ભારત માતા કી જય !
ભારત માતા કી જય !
ભારત માતા કી જય !
શ્રી બાબા વિશ્વનાથ અને ભગવાન પરશુરામના ચરણોમાં મારા પ્રણામ, જય ગંગા મૈયા કી, હર હર ગંગે, ઉત્તરપ્રદેશના તેજસ્વી અને ઉર્જાવાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા સાથી બીએલ વર્માજી, સંસદમાં મારા સહયોગી સંતોષ ગંગવારજી, ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી સુરેશ કુમાર ખન્નાજી, સતિષ મહાનાજી, જીતિન પ્રસાદજી, મહેશચંદ્ર ગુપ્તાજી, ધર્મવીર પ્રજાપતિજી, સંસદના મારા અન્ય સહયોગી સભ્યો, ઉત્તરપ્રદેશ વિધાનસભા અને વિધાન પરિષદના અન્ય સાથીઓ, પંચાયતના સભ્યો અને અહીંયા મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
કાકોરીથી ક્રાંતિનો અલખ જગાવનાર વીર શહીદ રામ પ્રસાદ બિસ્મીલ, અશફાફ ઉલ્લા ખાન અને રોશન સિંહને હું હાથ જોડીને નમન કરૂં છું. તેમને ચરણ સ્પર્શ કરીને, સાથે સાથે આપ લોકોના આશીર્વાદની સાથે અહીંની માટીને માથે લગાવવી તેને હું મારૂં સૌભાગ્ય સમજું છું. અહીંના જ તેજસ્વી કવિ દામોદર સ્વરૂપ વિદ્રોહી, રાજ બહાદુર વિકલ અને અગ્નિવેશ શુક્લએ અહીંયા વીર રસની ક્રાંતિધારા વહાવી હતી. અને એટલું જ નહીં, શિસ્ત અને વફાદારીનો સંકલ્પ લેનારા સ્કાઉટ ગાઈડના જનક પંડિત શ્રીરામ વાજપેયીજીની જન્મભૂમિ છે તેવી આ પાવન ધરતીને હું નમન કરૂં છું.
સાથીઓ,
એ યોગાનુ યોગ છે કે આવતી કાલે પંડિત રામપ્રસાદ બિસ્મીલ, અશફાફ ઉલ્લા ખાન અને ઠાકોર રોશન સિંહનો બલિદાન દિવસ પણ છે. અંગ્રેજી સત્તા સામે પડકાર ફેંકનારા શાહજહાંપુરના આ ત્રણેય સપૂતોને 19 ડિસેમ્બરના રોજ ફાંસી આપવામાં આવી હતી. ભારતની આઝાદી માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા આવા વીરો માટે આપ સૌની ઉપર પણ તેમનું ખૂબ જ ઋણ છે. આ ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ તેમ નથી, પણ દેશના વિકાસ માટે રાત- દિવસ મહેનત કરીને ભારતના આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ સપનું જોયું હશે તેવા ભારતનું નિર્માણ કરીને આપણે તેમને સાચી શ્રધ્ધાંજલિ આપીએ છીએ. આજે શાહજહાંપુરમાં આવો જ એક પવિત્ર અવસર છે, ઐતિહાસિક અવસર પણ છે. આજે ઉત્તરપ્રદેશના સૌથી મોટા એક્સપ્રેસવે, ગંગા એક્સપ્રેસ વેનું કામ શરૂ થઈ રહ્યું છે.
રામચરિત માનસમાં કહેવામાં આવ્યું છે કે ગંગા સકલ મુદ મંગલ મૂલા, સબ સુખ કરની હરનિ સબ તુલા. આનો અર્થ એવો થાય છે કે મા ગંગા તમામ મંગલદાયક બાબતોનો, તમામ ઉન્નતિ અને પ્રગતિનો સ્રોત છે. મા ગંગા તમામ સુખ આપે છે અને તમામ પીડા હરી લે છે. ગંગા એક્સપ્રેસવે ઉત્તરપ્રદેશની પ્રગતિના નવા દ્વાર ખોલી દેશે. હું આજે મેરઠ, હાપુડ, બુલંદ શહેર, અમરોહા, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગ રાજના તમામ નાગરિકોને, તમામ લોકોને વિશેષ શુભેચ્છા પાઠવું છું. આશરે 600 કી.મી.ના આ એક્સપ્રેસવે ઉપર રૂ.36,000 કરોડ કરતાં પણ વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે. આ ગંગા એક્સપ્રેસવે પોતાની સાથે આ વિસ્તારમાં નવા ઉદ્યોગો લાવશે, અનેક રોજગાર તથા હજારો હજારો નવયુવાનો માટે અનેક નવા અવસર પણ લાવશે.
સાથીઓ,
ઉત્તરપ્રદેશની આબાદીની સાથે સાથે આ વિસ્તારના મુદ્દા પણ એટલા જ મોટા છે. એક છેડાથી બીજો છેડો આશરે 1000 કી.મી.નો છે. આટલા મોટા ઉત્તરપ્રદેશને ચલાવવા માટે જે જોશની જરૂર છે, જે દમદાર કામની જરૂર છે તે આજે ડબલ એન્જીનની સરકાર કરીને દેખાડી રહી છે. એ દિવસો દૂર નથી કે જ્યારે ઉત્તરપ્રદેશની ઓળખ નવી પેઢીની માળખાકીય સુવિધા ધરાવતા સૌથી આધુનિક રાજ્ય તરીકે થશે. તેની જાળ આજે ઉત્તરપ્રદેશ એક્સપ્રેસવે બિછાવી રહ્યો છે. જે નવાં એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે, નવા રેલવે રૂટ બની રહ્યા છે તે ઉત્તરપ્રદેશના લોકો માટે એક સાથે અનેક વરદાન લઈને આવી રહ્યા છે. પ્રથમ વરદાન છે- લોકોના સમયની બચત. બીજું વરદાન છે- લોકોની સુગમતામાં થતો વધારો, ત્રીજું વરદાન છે- યુપીના સાધનોનો સાચો અને ઉત્તમ ઉપયોગ. ચોથું વરદાન છે-ઉત્તરપ્રદેશના સામર્થ્યમાં વૃધ્ધિ અને પાંચમું વરદાન છે- ઉત્તરપ્રદેશની ચોતરફી સમૃધ્ધિ.
સાથીઓ,
હવે એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે તમને અગાઉ લાગતો હતો તેટલો સમય નહીં લાગે. તમારો સમય ટ્રાફિક જામમાં બરબાદ નહીં થાય અને તે સમયનો તમે બહેતર ઉપયોગ કરી શકશો. ઉત્તરપ્રદેશના 12 જિલ્લાને જોડનારો આ એક્સપ્રેસવે પૂર્વ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશને નજીક તો લાવશે જ, પણ સાથે સાથે એક રીતે કહીએ તો દિલ્હીથી બિહાર આવનારા અને જનારા લોકોનો સમય પણ ઘણો ઓછો થઈ જશે. જ્યારે આ એક્સપ્રેસ વે તૈયાર થઈ જશે ત્યારે તેની આસપાસ ઉદ્યોગોનું એક મોટું ક્લસ્ટર તૈયાર થશે, જે અહીંના ખેડૂતો માટે, પશુપાલકો માટે પણ નવી તકો ઉભી કરશે. અહીંના એમએસએમઈ ક્ષેત્ર માટે, લઘુ ઉદ્યોગ માટે પણ નવી સંભાવનાઓ ઉભી થશે. ખાસ કરીને ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગો માટે અહીંયા અપાર સંભાવનાઓ ઉભી થશે. તેનાથી ખેડૂતોની આવક વધારવામાં પણ સહાય થશે. એટલે કે ખેડૂત હોય કે નવયુવાન, આ તમામ માટે એક્સપ્રેસવે અનંત સંભાવનાઓ પેદા કરશે.
સાથીઓ,
ઉત્તરપ્રદેશમાં આજે આધુનિક માળખાકીય સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે તે દર્શાવે છે કે સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. અગાઉ જનતાના પૈસાનો ક્યાં ક્યાં ઉપયોગ થતો હતો તે તમે ખૂબ સારી રીતે જાણો છો. શું શું થતું હતું તે તમને ખબર છે? તમને યાદ છે કે ભૂલી ગયા છો? પરંતુ આજે ઉત્તરપ્રદેશના પૈસાનો ઉત્તરપ્રદેશના વિકાસ માટે જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અગાઉ આવી મોટી યોજનાઓ કાગળ ઉપર એટલા માટે શરૂ થતી હતી કે એ લોકો પોતાની તિજોરી ભરી શકે. આજે આવી યોજનાઓ ઉપર એટલા માટે કામ શરૂ થઈ રહ્યું છે કે જેથી ઉત્તરપ્રદેશના લોકોના પૈસાની બચત થાય. તમારા પૈસા તમારા ખિસ્સામાં જ રહે.
ભાઈઓ અને બહેનો,
જ્યારે સમય બચે છે, સાધનોનો સાચો ઉપયોગ થાય છે ત્યારે જ તો સમૃધ્ધિ પોતાની જાતે આવવાની શરૂઆત કરે છે. આજે ડબલ એન્જિનની સરકારમાં ઉત્તરપ્રદેશનું વધતું જતું સામર્થ્ય આપણે સૌ જોઈ રહ્યા છીએ. પૂર્વાંચલ એક્સપ્રેસવે હોય કે પછી દિલ્હી- મેરઠ એક્સપ્રેસવે હોય, કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ હોય કે પછી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરનો મહત્વપૂર્ણ તબક્કો હોય, આવા અનેક પ્રોજેક્ટ લોકસેવા માટે સમર્પિત થઈ ચૂક્યા છે. બુંદેલખંડ એક્સપ્રેસવે, ગોરખપુર લીંક એક્સપ્રેસવે, પ્રયાગરાજ લીંક એક્સપ્રેસવે, દિલ્હી- દહેરાદૂન એક્સપ્રેસવે, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી- મેરઠ રેપીડ હાઈ સ્પીડ કોરિડોર જેવી મેગા યોજનાઓ ઉપર આજે ઝડપથી કામ ચાલી રહ્યું છે. જે પણ માળખાકીય સુવિધાઓ અમે બનાવી રહ્યા છીએ તે અનેક ઉપયોગિતા પણ ધરાવે છે. તેમાં મલ્ટીમોડલ કનેક્ટિવિટીનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
સાથીઓ,
21મી સદીમાં કોઈપણ દેશની પ્રગતિ માટે હાઈ સ્પીડ કનેક્ટિવિટી સૌથી મોટી જરૂરિયાત છે. જ્યારે એક સરખી ઝડપથી આપણે મંજીલ સુધી પહોંચીશું તો ખર્ચ ઓછો આવશે. જો ખર્ચ ઓછો આવશે તો વેપારને વેગ મળશે. જ્યારે વેપારને વેગ મળશે ત્યારે નિકાસમાં પણ વધારો થશે. દેશની અર્થવ્યવસ્થામાં પણ વૃધ્ધિ થશે. એટલા જ માટે ગંગા એક્સપ્રેસવે ઉત્તરપ્રદેશના વિકાસને ગતિ તો આપશે જ, પણ સાથે સાથે ઉત્તરપ્રદેશને શક્તિ પણ આપશે. તેને પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાંથી પણ ઘણી બધી મદદ પ્રાપ્ત થશે. આ એક્સપ્રેસવેને એરપોર્ટ સાથે જોડવામાં આવશે, મેટ્રો સાથે જોડવામાં આવશે, જળ માર્ગો સાથે પણ જોડવામાં આવશે. ડિફેન્સ કોરિડોર સાથે પણ જોડવામાં આવશે. ગતિશક્તિ માસ્ટર પ્લાન હેઠળ તેને ટેલિફોનના તાર બિછાવવા માટે ઓપ્ટિકલ ફાઈબરનું નેટવર્ક લગાવવાનું હોય કે પછી વિજળીના તાર બિછાવવાના હોય, ગેસ ગ્રીડની વાત હોય કે ગેસની પાઈપલાઈન નાંખવાની હોય, વોટર ગ્રીડની વાત હોય કે હાઈસ્પીડ રેલવે યોજના સુધીની સંભાવનાઓને જોઈને તથા આ તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં કઈ ચીજોની જરૂર પડશે તે બધી બાબતોને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ એક્સપ્રેસવેને બનાવવા માટે જે નવા પૂલ બનાવવામાં આવશે, ઓવરબ્રીજ બનશે, જે પણ અન્ય જરૂરિયાતો હશે તેને મંજૂરી આપવા માટેનું કામ પણ ઝડપભેર આગળ ધપાવવામાં આવશે. ભવિષ્યમાં ઉત્તરપ્રદેશના કાર્ગો કન્ટેનર, વારાણસીના ડ્રાય પોર્ટના માધ્યમથી સીધી હલ્દિયા પોર્ટ સુધી મોકલી શકાશે. આનો અર્થ એ થાય કે ગંગા એક્સપ્રેસવેના કારણે પાક પેદા કરનારા લોકોને અને આપણાં ઉદ્યોગોને પણ ઘણો લાભ થશે. ઉત્પાદન એકમો સ્થપાશે, મેન્યુફેક્ચરીંગ સાથે જોડાયેલા તમામ નાના મોટા વેપારીઓ અને મહેનતુ નાગરિકોને પણ લાભ થશે.
ભાઈઓ અને બહેનો,
જ્યારે સમગ્ર ઉત્તરપ્રદેશ એક સાથે આગળ વધી રહ્યું છે કારણ કે ડબલ એન્જિનની સરકારનું ધ્યાન ઉત્તરપ્રદેશના વિકાસ ઉપર છે તેથી જ આવું થઈ રહ્યું છે. સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસના મંત્ર સાથે આપણે ઉત્તરપ્રદેશના વિકાસ માટે તનમનથી કામે લાગી ગયા છીએ. ઈમાનદારીથી પ્રયાસ કરી રહ્યા છીએ. તમે જૂના દિવસોને યાદ કરો. તમે જૂના નિર્ણયોને યાદ કરો. કામકાજ કરવાની જૂની પધ્ધતિઓને પણ યાદ કરો, તમને સ્પષ્ટપણે નજરે આવશે કે ઉત્તરપ્રદેશમાં હવે કોઈ ભેદભાવ નથી. સૌનું ભલુ થાય છે. તમે યાદ કરો, પાંચ વર્ષ પહેલાં કેવી સ્થિતિ હતી, રાજ્યના કેટલાક વિસ્તારોને બાદ કરીએ તો અન્ય શહેરોમાં અને ગામડાંઓમાં વિજળી શોધવાથી પણ મળતી ન હતી. આવું થતું હતું ને? જરા, જોરથી બોલીને બતાવો કે આવું થતું હતું કે નહીં? થોડાંક જ લોકોનું ભલું થતું હતું કે નહીં? કેટલાક જ લોકોના લાભ માટે કામ થતું હતું કે નહીં? માત્ર ઉત્તરપ્રદેશમાં જ આશરે 80 લાખ જેટલા વિજળીના જોડાણો મફત આપવામાં આવ્યા છે અને દરેક જિલ્લામાં અગાઉની તુલનામાં અનેકગણી વિજળી આપવામાં આવી રહી છે. ગરીબના ઘરની બાબતે પણ અગાઉની સરકારે ક્યારેય પણ ગંભીરતા દેખાડી ન હતી. હમણાં યોગીજી વર્ણન કરી રહ્યા હતા કે કાશીમાં મોદીજીએ શિવની પૂજા કરી અને ત્યાંથી નિકળ્યા પછી તુરત જ શ્રમિકોની પૂજા કરી. શ્રમિકો ઉપર પુષ્પ વર્ષા કરીને તેમને અભિનંદન આપ્યા.
ભાઈઓ અને બહેનો,
ત્યાં કેમેરાવાળા હતા એટલે આ બાબત ધ્યાનમાં આવી, પરંતુ અમારી સરકાર તો દિવસ રાત ગરીબો માટે કામ કરતી જ રહે છે. અમારી સરકારે ઉત્તરપ્રદેશમાં 30 લાખથી વધુ ગરીબોને પાકા મકાન બનાવીને આપ્યા છે.
ભાઈઓ અને બહેનો,
જ્યારે પોતાનું પાકુ ઘર બને છે ત્યારે સન્માનથી જીવવાનું મન થતું હોય છે કે નહીં? મસ્તક ઉંચુ થાય છે કે નહીં? છાતી ફૂલે છે કે નહીં? ગરીબને પણ દેશ માટે કશુંક કરવાની ઈચ્છા થતી હોય છે, થાય છે કે નહીં? જો મોદી આ કામ કરે છે તો તે સારૂં છે કે નહીં? સારૂ છે કે નહીં? 30 લાખ ગરીબોને પોતાના પાકા મકાન મળી રહે તો અમને તેમના આશીર્વાદ મળશે કે નહીં? તેમના આશીર્વાદની તાકાત અમને મળશે કે નહીં? તે તાકાતથી અમે વધુ સેવા કરી શકીશું કે નહીં? અમે તનમનથી તમારૂં કામ કરીશું કે નહીં?
ભાઈઓ અને બહેનો,
અહીંયા શાહજહાંપુરમાં ક્યારેય કોઈએ પણ વિચાર્યું હતું કે સમગ્ર ઉત્તરપ્રદેશમાં અગાઉ ક્યારેય આટલું કામ થશે? એકલા આપણાં શાહજહાંપુરમાં જ 50 હજાર લોકોને પાકા ઘર મળ્યા છે. તેમના જીવનનું સૌથી મોટું સપનું પૂરૂ થયું છે. જે લોકોને હજુ પણ પીએમ આવાસ યોજના હેઠળ મકાન મળ્યા નથી તેમને પણ જલ્દીથી ઘર મળી જાય તે માટે મોદી અને યોગી દિવસ રાત કામ કરતા રહે છે અને કરતા રહેશે. હાલમાં જ અમારી સરકારે આ કામ માટે રૂ.2 લાખ કરોડ મંજૂર કર્યા છે. કેટલા રૂ.2 લાખ કરોડ અને કયા કામ માટે? ગરીબો માટે પાકા ઘર બનાવવા માટે. આ ખજાનો તમારો છે, તમારા માટે જ છે, તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે છે. મિત્રો, 5, 50 પરિવારોની ભલાઈ માટે તમારા પૈસાનો દુરૂપયોગ અમે કરી શકીએ તેમ નથી. મારા વ્હાલા ભાઈઓ અને બહેનો અમે તમારા માટે જ કામ કરીએ છીએ.
ભાઈઓ અને બહેનો,
આઝાદી પછી પ્રથમ વખત આજે ગરીબોનુ દુઃખ સમજનારી, ગરીબો માટે કામ કરનારી સરકાર બની છે. પ્રથમ વખત ઘર, વિજળી, પાણી, સડક, શૌચાલય, ગેસનું જોડાણ જેવી પાયાની સુવિધાઓને આટલી બધી અગ્રતા આપવામાં આવી રહી છે. વિકાસનું આવું જ કામ ગરીબ, દલિત, વંચિત અને પછાત લોકોનું જીવન બદલી નાંખતું હોય છે. તમે આ વિસ્તારની હાલતને તો યાદ કરો. અગાઉ અહીંયા રાત- બે રાત ઈમર્જન્સી ઉભી થતી હતી ત્યારે કોઈને દવાખાને લઈ જવાની જરૂર પડતી હતી ત્યારે હરદોઈ, શાહજહાંપુર, ફરૂખાબાદના લોકોએ લખનૌ, કાનપુર, દિલ્હી સુધી દોડવું પડતું હતું. અહીંયા એટલા દવાખાના ન હતા અને અન્ય શહેરો સુધી જવા માટેની સડકો પણ ન હતી. આજે અહીં સડકો પણ બની છે અને એક્સપ્રેસવે પણ બનાવવામાં આવી રહ્યા છે અને મેડિકલ કોલેજો પણ ખૂલી ગઈ છે. હરદોઈ અને શાહજહાંપુર બંને સ્થળોએ એક- એક મેડિકલ કોલેજ! આવી જ રીતે સમગ્ર ઉત્તરપ્રદેશમાં ડઝન જેટલી નવી મેડિકલ કોલેજો યોગીજીએ શરૂ કરી છે. તેમની સમગ્ર ટીમનો તેમાં સહયોગ મળ્યો છે. આવું જ હોય છે દમદાર કામ, ઈમાનદાર કામ.
ભાઈઓ અને બહેનો,
જે કોઈપણ વ્યક્તિ સમાજમાં પછાત હોય, પાછળ રહી ગયો છે તેને સશક્ત કરવો, તેના સુધી વિકાસનો લાભ પહોંચાડવો તે અમારી સરકારની અગ્રતા છે. આવી જ ભાવના અમારી કૃષિ નીતિ માટે પણ છે. ખેડૂતો સાથે જોડાયેલી નીતિમાં પણ જોવા મળે છે. વિતેલા વર્ષોમાં બીજથી માંડીને બજાર સુધીની જે કોઈ પણ વ્યવસ્થા અમે ઉભી કરી છે તેમાં દેશના આવા 80 ટકાથી વધુ નાના ખેડૂતોને અગ્રતા આપવામાં આવી છે. જેમની પાસે બે હેક્ટર કરતાં પણ ઓછી જમીન હોય તેમને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ હજારો કરોડ રૂપિયા સીધા તેમના બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે. તેનો સૌથી મોટો લાભ નાના ખેડૂતોને થયો છે. આજે અમે તે નાના કરોડો ખેડૂતોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા સાથે જોડી રહ્યા છીએ. શું ક્યારેય અમે નાના ખેડૂતોને ભૂલ્યા છીએ? નાના ખેડૂતો માટે બેંકના દરવાજા અગાઉ ખૂલતા જ ન હતા. એમએસપીમાં વિક્રમ વધારો કરવામાં આવ્યો અને સરકારે વિક્રમ ખરીદી કરીને એ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવાથી નાના ખેડૂતોને ઘણી રાહત મળી છે.
સાથીઓ,
અમારૂં ધ્યાન દેશમાં સિંચાઈની સુવિધાનો વિસ્તાર કરવા તરફ પણ છે. સિંચાઈના ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી અંગે પણ છે. એટલા માટે અમે રૂ.1 લાખ કરોડ આજે ગ્રામીણ માળખાકીય સુવિધાઓ માટે, સંગ્રહ, કોલ્ડ સ્ટોરેજ જેવી માળખાકીય સુવિધાઓ માટે ખર્ચી રહ્યા છીએ. અમારો એવો પ્રયાસ છે કે ગામની નજીક જ આવી માળખાકીય સુવિધાઓ તૈયાર કરવામાં આવે અને તેનાથી જલ્દી ખરાબ થઈ જતી હોય તેવી ચીજો અને વધુ પૈસા મળતા તેવા ફળ અને શાકભાજીની ખેતી ખેડૂત વધુને વધુ પ્રમાણમાં કરી શકે અને જલ્દી બહાર મોકલી શકે. તેનાથી ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગોનો પણ ઝડપથી વિસ્તાર થઈ શકશે અને ગામની નજીક જ રોજગારીની નવી તકો પણ ઉભી થશે.
