It is a very special day for entire India: PM Modi at Bodo Peace Accord ceremony in Kokrajhar
Bodo Peace Accord done by bringing on all stakeholders together with a sincere effort to resolve the decades old crisis: PM Modi
After we came to power, most regions of Tripura, Mizoram, Meghalaya, and Arunachal Pradesh are free from AFSPA: PM

ભારત માતાની જય….
ભારત માતાની જય….
ભારત માતાની જય….
મંચ પર બિરાજેલા અસમના રાજ્યપાલ, સંસદમાં મારી સાથીદાર, વિવિધ બોર્ડ અને સંસ્થાઓ સાથે સંબંધિત આગેવાનો, અહીં ઉપસ્થિત એનડીબીએફનાં વિવિધ જૂથોનાં સાથિયોં, અહીં આવેલા સન્માનિય મહાનુભાવો અને મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.

હું અસમ ઘણી વાર આવ્યો છું. અહીં પણ આવ્યો છું. આ આખા વિસ્તારમાં ઘણા વર્ષોથી આવતોજતો રહ્યો છું, કેટલાંક દાયકા પસાર કર્યા. હું પ્રધાનમંત્રી બન્યા પછી પણ તમને મળવા માટે વારંવાર આવતો રહ્યો છું. પણ આજે જે ઉત્સાહ, જે ઉમંગ હું તમારા ચહેરા પર જોઈ રહ્યો છું, એ અહીંના ‘આરોનાઈ’ અને ‘ડોખોના’નાં રંગારંગ વાતાવરણથી મને વધારે સંતોષ થયો છે.

મેં જાહેર જીવનમાં, રાજકીય જીવનમાં ઘણી રેલીઓ જોઈ છે, બહુ જનસભાઓને સંબોધન કર્યું છે, પણ મને જીવનમાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં જનમેદની જોવાનું સૌભાગ્ય મળ્યું નહોતું. જે લોકો રાજકીય જીવનનાં પંડિત છે, તેઓ જરૂરી આ વિષય પર ક્યારેક કહેશે કે આઝાદી પછી હિંદુસ્તાનની સૌથી મોટી કોઈ રાજકીય રેલી થઈ હોય, તો આજે આ રેકોર્ડ તમે સ્થાપિત કરી દીધો છે. આનો શ્રેય તમને જાય છે. હું હેલિકોપ્ટરમાંથી જોઈ રહ્યો હતો, હેલિકોપ્ટરમાંથી જ્યાં નજર પડતી હતી, ત્યાં માનવીય મહેરામણ જ જોવા મળતું હતું. હું તો જોતો રહી ગયો કે, આ બ્રિજ પર કેટલાં લોકો ઊભા છે, કોઈ પડી જશે તો મને દુઃખ થશે. મોટી સંખ્યામાં લોકો ઊભા છે.

ભાઈઓ અને બહેનો,

તમે આટલી મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા આવ્યાં છો, અહીની માતાઓ અને બહેનો મને આશીર્વાદ આપવા આવી છે. એટલે મારો વિશ્વાસમાં થોડો વધુ વધારો થયો છે. ક્યારેક-ક્યારેક લોકો ડંડા મારવાની વાત કરે છે, પણ જે મોદીને આટલી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનોનું સુરક્ષા કવચ મળ્યું હોય, એના પર ગમે એટલા ડંડા પડે તો પણ એને કશું ન થાય. હું તમને બધાને વંદન કરું છું. માતાઓ અને બહેનો, મારા ભાઈઓ અને બહેનો, મારા નવયુવાનો, હું આજે ખરાં હૃદયથી તમને ભેટવા આવ્યો છું, તમને અપનાવવા આવ્યો છું. અસમનાં મારા પ્રિય ભાઈઓ અને બહેનોને એક નવો વિશ્વાસ અપાવવા આવ્યો છું. ગઈ કાલે આખા દેશે જોયું કે તમે ગામડે-ગામડે મોટરસાયકલ પર રેલીઓ કાઢી, આખા વિસ્તારમાં દીપ પ્રકટાવીને દિવાળી મનાવી. કદાચ દિવાળીના પ્રસંગે પણ આટલી દીપ તમે પ્રકટાવ્યાં નહીં હોય. મને આશ્ચર્ય થયું છે. હું ગઈ કાલે જોઈ રહ્યો હતો કે સોશિયલ મીડિયામાં ચારે તરફ તમે જે દીપ પ્રકટાવ્યાં એના દ્રશ્યો ટીવીમાં, સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા. આખું હિંદુસ્તાન તમારી જ ચર્ચા કરી રહ્યું હતું. ભાઈઓ અને બહેનો, આ કોઈ હજારો, લાખો દીપ પ્રકટાવવાની ઘટના નથી, પણ દેશનાં મહત્ત્વપૂર્ણ વિસ્તારમાં એક નવી રોશની, નવા પ્રકાશની શરૂઆત થઈ છે.

ભાઈઓ અને બહેનો,

આજનો દિવસ એ હજારો શહીદોને યાદ કરવાનો છે, જેમણે દેશ માટે પોતાની ફરજ અદા કરતાં પોતાનાં જીવનનું બલિદાન આપ્યું છે. આજનો દિવસ બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્મા જી, રુપનાથ બ્રહ્મા જી જેવા અહીનાં પ્રભાવશાળી નેતૃત્વનાં યોગદાનને યાદ કરવાનો છે, એમને નમન કરવાનો છે. આજનો દિવસ આ સમજૂતી માટે બહુ સકારાત્મક ભૂમિકા અદા કરનાર All Bodo Students Union (ABSU), National Democratic Front of Bodoland (NDFB) સાથે સંબંધિત તમામ યુવાન સાથિયોં, BTCનાં ચીફ શ્રી હગરામા માહીલારે અને અસમ સરકારની કટિબદ્ધતા, તમે બધા મારી તરફથી અભિનંદનના અધિકારી હોવાની સાથે આખા હિંદુસ્તાનનાં અભિનંદનનાં અધિકારી છો. આજે 130 કરોડ હિંદુસ્તાનીઓ તમને અભિનંદન આપે છે. તમારો આભાર માને છે.

સાથિયોં,

આજનો દિવસ તમે બધા બોડો સાથિયોંનો આ સંપૂર્ણ વિસ્તાર, દરેક સમાજ અને અહીનાં ગુરુઓ, બુદ્ધિજીવીઓ, કલાકારો, સાહિત્યકારોના પ્રયાસોની પ્રાપ્ત થયેલી સફળતાની ઉજવણી કરવાનો પ્રસંગ છે. આજે એમના પર ગૌરવ લેવાનો પ્રસંગ છે. તમારા બધાના સાથસહકાર સાથે કાયમી શાંતિનો, permanent peaceનો આ માર્ગ મળ્યો છે. આજનો દિવસ અસમ સહિત સંપૂર્ણ પૂર્વોત્તર માટે 21મી સદીમાં એક નવી શરૂઆત, એક નવી સવાર, એક નવી પ્રેરણાને આવકારવાનો પ્રસંગ છે. આજનો દિવસ સંકલ્પ લેવાનો દિવસ છે કે, અમે વિકાસ અને વિશ્વાસનાં મુખ્ય પ્રવાહને મજબૂત કરીશું. આજનો દિવસ હિંસારૂપ અંધકાર આ ધરતી પર ફરી ક્યારેય ન આવે એવી કટિબદ્ધતા વ્યક્ત કરવાનો દિવસ છે. હવે આ ધરતી પર કોઈ પણ માતાના દિકરાનું, કોઈ પણ માતાની દિકરીનું, કોઈ પણ બહેનના ભાઈનું, કોઈ પણ ભાઈની બહેનનું લોહી નહીં વહે, હિંસા નહીં થાય. આજે મને એ માતાઓ પણ આશીર્વાદ આપી રહી છે. એ બહેનો પણ મને આશીર્વાદ આપી રહી છે, જેમના દિકરાં જંગલમાં ખભા પર બંદૂક ઉઠાવીને ભટકતા રહેતા હતા. ક્યારેય એમના જીવ પર જોખમ હતું. આજે તેઓ પોતાની માતાનાં ખોળામાં પોતાનું માથી રાખીને ચેનથી સૂઈ રહ્યાં છે. મને એ માતાઓનાં આશીર્વાદ મળી રહ્યાં છે, એ બહેનનાં આશીર્વાદ મળી રહ્યાં છે. તમે કલ્પના કરો કે, આટલા દાયકા સુધી રાતદિવસ ગોળીઓ ચાલતી હતી. આજે એ જીવનમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ મોકળો થયો છે. હું નવા ભારતનાં નવા સંકલ્પોમાં તમારા તમામનું, શાંતિપ્રિય અસમનું, શાંતિ અને વિકાસપ્રિય પૂર્વોત્તરનું ખરાં હૃદય સાથે સ્વાગત કરું છું, તમને અભિનંદન આપું છું.

સાથિયોં,

પૂર્વોત્તરમાં શાંતિ અને વિકાસનું એક નવું પ્રકરણ શરૂ થયું છે, જે અનેક રીતે ઐતિહાસિક છે. જ્યારે દેશ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આ ઐતિહાસિક સમજૂતીની પ્રાસંગિકતામાં વધારો થયો છે. આ બહુ સુખદ સંયોગ છે. આ ફક્ત હિંદુસ્તાન માટે જ નહીં, પણ આખી દુનિયા માટે હિંસાનો માર્ગ છોડીને અહિંસાનાં માર્ગે ચાલવા માટે એક પ્રેરણાસ્થળ બની ગયું છે. મહાત્મા ગાંધી કહેતા હતા કે અહિંસાનાં માર્ગે ચાલીને આપણે જે મેળવીએ છીએ, તે તમામને સ્વીકાર્ય હોય છે. હવે અસમમાં અનેક સાથિયોંએ શાંતિ અને અહિંસાનો માર્ગ સ્વીકાર કરવાની સાથે લોકતંત્રનો સ્વીકાર કર્યો છે, ભારતનાં બંધારણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

સાથિયોં મને જણાવવામાં આવ્યું કે, જ્યારે આજે કોકરાઝારમાં આ ઐતિહાસિક શાંતિ સમજૂતીની ઉજવણી કરવા આપણે એકત્ર થયા છીએ, ત્યારે ગોલાઘાટમાં શ્રીમંત શંકરદેવ સંઘનું વાર્ષિક સંમેલન પણ ચાલી રહ્યું છે.

मोई मोहापुरुख श्रीमंतो होंकोर देवोलोई गोभीर प्रोनिपात जासिसु।

मोई लोगोत ओधिबेखोन खोनोरु होफोलता कामना कोरिलों !!

(હું મહાપુરુષ શંકરદેવ જીને નમન કરું છું. હું સંમેલનની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.)

ભાઈઓ અને બહેનો,

શ્રીમંત શંકરદેવ જીએ અસમની ભાષા અને સાહિત્યને સમૃદ્ધ કરવાની સાથે આખા ભારતને, સંપૂર્ણ ભારતને, આખી દુનિયાને આદર્શ જીવન જીવવાનો માર્ગ દેખાડ્યો છે.

અસમ સહિત સંપૂર્ણ વિશ્વને આવું કહેનાર શંકરદેવ જી હતાં –

सत्य शौच अहिंसा शिखिबे समदम।

सुख दुख शीत उष्ण आत हैब सम ।।

એટલે કે સત્ય, શૌચ, અહિંસા, શમ, દમ વગેરેનું શિક્ષણ મેળવો. સુખ, દુઃખ, તાપ, ઠંડીને સહન કરવા માટે તમારી જાતને તૈયાર કરો. એમના આ વિચારોમાં વ્યક્તિનાં સ્વયંનાં વિકાસની સાથે સમાજનાં વિકાસનો સંદેશ પણ સમાયેલો છે. આજે દાયકાઓ પછી આ સંપૂર્ણ વિસ્તારમાં વ્યક્તિનાં વિકાસનો, સમાજનાં વિકાસનો આ જ માર્ગ સશક્ત થયો છે.

ભાઈઓ અને બહેનો,

હું બોડો આંદોલનમાં સામેલ થયેલા તમામ લોકોને રાષ્ટ્રનાં મુખ્ય પ્રવાહમાં સામેલ થવાના નિર્ણયનું સ્વાગત કરું છું. પાંચ દાયકા પછી સંપૂર્ણ સૌહાર્દ સાથે બોડો લેન્ડ મૂવમેન્ટ સાથે જોડાયેલા દરેક સાથિયોંની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને સન્માન મળ્યું છે. દરેક પક્ષે મળીને સ્થાયી શાંતિ માટે, સમૃદ્ધિ અને વિકાસ માટે અવિરત રીતે ચાલતી હિંસા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. હું દેશને એ જાણકારી આપવા પણ માંગું છું. આખું હિંદુસ્તાન આ કાર્યક્રમને ટીવી પર જોઈ રહ્યો છે. તમામ ટીવી ચેનલોનાં કેમેરા અત્યારે તમારા પર છે, કારણ કે તમે ઇતિહાસનું સર્જન કર્યું છે. હિંદુસ્તાનમાં એક નવો વિશ્વાસ પેદા થયો છે. શાંતિનાં માર્ગે તમને લોકોને એક તાકાત આપી છે.

ભાઈઓ અને બહેનો,

હું તમને બધાને અભિનંદન આપું છું કે હવે આંદોલન સાથે જોડાયેલી દરેક માંગણી પૂરી થઈ ગઈ છે. હવે આંદોલન પૂર્ણ થયું છે. અગાઉ વર્ષ 1993માં સમજૂતી થઈ હતી, વર્ષ 2003માં જે સમજૂતી થઈ હતી. પણ આ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ સ્થાપિત થઈ નહોતી. હવે કેન્દ્ર સરકાર, અસમ સરકાર અને બોડો આંદોલન સાથે જોડાયેલા સંગઠનોએ જે ઐતિહાસિક સમજૂતી પર સંમતિ વ્યક્ત કરી છે, જેના પર હસ્તાક્ષર કર્યા છે, એમાં તમારી કોઈ માંગણીઓને બાકી રાખવામાં આવી નથી. હવે વિકાસ જ સૌથી મહત્ત્વપૂર્ણ, સૌથી પહેલી અને છેલ્લી પ્રાથમિકતા છે.

સાથિયોં,

મારા પર વિશ્વાસ રાખજો, હું તમારા, તમારા દુઃખદર્દ, તમારી આશાઅપેક્ષાઓ, તમારી આકાંક્ષાઓ, તમારા બાળકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે મારાથી જે કંઈ થશે, એ કરવામાં ક્યારેય પાછી પાની નહીં કરું. હું જાણું છું કે, જ્યારે તમે બંદૂકો છોડીને, બોંબ અને પિસ્તોલો છોડીને, કેવી પરિસ્થિતિમાં તમે આત્મસમર્પણ કર્યું છે. મને તમારી સ્થિતિનો અંદાજ છે એટલે જ આ શાંતિનાં માર્ગ પર તમને ક્યાંય મુશ્કેલી ન પડે એની ચિંતા હું કરીશ. આ શાંતિનો માર્ગ, આ પ્રેમ અને આદરનો માર્ગ, આ અહિંસાનો માર્ગ – તમે જોશો કે આ માર્ગ આખા અસમનાં લોકોનું હૃદય જીતી લેશે. આખું હિંદુસ્તાન તમારા હૃદયને જીતી લેશે, કારણ કે તમે ઉચિત માર્ગ અપનાવ્યો છે.

સાથિયોં,

આ સમજૂતીનો લાભ બોડો જનજાતિના સાથિયોંની સાથે અન્ય સમાજનાં લોકોને પણ મળશે, કારણ કે આ સમજૂતી અંતર્ગત બોડો ટેરિટોરિયલ કાઉન્સિલના અધિકારોનું કાર્યક્ષેત્ર વધારવામાં આવ્યું છે, વધારે લોકોનું ઉત્થાન કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સમજૂતીમાં બધા પક્ષનો વિજય થયો છે અને સૌથી મોટી વાત એ છે કે, શાંતિનો વિજય થયો છે, માનવતાનો વિજય થયો છે. તમે અત્યારે ઊભા થઈને, તાલીઓ વગાડીને મારું સન્માન કર્યું, હું ઇચ્છું છું કે તમે ફરી એક વાર ઊભા થઈને તાલી વગાડો, મારા માટે નહીં, શાંતિ માટે, મારા માટે નહીં, શાંતિ માટે. હું તમારા બધાનો આભારી છું.

આ ઐતિહાસિક સમજૂતી અંતર્ગત BTADમાં આવતા વિસ્તારોની મર્યાદા નક્કી કરવા માટે પંચ પણ રચવામાં આવશે. આ વિસ્તારને 1500 કરોડ રૂપિયાનું સ્પેશ્યલ ડેવલપમેન્ટ પેકેજ મળશે, જેનો બહુ મોટો લાભ કોકરાઝાર, ચિરાંગ, બક્સા અને ઉદાલગુડી જેવા જિલ્લાઓને પણ મળશે. એનો સીધો અર્થ છે કે, બોડો જનજાતિનાં દરેક અધિકારથી બોડો સંસ્કૃતિનો વિકાસ સુનિશ્ચિત થશે, સંરક્ષણ સુનિશ્ચિત થશે. આ સમજૂતી પછી આ વિસ્તારમાં રાજકીય, આર્થિક, શૈક્ષણિક એમ દરેક પ્રકારનાં વિકાસને વેગ મળશે.

મારા ભાઈઓ અને બહેનો,

હવે સરકારનો પ્રયાસ છે કે, અસમ સમજૂતીની કલમ 6ને પણ ઝડપથી લાગુ કરવામાં આવે. હું અસમનાં લોકોને ખાતરી આપું છું કે, આ મુદ્દા સાથે સંબંધિત સમિતિનો રિપોર્ટ મળી ગયા પછી કેન્દ્ર સરકાર વધારે ઝડપથી કાર્યવાહી કરશે. અમે કોઈ મુદ્દાને લટકાવવામાં અને આડાં પાટે ચઢાવવામાં માનતા લોકો નથી. અમે જવાબદારી લેવાનો સ્વભાવ ધરાવીએ છીએ. એટલે અનેક વર્ષોથી અસમમાં જે મુદ્દાનું સમાધાન થયું નહોતું, જે સમસ્યાનું સમાધાન અટકી ગયું હતું, એને આડાં પાટે ચઢાવવામાં આવી હતી, અમે એને પણ પૂરી કરીને રહીશું.

સાથિયોં,

સાથિયોં,

જ્યારે આજે બોડો વિસ્તારમાં નવી આશા, નવા સ્વપ્નો, નવા જુસ્સાનો સંચાર થયો છે, ત્યારે તમારા બધાની જવાબદારીમાં વધારો થયો છે. મને વિશ્વાસ છે કે, બોડો ટેરિટોરિયલ કાઉન્સિલ હવે અહીનાં દરેક સમાજને સાથે લઈને, કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરીને, તમામને સાથે લઈને વિકાસનું એક નવું મોડલ વિકસાવશે. મને એ જાણીને આનંદ થયો છે કે, અસમ સરકારે બોડો ભાષા અને સંસ્કૃતિને લઈને કેટલાંક મોટાં નિર્ણયો લીધા છે અને મોટી યોજનાઓ પણ બનાવી છે. હું રાજ્ય સરકારને ખરાં હૃદયથી અભિનંદન આપું છું. બોડો ટેરિટોરિયલ કાઉન્સિલ, અસમ સરકાર અને કેન્દ્ર સરકાર – હવે ત્રણે સ્થે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનાં વિશ્વાસને એક નવું સ્વરૂપ આપશે. ભાઈઓ અને બહેનો, એનાથી અસમ પણ મજબૂત થશે અને એક ભારત – શ્રેષ્ઠ ભારતની ભાવના પણ મજબૂત થશે.

સાથિયોં,

21મી સદીના ભારતે હવે દ્રઢ નિશ્ચય કર્યો છે કે, હવે આપણે ભૂતકાળની સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવો જ છે. અત્યારે દેશ અતિ મુશ્કેલ કે જટિલ પડકારોનું સમાધાન કરવા પણ ઇચ્છે છે. દેશની સામે ગમે એટલો મોટો પડકાર હોય, જેની ક્યારેક રાજકીય કારણોસર, ક્યારેક સામાજિક કારણોસર અવગણના થઈ હોય, એ પડકારોએ પણ દેશની અંદર અલગ-અલગ વિસ્તારોમાં હિંસા, અસ્થિરકતા, અવિશ્વાસને વધારવાનું કામ કર્યું છે.

દાયકાઓથી દેશમાં આવું ચાલતું આવ્યું હતું. પૂર્વોત્તરનો વિષય તો જાણે એવો હતો કે, એને કોઈ હાથ પર લેવા જ તૈયાર નહોતું. આંદોલન થઈ રહ્યાં છે – થવા દો, બ્લોકેડ થઈ રહ્યાં છે – થવા દો, હિંસા થઈ રહી છે – થવા દો, કોઈ પણ રીતે કામચલાઉ ધોરણે એને નિયંત્રણમાં લઈ લો. બસ, આ જ પ્રકારનો અભિગમ પૂર્વોત્તર રાજ્યો માટે અપનાવવામાં આવ્યો હતો. હું માનું છું કે, આ પ્રકારનાં અભિગમથી પૂર્વોત્તર રાજ્યોમાં આપણાં ભાઈ-બહેનોને મુખ્ય પ્રવાહથી એટલા દૂર કરી દીધા…એટલી દૂર કરી દીધા કે તેમનો બંધારણ અને લોકશાહીમાંથી વિશ્વાસ જ ઊઠી ગયો. અગાઉનાં દાયકાઓમાં પૂર્વોત્તર રાજ્યોમાં હજારો નિર્દોષ લોકો માર્યા ગયા, હજારો સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા, લાખો બેઘર થયા, લાખો લોકોને ખબર જ નથી કે વિકાસ એટલે શું. આ કડવી વાસ્તવિકતા છે, જેને અગાઉની સરકારો પણ જાણતી હતી, સમજતી હતી, સ્વીકારતી પણ હતી, પરંતુ આ સ્થિતિમાં ફેરફાર કેવી રીતે કરવો – એ માટે કામ કરવા બહુ મહેનત ક્યારેય કરવામાં ન આવી. આટલી મોટી સમસ્યાનો વિચાર કોણ કરે, જેમ ચાલે છે એમ ચાલવો દો. આવું જ વિચારવામાં આવતું હતું.

ભાઈઓ અને બહેનો,

જ્યારે તમે રાષ્ટ્રહિતને સર્વોપરી માનતા હોય, ત્યારે પરિસ્થિતિ સાથે સમાધાન ન કરો. સમસ્યાને યથાવત્ રાખવાનો કોઈ લાભ નથી. પૂર્વોત્તર રાજ્યોનો વિષય સંવેદનશી હતો એટલે અમે એક નવા અભિગમ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. અમે પૂર્વોત્તરનાં જુદાં જુદાં વિસ્તારોનાં ભાવનાત્મક પાસાંને સમજ્યાં, એમની આશા, અપેક્ષાઓ, આકાંક્ષાઓને સમજી. અહીં રહેતાં લોકોને પોતાના માનીને એમની સાથે સંવાદ સ્થાપિત કર્યો. અમે વિશ્વાસ પેદા કર્યો. એમને પારકાં ન ગણ્યાં, તમને પારકાં ન માન્યાં, તમારાં નેતાઓને પારકાં ન ગણ્યાં, અમે એમને અમારાં ગણ્યાં. આ અભિગમને પરિણામે જ જે પૂર્વોત્ત રાજ્યમાં દર વર્ષે એક હજારથી વધુ લોકો ઉગ્રવાદને કારણે પોતાનો જીવ ગુમાવતા હતા, તેઓ હવે લગભગ પૂરી શાંતિ સાથે રહે છે અને ઉગ્રવાદનો અંત હવે નજીક જણાય છે.

પૂર્વોત્તરમાં લગભગ દરેક વિસ્તારમાં Armed Forces Special Power Act (સશસ્ત્ર દળોને વિશેષ અધિકાર આપતો કાયદો)નો અમલ થતો હતો. હવે અમારી સરકાર આવ્યાં પછી એ ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશનાં મોટા ભાગનાં વિસ્તારો AFSPAથી મુક્ત થઈ ગયા છે. જે પૂર્વોત્તરમાં ઉદ્યોગો રોકાણ કરવા માટે તૈયાર નહોતાં, જ્યાં રોકાણ મળતું નહોતું, ત્યાં હવે રોકાણ મળવાનું શરૂ થઈ ગયું, નવા ઉદ્યોગો શરૂ થયા છે. જે પૂર્વોત્તર રાજ્યોમાં પોતપોતાની જમીનને લઈને લડાઈઓ ચાલતી હતી, ત્યાં હવે એક ભારત – શ્રેષ્ઠ ભારતની ભાવના મજબૂત થઈ છે. જે પૂર્વોત્તર રાજ્યોમાં હિંસાને કારણે હજારો લોકો પોતાનાં જ દેશમાં શરણાર્થી બનીને રહેતા હતા, ત્યાં હવે લોકોને સંપૂર્ણ સન્માન અને મર્યાદા સાથે વસવાની એક નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જે પૂર્વોત્તર ભારતમાં દેશનાં બાકીનાં લોકોને આવવાનો ડર લાગતો હતો, એ જ રાજ્યો હવે ભવિષ્યનાં પ્રવાસન સ્થળો બનવા લાગ્યા છે.

સાથિયોં,

આ પરિવર્તન કેવી રીતે થયું? શું ફક્ત એક દિવસમાં થયું? ના. આ પાંચ વર્ષની અથાક મહેનતનું પરિણામ છે. અગાઉ પૂર્વોત્તર રાજ્યોને દેશની કમાણી પર બોજરૂપ રાજ્યો ગણવામાં આવતા હતા. હવે તેમને વિકાસનાં એન્જિન ગણવામાં આવે છે. અગાઉ પૂર્વોત્તર રાજ્યોને દિલ્હીથી બહુ દૂર સમજવામાં આવતા હતા. હવે દિલ્હી તમારાં દરવાજે આવીને તમારા સુખદુઃખને સમજી રહી છે. મને જ જુઓ…મારે આપણા બોડો સાથિયોં સાથે, અસમના લોકો સાથે વાત કરવી હતી, તો મે દિલ્હીથી બેસીને સંદેશ ન મોકલ્યો, પણ તમારી વચ્ચે આવીને તમારી આંખોમાં આંખો મેળવીને, તમારા આશીર્વાદ લેવા હું આજે તમારી સાથે જોડાઈ રહ્યો છું. અમારી સરકારનાં મંત્રીઓ માટે મેં રોસ્ટર પ્રથા અપનાવી છે. આ રીતે અમે સુનિશ્ચિત કર્યું છે કે, દર 10થી 15 દિવસમાં કેન્દ્ર સરકારનો એક યા બીજો મંત્રી ઉત્તર પૂર્વનાં રાજ્યોની મુલાકાત લે. રાત રોકાય, લોકોને મળે, સમસ્યાઓનું સમાધાન કરે. અહીં આવીને કામ કરશે અને એ અમે કરી દેખાડ્યું છે. અમારા સાથિયોંએ પ્રયાસ કર્યો છે કે, તેઓ વધારે સમય અહીં પસાર કરે, વધુને વધુ લોકોને મળે, એમની સમસ્યાઓને સમજે અને એમની જરૂરિયાતો અનુસાર સમાધાન કરે. હું અને મારી સરકાર સતત તમારી વચ્ચે આવીને, તમારી સમસ્યાઓને સમજી રહ્યાં છીએ, તમારી પાસેથી સીધો પ્રતિભાવ મેળવીને કેન્દ્ર સરકાર જરૂરી નીતિઓ બનાવી રહી છે.

સાથિયોં, 13મા નાણાં પંચ દરમિયાન ઉત્તર પૂર્વનાં 8 રાજ્યો કુલ 90,000 કરોડ રૂપિયાથી ઓછું ફંડ મળતું હતું. 14મા નાણાં પંચમાં અમારી સરકાર આવ્યા પછી આ ફંડ વધીને લગભગ 3 લાખ કરોડ રૂપિયા મળવાનું નક્કી થયું છે. ક્યાં 90 હજાર કરોડ અને ક્યાં 3 લાખ કરોડ રૂપિયા.

છેલ્લાં ત્રણથી ચાર વર્ષ દરમિયાન ઉત્તર પૂર્વમાં 3000 કિલોમીટરથી વધારે લંબાઈનાં માર્ગો બનાવવામાં આવ્યાં છે. નવા નેશનલ હાઈવેની દરખાસ્તો સ્વીકારવામાં આવી છે. પૂર્વોત્તર રાજ્યોના સંપૂર્ણ રેલવે નેટવર્કને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. પૂર્વોત્તર રાજ્યોમાં નવા એરપોર્ટ બનાવવા અને જૂના એરપોર્ટનું આધુનિકીકરણ કરવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.

ઉત્તર પૂર્વમાં ઘણી નદીઓ છે, મોટા જળસંસાધનો છે, પણ વર્ષ 2014 સુધી અહીં ફક્ત એક જળમાર્ગ હતો…ફક્ત એક! પાણીથી છલોછલ 365 દિવસ રહેતી નદીઓના જળ સંસાધનો પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. અત્યારે અહીં એક ડઝનથી વધારે જળમાર્ગો પર કામગીરી ચાલી રહી છે. પૂર્વોત્તર રાજ્યોની યુવા પેઢીને શિક્ષણ, કૌશલ્ય અને રમતગમતમાં સક્ષમ બનાવવા માટે નવી સંસ્થાઓ સ્થાપિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તરપૂર્વનાં વિદ્યાર્થીઓ માટે દિલ્હી અને બેંગાલુરુમાં નવી હોસ્ટેલ્સ બનાવવા પણ કામ થયું છે.

સાથિયોં,

રેલવે સ્ટેશન હોય, નવા રેલવે રુટ હોય, નવા એરપોર્ટ હોય, નવા જળમાર્ગો હોય, કે પછી ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય – અત્યારે જેટલા કામ પૂર્વોત્તર રાજ્યોમાં થઈ રહ્યાં છે એટલા કામ અગાઉ ક્યારેય થયા નહોતા. અમે દાયકાથી લટકેલા વિવિધ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની સાથે જુદાં જુદાં નવા પ્રોજેક્ટને પણ ઝડપથી પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. આ તમામ પ્રોજેક્ટ પૂર્ણ થવાની સાથે પૂર્વોત્તર રાજ્યોમાં કનેક્ટિવિટી સુધરશે, પ્રવાસન ક્ષેત્ર મજબૂત થશે અને રોજગારીની લાખો તકોનું સર્જન પણ થશે. હજુ ગયા મહિને જ ઉત્તર પૂર્વનાં આઠ રાજ્યોમાં ચાલતી ગેસ ગ્રિડ યોજના માટે લગભગ 9 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

સાથિયોં,

માળખાગત સુવિધાઓનો વિકાસ એટલે સિમેન્ટ અને કોંક્રીટનાં જંગલો ઊભા કરવા નહીં. એની અસર માનવીય જીવનની ગુણવત્તા પર પડે છે અને એનાથી લોકોને લાગે છે કે, કોઈ એમની પરવા કરે છે. જ્યારે બોગીબિલ પુલ જેવા દાયકાથી લટકતાં અનેક પ્રોજેક્ટ થવાથી લાખો લોકોને કનેક્ટિવિટી મળે છે, ત્યારે સરકાર પર એમનો વિશ્વાસ વધે છે, ભરોસો વધે છે. આ જ કારણે ચારે તરફ થઈ રહેલા વિકાસલક્ષી કાર્યોએ આપણી વચ્ચે અંતર દૂર કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. હવે અલગાવ નહીં, ફક્ત લગાવ . જ્યારે લગાવ થાય છે, જ્યારે આપણે પોતીકાપણું અનુભવીએ છીએ, જ્યારે વિકાસનાં ફળ તમામ લોકોને સમાન ધોરણે મળે છે, ત્યારે લોકો એકસાથે કામ કરવા માટે તૈયાર પણ થઈ જાય છે. જ્યારે લોકો ખભેખભો મિલાવીને કામ કરવા તૈયાર થાય છે, ત્યારે જટિલમાં જટિલ સમસ્યાનું સમાધાન પણ મળી જાય છે.

સાથિયોં,

આવી એક સમસ્યા હતી – બ્રૂ-રિયાંગ જનજાતિઓનાં પુનર્વસનની. થોડા દિવસો અગાઉ ત્રિપુરા અને મિઝારમ વચ્ચે અદ્ધરતાલ જીવન જીવવા માટે મજબૂત બ્રૂ-રિયાંગ જનજાતિઓના પુનર્વસનની ઐતિહાસિક સમજૂતી થઈ છે. લગભગ અઢી દાયકા પછી આ સમજૂતીથી હજારો પરિવારોને હવે પોતાનું કાયમી ઘર, કાયમી સરનામું મળશે. બ્રૂ-રિયાંગ જનજાતિ સમાજનાં આ સાથિયોંને ઉચિત રીતે વસાવવા માટે સરકાર દ્વારા એક વિશેષ પેકેજ મળશે.

સાથિયોં,

અત્યારે દેશમાં અમારી સરકારનાં પ્રામાણિક પ્રયાસોને કારણે આ ભાવના વિકસી છે કે, તમામને સાથે રાખવામાં જ દેશનું હિત છે. આ જ ભાવના સાથે થોડા દિવસ અગાઉ ગૌહાટીમાં 8 અલગ-અલગ જૂથોના લગભગ 650 કેડર્સે હિંસાનો માર્ગ છોડીને શાંતિનો માર્ગ અખત્યાર કર્યો છે. આ કેડર્સે આધુનિક હથિયાર, મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થો અને ગોળીઓ સાથે આત્મસમર્પણ કર્યું. અહિંસાનાં માર્ગે સમસ્યાનું સમાધાન કરવાનો માર્ગ અપનાવ્યો. હવે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ અંતર્ગત પુનઃવસાવવા માટે કામગીરી ચાલી રહી છે.

સાથિયોં,

ગયા વર્ષે જ નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને સરકાર વચ્ચે એક સમજૂતી થઈ હતી અને હું સમજું છું કે, આ સમજૂતી પણ મહત્ત્વપૂર્ણ પગલું હતું. એનએલએફટી પર 1997થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વર્ષો સુધી આ સંગઠન હિંસાનાં માર્ગે લડત કરતું હતું. અમારી સરકારે વર્ષ 2015માં એનએલએફટી સાથે વાતચીત કરવાની શરૂઆત કરી હતી. તેમને વિશ્વાસમાં લેવાના પ્રયાસો કર્યા હતા. વચ્ચે કેટલાંક લોકોને રાખીને મદદ લીધી. જે લોકો બોંબ-બંદૂક, પિસ્તોલમાં વિશ્વાસ ધરાવતા હતા..તેમણે હવે હિંસા ફેલાવવાનું બંધ કરી દીધું છે. સતત પ્રયાસ પછી છેલ્લાં 10 ઓગસ્ટનાં રોજ સમજૂતી પછી આ સંગઠન હથિયાર છોડવા અને ભારતનાં બંધારણનું પાલન કરવા માટે તૈયાર થઈ ગયા છે, મુખ્ય પ્રવાહમાં આવ્યાં છે. આ સમજૂતી પછી એનએલએફટી ના ડઝનો કેડર્સે આત્મસમર્પણ કર્યું હતું.

ભાઈઓ અને બહેનો,

મતો મેળવવા, રાજકીય હિતો સાધવા, મુશ્કેલીઓને જાળવી રાખવા અને તેમનું સમાધાન ટાળવાનું બહુ મોટું નુકસાન અસમ અને પૂર્વોત્તરનાં રાજ્યોએ ચુકવ્યું છે. એટલું જ નહીં એનું દેશને પણ નુકસાન થયું છે.

સાથિયોં,

અવરોધો નાંખવાના, સમસ્યાઓને વધારે જટિલ બનાવવાનાં રાજકારણના માધ્યમથી દેશ વિરૂદ્ધ કામ કરવાની એક માનસિકતા પેદા કરવામાં આવે છે. જે વિચાર, જે પ્રવૃત્તિ, જે રાજકારણ આવી માનસિકતાને પ્રોત્સાહન આપે છે, એવા લોકો ન તો ભારતને ઓળખતા નથી, અને ન અસમને સમજે છે. અસમ ભારત સાથે દિલથી જોડાણ ધરાવે છે, એનો આત્મા ભારત છે. અસમ શ્રીમંત શંકરદેવ જીનાં સંસ્કારોથી જાણીતું છે. શ્રીમંત શંકરદેવ જી કહે છે –

कोटि-कोटि जन्मांतरे जाहार, कोटि-कोटि जन्मांतरे जाहार

आसे महा पुण्य राशि, सि सि कदाचित मनुष्य होवय, भारत वरिषे आसि !!

એટલે કે જે વ્યક્તિએ અનેક જન્મો સતત પુણ્ય મેળવ્યું છે, એ જ વ્યક્તિ ભારત દેશમાં જન્મ લે છે. આ ભાવના અસમનાં ખૂણેખૂણામાં, અસમનાં કણકણમાં, અસમનાં જનજનમાં છે. આ જ ભાવનાને પગલે ભારતની આઝાદીની લડાઈથી લઈને ભારતનાં નવનિર્માણમાં અસમે પોતાનો લોહી અને પરસેવો વહાવ્યો છે. આ જ ભૂમિની આઝાદી માટે ત્યાગીઓની, તપસ્વીઓની ભૂમિ છે. હું આજે અસમનાં દરેક સાથીદારને આશ્વાસન આપું છું કે, અસમવિરોધી, દેશવિરોધી દરેક માનસિકતાને, એમના સમર્થકોને, દેશ સહન નહીં, દેશ ક્યારેય માફ નહીં કરે.

સાથિયોં,

આ જ પરિબળોએ પૂરી તાકાત સાથે અસમ અને પૂર્વોત્તર રાજ્યોમાં એવી અફવાઓ ફેલાવી છે કે, નાગરિકતા સંશોધન કાયદો – સીએએથી અહીં બહારનાં લોકો આવી જશે, બહારથી આવીને વસવાટ કરશે. હું અસમનાં લોકોને ખાતરી આપું છું કે, આવું કશું થવાનું નથી.

ભાઈઓ અને બહેનો,

મેં અસમમાં ઘણા સમય સુધી અહીંના લોકો વચ્ચે ભાજપનાં સામાન્ય કાર્યકર્તા સ્વરૂપે કામ કર્યું છે. નાનાં નાનાં વિસ્તારોનો પ્રવાસ મેં કર્યો છે અને મારા પ્રવાસ દરમિયાન સાથિયોં સાથે બેસતો હતો, ચાલતો હતો, ત્યારે હંમેશા ભારતરત્ન ભૂપેન હઝારિકાજીનાં લોકપ્રિય ગીતોની પંક્તિઓ મને સાંભળવા મળતી હતી ભૂપેન હઝારિકા સાથે મારો વિશેષ સંબંધ છે. એનું કારણ છે. મારો જન્મ ગુજરાતમાં થયો છે અને ભારતરત્ન ભૂપેન હઝારિકાજી મારા ગુજરાતનાં જમાઈ છે. એનો પણ અમને ગર્વ છે. એમના દિકરાં, એમના બાળકો આજે પણ ગુજરાતી બોલે છે અને એટલે ગર્વ થાય છે. જ્યારે હું સાંભળું છું કે….

गोटई जीबोन बिसारिलेउ, अलेख दिवख राती,

अहम देहर दरे नेपाऊं, इमान रहाल माटी ।।

અસમ જેવો પ્રદેશ, અસમ જેવી માટી, અહીંના લોકો જેવું પોતીકાપણું ખરેખર બહુ સૌભાગ્યની વાત છે. હું જાણું છું કે, અહીંના જુદાં જુદાં સમાજનાં લોકો, સંસ્કૃતિ, વેશભૂષા, ખાણીપીણી કેટલી સમૃદ્ધ છે. તમારી આકાંક્ષાઓ, તમારા સુખદુઃખ, દરેક વાતથી હું સારી રીતે વાકેફ છું. જે રીતે તમે તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું, તમામ માંગણીઓનો અંત લાવીને, બોડો સમાજ સાથે જોડાયેલા સાથી સાથે આવ્યાં છો, મને આશા છે કે, એ જ રીતે અન્ય લોકોનાં તમામ ભ્રમ પણ ઝડપથી દૂર થઈ જશે.

સાથિયોં,

છેલ્લાં 5 વર્ષ દરમિયાન ભારતનાં ઇતિહાસ અને વર્તમાનમાં અસમનું પ્રદાન આખા દેશમાં એની ઓળખ બની ગયું છે. પહેલી વાર રાષ્ટ્રીય મીડિયામાં અસમ સહિત પૂર્વોત્તરનાં તમામ રાજ્યોની કળા અને સંસ્કૃતિ, અહીંના યુવાનોની પ્રતિભા, અહીની રમતગમતની સંસ્કૃતિને આખા દેશ અને દુનિયામાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તમારો પ્રેમ, તમારા આશીર્વાદ, મને સતત તમારા હિત માટે કામ કરવા પ્રેરિત કરતા રહેશે. આ આશીર્વાદ ક્યારેય બેકાર નહીં જાય, કારણ કે તમારા આશીર્વાદની તાકાત બહુ મોટી છે. તમે તમારી શક્તિમાં વિશ્વાસ રાખજો, તમારા આ સાથીદાર પર વિશ્વાસ રાખજો અને મા કામાખ્યાની કૃપા પર વિશ્વાસ રાખજો. મા કામાખ્યાની આસ્થા અને આશીર્વાદ આપણને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે.

સાથિયોં,

ગીતામાં ભગવાન કૃષ્ણે પાંડવોને કહ્યું હતું. તેમણે બહુ મોટી અને મહત્ત્વપૂર્ણ વાત કરી હતી અને એ પણ યુદ્ધભૂમિમાં, કુરુક્ષેત્રમાં, હાથમાં શસ્ત્રો હતા, શસ્ત્રો અને અસ્ત્રો ચાલી રહ્યાં હતાં. આ યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું કે, ગીતામાં કહ્યું હતું કે –

निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव।।

એટલે કે કોઈ પણ પ્રાણી સાથે વેર ન રાખતી વ્યક્તિ જ મારી ભક્ત છે.

તમે વિચાર કરો કે, મહાભારતનાં એ ઐતિહાસિક યુદ્ધમાં પણ ભગવાન કૃષ્ણનો આ જ સંદેશ હતો કે – કોઈની સાથે વેરઝેર ન રાખો, કોઈની સાથે શત્રુતા ન રાખો.

દેશમાં વેરભાવની થોડી પણ ભાવના ધરાવતી વ્યક્તિને હું કહીશ કે વેર છોડો, દુશ્મનીની ભાવના છોડો.
તમે વિકાસનાં મુખ્ય પ્રવાહમાં આવો, તમામને સાથે રાખીને બધાનો વિકાસ કરીએ. હિંસાથી કશું હાંસલ થવાનું નથી, અગાઉ ક્યારેય થયું પણ નથી.

સાથિયોં,

ફરી એક વાર બોડો સાથિયોંને, અસમ અને પૂર્વોત્તર રાજ્યોને હું આજે ખૂભ અભિનંદન આપું છું. તમને બધાને શુભેચ્છા પાઠવું છું. આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ, આવું દ્રશ્ય અગાઉ ક્યારેય જીવનમાં જોયું નથી. મને એ પણ ખબર નથી કે, હવે આવું દ્રશ્ય જોવા મળશ કે નહીં. મને શક્ય લાગતું નથી. કદાચ હિંદુસ્તાનનાં કોઈ નેતાને આવા આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય અગાઉ ક્યારેય મળ્યું નથી, ભવિષ્યમાં મળશે કે નહીં એ હું ન કહી શકું. હું તમને બધાને ભાગ્યાશાળી સમજું છું. તમે આટલો પ્રેમ, આટલા આશીર્વાદ આપી રહ્યાં છો.

આ આશીર્વાદ, આ જ પ્રેમ મારી પ્રેરણા છે. આ જ મને રાતદિવસ દેશ માટે કામ કરવાની તાકાત આપે છે. હું તમારા લોકોને જેટલો આભાર માનું, તમને જેટલા અભિનંદન આપું એ ઓછા છે. અહિંસાનો માર્ગ અપનાવવા, શસ્ત્રો છોડવા જે નવયુવાનો આગળ આવ્યાં છે તેમને બધાને હું ખાતરી આપું છું કે તમારા નવા જીવનની શરૂઆત થઈ ગઈ છે. આખો દેશ તમને સાથસહકાર અને આશીર્વાદ આપવા આતુર છે. 130 કરોડ દેશવાસીઓના આશીર્વાદ તમારી પર છે. હું પૂર્વોત્તર રાજ્યોમાં, નક્સલવાદી વિસ્તારોમાં, જમ્મુ અને કાશ્મીરમાં હજુ પણ બંદૂક, ગિન, પિસ્તોલમાં વિશ્વાસ ધરાવતા લોકોને કહેવા ઇચ્છું છું કે, આવો, મારા બોડો નવયુવાનોમાંથી શીખો. સમાજનાં, દેશનાં મુખ્ય પ્રવાહમાં પરત ફરો. મન ભરીને જીવો, જીવનને માણો. આ જ અપેક્ષા સાથે આ ધરતીને વંદન કરીને, આ ધરતી માટે જીવતા તમામ મહાપુરુષોને પ્રમાણ કરીને મારી વાણીને વિરામ આપું છું, હું મારી વાત પૂરી કરું છું. તમારો ખૂબ ખૂબ આભાર !!

ભારત માતાની જય….

પૂરી તાકાત સાથે બોલો, 130 કરોડ દેશવાસીઓનાં હૃદયને સ્પર્શી જાય એવા બુલંદ અવાજ સાથે બોલો….

ભારત માતાની જય….

ભારત માતાની જય….

ભારત માતાની જય….

ભારત માતાની જય….

ભારત માતાની જય….

મહાત્મા ગાંધી અમર રહે, અમર રહે

મહાત્મા ગાંધી અમર રહે, અમર રહે

મહાત્મા ગાંધી અમર રહે, અમર રહે

તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi