ભારત માતા કી – જય,
ભારત માતા કી – જય.
સિવરી મહારાજેરી ઇસ પવિત્તર ધરતી અપણે, ઈક હજાર સાલવે, પુરાણે રિવાજાં, તે બિરાશતા જો દિખાંદા ચમ્બા, મૈં અપ્પૂ જો, તુસ્સા સબનિયાં-રે બિચ્ચ, આઇ કરી, અજ્જ બડા, ખુશ હૈ બુઝ્ઝેય કરદા.
સૌથી પહેલા તો હું ચંબાના લોકોની ક્ષમા પ્રાર્થું છું કારણ કે આ વખતે મને અહીં આવવામાં ઘણો વિલંબ થયો હતો, વચ્ચે થોડાં વર્ષો વીતી ગયાં છે. પરંતુ મારું સૌભાગ્ય છે કે, આજે મને આપ સૌની વચ્ચે આવીને આપ સૌનાં દર્શન કરવાનો, આપનાં આશીર્વાદ મેળવવાનો અવસર મને મળ્યો છે.
બે દિવસ પહેલા હું ઉજ્જૈનનની મહાકાલ નગરીમાં હતો અને આજે હું મણિમહેશનાં સાનિધ્યમાં આવ્યો છું. આજે જ્યારે હું આ ઐતિહાસિક ચૌગાનમાં આવ્યો છું ત્યારે જૂની વાતો યાદ આવવી બહુ સ્વાભાવિક છે. અહીં મારા સાથીઓ સાથે વીતાવેલી ક્ષણો અને રાજમાનો મદરા, ખરેખર એક અદ્ભુત અનુભવ રહેતો હતો.
ચંબાએ મને ખૂબ સ્નેહ આપ્યો છે, ઘણાં આશીર્વાદ આપ્યાં છે. એટલા માટે થોડા મહિના પહેલા મિંજર મેળા દરમિયાન અહીંના એક શિક્ષક સાથીએ પત્ર લખીને ચંબે સાથે જોડાયેલી ઘણી વાતો મારી સાથે શેર કરી હતી. જેને મેં મન કી બાતમાં દેશ અને દુનિયા સાથે શેર પણ કરી હતી. એટલા માટે, આજનો દિવસ ચંબા સહિત હિમાચલ પ્રદેશનાં દુર્ગમ ગામો માટે સડકો અને રોજગાર પેદા કરતી વિદ્યુત પરિયોજનાઓની ભેટ આપવાનો મારા માટે એક ખૂબ જ ખુશીનો અવસર છે.
જ્યારે હું અહીં આપની વચ્ચે રહેતો હતો, ત્યારે હું કહેતો હતો કે આપણે ક્યારેક ને ક્યારેક તો એ વાતને ભૂંસવી પડશે જે કહે છે કે પહાડનું પાણી અને પહાડની યુવાની પહાડને કામ આવતી નથી. આજે આપણે તે વાતને બદલી નાખી છે. હવે અહીંનું પાણી પણ તમને ઉપયોગી થશે અને અહીંની જવાની પણ પૂરાં દિલથી તમારી વિકાસ યાત્રાને આગળ ધપાવશે. તમારાં જીવનને સરળ બનાવતા આ બધા પ્રોજેક્ટ્સ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન!
ભાઇઓ અને બહેનો,
થોડા સમય પહેલા જ ભારતે પોતાની આઝાદીનાં 75 વર્ષ પૂરાં કર્યાં છે.
આ ક્ષણે આપણે જે મુકામે ઊભા છીએ તે પડાવ વિકાસના દષ્ટિબિંદુથી ઘણો મહત્ત્વનો છે. કારણ કે અહીંથી આપણે એક એવી છલાંગ લગાવવાની છે જેની કદાચ પહેલાં કોઇએ કલ્પના પણ નહીં કરી હોય. ભારતની આઝાદીના અમૃતકાળની શરૂઆત થઇ ગઇ છે, જેમાં આપણે વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવાનો છે.
એક-એક હિંદુસ્તાનીનો સંકલ્પ હવે પૂરો કરવાનો છે. આગામી મહિનાઓમાં હિમાચલની સ્થાપનાનાં પણ ૭૫ વર્ષ પૂર્ણ થવાનાં છે. એટલે કે જ્યારે દેશની આઝાદીનાં 100 વર્ષ પૂરા થશે ત્યારે હિમાચલ પણ તેની સ્થાપનાનાં 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું હશે. એટલા માટે આવનારાં 25 વર્ષનો એક-એક દિવસ, એક-એક ક્ષણ આપણા બધા માટે, બધા દેશવાસીઓ માટે, અને ખાસ કરીને હિમાચલના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સાથીઓ,
આજે જ્યારે આપણે વીતેલા દાયકાઓ તરફ નજર કરીએ છીએ, ત્યારે આપણો અનુભવ શું કહી રહ્યો છે? આપણે અહીં શાંતાજીને, ધૂમલજીને પોતાનું જીવન ખપાવી દેતા જોયા છે. તેમના મુખ્યમંત્રીના કાર્યકાળના એ દિવસો હતા જ્યારે હિમાચલ માટે દરેક નાની-નાની વાત માટે, હિમાચલના હક માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, કાર્યકર્તાઓને લઈને દિલ્હી જઈને આજીજી કરવી પડતી હતી, આંદોલન કરવાં પડતાં હતાં. ક્યારેક વીજળીનો અધિકાર, ક્યારેક પાણીનો અધિકાર, તો ક્યારેક વિકાસમાં હક મળે, ભાગીદારી મળે, પરંતુ ત્યારે દિલ્હીમાં કોઇ સાંભળતું ન હતું, હિમાચલની માગો, હિમાચલની ફાઈલો ભટકતી રહેતી હતી. તેથી ચંબા જેવા કુદરતી, સાંસ્કૃતિક અને આસ્થાનાં આવાં સમૃદ્ધ ક્ષેત્રો વિકાસની દોડમાં પાછળ રહી ગયાં હતાં. 75 વર્ષ પછી, મારે એક આકાંક્ષી જિલ્લા તરીકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું કારણ કે હું તેનાં સામર્થ્યથી પરિચિત હતો, દોસ્તો.
સુવિધાઓના અભાવે અહીં રહેતા લોકોનું જીવન મુશ્કેલ હતું. બહારથી આવતા પ્રવાસીઓ ભલા અહીં કેવી રીતે પહોંચી શકે? અને આપણે ત્યાં અહીં ચંબાનું ગીત હમણાં જયરામજી યાદ કરી રહ્યા હતા-
જમ્મુ એ દી રાહેં, ચંબા કિતના અક્ દૂર,
તે એ સ્થિતિને સમજાવવા માટે પૂરતું છે. એટલે કે અહીં આવવા માટે ઉત્સુકતા તો ખૂબ હતી, પરંતુ અહીં સુધી પહોંચવું એટલું સહેલું નહોતું. અને જ્યારે આ જયરામજીએ કેરળની દીકરી દિવ્યા વિશે કહ્યું, દેવિકા કેવી રીતે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનું આ રીતે પૂર્ણ થાય છે. ચંબાનું લોકગીત કેરળની ધરતી પર, જે બાળકીએ ક્યારેય હિમાચલ જોયું નથી, જેનો ક્યારેય હિન્દી ભાષા સાથે સંબંધ નથી રહ્યો, જ્યારે તે બાળકી પૂરા ઉત્સાહથી ચંબાનાં ગીત ગાતી હોય, ત્યારે ચંબાનું સામર્થ્ય કેટલું છે, એનો આપણને પુરાવો મળી જાય છે દોસ્તો. અને હું ચંબાનો આભારી છું, તેમણે દિકરી દેવિકાની એટલી પ્રશંસા કરી, એટલી વાહવાહ કરી કે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંદેશ આખા દેશમાં ગયો. ચંબાના લોકોની એક ભારત-શ્રેષ્ઠ ભારત પ્રત્યેની આ ભાવના જોઈને હું પણ અભિભૂત થઈ ગયો હતો.
સાથીઓ,
આજે હિમાચલ પાસે ડબલ એન્જિનવાળી સરકારની તાકાત છે.
આ ડબલ એન્જિનની શક્તિએ હિમાચલના વિકાસને બમણી ગતિએ આગળ વધાર્યો છે.
પહેલા સરકારો સુવિધાઓ ત્યાં પૂરી પાડતી હતી જ્યાં કામ સરળ હોય. જ્યાં મહેનત ઓછી લાગે અને રાજકીય લાભ વધુ મળતા હતા.
એટલે જે દુર્ગમ વિસ્તારો છે, આદિવાસી વિસ્તારો છે, ત્યાં સુવિધાઓ સૌથી છેલ્લે પહોંચતી હતી. જ્યારે સૌથી વધારે જરૂરિયાત તો આ જ વિસ્તારોને હતી. અને એનાથી શું થયું?
રસ્તા હોય, વીજળી હોય, પાણી હોય, એવી દરેક સુવિધા માટે ડુંગરાળ વિસ્તારો, આદિવાસી વિસ્તારોનો નંબર સૌથી છેલ્લે આવતો હતો. પરંતુ ડબલ એન્જિનવાળી સરકારનું કામ, અમારી કામ કરવાની રીત જ અલગ છે. અમારી પ્રાથમિકતાઓ છે લોકોનાં જીવનને સરળ બનાવવું. તેથી, અમે આદિવાસી વિસ્તારો, પર્વતીય વિસ્તારો પર સૌથી વધુ ભાર આપી રહ્યા છીએ.
સાથીઓ,
અગાઉ, પર્વતોમાં માત્ર ગણ્યાગાંઠ્યા લોકો જ ગેસ કનેક્શન ધરાવતા હતા. મને યાદ છે કે જ્યારે આપણા ધૂમલજી મુખ્યમંત્રી હતા, ત્યારે ઘરોમાં વીજળી કેવી રીતે પહોંચાડવી, એ માટે તેઓ આખી રાત વિચારતા રહેતા હતા. યોજનાઓ બનાવતા હતા. અમે આવીને એ સમસ્યાઓનો ઉકેલ લાવી દીધો દોસ્તો. પરંતુ ડબલ એન્જિનની સરકારે તેને ઘર-ઘર પહોંચાડી દીધી.
જેમનાં ઘરમાં પાણીના નળ હતા, તેમના માટે એવું માનવામાં આવતું હતું કે મોટા મોટા શ્રીમંત લોકો હશે, તેમની રાજકીય પહોંચ હશે, પૈસા પણ ઘણા હશે, તેથી ઘર સુધી નળ આવી ગયો છે - તે જમાનો હતો. પરંતુ આજે જુઓ, હર ઘર જલ અભિયાન અંતર્ગત હિમાચલમાં સૌથી પહેલા ચંબા, લાહૌલ સ્પીતિ અને કિન્નૌરમાં જ 100 ટકા નળથી જળનું કવરેજ થયું છે.
આ જ જિલ્લાઓ માટે, અગાઉની સરકારો કહેતી હતી કે તે દુર્ગમ છે, તેથી વિકાસ થતો નથી. તે માત્ર પાણી પહોંચાડયું, બહેનોને સુવિધાઓ મળી એ પૂરતું જ મર્યાદિત નથી. બલ્કે શુદ્ધ પીવાનાં પાણીથી નવજાત બાળકોનો જીવ પણ બચી રહ્યો છે. તેવી જ રીતે ગર્ભવતી બહેનો હોય કે નાનાં નાનાં બાળકો, તેમનાં રસીકરણ માટે અગાઉ કેટલી મુશ્કેલીઓ હતી.
આજે ગામનાં આરોગ્ય કેન્દ્રમાં જ તમામ પ્રકારની રસી ઉપલબ્ધ છે. આશા અને આંગણવાડી સાથે સંકળાયેલી બહેનો ઘરે ઘરે જઈને સુવિધાઓ પૂરી પાડી રહી છે. ગર્ભવતી માતાઓને માતૃત્વ યોજના હેઠળ હજારો રૂપિયા પણ આપવામાં આવી રહ્યા છે.
આજે આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયાની મફત સારવાર મળી રહી છે.
આ યોજનાનો સૌથી મોટા લાભાર્થી પણ એ જ લોકો છે, જેઓ ક્યારેય હૉસ્પિટલ જઈ શકતા ન હતા. અને આપણી માતાઓ-બહેનો ગમે એટલી ગંભીર બીમારી હોય, ગમે એટલી પીડા થતી હોય, ઘરમાં ખબર પણ ન પડવા દે કે હું બીમાર છું. તે ઘરના બધા માટે બને તેટલી સેવા નિરંતર કરતી હતી. તેનાં મનમાં એક ભાર રહેતો હતો કે જો બાળકો, પરિવારને ખબર પડશે કે મને કોઈ બીમારી છે, તો તેઓ મને હૉસ્પિટલ લઈ જશે. હૉસ્પિટલો મોંઘી હોય છે, બહુ ખર્ચો થાય છે, અમારાં સંતાનો દેવામાં ડૂબી જશે અને એ વિચારતી હતી કે હું પીડા તો સહન કરી લઈશ પણ બાળકોને દેવામાં ડૂબવા નહીં દઉં અને એ સહન કરતી હતી. માતાઓ અને બહેનો, આપનું આ દર્દ જો તમારો દીકરો નહીં સમજે, તો કોણ સમજશે? અને એટલા માટે જ, આયુષ્માન ભારત યોજના હેઠળ, પાંચ લાખ રૂપિયા સુધી પરિવારોને મફતમાં આરોગ્યની વ્યવસ્થા મળે, એની જોગવાઇ કરી દીધી ભાઇઓ.
સાથીઓ,
રસ્તાઓના અભાવે તો, આ વિસ્તારમાં અભ્યાસ કરવો પણ મુશ્કેલ હતો.
ઘણી દીકરીઓને સ્કૂલ એટલા માટે છોડી દેવડાવાતી હતી કેમ કે તેમને દૂર સુધી ચાલીને જવું પડતું હતું. આથી આજે એક તરફ અમે ગામની નજીક સારાં દવાખાનાં બનાવી રહ્યા છીએ, વેલનેસ સેન્ટર બનાવીએ છીએ તો બીજી તરફ જિલ્લામાં મેડિકલ કૉલેજ પણ શરૂ કરી રહ્યા છીએ, સાથીઓ.
જ્યારે અમે રસીકરણ અભિયાન ચલાવી રહ્યાં હતાં, ત્યારે મારાં દિલમાં સ્પષ્ટ હતું કે હિમાચલમાં પર્યટનમાં કોઈ વિક્ષેપ ન આવે, તેથી સૌ પ્રથમ, હિમાચલનાં રસીકરણનાં કામમાં ઝડપથી વધારો થવો જોઈએ. અને રાજ્યોએ પાછળથી તે કર્યું, સૌથી પહેલા હિમાચલમાં રસીકરણ પૂર્ણ કર્યું. અને હું જયરામજીને અને તેમની સરકારને અભિનંદન આપું છું કે આપની જિંદગી માટે તેમણે દિવસ-રાત મહેનત કરી ભાઇઓ.
આજે ડબલ એન્જિન સરકારની કોશીશ એ પણ છે કે દરેક ગામ સુધી પાકો રસ્તો ઝડપથી પહોંચે. તમે વિચારો, 2014 પહેલાનાં આઠ વર્ષમાં હિમાચલમાં 7,000 કિમીના ગ્રામીણ રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. તમે કહેશો, હું બોલીશ, યાદ રાખશો. સાત હજાર કિલોમીટર રસ્તાઓ, કેટલા? સાત હજાર, અને તે સમયે ખર્ચો કેટલો આવ્યો હતો 18 સો કરોડ. હવે જુઓ સાત હજાર અને અહીં જુઓ અમે 8 વર્ષમાં, આ હું આઝાદી પછી કહું છું સાત હજાર, અમે આઠ વર્ષમાં અત્યાર સુધીમાં 12 હજાર કિલોમીટર લાંબી ગામની સડકો બનાવી છે. અને 5 હજાર કરોડ રૂપિયાના ખર્ચે આપનું જીવન બદલવાની પૂરાં દિલથી કોશીશ કરી છે ભાઇઓ.
એટલે કે, પહેલા કરતા લગભગ લગભગ બમણાથી વધુ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, હિમાચલના રસ્તાઓ પર બમણાથી વધુ રોકાણ કરવામાં આવ્યું છે.
હિમાચલનાં સેંકડો ગામો પ્રથમ વખત રસ્તાઓ દ્વારા જોડાયાં છે. આજે જે યોજના શરૂ થઈ છે એનાથી પણ ગામડાઓમાં 3 હજાર કિલોમીટરના રસ્તાઓ નવા બનશે. આનો સૌથી મોટો ફાયદો ચંબા અને અન્ય આદિવાસી વિસ્તારોનાં ગામોને થશે. ચંબાના ઘણા વિસ્તારોને અટલ ટનલનો પણ ઘણો વધારે લાભ મળી રહ્યો છે. આનાથી આ વિસ્તારને આખાં વર્ષ દરમિયાન શેષ દેશ સાથે જોડાયેલો રહે છે. તેવી જ રીતે કેન્દ્ર સરકારની વિશેષ પર્વતમાલા યોજના, બજેટમાં જાહેર કરવામાં આવી હતી, તમે જોઇ હશે. આ અંતર્ગત ચંબા સહિત કાંગડા, બિલાસપુર, સિરમૌર, કુલ્લુ જિલ્લામાં રોપ-વેનું નેટવર્ક પણ બનાવવામાં આવી રહ્યું છે. તેનાથી સ્થાનિક લોકો અને પર્યટકો બંનેને ઘણો લાભ થશે, ઘણી સુવિધા થશે.
ભાઇઓ અને બહેનો,
વીતેલાં આઠ વર્ષોમાં તમે મને જે સેવા કરવાની તક આપી છે, આપના એક સેવકનાં રૂપમાં મને હિમાચલને અનેક પરિયોજનાઓ આપવાનું સૌભાગ્ય મળ્યું છે અને મારાં જીવનમાં એક સંતોષની અનુભૂતિ થાય છે.
હવે જયરામજી, દિલ્હી આવે છે, પહેલા જતા હતા તો લોકો કેમ જતા હતા, અરજીઓ લઈને જતા હતા, જરા કંઈક કરો, કંઈક આપોને , ભગવાન તમારું ભલું કરશે, એ હાલ કરી દીધા હતા દિલ્હીવાળાઓએ. આજે જો હિમાચલના મુખ્યમંત્રી મારી પાસે આવે છે તો સાથે ખૂબ આનંદથી ક્યારેક ચંબાનો રૂમાલ લાવે છે, ક્યારેક ચંબા થાળની ભેટ લઈ આવે છે. અને સાથે સાથે એ માહિતી આપે કે મોદીજી, આજે હું ખુશખબર લઈને આવ્યો છું, અમે ફલાણા પ્રોજેક્ટ પૂરો કરી દીધો છે. ફલાણા નવા પ્રોજેક્ટ પર અમે કામ શરૂ કરી દીધું છે.
હવે હિમાચલવાળા હક માગવા માટે આજીજી કરતા નથી, હવે દિલ્હીમાં તેઓ હક વ્યક્ત કરે છે અને અમને આદેશ પણ આપે છે. અને આપ સૌ જનતા-જનાર્દનનો આદેશ, આપનો આદેશ અને આપ જ મારા હાઈકમાન્ડ છો. હું આપના આદેશને મારું સદભાગ્ય માનું છું, ભાઈઓ અને બહેનો. એટલે આપ લોકોની સેવા કરવાનો આનંદ પણ કંઇક અલગ જ હોય છે, ઊર્જા પણ કંઇક અલગ જ હોય છે.
સાથીઓ,
આજે જેટલા વિકાસ કાર્યોની ભેટ હિમાચલને એક જ સમયગાળામાં મળે છે, એટલા અગાઉની સરકારોના સમયમાં કોઇ વિચારી પણ શકતું ન હતું. છેલ્લાં 8 વર્ષમાં સમગ્ર દેશના પહાડી વિસ્તારોમાં, દુર્ગમ વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં ઝડપી વિકાસનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે.
એનો લાભ હિમાચલના ચંબાને મળી રહ્યો છે, પંગી-ભરમૌરને મળી રહ્યો છે ફાયદો છોટા-બડા ભંગાલ, ગિરિપાર, કિન્નૌર અને લાહૌલ સ્પીતિ જેવા વિસ્તારોને મળી રહ્યો છે.
ગયા વર્ષે તો ચંબાએ વિકાસમાં સુધારણાની બાબતમાં દેશના 100થી વધુ આકાંક્ષી જિલ્લાઓમાં બીજું સ્થાન મેળવ્યું હતું. હું ચંબાને વિશેષ અભિનંદન આપું છું, અહીંના સરકારી કર્મચારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તેમણે દેશની સામે આટલું મોટું કામ કરી બતાવ્યું છે.
થોડા સમય પહેલા અમારી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.
સિરમૌરના ગિરિપાર વિસ્તારના હાટી સમુદાયને જનજાતિનો દરજ્જો આપવાનો નિર્ણય દર્શાવે છે કે અમારી સરકાર આદિવાસી લોકોને તેમના વિકાસ માટે કેટલી પ્રાથમિકતા આપે છે.
સાથીઓ,
ઘણા લાંબા સમય સુધી, જે લોકોએ દિલ્હી અને હિમાચલમાં સરકાર ચલાવી, તેમને ચૂંટણીઓ આવે ત્યારે જ આપણા આ દુર્ગમ વિસ્તારોની યાદ આવતી હતી. પરંતુ ડબલ એન્જિન સરકાર દિવસ-રાત, 24 કલાક, સાતેય દિવસ આપની સેવામાં લાગી છે.
કોરોનાનો મુશ્કેલ સમય આવ્યો, તો તમને મુશ્કેલી ન પડે તે માટે પૂરી કોશિશ કરી.
આજે ગ્રામીણ પરિવારો, ગરીબ પરિવારોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. દુનિયાના લોકો જ્યારે સાંભળે છે ત્યારે તેમને અચરજ થાય છે કે 80 કરોડ લોકો દોઢ-બે વર્ષથી, ભારત સરકાર કોઈનાં પણ ઘરનો ચૂલો ઓલવવા દેતી નથી, દરેક ઘરનો ચૂલો સળગે છે, અનાજ મફતમાં પહોંચાડવામાં આવે છે જેથી મારો કોઈ ગરીબ પરિવાર ભૂખ્યો ન સૂએ.
ભાઇઓ-બહેનો,
દરેક વ્યક્તિને સમયસર રસી મૂકાય, તેની વ્યવસ્થા પણ ઝડપથી કરવામાં આવી. હિમાચલ પ્રદેશને પ્રાધાન્ય પણ આપવામાં આવ્યું. અને આ માટે હું આંગણવાડી બહેનો, આશા બહેનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓને પણ ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. જયરામજીનાં નેતૃત્વમાં તમે કોવિડ રસીકરણમાં હિમાચલને એ મામલે દેશમાં સૌથી આગળ રાખ્યું.
સાથીઓ,
વિકાસનાં આવાં કામ ત્યારે જ થાય છે જ્યારે સેવાભાવ સ્વભાવ બની જાય, જ્યારે સેવાભાવ સંકલ્પ બની જાય છે, જ્યારે સેવાભાવ સાધના બની જાય છે, ત્યારે છેક આટલાં કામ થાય છે. પહાડી અને આદિવાસી વિસ્તારોમાં રોજગાર વધુ એક મોટો પડકાર રહે છે.
આથી અમે અહીંની જે તાકાત છે, એને લોકોની તાકાત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આદિવાસી વિસ્તારોમાં જળ અને જંગલની સંપત્તિ અણમોલ છે. ચંબા તો દેશના એ વિસ્તારોમાં સામેલ છે જ્યાં જળવિદ્યુતનાં નિર્માણની શરૂઆત થઈ હતી.
આજે જે યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, એનાથી વીજ ઉત્પાદનનાં ક્ષેત્રમાં ચંબાનો, હિમાચલનો હિસ્સો વધુ વધવાનો છે. અહીં જે વીજળી ઉત્પન્ન થશે, એનાથી ચંબાને, હિમાચલને સેંકડો કરોડો રૂપિયાની કમાણી થશે. અહીંના નવયુવાનોને રોજગારની તકો મળશે.
ગયા વર્ષે પણ મને 4 મુખ્ય જળ વિદ્યુત પરિયોજનાઓનું ઉદઘાટન કરવાની અને શિલાન્યાસ કરવાની તક મળી હતી. બિલાસપુરમાં જે હાઇડ્રો એન્જિનિયરિંગ કૉલેજ થોડા દિવસો પહેલા શરૂ થઈ એનાથી પણ હિમાચલના યુવાનોને લાભ થવાનો છે.
સાથીઓ,
અહીંની વધુ એક તાકાત બાગકામ છે, કળા, શિલ્પ છે. ચંબાનાં ફૂલો, ચંબાના ચુખ, રાજમાના મદરા, ચંબા ચપ્પલ, ચંબા થાલ અને પાંગી કી ઠાંગી, આવી ઘણી પ્રોડક્ટ્સ આપણી વિરાસત છે. હું સ્વ-સહાય જૂથની બહેનોની પણ પ્રશંસા કરીશ. કારણ કે તેઓ વોકલ ફોર લોકલ, એટલે કે, આ ઉત્પાદનો માટે પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયત્નોને બળ આપી રહ્યાં છે. એક જિલ્લા એક ઉત્પાદન યોજના હેઠળ પણ આવાં ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ વસ્તુઓ વિદેશી મહેમાનોને ભેટ કરવાનો મારો પોતાનો પણ પ્રયાસ રહે છે, જેથી સમગ્ર વિશ્વમાં હિમાચલનું નામ વધે, વિશ્વમાં વધુને વધુ દેશના લોકો હિમાચલનાં ઉત્પાદનો વિશે જાણે. હું એવી વસ્તુઓ લઈ જાઉં છું, જો કોઈને સ્મૃતિ ચિહ્ન આપવું હોય, તો હું મારા હિમાચલનાં ગામમાં બનેલી વસ્તુઓ આપું છું.
ભાઇઓ અને બહેનો,
ડબલ એન્જિન સરકાર આપણી પોતાની સંસ્કૃતિ, વારસા અને આસ્થાનું સન્માન કરતી સરકાર છે. ચંબા સહિત સમગ્ર હિમાચલ આસ્થા અને વારસાની ભૂમિ છે, આ તો દેવભૂમિ છે. એક તરફ જ્યાં પવિત્ર મણિમહેશ ધામ છે, તો ચૌરાસી મંદિર ભરમૌરમાં છે. મણિમહેશ યાત્રા હોય કે પછી શિમલા, કિન્નૌર, કુલ્લુથી પસાર થતી શ્રીખંડ મહાદેવની યાત્રા હોય, દુનિયાભરમાં ભોલેનાથના ભક્તો માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હમણાં જ જયરામજી કહી રહ્યા હતા, હમણાં દશેરાના દિવસે મને કુલ્લુમાં આંતરરાષ્ટ્રીય દશેરા મહોત્સવમાં ભાગ લેવાની તક મળી. હું થોડા દિવસો પહેલા દશેરાના મેળામાં હતો અને આજે મને મિંજરના મેળાની ભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે.
એક તરફ આ વારસો છે, તો બીજી તરફ ડેલહાઉસી, ખજિયાર જેવાં અનેક રમણીય પ્રવાસન સ્થળો છે. આ વિકસિત હિમાચલની તાકાત બનવાનાં છે. આ તાકાતને માત્ર અને માત્ર ડબલ એન્જિન સરકાર જ ઓળખે છે. એટલે આ વખતે હિમાચલે મન બનાવી લીધું છે. હિમાચલ આ વખતે જૂનો રિવાજ બદલશે, હિમાચલ આ વખતે નવી પરંપરા બનાવશે.
સાથીઓ,
જ્યારે હું અહીં મેદાનમાં આવ્યો, ત્યારે હું બધું જ જોઈ રહ્યો હતો. હું જાણું છું હિમાચલમાં આટલું, હું દરેક શેરી અને વિસ્તારને જાણું છું. આખાં રાજ્યની કોઇ રેલી કરે ને આખાં રાજ્યની તો પણ હિમાચલમાં આટલી મોટી રેલી કરવી હોય તો આંખોમાં પાણી આવી જતાં હતાં. તેથી મેં તેને જોયા પછી જ મુખ્યમંત્રીજીને પૂછ્યું કે શું આખાં રાજ્યની રેલી છે. તેમણે કહ્યું, ના, આ તો ચંબા જિલ્લાના લોકો આવ્યા છે.
સાથીઓ,
આ કોઈ રેલી નથી, હું હિમાચલનાં ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ જોઈ રહ્યો છું. હું આજે અહીં એક રેલી નહીં, હિમાચલનાં ઉજ્જવળ ભવિષ્યનું સામર્થ્ય જોઇ રહ્યો છું અને હું આપનાં આ સામર્થ્યનો પૂજારી છું.
હું તમારા આ સંકલ્પની પાછળ દિવાલની જેમ ઊભો રહીશ, એ હું વિશ્વાસ અપાવવા આવ્યો છું દોસ્તો. શક્તિ બનીને સાથે રહીશ, એ ભરોસો આપવા આવ્યો છું. આટલો વિશાળ કાર્યક્રમ કરવા માટે અને શાનદાર-જાનદાર કાર્યક્રમ કરવા માટે અને તહેવારોના દિવસો છે. આવા તહેવારના દિવસોમાં માતા-બહેનોને નીકળવું મુશ્કેલ હોય છે. તેમ છતાં ઘણી બધી માતાઓ અને બહેનો મને આશીર્વાદ આપવાં આવ્યાં, આપણને બધાને આશીર્વાદ આપવા આવ્યાં, આનાથી મોટું જીવનનું સૌભાગ્ય શું હોઈ શકે?
હું ફરી એકવાર આપ સૌને, આ તમામ વિકાસ પરિયોજનાઓ અને હવે તો વંદે ભારત ટ્રેનમાં દિલ્હી સુધીની ગતિ ઝડપી થઈ રહી છે, ત્યારે આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું.
બેઉ હાથ ઊંચા કરીને મારી સાથે બોલો-
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ખૂબ-ખૂબ ધન્યવાદ.