ભાઈઓ અને બહેનો,
તીર્થરાજ, પ્રયાગરાજમાં આવીને હંમેશા એક જુદી જ પવિત્રતા અને ઉર્જાનો અનભવ થાય છે. મને યાદ છે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લગભગ આ જ સમય હતો, જ્યારે હું કુંભ દરમિયાન આ પવિત્ર ધરતી પર આવ્યો હતો. ત્યારે સંગમ પર સ્નાન કરીને અને તેની સાથે સાથે મને એક બીજું સૌભાગ્ય પણ સાંપડ્યું હતું. એવા સફાઈ કર્મચારીઓ જેઓ ઐતિહાસિક કુંભની પવિત્રતા વધારી રહ્યા હતા અને જેમના પરિશ્રમ અને પુરુષાર્થના કારણે સમગ્ર વિશ્વમાં પ્રયાગરાજના આ કુંભની સ્વચ્છતા અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઇ, આખી દુનિયામાં પ્રયાગરાજની એક નવી ઓળખ ઉભી થઇ, કુંભમાં એક નવી પરંપરા જોવા મળી અને તેને સફળ કરનારા તે સફાઈ કર્મચારીઓને, તેમના પગ ધોવાનો, તેમના ચરણ પખારવાનો, અને મને આ મહાન સિદ્ધિને પ્રાપ્ત કરનારા તે સફાઈ કર્મચારીઓને નમન કરવાનો અવસર મળ્યો હતો.
હવે આજે પણ કંઇક આવું જ સદભાગ્ય મને માં ગંગાના કિનારે આ પવિત્ર ધરતી પ્રયાગરાજમાં ફરી એકવાર પ્રાપ્ત થયું છે. તમારા પ્રધાન સેવકના રૂપમાં મને હજારો દિવ્યાંગ-જનો અને વડીલો, વરિષ્ઠ જનોની સેવા કરવાનો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે.
થોડા સમય પહેલા અહિયાં આશરે 27 હજાર સાથીઓને સાધનો આપવામાં આવ્યા છે. કોઈને ટ્રાયસિકલ મળી છે, કોઈને સાંભળવાનું મશીન મળ્યું છે, કોઈને વ્હીલચેર મળી છે.
મને જણાવવામાં આવ્યું છે કે અહિયાં આ સામાજિક અધિકારીતા શિબિરમાં અનેક રેકોર્ડ પણ બની રહ્યા છે. આ સાધનો તમારા જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર કરવામાં થોડી મદદ કરશે અને હું માનું છું કે આ સાધનો તમારા બુલંદ ઉત્સાહના સહયોગી માત્ર છે. તમારી વાસ્તવિક શક્તિ તો તમારું ધૈર્ય છે, તમારું સામર્થ્ય છે, તમારું માનસ છે. તમે દરેક પડકારને પડકાર ફેંક્યો છે. તમે મુશ્કેલીઓને માત આપી દીધી છે. તમારું જીવન જો કોઈ ઝીણવટથી જુએ તો પ્રત્યેક પળે પ્રત્યેક પગલે પ્રત્યેક માટે પ્રેરણાનું કારણ બની શકે તેમ છે. હું આજે આપ સૌ દિવ્યાંગ જનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.
સાથીઓ,
આપણે ત્યાં કહેવાય છે-
“સ્વસ્તિ: પ્રજાભ્ય:, સ્વસ્તિ: પ્રજાભ્ય: પરિપાલયંતા ન્યાયેન માર્ગેણ મહીં મહિશા:”
એટલે કે સરકારની એ જવાબદારી છે કે દરેક વ્યક્તિનું ભલું થાય, દરેક વ્યક્તિને ન્યાય મળે. આ જ વિચારધારા તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મંત્રનો પણ આધાર છે. આ જ વિચારધારાની સાથે અમારી સરકાર, સમાજના પ્રત્યેક વ્યક્તિના વિકાસ માટે, તેના જીવનને સરળ બનાવવા માટે કામ કરી રહી છે. પછી તે વરિષ્ઠ જન હોય, દિવ્યાંગ જન હોય, આદિવાસી હોય, પીડિત, શોષિત, વંચિત હોય, 130 કરોડ ભારતીયોના હિતની રક્ષા કરવી, તેમની સેવા કરવી, આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ખાસ કરીને દિવ્યાંગ જનોની તકલીફોને જે રીતે આ સરકારે સમજી છે, તેમની માટે જે સંવેદનશીલતા સાથે કામ કર્યું છે, તેટલું પહેલા ક્યારેય નથી કરવામાં આવ્યું. તમે પણ યાદ કરો, મારા દિવ્યાંગ ભાઈ-બહેનોને પહેલા આમતેમ કચેરીઓમાં અઠવાડિયાઓ સુધી આંટા ફેરા મારવા પડતા હતા, ત્યારે જઈને થોડી ઘણી જરૂરી મદદ તેમને મળી શકતી હતી. તમારી તકલીફ, તમારી સમસ્યા, જેટલી ગંભીરતા વડે સાંભળવી જોઈતી હતી, તેની ઉપર ધ્યાન આપવામાં જ નથી આવ્યું. દિવ્યાંગ ભાઈ બહેનોને નિરાધાર છોડી દેનારી પહેલાની સ્થિતિ અમને સ્વિકાર્ય નહોતી. અમે તમારા સાથી બનીને, સેવક બનીને, તમારી એક એક સમસ્યા વિષે વિચાર્યું અને તેમને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
સાથીઓ,
પહેલાની સરકારોના સમયમાં, આ પ્રકારના કેમ્પ બહુ ઓછા લગાવવામાં આવતા હતા. અને આ પ્રકારના મેગા કેમ્પ તો ગણતરીના પણ કદાચ નહોતા લાગતા. વીતેલા 5 વર્ષોમાં અમારી સરકારે દેશના જુદા જુદા વિસ્તારોમાં આશરે 9 હજાર કેમ્પ લગાવડાવ્યા છે.
ભાઈઓ અને બહેનો,
પાછલી સરકારના પાંચ વર્ષમાં જ્યાં દિવ્યાંગ જનોને 380 કરોડ રૂપિયા કરતા પણ ઓછાના સાધનો વિતરિત કરવામાં આવ્યા છે, ત્યાં જ અમારી સરકારે 900 કરોડ રૂપિયા કરતા વધુના સાધનો વહેંચ્યા છે. એટલે કે લગભગ લગભગ અઢી ગણા વધારે. જ્યારે ગરીબી માટે, દિવ્યાંગો માટે મનમાં પીડા થાય છે, સેવાનો ભાવ હોય છે, ત્યારે આ પ્રકારની ગતિ આવે છે, ત્યારે આટલી ઝડપથી કામ થાય છે.
સાથીઓ,
તમે જરા તે સમય પણ યાદ કરો જ્યારે સરકારી ઈમારતોમાં જવા માટે, બસ સ્ટેન્ડ, દવાખાના, કોર્ટ કચેરી, દરેક જગ્યાએ આવવા જવામાં તમને કેટલી તકલીફ પડતી હતી. કેટલીક જગ્યાઓ ઉપર અલગથી રેમ્પ બનાવવામાં આવતો હતો, બાકીની જગ્યાઓ ઉપર બહુ મુશ્કેલી પડતી હતી. આ અમારી જ સરકાર છે જેણે સુગમ્ય ભારત અભિયાન ચલાવીને આખા દેશની મોટી સરકારી ઈમારતોને દિવ્યાંગો માટે સુગમ્ય બનાવવાનો સંકલ્પ લીધો. વીતેલા ચાર પાંચ વર્ષોમાં દેશની સેંકડો ઈમારતો, 700થી પણ વધુ રેલવે સ્ટેશન, એરપોર્ટ, દિવ્યાંગ જનો માટે સુગમ્ય બનાવી દેવામાં આવ્યા છે. જે બચ્યા છે તેમને પણ સુગમ્ય ભારત અભિયાન સાથે જોડવામાં આવી રહ્યા છે. એટલું જ નહી, જે નવી ઈમારતો બની રહી છે અથવા રેલવેના નવા કોચ છે, તેમાં પહેલેથી જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે તે તમારી માટે દિવ્યાંગ જનો માટે અનુકુળ હોય.
ભાઈઓ અને બહેનો,
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય ત્યારે જુદી જુદી ભાષાઓ હોવાના કારણે પણ મારા દિવ્યાંગ ભાઈ બહેનોને ઘણી તકલીફ પડતી હતી. પહેલા આ બધું વિચારવામાં જ ના આવ્યું કે દિવ્યાંગ જનો માટે પણ એક કોમન સાઈન લેંગ્વેજ હોવી જોઈએ. તેની માટે પણ પ્રયાસ અમારી જ સરકારે શરુ કર્યા. દેશભરના તમામ દિવ્યાંગો માટે એક કોમન સાઈન લેંગ્વેજ હોય, તેની માટે સરકારે ઇન્ડીયન સાઈન લેંગ્વેજ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ સેન્ટરની સ્થાપના કરી છે. અત્યારે અહિયાં મારા આ પ્રવચનની સાથે સાથે અહિયાં મંચ પરથી દિવ્યાંગ જનો માટે સાઈન લેંગ્વેજ દ્વારા ભાષણ કહેવામાં આવી રહ્યું છે. પહેલાની સ્થિતિ એ હતી કે એકાદ રાજ્યના બાળકો તે સમજી શકતા હતા. હવે આ નવી વ્યવસ્થાના કારણે તમિલનાડુનો વ્યક્તિ પણ આ લેંગ્વેજને સમજી શકે છે. હવે આ કામ પણ 70 વર્ષ સુધી કોઈને કરવાની ફુરસત નહોતી પરંતુ જ્યારે દિવ્યાંગની પ્રત્યે સંવેદના હોય, હિન્દુસ્તાનની એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત કરવાનો ઈરાદો હોય ત્યારે જઈને આવા કામ થતા હોય છે. અને હવે આ કેન્દ્રએ આશરે 6000 કોમન શબ્દોની એક ડિક્શનરી તૈયાર પણ કરી દીધી છે.
એટલે કે આવનારા સમયમાં, જો પ્રયાગરાજથી મારો કોઈ દિવ્યાંગ સાથી, જો ચેન્નાઈ જશે અથવા પશ્ચિમ બંગાળ જશે તો તેને ભાષાની તેટલી તકલીફ નહી પડે. એટલું જ નહી, આશરે 400થી વધુ સરકારી વેબસાઈટને અને આપણું જે ચલણી નાણું છે, સિક્કા હોય કે પછી આપણી નોટ હોય તેને પણ દિવ્યાંગો માટે અનુકૂળ બનાવવામાં આવ્યા છે. તે સરળતાથી નક્કી કરી શકે છે કે એક રૂપિયાની નોટ છે, પાંચ રૂપિયાની નોટ છે, પાંચસોની નોટ છે, બસ્સોની નોટ છે, તે સરળતાથી નક્કી કરી શકે છે, સિક્કાના વિષયમાં પણ તે નક્કી કરી શકે છે કે કયો સિક્કો છે.
અને હવે તો તમે પણ જોઈ રહ્યા હશો કે ખાનગી ટીવી ચેનલો પણ દિવ્યાંગોને અનુસાર સમાચારો બતાવવા લાગ્યા છે, કાર્યક્રમો દેખાડવા લાગ્યા છે. હું આ તમામ ચેનલોને, જેમણે દિવ્યાંગ જનો માટે આ સમાચારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે તેમને અભિનંદન આપું છું. દૂરદર્શનના લોકો અનેક અભિનંદનના અધિકારી છે કારણ કે તેમણે તો વર્ષોથી આ કામ કર્યું છે અને તેમણે દિવ્યાંગ જનોની ચિંતા કરી છે. પરંતુ હવે દેશના અનેક ટીવી ચેનલો દિવ્યાંગ જનોની માટે પણ આ પ્રકારના સાઈન લેંગ્વેજ દ્વારા સમાચારો દેખાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે. માનવીય સંવેદનાના આ કામ માટે તે બધા જ ટીવી ચેનલો પણ અભિનંદનના અધિકારી છે.
ભાઈઓ અને બહેનો,
અમારી સરકારે દિવ્યાંગ જનો માટે જે સેવાભાવ સાથે કામ કર્યું છે, નિર્ણયો લીધા છે, તેની ચર્ચા જેટલી થવી જોઈતી હતી, તેટલી નથી થઇ શકી. પ્રયાગરાજ તો ઇન્સાફની પણ નગરી છે, ન્યાયની નગરી છે, સામાન્ય લોકોના અધિકારોની રક્ષા માટે હજારો લોકો અહિયાં દિવસ રાત કામ કરી રહ્યા છે.
સાથીઓ,
તે અમારી જ સરકાર છે જેણે સૌપ્રથમ વખત દિવ્યાંગ જનોના અધિકારોને સ્પષ્ટ કરનારો કાયદો લાગુ કર્યો. આ કાયદાનો એક બહુ મોટો લાભ એ થયો છે કે પહેલા દિવ્યાંગ લોકોની જે 7 જુદી જુદી શ્રેણીઓ રહેતી હતી, તેને વધારીને 21 કરી દેવામાં આવી છે. એટલે કે અમે તેનો વિસ્તાર વધારી દીધો છે. તે સિવાય દિવ્યાંગ લોકો પર જો કોઈ અત્યાચાર કરે છે, કોઈ મજાક ઉડાવે છે, તેમને હેરાન કરે છે, તો તેની સાથે સંકળાયેલ નિયમોને પણ કડક બનાવવામાં આવ્યા છે.
સાથીઓ,
એ પણ અમારી જ સરકાર છે જેણે માત્ર દિવ્યાંગ લોકોની પસંદગી માટે વિશેષ અભિયાન જ નથી ચલાવ્યા પરંતુ સરકારી નોકરીઓમાં તેમનું અનામત વધારીને, દિવ્યાંગ જનો માટે, ૩ ટકાથી વધારીને હવે 4 ટકા કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહી, ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં પ્રવેશ માટે પણ તેમનું અનામત ૩ ટકાથી વધારીને 5 ટકા સુધી કરી દેવામાં આવ્યું છે.
આપણા દિવ્યાંગ સાથીઓનું કૌશલ્ય વિકાસ પણ અમારી પ્રાથમિકતા રહી છે. સરકારે 2 લાખ સાથીઓને કૌશલ્યની તાલીમ આપી છે અને હવે 5 લાખ દિવ્યાંગ સાથીઓને કૌશલ્યની તાલીમ આપવાનું લક્ષ્ય છે.
ભાઈઓ અને બહેનો,
નવા ભારતના નિર્માણમાં દરેક દિવ્યાંગ યુવાન, દિવ્યાંગ બાળકની યથોચિત ભાગીદારી ઘણી જરૂરી છે. પછી તે ઉદ્યોગ હોય, સેવાનું ક્ષેત્ર હોય કે પછી રમતગમતનું મેદાન, દિવ્યાંગ લોકોના કૌશલ્યને સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. હમણાં તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ જેટલા પણ દિવ્યાંગ લોકો સાથે સંકળાયેલ સ્પર્ધાઓ થઈ છે, તેમાં ભારતનો દેખાવ, આપણા દિવ્યાંગ સાથીઓએ હિન્દુસ્તાનનું નામ વિશ્વમાં રોશન કર્યું છે, તેમનો દેખાવ સર્વશ્રેષ્ઠ રહ્યો છે. તમે કલ્પના કરી શકો છો કેટલી મોટી મજબૂત સંકલ્પ શક્તિ હશે ત્યારે જઈને દુનિયાના મેદાનમાં પણ મારા દેશના દિવ્યાંગ જનો ભારતનો તિરંગો લહેરાવીને આવે છે. દિવ્યાંગોના આ કૌશલ્યને વધુ નિખારવા માટે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક સ્પોર્ટ્સ સેન્ટર બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.
આ સેન્ટરમાં તાલીમ, પસંદગી, લેખન-વાંચન, સંશોધન, મેડીકલ સુવિધાઓ, એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની માટે જે પણ તૈયારીઓ હોવી જોઈએ તેમની સુવિધા આપણા દિવ્યાંગ જનોને અહિયાં આપવામાં આવશે.
સાથીઓ,
આપણા દેશમાં અઢી કરોડથી વધુ દિવ્યાંગ લોકો છે તો 10 કરોડથી વધુ સીનીયર સિટીઝન્સ, વરિષ્ઠ નાગરિકો પણ છે. અમુક ઉંમર પછી સુવિધાના અનેક સાધનોની જરૂરિયાત આપણા આ વરિષ્ઠ નાગરિકોને પડે છે, આ સીનીયર સિટિઝન્સને હોય છે. કોઈને ચાલવામાં તકલીફ, કોઈને સાંભળવામાં તકલીફ. વરિષ્ઠ નાગરિકોના જીવનમાંથી આ તકલીફને હળવી કરવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ.
ગરીબ વરિષ્ઠ નાગરિકોને પણ જરૂરી સાધનો મળી રહે તેની માટે અમારી સરકારે ત્રણ વર્ષ પહેલા જ ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’, તેની શરૂઆત કરી હતી.
આ યોજના અંતર્ગત આશરે સવા લાખ વરિષ્ઠ નાગરિકોને જરૂરી સાધનો આપી દેવામાં આવી ચુક્યા છે. વયોશ્રી યોજના અંતર્ગત આજે અહિયાં પણ અનેક આપણા સીનીયર સિટિઝન્સને, વડીલોને સાધનો આપવાનું સૌભાગ્ય અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય આજે આ પવિત્ર નગરીમાં મને મળ્યું છે.
ભાઈઓ અને બહેનો,
60 વર્ષની ઉંમર પછી, વડીલોને એક નિશ્ચિત રકમ પર, એક નિશ્ચિત વ્યાજ મળે, તેમનું રોકાણ સુરક્ષિત રહે, તેની માટે અમારી સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના પણ શરુ કરી હતી. તેનો ઉદ્દેશ્ય એ હતો કે જો બજારમાં વ્યાજના દરો ઓછા થઇ જાય તો તેની અસર તેમની ઉપર ઓછામાં ઓછી પડે.
તમારામાંથી અનેક લોકો એ જાણે છે કે માસિક પેન્શનનો વિકલ્પ પસંદ કરવામાં આવે તો વરિષ્ઠ નાગરિકોને આ યોજનામાં 10 વર્ષ સુધી એક નિર્ધારિત દરે ખાતરીપૂર્વકનું પેન્શન મળે છે. હું આજે અહિયાં એક અન્ય વાત પણ તમને લોકોને જણાવવા માંગું છું. સામાન્ય રૂપે અમારા વરિષ્ઠ નાગરિકો અથવા જેમને પેન્શન મળે છે એવા નાગરિકો, પગાર ધોરણવાળા નિવૃત્તિ પછી પોતાના પૈસા બેંકમાં જમા કરાવી દે છે અને જમા કરાવ્યા પછી તેના વ્યાજમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ ક્યારે ક્યારેક બેંકોમાં સંકટ આવી જાય છે. બેંકો ડૂબી જાય છે. કોઈ કર્મચારી દગો કરે છે. અને ક્યારેક ક્યારેક આપણા આ વરિષ્ઠ નાગરિકોની મહેનતની કમાણીના પૈસા ડૂબી જાય છે.
આ વખતે સંસદમાં ગરીબોની ચિંતા કરનારી, વડીલોની ચિંતા કરનારી, મર્યાદિત આવકમાં જીવનનું ગુજરાન ચલાવનારા મારા દેશના ભાઈઓ બહેનોની માટે અમે એક બહુ મોટું પગલું ભર્યું છે. આ દેશનું દુર્ભાગ્ય છે કે ઘણા લોકો આવી વાતોની ચર્ચા ન થાય તેની માટે બહુ સજાગ રહેતા હોય છે. એટલો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેની માંગણી વર્ષોથી થતી રહેતી હતી. પહેલા જો બેંકમાં તમારા 10 લાખ રૂપિયા છે, 2 લાખ રૂપિયા છે, 5 લાખ રૂપિયા છે, જો બેંક ડૂબી ગઈ તો તમને 1 લાખ રૂપિયાથી વધારે કંઈ જ નહોતું મળતું. અમે નિયમ બદલી નાખ્યો છે અને હવે 1 લાખની જગ્યા પર 5 લાખ રૂપિયા કરી દીધા છે. તેનો અર્થ એ થયો કે લગભગ લગભગ 99 ટકા જે લોકોના પૈસા બેંકોમાં હોય છે તે હવે સુરક્ષિત થઇ ગયા છે. હવે તેમની ઉપર કોઈ સંકટ નહી આવે. આ કામ આ બજેટમાં અમે કરી દીધું છે અને તેના કારણે બેંકો પ્રત્યે વિશ્વાસ પણ વધશે, તેના લીધે સામાન્ય વ્યક્તિ પોતાના પૈસા કોઈ શાહુકારની પાસે રાખવાને બદલે બેંકમાં મુકવા માટે આવશે.
ભાઈઓ બહેનો,
આવા અનેક પગલાઓ છે. તે જ રીતે પેન્શનના વિષયમાં, વીમાના વિષયમાં પહેલા પોલિસી બહુ ઓછા સમય માટે ખુલતી હતી, પરંતુ 2018માં તેને 31 માર્ચ 2020 સુધી વધારી દેવામાં આવી છે. માત્ર સમયગાળો જ નથી વધાર્યો પરંતુ માસિક પેન્શનને પણ 10 હજાર રૂપિયા દર મહીને કરી દેવામાં આવ્યું છે. મને સંતોષ છે કે આજે આ યોજનાનો લાભ સવા ત્રણ લાખથી વધુ વરિષ્ઠ નાગરિકો ઉઠાવી રહ્યા છે.
સાથીઓ,
પરિવારની સાથે સાથે વડીલોનું ધ્યાન રાખવાની જવાબદારી પણ સમાજની છે, સરકારની પણ છે. આ જ જવાબદારીના બોધને સમજીને, સંપૂર્ણ સંવેદનશીલતા સાથે અમારી સરકાર કામ કરી રહી છે, યોગીજીની સરકાર કામ કરી રહી છે. જે લોકોએ પોતાનું સંપૂર્ણ જીવન પોતાના પરિવાર અને દેશને આગળ વધારવામાં લગાડ્યું છે, તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે, તેનું અમે પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યા છીએ.
વીતેલા કેટલાક સમયમાં સરકારે જે નિર્ણયો લીધા છે, જે અન્ય યોજનાઓ તૈયાર કરી છે, તેના વડે પણ તેમને લાભ મળી રહ્યો છે. વીતેલા 5 સાડા 5 વર્ષોમાં વરિષ્ઠ નાગરિકોના ઈલાજનો ખર્ચ પહેલાની સરખામણીએ ઘણો ઓછો થયો છે.
જન ઔષધી કેન્દ્રોમાં તમામ દવાઓની કિંમત ઘણી ઓછી થઇ ગઈ છે, ત્યાં બીજી બાજુ સ્ટેન્ટ અને ઘૂંટણના ઓપરેશનો સાથે જોડાયેલ તમામ સામાન 70-80 ટકા સુધી સસ્તો કરી દેવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકોને ટેક્સથી લઈને અન્ય રોકાણ સુધીમાં, શક્ય તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. એટલું જ નહી, દેશના ઈતિહાસમાં સૌપ્રથમ વખત લગભગ લગભગ પ્રત્યેક ગરીબની માટે 60 વર્ષની ઉંમર પછી પેન્શન યોજનાની જોગવાઈ કરવામાં આવી છે. દેશના અસંગઠિત ક્ષેત્રના કરોડો શ્રમિકો હોય કે પછી મારા ખેડૂત – મારા ખેતરના મજૂર નાના વેપારીઓ હોય કે પછી નાના દુકાનદાર, આ બધાની માટે સરકારે જુદી જુદી પેન્શન યોજનાઓ શરુ કરી છે. તેનો બહુ મોટો લાભ ગરીબોને 60 વર્ષની ઉંમર થયા પછી પણ મળશે.
સાથીઓ,
આયુષ્માન ભારત યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજની સુવિધા હોય કે પછી વીમા યોજનાઓ, તેનો પણ લાભ ગરીબોને, દિવ્યાંગ જનોને, વરિષ્ઠ નાગરિકોને અલગથી મળી રહ્યો છે.
ગરીબમાં ગરીબ દેશવાસી પણ વીમાની સુવિધા સાથે જોડાય તેની માટે 2-2 લાખ રૂપિયાના વીમાની બે યોજનાઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 1 રૂપિયો પ્રતિ માસ એટલે કે મહિનાનો માત્ર 1 રૂપિયો અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અંતર્ગત એક દિવસના 90 પૈસા તેટલા ઓછા પ્રીમીયમમાં તેમનો વીમો કાઢવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 24 કરોડથી વધુ આપણા સાથીઓ આ બંને યોજનાઓ સાથે જોડાઈ ચુક્યા છે અને તકલીફના સમયમાં તેમને 4 હજાર કરોડ રૂપિયાથી વધુનો દાવો પણ આ પરિવારો સુધી પહોંચી ચુક્યો છે.
સાથીઓ,
તમારી સાથે વાત કરતા, શરૂઆતમાં મેં એક શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો જેમાં શાસનની જવાબદારીઓની વાત કરવામાં આવી હતી. તે જ મંત્રનો છેલ્લો ભાગ છે – લોકાઃ સમસ્તા: સુખિનોભવંતુ ||
એટલે કે વિશ્વની અંદર, સમાજનો પ્રત્યેક વર્ગ, પ્રત્યેક નાગરિક, પ્રત્યેક વ્યક્તિ સુખી હોય, એ જ કામના સાથે, હું ફરી એકવાર તમામ વરિષ્ઠ નાગરિકોને પ્રણામ કરીને, સૌ દિવ્યાંગ જનોની સંકલ્પ શક્તિને નમન કરીને, આ મહાન પવિત્ર અવસરને, મારી માટે આ દિવ્યાંગ જનોનો કુંભ પણ ખૂબ જ પવિત્ર છે, સેવા ભાવથી ભરપુર છે. આ અવસર પર હું ભારત સરકારના આ વિભાગને પણ, રાજ્ય સરકારના પ્રયાસોને પણ ખૂબ જ ગૌરવપૂર્ણ રૂપ વડે યાદ કરીને, આપ સૌને નમન કરીને, અનેક અનેક શુભકામનાઓ આપીને, મારી વાતને સમાપ્ત કરું છું.
ખૂબ ખૂબ આભાર !!! મારી સાથે સંપૂર્ણ શક્તિ સાથે બોલો ભારત માતાની… જય. ભારત માતાની… જય. ભારત માતાની… જય. ખૂબ ખૂબ આભાર !!!