- ટેક્સટાઇલ્સ એન્ડ ક્રાફ્ટ્સનું ક્રાફ્ટ રિપોઝિટરી પોર્ટલ- ભારતીય વસ્ત્ર એવમ્‌ શિલ્પ કોષનો શુભારંભ કર્યો
"આજનું ભારત માત્ર 'વોકલ ફોર લોકલ' જ નથી, પરંતુ તેને વિશ્વમાં લઈ જવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે”
"સ્વદેશી વિશે દેશમાં નવી ક્રાંતિ આવી છે"
"વોકલ ફોર લોકલની ભાવના સાથે, નાગરિકો પૂરાં દિલથી સ્વદેશી ઉત્પાદનો ખરીદી રહ્યા છે અને તે એક જન આંદોલન બની ગયું છે"
"મફત રાશન, પાકું ઘર, રૂ. 5 લાખ સુધીની મફત સારવાર - આ છે મોદીની ગૅરંટી"
"સરકારનો સતત પ્રયાસ છે કે વણકરોનું કામ સરળ બને, તેમની ઉત્પાદકતામાં વધારો થાય અને ગુણવત્તા અને ડિઝાઇનમાં સુધારો થાય”
"દરેક રાજ્ય અને જિલ્લામાંથી હૅન્ડલૂમમાંથી બનેલી હસ્તશિલ્પ અને ઉત્પાદનોને એક જ છત હેઠળ પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા રાજ્યોનાં દરેક રાજધાની શહેરમાં એકતા મૉલ વિકસાવાઇ રહ્યા છે"
"સરકાર તેના વણકરોને વિશ્વનું સૌથી મોટું બજાર પૂરું પાડવા માટે સ્પષ્ટ વ્યૂહરચના સાથે કામ કરી રહી છે"
"જે લોકો આત્મનિર્ભર ભારતનું સપનું વણે છે અને મેક ઇન ઇન્ડિયાને શક્તિ પ્રદાન કરે છે, તેઓ ખાદીને માત્ર વસ્ત્ર જ નહીં, પણ શસ્ત્ર માને છે"
"જ્યારે છત પર તિરંગો ફરકાવવામાં આવે છે, ત્યારે તે આપણી અંદર પણ ફરકે છે"

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો શ્રી પીયૂષ ગોયલજી, નારાયણ રાણેજી, બહેન દર્શના જરદોશજી, ઉદ્યોગ અને ફેશન જગતના તમામ મિત્રો, હેન્ડલૂમ અને ખાદીની વિશાળ પરંપરા સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગસાહસિકો અને મારા વણકર ભાઇઓ તેમજ બહેનો, તમામ વિશેષ મહાનુભાવો, અહીં ઉપસ્થિત દેવીઓ અને સજ્જનો,

થોડા દિવસો પહેલાં જ ભારત મંડપમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપનામાંથી ઘણાં લોકો પહેલાં પણ અહીં આવતા હતા અને તંબુઓમાં તમારી દુનિયા ઉભી કરતા હતા. હવે આજે તમે અહીં બદલાયેલ દેશ જોયો જ હશે. અને આજે આપણે આ ભારત મંડપમમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ -  રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ભારત મંડપમની આ ભવ્યતામાં પણ ભારતના હાથશાળ ઉદ્યોગની મહત્વની ભૂમિકા છે. પ્રાચીનનો અર્વાચીન સાથેનો આ સંગમ જ આજના ભારતને પરિભાષિત કરે છે. આજનું ભારત માત્ર લોકલ પ્રત્યે વોકલ જ નથી રહ્યું, પરંતુ તેને ગ્લોબલ બનાવવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પૂરું પાડી રહ્યું છે. થોડી વાર પહેલાં, કેટલાક વણકર સાથીએ જોડે મને વાતચીત કરવાની તક મળી હતી. દેશભરના ઘણાં હેન્ડલૂમ ક્લસ્ટરોમાંથી દૂર દૂરથી આપણા વણકર ભાઇઓ અને બહેનો આપણી સાથે જોડાવા માટે અહીં આવ્યા છે. હું આ ભવ્ય સમારંભમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, હું આપ સૌને અભિનંદન કરું છું.

 

મિત્રો,

ઑગસ્ટ મહિનો એટલે ક્રાંતિનો મહિનો હોય છે. આ સમય આઝાદી માટે આપેલા દરેક બલિદાનને યાદ કરવાનો સમય છે. આજના દિવસે સ્વદેશી ચળવળ શરૂઆત થઇ હતી. સ્વદેશીની આ ભાવના માત્ર વિદેશી કપડાંનો બહિષ્કાર કરવા પૂરતી સિમિત ન હતી. તેના બદલે, તે આપણી આર્થિક આઝાદી માટે પણ એક મહાન પ્રેરક હતું. તે ભારતના લોકોને આપણા વણકરો સાથે જોડવાનું અભિયાન પણ હતું. અમારી સરકારે આ દિવસને રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે તેની પાછળનું આ એક મોટું કારણ હતું. વર્ષોથી, ભારતના હેન્ડલૂમ ક્ષેત્રના વિસ્તરણ માટે, ભારતના વણકરો માટે અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું છે. સ્વદેશી સંબંધે દેશમાં નવી ક્રાંતિ આવી છે. સ્વાભાવિક છે કે આ ક્રાંતિ અંગે લાલ કિલ્લા પરથી ચર્ચા કરવાનું મન થાય અને 15 ઑગસ્ટ નજીક આવી રહી છે ત્યારે આવા વિષયો પર ચર્ચા થાય તે પણ સ્વાભાવિક છે. પરંતુ આજે આખા દેશમાંથી ઘણા વણકર મિત્રો મારી સાથે જોડાયા છે, તેથી તેમની મહેનતથી ભારતે મેળવેલી આ સફળતાની પ્રશંસા કરતા અને આખી વાત અહીં જ જણાવતાં હું વધુ ગૌરવ અનુભવું છું.

મિત્રો,

આપણાં પરિધાન, આપણો પહેરવેશ આપણી ઓળખ સાથે સંકળાયેલા રહ્યાં છે. અહીં પણ તમે જોઇ શકો છો કે, અલગ અલગ પ્રકારનાં પહેરવેશ દેખાય છે અને જોતા જ ખબર પડી કે તે ત્યાંના જ હોવા જોઇએ, અહીંના જ હોવા જોઇએ, આ વિસ્તારમાંથી આવ્યા હશે. એટલે કે, આપણી વિવિધતા એ આપણી ઓળખ છે અને એક રીતે આ આપણી વિવિધતાને ઉજવવાનો અવસર પણ છે અને આ વિવિધતા સૌથી પહેલા આપણાં કપડાંમાં દેખાઇ આવે છે. તેને જોતા જ ખબર પડી જાય છે કે, કંઇક નવું છે, કંઇક અલગ છે. દેશના સુદૂરવર્તી વિસ્તારોમાં રહેતા આપણા આદિવાસી ભાઇ-બહેનોથી માંડીને બરફથી આચ્છાદિત પહાડો સુધીના વિસ્તારના લોકો છે, તો બીજી તરફ દરિયા કિનારે જીવન ગુજારનારા લોકોથી લઇને ભારતના રણ અને મેદાનો સુધી વસતા લોકો જે વસ્ત્રો પહેરે છે તેનું સુંદર મેઘધનુષ આપણી પાસે છે. અને મેં એકવાર આગ્રહ કર્યો હતો કે, આપણે કપડાંમાં જે વિવિધતા ધરાવીએ છીએ, તેને સૂચિબદ્ધ કરવામાં આવે, તેનું સંકલન કરવું જોઇએ. આજે, ભારતીય વસ્ત્ર શિલ્પ કોષ તરીકે મારો આ આગ્રહ ફળીભૂત થતો જોઇને મને વિશેષ આનંદ થઇ રહ્યો છે.

