ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, શ્રી અશ્વિની ચૌબેજી, રાજ્યોમાંથી પધારેલા તમામ મંત્રીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ, અન્ય મહાનુભાવો, સન્નારીઓ અને સજ્જનો.
આ રાષ્ટ્રીય સંમેલનમાં અને ખાસ કરીને એકતા નગરમાં આપ સૌનું સ્વાગત છે. હું એકતા નગરમાં આ રાષ્ટ્રીય પરિષદને પોતાનામાં જ મહત્વપૂર્ણ માનું છું. આપણે વનની વાત કરીએ, આપણા આદિવાસી ભાઈ-બહેનોની વાત કરીએ, આપણે વન્ય જીવનની વાતો કરીએ, જળ સંરક્ષણની ચર્ચા કરીએ, આપણે પ્રવાસનની વાત કરીએ, આપણે પ્રકૃતિ અને પર્યાવરણ અને વિકાસની વાતો કરીએ, એક રીતે એકતા નગરનો જે સંપૂર્ણ વિકાસ થયો છે તે પોતાનામાં જ આ સંદેશ આપે છે, વિશ્વાસ જન્માવે છે કે વન અને પર્યાવરણ ક્ષેત્ર માટે આજે એકતા નગર એક તીર્થક્ષેત્ર બની ગયું છે. આપ પણ આ જ ક્ષેત્ર સાથે જોડાયેલા મંત્રીઓ અને અધિકારીઓ આવ્યા છો. હું ઇચ્છીશ કે એકતા નગરમાં તમે જે પણ સમય વિતાવશો, તે બારીકાઈઓનું જરૂરથી અવલોકન કરજો જેમાં પર્યાવરણ પ્રત્યે, આપણા આદિવાસી સમાજ પ્રત્યે, આપણા વન્યજીવો પ્રત્યે કેટલી સંવેદનશીલતા સાથે કાર્ય રચના કરવામાં આવી છે, નિર્માણ કાર્ય થયું છે અને ભવિષ્યમાં, દેશના અનેક ખૂણામાં વન પર્યાવરણની રક્ષા કરવાની સાથે સાથે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી શકાય છે, એનું તમને તેમાંથી ઘણું બધું અહીં જોવા-સમજવા મળશે.
સાથીઓ,
આપણે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે ભારત અમૃતકાલનાં આગામી ૨૫ વર્ષ માટે નવાં લક્ષ્યો નિર્ધારિત કરી રહ્યું છે. મને વિશ્વાસ છે કે, તમારા પ્રયાસોથી પર્યાવરણની રક્ષા કરવામાં પણ મદદ મળશે અને ભારતનો વિકાસ પણ એટલી જ તેજ ગતિએ થશે.
સાથીઓ,
આજનું નવું ભારત, નવી વિચારસરણી, નવા અભિગમ સાથે આગળ વધી રહ્યું છે. આજે ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર પણ છે અને તેની ઇકોલોજીને નિરંતર મજબૂત પણ કરી રહ્યું છે. આપણાં વન આવરણમાં વધારો થયો છે અને વેટલેન્ડ્સનો અવકાશ પણ ઝડપથી વધી રહ્યો છે. આપણે દુનિયાને બતાવ્યું છે કે પુનઃપ્રાપ્ય ઊર્જાના મામલે આપણી ઝડપ અને આપણું પ્રમાણ એવું છે કે ભાગ્યે જ કોઇ એનો મુકાબલો કરી શકે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન હોય, આપત્તિને અનુકૂળ માળખાગત સુવિધા માટેનું ગઠબંધન (Coalition for Disaster Resilient Infrastructure) હોય કે પછી LIFE movement હોય, ભારત આજે મોટા પડકારોનો સામનો કરવા માટે વિશ્વને નેતૃત્વ આપી રહ્યું છે. આપણી પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવાના આપણા ટ્રેક રેકોર્ડને કારણે જ આજે વિશ્વ ભારત સાથે જોડાઈ પણ રહ્યું છે. વીતેલાં વર્ષોમાં સિંહ, વાઘ, હાથી, એક શિંગડાવાળાં ગેંડા અને દીપડાની સંખ્યામાં વધારો થયો છે. ભૂપેન્દ્રભાઈ અત્યારે કહી રહ્યા હતા તેમ થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશમાં ચિત્તાની ઘરવાપસીથી એક નવો ઉત્સાહ પાછો ફર્યો છે. દરેક ભારતીયની નસેનસમાં, સંસ્કારોમાં, જીવમાત્ર પ્રત્યે દયા અને પ્રકૃતિ પ્રેમનાં સંસ્કાર કેવાં છે, એ ચિત્તાના સ્વાગતમાં દેશ જે રીતે ઝૂમી ઊઠ્યો હતો. ભારતના દરેક ખૂણે એમ લાગતું હતું કે જાણે પોતાનાં ઘરે કોઈ પ્રિય મહેમાન આવ્યા હોય. આ આપણા દેશની તાકાત છે. આપણે પ્રકૃતિ સાથે સંતુલન જાળવવાનો આ પ્રયાસ નિરંતર ચાલુ રાખવો જોઈએ. ભાવિ પેઢીઓને પણ સંસ્કારિત કરતા રહીએ. આ જ સંકલ્પ સાથે ભારતે વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય રાખ્યું છે એટલે કે હવે આપણી પાસે લગભગ 5 દાયકા છે. હવે દેશનું ફોકસ ગ્રીન ગ્રોથ પર છે અને ગ્રીન ગ્રોથની વાત કરીએ તો ગ્રીન જૉબ્સ માટે પણ ઘણી તકો પેદા થાય છે. અને આ તમામ લક્ષ્યોની સિદ્ધિ માટે દરેક રાજ્યનાં પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા બહુ મોટી છે.