ભાઈઓ અને બહેનો,
વિતેલા વર્ષોમાં શેરડી ઉગાડનાર ખેડૂતોની દાયકાઓ જૂની સમસ્યાઓ પ્રમાણિકતાપૂર્વક દૂર કરવા માટે નવા વિકલ્પો, નવા ઉપાયો શોધવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આજે શેરડીના લાભદાયી મૂલ્ય બાબતે પણ ઉત્તરપ્રદેશનો સમાવેશ દેશના અગ્રણી રાજ્યોમાં થાય છે. ચૂકવણીની બાબતે પણ યોગીજીની સરકારે નવા વિક્રમો સ્થાપિત કર્યા છે. હાલમાં ઈથેનોલનું પેટ્રોલમાં બ્લેન્ડીંગ કરવાની બાબતમાં પણ અભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે. તેનાથી ક્રૂડ ઓઈલ મંગાવવામાં વપરાતો દેશનો પૈસો તો બચી જ રહ્યો છે અને સાથે સાથે ખાંડ ક્ષેત્ર પણ મજબૂત થઈ રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
આપણે ત્યાં કેટલાક રાજકિય પક્ષો એવા છે કે જેમને દેશના વારસા અંગે પણ વાંધો છે અને દેશના વિકાસથી પણ તકલીફ પડી રહી છે. એટલા માટે કે તેમને તેમની વોટ બેંકની ચિંતા તેમને વધુ સતાવી રહી છે. દેશના વિકાસમાં તેમને તકલીફ એટલા માટે છે કે ગરીબની, સામાન્ય માનવીની તેમના ઉપરની નિર્ભરતા રોજે રોજ ઓછી થઈ રહી છે. તમે જાતે જ જુઓ, આ લોકોને કાશીમાં બાબા વિશ્વનાથનું ભવ્ય ધામ બન્યું તેને કારણે પણ તકલીફ પડી રહી છે. આવા લોકોને અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર બની રહ્યુ છે તેની સામે પણ તકલીફ છે. આ લોકોને ગંગાજીની સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે તેની પણ તકલીફ છે. આ એ લોકો છે કે જે આતંકીઓના આકાઓની સામે સેનાની કાર્યવાહી અંગે પણ સવાલો ઉઠાવી રહ્યા હતા. આ એવા લોકો છે કે જે ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવેલી મેડ ઈન ઈન્ડિયા કોરોના રસીને પણ શંકાની નજરે જોતા હતા.
ભાઈઓ અને બહેનો
આ પ્રદેશ, આ દેશ ખૂબ મોટો છે, ખૂબ મહાન છે. અગાઉ પણ સરકારો આવતી હતી અને જતી હતી. દેશના વિકાસનો, દેશના સામર્થ્યનો ઉત્સવ આપણે સૌએ ખૂલ્લા મનથી મનાવવો જોઈએ, પણ અફસોસ એ વાતનો છે કે આ લોકોના વિચારો આવા નથી. સરકાર જ્યારે સાચી નિયતથી આગળ ધપતી હોય છે ત્યારે કેવા પરિણામો આવે છે તેનો ઉત્તર પ્રદેશે અનુભવ કર્યો છે. યોગીજીના નેતૃત્વમાં અહિંયા સરકાર બની તે પહેલાં પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી હતી તે બાબતે તમે સારી રીતે પરિચિત છો. પહેલાં અહીંયા શું કહેવામાં આવતું હતું? લોકો કહેતા હતા કે દીવો થાય તે પહેલાં ઘરે પાછા આવી જાવ, કારણ કે સૂરજ ડૂબે તે પછી તમંચા લહેરાવનારા લોકો રસ્તા પર આવી જતા હતા અને લોકોને ધમકાવતા હતા. હવે આ તમંચા ગયા કે નહીં? તમંચા જવા જોઈતા હતા કે નહીં? દીકરીઓની સુરક્ષા અંગે અવારનવાર સવાલો થતા રહેતા હતા. દીકરીઓને સ્કૂલ કે કોલેજમાં જવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. વેપારી કે કારોબારી ઘરેથી સવારે નિકળતા હતા ત્યારે પરિવારના લોકોને તેમની ચિંતા રહેતી હતી. ગરીબ પરિવારો અન્ય રાજ્યમાં કામ કરવા જતા હતા ત્યારે ઘર અને જમીન ઉપર ગેરકાયદે કબજો થઈ જશે તેની ચિંતા રહેતી હતી. ક્યારે ક્યાં રમખાણ થઈ જાય, ક્યાં આગચંપી થઈ જાય તે કોઈ કહી શકતું ન હતું. ભાઈઓ અને બહેનો આ તમારો પ્રેમ છે, આ જ તમારા આશીર્વાદ છે કે જે અમને દિવસ- રાત કામ કરવાની પ્રેરણા પૂરી પાડે છે.
ભાઈઓ અને બહેનો,
તમે જાણો છો કે આવી સ્થિતિ હોવાના કારણે અનેક ગામડાંમાંથી સ્થળાંતર કરવાની ફરિયાદો પણ આવતી રહેતી હતી, પરંતુ વિતેલા ચારથી સાડા ચાર વર્ષમાં યોગીજીની સરકારે સ્થિતિ સુધારવા માટે ઘણો પરિશ્રમ કર્યો છે. આજે જ્યારે તે માફિયો ઉપર બુલડોઝર ચલાવે છે, ત્યારે બુલડોઝર તો ગેરકાયદે ઈમારત પર ચાલે છે, પણ દર્દ તેનું પાલનપોષણ કરનારા લોકોને થાય છે. આજે સમગ્ર યુપીની જનતા કહી રહી છે કે યુપી પ્લસ યોગી, ઘણા છે ઉપયોગી. યુપી પ્લસ યોગી, ઘણા છે ઉપયોગી. યુપી પ્લસ યોગી, ઘણાં છે ઉપયોગી. હું ફરીથી કહીશ કે U.P.Y.O.G.I. યુપી પ્લસ યોગી, ઘણાં છે ઉપયોગી !
સાથીઓ,
હું તેનું તમને એક ઉદાહરણ આપવા માગુ છું. હમણાં થોડાંક દિવસ પહેલાં મેં એક સમાચાર વાંચ્યા હતા. આ સમાચાર આપણાં સામર્થ્યવાન શહેર મેરઠના હતા, પરંતુ સમગ્ર ઉત્તરપ્રદેશ, દિલ્હી, એનસીઆર અને દેશના બાકીના રાજ્યોને પણ તેની જાણકારી મળે તે ખૂબ જરૂરી છે.
ભાઈઓ અને બહેનો,
મેરઠમાં એક મહોલ્લો હતો, એક બજાર હતું- સોતીગંજ. દેશમાં કોઈપણ સ્થળે ગાડીની ચોરી થાય તો તે ગાડી સોતીગંજમાં આવતી હતી. તે ભંગારમાં જવા માટે, ખોટા ઉપયોગ માટે મેરઠથી સોતીગંજ લાવવામાં આવતી હતી. દાયકાઓથી આવું ચાલી રહ્યું હતું. ચોરીની ગાડીઓ ભંગારમાં લઈ જવા માટે આકાઓ હતા. આવા લોકો પર કાર્યવાહી કરવાની અગાઉની સરકારોમાં હિંમત જ ન હતી. આ કામ પણ હવે યોગીજીની દમદાર સરકારે અને સ્થાનિક શાસને કરી બતાવ્યું છે. હવે સોતીગંજનું આ કાળા બજાર કરનારૂં બજાર બંધ કરાવી દેવામાં આવ્યું છે.
ભાઈઓ અને બહેનો,
જેમને માફિયાઓનો સાથ પસંદ છે તે માફિયાઓની જ ભાષા બોલશે. અમે તો એવા લોકોનું ગૌરવ ગાન કરીએ છીએ કે જેણે પોતાના તપ અને ત્યાગથી આ દેશનું નિર્માણ કર્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ પણ આવી જ ભાવનાનું પ્રતિક છે. દેશની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા લોકોને યોગ્ય સ્થાન આપવું તે આપણાં સૌ દેશવાસીઓની ફરજ છે, કર્તવ્ય છે અને જવાબદારી પણ છે. આ કડીમાં શાહજહાંપુરમાં શહિદ સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સંગ્રહાલયમાં શહીદોની સ્મૃતિઓને સાચવવામાં આવશે. આવા પ્રયાસો કરવાથી અહીં આવનારી નવી પેઢીને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ ભાવનાની પ્રેરણા હંમેશા મળતી રહેશે. તમારા આશીર્વાદથી ઉત્તરપ્રદેશના વિકાસનો આ કર્મયોગ આવી જ રીતે સતત આગળ ધપતો રહેશે. પૂર્વ હોય કે પશ્ચિમ, અવધ હોય કે બુંદેલખંડ, ઉત્તરપ્રદેશના ખૂણે ખૂણાને વિકસીત કરવાનું અભિયાન ચાલુ રહેશે. ફરી એક વખત આપ સૌને ગંગા એક્સપ્રેસવે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
મારી સાથે જોરથી બોલો,
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ખૂબખૂબ ધન્યવાદ!