 

મિત્રો,

એક દુર્ભાગ્યપૂર્ણ વાત એ પણ રહી છે કે, વિતેલી સદીઓમાં જે કાપડ ઉદ્યોગ આટલો મજબૂત હતો, તેને આઝાદી પછી ફરીથી સશક્ત બનાવવા પર ખાસ કંઇ ભાર આપવામાં આવ્યો ન હતો. એક સમયે એવી સ્થિતિ આવી ગઇ હતી કે, ખાદીને મરણ પથારીએ છોડી દેવામાં આવી હતી. ખાદી પહેરનારાઓને લોકોને બધા હીનભાવનાથી જોવા લાગ્યા હતા. 2014થી અમારી સરકાર આ સ્થિતિ અને આ વિચારને બદલવામાં જોડાયેલી છે. મને યાદ છે, મન કી બાત કાર્યક્રમના શરૂઆતના દિવસોમાં મેં દેશને એક યા બીજી ખાદીની વસ્તુ ખરીદવાનો આગ્રહ કર્યો હતો. અને તેનું પરિણામ શું આવ્યું, તેના આજે આપણે બધા સાક્ષી છીએ. છેલ્લાં 9 વર્ષમાં ખાદીના ઉત્પાદનમાં 3 ગણાંથી પણ વધારે વૃદ્ધિ થઇ છે. ખાદીના કપડાના વેચાણમાં પણ 5 ગણા કરતાં વધારે વૃદ્ધિ થઇ છે. ખાદીના કપડાની માંગ દેશ-વિદેશમાં વધી રહી છે. હું થોડા દિવસો પહેલાં જ પેરિસમાં એક ખૂબ જ મોટી ફેશન બ્રાન્ડના CEOને મળ્યો હતો. તેમણે પણ મને એ જણાવ્યું હતું કે, કેવી રીતે વિદેશમાં ખાદી અને ભારતીય હેન્ડલૂમ પ્રત્યેનું આકર્ષણ વધી રહ્યું છે.

મિત્રો,

નવ વર્ષ પહેલાં ખાદી અને ગ્રામોદ્યોગનો વ્યવસાય માત્ર 25 હજાર, 30 હજાર કરોડ રૂપિયાની આસપાસ થતો હતો. આજે તે આંકડો એક લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુ થઇ ગયો છે. છેલ્લાં 9 વર્ષમાં આ ક્ષેત્રમાં વધારાના 1 લાખ કરોડ રૂપિયા આવ્યા છે, આ પૈસા ક્યાં પહોંચ્યા? આ પૈસા હેન્ડલૂમ ક્ષેત્ર સાથે જોડાયેલા મારા ગરીબ ભાઇ-બહેનો પાસે ગયા છે, આ પૈસા ગામડાઓમાં ગયા છે, આ પૈસા આદિવાસીઓ પાસે ગયા છે. અને આજે હવે નીતિ આયોગ પણ કહે છે કે, છેલ્લાં 5 વર્ષમાં ભારતમાં સાડા તેર કરોડ લોકો ગરીબીની સ્થિતિમાંથી બહાર આવ્યા છે. તેમને બહાર લાવવાના કામમાં પણ આની ભૂમિકા ઘણી મોટી રહી છે. આજે વોકલ ફોર લોકલની ભાવના સાથે દેશવાસીઓ સ્વદેશી ઉત્પાદનોને હાથો-હાથ ખરીદી લે છે, આ એક જન આંદોલન બની ગયું છે. અને તમામ દેશવાસીઓને હું ફરી એકવાર કહીશ. આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, દશેરા, દિવાળી, દુર્ગા પૂજાના તહેવારે આવી રહ્યા છે. આ તહેવારો પર, આપણે આપણા સ્વદેશીના સંકલ્પનું પુનરાવર્તન કરવાનું જ છે. અને આ કરીને, આપણે આપણા હસ્તકલાકારોને, અમારા વણકર ભાઇઓ અને બહેનોને, હાથશાળની દુનિયા સાથે સંકળાયેલા લોકોને મદદ કરીએ છીએ અને જ્યારે રાખડીના તહેવારમાં રક્ષાના એ પર્વમાં મારી બહેન મને જે રાખડી બાંધે છે, ત્યારે હું રક્ષણની તો વાત કરું જ છું, પરંતુ જો હું તેમને ગરીબ માતાએ હાથથી બનાવેલી વસ્તુ ભેટ આપું તો હું તે માતાનું રક્ષણ પણ કરું છું.

 

મિત્રો,

મને એ વાતનો સંતોષ છે કે, કાપડ ક્ષેત્ર માટે અમારા દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ પણ સામાજિક ન્યાયનું મુખ્ય માધ્યમ બની રહી છે. આજે સમગ્ર દેશના ગામડાંઓ અને શહેરોમાં લાખો લોકો હેન્ડલૂમના કામમાં જોડાયેલા છે. આમાંના મોટાભાગના લોકો દલિત, પછાત - પસમંદા અને આદિવાસી સમાજમાંથી આવે છે. છેલ્લાં 9 વર્ષમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોથી તેમને મોટી સંખ્યામાં રોજગારી તો મળી જ છે, પરંતુ સાથે સાથે તેમની આવકમાં પણ વધારો થયો છે. વીજળી, પાણી, ગેસ કનેક્શન, સ્વચ્છ ભારત જેવા અભિયાનોનો લાભ પણ સૌથી વધારે ત્યાં પહોંચ્યો છે. અને મોદીએ તેમને ગેરંટી આપી છે કે – મફત રાશન મળશે. અને જ્યારે મોદી ગેરંટી આપે છે ત્યારે તેમનો ચૂલો 365 દિવસ અચૂક સળગે જ છે. મોદીએ તેમને ગેરંટી આપી છે – પાકાં ઘરની. મોદીએ તેમને ગેરંટી આપી છે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની. અમે મૂળભૂત સુવિધાઓ માટે આપણા વણકર ભાઇઓ અને બહેનોની દાયકાઓથી ચાલતી પ્રતિક્ષાનો અંત લાવી દીધો છે.

મિત્રો,

સરકારનો પ્રયાસ રહ્યો છે કે, કાપડ ક્ષેત્ર સાથે જે પરંપરાઓ જોડાયેલી છે તે હંમેશા જીવંત રહે અને સાથે જ નવા અવતારમાં દુનિયાને આકર્ષિત પણ કરે. એટલા માટે જ અમે આ કામ સાથે જોડાયેલા સાથીદારોને તેમના અભ્યાસ, તાલીમ અને કમાણી પર ખાસ ભાર આપી રહ્યા છીએ. અમે વણકર અને હસ્તકળાના કારીગરોના બાળકોની આકાંક્ષાઓને ઉડાન આપવા માંગીએ છીએ. વણકરોના બાળકોને કૌશલ્ય પ્રશિક્ષણ માટે, તેમને ટેક્સટાઇલ સંસ્થાઓમાં 2 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળી રહી છે. છેલ્લાં 9 વર્ષમાં 600થી વધુ હેન્ડલૂમ ક્લસ્ટરનો વિકાસ કરવામાં આવ્યો છે. તેમાં પણ હજારો વણકરોને તાલીમ આપવામાં આવી છે. અમારો હંમેશા એવો પ્રયાસ રહ્યો છે કે, વણકરોનું કામ સરળ થાય, ઉચ્ચ ઉત્પાદકતા મળે, ગુણવત્તા બહેતર થાય, ડિઝાઇનમાં સતત નવીનતા આવે. તેથી, તેમને કોમ્પ્યૂટરથી ચાલતા હોય તેવા પંચિંગ મશીનો પણ આપવામાં આવી રહ્યાં છે. આનાથી નવી નવી ડિઝાઇન ઝડપથી બનાવી શકાય છે. મોટરથી ચાલતા મશીનો વડે વૉર્પ (તાણા) બનાવવાનું પણ સરળ થઇ રહ્યું છે. આવાં તો ઘણાં સાધનો, આવાં ઘણાં મશીનો વણકરોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. સરકાર હેન્ડલૂમ વણકરોને રાહત દરે કાચો માલ એટલે કે દોરા પણ પૂરી પાડી રહી છે. કાચો માલ લાવવાનો ખર્ચ પણ સરકાર ભોગવી રહી છે. મુદ્રા યોજના દ્વારા વણકરોને ગેરંટી વિના લોન મેળવવાનું શક્ય બન્યું છે.

મિત્રો,

હું ગુજરાતમાં રહેતો હતો ત્યારે મારા સાથી વણકર સાથે કેટલાય વર્ષ સુધી સમય વિતાવ્યો છે. આજે હું જ્યાંથી સાંસદ છું તે વિસ્તાર એટલે કે, સમગ્ર કાશી પ્રદેશની અર્થવ્યવસ્થામાં હેન્ડલૂમનું બહુ મોટું યોગદાન રહ્યું છે. ઘણી વખત તેમની સાથે મારી મુલાકાત થાય છે અને તેમની સાથે હું વાત કરું છું. તેથી જ મને પાયાની માહિતી પણ મળે છે. આપણા વણકર સમાજ માટે એક મોટો પડકાર એ છે કે, તેઓ ઉત્પાદન બનાવે, પરંતુ તેને વેચવા માટે તેમને પુરવઠા શૃંખલા, માર્કેટિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે. અમારી સરકાર તેમને પણ આ સમસ્યામાંથી બહાર લાવી રહી છે. સરકાર હાથ બનાવટના ઉત્પાદનોના માર્કેટિંગ પર પણ ભાર આપી રહી છે. દેશના કોઇ ને કોઇ ખૂણે દરરોજ માર્કેટિંગ પ્રદર્શનનું આયોજન થઇ રહ્યું છે. ભારત મંડપમની જેમ જ આજે દેશના અનેક શહેરોમાં પ્રદર્શન સ્થળોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં દૈનિક ભથ્થાની સાથે વિનામૂલ્યે સ્ટોલ પણ આપવામાં આવે છે. અને આજે એ વાતની ખુશી છે કે, આપણી નવી પેઢીના જે નવયુવાનો છે, જે નવા નવા સ્ટાર્ટઅપ્સ આવી રહ્યા છે, સ્ટાર્ટઅપ્સની દુનિયાના લોકો પણ મારા ભારતના આશાસ્પદ યુવાનો હાથશાળથી બનેલી વસ્તુઓ, હસ્તશિલ્પની બનેલી ચીજો, કુટીર ઉદ્યોગથી બનાવવામાં આવેલી ચીજો તેના માટે અનેક નવી નવી ટેકનિક, નવી નવી પેટર્ન, તેના માર્કેટિંગ માટે નવી નવી વ્યવસ્થા લાવે છે, અનેક સ્ટાર્ટઅપ આ દુનિયામાં આવ્યા છે. અને આથી જ, હું તેમના ભવિષ્યમાં એક નવીનતાનું મિશ્રણ થતું જોઇ રહ્યો છું.

 

આજે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના હેઠળ દરેક જિલ્લામાં ત્યાંના ખાસ ઉત્પાદનોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દેશના રેલવે સ્ટેશનો પર આવા ઉત્પાદનોના વેચાણ માટે ખાસ સ્ટોલ પણ ઉભા કરવામાં આવી રહ્યા છે. દરેક જિલ્લા, દરેક રાજ્યની હસ્તકળા, હેન્ડલૂમથી બનાવવામાં આવેલી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા એકતા મોલ પણ બનાવવામાં આવી રહ્યા છે. એકતા મોલમાં તે રાજ્યનાં હસ્તકળા ઉત્પાદનો એક છત્ર નીચે મળી રહેશે. આના કારણે પણ હેન્ડલૂમ ક્ષેત્ર સાથે સંકળાયેલા આપણા ભાઇ-બહેનોને ઘણો મોટો ફાયદો થશે. જો તમારામાંથી કોઇને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાની તક મળી હોય તો ત્યાં એકતા મોલ બનાવવામાં આવ્યો છે. ભારતના હસ્તકલાકારો દ્વારા બનાવેલી દેશના ખૂણે-ખૂણાની વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ હોય છે. તેથી જે પણ ટૂરિસ્ટ ત્યાં આવે છે તેઓને એકતાનો અનુભવ પણ થાય છે અને તેમને ભારતનો જે પણ ખૂણાની વસ્તુ જોઇતી હોય છે, તે ત્યાંથી મળી જાય છે. આવા એકતા મોલ દેશના તમામ પાટનગરોમાં બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આપણી આ વસ્તુઓનું મહત્વ કેટલું છે. હું પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં જ્યારે પણ વિદેશની મુલાકાતે જઉં છું ત્યારે મારે વિશ્વના મહાનુભાવો માટે કોઇ ને કોઇ ભેટ લઇને જવાનું હોય છે. મારો ખૂબ જ આગ્રહ રહ્યો કે, આપ સૌ સાથીઓ જે વસ્તુઓ બનાવો છો તે વસ્તુઓ જ હું દુનિયાના લોકોને આપું. આ વસ્તુઓથી તેમને ખુશી તો મળે જ છે. જ્યારે હું તેને કહું કે આ વસ્તુ મારા ફલાણા વિસ્તારના ફલાણા ગામના લોકોએ બનાવી છે તો તેઓ ખૂબ જ પ્રભાવિત થઇ જાય છે.

મિત્રો,

હેન્ડલૂમ ક્ષેત્રના આપણા ભાઇઓ - બહેનોને ડિજિટલ ઇન્ડિયાનો લાભ મળે તેનો પણ પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમે સૌ જાણો છો કે, સરકારે ખરીદ-વેચાણ માટે એક પોર્ટલ બનાવ્યું છે - સરકારી ઇ-માર્કેટપ્લેસ એટલે કે GeM. GeM પર, નાનામાં નાના કારીગર, શિલ્પી, વણકર પણ તેમનો માલ સીધો જ સરકારને વેચી શકે છે. ઘણી મોટી સંખ્યામાં વણકરોએ તેનો લાભ લીધો હતો. આજે, હાથશાળ અને હસ્તશિલ્પ સાથે સંકળાયેલી લગભગ 2.5 લાખ સંસ્થાઓ GeM પોર્ટલ સાથે જોડાયેલી છે.

મિત્રો,

અમારી સરકાર પણ આપણા વણકરોને દુનિયાનું મોટું બજાર પૂરું પાડવા માટે પણ સ્પષ્ટ વ્યૂહરચના સાથે કામ કરી રહી છે. આજે, દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારતના MSME, આપણા વણકરો, કારીગરો અને ખેડૂતોના ઉત્પાદનોને દુનિયાભરના બજારોમાં લઇ જવા માટે આગળ આવી રહી છે. આવી ઘણી કંપનીઓના ટોચના લોકો સાથે મારી સીધી ચર્ચા થઇ છે. દુનિયાભરમાં તેમના મોટા મોટા સ્ટોર આવેલા છે, રિટેલ સપ્લાય ચેઇન છે, મોટા મોટા મોલ છે, દુકાનો છે. ઑનલાઇનની દુનિયામાં પણ તેનું સામર્થ્ય ખૂબ મોટું છે. આવી કંપનીઓએ હવે ભારતના સ્થાનિક ઉત્પાદનોને વિદેશના ખૂણે ખૂણે લઇ જવાનો સંકલ્પ કર્યો છે. આપણા બરછટ ધાન્ય, જેને આપણે હવે શ્રી અન્ન તરીકે ઓળખીએ છીએ. આ શ્રી અન્ન હોય, આપણી હેન્ડલૂમની પ્રોડક્ટ હોય, આ બધુ જ હવે આ મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેને દુનિયાભરના બજારોમાં લઇ જશે. એટલે કે, પ્રોડક્ટ ભારતની હશે, તે ભારતમાં જ બનશે, તેમાં ભારતના લોકોના પરસેવાની સુગંધ હશે અને આ બહુરાષ્ટ્રીય કંપનીઓની સપ્લાય ચેઇનનો ઉપયોગ કરવામાં આવશે. અને આપણા દેશના આ ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક નાના લોકોને પણ આનો ખૂબ જ મોટો ફાયદો મળવાનો છે.

 

મિત્રો,

સરકારના આ પ્રયાસો વચ્ચે આજે હું કાપડ ઉદ્યોગ અને ફેશન જગતના મિત્રોને પણ એક વાત કહેવા માંગુ છું. આજે જ્યારે આપણે દુનિયાની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવવા માટે આગળ ડગલાં ભર્યા છે, ત્યારે આપણે આપણી વિચારધારા અને કામનો વ્યાપ પણ વધારવો પડશે. અમે આપણા હેન્ડલૂમ, આપણી ખાદી અને આપણા કાપડ ક્ષેત્રને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા માંગીએ છીએ. પરંતુ આના માટે સૌનો પ્રયાસ હોવો જરૂરી છે. શ્રમિક હોય, વણકર હોય, ડિઝાઇનર હોય કે ઉદ્યોગ હોય, દરેક વ્યક્તિએ નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવા પડશે. તમે ભારતના વણકરોના કૌશલ્યને વ્યાપકતા સાથે જોડી દો. તમે ભારતના વણકરોના કૌશલ્યને ટેક્નોલોજી સાથે જોડી દો. આજે આપણે ભારતમાં નિયો મિડલ ક્લાસનો ઉદય થતો જોઇ રહ્યા છીએ. દરેક ઉત્પાદન માટે એક વિરાટ યુવા ગ્રાહક વર્ગ ભારતમાં તૈયાર થઇ રહ્યો છે. ચોક્કસપણે, ભારતમાં રહેલી ટેક્સટાઇલ કંપનીઓ માટે આ એક મોટી તક છે. તેથી, આ કંપનીઓની જવાબદારી છે કે તેઓ સ્થાનિક સપ્લાય ચેઇનને મજબૂત કરે અને તેમાં રોકાણ કરે. જો બધુ તૈયાર ઉપલબ્ધ હોય, તો તેને આયાત કરો, આ અભિગમ આજે જ્યારે આપણે મહાત્મા ગાંધીના કાર્યોને યાદ કરીને બેઠા છીએ ત્યારે ફરી એકવાર મનમાં મંથન કરવું પડશે, મનમાં સંકલ્પ કરવો પડશે કે બહારથી લાવીને જીવવું યોગ્ય નથી, આ માર્ગ ઠીક નથી. આ ક્ષેત્રના મહારથીઓ એવું બહાનું ન કાઢી શકે, કે આટલું જલદી કેવી રીતે થઇ શકે, આટલી ઝડપથી પુરવઠા સાંકળ કેવી રીતે તૈયાર થઇ શકે. જો આપણે ભવિષ્યમાં લાભ લેવા માંગતા હોઇએ, તો આપણે આજે લોકલ સપ્લાય ચેઇનમાં રોકાણ કરવું જ પડશે. આ જ વિકસિત ભારતનું નિર્માણ કરવાનો માર્ગ છે, અને આ માર્ગ જ વિકસિત ભારતનું આપણું સ્વપ્ન પૂરું કરવાનો માર્ગ બનશે. 5 ટ્રિલિયનના અર્થતંત્રનું સપનું સાકાર કરશે, વિશ્વમાં પ્રથમ ત્રણમાં ભારતને સ્થાન અપાવવાનું સપનું સાકાર થશે. અને જો આપણે ભાવનાત્મક પરિબળ પર નજર કરીએ તો આ માર્ગ પર ચાલીને આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરી શકીશું, સ્વદેશીનું સપનું સાકાર કરી શકીશું.

મિત્રો,

અને હું સ્પષ્ટપણે માનું છું કે, જે સ્વાભિમાની હશે, જેને પોતાના પર ગૌરવ હશે, જેને સ્વદેશ માટે ગૌરવ હશે, તેમના માટે ખાદી વસ્ત્ર છે. પરંતુ સાથે સાથે જેઓ આત્મનિર્ભર ભારતનું સપનું સેવે છે, જેઓ મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકે છે, તેમના માટે આ ખાદી માત્ર એક વસ્ત્ર નથી, તે એક અસ્ત્ર પણ છે, તે એક શસ્ત્ર પણ છે.