સાથીઓ,
પર્યાવરણ મંત્રાલય, પછી ભલે તે કોઈ પણ રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય, તેની જવાબદારીઓનો વિસ્તાર બહુ મોટો છે. તેને સંકુચિત ક્ષેત્રમાં જોવું જોઈએ નહીં. કમનસીબે, સમય જતાં, આપણી વ્યવસ્થામાં એક વિચારધારા હાવી થતી ગઈ કે પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા એક નિયંત્રક તરીકે વધારે છે. પરંતુ હું માનું છું કે પર્યાવરણ મંત્રાલયનું કામ, નિયંત્રક કરતાં પણ વધારે પર્યાવરણને પ્રોત્સાહિત કરવાનું છે. એવાં દરેક કામમાં જેમાં પર્યાવરણનું રક્ષણ થતું હોય, એમાં તમારાં મંત્રાલયની ભૂમિકા ખૂબ મોટી છે. હવે જેમ કે સર્ક્યુલર ઈકોનોમી-ચક્રીય અર્થતંત્રનો વિષય છે. સર્ક્યુલર ઇકોનોમી આપણી પરંપરાનો ભાગ રહી છે. એવું નથી કે ભારતના લોકોને સર્ક્યુલર ઇકોનોમી શીખવવી પડે. આપણે ક્યારેય પ્રકૃતિનાં શોષક રહ્યા નથી, આપણે હંમેશાં પ્રકૃતિનાં પોષક રહ્યા છીએ. જ્યારે આપણે નાના હતા, ત્યારે આપણને કહેવામાં આવતું કે જ્યારે મહાત્મા ગાંધી ગત સદીની શરૂઆતમાં સાબરમતી આશ્રમમાં રહેતા હતા અને તે સમયે તો સાબરમતી નદી છલોછલ રહેતી હતી, પુષ્કળ પાણી રહેતું હતું. આમ છતાં ગાંધીજી કોઇને જોઇ જાય કે કોઈ પાણીનો બગાડ કરી રહ્યું છે તો ગાંધીહી એને ટોક્યા વિના રહેતા નહીં. આટલું બધું પાણી સામે હોય, છતાં તેઓ પાણીનો બગાડ થવા દેતા નહીં. આજે કેટલાંય ઘરોમાં કદાચ તમારામાંના દરેકને ખબર હશે, દરેકનાં ઘરમાં હશે, ઘણાં ઘર એવાં છે કે કપડાં, છાપાં અને નાની નાની વસ્તુઓ હોય, આપણે ત્યાં બધું જ ફરીથી ઉપયોગમાં લેવાય છે, રિસાયકલ કરવામાં આવે છે અને જ્યાં સુધી તે સંપૂર્ણપણે નાબૂદ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરતા રહીએ છીએ, આપણા પરિવારનાં એ સંસ્કાર છે. અને આ કોઇ કંજૂસાઇ નથી, તે પ્રકૃતિ પ્રત્યેની સજાગતા છે, સંવેદના છે. આ કોઇ કંજૂસીને કારણે લોકો એક જ વસ્તુનો દસ વખત ઉપયોગ કરે છે, એવું નથી. આ તમામ પર્યાવરણ મંત્રીઓ જેઓ આજે આવ્યા છે, હું તેમને આગ્રહ કરીશ કે આપ સૌ તમારાં રાજ્યોમાં સર્ક્યુલર ઇકોનોમીને શક્ય તેટલું વધુ ને વધુ પ્રોત્સાહન આપો. જો બાળકોને સ્કૂલમાં પણ કહેવામાં આવે કે ભાઈ, તમે તમારાં ઘરમાં સર્ક્યુલર ઈકોનોમીની દૃષ્ટિએ શું થઈ રહ્યું છે, એ જરા શોધી લાવો, દરેક બાળક તે શોધી લાવશે. સભાનતા આવશે કે કોને સર્ક્યુલર ઇકોનોમી કહેવામાં આવે છે અને આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ માટેની આપણી ઝુંબેશને પણ મજબૂત બનાવશે. આ માટે આપણે પંચાયતોને, સ્થાનિક એકમોને, સ્વસહાય જૂથોથી લઈને એમએસએમઇ સુધી સૌને પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમને દિશા આપવી જોઇએ, એમનું માર્ગદર્શન કરવું જોઇએ.
સાથીઓ,
સર્ક્યુલર ઇકોનોમીને ઝડપી બનાવવા માટે હમણાં ગયા વર્ષે આપણી સરકારે, આપણી ભારત સરકારે વીઈકલ સ્ક્રેપિંગ પોલિસી પણ લાગુ કરી છે. હવે શું રાજ્યોમાં આ વાહન સ્ક્રેપિંગ નીતિનો લાભ લેવા માટે કોઇ રોડમેપ બન્યો છે કે? તેના માટે જે ખાનગી સંસ્થાઓ પાસેથી રોકાણ જોઇએ, તેમને જમીન જોઇએ જેથી સ્ક્રેપિંગને અમલમાં મૂકવા માટે કામ આવે. એ જ રીતે જેમ મેં ભારત સરકારને સૂચના આપી કે આપણે સ્ક્રેપિંગ પોલિસીને બહુ ઝડપી બનાવવાની છે, તો પહેલાં આપણે ભારત સરકારનાં એ તમામ વાહનો કે જે પોતાની ઉંમર વટાવી ગયાં છે, જે કિલોમીટરો પાર કરી ચૂક્યાં છે, તેમને સૌથી પહેલાં સ્ક્રેપિંગમાં લાવો, જેથી ઉદ્યોગ ચાલુ થઈ જાય. શું રાજ્યોમાં પણ પર્યાવરણ મંત્રાલય પોતાનાં સંવેદનશીલ બનાવેકે ભાઈ, તમારાં રાજ્યમાં જે પણ વાહનો હશે, આપણે તેને સ્ક્રેપિંગ પોલિસીમાં સૌથી પહેલા શરૂ કરીએ. સ્ક્રેપિંગ કરનારા લોકોને બોલાવો અને પછી તેનાં કારણે નવાં વાહનો પણ આવશે. ઇંધણ પણ બચશે, એક રીતે આપણે ઘણી મદદ કરી શકીશું, પરંતુ નીતિ જો ભારત સરકારે બનાવી, પડી રહી તો પરિણામ નહીં આવશે.
જુઓ, તમામ પર્યાવરણ મંત્રાલયોએ પણ દેશની જૈવઇંધણ નીતિ પર ઝડપી ગતિએ કામ કરવાની જરૂર છે. હવે જુઓ આપણે બાયોફ્યુઅલમાં કેટલી ઝડપથી આગળ વધી રહ્યા છીએ. પરંતુ જો રાજ્યોનો પણ આ કાર્યક્રમ બની જાય, રાજ્ય નક્કી કરે કે આપણાં રાજ્યનાં જેટલાં વાહનો છે, એમાં આપણે સૌથી વધુ જૈવિક બળતણનું મિશ્રણ કરીને જ વાહન ચલાવીશું. દેશમાં સ્પર્ધાનું વાતાવરણ બની જશે. જુઓ, પર્યાવરણ મંત્રાલયોએ આ નીતિને અપનાવવી પડશે, તેને જમીન પર મજબૂતીથી લઈ જવી પડશે. આજકાલ દેશ ઇથેનોલ બ્લેન્ડિંગમાં નવા-નવા રેકોર્ડ આજે ભારત બનાવી રહ્યું છે. જો રાજ્યો પણ તેની સાથે જોડાઈ જાય, તો આપણે કેટલી ઝડપથી આગળ વધી શકીએ છીએ. મારું સૂચન તો એ પણ હશે કે આપણે ઇથેનોલનાં ઉત્પાદન અને ઇથેનોલ મિશ્રણ રાજ્યો વચ્ચે સ્પર્ધા કરવી જોઈએ. વર્ષમાં એક વાર તેમને પ્રમાણિત કરવાં જોઈએ કે કયાં રાજ્યમાં... અને આ દરમિયાન આપણા ખેડૂતોને ઘણી મદદ મળશે. ખેતરનો જે કચરો છે એ પણ આવક આપવાનું શરૂ કરશે. આપણે આ તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનું છે. આ તંદુરસ્ત સ્પર્ધા રાજ્યો વચ્ચે, શહેરો વચ્ચે થતી રહેવી જોઈએ. જોજો, આનાથી પર્યાવરણની રક્ષા કરવાના આપણા સંકલ્પને જનભાગીદારીની તાકાત મળી જશે અને આજે આપણને જે અવરોધરૂપ લાગે છે તે આપણા માટે નવી ક્ષિતિજોને પાર કરવાનું એક મોટું માધ્યમ બની જશે. હવે જુઓ, આપણે બધાએ અનુભવ કર્યો છે કે એલઇડી બલ્બથી વીજળીની બચત થાય છે. કાર્બન ઉત્સર્જનની બચત કરે છે, નાણાંની બચત કરે છે. શું આપણું પર્યાવરણ મંત્રાલય, આપણાં રાજ્યનું વિદ્યુત મંત્રાલય, આપણાં રાજ્યનું શહેરી મંત્રાલય સતત બેસીને મોનિટર કરે કે ભાઇ દરેક સ્ટ્રીટ લાઈટ પર એલઈડી બલ્બ લાગેલા છે કે નહીં, દરેક સરકારી ઑફિસમાં એલઈડી બલ્બ લાગેલા છે કે નહીં. એલઇડીની એક સમગ્ર ચળવળ ચાલી છે એ આટલી બધી બચત કરે છે, પૈસાની બચત, પર્યાવરણની પણ સેવા કરે છે. આપ એને લીડ(નેતૃત્વ) કરી શકો છો, તમારો વિભાગ લીડ કરી શકે છે. એ જ રીતે, આપણે આપણાં સંસાધનોને બચાવવાનાં છે. હવે જેમ કે પાણી છે, બધા કહે છે કે પાણી બચાવવું એ બહુ મોટું કામ છે. હમણાં જે અમે આઝાદી કા અમૃત મહોત્સવમાં ૭૫ અમૃત સરોવરોનું નિર્માણ કરવાનું કહ્યું છે, ત્યારે શું પર્યાવરણ મંત્રાલય, વન વિભાગ તેનું નેતૃત્વ કરી રહ્યું છે કે કેમ? શું તે જળસંરક્ષણ પર ભાર મૂકે છે? એ જ રીતે પર્યાવરણ મંત્રાલય અને કૃષિ મંત્રાલય સાથે મળીને ડ્રિપ ઈરિગેશન, ટપક સિંચાઈ, સૂક્ષ્મ સિંચાઈ પર ભાર મૂકે છે કે કેમ. એટલે કે, પર્યાવરણ મંત્રાલય એવું છે કે તે દરેક મંત્રાલયને દિશા આપી શકે છે, ગતિ આપી શકે છે, પ્રેરણા આપી શકે છે અને પરિણામો લાવી શકે છે. આજકાલ આપણે જોઈએ છીએ કે ક્યારેક જે રાજ્યોમાં પાણીની વિપુલતા હતી, ત્યાં ભૂગર્ભ જળ ઉપર રહેતું હતું, આજે પાણી માટે મોટું યુદ્ધ કરવું પડે છે. પાણીની તંગી છે, 1000-1200 ફિટ નીચે ઉતરવું પડે છે.
સાથીઓ,
આ પડકાર માત્ર પાણી સાથે જોડાયેલા વિભાગોનો નથી, પરંતુ પર્યાવરણને પણ એટલો જ મોટો પડકાર ગણવો જોઈએ. આજકાલ તમે જોઈ રહ્યા છો કે જેમ મેં તમને કહ્યું તેમ અમૃત સરોવરનું અભિયાન દેશના દરેક જિલ્લામાં ચાલી રહ્યું છે, હવે અમૃત સરોવર જળ સુરક્ષાની સાથે પર્યાવરણ સુરક્ષા સાથે પણ જોડાયેલું છે. એ જ રીતે આજકાલ તમે આપણા ખેડૂતોમાં કેમિકલ ફ્રી ખેતી જોઇ હશે, પ્રાકૃતિક ખેતી- હવે લાગે એવું કે તે કૃષિ વિભાગનું છે, પરંતુ જો આપણું પર્યાવરણ મંત્રાલય જોડાય જાય તો તેને એક નવી તાકાત મળી જાય. પ્રાકૃતિક ખેતી, તે પણ પર્યાવરણની રક્ષાનું કામ કરે છે. આપણી આ ધરતી માતાની રક્ષા કરવી એ પણ એક બહુ મોટું કામ છે. એટલા માટે જ હું કહું છું કે બદલાતા સમયમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા સહભાગી અને સુગ્રથિત અભિગમ સાથે કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે પર્યાવરણ મંત્રાલયનું વિઝન બદલાશે, લક્ષ્ય નક્કી થશે, રસ્તો નક્કી થઈ જશે, મને સંપૂર્ણ વિશ્વાસ છે, મિત્રો, પ્રકૃતિનું પણ એટલું જ ભલું થશે.
સાથીઓ,
પર્યાવરણની રક્ષાનું અન્ય એક પાસું, જનજાગૃતિ, જન ભાગીદારી, જન સમર્થન, આ ખૂબ જ જરૂરી છે. પરંતુ આ કામ પણ માત્ર માહિતી વિભાગ કે શિક્ષણ વિભાગનું નથી. જેમ કે તમે બધા સારી રીતે જાણો છો કે દેશમાં આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હવે તમારા માટે અને તમારા વિભાગ માટે પણ ખરેખર ઉપયોગી છે, તેમાં એક વિષય છે, અનુભવ આધારિત શિક્ષણ, તેનાં પર ભાર મૂકવામાં આવ્યો છે. હવે આ અનુભવ આધારિત ભણતર, શું પર્યાવરણ મંત્રાલયે શિક્ષણ વિભાગ સાથે વાત કરી છે કે ભાઈ, બાળકોને શાળામાં ઝાડ-છોડ વિશે શીખવવું હોય તો જરા બગીચામાં લઈ જાઓ. ગામની બહાર જે ઝાડ-છોડ છે ત્યાં એમને લઈ જાવ, વૃક્ષો અને છોડનો પરિચય કરાવો. હવે શિક્ષણ મંત્રાલય અને પર્યાવરણ મંત્રાલય સાથે મળીને આ કામ કરે. તો બાળકોમાં પર્યાવરણને લઈને કુદરતી જાગૃતિ આવશે અને તેનાથી બાળકોમાં જૈવ વિવિધતા વિશે વધુ જાગૃતિ આવશે અને પર્યાવરણની રક્ષા માટે તેઓ પોતાના દિલ-દિમાગમાં એવાં બીજ વાવી શકે છે જે આવનારા સમયમાં પર્યાવરણની રક્ષા માટે એક બહુ મોટો સિપાહી બની જશે. તેવી જ રીતે હવે જે બાળકો આપણા દરિયા કિનારે છે, કે નદી કિનારે છે, ત્યાં બાળકોને આ પાણીનું મહત્વ, સમુદ્રની ઇકો સિસ્ટમ શું હોય છે, નદીની ઇકો સિસ્ટમ શું હોય છે, તેમને ત્યાં લઇ જઇને તેમને શીખવવું જોઇએ. માછલીનું મહત્વ શું છે? કેવી રીતે માછલીઓ પણ પર્યાવરણની સુરક્ષા કરવામાં મદદ કરી રહી છે. એ બધી જ બાબતો એ બાળકોને ત્યાં લઈ જઈ સમજાવવામાં આવે, કામ તો શિક્ષણ વિભાગનું હશે, પરંતુ પર્યાવરણ વિભાગના લોકો, તમે જુઓ, આખી નવી પેઢી તૈયાર થઈ જશે. આપણે આપણાં બાળકોને આવનારી પેઢીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત પણ કરવાનાં છે અને તેમને સંવેદનશીલ પણ બનાવવાના છે. રાજ્યોનાં પર્યાવરણ મંત્રાલયોએ આને લગતાં અભિયાનો શરૂ કરવા જોઈએ. યોજના બનાવવી પડશે. હવે જેમ કે કોઇ સ્કૂલમાં ફળનું એક ઝાડ છે તો બાળકો તેની જીવની લખી શકે છે, વૃક્ષનું જીવન લખે. કોઇ ઔષધીય છોડના ગુણો વિશે પણ બાળકો પાસે નિબંધ લખાવી શકાય છે, બાળકોમાં સ્પર્ધા કરી શકાય છે. આપણાં રાજ્યોની યુનિવર્સિટીઓ અને પ્રયોગશાળાઓએ પણ જય અનુસંધાનના મંત્રને અનુસરીને પર્યાવરણીય સંરક્ષણ સાથે સંબંધિત નવીનતાઓને ટોચની અગ્રતા આપવી પડશે. પર્યાવરણની સુરક્ષામાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ પણ વધુને વધુ વધારવો જોઈએ. જેમ જે વન સ્થળો છે, એમાં જંગલોની સ્થિતિનો સતત અભ્યાસ ખૂબ જ જરૂરી છે. સ્પેસ ટેકનોલોજીથી આપણે સતત આપણાં જંગલો પર નજર રાખી શકીએ છીએ. જો કોઈ ફેરફાર થાય છે, તો તરત જ ચિહ્નિત કરી શકો છો, સુધારી શકો છો.
સાથીઓ,
પર્યાવરણને લગતો બીજો મહત્વનો વિષય છે દાવાનળ-જંગલની. જંગલોમાં આગ વધી રહી છે અને ભારત જેવા દેશ માટે એક વાર આગ ફેલાય પછી આપણી પાસે એટલા સંસાધનો પણ ક્યાં છે કે આપણે આધુનિક ટેકનોલોજીથી આગને બુઝાવી શકીશું. તમે ટીવી પર દુનિયાના સમૃદ્ધ દેશોને જોયા હશે, પછી તે પશ્ચિમી અમેરિકા હોય, કેનેડા હોય, ઑસ્ટ્રેલિયા હોય, ભૂતકાળમાં અહીં જે દાવાનળો ફાટ્યા, જે જંગલમાં આગ લાગી હતી. કેટલો વિનાશ થયો, જંગલી જાનવરોની લાચારી- લોકોનાં જીવન પર પણ અસર પડી. તેની રાખને કારણે લોકો માટે માઈલો સુધી જીવવું મુશ્કેલ બની ગયું. જંગલની આગને કારણે વૈશ્વિક ઉત્સર્જનમાં ભારતનો હિસ્સો ખૂબ ઓછો છે, તે નગણ્ય છે, પરંતુ તેમ છતાં આપણે અત્યારથી જ જાગૃત રહેવું પડશે. આપણી પાસે અત્યારથી એક યોજના હોવી જોઈએ. દરેક રાજ્યમાં ફોરેસ્ટ ફાયર ફાઇટિંગ મિકેનિઝમ મજબૂત હોય, તે ટેકનોલોજી સંચાલિત હોય તે ખૂબ જ આવશ્યક છે. એ જ રીતે આગ લાગવાનું કારણ શું છે એ આપણે સૌ જાણીએ છીએ, જંગલોમાં પડતાં સૂકાં પાનના ઢગલા થઈ જાય છે અને એકાદ નાનકડી ભૂલ જોતજોતામાં આખાં જંગલમાં આગ લાગી જાય છે. પરંતુ હવે આ જંગલોમાં જે કચરો પડે છે, પાંદડા પડી જાય છે, ઘરની અંદર જ્યારે આખાં જંગલનાં મેદાન પર બધા પાંદડા જોવા મળે છે, આજકાલ તેનો પણ સર્ક્યુલર ઇકોનોમીમાં ઉપયોગ થાય છે. આજકાલ તેમાંથી ખાતર પણ બને છે. આજકાલ તેમાંથી કોલસો બનાવવામાં આવે છે. મશીનો હોય છે નાનાં મશીનો લગાવીને એમાંથી કોલસો બનાવી શકાય છે, તે કોલસો કારખાનાઓમાં કામ આવી શકે છે. એટલે કે આપણું જંગલ પણ બચાવી શકાય છે અને આપણી ઊર્જા પણ બચાવી શકાય છે. મારો કહેવાનો અર્થ એ છે કે આપણે આમાં પણ જંગલની આગ પ્રત્યે જાગૃતિ, ત્યાંના લોકો માટે પણ આવકનું સાધન, જે લોકો જંગલમાં રહે છે, જેમ આપણે વન ધન પર બહુ મોટો ભાર મૂક્યો છે, તેવી જ રીતે તેને પણ એક ધન માનીને વ્યવસ્થાપન કરવામાં આવે. તો આપણે જંગલની આગને બચાવી શકીએ છીએ. આપણા ફોરેસ્ટ ગાર્ડને પણ નવેસરથી તાલીમ આપવાની જરૂર છે. માનવ સંસાધન વિકાસનાં નવાં પાસાં ઉમેરવાની જરૂર છે. જૂના જમાનાના જે બીટ ગાર્ડ્સ હોય છે, એટલાથી કામ ચાલવાનું નથી.
સાથીઓ,
હું તમારા બધાની સાથે એક અન્ય મહત્વપૂર્ણ મુદ્દાની પણ ચર્ચા કરવા માગું છું. તમે બહુ સારી રીતે જાણો છો કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના, દેશનો વિકાસ, દેશવાસીઓનાં જીવનધોરણને સુધારવાનો પ્રયાસ સફળ થઈ શકતો નથી. પરંતુ આપણે જોયું છે કે દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પર્યાવરણીય મંજૂરીનાં નામે કેવી રીતે ગૂંચવાઇ જતું હતું. તમે જે જગાએ બેઠા છો ને આ એકતા નગરમાં, તે આપણી આંખો ઉઘાડનારો દાખલો છે. કેવી રીતે શહેરી નક્સલવાદીઓએ, વિકાસ વિરોધીઓએ આ આટલા મોટા પ્રોજેક્ટ સરદાર સરોવર ડેમને રોકી રાખ્યો હતો. તમને જાણીને નવાઇ લાગશે મિત્રો, આ જે સરદાર સરોવર ડેમ, એક્તા નગરમાં આપ બેઠા છોને, તમે આટલો મોટો જળાશય જોયો જ હશે, એનો શિલાન્યાસ દેશ આઝાદ થયાના તુરંત બાદ થયો હતો,સરદાર વલ્લભભાઈ પટેલે બહુ મોટી ભૂમિકા ભજવી હતી. પંડિત નહેરુએ શિલાન્યાસ કર્યો હતો પરંતુ તમામ શહેરી નક્સલો મેદાનમાં આવી ગયા, દુનિયાના લોકો આવી ગયા. ઘણો પ્રચાર કરાયો તે પર્યાવરણ વિરોધી છે, આ જ અભિયાન ચલાવવામાં આવ્યું અને વારંવાર એને અટકાવાયો. જે કામની શરૂઆત નહેરુજીએ કરી હતી, તે કામ મારા આવ્યા પછી પૂર્ણ થયું. મને કહો, દેશના પૈસાનો કેટલો બગાડ થયો. અને આજે એ જ એકતા નગર પર્યાવરણનું તીર્થસ્થાન બની ગયું. એટલે કે, કેટલાં જુઠ્ઠાણાં ચલાવવામાં આવ્યાં હતાં, અને આ શહેરી નક્સલવાદીઓ, હજી પણ ચૂપ નથી, હજી પણ તેમની રમતો રમી રહ્યા છે. તેમનાં જુઠ્ઠાણાં પકડાઈ ગયાં, તે પણ સ્વીકારવા તૈયાર નથી અને હવે તેમને કેટલાક લોકોનો રાજકીય ટેકો મળી જાય છે.
સાથીઓ,
ભારતમાં વિકાસને રોકવા માટે, ઘણી વૈશ્વિક સંસ્થાઓ, ઘણાં ફાઉન્ડેશન પણ આવા મોટા પસંદ પડતા વિષયોને પકડીને તોફાન મચાવે છે અને આ આપણા શહેરી નક્સલીઓ એમને માથે લઈને નાચતા રહે છે અને આપણે ત્યાં રૂકાવટ આવી જાય છે. પર્યાવરણની સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ કર્યા વગર પણ સંતુલિત રીતે વિચાર કરીને આપણે એવા લોકોનાં ષડયંત્રો જે વિશ્વ બૅન્ક સુધીનાને પણ પ્રભાવિત કરી દે છે અને મોટાં મોટાં ન્યાયતંત્રને પ્રભાવિત કરે છે. તમે એટલો પ્રચાર કરી દો છો, વસ્તુઓ અટવાઈ જાય છે. હું ઇચ્છું છું કે આ તમામ વિષયોમાં સર્વગ્રાહી અભિગમ અપનાવીને આપણે આગળ વધવું જોઈએ.
સાથીઓ,
આપણો પ્રયાસ હોવો જોઇએ કે બિનજરૂરી રીતે પર્યાવરણનું નામ લઈને ઇઝ ઑફ લિવિંગ અને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસના માર્ગમાં કોઈ અવરોધ ઊભો ન કરે. તે કેવી રીતે અવરોધરૂપ બને છે, હું એક ઉદાહરણ આપું, ગુજરાતમાં હંમેશાં પાણીની કટોકટી રહે છે, દસમાંથી સાત વર્ષ દુષ્કાળના દિવસો રહેતા હતા. તેથી અમે ચેકડેમનું એક મોટું અભિયાન શરૂ કર્યું. અમે ઇચ્છતા હતા કે જંગલમાં પણ પાણીની વ્યવસ્થા હોય, તેથી અમે જંગલમાં પાણીના ઢોળાવ પર નાનાં નાનાં ડાઇનિંગ ટેબલ જેવાં નાનાં તળાવો બનાવવાં, ખૂબ જ નાનાં તળાવો, ૧૦ ફૂટ લાંબા હોય, ૩ ફૂટ પહોળાં હોય, ૨ ફૂટ ઊંડાં હોય. અને તેનું આખું પડ બનાવતા જવું, અમે એવું વિચાર્યું. તમને આશ્ચર્ય થશે, વન મંત્રાલયે ના પાડી દીધી. મેં કહ્યું અરે ભાઈ, આ પાણી હશે, તો જ તમારું જંગલ બચશે. છેવટે મેં તેમને કહ્યું કે સારું, હું વન વિભાગને જ પૈસા આપી દઉં છું, તમે ચેકડેમ બનાવો, પાણી બચાવો અને જંગલોને તાકાત આપો. ત્યારે છેક ખૂબ જ મુશ્કેલીથી હું તે કામ કરી શક્યો. એટલે કે પર્યાવરણનાં નામે આપણે જંગલ પર પણ પાણીની વ્યવસ્થા નહીં કરીએ તો કામ કેવી રીતે થશે?
સાથીઓ,
આપણે એ યાદ રાખવાનું છે કે જેટલી ઝડપથી પર્યાવરણીય મંજૂરી મળશે, તેટલી જ ઝડપથી વિકાસ પણ થશે. અને આ બાંધછોડ કર્યા વિના થઈ શકે છે. મને જણાવવામાં આવ્યું છે કે, આપ સૌ રાજ્યોના લોકો બેઠા છો, આજની તારીખે તમારાં મંત્રાલયોમાં પર્યાવરણીય મંજૂરીનાં 6 હજારથી વધુ કામ બાકી છે. એ જ રીતે, ફોરેસ્ટ ક્લિયરન્સના પણ લગભગ 6500 પ્રોજેક્ટ્સ, તેમની એપ્લિકેશન તમારા ટેબલ પર લટકી પડી છે. સાથીઓ, શું આજના આધુનિક યુગમાં અને તે પણ ત્રણ મહિના પછી ક્લિયરન્સ મળશે, તો કારણ કંઈક બીજું જ છે. આપણે ચોક્કસ કોઈ માપદંડ નક્કી કરવા જોઈએ, નિષ્પક્ષ ભાવથી કરવા જોઇએ અને પર્યાવરણનું રક્ષણ કરતા ક્લિયરન્સ આપવામાં ગતિ લાવવી જોઈએ. આપણે અવરોધરૂપ ન બનવું જોઈએ. તમે અનુમાન લગાવી શકો છો કે પેન્ડન્સીને કારણે, આપણા પ્રોજેક્ટ લોકોને ફાયદો થતો નથી. ખર્ચા પણ વધે છે, સમસ્યાઓ વધી જાય છે. આપણે કોશીશ કરવી જોઇએ કે પેન્ડન્સી ઓછામાં ઓછી હોય અને ખરા કિસ્સામાં જ પેન્ડન્સી હોય, ઝડપી ક્લિયરન્સ મળે, એ માટે આપણે કામનું વાતાવરણ પણ બદલવાની જરૂર છે. આપણે જે પર્યાવરણનાં સંરક્ષણની વાત કરીએ છીએ ને, કામનાં વાતાવરણને બદલવું પડશે. મેં ઘણી વાર જોયું છે કે જે પ્રોજેક્ટને લાંબા સમયથી પર્યાવરણીય મંજૂરી નથી મળી રહી, ફોરેસ્ટ ક્લિયરન્સ નથી મળી રહ્યું, એટલે મેં જોયું છે કે રાજ્ય સરકારો મને પત્રો લખે છે, ક્યારેક ભારત સરકારના વિભાગો મને પત્ર લખે છે કે તે ફલાણાં રાજ્યમાં અટવાયો છે. કોઇ રાજ્યવાળો કહે છે કે તે ભારત સરકારમાં અટવાયો છે. હું આવા પ્રોજેક્ટને પ્રગતિ હેઠળ લાવું છું અને મને આશ્ચર્ય થાય છે કે જેવું તે પ્રગતિમાં આવે છે, રાજ્યોમાં પણ અને કેન્દ્રમાં પણ મંજૂરી શરૂ થઈ જાય છે. એટલે કે પર્યાવરણનો મુદ્દો હોય તો ક્લિયરન્સ મળતું નથી. એટલે કોઇને કોઇ એવી બાબતો છે, શિથિલતા છે, વર્ક કલ્ચર એવું છે જેનાં કારણે આપણી આ ગડબડ થઈ રહી છે. અને એટલા માટે જ હું તમને આગ્રહ કરીશ કે જો આપણે બધા સાથે મળીને કામ કરીએ, પછી તે કેન્દ્ર હોય, રાજ્ય હોય, સ્થાનિક સ્વરાજ્ય હોય, આ વિભાગ હોય, તે વિભાગ હોય, મળીને કામ કરીશું તો પછી એવી કોઈ અડચણ નહીં આવે. હવે તમે જુઓ, ટેક્નોલૉજીનો ઉપયોગ થઈ રહ્યો છે. પરિવેશ પોર્ટલ આપ સૌએ જોયું હશે, એ પર્યાવરણ સાથે જોડાયેલા તમામ પ્રકારના ક્લિયરન્સ માટે સિંગલ-વિન્ડો માધ્યમ છે. તે પારદર્શક પણ છે અને તેનાથી મંજૂરી માટેની ભાગદોડ પણ ઓછી થઈ રહી છે. 8 વર્ષ પહેલા સુધી જ્યાં એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સમાં 600થી વધુ દિવસનો સમય લાગતો હતો, યાદ રહે મિત્રો, પહેલા 600થી વધુ દિવસનો સમય લાગતો હતો. આજે ટેકનોલોજીની મદદથી, તેનાથી વધુ સારી વૈજ્ઞાનિક ઢબે કામ થાય છે અને માત્ર 75 દિવસમાં જ કામ પૂર્ણ થઇ જાય છે. પર્યાવરણીય મંજૂરીઓ આપવામાં, અમે નિયમોનું પણ ધ્યાન રાખીએ છીએ અને તે વિસ્તારોના લોકોના વિકાસને પણ પ્રાધાન્ય આપીએ છીએ. આ અર્થતંત્ર અને ઇકોલોજી બંને માટે લાભદાયક પરિસ્થિતિ હોય છે. ચાલો હું તમને બીજું એક ઉદાહરણ આપું. હમણાં થોડાં અઠવાડિયા પહેલાં જ કેન્દ્ર સરકારે દિલ્હીમાં પ્રગતિ મેદાન ટનલ દેશને સમર્પિત કરી હતી. આ ટનલનાં કારણે દિલ્હીની જનતાના જામમાં ફસાઇ જવાની સમસ્યા ઓછી થઇ ગઇ છે. પ્રગતિ મેદાન ટનલ દર વર્ષે ૫૫ લાખ લિટરથી વધુ બળતણ બચાવવામાં પણ મદદ કરશે. હવે તે પર્યાવરણની રક્ષા પણ છે, તેનાથી દર વર્ષે લગભગ લગભગ 13 હજાર ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. નિષ્ણાતોનું કહેવું છે કે, આટલાં કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા માટે આપણને 6 લાખથી વધુ વૃક્ષોની જરૂર પડે છે. એટલે કે વિકાસનાં એ કામે પર્યાવરણને પણ મદદ કરી. એટલે ફ્લાયઓવર હોય, રોડ હોય, એક્સપ્રેસ વે હોય, રેલવે પ્રોજેક્ટ્સ હોય, તેમનું નિર્માણ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ એટલી જ મદદ કરે છે. ક્લિયરન્સ સમયે, આપણે આ એંગલને અવગણવો જોઈએ નહીં.
સાથીઓ,
જ્યારથી પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન લાગુ થયો છે ત્યારથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં તાલમેલ ઘણો વધી ગયો છે અને રાજ્યો પણ તેનાથી ઘણા ખુશ છે, રાજ્યો પણ તેનો આગળ વધીને ખૂબ જ ફાયદો ઉઠાવી રહ્યાં છે. તેનાં કારણે પ્રોજેક્ટ્સમાં પણ ઝડપ આવી છે. પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન પર્યાવરણની સુરક્ષામાં પણ અભૂતપૂર્વ મદદ કરી રહ્યો છે. આપણે એ પણ જોવાનું છે કે રાજ્યમાં જ્યારે પણ કોઈ માળખાગત સુવિધાઓનું નિર્માણ હોય, હવે આપણે આબોહવાને કારણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે આપણે જોઈ રહ્યા છીએ. આનો અર્થ એ છે કે આવી સમસ્યાઓમાં ટકી રહે એવાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાં પડશે, આપત્તિની સ્થિતિસ્થાપકતા. આપણે આબોહવા સાથે સંબંધિત પડકારોનો સામનો કરવાની સાથે સાથે અર્થતંત્રનાં દરેક ઉભરતા ક્ષેત્રનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેએ સાથે મળીને ગ્રીન ઔદ્યોગિક અર્થતંત્ર તરફ આગળ વધવાનું છે.
સાથીઓ,
મને વિશ્વાસ છે કે, આ બે દિવસમાં તમે પર્યાવરણની રક્ષા માટે ભારતના પ્રયાસોને વધુ મજબૂત બનાવશો. પર્યાવરણ મંત્રાલય માત્ર એક નિયમનકારી જ નહીં, પરંતુ લોકોનાં આર્થિક સશક્તીકરણ અને રોજગારનાં નવાં સાધનોનું સર્જન કરવા માટેનું એક બહુ મોટું માધ્યમ પણ છે. એકતા નગરમાં તમને ઘણું બધું શીખવા મળશે, જોવા મળશે. ગુજરાતના કરોડો લોકો, રાજસ્થાનના કરોડો લોકો, મહારાષ્ટ્રના કરોડો લોકો, મધ્યપ્રદેશના લોકોને વીજળી મળવાથી એક સરદાર સરોવર બંધે ચાર રાજ્યોનાં જીવન પર અસર પાડી છે, સકારાત્મક અસર પેદા કરી છે. રાજસ્થાનનાં રણમાં પાણી પહોંચી ગયું છે, કચ્છનાં રણ સુધી પાણી પહોંચ્યું છે અને વીજળી ઉત્પન્ન થાય છે. મધ્યપ્રદેશને વીજળી મળી રહી છે. સરદાર સાહેબની આટલી વિશાળ પ્રતિમા એકતાના સંકલ્પને વળગી રહેવા માટે આપણને પ્રેરિત કરે છે. ઇકોલોજી અને ઇકોનોમી એક સાથે કેવી રીતે વિકસી શકે છે, પર્યાવરણને પણ કેવી રીતે મજબૂત બનાવી શકાય છે, રોજગારીની નવી તકોનું નિર્માણ પણ થઈ શકે છે, કેવી રીતે બાયો-ડાયવર્સિટી ઇકો ટુરિઝમ વધારવાનું આટલું મોટું માધ્યમ બની શકે છે, કેવી રીતે આપણી વન સંપત્તિ આપણા આદિવાસી ભાઇ-બહેનોની સંપદામાં વૃદ્ધિ કરે છે, આ બધી બાબતોના જવાબો, આ બધા પ્રશ્નોના ઉકેલ, કેવડિયામાં, એકતા નગરમાં આપ સૌને એક સાથે જોવા મળે છે. એકતા નગર ઘોષણાપત્ર આઝાદીના અમૃત માટે એક વધુ સારો ઉકેલ લઈને આવશે, આ જ વિશ્વાસની સાથે આપ સહુને ખૂબ-ખૂબ શુભકામનાઓ. અને સાથીઓ, આ કાર્યક્રમની રચના કરવા માટે હું ભારત સરકારનાં મંત્રાલયના તમામ અધિકારીઓને, મંત્રી મહોદયને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. મારો આપને આગ્રહ છે કે જે વ્યાખ્યાનો થશે, જે ચર્ચાઓ થશે તેનું પોતાનું આગવું મહત્ત્વ હોય જ છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, તમે બે દિવસ સુધી સાથે રહેશોને, એકબીજાના અનુભવો જાણશો, દરેક રાજ્યએ કંઇક ને કંઇક સારા પ્રયોગો કર્યા હશે, સારી પહેલ કરી હશે. જ્યારે તમારા સાથીદારો સાથે અન્ય રાજ્યો સાથેનો તમારો પરિચય વધશે, તમે તેમની સાથે વાત કરશો, તો તમને પણ નવા વિચારો મળશે, તમને પણ અન્યોને નવી વાતો કહેવાની તક મળશે. એટલે કે આ એક-બે દિવસ તમારામાં એક બહુ મોટી પ્રેરણાનું કારણ બની જશે. તમે પોતે જ એકબીજાની પ્રેરણા બની જશો. તમારા સાથી તમારી પ્રેરણા બનશે. આ વાતાવરણ લઈને બે દિવસનું આ મનોમંથન દેશના વિકાસ માટે, પર્યાવરણની રક્ષા અને આવનારી પેઢીને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે યોગ્ય દિશા લઈને, યોગ્ય વિકલ્પ લઈને એક ચોક્કસ રોડમેપ લઈને આપણે સૌ ચાલીશું, એ જ અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ!