આજે મોઢેરા, મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઊર્જાનો સંચાર થયો છે. વીજળી-પાણીથી માંડીને રોડ-રેલ, ડેરીથી માંડીને કૌશલ્ય વિકાસ અને આરોગ્યને લગતી અનેક પરિયોજનાઓનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. હજારો કરોડ રૂપિયાથી વધુની કિંમતની આ પરિયોજનાઓથી રોજગારની નવી તકોનું સર્જન થશે, ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ મળશે અને આ સમગ્ર ક્ષેત્રમાં હૅરિટેજ ટૂરિઝમ સાથે જોડાયેલી સુવિધાઓનું પણ વિસ્તરણ થશે. આપ સૌને આ વિકાસલક્ષી પરિયોજનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન. આ મહેસાણાના લોકોને રામ-રામ.
સાથીઓ,
આજે જ્યારે આપણે ભગવાન સૂર્યનાં ધામ મોઢેરામાં છીએ ત્યારે આ એક સુખદ સંયોગ છે કે આજે શરદ પૂર્ણિમા પણ છે. તેમજ આજે મહર્ષિ વાલ્મીકિજીની જન્મજયંતીનો પણ શુભ અવસર છે. એટલે કે એક રીતે ત્રિવેણી સંગમ થઈ ગયો છે. મહર્ષિ વાલ્મીકિએ આપણને ભગવાન રામના સમરસ જીવનના દર્શન કરાવ્યા, સમાનતાનો સંદેશ આપ્યો. આપ સૌને, સમગ્ર દેશને શરદ પૂર્ણિમા અને વાલ્મિકી જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ!
ભાઇઓ અને બહેનો,
છેલ્લા કેટલાક દિવસોથી તમે સતત ટીવી, અખબારો, સોશિયલ મીડિયામાં જોતા હશો, દેશભરમાં સૂર્યગ્રામ, મોઢેરાને લઇને ચર્ચા ચાલી રહી છે. કોઈ કહે છે કે ક્યારેય વિચાર્યું ન હતું કે સ્વપ્ન આપણી નજર સામે સાકાર થઈ શકે છે, આજે આપણે સ્વપ્નને પૂર્ણ થતું જોઈ રહ્યા છીએ. કોઈ કહેશે કે આપણી પ્રાચીન આસ્થા અને આધુનિક ટેકનોલોજી, જાણે કે કોઈ નવો સંગમ દેખાઈ રહ્યો છે. કોઈ તેને ભવિષ્યના સ્માર્ટ ગુજરાત, સ્માર્ટ ભારતની ઝલક ગણાવી રહ્યું છે. તે આજે આપણા બધા માટે, સમગ્ર મહેસાણા માટે, સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ લઈને આવ્યું છે. હું જરા મોઢેરાવાળાઓને પૂછું કે ચાણસ્માના લોકોને પૂછું કે પછી મહેસાણાવાળાને પૂછું, તમે મને કહો કે આપનું મસ્તક ઊંચું થયું કે ન થયું, માથું ગર્વથી ઊંચું થયું કે ન થયું, તમને પોતાને તમારા જીવનમાં તમારી સામે કંઈક થઈ રહ્યાનો આનંદ આવ્યો કે નહીં આવ્યો. અગાઉ મોઢેરાને દુનિયા સૂર્યમંદિરના કારણે ઓળખતી હતી, પરંતુ હવે મોઢેરાના સૂર્યમંદિરમાંથી પ્રેરણા લઈને મોઢેરા સૂર્યગ્રામ પણ બની શકે છે, આ બંને એક સાથે વિશ્વમાં ઓળખાશે અને મોઢેરા પર્યાવરણવાદીઓ માટે વિશ્વના નકશામાં પોતાનું સ્થાન બનાવી દેશે દોસ્તો.
સાથીઓ,
આ જ તો છે ગુજરાતનું સામાર્થ્ય, જે આજે મોઢેરામાં જોવા મળે છે તે ગુજરાતના ખૂણે ખૂણે હાજર છે. મોઢેરાના સૂર્યમંદિરનો નાશ કરવા, તેને ધૂળમાં ભેળવવા માટે આક્રમણકારોએ શું ન કર્યું તે કોણ ભૂલી શકે. એ જ મોઢેરા, જેના પર જાત જાતના અસંખ્ય અત્યાચારો થયા હતા, તે આજે હવે તેની પૌરાણિક કથાઓની સાથે સાથે આધુનિકતા માટે વિશ્વ માટે એક ઉદાહરણ બની રહ્યું છે.
ભવિષ્યમાં જ્યારે પણ સૌર ઊર્જાની વાત થશે, વિશ્વમાં જ્યારે પણ સૌર ઊર્જાની વાત થશે ત્યારે મોઢેરા જ પહેલું નામ દેખાશે. કારણ કે અહીં બધું સૌર ઊર્જાથી સોલર પાવરથી ચાલી રહ્યું છે, ઘરની રોશની હોય, ખેતીવાડીની જરૂરિયાત હોય, એટલે સુધી કે વાહનો, બસો પણ સોલર પાવરથી અહીં દોડાવવાનો પ્રયાસ થશે. 21મી સદીના આત્મનિર્ભર ભારત માટે આપણે આપણી ઊર્જા જરૂરિયાતો સાથે જોડાયેલા આવા જ પ્રયાસો વધારવાના છે.
સાથીઓ,
હું ગુજરાતને, દેશને, આપણી આવનારી પેઢી માટે, તમારા બાળકોને સુરક્ષા મળે તે માટે દિવસ-રાત એક કરીને દેશને તે દિશામાં લઈ જવાનો સતત પ્રયાસ કરી રહ્યો છું. અને તે દિવસ દૂર નથી, જેમ મોઢેરા- મેં હમણાં જ ટીવી પર જોયું, બધા ભાઈઓ કહેતા હતા કે હવે અમારા ઘરની ઉપર જ વીજળી ઉત્પન્ન થાય છે, અને અમને સરકાર તરફથી પૈસા પણ મળે છે. વીજળી માત્ર મફત જ નથી, પરંતુ વીજળીના પૈસા પણ મળે છે. અહીં વીજળીના કારખાનાનો માલિક પણ એ જ ઘરમાલિક છે, કારખાનાનો માલિક પણ એ જ ખેતીવાળો છે અને ઉપયોગ કરનાર ગ્રાહક પણ એ જ છે. તમને જોઈતી વીજળીનો ઉપયોગ કરો અને વધારાની વીજળી સરકારને વેચો. અને તેનાથી વીજળીના બિલમાંથી પણ છૂટકારો મળશે, એટલું જ નહીં હવે આપણે વીજળી વેચીને કમાણી કરીશું.
બોલો બંને હાથમાં લાડુ છે કે નહીં, અને સમાજ પર, પ્રજા પર કોઈ બોજ પણ નથી, ભાર વગર પ્રજાનું ભલું કરી શકીએ છીએ, તેના માટે પરિશ્રમ તો થશે જ, પરંતુ આપણે પરિશ્રમ કરવા માટે જ તો સર્જાયા છીએ. અને તમે જે સંસ્કાર આપ્યા છે, તમે જે મારું સિંચન કર્યું છે, અને આપણો મહેસાણા જિલ્લો કેટલી મુશ્કેલીઓવાળો જિલ્લો હતો, અને એમાં જેનું સિંચન થયું હોય, તો સખત પરિશ્રમ કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી, ક્યારેય પીછેહઠ કરી નથી.
સાથીઓ,
અત્યાર સુધી એવું બનતું હતું કે સરકાર વીજળી ઉત્પન્ન કરતી હતી અને જનતા તેને ખરીદતી હતી. પરંતુ હું તે રસ્તે ચાલવા માટે પ્રતિબદ્ધ છું, દેશને તેની સાથે જોડવાના પ્રયાસો કરી રહ્યો છું, મને આગળનો રસ્તો દેખાય છે. અને એટલા માટે જ કેન્દ્ર સરકાર એ સતત પ્રયત્ન કરી રહી છે કે હવે લોકો પોતાનાં ઘરમાં સોલર પેનલ લગાવે, ખેડૂતો પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરે, સોલર પંપનો ઉપયોગ કરે. અને તમે મને કહો કે પહેલાં હોર્સ પાવર માટે આંદોલન કરવા પડતા હતા, હવે તો તમારા ખેતરની ધાર પર તાર બાંધીને જે 2-2 મીટર જમીન બરબાદ કરીએ છીએ એને બદલે સોલર પેનલ લગાવી દીધી હોય તો એ જ સોલરથી પોતાનો પંપ પણ ચાલશે, ખેતરને પાણી પણ મળશે, અને વધારાની વીજળી સરકાર ખરીદી લેશે, તમે કહો અમે આખું ચક્ર બદલી નાખ્યું છે કે નહીં ભાઈ અને આ માટે સરકાર સોલર પાવરને પ્રોત્સાહન આપવા માટે આર્થિક મદદ કરી રહી છે, લાખો સોલર પંપનું વિતરણ કરી રહી છે.
ખેતરમાંથી પાણી ખેંચવા માટે, કાઢવા માટે ઉપયોગમાં આવે એ માટે કાર્ય કરીએ છીએ. અત્યારે અહીં ઘણા બધા યુવાનો દેખાય છે, પરંતુ જેમની ઉંમર 20-22 વર્ષની છે તેમને વધારે ખબર નહીં હોય. તમારા મહેસાણા જિલ્લાની હાલત કેવી હતી ભાઈ, વીજળી મળતી ન હતી, વીજળી ક્યારે જતી રહે, વીજળી આવી કે નહીં, તેના સમાચાર આવતા હતા. અને પાણી માટે અમારી બહેનો અને દીકરીઓને 3-3 કિલોમીટર સુધી માથા પર બેડાં મૂકીને જવું પડતું હતું. આવા દિવસો ઉત્તર ગુજરાતની મારી મા-બહેનો, ઉત્તર ગુજરાતના મારા યુવાઓએ જોયા છે દોસ્તો, આજે જે 20-22 વર્ષના દીકરા-દીકરીઓ છે, તેમને આવી તકલીફોની ખબર પણ નથી. અહીં શાળા-કૉલેજમાં જતા જે યુવાનો છે, તેમને તો આ બધું સાંભળીને આશ્ચર્ય થતું હશે કે આવું હતું!
સાથીઓ,
આપણે કેવી પરિસ્થિતિમાં જીવતા હતા એ બધું તો જ્યારે તમે તમારા પૂર્વજો સાથે વાત કરશો, ત્યારે તેઓ તમને કહેશે. અનેક પ્રકારની સમસ્યાઓ વેઠી ચાલવું પડતું અને વીજળી ન હોવાને કારણે બાળકો માટે વાંચવું ખૂબ જ મુશ્કેલ હતું, ઘરમાં આપણા માટે ટીવી કે પંખાનો તો જમાનો જ નહોતો. પછી તે સિંચાઈની વાત હોય, અભ્યાસની વાત હોય કે પછી દવાની વાત હોય, દરેકમાં મુસીબતોનો પહાડ. અને તેની સૌથી મોટી અસર આપણી દીકરીઓનાં શિક્ષણ પર પડી હતી. આપણા મહેસાણા જિલ્લાના લોકો સ્વભાવે પ્રાકૃતિક ગણિત અને વિજ્ઞાનમાં આગળ છે. તમે અમેરિકા જશો તો ત્યાં ગણિતના ક્ષેત્રમાં ઉત્તર ગુજરાતનો ચમત્કાર જોવા મળશે. જો તમે આખા કચ્છમાં જશો તો મહેસાણા જિલ્લાના શિક્ષકો જોવા મળશે. કારણ એ કે આપણી પાસે અહીં કુદરતની તાકાત હતી, પરંતુ સંજોગ એવા હતા કે વીજળી, પાણીની અછતમાં જીવવાના કારણે જે ઊંચાઈએ જવાની તક એ પેઢીને મળવાની હતી તે ન મળી.
હું આજની પેઢીને કહેવા માગું છું કે તમારામાં દમ હોવો જોઇએ, આકાશમાં જોઈએ એટલી તકો તમારી પાસે છે, મિત્રો, આટલું જ નહીં મિત્રો, અહીં કાયદાની પરિસ્થિતિ કેવી હતી, ઘરની બહાર નીકળો, અહીંથી અમદાવાદ જવું હોય તો ફોન કરીને પૂછીએ કે અમદાવાદમાં શાંતિ છે ને, અમારે ત્યાં ખરીદી કરવા આવવું છે, દીકરીનાં લગ્ન છે. એવા દિવસો હતા, હતા કે નહીં ભાઈ? આવું હતું કે નહીં? રોજ હુલ્લડ થતા હતા કે નહીં થતા હતા, અરે અહીં તો હાલત એવી હતી કે બાળક જન્મ બાદ જ્યારે તે બોલવાનું શરૂ કરે ત્યારે તેના કાકા-મામાનાં નામ નહીં, પરંતુ પોલીસવાળાનાં નામ આવતા હતા કારણ કે તે ઘરની બહાર જ ઊભા રહેતા હતા, તેણે બાળપણથી જ કર્ફ્યુ શબ્દ સાંભળ્યો હતો. આજે 20-22 વર્ષના યુવાનોએ કર્ફ્યુ શબ્દ સાંભળ્યો નથી, કાયદો અને વ્યવસ્થાનું આ કામ આપણે ગુજરાતે કરી બતાવ્યું છે. વિકાસના વિરોધનું વાતાવરણ પરંતુ છેલ્લા બે દાયકામાં તમે જે વિશ્વાસ અમારામાં મૂક્યો છે, તેના કારણે આજે દેશ હિંદુસ્તાનના મુખ્ય રાજ્યની અંદર પોતાનો ઝંડો ફરકાવી ઊભો થયો છે. ભાઈઓ, આ છે ગુજરાતનો જયજયકાર, અને તે માટે હું ગુજરાતના કરોડો ગુજરાતીઓને, એમની ખુમારીને નતમસ્તક થઈને વંદન કરું છું.
સાથીઓ,
તમારા પુરુષાર્થને કારણે, સરકાર અને જનતા જનાર્દને મળીને એક નવો ઈતિહાસ રચ્યો છે અને આ બધું તમારા પૂરા વિશ્વાસના કારણે શક્ય બન્યું છે, તમે ક્યારેય મારી જાતિ જોઈ નથી, તમે ક્યારેય મારું રાજકીય જીવન જોયું નથી, તમે મને આંખ બંધ કરીને આશીર્વાદ આપ્યા છે, તમે મને પૂરા સ્નેહથી પ્રેમથી આપ્યો છે, અને તમારો માપદંડ એક જ હતો કે તમે મારું કામ જોયું, અને તમે મારા કામ પર મહોર લગાવતા આવ્યા છો, અને તમે માત્ર મને જ નહીં, મારા સાથીઓને પણ આશીર્વાદ આપતા આવ્યા છો, અને જેમ જેમ તમારા આશીર્વાદ વધે છે, તેમ તેમ મારી કામ કરવાની ઇચ્છા પણ વધતી જાય છે, અને મારી કામ કરવાની તાકાત પણ વધતી જાય છે.
સાથીઓ,
કોઈ પણ પરિવર્તન એમ જ આવતું નથી, તે માટે દૂરગામી વિચાર હોવો જોઇએ, આચાર હોવો જોઈએ. મહેસાણાના આપ સૌ લોકો સાક્ષી છો, અમે પંચશક્તિના આધાર પર આખા ગુજરાતના વિકાસ માટે પાંચ સ્તંભો બનાવ્યા હતા. જ્યારે હું મુખ્યમંત્રી હતો, ત્યારે અન્ય રાજ્યો સાથે વાત કરતો, ત્યારે હું તેમને કહેતો હતો કે અમારે મોટું બજેટ પાણી માટે ખર્ચવું પડે છે, આપણે પાણી વિના ઘણી મુશ્કેલીમાં જીવી રહ્યા છીએ, આપણે 10 વર્ષમાંથી 7 વર્ષ દુષ્કાળમાં વિતાવીએ છીએ. આપણા બજેટનો આટલો મોટો હિસ્સો, ભારતના અન્ય રાજ્યોને સમજાતું જ ન હતું કે આટલો મોટો ખર્ચ કરવો પડશે, આટલી બધી મહેનત કરવી પડશે. અને એટલે જ જ્યારે અમે પંચામૃત યોજના લઈને આવ્યા ત્યારે એમાં સૌથી વધુ ધ્યાન ગુજરાત માટે આપ્યું, જો પાણી નહીં હોય, જો ગુજરાતમાં વીજળી નહીં હોય તો આ ગુજરાત બરબાદ થઈ જશે. બીજી જરૂરિયાત એ હતી કે મને આવનારી પેઢીની ચિંતા હતી અને તે માટે મેં મારી તમામ તાકાત શિક્ષણ, વૃદ્ધો માટે સ્વાસ્થ્ય, તંદુરસ્તી માટે લગાવી અને ત્રીજી વાત, ગુજરાત ભલે વેપારી માટે માલ લે કે આપે, પરંતુ ખેતી માટે જે પાછળ હતું, તે ખેતીમાં હિંદુસ્તાનનાં તળિયે હતું. ખેતીમાં જો આગળ વધે તો મારું ગામ સમૃદ્ધ થાય અને મારું ગામ સમૃદ્ધ થાય તો મારું ગુજરાત કદી પાછળ નહીં પડે અને તેના માટે અમે ખેતી પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને જો ગુજરાતને ઝડપી ગતિએ વિકાસ કરવો હોય તો આપણને શ્રેષ્ઠ પ્રકારના રસ્તાઓ, શ્રેષ્ઠ પ્રકારની રેલ, શ્રેષ્ઠ પ્રકારના એરપોર્ટ જોઇએ, કનેક્ટિવિટી જોઇએ અને ત્યારે જ વિકાસના ફળ ચાખવાની તકો આપણી પાસે ઊભી થાય. વિકાસ અટકશે નહીં, તે આગળ વધતો જ રહેશે. અને આ માટે જરૂરી આ બધું એટલે કે, ઉદ્યોગો આવશે, પ્રવાસન આવશે, વિકાસ થશે, અને આજે તે ગુજરાતમાં દેખાય છે.
તમે જુઓ, લોકો સ્ટેચ્યુ ઑફ યુનિટી- અમેરિકામાં લિબર્ટી પણ લોકો જાય છે એનાથી વધારે, લોકો આપણા સરદાર સાહેબના ચરણોમાં વંદન કરવા માટે આવે છે. આ મોઢેરા જોતજોતામાં પ્રવાસન કેન્દ્ર બની જશે મિત્રો, તમે બસ તૈયારી કરો કે અહીં આવનાર કોઇ પણ પ્રવાસી નિરાશ ન થાય, દુઃખી થઇને ન જાય, આ જો ગામ નક્કી કરે, ટૂરિસ્ટ અહીં વધુ આવવા લાગશે.
સાથીઓ,
ગામેગામ વીજળી પહોંચાડવાની અને 24 કલાક વીજળી આપવાની વાત આમ મેં સૌથી પહેલાં ઊંઝામાં શરૂ કરી હતી ઊંઝામાં જ્યોતિગ્રામ યોજના બનાવી હતી, આપણા નારાયણ કાકા અહીં બેઠા છે, તેઓ જાણતા હતા તે સમયે ધારાસભ્ય હતા, બધા ગુજરાતીઓ તેના સાક્ષી છે, કે અમે નક્કી કર્યું કે મારે 24 કલાક ઘરને વીજળી આપવી છે, તેથી અમે એવું અભિયાન નક્કી કર્યું કે અમે 1000 દિવસમાં એ કામ કરી બતાવ્યું. અને હું તમારી પાસેથી શીખ્યો હતો અને જ્યારે હું દિલ્હી ગયો તો મેં જોયું કે 18,000 ગામ એવા હતા જ્યાં વીજળી પહોંચી જ નહોતી. ત્યાં પણ મેં કહ્યું કે મને 1000 દિવસમાં વીજળી જોઈએ, અને સાહેબ તમને આનંદ થશે કે આપના ગુજરાતના દીકરાએ 18000 ગામોને વીજળીવાળાં કરી દીધા.
મને યાદ છે કે 2007માં અહીં એક જળ યોજનાનાં ઉદઘાટન માટે લોકાર્પણ માટે અહીં દેડિયાસણ આવ્યો હતો અને ત્યારે મેં કહ્યું હતું કે, જે લોકો ગુજરાતમાં જળપ્રયાસોની કિમત નથી સમજતા, એનું જે મહત્વ છે એને નથી સમજતા, તેમને 15 વર્ષ પછી ખબર પડવા લાગી, ટીવી પર જોવા લાગ્યા પછી તેમને ખબર પડી કે પાણી માટે 15 વર્ષ સુધી જે તપ કર્યું છે તે આપણાં ગુજરાતને લીલુંછમ બનાવી રહ્યું છે, અને આપણી માતાઓ અને બહેનોના ચહેરા પર સ્મિત આવી રહ્યું છે. આ પાણીની તાકાત છે. સુજલામ સુફલામ યોજના જુઓ અને સુજલામ સુફલામ નહેર બનાવી. હું ગુજરાતના ખેડૂતોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે, કે સુજલામ સુફલામ કેનાલ માટે કોસીની કૉર્ટ કચેરીના કાનૂનના બંધનો વગર લોકોએ મને જોઈતી જમીન આપી હતી. જોતજોતામાં સુજલામ સુફલામ નહેર બની ગઈ અને જે પાણી દરિયામાં નાખવામાં આવતું હતું તે આજે ઉત્તર ગુજરાતના ખેતરોમાં ઠાલવવામાં આવે છે અને મારું ઉત્તર ગુજરાત ત્રણ ત્રણ પાક લેવા માંડ્યું છે.
આજે મને પાણી સાથે જોડાયેલી યોજનાનું ઉદઘાટન- શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો. વિસનગર, મારું ગામ વડનગર, આપણો ખેરાલુ તાલુકો, તેનો સૌથી વધુ લોકોને એનાથી પાણીની સુવિધા વધશે અને પાણી આવે તો તેનો સીધો ફાયદો પરિવારના સ્વાસ્થ્યને થશે, માતા-બહેનોની શક્તિનો સદુપયોગ થશે, પશુપાલન જેટલું આગળ વધશે, એટલું જ શક્ય બનશે, ખેતીને તો બધી રીતે ફાયદો થશે અને તેથી પશુપાલન અને આપણા મહેસાણા જિલ્લાની ઓળખ છે, અને અત્યારે મને અશોકભાઈ કહેતા હતા કે ૧૯૬૦ પછી આપણે ડેરીમાં વિક્રમી નફો કર્યો છે. હું ઉત્તર ગુજરાતના પશુપાલકોને અભિનંદન આપું છું કે તમે પશુપાલન ડેરી સોંપી એવા લોકોના હાથમાં સોંપી કે જે ચોરી થતી હતી તે બંધ થઈ ગઈ અને તમને નફાના પૈસામાં ભાગીદાર બનાવી દીધા.
ભાઇઓ,
તમે તે દિવસો જોયા છે જ્યારે પાણી ન હોય, ઘાસચારો ન હોય, દુકાળ હોય, આપણે ભારતના દરેક ખૂણેથી ટ્રેન ભરી ભરીને ઘાસચારો લાવવો પડતો હતો, પ્રાણીઓ પાણી માટે પરેશાન હતા, અને અખબારમાં પાનાં ભરી ભરીને સમાચાર આવતા હતા. આજે આપણે એ બધાથી મુક્ત છીએ એટલે ૨૦-૨૨ વર્ષના યુવાનોને ખબર નથી કે આપણે ગુજરાતને કેવા પ્રકારની તકલીફોમાંથી બહાર કાઢ્યું છે અને હવે જબરદસ્ત મોટી છલાંગ લગાવીને આગળ વધવાનું છે, આટલાથી સંતોષ નથી માનવાનો, મારું મન તો જે થયું છે તેના કરતાં અનેકગણું વધારે કરવાનું છે.
વીજળી પહોંચે, પાણી પહોંચે, ઔદ્યોગિક વિકાસ થાય, કૃષિ ઉત્પાદન વધે, દૂધ ઉત્પાદન વધે અને હવે તો ફૂડ પાર્ક- એનું કામ પણ વધી રહ્યું છે, એફપીઓ બની રહ્યા છે, તેનું કામ પણ વધી રહ્યું છે, આપણું મહેસાણા દવા, પ્લાસ્ટિક, સિમેન્ટ, એન્જિનિયરિંગ આ તમામ ઉદ્યોગો માટે મોટું ઊર્જા કેન્દ્ર બની રહ્યું છે કારણ કે તેનો વપરાશ વધ્યો છે. આપણું માંડલ, બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, ત્યાર બાદ તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, જાપાનવાળા અહીં કાર બનાવે અને અહીં બનાવેલી ગાડી જાપાનમાં મગાવે, બોલો સાહેબ, આનાથી મોટું શું હશે, જાપાનના લોકો અહીં આવે છે, અહીં આવીને પૈસા રોકે છે, અહીં કાર બનાવે છે, બુદ્ધિ-પરસેવો ગુજરાતના યુવાનોનો અને હવે જાપાનને કાર જોઇએ તો, તે ગાડી જાપાન મગાવે છે ચલાવવા માટે, આજે ત્રણ પ્લાન્ટ અને લાખો ગાડીઓ બની રહી છે, મારા શબ્દો લખી લેજો દોસ્તો, જે ગુજરાતમાં સાઇકલ બનતી ન હતી ત્યાં ગાડીઓ બની, મેટ્રોના કોચ બનવા લાગ્યા અને એ દિવસ દૂર નથી જે આપ જે ઉપર એરોપ્લેન જુઓ છો ને તે ગુજરાતની ધરતી પર બનશે.
આ સુઝુકીના નાના નાના સપ્લાયર છે, 100થી વધુ સપ્લાયર્સ, નાના નાના સ્પેરપાર્ટ્સ બનાવે છે, તમે વિચારો કે દુનિયા બદલાઇ રહી છે, ઇલેક્ટ્રિક વાહન પર ગયા વિના છૂટકો નથી, તેનું મોટું કામ, હિંદુસ્તાનનું સૌથી મોટું કાર્ય આપણી માતા બેચરાજીનાં ચરણોમાં થઇ રહ્યું છે. આપણો લિથિયમ આયર્ન બનાવવાનો પ્લાન્ટ આપણા હાંસલપુરમાં છે અને મારે ફરી એકવાર હાંસલપુરના ખેડૂતનો આભાર માનવો છે. તમને થશે કે કેમ હમણાં યાદ આવ્યું, હું તમને એક પ્રસંગ કહું છું, આ બધું તમામ એવા બરબાદીવાળા વિચાર ધરાવતા સૌ લખે, બોલે અને આંદોલન કરે જ્યારે અમે આ સુઝુકી બધું લાવવાનું નક્કી કર્યું, ત્યારે હાંસલપુરના આખા પટ્ટામાં બધા ખેડૂતો આંદોલન પર ઉતરી ગયા, અને અહીંની જમીન એવી છે કે બાજરી પકવવી પણ મુશ્કેલ હતી, સંપૂર્ણ દુષ્કાળ પડ્યો હતો, તો બધાએ આંદોલન કર્યું અને ગાંધીનગર આવ્યા, હું મુખ્યમંત્રી હતો, આવ્યા બાદ બધા જ ઝિંદાબાદ, મુર્દાબાદ બોલતા હતા અને મોદીના પૂતળા બાળવાનું કામ ચાલતું હતું. મેં કહ્યું એવું નહીં ભાઈ સૌને અંદર બોલાવો, મેં બધાને અંદર બોલાવ્યા અને બધાને મળ્યો, મેં કહ્યું કે તમારી ફરિયાદ શું છે ભાઈ, બસ કહ્યું કે અમને આ નથી જોઈતું, અમારે જમીન નથી આપવી, મેં કહ્યું કે તમારી ઇચ્છા, અમે બીજી જગ્યાએ લઈ જઈશું, પછી તેમાં 5-7 લોકો સમજદાર ઊભા થયા, તેઓએ કહ્યું કે સાહેબ આવું ન કરો, અમારે ત્યાં જ લાવો, અને જે ખેડૂતોએ સમજદારી બતાવી, આંદોલન બંધ કર્યાં અને તમે વિચારો કે આજે ઔદ્યોગિક વિસ્તારોમાં આખા પટ્ટાનું નામ રોશન થઈ રહ્યું છે, આખા મહેસાણા સુધી વિકાસ થવાનો છે.
ભાઇઓ,
તમે વિચારો, આ વેસ્ટર્ન ફ્રેટ કૉરિડોર, દિલ્હી-મુંબઇ ફ્રેટ કૉરિડોર તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે, એક રીતે, મૅન્યુફેક્ચરિંગ હબ તેની પોતાની ઓળખ બની રહી છે. અને એટલું જ નહીં, લોજિસ્ટિક્સ સ્ટોરેજ આ ક્ષેત્રમાં પણ સંભાવનાઓ વધી રહી છે, રોજગારની નવી તકો ઊભી થઈ રહી છે.
સાથીઓ,
છેલ્લા બે દાયકામાં અમે કનેક્ટિવિટી પર ભાર મૂક્યો અને હવે ડબલ એન્જિનની સરકાર નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બે એક થઈ ગયા ને, તેથી સાહેબ, ગતિમાં જબરદસ્ત વધારો થયો છે. તમે જુઓ, અંગ્રેજોના જમાનામાં તમને જાણીને દુ:ખ થશે મિત્રો, બ્રિટિશ જમાનામાં આજથી લગભગ 90-95 વર્ષ પહેલા 1930માં અંગ્રેજોએ એક નિયમ બનાવ્યો હતો, તેની સંપૂર્ણ ફાઈલ છે, તેનો સંપૂર્ણ નકશો તેમાં છે, મહેસાણા-અંબાજી-તારંગા-આબુ રોડ રેલવે લાઈનની વાત લખવામાં આવી છે, પરંતુ તે પછી જે સરકારો આવી એને ગુજરાત તો ખરાબ લાગતું હતું, એટલે આ બધું જ ખાડામાં ગયું, અમે બધું જ બહાર કાઢ્યું, બધી યોજનાઓ બનાવી અને હમણાં જ હું મા અંબાનાં ચરણોમાં આવ્યો હતો અને તે રેલવે લાઈનનું ખાત મુહૂર્ત કરી ગયો, તમે કલ્પના કરો કે આ રેલવે લાઈન શરૂ થયા પછીનું દ્રશ્ય કેવું હશે ભાઈ, આર્થિક રીતે કેટલી સમૃદ્ધિ ખેંચનારી છે.
સાથીઓ,
બહુચરાજી, મોઢેરા, ચાણસ્મા આ રોડ 4 લેન, પહેલા સિંગલ લેનની સમસ્યા હતી. બહુચરાજીમાં જ્યારે અમે આવતા હતા ત્યારે શું હાલત હતી, એક બસ જતી હતી અને બીજી આવે તો કેવી રીતે કાઢવી એ મુસીબત હતી, યાદ છે ને બધાંને કે બધા ભૂલી ગયા, આજે 4 લેન રોડની વાત, સાથીઓ, વિકાસ કરવો હશે, તો શિક્ષણ, કૌશલ્ય, સ્વાસ્થ્ય, તેના વગર બધું અધૂરું છે, અને એટલે જ મેં મહેસાણામાં તેના પર વિશેષ, ગુજરાતમાં એના પર અમે વિશેષ ધ્યાન આપ્યું. સરદાર સાહેબની સ્મૃતિમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ માટે એક સંસ્થા બનાવવામાં આવી રહી છે, જે અહીંના નવયુવાનો-યુવાઓને પ્રગતિની તક આપશે.
હું ગુજરાત સરકારને વધામણાં આપું છું, અભિનંદન આપું છું, કે તેણે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, મહત્વપૂર્ણ યોગદાન આપવાનો વિચાર કર્યો છે. વડનગરની મેડિકલ કૉલેજ, આપણે ત્યાં તો 11માં ભણ્યા બાદ ક્યાં જવું તે વિચારતા હતા, તે ગામમાં મેડિકલ કૉલેજ ચાલી રહી છે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આધુનિક આરોગ્ય સુવિધાઓ, આ ડબલ એન્જિન સરકાર આગામી દિવસોમાં જેટલો પ્રસાર હશે એટલું કરશે.
સાથીઓ,
મને સંતોષ છે કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર, જેનાં કારણે સસ્તી દવાઓ અને સસ્તી દવાઓ એટલે કે જેમને પોતાનાં ઘરમાં કાયમ દવાઓ લાવવી પડે છે, વડીલો હોય, કંઇક ને કંઈક બીમારી હોય, તેમનું 1000 રૂપિયાનું બિલ આવતું હતું, અમે આ જન ઔષધિ કેન્દ્ર ખોલ્યાં છે ને, હું આપ સૌને વિનંતી કરું છું કે, તમે પણ ત્યાંથી જ દવા લો. જરાય અનઅધિકૃત દવાઓ નથી હોતી, જેનરિક દવાઓ હોય છે, જેનું બિલ 1000નું આવતું હતું, આજે તે 100-200માં પૂરું થઈ જાય છે, આ દીકરો તમારા માટે 800 રૂપિયા બચાવવાનું કામ કરી રહ્યો છે. તમે તેનો ફાયદો ઉઠાવો!
મોટી સંખ્યામાં નોકરીઓ પ્રદાન કરે છે એવાં પર્યટનના ક્ષેત્રમાં, મેં કહ્યું જેમ હમણાં વડનગરમાં જે ખોદકામ કરવામાં આવ્યું, હજારો વર્ષ જૂની વસ્તુઓ મળી આવી છે અને જેમ કાશી અવિનાશી છે જ્યાં ક્યારેય કદી કોઈ અંત આવ્યો નથી, હિંદુસ્તાનનું આ બીજું આપણું શહેર વડનગર છે, જ્યાં છેલ્લાં 3000 વર્ષમાં ક્યારેય અંત આવ્યો નથી, હંમેશા કોઈક ને કોઇક માનવ વસાહત રહી છે, આ બધું ખોદકામમાં નીકળ્યું છે. દુનિયા જોવા આવશે, મિત્રો, સૂર્યમંદિરની સાથે સાથે આપણું બહુચરાજીનું તીર્થ, આપણાં ઉમિયા માતા, આપણું સતરેલિંગ તળાવ, આપણી રાણીની વાવ, આપણો તારંગા ડુંગર, આપણું રુદ્ર મહાલય, વડનગરનું તોરણ, આ સમગ્ર પટામાં એક વખત બસ લઈને યાત્રી નીકળે તો બે દિવસ સુધી જોતા જ થાકી જાય એટલું બધું જોવાલાયક છે. આપણે તેને આગળ વધારવાનું છે.
સાથીઓ,
બે દાયકામાં આપણાં મંદિર, શક્તિપીઠ, આધ્યાત્મ, તેની દિવ્યતા, ભવ્યતા, પુનઃપ્રસ્થાપિત કરવા માટે જીવતોડ મહેનતથી કામ કર્યું છે, પ્રામાણિકતાથી પ્રયાસ કર્યા છે, તમે જુઓ, સોમનાથ, ચોટીલા, પાવાગઢ, ચોટીલાની સ્થિતિ સુધારી દીધી, પાવાગઢ 500 વર્ષ સુધી ધ્વજા લહેરાતી ન હતી ભાઈઓ, હમણાં જ હું આવ્યો હતો એક દિવસ 500 વર્ષ પછી ધ્વજા ફરકાવવામાં આવી. અત્યારે અંબાજી કેવી રીતે ચમકી રહ્યું છે, મને તો કહેવાયું કે અંબાજીમાં સાંજે આરતી છે, હજારો લોકો એકસાથે શરદ પૂર્ણિમામાં આરતી કરવાના છે.
ભાઇઓ,
ગિરનાર હોય, પાલીતાણા હોય, બહુચરાજી હોય, આવા તમામ યાત્રાધામોમાં એવું ભવ્ય કાર્ય થઇ રહ્યું છે કે જેના કારણે હિંદુસ્તાનમાં પ્રવાસીઓને આકર્ષવાની તાકાત ઊભી થઈ રહી છે, અને જ્યારે પ્રવાસીઓ આવે છે ત્યારે સૌનું ભલું થાય છે દોસ્તો, અને અમારો તો મંત્ર છે સબ કા સાથ, સબકા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબકા પ્રયાસ, આ જ ડબલ એન્જિનની સરકાર છે. સૂર્યના પ્રકાશની જેમ, જેમ સૂર્ય કોઇ ભેદભાવ કરતો નથી, સૂર્ય જ્યાં પણ પહોંચે ત્યાં પોતાનો પ્રકાશ પહોંચાડે છે, એમ વિકાસનો પ્રકાશ પણ દરેક ઘરમાં પહોંચે, ગરીબોની ઝૂંપડી સુધી પહોંચે, તે માટે તમારા આશીર્વાદ જોઇએ, અમારી ટીમને તમારા આશીર્વાદ જોઇએ, ઝોળી ભરીને આશીર્વાદ આપજો ભાઈઓ, અને અમે ગુજરાતના વિકાસમાં ચાર ચાંદ લગાવતા રહીએ, ફરી એક વાર આપ સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.
ભારત માતા કી જય
ભારત માતા કી જય
જરા મોટેથી બોલો, આપણું મહેસાણા પાછળ ન પડવું જોઇએ
જરા હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય
ધન્યવાદ.