 

મિત્રો,

આજથી માત્ર એક દિવસ પછી જ 9 ઑગસ્ટ છે. જો આજનો દિવસ સ્વદેશી આંદોલન સાથે જોડાયેલો હોય તો 9 ઑગસ્ટની તારીખ ભારતના સૌથી મોટા આંદોલનની સાક્ષી રહી છે. 9 ઑગસ્ટે જ પૂજ્ય બાપુના નેતૃત્વમાં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલે કે ભારત છોડો ચળવળની શરૂઆત થઇ હતી. પૂજ્ય બાપુએ અંગ્રેજોને સ્પષ્ટ કહી દીધું હતું કે – ક્વિટ ઇન્ડિયા. આના થોડા સમય પછી જ દેશમાં જાગૃતિનો એવો માહોલ સર્જાયો, એક એવી ચેતના જાગી, કે આખરે અંગ્રેજોને ભારત છોડવું પડ્યું હતું. આજે આપણે પૂજ્ય બાપુના આશીર્વાદ સાથે એ જ ઇચ્છાશક્તિ રાખીએ તે સમયની માંગ છે, આપણે આગળ વધવાનું જ છે. જે મંત્ર અંગ્રેજોને ભગાડી શક્યો હતો. તે મંત્ર આપણે ત્યાંથી પણ એવા તત્વોને ભગાડવાનું કારણ બની શકે છે. આજે આપણી સમક્ષ વિકસિત ભારતનું નિર્માણ કરવાનું સપનું છે, સંકલ્પ છે. આ સંકલ્પ સામે કેટલાક દૂષણો અવરોધ બની રહી છે. તેથી જ, આજે ભારત એક અવાજમાં આ દૂષણોને કહી રહ્યું છે કે – ક્વિટ ઇન્ડિયા. આજે ભારત કહી રહ્યું છે કે – ભ્રષ્ટાચાર, ક્વિટ ઇન્ડિયા એટલે કે ભ્રષ્ટાચાર ભારત છોડો. આજે ભારત કહી રહ્યું છે કે – વંશવાદ, ક્વિટ ઇન્ડિયા, એટલે કે પરિવારવાદ ભારત છોડો. આજે ભારત કહી રહ્યું છે કે, અપીસમેન્ટ, ક્વિટ ઇન્ડિયા, એટલ કે તુષ્ટિકરણ ભારત છોડો. ભારતમાં રહેલી આ દૂષણો દેશ માટે ખૂબ જ મોટું જોખમ છે. દેશ માટે એક મોટો પડકાર પણ છે. હું માનું છું કે આપણે બધા આપણા સૌના પ્રયાસોથી આ દુષણોને ખતમ કરી દઇશું અને હરાવી દઇશું. અને પછી ભારતનો વિજય થશે, દેશનો વિજય થશે, દરેક દેશવાસીનો વિજય થશે.

મિત્રો,

15 ઑગસ્ટ, હર ઘર તિરંગા અને આજે તો મને એ બહેનોને મળવાનો પણ મોકો મળ્યો જેઓ વર્ષોથી દેશમાં તિરંગો ધ્વજ બનાવવાના કામમાં જોડાયેલી છે. તેમને પણ નમસ્કાર કહેવાનો, તેમની સાથે વાત કરવાનો મને મોકો મળ્યો, આ 15 ઑગસ્ટે પણ ગઇ વખતની જેમ અને આવનારા દર વર્ષે, આપણે હર ઘર તિરંગાની આ વાતને આગળ લઇ જવાની છે, અને જ્યારે છત પર તિરંગો ફરકાવવામાં આવશે તો તે માત્ર છત પર નથી ફરતો પરંતુ મનમાં પણ ફરકે છે. ફરી એકવાર હું આપ સૌને રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ આભાર!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi