્યારેય નિષ્ફળ જતી નથી, તેમના સંકલ્પો ક્યારેય ખાલી હોતા નથી. આ સંકલ્પોનું પરિણામ છે કે, આજે આપણું ભારત રોજેરોજ સફળતાના નવા આયામો સ્થાપી રહ્યું છે. મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું, અને તમને યાદ હશે, મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આ ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈને આપણા વારસા પર ગર્વ કરવાનો સમય છે. અને તેથી જ મેં શરૂઆતમાં પણ કહ્યું હતું કે આજે દેશ વિકાસ અને વિરાસત બંનેને સાથે લઈને આગળ વધી રહ્યો છે. આજે એક તરફ ભારત ડિજિટલ ટેક્નૉલોજીમાં નવા નવા રેકોર્ડ બનાવી રહ્યું છે અને તે સાથે જ સદીઓ પછી કાશીમાં વિશ્વનાથ ધામનું દિવ્ય સ્વરૂપ પણ દેશ સમક્ષ પ્રગટ થયું છે. આજે આપણે વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યા છીએ, તે જ સમયે આપણે કેદારનાથ અને મહાકાલ મહાલોક જેવાં તીર્થસ્થાનોની ભવ્યતાના સાક્ષી પણ બની રહ્યા છીએ. સદીઓ પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું આપણું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આઝાદીનાં 75 વર્ષ પછી પણ આપણે આપણા નૌકાદળના ઝંડા પર ગુલામીની નિશાની ઉઠાવી રહ્યા હતા. આપણે રાજધાની દિલ્હીમાં ભારતીય સંસદની બાજુમાં અંગ્રેજ પરંપરાઓ પર ચાલી રહ્યા હતા. અમે પૂરા આત્મવિશ્વાસ સાથે તેને બદલવાનું કામ કર્યું છે. અમે આપણા વારસા, ભારતીય વિચારોને તે સ્થાન આપ્યું છે જે તેને મળવું જોઈતું હતું. તેથી જ હવે ભારતીય નૌકાદળના ધ્વજ પર છત્રપતિ શિવાજી મહારાજના સમયનું નિશાન જોવા મળી રહ્યું છે. હવે ગુલામીના યુગનો રાજપથ કર્તવ્યપથ બનીને કર્તવ્ય ભાવની પ્રેરણા આપી રહ્યો છે. આજે, દેશની આદિવાસી પરંપરાને માન આપવા માટે, દેશભરમાં આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયોની સ્થાપના કરવામાં આવી રહી છે. આપણી પવિત્ર પ્રાચીન મૂર્તિઓ જે ચોરી કરીને દેશની બહાર મોકલવામાં આવી હતી તે પણ આપણાં મંદિરોમાં પાછી આવી રહી છે. જે વિકસિત અને આધ્યાત્મિક ભારતનો વિચાર આપણને આપણા ઋષિઓએ આપ્યો હતો, આજે આપણે તેને સાર્થક થતો જોઈ રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આપણા સંતો-મુનિઓ, ઋષિઓ, તેમની આધ્યાત્મિક સાધના આ રીતે જ ભારતના સર્વાંગી વિકાસને ઊર્જા આપતી રહેશે. આપણે નવા ભારતનું નિર્માણ કરીશું, અને વિશ્વ કલ્યાણની આપણી ભાવનાને સફળ બનાવીશું. આ સાથે તમે બધાએ મને આ પવિત્ર અવસર પર તમારી વચ્ચે આવવાની તક આપી અને મને પણ આ પવિત્ર કાર્યમાં થોડીક પણો માટે પણ, તમારી સાથે થોડી પળો વીતાવવાની તક મળી, એ મારાં જીવનનું સૌભાગ્ય છે. હું ફરી એકવાર તમારા બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.