ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ગઈ કાલે જ્યાં સૂરજનું પહેલું કિરણ પડે છે એ અરુણાચલ પ્રદેશમાં સવારે શરૂઆત કરી. કાશીવિશ્વનાથની ધરતી ઉપર કાર્યક્રમ કરી, જ્યાં સૂરજ આથમે છે છેલ્લે એ પશ્ચિમમાં દમણ આવ્યો, વાપી,વલસાડ, વેરાવળ, ધોરાજી, અમરેલી, અને હવે આ બોટાદ. આ એક જ દિવસમાં હું જ્યાં જ્યાં ગયો છું, અને જે રીતે લોકોનો ઉમંગ અને ઉત્સાહ જોયો છે, લોકોના જે આશીર્વાદ જોયા છે.
અમારા ટીવીવાળા એક્ઝિટ પોલ કરતા હોય છે, સર્વે કરતા હોય છે. છાપાવાળા લેખો લખતા હોય છે. પણ હું મારા પ્રવાસ પછી કહી શકું કે ગુજરાતની જનતાએ અભુતપૂર્વ વિજય અપાવવાનું નક્કી કરી દીધું છે. અને આ બોટાદ એનું જીવતું – જાગતું સાક્ષી છે. આ વિરાટ જનસાગર, એ વાતની ગવાહી પુરે છે કે ચુંટણી પરિણામો નક્કી કરી દીધા છે, લોકોએ. અને સૌરાષ્ટ્રમાં હું જ્યાં જ્યાં ગયો છું, બાકી વિસ્તારોમાં જવાનું હજુ બાકી છે, આ વખતે વિપક્ષના ડબ્બા ગુલ. એક જ અવાજ સંભળાય છે બધેથી,
ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)
ગુજરાત અને ભાજપનો સંબંધ બહુ અતુટ છે. એમાંય બોટાદનો તો અમારા જનસંઘના જમાનાથી સંબંધ ભાઈ, જનસંઘને જે કોઈ ઓળખતું નહોતું, જે જમાનામાં. હજુ તો શરૂઆત હતી, દીવાલો ઉપર દીવડા ચિતરતા હતા, આપણે. કોઈ ઓળખતું નહોતું. એ વખતે બોટાદની જનતાએ આપણને પારખી લીધા હતા, અને પોંખી લીધા હતા, ભાઈઓ, અને બોટાદમાં પહેલી નગરપાલિકા જનસંઘની બની હતી. અને ખુદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય બોટાદ આવીને અહીંની જનતાનો આભાર માન્યો હતો.
આ પારખુ જનતાની ભુમિ એટલે અમારું બોટાદ. અને જે બોટાદે અમને પારખ્યા, એના પછી તો મને આવતા આવતા, ત્રણ પેઢી નીકળી ગઈ. પણ બોટાદે ક્યારેય સાથ છોડ્યો નહિ. આ પંથકે સાથ છોડ્યો નહિ. અને એટલા માટે આજે હું તમારા આશીર્વાદ લેવા તો આવ્યો છું પણ તમારો આભાર માનવા પણ આવ્યો છું, ભાઈઓ.
આપ જાણો છો? પહેલા ચુંટણીઓ થતી હતી, તો એ ચુંટણીઓમાં એમના બાપુજી શું કરતા હતા, એમના દાદા શું કરતા હતા, એમના કાકા-મામા શું કરતા હતા, એમનું કુટુંબ કેવડું મોટું હતું, એના આધારે વોટ માગતા હતા. પછી જમાનો આવ્યો, એ ફલાણી જાતિના છે, ઢીકણી જાતિના છે, ફલાણી જાતિના છે, એના આધારે વોટ માગો. પછી જમાનો આવ્યો, ભઈ, એ તો માથાભારે છે, જો સાચવજો, આપણે વોટ આપી દો ને, નકામું...
આવા વાતાવરણમાં ચુંટણીઓ ચાલતી હતી અને પછી એક જમાનો આવ્યો, ચુંટણીનો મુદ્દો શું હોય? તમે આટલા ખાઈ ગયા હતા, તમે આટલું લૂંટી લીધું હતું. તમે આટલા ગોટાળા કર્યા હતા. તમારા ભત્રીજાએ આમ કર્યું હતું, તમારા દીકરાએ આમ કર્યું હતું. ચુંટણીના મુદ્દા ગોટાળાઓથી ભરેલા પડ્યા હતા. છાપામાં હેડલાઈનો રહેતી, આટલા કરોડનું કર્યું, આટલા કરોડનું આમ કર્યું. આ ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી ગુજરાતમાં વિજયધ્વજ ફરકાણો છે, અને હવે ગોટાળાની નહિ, ચુંટણીનો મુદ્દો હોય છે, વિકાસનો મુદ્દો.
વિકાસનો મુદ્દો બનાવવાનું કામ હિન્દુસ્તાનની રાજનીતિમાં, ગુજરાતે એની પહેલ કરી, ભાજપે પહેલ કરી અને વિકાસને પ્રાથમિકતા આપીને આજે હિન્દુસ્તાનની બધી પોલિટિકલ પાર્ટીઓને ચુંટણીમાં વિકાસની વાત કરવા માટે મજબુર દીધા છે, ભાઈઓ. અને આજે જ્યારે હું એવી અહીંયા ભુમિ ઉપર આવ્યો છું કે આમાં રાજકોટેય અડે, અમારા કુંવરજીભાઈ અહીંયા બેઠા છે, અહીંયા ધંધુકાય અડે, અહીંયા બોટાદ પણ અડે, એટલે બોટાદ એવું છે, બધાને સમાવે એવું.
