ચિત્રકૂટની આ પવિત્ર ધરતી ઉપરઅહીં મોટી સંખ્યામાં પધારેલા મારા ભાઈઓ અને બહેનો. ચિત્રકૂટમાં રામજી તેમના ભાઈ લક્ષ્મણ અને સિતાજીની સાથે અહીં નિવાસ કરતા હતા. આથી હું મર્યાદા પુરુષોત્તમની તપોભૂમિમાંઆપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છું.
અહીંયા ઘણાં બધા વિરલાઓએ જન્મ લીધો છે અને આ સ્થળને પોતાની કર્મભૂમિ બનાવી છે તેમને પણ હું નમન કરૂ છું.
ભાઈઓ અને બહેનો,
સૌથી પહેલાં તો હું આપ સૌની ક્ષમા માંગુ છું, કારણ કે મેં હેલિકોપ્ટરમાંથી જોયુ છે કે જેટલા લોકો અંદર છે, તેટલાજ લોકો બહાર પણ છે અને બહારના લોકો અંદર આવવાની કોશિશ કરી રહ્યા છે, પણ આવી શકતા નથી.તમને આ અગવડ પડી છે તે બદલ હું આપની ક્ષમા માગુ છું, પણ આટલી મોટી સંખ્યામાં અહીં આવવાનો અર્થ એ થાય કે વિકાસની યોજનાઓ પ્રત્યે તમારામાં કેટલો ઊંડો વિશ્વાસ છે.ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે કે
ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીર
આજે તમને સૌને અહીંયાં જોઈને,તમારા આ સેવકને પણ થોડી થોડી એવી જ અનુભૂતિ થાય છે કેચિત્રકૂટ કેવળ એક સ્થળ નથી પરંતુ ભારતના પૌરાણિક જીવનનું સંકલ્પ સ્થળ છે, તપ સ્થળ છે. આ ધરતીમાંથી ભારતના લોકોને મર્યાદાના નવા સંસ્કાર મળ્યા છે.અહીંથી ભારતના સમાજને નવા આદર્શ પ્રાપ્ત થયા છે, પ્રભુ શ્રી રામે આદિવાસીઓને, વન પ્રદેશમાં નિવાસ કરનારા લોકોનેઅને અન્ય કામમાં જોડાયેલા લોકોને કેવી અસર કરી હતી તેની કથા અનંત છે.
સાથીઓ,
ભારતની જૂની વ્યવસ્થાઓને બદલતાં બદલતાં સમયની જરૂરિયાતોની સાથે પરોવીને તેને જીવંત રાખવાની કોશિશ પણ આ ધરતી પરથી થઈ છે.ભારત રત્ન, રાષ્ટ્ર ઋષિ, નાનાજી દેશમુખે અહીંથી જ ભારતને સ્વાવલંબનના માર્ગ પર લઈ જવાના વ્યાપક પ્રયાસો શરૂ કર્યા હતા. બે દિવસ પહેલાં જ નાનાજીને તેમની પુણ્યતિથી પ્રસંગે દેશના લોકોએ યાદ કર્યા છે.
ભાઈઓ અને બહેનો,
આપણાં બધા માટે એ સૌભાગ્યની બાબત છે કે ગ્રામોદયથી રાષ્ટ્રઉદય સુધી જે સંકલ્પને સાથે લઈને નાનાજી પોતાનું જીવન જીવ્યા તેને સાકાર કરનારી હજારો કરોડો રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને શરૂઆત આજે આ ચિત્રકૂટની ભૂમિ પરથી થઈ રહ્યો છે.
બુંદેલખંડને વિકાસને એક્સપ્રેસ માર્ગ ઉપર લઈ જનારો બુંદેલખંડ એક્સપ્રેસ માર્ગ આ સમગ્ર વિસ્તારના જનજીવનને બદલી નાંખનારો પૂરવાર થશે. લગભગ 15 હજાર કરોડના ખર્ચે તેનું બાંધકામ થવાનું છે. આ એક્સપ્રેસ માર્ગ અહીંયા રોજગારીની અનેક તકો ઉભી કરશે અને અહીંના સામાન્ય લોકોને મોટા મોટા શહેરોની સુવિધા સાથે જોડશે. થોડીવાર પહેલાં જ અહીંયા દેશના ખેડૂતોની આવકમાં વધારો થાયતે માટે કિસાનોને સશક્ત કરવા 10 હજાર ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન એટલે કે કિસાન ઉત્પાદન સંગઠન બનાવવાની યોજનાની પણ શરૂઆત કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે ખેડૂત અત્યાર સુધી ઉત્પાદક તો હતો જ, પણ હવે તે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન- એફપીઓ મારફતે વ્યાપાર પણ કરી શકશે. હવે પછી ખેડૂત પાકનું વાવેતર પણ કરશે અને કુશળ વેપારીની જેમ તેના ભાવ-તાલ કરીને પોતાની પેદાશની યોગ્ય કિંમત પણ મેળવી શકશે. હું આપને આગ્રહ કરૂં છું કે આ કાર્યક્રમ પૂરો થાય તે પછી અહીંથી તુરત જ પાછા જવાની ઉતાવળ કરશો નહીં. અહીંયા સમગ્ર દેશમાં જે સફળ એફપીઓ છે તેનું પ્રદર્શન ઉભુ કરવામાં આવ્યું છે. મેં એ પ્રદર્શન જોયુ છે અને તેને જોઈનેમારી છાતી ગજ ગજ ફૂલી છે. હું આપને વિનંતી કરૂં છું કે તમે પણ તેને જોઈને સમજવાનો જરૂર પ્રયાસ કરશો.
તેમણે પોત પોતાના રાજ્યોમાં એફપીઓ મારફતે કેવી કમાલ કરી છે તે જોઈ શકશો. આ સમગ્ર અભિયાનમા આગામી પાંચ વર્ષમાં લગભગ 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ તમામ વિકાસ યોજનાઓ માટે, મારા ખેડૂત ભાઈઓ અને બહેનો માટે, બુંદેલખંડ માટે, બુંદેલ ખંડના નાગરિકો માટે આપ સૌને વિકાસની આ દોડમાં સામેલ થવા બદલ અનેસમગ્ર દેશને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
આપણાં દેશમાં ખેડૂતો સાથે જોડાયેલી અનેક નીતિઓ હતી. તેને અમારી સરકારે સતત નવી દિશા આપી છે. તેને ખેડૂતોની આવક સાથે જોડવામાં આવી છે. સરકાર દ્વારા એ બાબતની ખાત્રી રાખવામાં આવી છે કે ખેડૂતોનો ખર્ચ ઘટે અને ઉત્પાદકતા વધે તથા ઉપજમાંથી જે વાજબી નાણાં મળે તે માટે વિતેલા પાંચ વર્ષમાં બીજથી માંડીને બજાર સુધીના અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે. ટેકાના લઘુત્તમ ભાવ માટેનો નિર્ણય હોય, જમીનનું હેલ્થ કાર્ડ હોય કે પછી યુરિયાનું 100 ટકા નીમ કોટીંગ હોય. દાયકાઓથી અધૂરી પડેલી સિંચાઈની યોજનાઓને પૂરી કરવાની બાબત હોય, સરકારે દરેક સ્તર ઉપર કામ કર્યું છે. ખેડૂતોની આવક વધારવા માટેનો આ એક મહત્વનો કાર્યક્રમ છે. આજે પણ તે એક મહત્વનો પડાવ છે. આજે અહીંયા જ પ્રધાન કિસાન સન્માન નિધિને એક વર્ષ પૂરૂ થવાનો સમારંભ પણ ઉજવવામાં આવી રહ્યો છે. મને યાદ છે કે અહીં એક વર્ષ પહેલાં જ્યારે આ યોજનાઓની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ઘણાં પ્રકારની શંકાઓ ઉભી કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી, પરંતુ આટલે ઓછા સમયમાં દેશના આશરે સાડા આઠ કરોડ ખેડૂત પરિવારોના બેંકના ખાતામાં સીધા 50 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ જમા થઈ ચૂકી છે. ચિત્રકૂટ સહિત સમગ્ર ઉત્તરપ્રદેશના બે કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં લગભગ 12 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. તમે કલ્પના કરી શકશો કે 50 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ માત્ર એક જ વર્ષમાં અને તે પણ સીધી બેંકના ખાતામાં જમા કરવામાં આવી છે, જેકોઈપણ વચેટિયા વગર,કોઈપણ જાતની લાગવગ વગર કે કોઈપણ જાતનો ભેદભાવ રાખયા વગર.
સાથીઓ,
તમે વિતેલા દાયકાઓમાં એવા દિવસો પણ જોયા હશે કે જ્યારે બુંદેલખંડના નામ ઉપર, ખેડૂતોના નામ પર હજારો કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવતી હતી, પરંતુ ખેડૂતને તેનો લાભ મળતો ન હતો. હવે દેશ આ બધી બાબતોને પાછળ છોડી ચૂક્યો છે. હવે દિલ્હીથી નિકળનારી પાઈ-પાઈ તેના હક્કદાર સુધી પહોંચી રહી છે. આ કડીમાં આજે કિસાન સન્માન નિધિ યોજનાના વ્યાપને વિસ્તારવામાં આવ્યો છે. હવે આ યોજનાના જે લાભાર્થીઓ છે તેમને બેંકોમાંથી સરળતાથી ધિરાણ પણ મળી શકશે. તેના માટે દરેક ખેડૂતને ક્રેડિટ કાર્ડની સુવિધાથી જોડવામાં આવી રહયા છે. આપણાંગરીબ ખેડૂતોને, નાના ખેડૂતોને શાહુકારો ઉપર આધાર રાખવો પડતો હતો. આવા મોટા કામ કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે થવાના છે. બેંકમાંથી મળનારા સસ્તા અને આસાન ધિરાણને કારણે હવે ધિરાણ મેળવવા માટે તમારે એક થી બીજી જગાએ જવું નહીં પડે.
ભાઈઓ અને બહેનો,
કોશિશ તો એવી પણ થઈ રહી છે કે જેટલા પણ પીએમ કિસાન યોજનાના સાથી લાભાર્થીઓ છે તેમને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે પણ જોડવામાં આવે. હાલમાં લગભગ બે કરોડ લાભાર્થીઓ તેનાથી વંચિત રહ્યા છે. આ અંતરને ભરવા માટે આ મહિને 15 દિવસનું એક વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેનાથી 40 લાખથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડવામાં આવ્યા છે. એમાંથી કેટલાક સાથીઓને થોડીક વાર પહેલાં જ અહીંયા કિસાન કાર્ડ પણ આપવામાં આવ્યા છે.
ભાઈઓ અને બહેનો,
જે સાથી પીએમ કિસાન યોજનાના લાભાર્થી છે તેમને પીએમ જીવન જ્યોતિ વીમા યોજના અને પીએમ જીવન સુરક્ષા વીમા યોજના સાથે પણ જોડવામાં આવી રહ્યા છે. તેનાથી કિસાન સાથીદારોને મુશ્કેલ સમયમાં રૂ.2 લાખ જેટલી વીમાની રકમ ચોક્કસપણે મળશે.
સાથીઓ,
હાલમાં સરકારે એક મોટો નિર્ણય પ્રધાનમંત્રી પાકવીમા બાબતે કર્યો છે. આ યોજનામાં જોડાવા માટે સ્વૈચ્છિક બનાવી દેવામાં આવ્યું છે. આ અગાઉ બેંકમાંથી ધિરાણ લેનાર ખેડૂત સાથીદારોએ તેની સાથે જોડાવું જ પડતું હતું, પરંતુ હવે તે ખેડૂતની ઈચ્છા ઉપર આધાર રાખશે. હવે ત્યાં જોડાવું હોય તો જોડાઈ શકશે અને નાજોડાવું હોય તો પોતાને બહાર પણ રાખી શકશે. આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કે હવે પોતાની જાતે આ યોજના સાથે જોડાનારા ખેડૂતોની સંખ્યા સતત વધતી રહી છે.
આ યોજના સાથે જોડાવું એટલા માટે પણ લાભદાયક છે કે રૂપિયા 13 હજાર કરોડના પ્રિમિયમના બદલે3 વર્ષમાં ખેડૂતોને 56 હજાર રૂપિયાના દાવાની રકમ ચૂકવવામાં આવી છે, એટલે કે સંકટના સમયે આ યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ છે.
સાથીઓ,
આ વર્ષના બજેટમાં પણ અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેનો લાભ ખેડૂતોને મળવાનો છે. ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે 16 મુદ્દાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે.
ગામડાંમાં સંગ્રહ માટે ભંડાર ગૃહ બને, પંચાયતના સ્તરે કોલ્ડ સ્ટોરેજ બને, પશુઓ માટે યોગ્ય માત્રામાંચારો પણ ઉપલબ્ધ થાય તે માટે એક વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે.
આ ઉપરાંત ગામડાંઓમાં ખેડૂતો અને પશુ પાલકો ફળ, શાકભાજી, દૂધ, માછલી જેવો જલ્દી ખરાબ થઈ જતો સામાન સુરક્ષિત રીતે બજાર સુધી પહોંચાડવા માટે કિસાન રેલવે જેવી સુવિધા શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
ભાઈઓ અને બહેનો,
આપણાં દેશના ગ્રામીણ બજારો અથવા ગામના સ્થાનિક બજારોને જથ્થાબંધ માર્કેટ અને વિશ્વના બજારો સાથે પણ જોડવાનું પણ આવશ્યક છે. એ માટે સરકાર ગ્રામીણ રિટેઈલ ખેત બજારોનું વિસ્તરણ કરવાની કામગીરી પણ કરી રહી છે. દેશમાં 22 હજાર ગ્રામ હાટમાં જરૂરી માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. સરકારનો એવો પ્રયાસ છે કે ખેડૂતને તેના ખેતરથી થોડાંક કી.મી. દૂર એક આવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે જે તેને દેશના કોઈપણ બજાર સાથે જોડી શકે. હવે પછી આવનારા સમયમાં ગ્રામીણ હાટ, કૃષિ અર્થ વ્યવસ્થાના નવા કેન્દ્રો બનશે અને આ જ કારણે ગામડાંઓના બજારોને મોટા બજારો સાથે એટલે કે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી અને તે પછી દુનિયાભરના બજારોસાથે જોડવામાં આવશે. કોશિશ તો એવી પણ છે કે આપણાં ખેડૂતોને તેમની પેદાશો વેચવા માટે બહુ દૂર સુધી જવું ના પડે. આ પ્રયત્નનું પરિણામ એ આવશે કે ઉત્તરપ્રદેશ સહિતસમગ્ર દેશના હજારોગ્રામીણ હાટને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી અને ઈ-નામ સાથે જોડવામાં આવી રહ્યા છે.
આ ઈ-નામ પ્લેટફોર્મ એટલે કે રાષ્ટ્રીય મંડી (બજાર). જેમાં મોબાઈલ ફોન અથવા તો કોમ્પ્યુટરથી ખેડૂત પોતાની ઉપજને સમગ્ર દેશમાં કોઈ પણ સ્થળે વેચી શકે છે. આ બજારો ખૂબ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં પણ 100 થી વધુ મંડીઓને આ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી ચૂકી છે. અત્યાર સુધી આ રાષ્ટ્રિય મંડીમાં સમગ્ર દેશમાં આશરે 1 લાખ કરોડ રૂપિયાનો વેપાર થઈ ચૂક્યો છે. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. ટેકનોલોજીની મદદથી કર્યો છે.
સાથીઓ,
સમૂહથીશક્તિ પ્રાપ્ત થતી હોય છે અને આ સામુહિક શક્તિથી ખેડૂત પણ સમૃધ્ધિતરફ આગળ વધી શકે છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે હવે ખેડૂતો તેમની સામુહિક તાકાતનો પણ ઉપયોગ કરી શકશે. આજે ચિત્રકૂટમાં જે નવા એફપીઓ એટલે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન્સની શરૂઆત કરવામાં આવી છે તેની પાછળ પણ આવી જ ભાવના કામ કરે છે. તે ખાસ કરીને દેશ માટે નાના અને સિમાંત ખેડૂતોના હિતમાં છે, જેમની સંખ્યા દેશમાં સૌથી વધારે છે. એક ખેડૂત પરિવારને બદલે જ્યારે ગામનાં અનેક ખેડૂતો મળીને બીજ થી માંડીનેબજાર સુધીની વ્યવસ્થાઓ સાથે જોડાશે એટલે તેમની ક્ષમતા ચોક્કસપણવધવાની જ છે.
હવે જેમકે, વિચાર કરો, જ્યારે ખેડૂતોનો એક મોટો સમૂહ સંગઠીત થઈને ખાતર ખરીદશે, તેનું પરિવહન કરીને લાવશે તો પૈસાની કેટલી બચત થશે. એવી જ રીતે મોટી ખરીદી કરવામાં ડિસ્કાઉન્ટ પણ વધુ મળતું હોય છે. પાક તૈયાર થઈ ગયો હોય, બજારમાં લાવવાનો સમય થઈ ગયો હોય ત્યારે પણ તમારૂં સંગઠીતપણું વધુ કામમાં આવશે. તમે બજારમાં વેપારી- કારોબારીની સાથે અધિક પ્રભાવશાળી પધ્ધતિથી વાતચીત કરી શકશો. સારા ભાવ- તાલ પણ કરી શકશો.
ભાઈઓ અને બહેનો,
વિતેલા થોડાંક વર્ષોમાં ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનની સફળતાથી પ્રોત્સાહિત થઈને તેનો અભૂતપૂર્વ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો અને ઉત્પાદકોના સમૂહની મારફતે કૃષિ પેદાશોની નિકાસ માટે પણ વ્યાપક માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. હવે જેમ કે બટાકાહોય, કે પછી અહીંના જંગલમાંથી મળતા અન્ય ઉત્પાદનો હોય, તેમની કિંમત ઓછી મળતી હોય છે, પરંતુ જો તમે ચીપ્સ બનાવીને તેને બજારમાં મૂકશો તો, સારૂ પેકેજીંગ કરીને બજારમાં ઉતારશો તો તેની કિંમત વધુ મળી શકે. આ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન મારફતે એવી જ રીતે ઉદ્યોગો પણ સ્થાપવામાં આવશે. અને દરેક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનને રૂ.15 લાખ સુધીની મદદ આપવાની જોગવાઈ પણ ભારત સરકારે કરી છે. જે રીતે અહીંયા યોગીજીનીસરકારે એક ગામ, એક ઉત્પાદનની યોજના બનાવી છે તેની સાથે પણ આ સંગઠનોને જોડવામાં આવશે. સરકારે એવું પણ નકકી કર્યું છે કે આદિવાસી ક્ષેત્રો અને ચિત્રકૂટ જેવા દેશના 100 થી વધુ આકાંક્ષી જીલ્લાઓમાં ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. દરેક બ્લોકમાં ઓછામાં ઓછુ એક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન તૈયાર કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોના જંગલોની પેદાશમાં મૂલ્ય વૃધ્ધિ થાય તો તેને બળ મળશે અને વધુને વધુ બહેનો આ સંગઠન સાથે જોડાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સાથીઓ,
બુંદેલખંડ સહિત સમગ્ર ભારતને જે રીતે વધુ એક અભિયાનનો વ્યાપક લાભ મળવાનો છે તે – જલ જીવન મિશન. હવે દેશના દરેક વ્યક્તિને ભારતમાં પાણી મળી રહેશે અને જે તે વિસ્તારોને દુષ્કાળ મુક્ત કરવાનો સંકલ્પ પણ આગળ ધપાવવામાં આવ્યો છે. હવે પછીના પાંચ વર્ષમાં દેશના લગભગ 15 કરોડ પરિવારો સુધી પીવા માટેનું શુધ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ કરીને તેનું કામ ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આમાં પણ આકાંક્ષી જીલ્લાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ યોજના એવી છે કે તેનું સંચાલન પણ તમારે જ કરવાનું છે, દરેક ગામે કરવાનું છે. સરકાર તમારા હાથમાં પૈસા મૂકશે, ફંડ આપશે અને તેનો કારોબાર તમારે કરવાનો છે. પાઈપ ક્યાંથી પસાર થશે, પાણી ક્યાં એકત્ર કરવાનું છે, તેની જાળવણી કેવી રીતે કરવાનું છે તે બધું જ ગામના લોકો નક્કી કરશે. આપણી બહેનો પણ તેમાં મોટી ભૂમિકા અદા કરશે. આ જ તો સ્વાવલંબન છે, આ જ તો સશક્તિકરણની ભાવના છે. અહીંયા ગાંધીજીની ગ્રામ સ્વરાજની કલ્પના સાકાર થઈ રહી છે. આવા ઉદ્દેશ સાથે જ નાનાજી દેશમુખે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.
સાથીઓ,
ઉત્તરપ્રદેશના ખેડૂતોને, ઉત્તરપ્રદેશના શ્રમિકોને ઝડપી વિકાસને કારણે કનેક્ટીવિટી ઉપર પણ આધાર રાખવો પડ઼શે. તે માટે યોગીજી અને તેમની સરકાર એક પ્રકારે એક્સપ્રેસ ગતિ સાથે કામ કરી રહી છે. બુંદેલખંડ એક્સપ્રેસ માર્ગ હોય, પૂર્વાંચલ એક્સપ્રેસ માર્ગ હોય કે પછી પ્રસ્તાવિત ગંગા એક્સપ્રેસ હોય. ઉત્તરપ્રદેશમાં કનેક્ટીવિટી તો વધારવામાં આવશે, પણ સાથે સાથે રોજગારીની પણ અનેક તકો ઉભી થવાની છે. અગાઉ એક્સપ્રેસ માર્ગ માત્ર દિલ્હી- મુંબઈ જેવા મોટા શહેરોમાં જોવા મળતો હતો. હવે ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા જેવા વિસ્તારોના લોકોને પણ આધુનિક એક્સપ્રેસ માર્ગ પ્રાપ્ત થશે.લગભગ 300 કી.મી.ની આ આધુનિક સડક જ્યારે તૈયાર થઈ જશે ત્યારે ખૂબ ઓછા સમયમાં સીધા લખનૌ કે દિલ્હી પહોંચી શકાશે.
ભાઈઓ અને બહેનો,
આ આધુનિક માળખાગત સુવિધાઓ, અહીંયા નવા ઉદ્યોગો, નવા એકમોને વિકસીત કરશે. એ બાબત પણ જોગાનુજોગ છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ ઉત્તરપ્રદેશ ડિફેન્સ કોરિડોરની શિલારોપણ વિધિ કરવા માટે હું અહીંયા આવ્યો હતો અને આ વર્ષે બુંદેલખંડ એક્સપ્રેસ માર્ગનો શિલાન્યાસ થઈ રહ્યો છે. આ વર્ષના બજેટમાં ઉત્તરપ્રદેશ ડિફેન્સ કોરિડોર માટે રૂ.3700 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ બંને યોજનાઓનો એક બીજા સાથે ઊંડો સંબંધ છે. બુંદેલખંડ એક્સપ્રેસ માર્ગને કારણે ઉત્તરપ્રદેશ ડિફેન્સ કોરિડોરને પણ વેગ મળવાનો છે.
સાથીઓ,
એક સમયે આ વિસ્તાર ભારતની આઝાદીના ક્રાંતિવીરો પેદા કરતો હતો અને હવે પછીના સમયમાં તે ભારતને યુધ્ધ માટેના સાધન સરંજામ વડે આત્મનિર્ભર બનાવનાર વિસ્તાર તરીકે પણ જાણીતો થશે. બુંદેલખંડનો આ વિસ્તાર મેક ઈન ઈન્ડિયા માટે પણ એક મોટું કેન્દ્ર બનવાનો છે. અહીંયા બનેલા સાધન સરંજામની સમગ્ર વિશ્વમાં નિકાસ થશે. જ્યારે અહીંયા મોટી મોટી ફેક્ટરીઓ નાંખવાની શરૂઆત થશે ત્યારે આસપાસના નાના અને લઘુ એકમોને પણ મોટાપાયે લાભ થવાનો છે. અહીંના ખેડૂતોને પણ ફાયદો થશે. એવી જ રીતે રોજગારી માટે પણ અભૂતપૂર્વ તકો ઉભી થશે અને દરેક પરિવારની આવકમાં વધારો થશે.
ભાઈઓ અને બહેનો,
આધુનિક માળખાગત સુવિધાઓ ઉભી થવાથી અહીંના પર્યટન ઉદ્યોગને પણ વિશેષ લાભ થવાનો છે. ચિત્રકૂટમાં તો પ્રાકૃતિક સૌંદર્ય પણ છે અને આધ્યાત્મિકતાનો પણ ઊંડો વાસ છે. પ્રભુ રામના ચરણ જ્યાં જ્યાં પડ્યા હતા તેને જોડીને એક રામાયણ સરકીટ તરીકે વિકસાવવામાં આવી રહી છે. ચિત્રકૂટ તેનો મહત્વનો મુકામ બની રહેશે. રામાયણ સરકીટના દર્શન દેશ અને દુનિયાના શ્રધ્ધાળુ લોકો કરી શકે એટલા માટે રામાયણ એક્સપ્રેસ નામની એક વિશેષ ટ્રેન પણ શરૂ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં જ્યારે ત્યાં માળખાગત સુવિધાઓનો વિકાસ થશે ત્યારે શ્રધ્ધાળુઓની આવન- જાવન પણ વધુ પ્રમાણમાં થશે અને તેનાથી અહીંના યુવકોને રોજગારીની નવી નવી તકો પણ પ્રાપ્ત થશે.
મને વિશ્વાસ છે કે ચિત્રકૂટથી, બુંદેલખંડથી, સમગ્ર ઉત્તરપ્રદેશ, સમગ્ર દેશની આકાંક્ષાઓને એક્સપ્રેસ ગતિ પ્રાપ્ત થશે. તપ અને તપસ્યાનું તેજ ધરાવતી આ પવિત્ર ભૂમિ નવા ભારતના સપનાંઓનું એક મહત્વનું કેન્દ્ર બનશે. આ શુભેચ્છા સાથે, આ ક્ષેત્રના તમામ નાગરિકોને હું તમામ વિકાસ યોજનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારાં ખેડૂતો ભાઈઓ અને બહેનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને બુંદેલખંડ માત્ર પોતાનું જ નહીં, પણ ભારતનું ભાગ્ય બદલવા માટે તૈયાર થઈ રહ્યું છે.
ભારત માતા કી જય,
ભારત માતા કી જય
જય જવાન, જય કિસાન
જય જવાન, જય કિસાન
ડિફેન્સ કોરિડોર એટલે જવાન
એફપીઓની શરૂઆત એટલે કિસાન
જય જવાન, જય કિસાન સૂત્ર સાથે બુંદેલ ખંડ આગળ ધપતું રહેશે તેવી શુભેચ્છાઓ સાથે હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.