“આજે સરકારની નીતિઓ અને નિર્ણયોની જ્યાં સૌથી વધુ જરૂર છે ત્યાં તેની સકારાત્મક અસર દેખાઇ રહી છે”
“આજે લોકો સરકારને અવરોધ તરીકે જોતા નથી; તેના બદલે, લોકો અમારી સરકારને નવી તકો માટે ઉત્પ્રેરક તરીકે જુએ છે. ચોક્કસપણે, ટેક્નોલોજીએ આમાં ઘણી મોટી ભૂમિકા નિભાવી છે”
“નાગરિકો સરળતાથી સરકાર સુધી પોતાના અભિપ્રાયો પહોંચાડી શકે છે અને તરત જ તેનો ઉકેલ મેળવી શકે છે”
“અમે ભારતમાં આધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યાં છીએ અને ડિજિટલ ક્રાંતિના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચે એવું પણ સુનિશ્ચિત કરી રહ્યાં છીએ”
“શું આપણે સમાજની એવી 10 સમસ્યાને ઓળખી શકીએ કે જેનો ઉકેલ AI દ્વારા લાવી શકાય”
“સરકાર અને લોકો વચ્ચે વિશ્વાસનો અભાવ એ ગુલામીની માનસિકતાનું પરિણામ છે”
“સમાજ સાથે વિશ્વાસ દૃઢ કરવા માટે આપણે વૈશ્વિક શ્રેષ્ઠ આચરણોમાંથી શીખવાની જરૂર છે”

નમસ્કાર.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર આજના બજેટ વેબિનારનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે. 21મી સદીનું બદલાતું ભારત પોતાના નાગરિકોને ટેક્નૉલોજીની તાકાતથી સતત નાગરિકોને સશક્ત બનાવી રહ્યું છે. વીતેલાં વર્ષોમાં, અમારી સરકારનાં દરેક બજેટમાં, ટેક્નૉલોજીની મદદથી દેશવાસીઓની ઈઝ ઑફ લિવિંગ- જીવન જીવવાની સરળતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટમાં પણ ટેક્નૉલોજીને પરંતુ સાથે સાથે માનવીય સ્પર્શને પણ પ્રાધાન્ય આપવાનો અમારો પ્રયાસ રહ્યો છે.

મિત્રો, એક સમય હતો જ્યારે આપણા દેશમાં સરકારની પ્રાથમિકતાઓમાં ઘણો વિરોધાભાસ દેખાતો હતો. સમાજનો એક એવો વર્ગ હતો, જે ઈચ્છતો હતો કે તેમનાં જીવનમાં દરેક ડગલે ને પગલે સરકારનો કોઈને કોઈ હસ્તક્ષેપ હોય, સરકારનો પ્રભાવ હોય, એટલે કે સરકાર તેમના માટે કંઈક ને કંઇક કરે. પરંતુ અગાઉની સરકારો વખતે આ વર્ગે હંમેશા અભાવ જ અનુભવ્યો હતો. અભાવમાં જિંદગી ઝઝૂમવામાં જ નીકળી જતી હતી. સમાજમાં એવા લોકોનો પણ એક વર્ગ હતો, તે બીજા પ્રકારનો હતો. જે પોતાની તાકાતથી આગળ વધવા માગતો હતો, પરંતુ અગાઉની સરકારો વખતે આ વર્ગ પણ હંમેશા દબાણ, સરકારી દખલ, જાત-જાતની અડચણો ડગલે ને પગલે અનુભવતો રહ્યો. છેલ્લાં કેટલાક વર્ષોમાં અમારી સરકારના પ્રયાસોને કારણે આ સ્થિતિ હવે બદલાવા લાગી છે. આજે સરકારની નીતિઓ અને નિર્ણયોની સકારાત્મક અસર દરેક જગ્યાએ દેખાઈ રહી છે જ્યાં તેની સૌથી વધુ જરૂર છે.

અમારા પ્રયાસો દરેક ગરીબ અને વંચિત લોકો માટે જીવન સરળ બનાવી રહ્યા છે, તેમની ઈઝ ઑફ લિવિંગ વધારી રહ્યા છે. લોકોનાં જીવનમાં સરકારની દખલ અને દબાણ પણ ઘટી ગયું છે. આજે લોકો સરકારને માર્ગમાં અવરોધ નથી માનતા. તેના બદલે, લોકો અમારી સરકારને નવી તકો માટે ઉત્પ્રેરક તરીકે જુએ છે. અને ચોક્કસપણે આમાં ટેક્નૉલોજીની બહુ મોટી ભૂમિકા રહી છે.

તમે જુઓ, ટેક્નૉલોજી વન નેશન-વન રાશન કાર્ડનો આધાર બની અને તેનાં કારણે કરોડો ગરીબોને પારદર્શક રીતે રાશન મળે તે સુનિશ્ચિત થયું. અને અન્ય જે પરપ્રાંતિય શ્રમિકો છે. માઇગ્રન્ટ લેબર્સ હોય છે, તેમના માટે તો એક બહુ મોટો આશીર્વાદ બની ગયું. ટેક્નૉલોજી, જન ધન ખાતું, આધાર અને મોબાઈલ આ ત્રણેયને કારણે કરોડો ગરીબોનાં બૅન્ક ખાતાંમાં સીધા પૈસા મોકલવાનું શક્ય બન્યું.

તે જ રીતે, ટેક્નૉલોજી, આરોગ્ય સેતુ અને કોવિન એપ માટે એક મહત્વપૂર્ણ સાધન બની ગઈ અને તેનાથી કોરોના દરમિયાન ટ્રેસિંગ અને રસીકરણમાં ઘણી મદદ મળી. આજે આપણે જોઈ શકીએ છીએ કે ટેક્નૉલોજીએ રેલવે રિઝર્વેશનને વધુ આધુનિક બનાવ્યું છે અને સામાન્યમાં સામાન્ય માણસનો એમાં કેટલો મોટો માથાનો દુખાવો દૂર થઈ ગયો છે. કોમન સર્વિસ સેન્ટરનું નેટવર્ક પણ ટેક્નૉલોજીની મદદથી ગરીબમાં ગરીબ લોકોને સરકારી સેવાઓ સાથે સરળતાથી જોડી રહ્યું છે. આવા અનેક નિર્ણયો લઈને અમારી સરકારે દેશવાસીઓની ઈઝ ઑફ લિવિંગ  વધારી છે.

મિત્રો, આજે ભારતનો દરેક નાગરિક આ પરિવર્તનને સ્પષ્ટપણે અનુભવી રહ્યો છે કે હવે સરકાર સાથે સંવાદ કરવાનું કેટલું સરળ બની ગયું છે. એટલે કે દેશવાસીઓ સરળતાથી પોતાની વાત સરકાર સુધી પહોંચાડી શકી રહ્યા છે અને તેનો ઉકેલ પણ તેમને તરત મળી રહ્યો છે. જેમ કે, ટેક્સ સંબંધિત ફરિયાદો અગાઉ ઘણી વધારે રહેતી હતી અને તેનાં કારણે તેનાં માધ્યમથી કરદાતાઓને ઘણી રીતે હેરાન કરવામાં આવતા હતા. એટલા માટે અમે ટેક્નૉલોજીની મદદથી સમગ્ર ટેક્સ પ્રક્રિયાને ફેસલેસ બનાવી દીધી છે. હવે તમારી ફરિયાદો અને તેના નિકાલ વચ્ચે કોઈ વ્યક્તિ નથી, માત્ર ટેક્નૉલોજી છે. અહીં મેં તમને એક ઉદાહરણ આપ્યું છે. પરંતુ અન્ય વિભાગોમાં પણ ટેક્નૉલોજીની મદદથી આપણે વધુ સારી રીતે સમસ્યાઓ ઉકેલી શકીએ છીએ. વિવિધ વિભાગો તેમની સેવાઓને વૈશ્વિક ધોરણની બનાવવા માટે એકસાથે ટેક્નૉલોજીનો ઉપયોગ કરી શકે છે. આને એક પગલું આગળ લઈ જઈને, અમે એવાં ક્ષેત્રોને પણ ઓળખી શકીએ છીએ કે જ્યાં સરકાર સાથે સંવાદને વધુ સરળ બનાવી શકાય છે.

મિત્રો, તમે જાણો છો કે અમે મિશન કર્મયોગી દ્વારા સરકારી કર્મચારીઓને તાલીમ આપી રહ્યા છીએ. આ તાલીમ પાછળનો અમારો હેતુ એ જ છે કે કર્મચારીઓને નાગરિક કેન્દ્રિત બનાવવામાં આવે. આ તાલીમ અભ્યાસક્રમને અપડેટ કરતા રહેવાની જરૂર છે. પરંતુ લોકોના ફીડબેકના આધારે તેમાં ફેરફાર કરવામાં આવશે ત્યારે જ તેનું વધારે સારું પરિણામ મળશે. આપણે એક એવી સિસ્ટમ બનાવી શકીએ જેમાં પ્રશિક્ષણ અભ્યાસક્રમને વધુ સારો બનાવવા માટે લોકોના સૂચનો મળતા રહે.

મિત્રો, ટેક્નૉલોજી દરેકને સાચી અને સચોટ માહિતી આપીને સૌને આગળ વધવાની સમાન તક આપી રહી છે. અમારી સરકાર ટેક્નૉલોજીને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયા પર રોકાણ કરી રહી છે. અમે ભારતમાં આધુનિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યા છીએ. આ સાથે અમે એ પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે ડિજિટલ ક્રાંતિનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે.

આજે, GeM પોર્ટલે દૂર-દૂરનાં સ્થળોના નાના દુકાનદારો અથવા શેરી વિક્રેતાઓને પણ એ તક આપી છે કે તેઓ તેમનાં ઉત્પાદનો સીધા સરકારને વેચી શકે. e-NAMએ ખેડૂતોને અલગ-અલગ જગ્યાના ખરીદદારો સાથે જોડાવાની તક આપી છે. હવે ખેડૂતો એક જગ્યાએ રહીને તેમની ઊપજની સારામાં સારી કિંમત મેળવી શકે છે.

મિત્રો, આજકાલ 5જી અને એઆઇની ચર્ચા તો ઘણા સમયથી થઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્યોગ, દવા, શિક્ષણ, કૃષિ અને તમામ ક્ષેત્રોમાં મોટા ફેરફારો આવવાના છે. પરંતુ હવે આપણે પોતાના માટે અમુક ચોક્કસ લક્ષ્યો નક્કી કરવાં પડશે. એવી કઈ રીતો છે જેનાથી આ ટેક્નૉલોજીનો ઉપયોગ સામાન્ય માણસનાં ભલા માટે થઈ શકે છે? એવાં કયા ક્ષેત્રો છે કે જેના પર આપણે વધુ ધ્યાન આપવાની જરૂર છે? શું આપણે સમાજની 10 એવી સમસ્યાઓ ઓળખી શકીએ જેનો ઉકેલ AI દ્વારા લાવી શકાય છે? જ્યારે હેકાથોન યોજાય છે, દેશના યુવાનોની સામે ટેક્નૉલોજી દ્વારા ઉકેલ વિશે વાત કરીએ છીએ અને લાખો યુવાનો તેમાં જોડાય છે અને ખૂબ જ સારા ઉકેલો આપે છે.

સાથીઓ, ટેક્નૉલોજીની મદદથી અમે દરેક વ્યક્તિ માટે ડિજિલૉકરની સુવિધા લાવ્યા છીએ, હવે સંસ્થાઓ માટે ડિજિલૉકરની સુવિધા છે. અહીં કંપનીઓ, એમએસએમઈ તેમની ફાઇલો સંગ્રહિત કરી શકે છે, અને વિવિધ નિયમનકારો અને સરકારી વિભાગો સાથે શેર કરી શકે છે. ડિજિલૉકરના કોન્સેપ્ટને વધુ વિસ્તારવાની જરૂર છે, આપણે એ જોવાનું છે કે અન્ય કઈ રીતે લોકો સુધી તેનો લાભ પહોંચાડી શકાય છે.

મિત્રો, છેલ્લાં કેટલાંક વર્ષોમાં, અમે એમએસએમઈને ટેકો આપવા માટે ઘણાં મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. આ બાબતે મંથન કરવાની જરૂર છે કે ભારતના લઘુ ઉદ્યોગોને મોટી કંપની બનવામાં કંઇ કંઇ અડચણો આવે છે? અમે નાના બિઝનેસીસ અને નાના ઉદ્યોગો માટે અનુપાલન ખર્ચ ઘટાડવા માગીએ છીએ. તમે જાણો છો કે બિઝનેસમાં એવું કહેવાય છે કે ટાઇમ ઈઝ મની. તેથી અનુપાલન પાછળ ખર્ચવામાં આવેલા સમયને બચાવવાનો અર્થ એ છે કે અનુપાલન ખર્ચની બચત. જો તમે બિનજરૂરી અનુપાલનોની યાદી બનાવવા માગો છો, તો આ યોગ્ય સમય છે, કારણ કે અમે પહેલેથી જ 40,000 અનુપાલન ખતમ કરી ચૂક્યા છીએ.

સાથીઓ, સરકાર અને લોકો વચ્ચે વિશ્વાસનો અભાવ ગુલામીની માનસિકતાનું પરિણામ છે. પરંતુ આજે નાની નાની ભૂલોને ડી-ક્રિમિનાલાઈઝ કરીને અને એમએસએમઈ લોનના ગૅરંટર તરીકે, સરકારે લોકોનો વિશ્વાસ જીત્યો છે. પરંતુ આપણે અહીં અટકવાનું નથી, આપણે એ પણ જોવાનું છે કે સમાજ સાથે વિશ્વાસ મજબૂત કરવા માટે વિશ્વના અન્ય દેશોમાં શું કરવામાં આવ્યું છે. તેમની પાસેથી શીખીને આપણે આપણા દેશમાં પણ આવા જ પ્રયાસો કરી શકીએ છીએ.

મિત્રો, બજેટ કે કોઈપણ સરકારી નીતિની સફળતા અમુક અંશે એ વાત પર નિર્ભર કરે છે કે તેને કેટલી સારી રીતે તૈયાર કરવામાં આવી છે. પરંતુ આના કરતાં પણ તેને લાગુ કરવાની રીત વધારે મહત્વપૂર્ણ છે, આમાં લોકોનો સહકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને વિશ્વાસ છે કે આપ સૌ હિતધારકોના ઇનપુટથી, ઈઝ ઑફ લિવિંગને વધારે મોટું પ્રોત્સાહન મળશે. અને હું ચોક્કસપણે કહેવા માગીશ કે અમે એ કહીએ છીએ કે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું છે. ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ, આ આપણા માટે પ્રાથમિકતા હોવી જોઈએ. આપણી ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન થવી જોઈએ. અને તેમાં ટેક્નૉલોજી ઘણી મદદ કરી શકે છે. ટેક્નોલૉજીની મદદથી, આપણે ઉત્પાદનમાં બહુ બારીકાઇઓ સુધી ખૂબ જ ફિનિશ વેમાં પ્રોડક્ટ લઈને આવી શકીએ છીએ. અને તો જ આપણે વૈશ્વિક બજારને કબજે કરી શકીશું.

આપણે સ્વીકારવું પડશે કે 21મી સદી ટેક્નૉલોજી સંચાલિત છે. જીવનમાં ટેક્નૉલોજીનો પ્રભાવ ઘણો વધવાનો છે. આપણે આપણી જાતને માત્ર ઈન્ટરનેટ અને ડિજિટલ ટેક્નૉલોજી સુધી જ સીમિત ન કરીએ. એ જ રીતે આજે જેમ ઑપ્ટિકલ ફાઈબર નેટવર્ક ગામેગામ પહોંચી રહ્યું છે. પંચાયતો સુધી પહોંચશે, વેલનેસ સેન્ટરો સુધી પહોંચશે, ટેલિ મેડિસિન ચાલશે, આરોગ્ય ક્ષેત્ર પણ સંપૂર્ણપણે ટેક્નૉલોજી સંચાલિત બની રહ્યું છે. આજે દેશ જંગી માત્રામાં જેમ કે ડિફેન્સમાં આપણે ઘણું બધું આયાત કરીએ છીએ. આપણે સ્વાસ્થ્યમાં પણ ઘણું આયાત કરીએ છીએ. શું મારા દેશના ઉદ્યોગ જગતના લોકો ટેક્નૉલોજીને અપગ્રેડ કરીને એ દિશામાં ન જઈ શકે. અને તેથી જ હવે જેમ ઑપ્ટિકલ ફાઈબર ગામેગામ પહોંચી રહ્યું છે.

જ્યાં સુધી ખાનગી પક્ષકારો સેવાઓ લેવા ન આવે, નવા નવા સોફ્ટવેર લઈને આવતા નથી. સામાન્ય નાગરિક એ ઑપ્ટિકલ ફાઈબરમાંથી કઈ સેવાઓ લઈ શકે છે, તે શું લાભ લઈ શકે છે. આપણે તેનું મૉડલ વિકસાવી શકીએ છીએ. અને અમે દરેક બાબતમાં જનભાગીદારી ઈચ્છીએ છીએ. સરકારને જ બધું જ્ઞાન છે, આ ન તો અમારી વિચારસરણી છે કે ન તો અમારો દાવો. અને તેથી જ હું તમામ હિતધારકોને આગ્રહ કરું છું કે 21મી સદી જે ટેક્નૉલોજી ડ્રિવન સદી છે, એને આપણે જેટલી જલદી ફેલાવીએ, જેટલી જલદી આપણે તેને સરળ બનાવીએ, જેટલી જલદી આપણે સામાન્ય માણસને સશક્ત કરનારી બનાવીએ, તેટલું જ વધુ દેશ અને લોકોનું પણ કલ્યાણ થશે. અને 2047માં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં ટેક્નૉલોજી આપણને બહુ મોટી તાકાત આપે છે. અને આપણે ભાગ્યશાળી છીએ કે ભારત પાસે કુદરતી ભેટ છે.

આપણી પાસે પ્રતિભાશાળી યુવાનો છે, કુશળ માનવશક્તિ છે. અને ભારતનાં ગામડાના લોકોમાં પણ ટેક્નૉલોજી અપનાવવાની ક્ષમતા ઘણી વિશાળ છે. આપણે આનો લાભ કેવી રીતે લઈ શકીએ, હું ઈચ્છું છું કે તમે તેની વિગતવાર ચર્ચા કરો, બારીકાઇથી ચર્ચા કરો અને જે બજેટ આવ્યું છે તેમાંથી ઉત્તમમાં ઉત્તમ ફળશ્રુતિ કેવી રીતે મેળવી શકાય, તેનો ઉત્તમથી ઉત્તમ લાભ લોકો સુધી કેવી રીતે પહોંચે. આના પર તમારી ચર્ચા જેટલી ઊંડી હશે તેટલું આ બજેટ વધુ સાર્થક થશે.

હું આપને ઘણી શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Double engine govt becoming symbol of good governance, says PM Modi

Media Coverage

Double engine govt becoming symbol of good governance, says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government