અને જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મને ખબર હતી, જેમ આજે ઉદ્યોગ એટલે વાપી, વલસાડ, એની ચર્ચા થાય છે ને, બોટાદના નવજવાનો, સૌરાષ્ટ્રના નવજવાનો, અમદાવાદ જિલ્લાના નવજવાનો, મારા શબ્દો લખી રાખજો, એ દિવસ દૂર નહિ હોય, જ્યારે વલભીપુર, ધંધુકા, ધોલેરા, બોટાદ, ભાવનગર, આખો પટ્ટો ગુજરાતમાં ઔદ્યોગિક રીતે સૌથી ધમધમતું ક્ષેત્ર હશે.
આ એ ભુમિ છે, તમારી પડોશમાં જ વિમાનો બનવાના છે, ભાઈઓ. જે ગુજરાતમાં સાઈકલ નહોતી બનતી ને ત્યાં હવે વિમાન બનવાના છે. ગુજરાતના જુવાનીયાઓનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે, એનું આ ઉદાહરણ છે. અને એટલે જ બોટાદ જિલ્લો બનાવવાનો જ્યારે વિચાર આવ્યો હતો, અને સૌરાષ્ટ્રમાં ચાર જિલ્લા નવા બનાવ્યા હતા. પ્રમાણમાં નાના હતા પરંતુ મને ખબર હતી કે આ આખી નવી રચના છે, એ ગુજરાતના ભાગ્યને બદલવા માટે પાયાનું કામ કરી રહી છે.
ફેરી સર્વિસ, રો-રો ફેરી સર્વિસ. ભાવનગરને દક્ષિણ ગુજરાત સાથે જોડે છે, એ પણ વિકાસ માટેનું મોટું માધ્યમ બનવાનું છે. ગુજરાતને તેજીથી વિકાસ માટેનું આ કેન્દ્ર બનવાનું છે. જે કદાચ ગણતરીમાં નહોતું. એ વિકાસની મોટી પહેલ આ ભુમિમાં થવાની છે, ભાઈઓ. અને એટલા માટે મારો મત રહ્યો છે, અને હું જ્યારે અહીંયા જિલ્લાના ઉદઘાટન સમારંભમાં આવ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે આ બોટાદ અને આખા પટ્ટામાં વિકાસ માટેની અનેક સંભાવનાઓ પડેલી છે.
એ જુના લોકો અહીંયા બેઠા હશે, તો યાદ હશે. અને આજે અમે એ સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છીએ, એ સંકલ્પ લઈને, અને ગુજરાતના યુવાનોની આકાંક્ષાઓ, ગુજરાતના યુવાનોનું સામર્થ્ય, એને આવતીકાલના ગુજરાતના નિર્માણ સાથે જોડવા માટેનું ગુજરાતમાં 21મી સદીમાં મારું ગુજરાત કેવું ધમધમતું હોય, 21મી સદીમાં મારું ગુજરાત કેવું મજબુતીથી આગળ આવે એના માટે કામ ચાલે છે.
જે ગામોમાં આજે, અને જ્યારે કામ કરતા હોઈએ એટલે અપેક્ષા વધારે રહે. ઘરમાં પણ દીકરો નાપાસ થતો હોય ને તો મા-બાપને એટલી જ ઈચ્છા હોય કે આ વર્ષે પાસ થઈ જાય તો સારું. પણ ફર્સ્ટ કલાસ લાવતો હોય તો મા-બાપની ઈચ્છા હોય કે ભઈ, જરા ટકા વધારે લાવ ને. 80 લાવે તો મા-બાપને થાય કે 90 ટકા લાવ ને. આ મનુષ્યનો સ્વભાવ છે.
પહેલા સરકારો હતી, લોકો હેન્ડ પંપ માગતા હતા. અમારી સરકાર આવી તો લોકો કહે છે કે ઘરમાં નળથી પાણી આવે, એવું કરી દેજો હોં, મોદી સાહેબ. પહેલા કહેતા હતા કે માટીકામ કરાવી દેજો. હવે અમને કહે છે કે સાહેબ, પેવર રોડ જોઈએ, પેવર રોડ. સિંગલ પટ્ટી ના ચાલે, અમારે તો ફોર-લેન રોડ જોઈએ. આ જે ભાવના ગુજરાતમાં જાગી છે ને, એ ગુજરાતની પ્રગતિની તાકાત બતાવે છે, ભાઈઓ. અને એ વાતાવરણ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યું છે.
આજે જે ગામમાં સડક હોય તો ગામવાળા રજુઆત કરવા આવે કે સાહેબ, હવે ટ્રેન આવે એવું કરો. ટ્રેન આવતી હોય, તો કહેવા આવે કે સાહેબ હવે બહુ થઈ ગયું, હવે એરપોર્ટ બનાવો ને. એરપોર્ટ બની ગયું હોય તો એમ કહે કે સાહેબ, બે જ વિમાન આવે છે, આઠ આવે એવું કરો ને. આ અમારું કામ છે, ભાઈઓ. જ્યાં એક ડિસ્પેન્સરી ના હોય ત્યાં લોકો આજે અમારી પાસે હોસ્પિટલની માગણી કરે છે.
મેડિકલ કોલેજ બને એની અપેક્ષા કરે છે. કારણ? અમે વિકાસના બીજનું વાવેતર કર્યું છે. અને એના કારણે પ્રત્યેક ગુજરાતીના મનમાં વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવાનું મન થાય છે અને મારા યુવાનીયાઓનું તો જોમ ધખધખી રહ્યું છે કે વિકાસમાં નવી ઊંચાઈઓ ઉપર પહોંચવું છે.
સ્કૂલો સ્માર્ટ બને એના માટેની ચિંતા, કોલેજોમાં પ્રોફેશનલ કોર્સીસ શરૂ થાય એના માટે, આ આકાંક્ષા ગુજરાતમાં જોવા મળે છે, એના મૂળમાં વિકાસનું વાતાવરણ આપણે કર્યું છે. વિકાસનું વાવેતર આપણે કર્યું છે. વિકાસના સંકલ્પ કર્યા છે. વિકાસની સિદ્ધિઓ કરી છે, અને એના કારણે આપણને આ પરિણામ મળ્યું છે, ભાઈઓ. 20 વર્ષ પહેલા તો પ્રાથમિક જરુરીયાતોના ફાંફા પડતા હતા. એના એ લક્ષ્યો કેમ પુરા કરવા, હવે તો? હવે તો મારે ભવ્ય અને વૈભવશાળી ગુજરાત. આ સપનું જોઈને આગળ વધવું છે, ભાઈઓ. અને એટલા માટે મને તમારા આશીર્વાદ જોઈએ છે. અમારા ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતની સરકાર અનેક દિશાઓમાં આજે પ્રગતિના નવા સોપાન ચલાવી રહી છે. એમની જે ઔદ્યોગિક પોલિસી, ગુજરાત સરકાર લાવી છે, ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં, એમાં લઘુઉદ્યોગો માટે સૌથી વધારે સંભાવનાઓ ઉભી થઈ છે. અને લઘુઉદ્યોગો, એ રોજગાર તો આપે જ, પરંતુ નાના નાના માણસોને ઉદ્યોગપતિ બનાવવા માટેના દરવાજા ખોલી નાખતું હોય છે, ભાઈઓ.
આજે ગુજરાતની અંદર શિક્ષણમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, આજે અભિયાન ચાલ્યું છે, એ હિન્દુસ્તાન માટે મોડલ બની રહ્યું છે. હિન્દુસ્તાનના અનેક શિક્ષા મંત્રીઓ આવીને, એનો અભ્યાસ કરવા માટે અહીં આવ્યા હતા.
ભાઈઓ, બહેનો,
ગુજરાતના શિક્ષણમાં પણ હવે તો ફાઈવ-જીનો યુગ શરૂ થઈ જવાનો છે. 20,000 સ્કૂલ, ફાઈવ-જીના દોરમાં પ્રવેશ કરે એ દિશામાં કામ ચાલી રહ્યું છે. અને ગુજરાતમાં તેજ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર બને, તેજ ગતિથી ગુજરાત આગળ વધે, સિંચાઈની પરિયોજનાઓ નવી બને, નવી સડકો બને, નવી હોસ્પિટલો બને, આ દિશામાં ભુપેન્દ્રભાઈ અને એમની આખી પુરી ટીમ પુરી જહેમત લઈને કામ કરી રહી છે. અને ભાજપનો તો સંકલ્પ જ છે, ભાઈઓ. જે સંકલ્પ અમે લઈએ, એને અમારી આંખો સામે સિદ્ધ કરીએ છીએ. એને પરિપૂર્ણ કરવા માટેનો અમારો પ્રયાસ ચાલતો હોય છે, અને એમાં અમારી માતાઓ, બહેનોનું યોગદાન, અમારા અનેક નવસાથીઓ, એમનું જે યોગદાન રહ્યું છે, એને હું જરાય ઓછું નથી આંકતો.
ભાઈઓ, બહેનો,
તમને બરાબર યાદ હશે, આ બોટાદ શહેરની આસપાસ ગામડાઓમાં પાણીની સ્થિતિ કેવી હતી? અહીં અમારા ધંધુકાના ઉમેદવાર બેઠા છે. મને યાદ છે, ધંધુકાવાળા શું કહે? ભઈ, દીકરીને બંદુકે દેજો, પણ ધંધુકે ના દેતા. આવું કહેતા હતા. અમારા રાણપુરમાં મને યાદ છે, જ્યારે ચેક ડેમ બનાવ્યા, પાણી આવ્યું અને રાણપુરની અંદર પાણી આમ ઉભરાતા ફોટા આવ્યા, તો અમારા રાણપુરના લોકોએ મને પત્ર લખ્યો હતો કે સાહેબ, અમે તો પાણી કોઈ દિવસ જોયું નહોતું, ને આજે અમારા રાણપુરમાં પાણી દેખાણું છે.
આપણી બહેનોને પાણી માટે કેટલી બધી મહેનત કરવી પડતી હતી. કેટલું બધું કષ્ટ વેઠવું પડતું હતું. મને યાદ હતું, એ વખતે તો હું સંઘના કામ માટે પ્રવાસ કરું ત્યારે મને કહે કે સાહેબ, તમે આવો, કાર્યક્રમ કરો, પણ રાત રોકાતા નહિ. કેમ? તો સવારમાં નાહવા માટે બાલદીભર પાણી આપવું બહુ મુશ્કેલ પડે છે, અમારે. આવા દિવસો મેં આ પટ્ટામાં જોયેલા છે, ભાઈઓ. અને આપણે જ્યારે સૌની યોજના લઈને આવ્યા, સરદાર સરોવર કેનાલ નેટવર્ક લઈ આવ્યા, મહી યોજનાનું પાણી લઈ આવ્યા, અને આખી તાસીર બદલી નાખી.
આજે નળથી ઘરમાં જળ જાય, એના માટે કામ કર્યું અને ખેતરે ખેતરે પાણી પહોંચે એના માટે કામ કર્યું અને એના કારણે ગુજરાતનો ખેડૂત ત્રણ ત્રણ પાક લઈ રહ્યો છે, અને હજુય આ કામ અટક્યું છે એવું નહિ, પુરું થઈ ગયું છે, એવું નહિ. અમે તો નિરંતર નવું નવું કામ શોધવાની, અમને તો નવા કામ કરવાની ભુખ છે, ભાઈઓ. જેથી કરીને ગુજરાતની, ઉજ્જવળ ભવિષ્ય થાય, ગુજરાતની આ પેઢીઓને, આવનારા 100 વર્ષ સુધી પાછા વળીને જોવું ના પડે, એવું મજબુતીનું કામ કરવું છે. અને એટલા માટે આ 25 વર્ષ ખુબ મહત્વના છે, ભાઈઓ. આ ચુંટણી પાંચ વર્ષ માટે નથી, આ ચૂંટણી, 25 વર્ષનું ગુજરાત કેવું હશે, એના માટે છે, ભાઈઓ.
અને એટલા માટે, અને જ્યારે સૌની યોજના લિન્ક – 2 અને પેકેજ – 7, આનું ઉદઘાટન કરવાનો મને મોકો મળ્યો હતો અને એનાથી બોટાદ જિલ્લાના અનેક ગામોને લાભ મળવાનો છે. ભાઈઓ, બહેનો, વીજળીથી આપણે જીવનના અંધકારને દૂર કરવાનું કામ કર્યું છે. વીજળીની કેવી સ્થિતિ હતી? મને યાદ છે, હું જ્યારે ગુજરાતમાં આવ્યો, ત્યારે લોકો કહે કે સાહેબ, સાંજે વાળું કરતી વખતે વીજળી આપજો ને... અમારા રત્નકલાકારો સુરતની અંદર એક એક કોટડીમાં 20 – 20, 25 – 25 લોકો રહે, ઊંઘવા માટે પણ પાળી બનાવવી પડે.
આજે 24 કલાક વીજળી આવી, તો અમારા આખા બોટાદ પંથકની અંદર હીરાનું કામ શરૂ થઈ ગયું. ઘેર મા-બાપ જોડે રહે, ખેતર, પશુપાલન, બધુ સંભાળે. ટાઈમ મળે ત્યારે હીરો ઘસે. અને એક પડીકીમાં લઈ જઈને આપી આવે, સુરતમાં. આ સ્થિતિ આપણે પેદા કરી દીધી. કારણ? જ્યોતિગ્રામ યોજના. આ જ્યોતિગ્રામ યોજનાએ આ તાકાત ઉભી કરી છે. જેના કારણે ગામડે ગામડે આવા એક ગૃહ ઉદ્યોગો જેવી સ્થિતિ આપણે પેદા કરી છે. અને એના કારણે અમારા સુરતમાં ગયેલા કારીગરો હવે બોટાદમાં પાછા આવીને રહેવા માંડ્યા. ભાવનગર પંથકમાં પાછા રહેવા માંડ્યા.
ભાઈઓ, બહેનો,
પઢાઈની વાત હોય, કમાઈની વાત હોય, દવાઈની વાત હોય કે સિંચાઈની વાત હોય, આ બધા જ ક્ષેત્રમાં આજે સુવિધાઓની બાબતમાં ગુજરાત આગળ રહ્યું છે. ગુજરાતનો અમારો ખેડૂત, આ વખતે તો મગફળી, કપાસ, તેજી એવી છે ને, હવે તો કોટનમાંય આપણે ટેક્ષ્ટાઈલ પાર્ક બની રહ્યો છે, અહીંયા કપાસ ઉગાડનાર ખેડૂતોને વેલ્યુ એડિશન માટેનો મોટો અવસર મળવાનો છે.
ભાઈઓ, બહેનો,
આપણે ત્યાં કહ્યું છે કે બાકી બધું હોય, પણ જો સ્વાસ્થ્ય ઉત્તમ ના હોય તો બધું નકામું. સ્વાસ્થ્યની માટે આપણે ત્યાં બહુ માહાત્મ્ય આપ્યું છે. તમે ગમે તેટલું ભણેલા ગણેલા હો, પરંતુ તમે જો માંદા રહેતા હોય, દુબળા પાતળા રહેતા હોય, ઠેકાણા ના હોય તો આ બધું કામનું નહિ. આપણે ગુજરાતને પણ સ્વસ્થ ગુજરાત બનાવવાનું અભિયાન ઉપાડ્યું. ગુજરાતના પ્રત્યેક નાગરિકને સ્વસ્થ બનાવવાનું અભિયાન ઉપાડ્યું. અને દસકો સુધી જે સરકારો રહી, એમણે તો સ્વાસ્થ્યને, હેલ્થને લોકોના ઉપર છોડી દીધી હતી, જાણે સરકારની કોઈ જવાબદારી જ નહિ, કોઈ પુછનાર નહોતું. હાલત એટલી ખરાબ હતી, એ દિવસોમાં, કે ના શહેરોમાં સારા કોઈ હોસ્પિટલો હતા, ના ગામડામાં કોઈ પુછતાછ કરવાવાળું હતું.
એટલું જ નહિ, અમારી ગર્ભવતી માતાઓ, એને હોસ્પિટલમાં ડિલિવરી માટેની સુવિધા નહોતી. અને મુસીબત હોય ને લઈ જવાની હોય તો રસ્તામાં જ બિચારીનું પ્રાણપંખેરું ઊડી જતું હતું. અનેક બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામતા હતા, એવા દિવસો હતા. ઈમર્જન્સી આવી પડે, માંદગીમાં તાકીદની જરુરીયાત હોય, તો આપણને એમ્બ્યુલન્સ મંગાવવી હોય તો ના મળે. અને એક જમાનો એવો હતો, ખબર ના પડે કે આ ડેડબોડી વાન છે કે એમ્બ્યુલન્સ વાન છે, એવી દુર્દશા હતી.
પેટ્રોલના અભાવે એમ્બ્યુલન્સો નહોતી ચાલતી, એવા ગુજરાતમાં આજથી 25 વર્ષ પહેલા છાપામાં સમાચારો આવતા હતા, ભાઈઓ. કોઈને હાર્ટ એટેક આવી જાય, કોઈની તબિયત અચાનક બગડે, એને હોસ્પિટલ ઉપર કેમ પહોંચાડવો અને આખરે એનું બિચારાનું પ્રાણપંખેરું ઊડી જતું હતું. જે શહેરોમાં હોસ્પિટલ હોય, બિલ્ડિંગ તો બન્યું હોય, પણ ડોક્ટરો ના હોય, ઠેકાણા ના હોય, નર્સિંગ સ્ટાફના નામ-નિશાન ના હોય. જ્યારે નર્સિંગ સ્ટાફ હોય તો પછી હોસ્પિટલની અંદર વીજળી ના હોય, દવાઓના ઠેકાણા ના હોય.
આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, અને એણે આખી આ પરિસ્થિતિમાં, સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એક બહુ જ મોટો બદલાવ લાવવા માટેનો એક મહાયજ્ઞ આદર્યો છે, ભાઈઓ, બહેનો. આ માનવતાનું મોટું સેવા કરવાનું કામ કર્યું છે, અને એના કારણે જો ઉત્તમ સ્વાસ્થ્ય હોય ને તો જીવન બદલાઈ જાય. અને અમારા સરકારને ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં ડિલિવરી થાય, એના માટે ચિરંજીવી યોજના કરી હતી. પ્રાઈવેટ ડોક્ટરોની સાથે જોડાણ કર્યું હતું. પ્રાઈવેટ ડોક્ટરોને પૈસા આપતા હતા. મહિલાને હોસ્પિટલમાં પ્રસુતિ માટે જાય તો એના પતિને પણ બે – ત્રણ દહાડા રજા લેવી પડે તો પૈસા આપતા હતા.
ભાઈઓ, બહેનો,
આપણે ત્યાં એમ્બ્યુલન્સના ઠેકાણા નહોતા, આપણે 108ની સેવા શરૂ કરી અને જ્યારે હું મુખ્યમંત્રી હતો ને એવરેજ મને અઠવાડિયે પાંચ દસ ફોન એવા આવતા હતા કે ભાઈ, આ 108ના કારણે મારો દીકરો બચી ગયો, મારી દીકરી બચી ગઈ, મારો પરિવાર બચી ગયો. આપણે જ્યારે ચિરંજીવી યોજના કરી તો માતા મૃત્યુ દર, શિશુ મૃત્યુ દર ઘટાડવા માટેનું કામ આદર્યું, અને પછી? ઘેર ગયા પછી પણ બાળકનું મૃત્યુ ના થાય એટલા માટે બાલસખા યોજના શરૂ કરી. જેથી કરીને ડોક્ટર 3 મહિના, 6 મહિના સુધી એ નવા જન્મેલા બાળકની ચિંતા કરે.
કુપોષણ સામે મોટું આંદોલન ચલાવ્યું. આંગણવાડીની અંદર કુપોષણ સામે આંદોલન ચલાવ્યું. આપણે દીકરીઓ સ્વસ્થ હોય તો એના સંતાનો સ્વસ્થ થાય, એટલા માટે દીકરીઓ માટે સબળા અને પૂર્ણા જેવી સ્કિમો લોન્ચ કરી. અમે બાળકો માટે દૂધ સંજીવની યોજનાઓ ચલાવી. જેના કારણે બાળકોને શારીરિક રીતે તકલીફ ના થાય એની ચિંતા કરી આપણે. દીકરીઓ માટે આયર્ન માટેની ટેબલેટો આપવા માટેનું મોટું અભિયાન ચલાવ્યું. સ્કુલોની અંદર મેડિકલ કેમ્પ ચલાવ્યા. અને નાના નાના બાળકો, જેને ચશ્મા જોઈએ એને ચશ્મા આપવાની વ્યવસ્થા કરી. અમે જે બાળકોના હાર્ટના ઓપરેશન કરાવવા પડે, અમદાવાદની અંદર બાળકો માટેની અદ્યતન હોસ્પિટલ બનાવી દીધી.
ભાઈઓ, બહેનો,
એક પછી એક પ્રયોગો કર્યા, એક પછી એક ઉપાયો કર્યા. અને દીકરીઓને લાખો આયર્નની ટેબલેટો આપી અને જેના કારણે એમનું જીવન બદલાઈ ગયું. એ જ રીતે હેલ્થ ચેક-અપ માટેના કાર્યક્રમ કર્યા. ગંભીર બીમારીઓની પહેલેથી ખબર પડે, એની આપણે ચિંતા કરી. સરકારે લાખો મહિલાઓ, દીકરીઓને, બેટીઓને, નાના નાના બાળકોને, એવા લોકો, જેને શારીરિક રીતે, ઉંમર પ્રમાણે વજન ના હોય, ઊંચાઈ ના હોય, 10 કિલો અતિરિક્ત રાશન આપીને એમને પૌષ્ટિક આહાર આપવાની આપણે ચિંતા કરી, અને આ યોજનાની સાથે સાથે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર વધારવા માટે પણ મોટું કામ આપણે ઉપાડ્યું ગુજરાતમાં.
20 વર્ષ પહેલાં ગુજરાતમાં 25,000 આંગણવાડી હતી. આજે 50,000 આંગણવાડી છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં હોસ્પિટલમાં 15,000 નર્સો હતી, આજે ભાજપ સરકારે એ આંકડો 65,000એ પહોંચાડી દીધો છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 100માંથી 50 ડિલિવરી દાયણો ઘરે કરાવતી હતી. માતાઓ મૃત્યુ પામતી હતી. આજે લગભગ 100 ટકા પ્રસુતિ, ડિલિવરી હોસ્પિટલમાં થાય છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર 11 મેડિકલ કોલેજો હતી. આ ભાજપ સરકારમાં આજે 36 મેડિકલ કોલેજોએ પહોંચ્યા છીએ. 20 વર્ષ પહેલા 4 ડેન્ટલ કોલેજો હતી. આજે ભાજપ સરકારે 13 ડેન્ટલ કોલેજો સુધી મામલો પહોંચાડ્યો છે.
20 સાલ પહેલા સરકારી હોસ્પિટલમાં 15,000 બેડ હતા, પથારીઓ 15,000 હતી. આજે આપણે ભાજપની સરકારે 60,000 સુધી પહોંચાડી દીધી છે. 20 વર્ષ પહેલા ગુજરાતની અંદર માત્ર 20 ડાયાલિસીસ સેન્ટર હતા, કિડનીના પેશન્ટ માટે અનેક દિવસો સુધી રાહ જોવી પડતી હતી. અને એના કારણે મૃત્યુદર વધતો હતો. એક જમાનામાં 20 ડાયાલિસીસ સેન્ટર, આજે 300 ડાયાલિસીસ સેન્ટર છે, જેના કારણે ગરીબને પણ મદદ મળે છે. 20 સાલ પહેલા ગુજરાતમાં માંડ 1,000 – 1,200 મેડિકલની સીટો હતી, ભાઈઓ. આજે લગભગ 6,000 – 6,200 જેટલી એમ.બી.બી.એસ.ની સીટો, ગુજરાતના યુવાનોને ડોક્ટર બનવા માટેના દ્વાર ખોલી નાખ્યા છે.
આ ડબલ એન્જિનની સરકારના પરિણામે આજે ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ ઉત્તમ થતી જાય છે, અને ડબલ એન્જિનની સરકારે અઢી કરોડ, અઢી કરોડ લોકોને આયુષ્માન ભારતના કાર્ડ, મા યોજનાના કાર્ડ આપ્યા છે. આપણે ત્યાં ગર્ભવતી માતાઓને કુપોષણથી બચાવવા માટે માતૃવંદના યોજના દ્વારા સીધા એના ખાતામાં પૈસા જમા કરી રહ્યા છીએ. ભાજપા સરકારે મિશન અન્નધન યોજના દ્વારા 50 લાખથી વધારે શિશુઓને, બાળકોને ટીકાકરણનું મોટું અભિયાન ચલાવ્યું છે. જેથી કરીને લકવા જેવી બીમારીનો શિકાર ના બને.
ભાજપ સરકારે ગુજરાતના લોકો માટે એઈમ્સ્ જેવી હોસ્પિટલ, સૌરાષ્ટ્રની અંદર એઈમ્સ્ જેવી હોસ્પિટલ બને જે દિલ્હીમાં એક માત્ર હોસ્પિટલ હતી, એવી ગુજરાતમાં બનાવવાની દિશામાં કામ કર્યું છે. અમે દવાઓ સસ્તી મળે, દવાઓ સસ્તી મળે એના માટે જનઔષધિ કેન્દ્રો ખોલ્યા, જેના ઘરમાં ડાયાબિટીસ હોય, 60 – 70 વર્ષની ઉંમરના વડીલો હોય, એમને બબ્બે – ત્રણ ત્રણ હજાર રૂપિયા દવાના બિલ આવતા હતા, અમે દવા 100 રૂપિયામાં દવા મળે, એના માટેની ચિંતા કરી છે, ભાઈઓ.
હૃદયરોગની બીમારી હોય, સ્ટેન્ટ લગાવવાનો હોય, લાખો રૂપિયાનો ખર્ચો હોય, એની ઉપર અમે રોક લગાવીને ઓછા પૈસે દવા થાય એના માટે વ્યવસ્થા કરી. લોકોને આજે ઢિંચણના ઓપરેશન કરવા પડતા હોય છે. એના રૂપિયા ઓછા કરાવી દીધા. કાયદાકીય વ્યવસ્થાઓ ઉભી કરી દીધી. અને આજે કોરોનાની આવડી મોટી લડાઈ આપણે સુખરૂપે પાર પાડી શક્યા, એ લડાઈમાં આપણને જનતા હિંમતથી ટકી રહી. આખી દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. અને આપણે ટીકાકરણ જે કર્યું. આટલું મોટું ટીકાકરણ, એના સમાચાર દુનિયાને, સાંભળે તો આશ્ચર્ય થાય છે.
પીપીઈ કિટ નહોતા. આપણે પીપીઈ કિટ બનાવ્યા. નવા ઓક્સિજન પ્લાન્ટ ઉભા કર્યા. અરે, વેન્ટિલેટર નહોતા બનતા આપણા દેશમાં. વેન્ટિલેટર બનાવ્યા. આજે અમારા મનસુખભાઈના નેતૃત્વમાં ટી.બી. મુક્તિનું મોટું અભિયાન ચાલી રહ્યું છે. દેશભરમાંથી લોકોને જોડીને ટી.બી.માંથી મુક્તિ માટે લોકભાગીદારી સાથે એક મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ. હિન્દુસ્તાનમાંથી 2025 સુધીમાં ટી.બી.માંથી કોઈ પણ નાગરિક ના ફસાઈ રહે, બધા બહાર નીકળે એના માટેનું અભિયાન ઉપાડ્યું છે.
ગંભીરમાં ગંભીર બીમારીઓમાંથી બચવા માટે એના પણ પ્રિવેન્ટીવ હેલ્થ હોય, ચાહે શૌચાલયની વ્યવસ્થા હોય, પીવાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા હોય, ઘર સુધી પાઈપથી પાણી પહોંચે એની વ્યવસ્થા હોય, ચુલાના ધુમાડાના કારણે બહેનો માંદી પડતી હોય તો એમને ઉજ્જવલા દ્વારા ગેસ કનેક્શન આપવાની વાત હોય, આવાં અનેક બાબતો, ધમ, ધમ, ધમ, ધમ, હું બોલી રહ્યો હતો, તમનેય થતું હશે કે આટલા બધા કામ કર્યા છે? હજુ તો મેં બહુ ઓછા કામ કહ્યા છે. ખાલી હેલ્થની જ મેં વાત કરી છે. અને એમાંય બીજા 50 વસ્તુઓ હું જોડી શકું. કહેવાનો મારો મતલબ એ છે.
સ્વસ્થ શરીર, સ્વસ્થ સમાજ માટેની જરુરત હોય છે. સ્વસ્થ દેશ માટે સ્વસ્થ બાળકોની જરુરીયાત હોય છે. અને એટલા માટે આ પાયાના કામ માટે આજે આટલી મહેનત કરી રહ્યા છીએ. લાખો – કરોડો રૂપિયા આપણે ખર્ચી રહ્યા છીએ. જેથી કરીને અમારા સ્વસ્થ ભારતના સપનાંને આપણે સાકાર કરીએ.
આજે કનેક્ટિવિટીનો લાભ બોટાદને મળી રહ્યો છે. અહીંયા કનેક્ટિવિટી જેટલી વધશે, આ સેન્ટર પોઈન્ટ થવાનું અમદાવાદ, બોટાદ, મીટરગેજ રેલવે લાઈન, ટુકટુકિયા ગાડી ચાલતી હતી, આજે બ્રોડગેજ બની ગઈ. અને બ્રોડગેજ બનવાના કારણે મોટી મોટી એક્સપ્રેસ ટ્રેનો, સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો, દરિયાકિનારે જનારો જે ગુડસ સ્ટે હોય, એના માટેનો રસ્તો, આ આખો વિસ્તાર ચેતનવંતો બનાવવાનો છે, આધુનિક બનાવવાનો છે.
આધુનિક કનેક્ટિવિટી તરફ આપણે જોર આપી રહ્યા છીએ. અને એના ઉપર આપણું ફોકસ છે. સડકો મોટી થઈ, આધુનિક રેલવે આવે, એરપોર્ટ બને, પોર્ટ બને, લાખો કરોડો રૂપિયાના નિવેશ સાથે આ ગુજરાતનો દરિયાકિનારો અને ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને સાથે જોડવાનું કામ આપણે કરી રહ્યા છીએ. અમારું ધોલેરા, રાજકોટ, હીરાસર આ એરપોર્ટ બની રહ્યું છે, ભાઈઓ આ ઈન્ટરનેશનલ એરપોર્ટ તમારા પડોશમાં બની રહ્યું છે.
આવનારા દિવસોમાં ઉદ્યોગો લાગશે એમ.એસ.એમ.ઈ.નો વિકાસ થશે. જુવાનીયાઓનું ભવિષ્ય બદલાઈ જશે. અને એટલા જ માટે હું કહું છું કે આખાય પંથકનું ઉજ્જવળ ભવિષ્ય ભાઈઓ. આ ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીને તમે જેટલી શક્તિ આપશો, એટલો આ વિસ્તારના વિકાસ કરવા માટેની અમારી સુવિધા વધવાની છે.
ભાઈઓ, બહેનો,
એ દિવસ દૂર નથી, જ્યારે અમદાવાદ, ધોલેરા, બોટાદ, ભાવનગર, મેં કહ્યું એમ આખો, આખો આ પટ્ટો ઔદ્યોગિક ગલિયારો બની જવાનો છે. એક મોટો કોરિડોર બની જવાનો છે. હવે તો શસ્ત્રો પણ ગુજરાતની ધરતી ઉપર બનવા માંડ્યા છે. શસ્ત્રની બાબતમાં આત્મનિર્ભર બનવામાં ગુજરાત પહેલ કરી રહ્યું છે, ભાઈઓ. અને એના કારણે અહીંયા, આપણે ત્યાં નજીકમાં વિરમગામ પાસે મારુતિ કાર, જાપાનની કંપની, મારુતિ કાર બનાવે અને જાપાનવાળા એ જ કારને ઈમ્પોર્ટ કરે ત્યાં સુધી આજે આપણે પ્રગતિ કરી છે. અને એનો લાભ આ આખાય પટ્ટાને મળવાનો છે. અને એટલા માટે હું કહું છું કે અમારા જુવાનીયાઓના ઉજ્જવળ ભવિષ્યને માટે આપણે આ મહેનત આદરી છે. અમારા બોટાદમાં જી.આઈ.ડી.સી. એસ્ટેટ, એના માટેનું કામ પણ તેજીથી ચાલી રહ્યું છે. કારણ કે એનો પાયો આ ધોલેરાના એસ.આઈ.આર. જોડે જોડાયેલો છે.
ભાઈઓ, બહેનો,
ભારતીય જનતા પાર્ટી એ વિકાસની ગેરંટી છે. અમે વિકાસના રસ્તે આગળ વધવા માગીએ છીએ. અમે મજબુતી લાવવા માગીએ છીએ. જેથી કરીને આવનારી આખી પેઢી, આ આખા 100 વર્ષનું કામ અમે પુરું કરવા માગીએ છીએ. જેથી કરીને ગુજરાતને પાછા વળીને જોવાનો વારો ના આવે. અને એટલા માટે આજે દેશભરમાં ચર્ચા એક જ છે કે ભાઈ, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે ભુતકાળના બધા રેકોર્ડ તોડશે, અને હું પણ તમારી પાસે એક કામ લઈને આવ્યો છું.
મારું કામ કહું? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
જરા જોરથી જવાબ આપો તો કહું. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
બધા હાથ ઊંચો કરીને કહો, કહું તમને? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
આ વખતે ભુતકાળમાં ના થયું હોય એના કરતા વધારે વોટિંગ આપણે દરેક પોલિંગ બુથમાં કરાવવું છે. કરાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
હાથ ઉપર કરીને કહો, કરાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
ભુતકાળમાં ના મળ્યા હોય એના કરતા વધારે વોટ, દરેક બુથમાંથી ભાજપને અપાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
કમળને બટન દબાવડાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
આજે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે મેં જે વાતો કરી છે, એ વાતો ઘેર ઘેર પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
ઘરે ઘરે પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
અને બીજી વાત, આ બધા લોકો જે બહારથી આવીને ગુજરાતને બદનામ કરવાનું અભિયાન ઉપાડ્યું છે ને ભાઈ, આ નકારાત્મકતાથી કોઈનું ભલું નથી થવાનું. આ બધા લોકો એમના પોતાના ઘર ભરવા માટેના જિંદગી ખપાવી દીધી છે. આપણે તો ગુજરાતને સમૃદ્ધ બનાવવું છે, ભાઈઓ. ગુજરાતને ચેતનવંતુ બનાવવું છે. અને એના માટે થઈને ભાઈઓ, બહેનો, ભાજપમાં ફરી એક વાર વિશ્વાસ મૂકીને આ અમારા બધા સાથીદારોને તમે વિજયી બનાવો.
આ તમારી શક્તિ બનીને કરશે. ભુતકાળમાં ક્યાંક ક્યાંક ભુલો થઈ છે. નાનું મોટું કંઈક કાચું પડ્યું છે. આ વખતે નક્કી કરો, એકેય ખુણામાં કાચું ના પડવું જોઈએ. બધે પાકું કરવું છે, ભાઈઓ, અને આપણે ગુજરાતમા વિકાસમાં રોડા અટકાવવાવાળા, ગુજરાતને બદનામ કરવાવાળા, વાર-તહેવારે ગુજરાતીઓને ગાળો દેવાવાળા, એ આખી જમાતને અહીંયાથી વિદાય કરવાની જરુરીયાત છે. જેથી કરીને ગુજરાત આપણું ફળે, ફુલે, વિકાસની નવી ઊંચાઈઓ પાર કરે, અને એમાં મને તમારા સાથ અને સહકારની જરુર છે.
ભાઈઓ, બહેનો,
આપને મારી એક વિનંતી છે.
મારું એક કામ છે, કરશો બધા? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
જરા બે હાથ ઉપર કરીને કહો, તો કહું. (ઑડિયન્સ હાથ ઊંચા કરીને હા... ના અવાજો)
કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
પણ પાકે પાયે કરવું પડે હોં. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
મને તમને કામ બતાવવાનો હક્ક ખરો કે નહિ, ખરો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
અને મને, હું જે કામ કહું, એ તમે કરો કે ના કરો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
બહુ નાનું કામ છે, કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
જરા જોરથી બોલો તો હું કહું. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
શાબાશ.
એક કામ કરજો, હજુ ચૂંટણીમાં મતદાનની વચ્ચે આપણી પાસે અઠવાડિયા, દસ દિવસનો સમય છે.
આ દરમિયાન તમે ઘરે ઘરે જાઓ, આપણે જેટલી વાતો કરી એ બધા ઘેર ઘેર પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
બધા પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
હવે મારું એક અંગત કામ કરવાનું છે, કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
ખરેખર કરવું પડે, હોં. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
આટલું જ દરેકના ઘેર ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા, બોટાદ આવ્યા હતા. અને એમણે તમને નમસ્તે કહેવડાવ્યા છે.
દરેક ઘરમાં જઈને મારા નમસ્તે પહોંચાડશો, ભાઈ? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
વડીલોને મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
આટલું કામ તમે કરો, મને સંતોષ થશે. જેથી કરીને આ વડીલોના મને આશીર્વાદ મળે, તો હું આ દેશ માટે વધારે શક્તિથી કામ કરું. દેશની પ્રગતિ માટે વધારે શક્તિથી કામ કરું. આ સંતો આટલા બધા આવીને મને આશીર્વાદ આપ્યા છે. આ અમારી બધી ટીમને આશીર્વાદ આપ્યા છે. હું બધા સંતોનો માથું નમાવીને આભાર માનું છું. અને આપણે ગુજરાતને નવી ઊંચાઈઓ ઉપર લઈ જઈએ, એ જ અપેક્ષા સાથે, મારી સાથે બોલીએ...
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ, ભાઈઓ.