મેઘાલયના રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રાજી, મેઘાલયના મુખ્યમંત્રી સંગમાજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી અમિતભાઈ શાહ, સર્વાનંદ સોનોવાલ, કિરણ રિજિજુજી, જી કિશન રેડ્ડીજી, બી.એલ.વર્માજી, મણિપુર, મિઝોરમ, આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને સિક્કિમના તમામ મુખ્યમંત્રીઓ અને મેઘાલયનાં મારાં વ્હાલા ભાઈઓ અને બહેનો!
ખુબલેઈ શિબોન! (ખાસી અને જયંતિયામાં નમસ્તે) નમેંગ અમા!
(ગારોમાં નમસ્તે)
મેઘાલય પ્રકૃતિ અને સંસ્કૃતિથી સમૃદ્ધ રાજ્ય છે. આ સમૃદ્ધિ તમારાં સ્વાગત-સત્કારમાં પણ પ્રતિબિંબિત થાય છે. આજે, ફરી એકવાર, આપણને મેઘાલયના વિકાસના ઉત્સવમાં સહભાગી થવાનો અવસર મળ્યો છે. મેઘાલયનાં મારાં તમામ ભાઈઓ અને બહેનોને કનેક્ટિવિટી, શિક્ષણ, કૌશલ્ય, રોજગારની ડઝનબંધ પરિયોજનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન.
ભાઇઓ અને બહેનો,
આ એક યોગાનુયોગ જ છે કે આજે જ્યારે ફૂટબૉલ વર્લ્ડ કપની ફાઈનલ યોજાઈ રહી છે, ત્યારે હું અહીં ફૂટબૉલનાં મેદાન પર જ ફૂટબૉલ પ્રેમીઓની વચ્ચે છું. તે બાજુ ફૂટબૉલની સ્પર્ધા ચાલી રહી છે અને આપણે ફૂટબૉલનાં મેદાનમાં વિકાસની સ્પર્ધા કરી રહ્યા છીએ. મને લાગે છે કે મેચ કતારમાં થઈ રહી છે, પરંતુ ઉત્સાહ અને ઉમંગ અહીં પણ ઓછો નથી. અને મિત્રો, જ્યારે હું ફૂટબૉલનાં મેદાન પર છું અને ફૂટબૉલ ફિવર ચારે બાજુ છે, ત્યારે આપણે ફૂટબૉલની જ પરિભાષામાં વાત કેમ ન કરીએ, ફૂટબૉલનું જ ઉદાહરણ આપીને વાત કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે ફૂટબૉલમાં જો કોઈ રમતની ભાવના વિરુદ્ધ- ખેલદિલીની ભાવના સામે વર્તે છે. તો તેને રેડ કાર્ડ બતાવીને બહાર કરી દેવામાં આવે છે. તેવી જ રીતે છેલ્લાં 8 વર્ષમાં અમે નોર્થ ઇસ્ટના વિકાસ સાથે જોડાયેલા અનેક અવરોધોને રેડ કાર્ડ બતાવી દીધું છે. અમે ભ્રષ્ટાચાર, ભેદભાવ, સગાવાદ, હિંસા, પ્રોજેક્ટ્સને લટકાવવા, વૉટબૅન્કનાં રાજકારણને બાકાત રાખવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યા છીએ. પણ તમે પણ જાણો છો, દેશ પણ જાણે છે. આ દૂષણોનાં, રોગોનાં મૂળ ખૂબ ઊંડાં હોય છે, તેથી આપણે બધાએ સાથે મળીને તેને દૂર કરવા જ પડશે. વિકાસનાં કામોને વધારે વેગ આપવા અને તેને વધુ અસરકારક બનાવવાના પ્રયત્નોનાં સારાં પરિણામો પણ આપણને જોવાં મળી રહ્યાં છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર રમત-ગમતને લઈને પણ આજે નવા અભિગમ સાથે આગળ વધી રહી છે. તેનાથી પૂર્વોત્તરને, પૂર્વોત્તરના મારા જવાનોને, આપણા દીકરા અને દીકરીઓને લાભ થયો છે. દેશની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી નોર્થ ઇસ્ટમાં છે. આજે નોર્થ ઇસ્ટમાં મલ્ટીપર્પઝ હૉલ, ફૂટબૉલનું મેદાન, ઍથ્લેટિક્સ ટ્રેક જેવા 90 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આજે હું શિલોંગથી કહી શકું છું કે આજે ભલે આપણી નજર કતારમાં ચાલી રહેલી રમત પર હોય, મેદાનમાં વિદેશી ટીમ છે એના પર છે, પરંતુ મને મારા દેશની યુવા શક્તિ પર વિશ્વાસ છે. એટલા માટે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે, એ દિવસ દૂર નથી જ્યારે આપણે ભારતમાં પણ આવો જ એક ઉત્સવ મનાવીશું અને તિરંગા માટે ચિયર કરીશું.
ભાઇઓ અને બહેનો,
વિકાસ માત્ર બજેટ, ટેન્ડર, શિલાન્યાસ, ઉદ્ઘાટન એ બધી વિધિઓ પૂરતો જ મર્યાદિત નથી. આ તો 2014 પહેલા પણ આવું થતું રહેતું હતું. રિબિન કાપનારા પહોંચી જતા હતા. નેતાઓ માળાઓ પણ પહેરી લેતા હતા, 'ઝિંદાબાદ'ના નારા પણ લગાવાતા હતા. તો પછી આજે શું બદલાયું છે? આજે જે પરિવર્તન આવ્યું છે તે અમારા ઇરાદામાં આવ્યું છે. તે આપણા સંકલ્પોમાં આવ્યું છે, આપણી પ્રાથમિકતાઓમાં આવ્યું છે, આપણી કાર્યસંસ્કૃતિમાં આવ્યું છે, પરિવર્તન પ્રક્રિયામાં અને પરિણામમાં પણ આવ્યું છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક કનેક્ટિવિટીથી વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ છે. તેનો ઇરાદો ભારતનાં દરેક ક્ષેત્રને, ભારતના દરેક વર્ગને, ઝડપી વિકાસના મિશન સાથે જોડવાનો છે, સબકા પ્રયાસથી ભારતના વિકાસનો છે. અભાવ દૂર કરવો, અંતર ઘટાડવું, ક્ષમતાનું નિર્માણ કરવું, યુવાનોને વધુ તકો આપવી એ પ્રાથમિકતા છે. કાર્ય સંસ્કૃતિમાં ફેરફાર એટલે કે દરેક પ્રોજેક્ટ, દરેક પ્રોગ્રામ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે.
સાથીઓ,
જ્યારે અમે કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓ બદલી, પ્રાયોરિટી બદલી, તો તેની સકારાત્મક અસર પણ આખા દેશમાં દેખાઈ રહી છે. આ વર્ષે દેશમાં 7 લાખ કરોડ રૂપિયા, આ આંકડો મેઘાલયનાં ભાઈઓ અને બહેનો યાદ રાખજો, પૂર્વોત્તરનાં મારાં ભાઈઓ અને બહેનો યાદ રાખજો, માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેન્દ્ર સરકાર 7 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. જ્યારે 8 વર્ષ પહેલા આ ખર્ચ 2 લાખ કરોડ રૂપિયાથી પણ ઓછો હતો. એટલે કે, આઝાદીના 7 દાયકા પછી પણ, ફક્ત 2 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યા અને 8 વર્ષમાં અમે ક્ષમતામાં લગભગ 4 ગણો વધારો કર્યો છે. આજે ઈન્ફ્રાસ્ટ્રકચરને લઈને અનેક રાજ્યો પણ, રાજ્યો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે, સ્પર્ધા થઈ રહી છે, વિકાસ માટે સ્પર્ધા થઈ રહી છે. દેશમાં આ જે પરિવર્તન આવ્યું છે, તેનો સૌથી મોટો લાભાર્થી પણ આજે મારું આ નોર્થ ઇસ્ટ જ છે.
શિલોંગ સહિત પૂર્વોત્તરની તમામ રાજધાનીઓને રેલવે સેવા દ્વારા જોડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. વર્ષ 2014 પહેલા જ્યાં દર અઠવાડિયે માત્ર 900 ફ્લાઈટ જ શક્ય બનતી હતી, આજે તેની સંખ્યા લગભગ એક હજાર નવસો સુધી પહોંચી ગઈ છે. એક સમયે 900 રહેતી હતી, હવે 1900 રહ્યા કરશે. આજે મેઘાલયમાં ઉડાન યોજના હેઠળ 16 રૂટ્સ પર વિમાની સેવા ચાલી રહી છે. આનાથી મેઘાલયના લોકોને સસ્તી વિમાની સેવાનો લાભ મળી રહ્યો છે. વધુ સારી એર કનેક્ટિવિટીથી મેઘાલય અને પૂર્વોત્તરના ખેડૂતોને પણ લાભ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની કૃષિ ઉડાન યોજનાથી અહીંનાં ફળ અને શાકભાજી સરળતાથી દેશ-વિદેશનાં બજારમાં પહોંચી શકે છે.
સાથીઓ,
આજે જે પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેનાથી મેઘાલયની કનેક્ટિવિટી વધુ મજબૂત થવાની છે. મેઘાલયમાં છેલ્લાં 8 વર્ષમાં નેશનલ હાઈવેનાં નિર્માણ પાછળ 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મેઘાલયમાં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ છેલ્લાં આઠ વર્ષમાં જેટલા ગ્રામીણ રસ્તાઓ બન્યા છે એની સંખ્યા એનાં અગાઉનાં 20 વર્ષોમાં બનેલા રસ્તાથી સાત ગણી વધારે છે.
ભાઇઓ અને બહેનો,
પૂર્વોત્તરની યુવા શક્તિ માટે ડિજિટલ કનેક્ટિવિટીનાં માધ્યમથી નવી તકોનું નિર્માણ કરાઈ રહ્યું છે. ડિજિટલ કનેક્ટિવિટીથી માત્ર વાતચીત, સંચાર જ નહીં, માત્ર એટલો જ લાભ મળે છે એવું નથી. પરંતુ, તેનાથી પર્યટનથી લઈને ટેકનોલોજી સુધી, શિક્ષણથી લઈને આરોગ્ય સુધી, દરેક ક્ષેત્રમાં સુવિધાઓ વધે છે, તકો વધે છે. સાથે જ દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધી રહેલી ડિજિટલ ઇકોનોમીનું સામર્થ્ય પણ તેનાથી વધે છે. વર્ષ 2014ની સરખામણીમાં પૂર્વોત્તરમાં ઑપ્ટિકલ ફાઇબરનું કવરેજ લગભગ 4 ગણું વધ્યું છે. તો મેઘાલયમાં આ વધારો 5 ગણાથી વધુ છે. 6,000 મોબાઇલ ટાવર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી પૂર્વોત્તરના દરેક ખૂણે ખૂણે મોબાઇલ કનેક્ટિવિટી વધુ સારી રીતે પહોંચી શકે. આના પર 5 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. મેઘાલયમાં આજે અનેક ૪જી મોબાઇલ ટાવર્સનું લોકાર્પણ આ પ્રયત્નોને વેગ આપશે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અહીંના યુવાનોને નવી તકો આપનારું છે.
મેઘાલયમાં આઇઆઇએમનું લોકાર્પણ અને ટેકનોલોજી પાર્કનો શિલાન્યાસ પણ શૈક્ષણિક અને કમાણીની તકોમાં વધારો કરશે. આજે પૂર્વોત્તરના આદિવાસી વિસ્તારોમાં 150થી વધુ એકલવ્ય આદર્શ શાળાઓનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાંથી 39 મેઘાલયમાં છે. બીજી તરફ આઈઆઈએમ જેવી પ્રોફેશનલ એજ્યુકેશન સંસ્થાઓથી યુવાનોને પ્રોફેશનલ એજ્યુકેશનનો લાભ પણ અહીં મળવાનો છે.
ભાઇઓ અને બહેનો,
પૂર્વોત્તરના વિકાસ માટે ભાજપ સરકાર, એનડીએ સરકાર પૂરી ઈમાનદારીથી કામ કરી રહી છે. આ વર્ષે જ 3 નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે કાં તો સીધી પૂર્વોત્તર માટે છે અથવા તો તેનો સૌથી વધુ ફાયદો પૂર્વોત્તરને થવાનો છે. પર્વતમાળા યોજના હેઠળ રોપ-વેનું નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે. તેનાથી પૂર્વોત્તરનાં પ્રસિદ્ધ પર્યટન સ્થળોની સુવિધામાં વધારો થશે અને પર્યટનનો વિકાસ પણ થશે. પીએમ ડિવાઇન યોજના તો પૂર્વોત્તરના વિકાસને નવી ગતિ આપવા જઈ રહી છે. આ યોજનાથી પૂર્વોત્તર માટે મોટી વિકાસ પરિયોજનાઓને વધુ સરળતાથી મંજૂરી મળી જશે. અહીં મહિલાઓ અને યુવાનોની આજીવિકાનાં સાધનોનો વિકાસ થશે. પીએમ-ડિવાઇન હેઠળ આગામી 3-4 વર્ષ માટે 6,000 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.
ભાઇઓ અને બહેનો,
જે પક્ષોની સરકારો લાંબા સમય સુધી સત્તામાં રહી હતી, તેમની પૂર્વોત્તર માટે ડિવાઇડ-ભાગલાની વિચારસરણી હતી અને અમે ડિવાઇનના ઇરાદા સાથે આવ્યા છીએ. ભિન્ન ભિન્ન સમુદાયો હોય કે જુદા જુદા પ્રદેશો, અમે દરેક પ્રકારનાં વિભાજનને દૂર કરી રહ્યાં છીએ. આજે, પૂર્વોત્તરમાં, અમે વિવાદોની બોર્ડર નહીં, પરંતુ વિકાસના કોરિડોર બનાવી રહ્યા છીએ, એના પર ભાર આપી રહ્યા છીએ. છેલ્લાં આઠ વર્ષમાં અનેક સંગઠનોએ હિંસાનો માર્ગ છોડીને કાયમી શાંતિનો માર્ગ અપનાવ્યો છે. પૂર્વોત્તરમાં AFSPAની જરૂર ન પડે તે માટે રાજ્ય સરકારોના સહયોગથી સ્થિતિ સતત સુધારવામાં આવી રહી છે. એટલું જ નહીં રાજ્યો વચ્ચે દાયકાઓથી સરહદોને લઇને જે વિવાદો ચાલી રહ્યા હતા એનો પણ ઉકેલ આવી રહ્યો છે.
સાથીઓ,
અમારા માટે પૂર્વોત્તર, આપણા સરહદી વિસ્તારો છેલ્લો છેડો નથી પરંતુ સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રવેશદ્વાર છે. અહીંથી જ રાષ્ટ્રની સુરક્ષા પણ સુનિશ્ચિત થાય છે અને અન્ય દેશો સાથે વેપાર કારોબાર પણ અહીંથી જ થાય છે. એટલે બીજી એક મહત્વની યોજના છે, જેનો ફાયદો પૂર્વોત્તરનાં રાજ્યોને મળવાનો છે. આ યોજના વાઈબ્રન્ટ બોર્ડર વિલેજ બનાવવાની છે. આ અંતર્ગત સરહદી ગામોમાં વધુ સારી સુવિધાઓ વિકસાવવામાં આવશે. લાંબા સમયથી દેશમાં એવું વિચારવામાં આવ્યું હતું કે, સરહદી વિસ્તારમાં વિકાસ થશે, કનેક્ટિવિટી વધશે તો દુશ્મનને ફાયદો થશે. એવું વિચારવામાં આવ્યું હતું, હું તો તેની કલ્પના પણ કરી શકતો નથી. શું આવું ક્યારેય વિચારી પણ શકાય? અગાઉની સરકારની આ વિચારસરણીનાં કારણે નોર્થ ઈસ્ટ સહિત દેશના તમામ સીમાવર્તી વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં સુધારો થઈ શક્યો નહીં. પરંતુ આજે સ્પષ્ટ રીતે જાહેર કરીને નવા રસ્તા, નવી ટનલ, નવા પુલ, નવી રેલ લાઈન, નવી એર સ્ટ્રીપ, જે પણ જરૂરી છે, એક પછી એક, તેનું નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જે સરહદી ગામો ક્યારેક વેરાન રહેતાં હતાં, અમે તેને વાઇબ્રન્ટ બનાવવામાં લાગ્યા છીએ. આપણાં શહેરો માટે જે ગતિ મહત્વપૂર્ણ છે, તે જ ગતિ આપણી સરહદો પર હોવી જરૂરી છે. આનાથી અહીં પર્યટન પણ વધશે અને જે લોકો ગામ છોડીને ગયા છે તેઓ પણ પાછા ફરશે.
સાથીઓ,
ગયાં વર્ષે મને વેટિકન સિટીની મુલાકાત લેવાની તક મળી હતી, જ્યાં હું પરમ પૂજ્ય પોપને મળ્યો હતો. મેં તેમને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. આ મુલાકાતે મારાં મન પર ઊંડી છાપ છોડી દીધી. અમે બંનેએ એ પડકારોની ચર્ચા કરી કે જેની સામે આજે આખી માનવતા ઝઝૂમી રહી છે. એકતા અને સંવાદિતાની ભાવના કેવી રીતે બધાનાં કલ્યાણ તરફ દોરી જઈ શકે તે અંગેના સંયુક્ત પ્રયત્નો માટે સંમતિ સધાઈ હતી. આ લાગણીને આપણે મજબૂત બનાવવી પડશે.
સાથીઓ,
શાંતિ અને વિકાસની રાજનીતિનો સૌથી વધુ ફાયદો આપણા આદિવાસી સમાજને થયો છે. આદિવાસી સમાજની પરંપરા, ભાષા, પહેરવેશ, સંસ્કૃતિને જાળવી રાખીને આદિવાસી વિસ્તારોનો વિકાસ સરકારની પ્રાથમિકતા છે. તેથી, અમે વાંસ કાપવા પર જે પ્રતિબંધ હતો એને હટાવી દીધો છે. આનાથી વાંસ સાથે સંકળાયેલ આદિવાસી ઉત્પાદનોનાં નિર્માણને વેગ મળ્યો. પૂર્વોત્તરમાં જંગલોમાંથી પ્રાપ્ત થતી પેદાશોમાં મૂલ્ય સંવર્ધન માટે 850 વનધન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યાં છે. તેની સાથે અનેક સ્વસહાય જૂથો જોડાયેલાં છે, જેમાં આપણી ઘણી માતાઓ અને બહેનો કામ કરી રહી છે. એટલું જ નહીં, ઘર, પાણી, વીજળી, ગેસ જેવી સામાજિક માળખાગત સુવિધાઓનો પણ સૌથી વધુ ફાયદો પૂર્વોત્તરને થયો છે. વીતેલાં વર્ષોમાં મેઘાલયમાં 2 લાખ ઘરોમાં પહેલીવાર વીજળી પહોંચી છે. ગરીબો માટે લગભગ 70 હજાર મકાનોને મંજૂરી આપવામાં આવી છે. લગભગ ત્રણ લાખ પરિવારોને પ્રથમ વખત નળનાં પાણીની સુવિધા મળી છે. આવી સુવિધાઓના સૌથી મોટા લાભાર્થી આપણા આદિવાસી ભાઈઓ અને બહેનો છે.
સાથીઓ,
ઉત્તર પૂર્વમાં ઝડપી વિકાસનો આ પ્રવાહ આવી જ રીતે સતત વહેતો રહે તે સુનિશ્ચિત કરવા માટે તમારાં આશીર્વાદ અમારી ઊર્જા છે. હવે થોડા દિવસમાં જ ક્રિસમસનો તહેવાર આવી રહ્યો છે, આ તહેવાર આવી રહ્યો છે. આજે જ્યારે હું પૂર્વોત્તરમાં આવ્યો છું, ત્યારે હું ધરતી પરથી આ દેશના તમામ દેશવાસીઓને, પૂર્વોત્તરનાં મારાં તમામ ભાઈઓ અને બહેનોને આવનારા નાતાલના તહેવાર પર ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. તમને બધાને ફરી એક વાર ખૂબ ખૂબ અભિનંદન. ખુબલેઈ શિબોન! (ખાસી અને જયંતિયામાં ધન્યવાદ) મિતેલા! (ગારોમાં ધન્યવાદ)