નમસ્કાર!
આપ સૌને, સમગ્ર વિશ્વને, વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સદ્દગુરૂ અને ઈશા ફાઉન્ડેશન પણ આજે અભિનંદનને પાત્ર છે. માર્ચ મહિનામાં તેમની સંસ્થાએ ‘માટી બચાવો’ અભિયાનની શરૂઆત કરી હતી. તેમની યાત્રા 27 દેશોમાંથી પસાર થઈને આજે 75મા દિવસે અહિંયા પહોંચી છે. આજે દેશ જ્યારે પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ મનાવી રહ્યો છે ત્યારે, આ અમૃતકાળમાં નવા સંકલ્પો લઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના અભિયાન ખૂબ જ મહત્વના બની રહે છે.
સાથીઓ,
મને સંતોષ છે કે વિતેલા 8 વર્ષથી જે યોજનાઓ ચાલી રહી છે, જે કોઈપણ કાર્યક્રમ ચાલી રહ્યા છે, તે તમામમાં કોઈને કોઈ પ્રકારે પર્યાવરણ સંરક્ષણનો આગ્રહ જોવા મળે છે. સ્વચ્છ ભારત મિશન હોય કે પછી કચરામાંથી સંપત્તિ સાથે જોડાયેલો કાર્યક્રમ હોય, અમૃત મિશન હેઠળ શહેરોમાં આધુનિક સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવાનું હોય કે પછી સિંગલ યુઝડ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન હોય કે પછી નમામિ ગંગે અભિયાન હેઠળ ગંગા સ્વચ્છતાનું અભિયાન હોય, વન સન- વન ગ્રીડ સોલાર એનર્જી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય કે પછી ઈથેનોલના ઉત્પાદન અને બ્લેન્ડીંગ બંનેમાં વૃધ્ધિ કરવાની હોય. પર્યાવરણ સુરક્ષાના ભારતના પ્રયાસ બહુમુખી રહ્યા છે અને ભારત આ પ્રયાસ ત્યારથી કરી રહ્યું છે કે જ્યારથી દુનિયામાં આજે જે હવામાનને કારણે દુનિયા પરેશાન છે તે બરબાદીમાં આપણાં લોકોની ભૂમિકા નથી, ભારતની ભૂમિકા નથી.
વિશ્વના મોટા અને આધુનિક દેશ પોતાના સાધનો વડે ધરતીને વધુને વધુ નિચોવી તો રહ્યા જ છે, પણ સૌથી વધુ કાર્બન છોડતા રહીને વધુ કાર્બન એમિશન તેમના ખાતામાં જ જઈ રહ્યું છે. કાર્બન એમિશનની વૈશ્વિક સરેરાશ વ્યક્તિ દીઠ 4 ટનની છે, જ્યારે ભારતમાં વ્યક્તિ દીઠ કાર્બન ફૂટ પ્રિન્ટ દર વર્ષે અડધા ટનની આસપાસ રહે છે. ક્યાં 4 ટન અને ક્યાં અડધો ટન. આવી સ્થિતિ હોવા છતાં ભારત પર્યાવરણની દિશામાં એક સમગ્રલક્ષી અભિગમ સાથે, માત્ર દેશની અંદર જ નહીં, પરંતુ વૈશ્વિક સમુદાય સાથે જોડાઈને કામ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતે કો-એલિએશન સંગઠન ફોર ડિઝાસ્ટર રેસિલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ) અને તેના જેવા, જે રીતે હમણાં સદ્દગુરૂજીએ કહ્યું તે મુજબ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ, આઈએસએની સ્થાપના માટે નેતૃત્વ કર્યું છે. ગયા વર્ષે ભારતે પણ સંકલ્પ કર્યો છે કે ભારત વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરશે.
સાથીઓ,
માટી હોય કે જમીન, આપણાં માટે તે પંચ તત્વોમાંની એક છે. આપણે માટીને ગર્વ સાથે માથે ચડાવીએ છીએ. તેમાં પડતા આખડતાં, રમતાં આપણે મોટા થઈએ છીએ. માટીના સન્માનમાં કોઈ ઊણપ નથી. માટીનું મહત્વ સમજાવવામાં પણ કોઈ ઊણપ રાખવામાં આવતી નથી. ક્યારેક આપણે એ વાત સ્વીકારીએ છીએ કે માનવ જાતિ જે કરી રહી છે તેનાથી માટીને કેટલું નુકશાન થઈ રહ્યું છે. તેની સમજમાં એક ઊણપ રહી ગઈ છે અને હમણાં સદ્દગુરૂજી કહી રહ્યા હતા કે બધાંને ખબર છે કે સમસ્યા શું છે.
આપણે જ્યારે નાના હતા ત્યારે અભ્યાસક્રમમાં, પુસ્તકોમાં આપણને પાઠ ભણાવવામાં આવતો હતો. હું ગુજરાતીમાં ભણ્યો છું. બાકીના લોકો કદાચ પોતાની ભાષામાં ભણ્યા હશે કે રસ્તામાં એક પત્થર પડ્યો હતો. લોકો આવતા- જતા રહેતા હતા, કોઈ ગુસ્સો કરી રહ્યા હતા, કોઈ પત્થરને લાત મારીને જતા હતા, બધા લોકો કહેતા હતા કે આ પત્થર કોણે મૂક્યો છે, પત્થર ક્યાંથી આવ્યો છે, તે સમજાતું ન હતું વગેરે વગેરે, પરંતુ કોઈ આ પત્થરને ઉઠાવીને બાજુમાં મૂકી દેતું ન હતું. એક સજ્જન નિકળ્યા અને તેમને લાગ્યું હશે કે ચાલો ભાઈ, સદ્દગુરૂ જેવું કોઈ આવી ગયું હશે.
આપણે ત્યાં યુધિષ્ઠિર અને દુર્યોધનના ભેટવાની જ્યારે ચર્ચા થાય છે ત્યારે દુર્યોધન અંગે કહેવામાં આવે છે ત્યારે એવું કહેવાય છે કે “જાનામ ધર્મમ્ ન ચ મેં પ્રવૃત્તિ.”
હું ધર્મને જાણું છું, પણ મારૂં કામ નથી, હું કરી શકતો નથી. શું આ સત્ય છે, મને ખબર છે પણ હું તે રસ્તા પર ચાલી શકતો નથી ત્યારે સમાજમાં આવી પ્રવૃત્તિ વધી જતી હોય છે ત્યારે સંકટ આવી પડે છે. આથી સામુહિક અભિયાન મારફતે સમસ્યાઓના ઉપાય માટે રસ્તાઓ શોધવા પડે છે. મને આનંદ છે કે વિતેલા 8 વર્ષમાં દેશમાં માટીને જીવંત બનાવી રાખવા માટે નિરંતર કામ કરવામાં આવ્યું છે. માટીને બચાવવા માટે અમે મુખ્ય પાંચ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. પ્રથમ- માટીને રસાયણ મુક્ત કેવી રીતે બનાવવી, બીજુ- માટીમાં જે જીવ રહે છે કે જેને આપણે ટેકનિકલ ભાષામાં સોઈલ ઓર્ગેનિક મેટર કહીએ છીએ તેમને કેવી રીતે બચાવવા અને ત્રીજું- માટીમાંનો ભેજ કઈ રીતે જાળવી રાખવો અને ક્યાં સુધી જળની ઉપલબ્ધિ કેવી રીતે વધારવી, ચોથું- ભૂગર્ભમાંનું પાણી ઓછુ થવાના કારણે માટીને જે નુકશાન થઈ રહ્યું છે તેને કેવી રીતે દૂર કરવું અને પાંચમું- જંગલોનો વ્યાપ ઓછા થવાના કારણે માટીનું સતત ધોવાણ થઈ રહ્યું છે તેને કેવી રીતે રોકવું.
સાથીઓ,
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને દેશમાં વિતેલા વર્ષોમાં જે સૌથી મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તેનો દેશની કૃષિ નીતિમાં સમાવેશ કરાયો છે. અગાઉ આપણાં દેશના ખેડૂતો પાસે આ જાણકારીનો અભાવ હતો કે તેમની માટી કયા પ્રકારની છે, તેમની માટીમાં કઈ ઊણપ છે, કેટલી ઊણપ છે. આ સમસ્યાને દૂર કરવા માટે દેશમાં ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવાનું ખૂબ જ મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો આપણે કોઈ વ્યક્તિને હેલ્થ કાર્ડ ના આપીએ તો પણ અખબારોમાં હેડલાઈન બની જાય છે કે મોદી સરકારે કેટલુંક સારૂં કામ કર્યું છે. આ દેશ એવો છે કે જે સોઈલ હેલ્થ કાર્ડ આપી રહ્યો છે, પરંતુ મિડીયાની નજર હજુ તેના પર ઓછી છે.
સમગ્ર દેશમાં 22 કરોડથી વધુ સોઈલ હેલ્થ કાર્ડ ખેડૂતોને આપવામાં આવ્યા છે. અને માત્ર કાર્ડ જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં સોઈલ ટેસ્ટીંગ સાથે જોડાયેલું એક ખૂબ મોટું નેટવર્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે. આજે દેશના કરોડો ખેડૂતો સોઈલ હેલ્થ કાર્ડને આધારે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ફર્ટિલાઈઝર્સ અને માઈક્રો- ન્યુટ્રિયન્ટસનો ઉપયોગ કરી રહ્યા છે. તેના કારણે ખેડૂતોની પડતરમાં 8 થી 10 ટકાની બચત થઈ છે અને ઉપજમાં પણ 5 થી 6 ટકાની વૃધ્ધિ પણ જોવા મળી રહી છે. આનો અર્થ એ થયો કે જ્યારે માટી સ્વસ્થ થઈ રહી હોય ત્યારે ઉત્પાદન પણ વધતું રહે છે.
માટીને લાભ પહોંચાડવામાં યુરિયાના 100 ટકા નીમ કોટીંગે પણ ઘણો મોટો ફાયદો પહોંચાડ્યો છે. માઈક્રો ઈરિગેશનને પ્રોત્સાહન આપવાના કારણે, અટલ ભૂ યોજનાને કારણે દેશના અનેક રાજ્યોમાં માટીનું આરોગ્ય પણ જાળવી શકાયું છે. ક્યારેક ક્યારેક કેટલીક બાબતો, તમે માની લો કે કોઈ દોઢ- બે વર્ષનું બાળક બિમાર છે, તબિયત સુધરી રહી નથી, વજન વધી રહ્યું નથી, ઉંચાઈમાં પણ કોઈ ફર્ક પડતો નથી અને માતાને કોઈ કહે કે જરા આની ચિંતા કરો, અને માતાએ ક્યાંક સાંભળ્યું હોય કે આરોગ્ય માટે દૂધ વગેરે ચીજો સારી હોય છે અને ધારો કે લો કે દરરોજ 10-10 લીટર દૂધમાં બાળકને સ્નાન કરાવે તો તેનું આરોગ્ય સારૂં થશે? પણ કોઈ સમજદાર માતા એક- એક ચમચી થોડું થોડું દૂધ પિવરાવતી રહે, દિવસમાં બે વખત, પાંચ વખત, સાત વખત એક- એક ચમચી દૂધ પિવરાવતી રહેશે તો ધીમે ધીમે ફર્ક નજરે પડશે.
પાક માટે પણ આવું જ છે. પાણી ભરીને પાક ડૂબાડી દેવાથી પાક સારો થાય તેવું નથી, ટીંપે ટીંપે પાણી આપવામાં આવે તો પાક સારો થાય છે. દરેક ટીંપા દીઠ વધુ પાક. એક અભણ માતા પણ પોતાના બાળકને 10 લીટર દૂધથી નવરાવતી નથી, પરંતુ ભણેલા- ગણેલા આપણે લોકો સમગ્ર ખેતરને પાણીથી ભરી દેતા હોઈએ છીએ. આવી બાબતોમાં પરિવર્તન લાવવા માટે કોશિષ કરતા રહેવાનું છે.
આપણે કેચ ધ રેઈન જેવા અભિયાનના માધ્યમથી જળ સંરક્ષણ સાથે દેશના દરેક લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ વર્ષે માર્ચ મહિનામાં જ 13 મોટી નદીઓના સંરક્ષણ માટેનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. તેનાથી પાણીનું પ્રદુષણ ઓછુ થવાની સાથે સાથે નદીઓના કિનારે વૃક્ષો વાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે અને ધારણા છે કે તેનાથી ભારતના વન આવરણમાં 7400 ચો.કી.મી.થી વધુનો વધારો થશે. વિતેલા 8 વર્ષમાં ભારતે પોતાનું વન આવરણ 20,000 ચો.કી.મી.થી વધુ વધાર્યું છે અને તેમાં આના કારણે વધુ મદદ થશે.
સાથીઓ,
ભારત આજે બાયોડાયવર્સિટી અને વન્ય જીવન સાથે જોડાયેલી નીતિઓ ઉપર ચાલી રહ્યું છે. તેણે વન્ય જીવોની સંખ્યામાં વિક્રમ પ્રમાણમાં વૃધ્ધિ કરી છે. આજે ભલે વાઘ હોય, સિંહ હોય, દિપડા હોય કે પછી હાથી હોય. આ તમામની સંખ્યા દેશમાં વધી રહી છે.
સાથીઓ,
દેશમાં એ પણ પ્રથમ વખત થયું છે કે જ્યારે આપણે ગામ અને શહેરોને સ્વચ્છ બનાવવા માટે, બળતણમાં આત્મનિર્ભરતા માટે, ખેડૂતોની વધુ આવક અને માટીના આરોગ્ય અંગેના અભિયાનને આપણે એક સાથે જોડ્યા છે. ગોબરધન યોજના એ આવો જ એક પ્રયાસ છે. અને જ્યારે હું ગોબરધન બોલું છું ત્યારે કેટલાક સેક્યુલર લોકો સવાલ ઉઠાવે છે કે આ કેવું ગોવર્ધન લઈને આવ્યા છે અને તે હેરાન થાય છે. આ ગોબરધન યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટથી છાણ અને ખેતીમાંથી મળનારા અન્ય કચરાનું ઊર્જામાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. તમે ક્યારેક જ કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે જાવ ત્યારે ત્યાં થોડાક કી.મી.ના અંતરે એક ગોબરધનનો પ્લાન્ટ પણ સ્થાપવામાં આવ્યો છે તે જરૂર જોવા જશો. તેમાંથી જે જૈવિક ખાતર બને છે તે ખેતરોમાં કામમાં આવી રહ્યું છે. માટી ઉપર વધારાનું દબાણ જાળવી રાખવા માટે આપણે યોગ્ય ઉત્પાદન લઈ શકીએ તે માટે વિતેલા 7 થી 8 વર્ષમાં 1600થી વધુ નવી વેરાયટીના બિયારણ પણ ખેડૂતોને ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
સાથીઓ,
નેચરલ ફાર્મિંગ આપણાં આજના પડકારો માટે એક ખૂબ મોટો ઉપાય છે. આ વર્ષના બજેટમાં આપણે નક્કી કર્યું છે કે ગંગાના કિનારા ઉપર વસેલા ગામડાંને નેચરલ ફાર્મિંગ માટે પ્રોત્સાહિત કરીશું. નેચરલ ફાર્મિંગનો એક વિશાળ કોરિડોર બનાવીશું. આપણાં દેશમાં ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર અંગે આપણે સાંભળ્યું છે, ડિફેન્સ કોરિડોર અંગે પણ આપણે સાંભળ્યું છે. અમે એક નવા કોરિડોરનો ગંગા નદીના તટ ઉપર પ્રારંભ કર્યો છે અને તે છે- નેચરલ ફાર્મિંગનો એગ્રીકલ્ચર કોરિડોર. તેના કારણે આપણાં ખેતરો રસાયણ મુક્ત તો થશે જ, પણ સાથે સાથે નમામિ ગંગે અભિયાનને પણ નવું બળ પ્રાપ્ત થશે. ભારત વર્ષ 2030 સુધીમાં 26 મિલિયન હેક્ટર ઉજ્જડ જમીનનું પુનઃસ્થાપન કરવાના લક્ષ્ય ઉપર પણ કામ કરી રહ્યું છે.
સાથીઓ,
પર્યાવરણની રક્ષા માટે ભારત આજે ઈનોવેટિવ અને પર્યાવરણ ટેકનોલોજીલક્ષી પ્રયાસો ઉપર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આપ સૌ જાણો છો કે પ્રદુષણ ઓછું કરવા માટે આપણે BS-5 ધોરણ ઉપર નહીં, પણ BS-4માંથી સીધા BS-6 ઉપર આપણે કૂદકો માર્યો છે અને આપણે સમગ્ર દેશમાં LED બલ્બ પૂરાં પાડવા માટે ઉજાલા યોજના આગળ ધપાવી હોવાના કારણે વાર્ષિક 40 મિલિયન ટન કાર્બન છૂટવાનું પ્રમાણ ઓછું થયું છે. માત્ર બલ્બ બદલવાથી ઘરમાં જો આ બધુ જોડાઈ જાય તો સૌનો પ્રયાસ કેવા પરિણામો લાવે છે.
ભારત, જમીનમાંથી બળતણ ઉપરની નિર્ભરતા ઓછામાં ઓછી કરવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે. આપણી ઊર્જા જરૂરિયાતો, રિન્યુએબલ સ્રોતોમાંથી પૂરી થાય તેના માટે આપણે ઝડપથી મોટા ધ્યેય સાથે કામ કરી રહયા છીએ. માટીમાંથી નિકળતી ના હોય તેવી બળતણ આધારિત આપણી પોતાની સ્થાપિત વીજ ઉત્પાદન 40 ટકા ક્ષમતા હાંસલ કરવાનું ધ્યેય નક્કી કર્યું છે. આ ધ્યેય આપણે નિર્ધારિત સમય કરતાં 9 વર્ષ પહેલાં જ હાંસલ કર્યું છે. આજે આપણી સોલાર એનર્જી ક્ષમતા આશરે 18 ગણી વધી ચૂકી છે. હાઈડ્રોજન મિશન હોય કે પછી સરક્યુલર પોલિસીનો વિષય હોય, આ બધું આપણી પર્યાવરણ સુરક્ષાની કટિબધ્ધતાનું ઉદાહરણ છે. આપણે જૂના વાહનોને સ્ક્રેપ કરવાની પોલિસી લાવ્યા છીએ. આ સ્ક્રેપ પોલિસીના કારણે પણ આપણે એક મોટું કામ કરવાના છીએ.
સાથીઓ,
આપણાં આ પ્રયાસોની વચ્ચે આજે પર્યાવરણ દિન પ્રસંગે ભારતે એક વધુ સિધ્ધિ હાંસલ કરી છે અને આપણું એ સૌભાગ્ય છે કે આ ખુશ ખબર આપવા માટે આજે મને ખૂબ જ યોગ્ય મંચ પ્રાપ્ત થયું છે. ભારતની એ પરંપરા રહી છે કે જે લોકો યાત્રા કરીને આવે છે તેમનો સ્પર્શ કરીએ તો તમને અડધું પુણ્ય મળે છે. એ ખુશ ખબર આજે હું તમને સંભળાવવાનો છું કે જેનાથી દેશ અને દુનિયાના લોકોને પણ આનંદ થશે. હા, કેટલાક લોકો માત્ર આનંદ જ લઈ શકે છે. આજે ભારતે પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલના બ્લેન્ડીંગનું લક્ષ્યા હાંસલ કરી દીધુ છે.
તમને એ જાણીને પણ ગર્વની અનુભૂતિ થશે કે ભારતે આ ધ્યેય નિર્ધારિત સમયના 5 મહિના પહેલા જ હાંસલ કરી દીધુ છે. આ સિધ્ધિ કેટલી મોટી છે તેનો અંદાજ તમે એ બાબત ઉપરથી લગાવી શકો છો કે વર્ષ 2014માં ભારતમાં પેટ્રોલમાં માત્ર દોઢ ટકા જ ઈથેનોલનું બ્લેન્ડીંગ કરવામાં આવતું હતું.
આ લક્ષ્ય સુધી પહોંચવાના કારણે ભારતને 3 સીધા ફાયદા થયા છે. એક તો આશરે 27 લાખ ટન કાર્બન છૂટવાનું પ્રમાણી ઓછું થયું છે. બીજુ, ભારતને 41 કરોડ રૂપિયાથી વધુ વિદેશી મુદ્રાની બચત થઈ છે અને ત્રીજો મહત્વનો ફાયદો એ છે કે દેશના ખેડૂતોને ઈથેનોલનું બ્લેન્ડીંગ વધવાના કારણે 8 વર્ષમાં આશરે 40 હજાર કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. હું દેશના લોકોને, દેશના ખેડૂતોને, દેશની ઓઈલ કંપનીઓને આ સિધ્ધિ માટે અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
દેશ આજે પીએમ નેશનલ ગતિ શક્તિ માસ્ટર પ્લાન ઉપર કામ કરી રહ્યો છે. આ યોજના પણ પર્યાવરણ સુરક્ષા માટે મહત્વની ભૂમિકા નિભાવશે. ગતિ શક્તિને કારણે દેશની લોજિસ્ટિક્સ વ્યવસ્થા આધુનિક બનશે. પરિવહન વ્યવસ્થા મજબૂત બનશે અને તેનાથી પ્રદુષણ ઓછું કરવામાં ખૂબ મોટી મદદ મળશે. દેશમાં મલ્ટીમોડલ કનેક્ટિવીટી હોય, 100 થી વધુ નવા વોટર-વે (જળ માર્ગો) માટે કામ થતું હોય તે બધુ પર્યાવરણની સુરક્ષા અને જલવાયુ પરિવર્તનના પડકારોને દૂર કરવામાં ભારતની મદદ કરશે.
સાથીઓ,
ભારતના આ પ્રયાસો, આ અભિયાનોનું વધુ એક પાસું એવું છે કે જેની ખૂબ જ ઓછી ચર્ચા થાય છે. આ પાસું છે- ગ્રીન જોબ્ઝ. ભારતમાં જે પ્રકારે પર્યાવરણના હિતમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને ઝડપથી લાગુ કરવામાં આવી રહ્યા હોવાના કારણે મોટી સંખ્યામાં ગ્રીન જોબ્ઝની તકો પણ ઉભી થઈ રહી છે. આ પણ એક અભ્યાસનો વિષય છે અને તે અંગે વિચારવું જોઈએ.
સાથીઓ,
પર્યાવરણની સુરક્ષા માટે, ધરતીની રક્ષા માટે, માટીની રક્ષા માટે જનચેતના જેટલી આગળ ધપશે તેટલા જ બહેતર પરિણામો પ્રાપ્ત થશે. મારા દેશ અને દેશની તમામ સરકારોને, તમામ સ્થાનિક કોર્પોરેશનોને, તથા તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને હું આગ્રહ કરૂં છું કે પોતાના પ્રયાસોમાં શાળા- કોલેજોને જોડે. એનએસએસ અને એનસીસીને પણ જોડે.
હું આઝાદીના અમૃત મહોત્સવમાં જળ સંરક્ષણ સાથે જોડાયેલો વધુ એક આગ્રહ પણ કરવા માંગુ છું. આગામી વર્ષે 15 ઓગષ્ટ સુધીમાં દેશના દરેક જિલ્લામાં, દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવરના નિર્માણનું કામ આજે ચાલી રહ્યું છે. 50 હજારથી વધુ અમૃત સરોવર આવનારી પેઢીઓ માટે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. આ અમૃત સરોવર પોતાની આસપાસની માટીના ભેજમાં વધારો કરશે. પાણીના સ્તરને નીચે જતા રોકશે અને તેનાથી બાયોડાયવર્સિટીમાં પણ સુધારો થશે. આ વિરાટ સંકલ્પમાં આપ સૌની ભાગીદારી કેવી રીતે વધારી શકાય તે બાબતે આપણે સૌ ચોક્કસપણે નાગરિક હોવાના નાતે કામ કરીશું.
સાથીઓ,
આપણાં સૌના પ્રયાસોથી અને સંપૂર્ણતાના અભિગમ સાથે પર્યાવરણની સુરક્ષા અને ઝડપી વિકાસ શક્ય બનશે. તેમાં આપણી જીવનશૈલીની શું ભૂમિકા છે, આપણે કેવી રીતે બદલાવાનું છે તે બાબતે હું આજે સાંજે એક કાર્યક્રમમાં વાત કરવાનો છું, વિસ્તારથી વાત કરવાનો છું, કારણ કે આંતરરાષ્ટ્રિય મંચ ઉપર આ કાર્યક્રમ છે. લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયર્મેન્ટ, મિશન લાઈફ, આ શતાબ્દિની તસવીર, આ શતાબ્દિમાં ધરતીનું ભાગ્ય બદલે તેવા એક મિશનનો પ્રારંભ થશે. તે P-3 એટલે કે પ્રો-પ્લાનેટ-પિપલ મૂવમેન્ટથી થશે. આજે સાંજે લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાર્યમેન્ટના ગ્લોબલ કોલ ફોર એક્શનનો પ્રારંભ થઈ રહ્યો છે. મારો આગ્રહ છે કે પર્યાવરણની સુરક્ષા માટે સચેત દરેક વ્યક્તિએ તેની સાથે ચોક્કસ જોડાવું જોઈએ. નહીં તો, આપણે એસી પણ ચલાવીશું, રજાઈ પણ ઓઢીશું અને તે પછી પર્યાવરણના સેમિનારમાં મોટા ભાષણો પણ કરીશું.
સાથીઓ,
આજે આપ સૌ માનવતાની ખૂબ મોટી સેવા કરી રહ્યા છો, તમને સિધ્ધિ મળે. સદ્દગુરૂજીએ બાઈક ઉપર લાંબી અને મહેનત પડે તેવી જે યાત્રા હાથ ધરી છે. એક રીતે તેમનો બાળપણથી એ શોખ રહ્યો છે, પરંતુ આ ખૂબ મોટું અને કઠિન કામ છે, કારણ કે જ્યારે કોઈ યાત્રાનું આયોજન કરતા હોય ત્યારે હું કહેતો હતો કે મારી પાર્ટીમાં એક યાત્રાને ચલાવવી એટલે કે 5 થી 10 વર્ષની ઉંમર ઓછી થઈ જાય તેટલી મહેનત પડે છે. સદ્દગુરૂજીએ આ યાત્રા હાથ ધરીને સ્વયં ખૂબ મોટું કામ કર્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે દુનિયાને માટી તરફ સ્નેહ તો પેદા થયો જ હશે, પણ ભારતની માટીની તાકાતનો પણ પરિચય પ્રાપ્ત થયો હશે.
આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ધન્યવાદ!