પ્રધાનમંત્રીએ સ્મૃતિ વન સ્મારકનું પણ ઉદ્ઘાટન કર્યું
“સ્મૃતિ વન સ્મારક અને વીર બાલ સ્મારક એ કચ્છ, ગુજરાત અને સમગ્ર દેશની સહિયારી પીડાના પ્રતીક છે”
“કેટલાક એવા લોકો હતા જેઓ કહેતા હતા કે કચ્છ ક્યારેય તેના પગ પર ઊભું નહીં થઇ શકે. પરંતુ આજે કચ્છના લોકોએ સંપૂર્ણપણે આખું પરિદૃશ્ય બદલી નાખ્યું છે”
“તમે જોઇ શકો છો કે મૃત્યુ અને આપત્તિ વચ્ચે પણ, અમે 2001 માં કેટલાક સંકલ્પો કર્યા હતા અને આજે આપણે તેને સાર્થક થતા જોઇ શકીએ છીએ. એવી જ રીતે, આજે આપણે જે સંકલ્પ લઇએ છીએ, તે આપણને 2047માં ચોક્કસ સાકાર થતા જોવા મળશે”
“કચ્છે માત્ર પોતાને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને નવી ઊંચાઇઓ પર પહોંચાડ્યું છે”
“ગુજરાત જ્યારે કુદરતી આપદાઓ સામનો કરી રહ્યું હતું, ત્યારે ષડયંત્રોનો સમયગાળો શરૂ થયો હતો. દેશ અને દુનિયામાં ગુજરાતને બદનામ કરવા માટે, અહીં બહારથી આવતું રોકાણ અટકાવવા માટે એક પછી એક ષડયંત્રો રચવામાં આવ્યા હતા”
“ધોળાવીરાની દરેક ઇંટ આપણા પૂર્વજોનું કૌશલ્ય, જ્ઞાન અને વિજ્ઞાન દર્શાવે છે”
“કચ્છનો વિકાસ, સબકા પ્રયાસની મદદથી આવતા અર્થપૂર્ણ પરિવર્તનનું ઉત્તમ દૃષ્ટાંત છે”

ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલજી, સંસદમાં મારા સાથી તથા ગુજરાતના ભાજપના અધ્યક્ષ શ્રી સી આર પાટિલ જી, ગુજરાત સરકારના તમામ મંત્રીગણ, સાંસદગણ અને ધારાસભ્યગણ તથા અહીં જંગી સંખ્યામાં આવેલા કચ્છના મારા પ્યારા બહેનો તથા ભાઈઓ.

મારા પ્યારા ભાઈઓ અને બહેનો કેમ છો ? બધુ બરાબર છે ને ? કચ્છમાં વરસાદ ઘણો સારો થયો છે તેનો આનંદ તમારા ચહેરા પર દેખાઈ રહયો છે.

સાથીઓ,
આજે મારું મન ઘણી બઘી લાગણીઓથી ભરાયેલું છે. ભુજિયો ડુંગરમાં સ્મૃતિવન મેમોરિયલ અને અંજારમાં વીર બાલ સ્મારકનું લોકાર્પણ કર્છની, ગુજરાતની, સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે. તેના નિર્માણમાં માત્ર પરસેવો જ નહીં પરંતુ સંખ્યાબંધ પરિવારના આંસૂઓએ પણ તેના ઇંટ પથ્થરને સીંચ્યા છે.

મને યાદ છે કે અંજારમાં બાળકોના પરિજનોએ બાળ સ્મારક બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો. ત્યારે અમે તમામે એ નક્કી કર્યું હતું કે કારસેવા દ્વારા તેને પૂર્ણ કરીશું. જે પ્રણ અમે લીધા હતા તે આજે પૂરા થઈ ગયા. જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા, પોતાના બાળકોને ગુમાવ્યા હું આજે ભારે હૃદયથી આ સ્મારકોને તેમને સમર્પિત કરું છું.

આજે કચ્છ માટે વિકાસથી જોડાયેલા ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના અન્ય પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. તેમાં પાણી, વિજળી, રસ્તાઓ તથા ડેરીથી સંકળાયેલા પ્રોજેક્ટ છે. આ ગુજરાતના, કચ્છના વિકાસ માટે ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. માતા આશાપુરાના દર્શન વધારે સરળ બને, તેના માટે આજે નવી સુવિધાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. માતાના મઢ તેના વિકાસની આ સુવિધા જ્યારે તૈયાર થઈ જશે તો દેશભરમાંથી આવનારા ભક્તોને નવો અનુભવ મળશે. આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કેવી રીતે કચ્છ આગળ ધપી રહ્યું છે, ગુજરાત આગળ ધપી રહ્યું છે આ તેનું પણ પ્રમાણ છે.

ભાઈઓ અને બહેનો,

આજે ભુજની ધરતી પર આવ્યો અને સ્મૃતિવન જઈ રહ્યો હતો, આખા રસ્તા પર કચ્છે જે પ્રેમ વરસાવ્યો, જે આશીર્વાદ આપ્યા, હું આ ધરતીને પણ નમન કરું છું અને અહીના લોકોને પણ નમન કરું છું. અહીં આવવામાં મને જરા વિલંબ થઈ ગયો, હું ભુજ તો સમયસર આવી ગયો હતો પરંતુ તે રોડ શોમાં જે સ્વાગત ચાલ્યું અને ત્યાર બાદ હું સ્મૃતિવન ગયો ત્યાંથી નીકળવાનું મન જ થતું ન હતું.

બે દાયકા અગાઉ કચ્છે જે કાંઈ સહન કર્યું અને ત્યાર બાદ કચ્છે જે જુસ્સો દાખવ્યો તેની દરેક ઝલક આ સ્મૃતિવનમાં છે. જેમ જીવન માટે કહેવાય છે તે વયમ અમૃતાસઃના પુત્ર જેવી આપણી કલ્પના છે, ચરૈવતિ-ચરૈવતિનો મંત્ર આપણી પ્રેરણા છે તે જ રીતે આ સ્મારક પણ આગળ ધપવાની પ્રેરણા છે.

સાથીઓ,
જ્યારે હું સ્મૃતિવનના અલગ અલગ હિસ્સામાંથી પસાર થઈ રહ્યો હતો તો ઘણી બધી પુરાણી યાદો મારા મન મસ્તકમાં આવી રહી હતી. સાથીઓ, અમેરિકામાં 9/11 જે ઘણો મોટો આતંકી હુમલો થયો હતો ત્યાર બાદ ત્યાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે, “ગ્રાઉન્ડ ઝીરો” તેમ પણ મેં નિહાળ્યું છે. મેં હિરોશીમાના હુમલા બાદ તેમની સ્મૃતિમાં તૈયાર કરાયેલું મ્યુઝિયમ બન્યું છે તે પણ જોયું છે. અને આજે સ્મૃતિવન નિહાળ્યા બાદ હું દેશવાસીઓને અત્યંત નમ્રતાપૂર્વક કહેવા માગું છું, સમગ્ર દેશને કહું છું કે આપણું સ્મૃતિવન દુનિયાના સારામાં સારા આવા સ્મારકોની સરખામણીએ એક ડગલું પણ પાછળ નથી.
અહીં પ્રકૃત્તિ, પૃથ્વી, જીવન તેની શિક્ષા-દિક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા છે. હું કચ્છના લોકોને કહીશ કે અહીં કોઈ મહેમાન આવે તો સ્મૃતિવન જોયા વિના જઈ શકે નહીં. હવે આપના આ કચ્છમાં હું શિક્ષણ વિભાગને પણ કહીશ  કે જ્યારે શાળાના બાળકો પ્રવાસ કરે છે તો તેઓ એક દિવસ સ્મૃતિવન માટે પણ રાખે જેથી તેમને જાણ થાય કે પૃથ્વી અને પ્રકૃત્તિનો વ્યવહાર કેવો હોય છે.

સાથીઓ,
મને યાદ છે જ્યારે ભૂકંપ આવ્યો હતો, 26મી જાન્યુઆરીનો એ દિવસ, એ દિવસે હું દિલ્હીમાં હતો.  ભૂકંપનો અનુભવ દિલ્હીમાં પણ થયો હતો. અને થોડા જ કલાકોમાં હું દિલ્હીથી અમદાવાદ પહોંચ્યો. અને બીજે દિવસે કચ્છ પહોંચી ગયો.  ત્યારે હું મુખ્યમંત્રી ન હતો, એક સાધારણ રાજકારણી ભારતીય જનતા પાર્ટીનો નાનો અમથો કાર્યકર્તા હતો. મને ખબર ન હતી કે હું કેવી રીતે અને કેટલા લોકોની મદદ કરી શકીશ. પરંતુ મેં નક્કી કર્યું કે હું આ દુઃખની ક્ષણોમાં આપ સૌની વચ્ચે રહીશ અને જે કાંઈ પણ શક્ય હશે હું આપના દુઃખમાં સામેલ થવાનો પ્રયાસ કરીશ.

મને ખબર પણ ન હતી કે અચાનક મારે મુખ્યમંત્રી બનવું પડશે. અને જ્યારે મુખ્યમંત્રી બન્યો તો તે સેવા કાર્યોનો અનુભવ મને ખૂબ કામ લાગ્યો. એક સમયની વધુ એક વાત મને યાદ આવે છે. ભૂકંપ પીડિતોની મદદ માટે પરદેશથી પણ અનેક લોકો અહીં આવ્યા હતા. તેમને એ વાતનું આશ્ચર્ય થતું હતું કે કેવી રીતે અહીં નિસ્વાર્થપણે સ્વયંસેવકો સંકળાયેલા છે. તેમની ધાર્મિક, સામાજિક સંસ્થાઓ રાહત અને બચાવમાં જોડાયેલી છે. તેઓ મને કહેતા હતા કે દુનિયામાં ઘણી જગ્યાઓએ તેઓ જાય છે પરંતુ આવો સેવા ભાવ ભાગ્યે જ અમે ક્યારેય જોયો છે. સામૂહિકતાની આ જ તો મોટી શક્તિ છે જેણે એ કપરાં સમયમાં કચ્છને, ગુજરાતને સંભાળી લીધું.

આજે હું જ્યારે કચ્છની ધરતી પર આવ્યો, ઘણો પુરાણો નાતો રહ્યો છે. મારો તમારી સાથે ઘણો પુરાણો સંબંધ રહ્યો છે. અગણિત નામોની સ્મૃતિ મારી સામે ઉભરીને આવી રહી છે. કેટલાય લોકોના નામ યાદ આવી રહ્યા છે. આપણા ધીરૂભાઈ શાહ, તારાચંદ છેડા, અનંત ભાઈ દવે, પ્રતાપ સિંહ જાડેજા, નરેન્દ્ર ભાઈ જાડેજા, હીરા લાલ પરીખ, ભાઈ ધનસુખ ઠક્કર, રસિક ઠક્કર, ગોપાલ ભાઈ, આપણા અંજારના ચંપક લાલ શાહ અગણિત લોકો જેમની સાથે ખભે ખભો મિલાવીને કામ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું, આજે તેઓ આ દુનિયામાં નથી. પરંતુ તેમનો આત્મા જ્યાં પણ હશે, કચ્છના વિકાસ માટે તેમને સંતુષ્ટિની લાગણી થતી હશે, તેઓ આપણને આશીર્વાદ આપતા હશે.

અને આજે, આજે પણ જ્યારે મારા સાથીઓને મળું છું, ચાહે તે આપણા પુષ્પદાન ભાઈ હોય, આપણા મંગલદાદા ધનજીભાઈ હોય, આપણા જીવા શેઠ જેવું વ્યક્તિત્વ આજે પણ કચ્છના વિકાસને પ્રેરણા આપી રહ્યું છે. કચ્છની એક વિશેષતા તો હંમેશાં રહી છે અને તેની ચર્ચા હું હંમેશાં કરતો આવ્યો છું. અહી રસ્તે ચાલનારો કોઈ વ્યક્તિ પણ સપનાનું વાવેતર કરી જાય તો સમગ્ર કચ્છ તેને વટવૃક્ષ બનાવવામાં લાગી જાય છે. કચ્છના આ જ સંસ્કારોએ તમામ આશંકા, તમામ આકલનને ખોટા પુરવાર કરી દીધા છે. એમ કહેનારા ઘણા હતા કે હવે કચ્છ ક્યારેય પોતાના પગ પર બેઠું થઈ શકશે નહીં. પરંતુ આજે કચ્છના લોકોએ અહીંની સિકલ સંપૂર્ણપણે બદલી નાખી છે.

સાથીઓ,
મુખ્યમંત્રીના રૂપમાં મારી પહેલી દિવાળી અને ભૂકંપ બાદ કચ્છના લોકો માટેની પહેલી દિવાળી, મેં એ દિવાળી મનાવી ન હતી. મારી સરકારના કોઈ મંત્રીએ દિવાળી મનાવી ન હતી. અને અમે બધા ભૂકંપ બાદની જે પહેલી દિવાળી, સ્વજનોની યાદ આવવી ખૂબ સ્વાભાવિક સ્થિતિ હતી, હું આપ સૌની વચ્ચે આવીને રહ્યો હતો. અને આપ જાણો છો કે હું વર્ષોથી દિવાળી સરહદ પર જઈને, સરહદ પર જઈને દેશના જવાનો સાથે વીતાવીને આવ્યો છું.  પરંતુ એ વર્ષે મેં મારી પરંપરા તોડીને ભૂકંપ પીડિતોની સાથે દિવાળી મનાવવા માટે આપ સૌની વચ્ચે આવીને રહ્યો હતો. મને યાદ છે કે આખો દિવસ હું ચૌબારીમાં રહ્યો હતો. અને પછી સાંજે ત્રમ્બો ગામમાં ચાલ્યો ગયો હતો. મારી સાથે કેબિનેટના તમામ સદસ્ય, ગુજરાતમાં જ્યાં જ્યાં ભૂકંપની આપત્તિ આવી હતી ત્યાં જઈને તેઓ દિવાળીના દિવસે સૌના દુઃખમાં ભાગીદાર બન્યા હતા.
મને યાદ છે કે કપરા સમયના એ દિવસોમાં મે કહ્યું હતું અને અત્યંત આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે આપણે આપદાને અવસરમાં બદલીને રહીશું. મેં એમ પણ કહ્યું હતું કે આપને જે રણ દેખાય છે ને, એ રણમાં મને ભારતના તોરણ દેખાય છે. અને આજે જ્યારે હું કહું છું, લાલ કિલ્લા પરથી કહું છું, 15મી ઓગસ્ટે કહું છું કે 2047માં ભારત વિકસીત દેશ બનશે. જેમણે મને કચ્છમાં સાંભળ્યો છે, જોયો છે, 2001-02 ભૂકંપના એ કાળખંડમાં વિપરીત પરિસ્થિતિમાં મેં જે કહ્યું હતું, તે આજે તમારી નજર સામે સત્ય બનીને ઉભરી રહ્યું છે. તેથી જ કહું છું કે આજનું હિન્દુસ્તાન આપને ઘણી ખામીઓ નજરે પડતી હશે. 2047માં હું આજ સપનાઓ જોઈ રહ્યો છું દોસ્તો, જેવા સપના 2001-02માં મોતની ચાદર ઓઢીને તે જે આપણું કચ્છ હતું ત્યારે એ સપના જોઈ જોઈને આજે કરી દેખાડ્યા છે. 2047માં હિન્દુસ્તાન પણ કરીને દેખાડશે.
અને કચ્છના લોકોએ, ભુજના લોકોની ભુજાઓએ આ સમગ્ર ક્ષેત્રની કાયાકલ્પ કરીને દેખાડી દીધું છે. કચ્છની કાયાકલ્પ ભારતની જ નહીં સમગ્ર વિશ્વના મોટા માટે શિક્ષણ સંસ્થાનો માટે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે એક રિસર્ચનો વિષય રહ્યો છે. 2001માં સંપૂર્ણપણે તબાહ થયા બાદ કચ્છમાં જે કામ થયું છે તે અકલ્પનીય છે.

કચ્છમાં 2003માં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી બની તો ત્યાં 35 કરતાં વધારે કોલેજોની સ્થાપના પણ કરવામાં આવી છે. એટલું જ નહીં આટલા ઓછા સમયમાં 1000થી વધારે સારી નવી શાળાઓ પણ બનાવવામાં આવી છે.

ભૂકંપમાં કચ્છની જિલ્લા હોસ્પિટલ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગઈ હતી. આજે કચ્છમાં ભૂકંપ-રોધી આધુનિક હોસ્પિટલ છે, 200થી વધારે નવા ચિકિત્સા કેન્દ્ર કામ કરી રહ્યા છે. જે કચ્છ હંમેશાં દુકાળની લપેટમાં રહેતો હતો જ્યાં પાણી જીવનનો સૌથી મોટો પડકાર હતો ત્યાં આજે કચ્છ જિલ્લાના દરેક ઘરમાં નર્મદાનું પાણી પહોંચવા લાગ્યું છે.

આપણે ક્યારેય આસ્થા અને શ્રદ્ધાના નાતે ગંગાજીમાં સ્નાન કરીએ છીએ, યમુનાજીમાં, સરયુમાં અને નર્મદામાં પણ અને એટલે સુધી કહીએ છીએ કે નર્મદા જી તો એટલી પવિત્ર છે કે નામ સ્મરણથી જ પૂણ્ય મળે છે. જે નર્મદા જીના દર્શન કરવા માટે લોકો યાત્રા કરે છે આજે તે જ માતા નર્મદા કચ્છની ધરતી પર આવી છે.

કોઊ કલ્પના કરી શકતું નથી કે ક્યારેક ટપ્પર, ફતેહગઢ અને સુવાઈ બંધમાં પણ નર્મદાનું પાણી પહોંચી શકે છે. પરંતુ આ સ્વપ્ન પણ કચ્છના લોકોએ સાકાર કરી દેખાડ્યું છે. જે કચ્છમાં સિંચાઈ પરિયોજનાનું કોઈ વિચારી પણ શકતું ન હતું ત્યાં હજારો ચેક ડેમ્સ બનાવીને, સુજલામ ,ફલામ જળ અભિયાન ચલાવીને હજારો હેક્ટર જમીનને સિંચાઈના દાયરામાં આવરી લેવામાં આવી છે.

ભાઈઓ અને બહેનો,

ગયા મહિને રાયણ ગામમાં માતા નર્મદાનું પાણી પહોંચ્યું તો લોકોએ જે પ્રકારે ઉત્સવ મનાવ્યો તેને જોઇને દુનિયામાં અનેક લોકોને આશ્ચર્ય થયું. આ આશ્ચર્ય એટલા માટે હતું કેમ કે તેમને એ વાતનો આભાસ નથી કે કચ્છ માટે પાણીનો અર્થ શું હોય છે. એક જમાનો હતો બાળકે જન્મ બાદ ચાર ચાર વર્ષ થઈ જાય તો પણ તેણ વરસાદ જોયો ન હોય. આ મારા કચ્છે જીવન આવી મુશ્કેલીમાં ગુજાર્યું છે. કચ્છમાં ક્યારેય નહેરો હશે, ટપક સિંચાઈની સુવિઘા હશે તેના વિશે બે દાયકા અગાઉ કોઈ વાત કરતું તો ભરોસો કરનારા ઘણા ઓછા લોકો મળી રહેતા હતા.

મને યાદ છે કે 2002માં જ્યારે ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન માંડવી આવ્યો હતો તો મેં કચ્છવાસીઓ પાસેથી આશીર્વાદ માગ્યા હતા. આશીવાર્દ એ વાતના કે હું કચ્છમાં મોટા ભાગના હિસ્સાને માતા નર્મદાના પાણી સાથે જોડી શકું. આપના આશીર્વાદે જે શક્તિ આપી  તેનું જ પરિણામ છે આજે આપણે સૌ આ સારા અવસરના ભાગીદાર બની રહ્યા છીએ. આજે કચ્છ ભુજ નહેરનું લોકાર્પણ થયું છે. તેનાથી સેંકડો ગામડાના હજારો ખેડૂત પરિવારોને લાભ થશે.

ભાઈઓ અને બહેનો,

કચ્છના લોકોની ભાષા બોલી એટલી મીઠી છે કે જે એક વાર અહીં આવી ગયો તે કચ્છને ભૂલી શકશે નહીં. અને મને તો સેંકડો વાર કચ્છ આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અહીની દાબેલી, ભેળપૂરી, આપણા કચ્છની પાતળી છાશ, કચ્છની ખારેક, કેસરનો સ્વાદ, શું નથી. જૂની કહેવત છે કે મહેનતનું ફળ મીઠું હોય છે. કચ્છે આ કહેવતને જમીન પર ઉતારીને લાવી દીધી છે.

મને આનંદ છે કે ફળના ઉત્પાદનના મામલામાં કચ્છ આજે ગુજરાતમાં નંબર વન બની ગયું છે. અહીંના ગ્રીન ડેટ્સ, કેસર કેરી, અનાર અને કમલમ જેવા કેટલાય ફળ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની મીઠાશ લઈને જઈ રહ્યા છે.

સાથીઓ,
હું એ દિવસ ભૂલી શકું નહીં જ્યારે કચ્છમાં રહેનારા લોકો ઇચ્છતા ન હોવા છતાં પશુઓને લઈને માઇલો દૂર પલાયન કરી જતા હતા અથવા  તો ક્યારેક પશુઓને છોડીને ખુદ જ મજબૂર થઈને જવા માટે મજબૂર બની જતા હતા. સાધન નહીં હોવાને કારણે, સંસાધન નહીં હોવાને કારણે પશુધનનો ત્યાગ આ સમગ્ર ક્ષેત્રની મજબૂરી બની જતી હતી. જે ક્ષેત્રમાં પશુ પાલન સેંકડો વર્ષોથી આજીવિકાનું સાધન રહ્યું હોય ત્યાં આ સ્થિતિ ઘણી ચિંતામાં નાખનારી હતી. પરંતુ આજે આ જ કચ્છમાં ખેડૂતોએ પશુધન દ્વારા ધન વધારવાનું શરૂ કરી દીધું છે. 20 વર્ષમાં કચ્છમાં દૂધ ઉત્પાદન ત્રણ ગણા કરતાં ય વધી ગયું છે.
જ્યારે હું અહીં મુખ્યમંત્રી તરીકે કામ કરતો હતો ત્યારે 2009ની સાલમાં અહીં સરહદ ડેરીની શરૂઆત કરવામાં આવી હતી. એ સમયે આ ડેરીમાં એક દિવસમાં 1400 લીટર દૂધ જમા થતું હતું. જ્યારે તેનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે 1400 લીટરથી પણ ઓછું. પરંતુ આજે આ સરહદ ડેરીમાં દરરોજ પાંચ લાખ લીટર સુધી દૂધ ખેડૂતો દ્વારા જમા થાય છે. આજે આ ડેરીને કારણે દર વર્ષે ખેડૂતોના ખિસ્સામાં લગભગ લગભગ 800 કરોડ રૂપિયા જમા થાય છે. દોસ્તો, મારા કચ્છના ખેડૂતોના ખિસ્સામાં. આજે અંજાર તાલુકાના ચંદ્રાણી ગામમાં સરહદ ડેરીના જે આધુનિક પ્લાન્ટનું લોકાર્પણ થયું છે તેનાથી પણ ખેડૂતો તથા પશુપાલકોને ઘણો ફાયદો થનારો છે. તેમાં જે આધુનિક ટેકનોલોજી છે તેનાથી દૂધના એવા ઉત્પાદન બનશે જે ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે.

ભાઈઓ અને બહેનો,

કચ્છે ના માત્ર પોતાને જ ઉપર ઉઠાવ્યું છે, એટલું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વિકાસને એક નવી ગતિ પ્રદાન કરી છે. એક સમય હતો જ્યારે ગુજરાત ઉપર એક પછી એક સંકટ આવતા રહ્યા હતા. પ્રાકૃત્તિક સંકટનો ગુજરાત સામનો કરી જ રહ્યું હતું કે કાવતરાઓનો સમયગાળો શરૂ થઈ ગયો. દેશ અને દુનિયામાં ગુજરાતને બદનામ કરવા માટે, અહીં રોકાણને અટકાવવા માટે એક પછી એક કાવતરા રચવામાં આવ્યા. આવી પરિસ્થિતિમાં પણ એક તરફ ગુજરાત દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનાવનારું પ્રથમ રાજ્ય બન્યું. આવા કાયદાની પ્રેરણાથી સમગ્ર દેશમાં પણ આવો કાયદો ઘડાયો. કોરોનાના સંકટકાળમાં આ જ કાયદાએ તમામ સરકાર અને  પ્રશાસનને મદદ કરી.

સાથીઓ,
દરેક કાવતરાને પાછળ છોડીને ગુજરાતે નવી ઔદ્યોગિક નીતિ લાવીને ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનો નવા માર્ગ પસંદ કર્યો હતો. તેનો ઘણો બધો લાભ કચ્છને થયો, કચ્છના રોકાણને થયો. કચ્છમાં ઔદ્યોગિક વિકાસ માટે લાખો કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે. આજે કચ્છમાં દુનિયાનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ છે. વેલ્ડિંગ પાઇપ મેન્યુફેક્ચરિંગના મામલામાં કચ્છ સમગ્ર દુનિયામાં બીજા ક્રમે છે. સમગ્ર દુનિયાનો બીજો સોથી મોટો ટેક્સટાઇલ પ્લાન્ટ કચ્છમાં જ છે. કચ્છમાં દુનિયાનું સૌપ્રથમ ઇકોનોમિક ઝોન બન્યું છે. કંડલા અને મુંદ્રા પોર્ટમાં દેસનું 30 ટકા કાર્ગો હેન્ડલ થાય છે. કચ્છ એ પ્રાંત છે જ્યેથી ભારતના 30 ટકા કરતાં વધારે મીઠું (નમક) પાકે છે. હિન્દુસ્તાનનો કોઈ લાલ એવો નથી જેણે કચ્છનું નમક ખાધું ન હોય. અહીં 20થી વધારે સોલ્ટ રિફાઇનરી છે.

ભાઈઓ અને બહેનો,

એક સમય હતો જ્યારે કચ્છમાં કોઈ સોલર પાવર, વિન્ડ પાવર વિશે વિચારી પણ શકતું ન હતું. આજે કચ્છમાં લગભગ લગભગ દોઢ હજાર મેગાવોટ વિજળી સોલર અને વિન્ડ એનર્જીથી પેદા થાય છે. આજે કચ્છમાં ખાવડા ખાતે સૌથી મોટો સોલર વિન્ડ પાવર હાઇબ્રિડ પાર્ક બની રહ્યો છે. દેશમાં આજે જે ગ્રીન હાઇડ્રોજન અભિયાન ચાલી રહ્યું છે તેમાં ગુજરાતની ઘણી મોટી ભૂમિકા છે. આ જ રીતે ગુજરાત દુનિયાભરમાં હાઇડ્રોજન કેપિટલ તરીકે પોતાની ઓળખ બનાવશે તો તેમાં કચ્છનું ઘણું મોટું યોગદાન હશે

સાથીઓ,
કચ્છનું આ ક્ષેત્ર ભારત જ નહીં સમગ્ર દુનિયા માટે ઉદારણરૂપ છે. દુનિયામાં એવી જગ્યા ઓછી જ હોય છે જે ખેતી પશુપાલનમાં આગળ હોય, ઔદ્યોગિક વિકાસમાં આગળ હોય, પ્રવાસનમાં આગળ હોય, કલા અને સંસ્કૃતિમાં આગળ હોય. કચ્છ પાસે શું નથી. કચ્છે ગુજરાતમાં પોતાનો વારસો સંપૂર્ણ ગૌરવ અપનાવવાનું ઉદાહરણ પણ દેશ સામે રજૂ કર્યું છે.

આ વખતે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મેં દેશને પોતાના વારસા અંગે તથા ગર્વ કરવાનું આહવાન કર્યું છે. છેલ્લા સાતથી આઠ વર્ષમાં પોતાના વારસા પ્રત્યે ગૌરવનો જે ભાવ, જે લાગણી પ્રબળ બની છે તે આજે ભારતની તાકાત બની રહી છે. આજે ભારત એ મનોસ્થિતિમાંથી બહાર નીકળી ગયું છે જ્યારે પોતાની ઘરોહરો વિશે વાત કરનારાઓને હિનભાવનાથી ભરી દેવામાં આવતા હતા.
હવે જૂઓ આપણા કચ્છમાં શું નથી. નગર નિર્માણથી લઈને આપણી વિશેષજ્ઞતા ધોળાવીરામાં દેખાય છે. ગયા વર્ષે જ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ધોળાવીરાને એક એક ઇંટ આપણા પૂર્વજોના કૌશલ્ય, તેમનું જ્ઞાન વિજ્ઞાન દર્શાવે છે. જ્યારે દુનિયાની અનેક સભ્યતાઓ પોતાના પ્રારંભિક કાળમાં હતી ત્યારે આપણા પૂર્વજોએ જેમ વિકસીત શહેર વસાવી દીધું હતું.

આ જ રીતે માંડવી જહાજ નિર્માણના મામલામાં અગ્રણી હતું. પોતાના ઇતિહાસ, પોતાના વારસા અને આપણા સ્વતંત્રતા સેનાનીઓ અંગે કેટલી નારાજગી રહી છે તેને એક ઉદાહરણ આપણા શ્યામજી કૃષ્ણ વર્મા સાથે પણ સંકળાયેલું છે. આઝાદી બાદ દાયકાઓ સુધી તેમના અસ્થિ વિદેશમાં રાખવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના રૂપમાં મારું સૌભાગ્ય રહ્યું હતું કે તેમના અસ્થિઓને લાવીને મેં માતૃભૂમિને સોંપ્યા હતા. આજે દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે ગુજરાતવાસી, દેશવાસી માંડવીમાં બનેલા કાંતિતીર્થ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકે છે.

એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે ખેડૂતો પશુપાલકોનું જીવન બદલવા માટે જે સરદાર સાહેબે પોતાની જાતને હોમી દીધી તેમનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આજે દેશની શાન બની ગયું છે. દરરોજ હજારો પ્રવાસીઓ ત્યાંથી પ્રેરિત થઈને જાય છે, રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ લઈને જાય છે.


સાથીઓ,
વીતેલા બે દાયકામાં કચ્છની, ગુજરાતની આ ધરોહરોને સાચવવા, તેને દુનિયા સમક્ષ લાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કચ્છનું રણ, ઘોરડો ટેન્ટ સિટી, માંડવી બીચ આજે દેશના સૌથી મોટા પ્રવાસન કેન્દ્ર બની ગયા છે. અહીંના કારીગરો, હસ્ત શિલ્પીઓના બનવેલા ઉત્પાદનો આજે સમગ્ર દુનિયામાં પહોંચી રહ્યા છે. નિરોના, ભુજૌડી અને અજરખપુર જેવા ગામના હેન્ડિક્રાફ્ટ આજે દેશ દુનિયામાં ધૂમ મચાવી રહ્યા છે. કચ્છની રોગન આર્ટ, મડ આર્ટ, બાંધણી, અજરખ પ્રિન્ટિંગની ચર્ચા ચોતરફ થઈ રહી છે. કચ્છની શાલ અને કચ્છની કઢાઈને G1 ટેગ મળ્યા બાદ તેની માંગ વધી ગઈ છે.
તેથી જ આજે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ દુનિયામાં ચર્ચા થવા લાગી છે કે જેણે કચ્છ ના જોયું તેણે કાંઈ જોયું નથી. તેનો ઘણો મોટો લાભ કચ્છના, ગુજરાતના પ્રવાસનને થઈ રહ્યો છે, મારી નવયુવાન પેઢીને થઈ રહ્યો છે. આજે નેશનલ હાઇવે નંબર 41ના પહોળીકરણનું જે કાર્ય શરૂ થયું છે તેનાથી પ્રવાસીઓને તો મદદ મળશે જ સરહદી વિસ્તારની રીતે પણ તે ખૂબ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,
ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે અહીંની માતા-બહેનો-દીકરીઓના પરાક્રમ આજે પણ શ્રેષ્ઠ વીરગાથામાં લખવામાં આવી રહ્યા છે. કચ્છનો વિકાસ સૌના પ્રયાસથી સાર્થક પરિવર્તનનું એક ઉત્તમ ઉદાહરણ છે. કચ્છ માત્ર એક સ્થાન નથી, જમીનનો એક હિસ્સો નથી, આ કચ્છ તો સ્પિરીટ છે, જીવતી જાગતી ભાવના છે, જિંદાદીલ મનોભાવ છે. આ એવી લાગણી છે જે આપણને આઝાદીના અમૃતકાળના વિરાટ સંકલ્પોની સિદ્ધિનો માર્ગ ચીંધે છે.

કચ્છના ભાઈઓ અને બહેનોને હું ફરી એક વાર કહું છું કે આપનો પ્યાર, આપના આશીર્વાદ, કચ્છનું તો ભલું કરે છે પરંતુ તેમાંથી પ્રેરણા લઈને હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાં કાંઇક કરી દેખાડવાની પ્રેરણા પણ આપે છે. આ તમારી તાકાત છે દોસ્તો, તેથી જ હું કહેતો હતો કે કચ્છનો ક અને ખ ખમીરનો ખ. તેનું નામ મારો કચ્છડો બારે માસ.

આપના સ્વાગત સન્માન માટે, આપના પ્રેમ માટે હું દિલથી આપનો આભારી છું. પરંતુ આ સ્મૃતિવન આ દુનિયા માટે મહત્વનું આકર્ષણ છે. તેના સંચાલનની જવાબદારી મારા કચ્છની છે, મારા ભાઈઓ અને બહેનોની છે. એક પણ ખૂણો એવો ન રહે  કે જ્યાં ગાઢ જંગલ ના બન્યું હોય. આપણે આ ભુજિયા ડુંગરને હર્યોઙભર્યો બનાવી દેવાનો છે.

દોસ્તો, આપ કલ્પના પણ કરી શકતા નથી કે જેટલી તાકાત કચ્છના રણોત્સવમાં છે તેના કરતાં પણ વધારે તાકાત આપણા આ સ્મૃતિવનમાં છે. આ તક જવા દેશો નહીં, ઘણા સપનાઓ સાથે મેં આ કાર્ય કર્યું છે. એક મોટા સંકલ્પની સાથે આ કાર્ય કર્યું છે અને તેમાં મને આપની જીવંત ભાગીદારી જોઇએ. અવિરત સાથ સહકાર જોઇએ. દુનિયામાં મારો ભુજિયા ડુંગર ગૂંજે તેના માટે મને આપનો સાથ જોઇએ.
ફરી એક વાર આપ સૌને વિકાસની પરિયોજનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આજે ઘણા દિવસો બાદ આવો મારી સાથો બોલો...

હું કહીશ નર્મદે, આપ કહેશો સર્વદે

નર્મદે – સર્વદે


નર્મદે – સર્વદે

નર્મદે – સર્વદે

ખૂબ ખૂબ આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi