તમારી યોજનાઓ, તમારા વિઝનને સાંભળીને તથા તમારા સૌનો જુસ્સો જોઈને મારો ઉત્સાહ પણ અનેક ઘણો વધી ગયો છે.
સાથીઓ,
આજે દેશના બે મહાન સપૂત- ભારત રત્ન શ્રી જય પ્રકાશ નારાયણજી અને ભારત રત્ન શ્રી નાનાજી દેશમુખજીની જન્મ જયંતિ પણ છે. આઝાદી પછી ભારતને દિશા દર્શાવવામાં આ બંને વ્યક્તિત્વોની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે. સૌને સાથે લઈને, સૌના પ્રયાસોથી રાષ્ટ્રમાં કેવાં કેવાં મોટાં પરિવર્તનો લાવી શકાય છે, તેનું જીવન દર્શન આપણને આજે પણ એટલી જ પ્રેરણા પૂરી પાડી રહ્યું છે. હું શ્રી જય પ્રકાશ નારાયણજીને અને નાનાજી દેશમુખજીને નમન કરૂ છું. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
સાથીઓ,
21મી સદીનું ભારત આજે જે અભિગમ સાથે આગળ ધપી રહ્યું છે અને જે સુધારા કરી રહ્યું છે તેનો આધાર છે- ભારતનો તેના સામર્થ્ય પરનો અતૂટ વિશ્વાસ. ભારતનું સામર્થ્ય કોઈપણ દેશની તુલનામાં સહેજ પણ ઓછું નથી. આ સામર્થ્યથી આગળ જતાં નડી શકે તેવા તમામ અવરોધો દૂર કરવા તે અમારી સરકારની જવાબદારી છે અને તેના માટે સરકાર કોઈ કસર છોડશે નહીં. સ્પેસ સેકટર અને સ્પેસ ટેકનોલોજી બાબતે હાલમાં ભારતમાં મોટા સુધારા થઈ રહ્યા છે તે તેની એક કડી છે. ઈન્ડિયન સ્પેસ એસોસિએશન- ઈસ્પાની સ્થાપના કરવા બદલ હું આપ સૌને ફરી એકવાર અભિનંદન પાઠવુ છું. હું મારી શુભેચ્છાઓ વ્યક્ત કરૂ છું.
સાથીઓ,
જ્યારે આપણે સ્પેસ ક્ષેત્રે સુધારાની વાત કરીએ છીએ ત્યારે આપણો અભિગમ ચાર સ્થંભ પર આધારિત હોય છે. પ્રથમ- ખાનગી ક્ષેત્રને ઈનોવેશનની આઝાદી. બીજું - સરકારની સહાયક બનવાની ભૂમિકા. ત્રીજુ- ભવિષ્ય માટે યુવાનોને તૈયાર કરવા અને ચોથુ- સ્પેસ ક્ષેત્રને સામાન્ય માનવીની પ્રગતિના સાધન તરીકે જોવું. આ ચાર સ્થંભનો પાયો જ અસાધારણ સંભાવનાઓનાં દ્વાર ખોલે છે.
સાથીઓ,
તમે એ વાત પણ માનશો કે અગાઉ સ્પેસ ક્ષેત્રનો અર્થ થતો હતો- સરકાર ! પરંતુ અમે આ માનસિકતા બદલી નાંખી છે અને પછી સ્પેસ ક્ષેત્રમાં ઈનોવેશન માટે સરકાર, સ્ટાર્ટ-અપ એકબીજા સાથે સહયોગ કરીને સ્પેસનો મંત્ર આપ્યો. આ નવી વિચારધારા, નવો મંત્ર એટલા માટે જરૂરી છે કે ભારત માટે હવે આ સંકુલ પ્રકારનાં ઈનોવેશનનો સમય નથી. આ સમય છે- અપવાદરૂપ ઈનોવેશનનો. અને એ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે સરકાર સંચાલન કરનાર તરીકેની નહીં, પણ શક્ય બનાવનાર તરીકેની ભૂમિકા નિભાવશે. એટલા માટે આજે સંરક્ષણ ક્ષેત્રથી માંડીને સ્પેસ ક્ષેત્ર સુધી સરકાર પોતાની નિપુણતાનો લાભ આપી રહી છે. ખાનગી ક્ષેત્ર માટે લોન્ચ પેડ ઉપલબ્ધ કરી રહી છે. આજે ઈસરોની સુવિધાઓને ખાનગી ક્ષેત્ર માટે ખૂલ્લી મૂકવામાં આવી રહી છે. હવે એવું નિશ્ચિત કરવામાં આવશે કે આ ક્ષેત્રમાં પણ જે ટેકનોલોજીનું સંવર્ધન થઈ ચૂક્યું છે તે ખાનગી ક્ષેત્રને પણ તબદીલ કરવામાં આવે. આપણાં જે યુવાન ઈનોવેટર્સ છે, તેમને સાધનો ખરીદવા માટે સમય અને ઉર્જાનો ખર્ચ કરવો પડે છે. એટલા માટે સરકાર સ્પેસ એસેટ અને સર્વિસીસ માટે સંયોજક તરીકની ભૂમિકા નિભાવશે.
સાથીઓ,
ખાનગી ક્ષેત્રની સામેલગીરીને સુગમતા પૂરી પાડવા માટે દેશમાં ઈનસ્પેસ ક્ષેત્રની સ્થાપના પણ કરવામાં આવી છે. ઈનસ્પેસ ક્ષેત્ર સાથે જોડાયેલી તમામ બાબતો માટે એક સિંગલ વિન્ડો, સ્વતંત્ર એજન્સી તરીકે કામ કરશે. તેનાથી ખાનગી ક્ષેત્રની કંપનીઓને તેમના પ્રોજેક્ટસને વધુ ગતિ આપી શકાશે.
સાથીઓ,
આપણું સ્પેસ સેક્ટર 130 કરોડ દેશવાસીઓની પ્રગતિનું એક મોટું માધ્યમ છે. આપણાં માટે સ્પેસ ક્ષેત્ર એટલે સામાન્ય માનવી માટે બહેતર મેપીંગ, ઈમેજીંગ અને કનેક્ટિવીટીની સુવિધા ! આપણા માટે સ્પેસ ક્ષેત્ર એટલે ઉદ્યોગસાહસિકો માટે શીપમેન્ટથી માંડીને ડિલીવરી સુધીની બહેતર ઝડપ ! સ્પેસ ક્ષેત્ર એટલે ખેડૂતો અને માછીમારો માટે બહેતર આગાહી, બહેતર સુરક્ષા અને આવક ! અમારા માટે સ્પેસ ક્ષેત્રનો અર્થ ઈકોલોજીની, પર્યાવરણની બહેતર જાળવણી. કુદરતી આપત્તિઓની સચોટ ભવિષ્યવાણી. હજારો લાખો લોકોના જીવનની રક્ષા ! દેશના આ બધા લક્ષ્ય સાથે હવે સ્પેસ એસોસિએશનના લક્ષ્ય પણ હવે સહિયારા બન્યા છે.
સાથીઓ,
આજે દેશ એક સાથે આટલા વ્યાપક સુધારા હાથ ધરી રહ્યો છે, કારણ કે આજે દેશનું વિઝન સ્પષ્ટ છે અને આ વિઝન છે- આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર એક વિઝન જ નહીં, પણ સારી રીતે વિચારાયેલ, સુઆયોજિત, સંકલિત, આર્થિક વ્યૂહરચના પણ છે. એક એવી વ્યૂહરચના કે જે ભારતના ઉદ્યોગોના, ભારતના યુવાનોના કૌશલ્યની ક્ષમતાઓ વધારીને ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરીંગનું પાવર હાઉસ બનાવે. એક એવી વ્યૂહરચના કે જે ભારતની ટેકનોલોજીકલ નિપુણતાને આધાર બનાવીને ભારતને ઈનોવેશન્સનું વૈશ્વિક કેન્દ્ર બનાવે. એક એવી વ્યૂહરચના કે જે વૈશ્વિક વિકાસમાં મોટી ભૂમિકા નિભાવે. ભારતના માનવ સ્રોતો અને પ્રતિભાઓની પ્રતિષ્ઠા વિશ્વ સ્તરે વધારે, અને એટલા માટે ભારત આજે પોતાને ત્યાં નિયમનલક્ષી વાતાવરણ તૈયાર કરી રહ્યું છે. એમાં એ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે દેશ હિત અને સહયોગીઓનું હિત એમ બંનેને અગ્રતા આપવામાં આવે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતે સંરક્ષણ, કોલસા અને માઈનીંગ જેવા ક્ષેત્રો અગાઉથી જ ખૂલ્લા મૂક્યા છે. જાહેર ક્ષેત્રના એકમો બાબતે એક સ્પષ્ટ નીતિ સાથે આગળ ધપવામાં આવી રહ્યું છે અને જ્યાં સરકારની જરૂર નથી એવા વધુ ક્ષેત્રોને ખાનગી સાહસો માટે ખૂલ્લા મૂકવામાં આવી રહ્યા છે. હમણાં જ એર ઈન્ડિયા સાથે જોડાયેલો નિર્ણય કરવામાં આવ્યો છે તે અમારી કટિબધ્ધતા અને ગંભીરતા દર્શાવે છે.
સાથીઓ,
વિતેલા વર્ષોમાં અમારૂં ધ્યાન ટેકનોલોજી સાથે જોડાયેલા સંશોધન અને વિકાસની સાથે તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું રહ્યું છે. વિતેલા 7 વર્ષમાં તો સ્પેસ ટેકનોલોજીને અમે લાસ્ટ માઈલ ડિલીવરી, લીકેજ ફ્રી અને પારદર્શક શાસનનું મહત્વનું સાધન બનાવી છે. ગરીબોના ઘર, સડકો અને અન્ય માળખાકીય યોજનાઓમાં જીયો ટેગીંગનો ઉપયોગ હોય કે સેટેલાઈટ તસવીરો મારફતે વિકાસ કાર્યોનું મોનિટરીંગ કરવાનું હોય, ફસલ વીમા યોજના હેઠળ ઝડપથી દાવાનો નિકાલ કરવાનો હોય કે NAVIC સિસ્ટમથી કરોડો માછીમારોને મદદ કરવાની હોય કે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેનું આયોજન હોય આવા તમામ સ્તરે શાસનને સક્રિય અને પારદર્શક બનાવવામાં હવે ટેકનોલોજી મદદ કરી રહી છે.
સાથીઓ,
ટેકનોલોજી જ્યારે તમામ લોકો માટે ઉપલબ્ધ હોય ત્યારે કેવા પરિવર્તન થઈ શકે છે તેનું વધુ એક ઉદાહરણ ડીજીટલ ટેકનોલોજી છે. આજે ભારત જો દુનિયાના ટોચના ડીજીટલ અર્થતંત્રોમાંનું એક હોય તો તેનું મોટું કારણ એ છે કે આપણે ડેટાની તાકાત ગરીબમાં ગરીબ વ્યક્તિને સુલભ કરાવી શક્યા છીએ. એટલા માટે આપણે જે અદ્યતન ટેકનોલોજી માટે સ્પેસ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારે છેલ્લા ક્રમે ઉભા છે તેવા નાગરિકોને પણ આપણે યાદ રાખવાના છે. આપણે એ પણ યાદ રાખવાનું છે કે ટેકનોલોજી મારફતે આપણે દૂર દૂરના ગામડાંના ગરીબમાં ગરીબને ઉત્તમ રિમોટ હેલ્થ કેર, બહેતર વર્ચ્યુઅલ શિક્ષણ, કુદરતી આપત્તિથી બહેતર અને અસરકારક સુરક્ષા જેવા ઉપાયો, દેશના દરેક વર્ગ, દરેક ખૂણા સુધી પહોંચાડવાના છે. અને આપણે સૌ જાણીએ છીએ કે તેમાં સ્પેસ ટેકનોલોજીનું ખૂબ મોટું યોગદાન હોઈ શકે છે.
સાથીઓ,
ભારતની ગણના દુનિયાના એવા થોડાંક દેશોમાં થાય છે કે જેમની પાસે અંતરિક્ષમાં એન્ડ ટુ એન્ડ ક્ષમતા છે. આપણે સ્પેસ ટેકનોલોજીના તમામ પાસાઓ જેવા કે- સેટેલાઈટસ, લોન્ચ વ્હિકલ્સ, એપ્લિકેશનથી માંડીને ઈન્ટર પ્લેનેટરી મિશનમાં નિપુણતા હાંસલ કરી છે. આપણે કાર્યક્ષમતાને પોતાની બ્રાન્ડનો મહત્વનો હિસ્સો બનાવી છે. આજે આપણે માહિતી યુગમાંથી અંતરિક્ષ યુગ તરફ આગળ ધપી રહ્યા છીએ ત્યારે કાર્યક્ષમતાની આ બ્રાન્ડ વેલ્યુ આપણને વધુ સશક્ત બનાવે છે. સ્પેસ એક્સપ્લોરેશનની પ્રક્રિયા હોય કે પછી સ્પેસ ટેકનોલોજીની ઉપયોગિતા હોય, આપણે કાર્યક્ષમતા અને પોસાય તેવી બાબતોને નિરંતર પ્રોત્સાહિત કરતા રહ્યા છીએ. આપણી તાકાત મારફતે જ્યારે આપણે આગળ વધીશું તો વૈશ્વિક સ્પેસ સેક્ટરમાં આપણી ભાગીદારી વધવાનું નિશ્ચિત છે. આપણે હવે સ્પેસ કોમ્પોનન્ટના સપ્લાયરથી આગળ વધીને એન્ડ ટુ એન્ડ સ્પેસ સિસ્ટમ્સની સપ્લાય ચેઈનનો હિસ્સો બનવાનું છે. તે આપ સૌની, તમામ સહયોગીઓની ભાગીદારી વડે જ શક્ય બની શકશે. એક પાર્ટનર તરીકે સરકાર દરેક સ્તરે, ઉદ્યોગને, યુવા ઈનોવેટર્સને, સ્ટાર્ટ- અપ્સને સહયોગ પૂરો પાડી રહી છે અને આગળ પણ ધપાવતી રહી છે.
સાથીઓ,
સ્ટાર્ટ- અપ્સની એક મજબૂત વ્યવસ્થા વિકસિત કરવા માટે પ્લેટફોર્મ અભિગમ ખૂબ જ જરૂરી બની રહે છે. આ એક એવો અભિગમ છે કે જ્યાં વ્યાપક સંપર્ક માટે લોકો દ્વારા નિયંત્રિત પ્લેટફોર્મ સરકાર બનાવે છે અને પછી તેને ઉદ્યોગ અને એકમો માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. આ પાયાના પ્લેટફોર્મ ઉપર ઉદ્યોગસાહસિકો નવા ઉપાયો શોધી શકે છે. ડીજીટલ ચૂકવણી માટે સરકારે સૌથી પહેલાં યુપીઆઈ પ્લેટફોર્મ બનાવ્યું અને આજે એ પ્લેટફોર્મ ઉપર ફીનટેક સ્ટાર્ટ-અપ્સનું સશક્ત નેટવર્ક બની રહ્યું છે. સ્પેસ ક્ષેત્રને પણ આ પ્રકારના જ પ્લેટફોર્મ અભિગમથી સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. સ્પેસ ક્ષેત્રમાં પણ સમાન પ્રકારના અભિગમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો છે. ઈસરોની સુવિધાઓ સુધી પહોંચી શકાય, ઈન-સ્પેસ હોય કે ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ હોય, આવા દરેક પ્લેટફોર્મ પરથી સ્ટાર્ટઅપ્સ અને ખાનગી ક્ષેત્રને મોટો સહયોગ મળી રહ્યો છે. જીયો-સ્પેટિયલ મેપીંગ સેક્ટર સાથે જોડાયેલા નિયમો અને કાયદાઓને પણ સરળ કરવામાં આવ્યા છે કે જેથી સ્ટાર્ટઅપ્સ અને ખાનગી એકમો નવી સંભાવનાઓ શોધી શકે. ડ્રોન્સ બાબતે પણ આવા જ પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવી રહ્યા છે કે જેથી અલગ અલગ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે.
સાથીઓ,
આજે 11 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય સ્તરે, ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઈલ્ડ (બાલિકા દિન) તરીકે પણ મનાવવામાં આવે છે. આપણામાંથી ભારતના માર્સ મિશનની એ તસવીરોને કોણ ભૂલી શકે તેમ છે કે જેમાં મહિલા વૈજ્ઞાનિક આ મિશનની સફળતાનો ઉત્સવ મનાવી રહી હતી. મને વિશ્વાસ છે કે સ્પેસ ક્ષેત્રમાં જે સુધારા થઈ રહ્યા છે તે મહિલાઓની સામેલગીરીને વધુ આગળ ધપાવશે.
સાથીઓ,
આજે અહિંયા તમામ સાથીઓએ અન્ય બાબતો અંગે પણ સૂચનો આપ્યા છે. તમારા ઈનપુટ અને સૂચનો એવા સમયે મળ્યા છે કે જ્યારે સ્પેસકોમ પોલિસી અને રિમોટ સેન્સીંગ પોલિસીને આખરી સ્વરૂપ આપવાની કામગીરી છેલ્લા તબક્કામાં છે. મને વિશ્વાસ છે કે તમામ સહયોગીઓના સક્રિય પ્રયાસોથી દેશને ખૂબ જલ્દી એક બહેતર નીતિ પ્રાપ્ત થશે.
સાથીઓ,
આજે આપણે જે નિર્ણય કરીશું તેનાથી નીતિગત સુધારાઓ થશે અને તેનો પ્રભાવ આવનારી પેઢીઓ પર પણ પડશે. આવનારા 25 વર્ષ ઉપર પણ પડશે. આપણે જોયું છે કે 20મી સદીમાં અંતરિક્ષ અને અંતરિક્ષ પર રાજ કરવાની પ્રવૃત્તિએ દુનિયાના દેશોને કેવી રીતે વિભાજીત કર્યા છે. હવે 21મી સદીમાં અંતરિક્ષ દુનિયાને જોડવામાં, સંગઠીત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે તે ભારતે સુનિશ્ચિત કરવાનું રહેશે. ભારત જ્યારે આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે ભારત જે ઉંચાઈ પર હશે તેમાં આપ સૌનું, આપણાં બધાનું યોગદાન ખૂબ જ મહત્વનું બની રહેશે તેવી ખાત્રી સાથે આ દાયિત્ય બોધ એટલે કે સેન્સ ઓફ રિસ્પોન્સીબિલીટીની સાથે આપણે આગળ ધપવાનું છે. સૌના પ્રયાસથી જ જનહિત અને રાષ્ટ્રહિતમાં અદ્યતન ટેકનોલોજી માટે અંતરિક્ષની અપાર સંભાવનાઓને આપણે નવા આકાશ સુધી લઈ જઈશું એવા વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ધન્યવાદ!