ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સંસદમાં મારા સાથી શ્રી સી.આર.પાટીલજી, ગુજરાત સરકારના મંત્રી ભાઇ જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, અમદાવાદના મેયર કિરીટભાઇ, કેવીઆઇસીના ચેરમેન મનોજજી, અન્ય મહાનુભાવો, ગુજરાતના ખૂણેખૂણેથી પધારેલાં મારાં વ્હાલાં ભાઇઓ અને બહેનો,
સાબરમતીનો આ કિનારો આજે ધન્ય બન્યો છે. આઝાદીનાં “પંચોતેર” વર્ષ પૂરાં થતાં 'પંચોતેરસો' ૭૫૦૦ બહેનો-બેટીઓએ એકસાથે ચરખા પર સૂતર કાંતતાં એક નવો ઇતિહાસ રચી દીધો છે. એ મારું સૌભાગ્ય છે કે મને પણ થોડી ક્ષણો માટે ચરખા પર હાથ અજમાવવાનો, સૂતર કાંતવાનો લહાવો મળ્યો. મારા માટે આજે આ ચરખો ચલાવવો એ કેટલીક લાગણીસભર ક્ષણો પણ હતી, જે મને મારાં બાળપણ તરફ દોરી જતી હતી, કારણ કે આ બધી વસ્તુઓ અમારાં નાનાં ઘરમાં, એક ખૂણામાં રહેતી હતી અને અમારી માતા જ્યારે પણ સમય મળે ત્યારે આર્થિક ઉપાર્જનને ધ્યાનમાં રાખીને સૂતર કાંતવા બેસી જતી હતી. આજે એ ચિત્ર પણ ફરી એક વાર મારાં ધ્યાનમાં યાદ આવી ગયું. અને આજે જ્યારે હું આ બધી બાબતો જોઉં છું, આજે જે એ પહેલાં પણ, ત્યારે ક્યારેક મને એમ લાગે છે કે ભક્ત જે રીતે ઈશ્વરની પૂજા કરે છે, જે પૂજાની સામગ્રીનો તે ઉપયોગ કરે છે, એવું લાગે છે કે સૂતર કાંતવાની પ્રક્રિયા પણ જાણે ઈશ્વરની ઉપાસનાથી ઓછી નથી.
જે રીતે આઝાદીની ચળવળમાં ચરખો દેશનાં સ્પંદન બની ગયો હતો, તેવું જ સ્પંદન આજે હું અહીં સાબરમતીના કિનારે અનુભવી રહ્યો છું. મને વિશ્વાસ છે કે, અહીં ઉપસ્થિત તમામ લોકો, આ આયોજનને જોનારા તમામ લોકો, આજે અહીં ખાદી મહોત્સવની ઊર્જાનો અનુભવ કરતા હશે. આઝાદીના અમૃત મહોત્સવમાં આજે ખાદી મહોત્સવનું આયોજન કરીને દેશે પોતાના સ્વાતંત્ર્ય સેનાનીઓને ખૂબ જ સુંદર ભેટ આપી છે. આજે જ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડનાં નવાં ભવન અને સાબરમતી નદી પરના ભવ્ય અટલ બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. હું અમદાવાદની જનતાને, ગુજરાતના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને આજે જ્યારે આપણે આ નવા તબક્કે આગળ વધી રહ્યા છીએ ત્યારે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.
સાથીઓ,
અટલ બ્રિજ માત્ર સાબરમતી નદીના બે કાંઠાને જ નથી જોડી રહ્યો, પરંતુ તેની ડિઝાઇન અને ઇનોવેશનમાં પણ અભૂતપૂર્વ છે. તેની ડિઝાઇનમાં ગુજરાતના પ્રખ્યાત પતંગોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અટલજીને ગાંધીનગર અને ગુજરાતે હંમેશા ખૂબ સ્નેહ આપ્યો છે. 1996માં અટલજી ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી વિક્રમી મતોથી જીત્યા હતા. આ અટલ બ્રિજ અહીંના લોકો તરફથી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ છે.
સાથીઓ,
થોડા દિવસ પહેલા ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવા પર ભારે ઉત્સાહ સાથે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ ગામે ગામ, ગલીએ ગલી જે રીતે હર ઘર તિરંગાને લઈને ઉત્સાહ, ઉમંગ અને ચારે તરફ મન ભી તિરંગા, તન ભી તિરંગા, જન ભી તિરંગા, જઝ્બા ભી તિરંગા તેની તસવીરો તો આપણે સૌએ જોઈ જ છે. અહીં જે તિરંગા રેલીઓ થઈ, પ્રભાત ફેરીઓ નીકળી, એમાં દેશભક્તિની લહેર તો હતી જ, પરંતુ અમૃત કાળમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ પણ થયો હતો. આવો જ સંકલ્પ આજે અહીં ખાદી મહોત્સવમાં પણ જોવા મળી રહ્યો છે. તમારા હાથ ચરખા પર સૂતર કાંતતા હોય છે અને ભવિષ્યના ભારતના તાણાવાણાને વણતા હોય છે.
સાથીઓ,
ઇતિહાસ સાક્ષી છે કે ખાદીનો એક તંતુ, ગુલામીની સાંકળોને તોડીને, સ્વતંત્રતા આંદોલનની તાકાત બની ગયો. ખાદીનો એ જ તંતુ આત્મનિર્ભર ભારતનું સપનું પૂરું કરવા, વિકસિત ભારતની પ્રતિજ્ઞા સાકાર કરવા માટે પ્રેરણાસ્ત્રોત પણ બની શકે છે. જેમ દીવો ગમે તેટલો નાનો હોય, અંધકારને હરાવે છે, તેવી જ રીતે ખાદી જેવી આપણી પરંપરાગત શક્તિ પણ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રેરણા બની શકે છે. અને એટલા માટે આ ખાદી મહોત્સવ આઝાદીની ચળવળના ઈતિહાસને પુનર્જીવિત કરવાનો એક પ્રયાસ છે. આ ખાદી મહોત્સવ ભવિષ્યના ઉજ્જવળ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રેરણારૂપ છે.
સાથીઓ,
આ વખતે 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી મેં પંચ-પ્રણની વાત કરી છે. આજે સાબરમતીના કિનારે, આ પૂણ્ય પ્રવાહની સામે, આ પવિત્ર સ્થળે, હું ફરીથી પંચ-પ્રણોનું પુનરાવર્તન કરવા માગું છું. પ્રથમ - દેશ સમક્ષનું વિરાટ લક્ષ્ય, વિકસિત ભારતનું નિર્માણ કરવાનું લક્ષ્ય, બીજું - ગુલામીની માનસિકતાનો સંપૂર્ણ ત્યાગ, ત્રીજું - પોતાના વારસા પર ગર્વ, ચોથું - રાષ્ટ્રની એકતા વધારવાના મજબૂત પ્રયત્નો, અને પાંચમું - દરેક નાગરિકની ફરજ.
આજનો ખાદી મહોત્સવ આ પંચ-પ્રણો- પાંચ પ્રતિજ્ઞાનું સુંદર પ્રતિબિંબ છે. આ ખાદી મહોત્સવમાં એક વિરાટ લક્ષ્ય, પોતાના વારસાનું ગૌરવ, જનભાગીદારી, પોતાનું કર્તવ્ય, બધું જ સમાવિષ્ટ છે. આપણી ખાદી પણ ગુલામીની માનસિકતાનો મોટો ભોગ બની છે. આઝાદીની ચળવળ દરમિયાન, જે ખાદીએ આપણને સ્વદેશી હોવાનો અહેસાસ કરાવ્યો, સ્વતંત્રતા પછી, તે જ ખાદી અપમાનિત નજરથી જોવામાં આવી. આઝાદીની ચળવળ વખતે ગાંધીજીએ જે ખાદીને દેશનું સ્વાભિમાન બનાવ્યું હતું, તે જ ખાદીને આઝાદી પછી લઘુતાગ્રંથિથી ભરી દેવાઇ હતી. આ કારણે ખાદી અને ખાદી સાથે જોડાયેલ ગ્રામ ઉદ્યોગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. ખાદીની આ સ્થિતિ ખાસ કરીને ગુજરાત માટે ખૂબ જ પીડાદાયક હતી, કારણ કે ખાદી સાથે ગુજરાતનો ખૂબ જ ખાસ સંબંધ રહ્યો છે.
સાથીઓ,
મને ખુશી છે કે ખાદીને ફરી એકવાર જીવનદાન આપવાનું કામ ગુજરાતની આ ધરતીએ કર્યું છે. મને યાદ છે, ખાદીની સ્થિતિ સુધારવા માટે 2003માં આપણે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. ત્યારે અમે ખાદી ફોર નેશનની સાથે સાથે ખાદી ફોર ફેશનનો સંકલ્પ કર્યો હતો. ગુજરાતમાં ખાદીના પ્રમોશન માટે ઘણા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, તેની સાથે જાણીતી હસ્તીઓ જોડવામાં આવી હતી. ત્યારે લોકો અમારી મજાક ઉડાવતા હતા, અપમાન પણ કરતા હતા. પરંતુ ખાદી અને ગ્રામોદ્યોગની ઉપેક્ષા ગુજરાતને સ્વીકાર્ય ન હતી. ગુજરાત સમર્પણ ભાવ સાથે આગળ વધતું રહ્યું અને તેણે ખાદીને જીવનદાન આપીને ખાદી બતાવ્યું પણ.
2014માં જ્યારે તમે મને દિલ્હી જવાનો આદેશ અપાયો, ત્યારે મેં ગુજરાતમાંથી મળેલી પ્રેરણા વધુ આગળ ધપાવી, તેને વધુ વિસ્તૃત કરી હતી. અમે ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનના સંકલ્પને ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનમાં ઉમેર્યો. અમે ગુજરાતની સફળતાના અનુભવોને દેશભરમાં વિસ્તારવાનું શરૂ કર્યું. દેશભરમાં ખાદીને લગતી જે કઈ સમસ્યાઓ હતી તેને દૂર કરવામાં આવી. અમે દેશવાસીઓને ખાદીનાં ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા. અને તેનું પરિણામ આજે દુનિયા જોઈ રહી છે.
આજે ભારતની ટોચની ફૅશન બ્રાન્ડ્સ પોતે જ ખાદી સાથે જોડાવા માટે આગળ આવી રહી છે. આજે ભારતમાં ખાદીનું વિક્રમી ઉત્પાદન થઈ રહ્યું છે, રેકોર્ડ વેચાણ થઈ રહ્યું છે. છેલ્લાં 8 વર્ષમાં ખાદીનાં વેચાણમાં 4 ગણા કરતા વધુ વધારો થયો છે. આજે પહેલી વાર ભારતની ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ખાદીનાં આ વેચાણથી તમને સૌથી વધુ ફાયદો થયો છે, મારાં ગામમાં રહેતા ખાદી સાથે જોડાયેલાં ભાઈઓ અને બહેનોને તેનો લાભ મળ્યો છે. ખાદીનાં વેચાણમાં વધારો થવાને કારણે ગામડાઓમાં વધુ પૈસા આવ્યા છે, ગામડાઓમાં વધુ લોકોને રોજગારી મળી છે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોનું સશક્તીકરણ થયું છે. છેલ્લાં 8 વર્ષમાં માત્ર ખાદી અને ગ્રામોદ્યોગમાં જ પોણા બે કરોડ નવી રોજગારીનું સર્જન થયું છે. અને સાથીઓ, ગુજરાતમાં તો હવે ગ્રીન ખાદીનું અભિયાન પણ ચાલી રહ્યું છે. અહીં હવે સોલર ચરખામાંથી ખાદી બની રહી છે, કારીગરોને સોલર ચરખા આપવામાં આવી રહ્યા છે. એટલે કે ગુજરાત ફરી એકવાર નવો માર્ગ બતાવી રહ્યું છે.
સાથીઓ,
ભારતના ખાદી ઉદ્યોગની વધતી જતી તાકાતની પાછળ પણ નારી શક્તિનો મોટો ફાળો છે. ઉદ્યોગસાહસિકતાની ભાવના આપણી બહેનો અને દીકરીઓમાં ભારોભાર રહેલી છે. તેનો પુરાવો ગુજરાતમાં સખી મંડળોનું વિસ્તરણ પણ છે. ગુજરાતમાં બહેનોનાં સશક્તીકરણ માટે એક દાયકા પહેલાં અમે મિશન મંગલમની શરૂઆત કરી હતી. આજે ગુજરાતમાં 2 લાખ 60 હજારથી વધુ બહેનોના સ્વસહાય જૂથો બની ચૂક્યા છે. તેમાં ૨૬ લાખથી વધુ ગ્રામીણ બહેનો સંકળાયેલી છે. આ સખી મંડળોને ડબલ એન્જિન સરકાર તરફથી ડબલ મદદ પણ મળી રહી છે.
સાથીઓ,
બહેનો અને બેટીઓની શક્તિ આ અમૃતકાળમાં વાસ્તવિક અસર ઉભી કરનારી છે. અમારો પ્રયાસ છે કે દેશની દીકરીઓ વધુમાં વધુ સંખ્યામાં રોજગાર સાથે જોડાય, પોતાનાં મનનું કામ કરે. મુદ્રા યોજના તેમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી રહી છે. એક સમય હતો જ્યારે નાની લોન લેવા માટે પણ બહેનોને એક સ્થળેથી બીજા સ્થળે આંટા ફેરા મારવા પડતા હતા. આજે મુદ્રા યોજના હેઠળ 50 હજારથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન ગૅરંટી વગર આપવામાં આવી રહી છે. દેશમાં કરોડો બહેનો અને બેટીઓએ મુદ્રા યોજના હેઠળ લોન લઈને પહેલીવાર પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે. એટલું જ નહીં એક-બે લોકોને રોજગારી પણ આપ્યો છે. આમાંની ઘણી મહિલાઓ ખાદી ગ્રામોદ્યોગ સાથે પણ સંકળાયેલી છે.
સાથીઓ,
હવે ખાદી આજે જે ઊંચાઈ પર છે તેની આગળ આપણે ભવિષ્ય તરફ નજર દોડાવવી પડશે. આજકાલ આપણે દરેક વૈશ્વિક મંચ પર એક શબ્દની ઘણી ચર્ચા સાંભળીએ છીએ - ટકાઉપણું, કેટલાક કહે છે ટકાઉ વિકાસ, કેટલાક કહે છે ટકાઉ ઉર્જા, કેટલાક કહે છે ટકાઉ કૃષિ, કેટલાક ટકાઉ ઉત્પાદનો વિશે વાત કરે છે. મનુષ્યની પ્રવૃત્તિઓથી આપણી પૃથ્વી, આપણી ધરતી પર ઓછામાં ઓછો બોજો પડે તે દિશામાં સમગ્ર વિશ્વ પ્રયાસ કરી રહ્યું છે. આજકાલ દુનિયામાં બેક ટુ બેઝિકનો એક નવો મંત્ર શરૂ થયો છે. કુદરતી સંસાધનોની સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, ટકાઉ જીવનશૈલીની પણ વાત કરવામાં આવે છે.
તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણાં ઉત્પાદનો ઇકો-ફ્રેન્ડલી હોય, પર્યાવરણને નુકસાન પહોંચાડે નહીં. તમે બધા જે અહીં ખાદીના ઉત્સવમાં આવ્યા છો, તેઓ વિચારતા હશો કે હું ટકાઉ રહેવા પર આટલો બધો ભાર કેમ આપી રહ્યો છું? તેનું કારણ છે, ખાદી ટકાઉ વસ્ત્રોનું ઉદાહરણ છે. ખાદી ઇકો-ફ્રેન્ડલી વસ્ત્રોનું ઉદાહરણ છે. ખાદી કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડે છે. ઘણા દેશો એવા છે જ્યાં તાપમાન વધારે હોય છે, ત્યાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખાદી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને તેથી, ખાદી આજે વૈશ્વિક સ્તરે એક મોટી ભૂમિકા ભજવી શકે છે. આપણે ફક્ત આપણા આ વારસા પર ગર્વ કરવો જોઈએ.
ખાદી સાથે જોડાયેલા આપ સૌના માટે આજે એક બહુ મોટું બજાર તૈયાર થઈ ગયું છે. આપણે આ તક ગુમાવવાની નથી. હું એ દિવસ જોઈ રહ્યો છું, જ્યારે ભારતની ખાદી વિશ્વના દરેક મોટા સુપર માર્કેટમાં, કાપડના બજારમાં છવાયેલી હશે. તમારી મહેનત, તમારો પરસેવો, હવે દુનિયા પર છવાઇ જવાનો છે. જળવાયુ પરિવર્તન વચ્ચે હવે ખાદીની માગ ઝડપથી વધવાની છે. ખાદીને લોકલથી ગ્લોબલ બનતા કોઈ પણ શક્તિ હવે રોકી શકશે નહીં.
સાથીઓ,
આજે સાબરમતીના તટેથી હું પણ દેશભરના લોકોને એક અપીલ પણ કરવા માગું છું. આવનારા તહેવારોમાં આ વખતે ખાદી ગ્રામોદ્યોગમાં બનતી પ્રોડક્ટની જ ભેટ આપો. તમારી પાસે ઘરમાં પણ વિવિધ પ્રકારના ફેબ્રિકના બનેલા કપડાં હોય શકે છે, પરંતુ એમાં આપ ખાદીને પણ થોડી જગા આપશો તો તમે વોકલ ફોર લોકલ અભિયાનને વેગ આપશો, કોઇ ગરીબ વ્યક્તિનું જીવન સુધારવામાં મદદ મળશે. જો તમારામાંથી કોઈ વિદેશમાં રહેતું હોય, કોઈ સંબંધી કે મિત્ર પાસે જઈ રહ્યું હોય તો તે પણ ભેટ તરીકે ખાદીની પ્રોડક્ટ સાથે લઈ જાય. તેનાથી ખાદીને પ્રોત્સાહન તો મળશે જ સાથે અન્ય દેશોના નાગરિકોમાં પણ ખાદી પ્રત્યે જાગૃતિ આવશે.
સાથીઓ,
જે દેશો પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે તેઓ નવો ઇતિહાસ પણ રચી શકતા નથી. ખાદી આપણા ઇતિહાસનું, આપણા વારસાનું એક અભિન્ન અંગ છે. જ્યારે આપણે આપણા વારસા પર ગર્વ કરીએ છીએ, ત્યારે વિશ્વ પણ તેને માન- સન્માન આપે છે. તેનું ઉદાહરણ ભારતનો ટોય ઉદ્યોગ પણ છે. રમકડાં, ભારતીય પરંપરાઓ પર આધારિત રમકડાં પ્રકૃતિ માટે પણ સારાં હોય છે, બાળકોનાં સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડતા નથી. પરંતુ પાછલા દાયકાઓમાં, વિદેશી રમકડાંની હરીફાઈમાં ભારતનો પોતાનો સમૃદ્ધ રમકડા ઉદ્યોગ નાશ પામતો હતો. સરકારના પ્રયાસોથી, રમકડા ઉદ્યોગો સાથે જોડાયેલાં આપણા ભાઈ-બહેનોના પરિશ્રમથી હવે સ્થિતિ બદલવા લાગી છે. હવે વિદેશથી આયાત થતા રમકડામાં ભારે ઘટાડો થયો છે. સાથે જ ભારતીય રમકડાં વધુને વધુ વિશ્વનાં બજારોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. તેનો બહુ મોટો લાભ આપણા લઘુ ઉદ્યોગોને થયો છે, કારીગરો, શ્રમિકો, વિશ્વકર્મા સમાજના લોકોને થયો છે.
સાથીઓ,
સરકારના પ્રયાસોના કારણે હસ્તકળાની નિકાસ, હાથવણાટથી વણાયેલા ગાલીચાની નિકાસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આજે બે લાખથી વધુ વણકરો અને હસ્તકળાના કારીગરો જીઇએમ પોર્ટલ સાથે જોડાયેલા છે અને સરળતાથી પોતાનો માલ સરકારને વેચી રહ્યા છે.
સાથીઓ,
કોરોનાના આ સંકટકાળમાં પણ અમારી સરકાર આપણા હસ્તકળાના કારીગરો, વણકરો, કુટિર ઉદ્યોગ સાથે જોડાયેલાં ભાઈઓ અને બહેનોની સાથે ઉભી રહી છે. લઘુ ઉદ્યોગોને, એમએસએમઈને આર્થિક સહાય પૂરી પાડીને સરકારે કરોડો નોકરીઓ જતી બચાવી છે.
ભાઇઓ અને બહેનો,
ગત વર્ષે માર્ચ મહિનામાં દાંડીયાત્રાની વર્ષગાંઠે સાબરમતી આશ્રમથી અમૃત મહોત્સવની શરૂઆત થઈ હતી. અમૃત મહોત્સવ આવતા વર્ષે ઑગસ્ટ ૨૦૨૩ સુધી ચાલુ રહેવાનો છે. આ ભવ્ય આયોજન માટે હું ખાદી સાથે જોડાયેલાં આપણાં ભાઈઓ અને બહેનોને, ગુજરાત સરકારને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. અમૃત મહોત્સવમાં આપણે આવાં જ આયોજનો દ્વારા નવી પેઢીને આઝાદીની ચળવળથી પરિચિત કરાવતા રહેવાનું છે.
હું આપ સૌને એક આગ્રહ કરવા માગું છું, તમે જોયું હશે કે દૂરદર્શન પર સ્વરાજ સિરિયલ શરૂ થઈ છે. તમે દેશની આઝાદી માટે, દેશના સ્વાભિમાન માટે, દેશના ખૂણે ખૂણે કેવા સંઘર્ષો થયા, કેવાં બલિદાન આપવામાં આવ્યાં, આ સિરિયલમાં આઝાદીની ચળવળ સાથે જોડાયેલી વાતોને ખૂબ જ વિસ્તારથી બતાવવામાં આવી રહી છે. આજની યુવા પેઢીએ રવિવારે દૂરદર્શન પર કદાચ રાત્રે 9 વાગ્યે આવે છે, આ સ્વરાજ સિરિયલ આખા પરિવારે જોવી જોઈએ. આપણી આવનારી પેઢીને ખબર હોવી જોઈએ કે આપણા પૂર્વજોએ આપણા માટે શું શું સહન કર્યું છે. દેશમાં દેશભક્તિ, રાષ્ટ્ર ચેતના, સ્વાવલંબનની આ ભાવના સતત વધતી રહે, એ જ કામના સાથે હું ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
હું ખાસ કરીને આજે મારી આ માતાઓ અને બહેનોને પ્રણામ કરવા માગુ છું, કારણ કે ચરખો ચલાવવો એ પણ એક પ્રકારની સાધના છે. સંપૂર્ણ એકાગ્રતાથી, યોગિક ભાવ સાથે, આ માતાઓ અને બહેનો રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી રહી છે. અને આટલી મોટી સંખ્યામાં ઇતિહાસમાં પહેલીવાર આ ઘટના બની હશે. ઇતિહાસમાં પહેલી વાર.
જે લોકો વર્ષોથી આ વિચાર સાથે જોડાયેલા છે, આ આંદોલન સાથે જોડાયેલા છે. હું આવા તમામ મિત્રોને વિનંતી કરૂં છું કે, તમે જે પદ્ધતિથી અત્યાર સુધી કામ કર્યું છે, જે રીતે તમે કામ કર્યું છે, આજે ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીના આ મૂલ્યોને પુનર્જીવિત કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તેને સમજવાના પ્રયાસ થાય. તેને સ્વીકારીને આગળ વધવામાં મદદ મળે. એ માટે હું આવા તમામ સાથીઓને આમંત્રણ આપું છું.
આવો, આપણે સૌ સાથે મળીને આઝાદીના અમૃત મહોત્સવમાં પૂજ્ય બાપુએ જે મહાન પરંપરા બનાવી છે, જે પરંપરા ભારતનાં ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની શકે છે. એ માટે પૂરી તાકાત લગાવીએ, સામર્થ્ય ઉમેરીએ, કર્તવ્યભાવ નિભાવીએ અને વારસા પર ગર્વ કરીને આગળ વધીએ. આ જ અપેક્ષા સાથે ફરી એકવાર હું આપ સૌ માતાઓ અને બહેનોને આદરપૂર્વક નમન કરૂં છું અને મારી વાત પૂરી કરું છું.
ધન્યવાદ!