





છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા જયોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે અને આવા અનેક પ્રતિભાશાળી સાહિત્યિક કલાકાર, સમાજ સેવક અને પવિત્ર મહાનુભાવોની પાવન નગરીના મારા બંધુઓ અને ભગિનીઓને નમસ્કાર.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહારાષ્ટ્રના ગવર્નર શ્રીમાન ભગતસિંહ કોશિયારીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી રામદાસ આઠવલેજી, ઉપ મુખ્યમંત્રી શ્રી અજીત પવારજી, મહારાષ્ટ્ર સરકારના અન્ય મંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, સંસદમાં મારા સાથી પ્રકાશ જાવડેકરજી, અન્ય સંસદ સભ્યો, ધારાસભ્યો, પુણેના મેયર મુરલીધર મહૌલ્જી, પિમ્પરી, ચિંચવડના મેયર શ્રીમતી માઈ ધોરેજી, અહિંયા ઉપસ્થિત તમામ મહાનુભવો, દેવીઓ અને સજ્જનો.
હાલમાં દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવાઈ રહ્યો છે. ભારતની આઝાદીમાં પુણેનું ઐતિહાસિક યોગદાન રહ્યું છે. લોકમાન્ય તિલક, ચાંપેકર બંધુ, ગોપાણ ગણેશ અગરકર, સેનાપતિ બાપટ, ગોપાલ કૃષ્ણ દેશમુખ, આર જી ભંડારકર, મહાદેવ ગોવિંદ રાનડેજી જેવા આ ધરતી પર જન્મેલા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને હું આદરપૂર્વક શ્રધ્ધાંજલિ આપું છું.
આજે મહારાષ્ટ્રના વિકાસ માટે સમર્પિત રહેલા રામભાઉ મ્હાલગીજીની પુણ્યતિથિ પણ છે. હું આજે બાબા સાહેબ પુરંદરેજીને પણ આદરપૂર્વક યાદ કરી રહ્યો છું. થોડાક જ સમય પહેલાં મને છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણાં સૌના હૃદયમાં સદા સર્વદા વસેલા છત્રપતિ શિવાજી મહારાજની આ પ્રતિમા યુવા પેઢીને અને ખાસ કરીને આવનારી પેઢીઓને રાષ્ટ્રભક્તિની પ્રેરણા પૂરી પાડતી રહેશે.
આજે પુણેના વિકાસ સાથે જોડાયેલી અનેક અન્ય યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મારૂં એ સૌભાગ્ય છે કે પુણે મેટ્રોના શિલાન્યાસ માટે તમે મને અહિંયા બોલાવ્યો હતો અને હવે લોકોર્પણ કરવાની તક પણ મને પૂરી પાડી છે. પહેલાં શિલાન્યાસ થતો હતો ત્યારે ખબર જ નહોતી પડતી કે ઉદ્દઘાટન ક્યારે થશે.
સાથીઓ,
આ ઘટના એટલા માટે મહત્વની છે કે એમાં સંદેશ પણ છે કે સમયસર યોજનાઓ પૂરી થઈ શકે છે. આજે મુલા- મૂઠા નદીઓને પ્રદુષણથી મુક્ત કરવા માટે રૂ.1100 કરોડના પ્રોજેક્ટનું કામ પણ શરૂ થઈ ગયું છે. આજે પુણેને ઈ-બસ પણ મળી છે. બાનેરમાં ઈ-બસ ડેપોનું ઉદ્દઘાટન પણ થયું છે. સૌના સાથ માટે હું ઉષાજીને અભિનંદન પાઠવું છું. અનેક વિવિધતાઓ ભરેલા જીવનમાં એક સુંદર ભેટ આર કે લક્ષ્મણજીને સમર્પિત એક ઉત્તમ આર્ટ ગેલેરી મ્યુઝિયમ પણ આજે પુણેને મળ્યું છે. ઉષાજીને અને તેમના પરિવારને, કારણ કે હું સતત તેમના સંપર્કમાં રહ્યો છું. તેમનો ઉત્સાહ અને લગન સાથે કામ પૂરૂં કરવા માટે દિવસ રાત જોડાયેલું રહેવું તે તેમના સ્વભાવમાં છે. હું સાચા અર્થમાં સમગ્ર પરિવારને અને ઉષાજીને અભિનંદન પાઠવું છું. આ તમામ સેવા કાર્યો માટે આજે પુણેવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે અમારા બંને મેયર સાહેબોને, તેમની ટીમને ઝડપી ગતિથી વિકાસના અનેક કામ હાથ ધરવા માટે પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
ભાઈઓ અને બહેનો,
પુણે તેની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રભક્તિની ચેતના માટે ઘણું જાણીતુ છે. સાથે સાથે પુણેએ શિક્ષણ, સંશોધન અને વિકાસ, આઈટી તથા ઓટોમોબાઈલ્સ જેવા ક્ષેત્રોમાં પોતાની ઓળખ સતત મજબૂત બનાવી છે. આ સ્થિતિમાં આધુનિક સુવિધાઓની પુણેના લોકોને જરૂર છે અને અમારી સરકાર પુણેવાસીઓની આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનેક મોરચે કામ કરી રહી છે. હજુ થોડાક સમય પહેલાં જ મેં ગરવારેથી આનંદનગર સુધી મેટ્રોની સફર કરી છે. આ મેટ્રો પુણેની મોબિલિટીને આસાન બનાવશે. પ્રદુષણ અને ટ્રાફિકજામ સામે રાહત પૂરી પાડશે. પુણેના લોકોની જીવન જીવવામાં આસાનીમાં વધારો થશે. પાંચ- છ વર્ષ પહેલાં અમારા દેવેન્દ્રજી જ્યારે અહિંયા મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રોજેક્ટની વાત લઈને સતત દિલ્હી આવતા- જતા રહેતા હતા. ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે આ પ્રોજેક્ટ સાથે જે જોડાયેલા રહ્યા હતા. હું તેમને પ્રયત્નો બદલ અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
કોરોના મહામારીની વચ્ચે પણ આ સેક્શન આજે સેવા માટે તૈયાર થયું છે. પુણે મેટ્રોના સંચાલન માટે સોલાર પાવરનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. તેનાથી દર વર્ષે આશરે 25,000 ટન કાર્બનડાયોક્સાઈડ હવામાં છૂટતો રોકી શકાશે. હું આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ લોકોને અને ખાસ કરીને શ્રમિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. તમારા આ યોગદાનને કારણે પુણેના પ્રોફેશનલ, અહિંયા વિદ્યાર્થીઓ અને સામાન્ય માનવીને ઘણી મદદ થશે.
સાથીઓ,
આ દેશમાં કેટલી ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે તે બાબતે આપ સૌ સારી રીતે પરિચિત છો. એવું માનવામાં આવે છે કે વર્ષ 2030 સુધીમાં આપણી શહેરી વસતિ 60 કરોડનો આંક વટાવી જશે. શહેરોની વધતી જતી વસતી પોતાના સાથે અનેક તકો લઈને આવે છે, પણ સાથે સાથે પડકારો પણ હોય છે. શહેરમાં એક મર્યાદિત સીમામાં ફ્લાયઓવર બની શકતા હોય છે. વસતિ વધતી જાય તો આપણે કેટલા ફ્લાયઓવર બનાવી શકીએ? ક્યાં ક્યાં બનાવીશું? કેટલી સડકો પહોળી કરીશું? ક્યાં ક્યાં કરીશું? આવી પરિસ્થિતિમાં આપણી પાસે વિકલ્પ એક જ છે- જાહેર પરિવહન વ્યવસ્થાનું વધુમાં વધુ પ્રમાણમાં નિર્માણ કરવામાં આવે. એટલા માટે આજે અમારી સરકાર જાહેર પરિવહન વ્યવસ્થાના સાધનો અને ખાસ કરીને મેટ્રો કનેક્ટિવિટી ઉપર વિશેષ ધ્યાન આપી રહી છે. વર્ષ 2014 સુધીમાં દેશમાં માત્ર દિલ્હી એનસીઆરમાં જ મેટ્રોનો વ્યાપક વિસ્તાર થયો હતો. બાકી છૂટાછવાયા શહેરોમાં મેટ્રો પહોંચવાની શરૂઆત જ થઈ હતી. આજે દેશના બે ડઝન કરતાં વધુ શહેરોમાં મેટ્રો કાંતો કાર્યરત થઈ ચૂકી છે અથવા તો ખૂબ જલ્દી શરૂ થવાની છે. એમાં મહારાષ્ટ્રની પણ હિસ્સેદારી છે. મુંબઈ હોય, પિંપરી- ચિંચવર હોય, નાગપુર હોય, મહારાષ્ટ્રમાં મેટ્રોનું નેટવર્ક ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે.
આજના આ પ્રસંગે મારો પુણે અને એવા દરેક શહેરના લોકોને આગ્રહ છે કે જ્યાં મેટ્રો ચાલી રહી છે ત્યાં પ્રભાવ ધરાવતા નાગરિકોને વિશેષ આગ્રહ કરૂં છું કે સમાજમાં જે લોકોને મોટા લોકો કહેવામાં આવે છે તેમને હું ખાસ આગ્રહ કરૂં છું કે આપણે ગમે તેટલા મોટા કેમ ના હોઈએ, મેટ્રોમાં યાત્રા કરવાની આદત સમાજના દરેક વર્ગમાં પડવી જોઈએ. તમે જેટલી વધુ મેટ્રોમાં મુસાફરી કરશો, તેટલી જ તમારા શહેરને મદદ કરશો.
ભાઈઓ અને બહેનો,
21મી સદીના ભારતમાં આપણે આપણાં શહેરોને આધુનિક બનાવવા પડશે અને નવી સુવિધાઓ પણ વિકસાવવી પડશે. ભારતના ભવિષ્યના શહેરોને ધ્યાનમાં રાખીને આપણી સરકાર અનેક યોજનાઓ ઉપર એક સાથે કામ કરી રહી છે. અમારી સરકારનો એવો પ્રયાસ છે કે દરેક શહેરમાં વધુને વધુ લોકો ગ્રીન ટ્રાન્સપોર્ટ હોય, ઈલેક્ટ્રિક બસ હોય, ઈલેક્ટ્રિક કાર હોય, ઈલેક્ટ્રિક દ્વિચક્રી વાહન હોય, દરેક શહેરમાં સ્માર્ટ મોબિલિટી હોય અને લોકો ટ્રાન્સપોર્ટની સુવિધાઓ માટે એક જ કાર્ડનો ઉપયોગ કરે. દરેક શહેરમાં સુવિધાઓને સ્માર્ટ બનાવવા માટે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર હોય, દરેક શહેરમાં સર્ક્યુલર ઈકોનોમીને મજબૂત બનાવનારી આધુનિક વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ હોય, દરેક શહેરને વોટર પ્લસ બનાવનારા આધુનિક સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૂરતી સંખ્યામાં હોય, જળસ્રોતોની સુરક્ષા માટે બહેતર વ્યવસ્થા હોય, દરેક શહેરમાં વેસ્ટ ટુ વેલ્થનું સર્જન કરનારા ગોબરધન પ્લાન્ટ હોય, બાયોગેસ પ્લાન્ટ હોય, દરેક શહેરમાં ઊર્જા કાર્યક્ષમતા ઉપર ભાર મૂકવામાં આવતો હોય, દરેક શહેરની સ્ટ્રીટ લાઈટ એલઈડી બલ્બથી ઝગમગતી હોય એવા વિઝન સાથે આપણે આગળ ધપી રહ્યા છીએ.
શહેરોમાં પીવા માટેનું પાણી અને ગટરોની સ્થિતિ સુધારવા માટે આપણે અમૃત મિશન હેઠળ અનેક પ્રયાસો હાથ ધરીને આગળ વધી રહ્યા છીએ. આપણે રેરા જેવો કાયદો પણ બનાવ્યો કે જેથી મધ્યમ વર્ગના પરિવારો કાયદાના અભાવે પરેશાન ના થાય. પૈસા આપ્યા પછી પણ વર્ષો વિતી જવા છતાં પણ મકાન મળતાં ન હતા. આ બધી સમસ્યાઓ હલ કરવા માટે જે બાબતો કાગળ ઉપર બતાવી હોય તે મકાનમાં ના હોય તેવી અવ્યવસ્થા ઘણી વખત ઉભી થતી હતી. એક રીત કહીએ તો આપણાં મધ્યમ વર્ગના પરિવારો જીંદગીની ખૂબ મોટી મૂડીથી પોતાનું ઘર બનાવવામાં માંગતા હોય છે. ઘર બની જાય તે પહેલાં જ તેમને છેતરપિંડીનો અનુભવ થતો હોય છે. આવા મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર બનાવવાની ઈચ્છાને સુરક્ષા પૂરી પાડવા માટે રેરાનો કાયદો ખૂબ મોટું કામ કરી રહ્યો છે. આપણે શહેરોમાં વિકાસની અને તંદુરસ્ત સ્પર્ધાની પ્રણાલિ વિકસિત કરી રહ્યા છીએ કે જેથી સ્વચ્છતા બાબતે સ્થાનિક એકમો પૂરતું ધ્યાન આપે. શહેરી આયોજન સાથે જોડાયેલા આ વર્ષના બજેટમાં આ વિષય અંગે પણ ધ્યાન આપવામાં આવ્યું છે.
ભાઈઓ અને બહેનો,
પુણેની ઓળખ ગ્રીન ફ્યુઅલના સેન્ટર તરીકે પણ મજબૂત બની રહી છે. પ્રદુષણની સમસ્યાથી મુક્તિ મળે, વિદેશમાંથી કરાતા ક્રૂડ ઓઈલની આયાત ઉપર નિર્ભરતા ઓછી થાય અને ખેડૂતોની આવક વધે તે માટે આપણે ઈથેનોલ અંગે તથા બાયોફ્યુઅલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. પુણેમાં મોટાપાયે ઈથેનોલના બ્લેન્ડીંગની સુવિધાઓ સ્થાપવામાં આવી છે. તેનાથી અહિંયા આસપાસના શેરડીના ખેડૂતોને ઘણી મોટી મદદ મળવાની છે. પુણેને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે હાલમાં નગરપાલિકાઓએ અનેક કામ શરૂ કર્યા છે. વારંવાર આવતા પૂર અને પ્રદુષણથી પુણેને મુક્તિ અપાવવા માટે સેંકડો કરોડો રૂપિયાના પ્રોજેક્ટસ ખૂબ જ ઉપયોગી નીવડવાના છે. મુલા- મૂઠા નદીની સાફસફાઈ અને સૌંદર્યીકરણ માટે પણ પુણે મહાનગરપાલિકાને કેન્દ્ર સરકાર સંપૂર્ણ સહયોગ પૂરો પાડી રહી છે. નદીઓ ફરીથી જીવંત બનશે તો શહેરના લોકોને પણ લાભ થશે અને તેમને નવી ઊર્જા મળશે. શહેરોમાં વસતા લોકોને પણ હું આગ્રહ કરીશ કે શહેરમાં એક દિવસ નક્કી કરીને નિયમિતપણે નદી ઉત્સવ મનાવવો જોઈએ. નદી પ્રત્યેની શ્રધ્ધા, નદીનું મહાત્મય પર્યાવરણની દ્રષ્ટિએ શિક્ષણ, સમગ્ર શહેરમાં આ બધી બાબતો સાથે ઉત્સવનું વાતાવરણ ઉભુ થવું જોઈએ. જો આવું થશે તો જ આપણી નદીઓનું મહત્વ લોકોને સમજાશે. પાણીના દરેક ટીંપાનું મહત્વ આપણને સમજાશે.
સાથીઓ,
કોઈપણ દેશમાં આધુનિક માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા માટે જે બાબત ખૂબ જ મહત્વની છે તેમાં ઝડપ અને વ્યાપનો સમાવેશ થાય છે, પણ દાયકાઓ સુધી આપણે ત્યાં એવી વ્યવસ્થા રહી હતી કે મહત્વની યોજનાઓને પૂરી કરવામાં ઘણો સમય વિતી જતો હતો. આ સુસ્ત વલણ દેશના વિકાસને અસર કરી રહ્યું હતું. આજે ઝડપથી આગળ ધપી રહેલા ભારતમાં આપણે ઝડપ ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે અને વ્યાપ અંગે પણ ધ્યાન આપવાની જરૂર છે. એટલા માટે જ અમારી સરકારે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન બનાવ્યો છે. અમે જોયું છે કે ઘણી વખત વિલંબ થવા પાછળ કારણ હોય છે. અલગ અલગ વિભાગોમાં, અલગ અલગ મંત્રાલયોમાં, સરકારોમાં તાલમેલનો અભાવ વર્તાતો હોય છે. આવું એટલા માટે થાય છે કે જ્યારે વર્ષો પછી કોઈ યોજના પૂરી થઈ જાય તો પણ તે આઉટડેટેડ બની જતી હોય છે અને તેની પ્રાસંગિકતા ખતમ થઈ જાય છે.
પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન આવા તમામ વિરોધાભાસને દૂર કરવાનું કામ કરશે. સુસંકલિત રીતે ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવામાં આવશે તો તેનો લાભ દરેક સહયોગીને મળશે, યોગ્ય જાણકારી પ્રાપ્ત થશે અને પ્રોજેક્ટ સમયસર પૂરા થવાની સંભાવના પણ વધી જશે. આવું થશે એટલે લોકોની તકલીફો ઓછી થશે, દેશના પૈસા પણ બચશે અને લોકોને વધુમાં વધુ સુવિધા પણ પ્રાપ્ત થશે.
ભાઈઓ અને બહેનો,
મને એ બાબતનો પણ સંતોષ છે કે આધુનિકતાની સાથે સાથે પુણેની પૌરાણિકતા તથા મહારાષ્ટ્રના ગૌરવ બાબતે અને શહેરી આયોજન અંગે પણ એટલું જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ભૂમિ સંત જ્ઞાનેશ્વર અને સંત તુકારામ જેવા પ્રેરક સંતોની ભૂમિ છે. થોડાંક મહિના પહેલા શ્રી સંત જ્ઞાનેશ્વર પાલખી માર્ગ અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગનો શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે. પોતાના ઈતિહાસ અંગે ગૌરવ કરવાની સાથે સાથે આધુનિકતાની આ વિકાસ યાત્રા આવી જ રીતે ચાલતી રહે તેવી ઈચ્છા સાથે પુણેના તમામ નાગરિકોને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ!