જોહાર, મધ્ય પ્રદેશ. રામ રામ સેવા જોહાર. મોર સગા જનજાતિ બહિન ભાઈ લા સ્વાગત જોહાર કરતાં હું. હું તમારો સ્વાગત કરું. તમુમ સમ કિકમ છો? માલ્થન આપ સબાન સી મિલિન, બડી ખુશી હુઇ રયલી હ. આપ સબાન થન, ફિર સે રામ રામ.
મધ્ય પ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઈ પટેલ જી, જેમણે તેમનું સમગ્ર જીવન આદિવાસીઓના કલ્યાણ માટે હોમી દીધું છે. તેઓ જીવનભર આદિવાસીઓના જીવન માટે સામાજિક સંગઠનના રૂપમાં, સરકારના મંત્રી તરીકે એક સમર્પિત આદિવાસીઓના સેવકના રૂપમાં રહ્યા છે. અને મને ગર્વ છે કે મધ્ય પ્રદેશના પ્રથમ આદિવાસી રાજ્યપાલ, જેનો શ્રેય શ્રી મંગુભાઈ પટેલના ખાતામાં જાય છે.
મંચ પર બિરાજમાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ જી. કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી નરેન્દ્ર સિંહ તોમર જી, જ્યોતિરાદિત્ય સિંધિયા જી, વીરેન્દ્ર કુમાર જી, પ્રહલાદ પટેલ જી. ફગ્ગન સિંહ કુલસ્તે જી, એલ,. મુરુગન જી, એમપી સરકારના મંત્રીગણ, સંસદમાં મારા સહયોગી સાંસદ, વિધાયકગણ અને મધ્ય પ્રદેશના ખૂણે ખૂણેથી આપણને સૌને આશીર્વાદ આપવા માટે આવેલા જનજાતિય સમાજના મારા ભાઈઓ અને બહેનો, આમ સૌને ભગવાન બિરસા મુન્ડાના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભકામનાઓ.
આજનો દિવસ સમગ્ર દેશ માટે, સમગ્ર જનજાતિય સમાજ માટે સૌથી મોટો દિવસ છે. આજે ભારત તેનો સૌપ્રથમ જનજાતિય દિવસ ગૌરવ દિવસ મનાવી રહ્યો છે. આઝાદી બાદ દેશમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં સમગ્ર દેશમાં જનજાતિય સમાજની કલા-સંસ્કૃતિ, સ્વતંત્રતા આંદોલન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનની સાથે સાથે યાદ કરવામાં આવી રહ્યો છે, જેને સંપૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવમાં આ નવા સંકલ્પ માટે હું સમગ્ર દેશને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે હું અહીં મધ્ય પ્રદેશના જનજાતિય સમાજનો આભાર પણ માની રહ્યો છું. છેલ્લા ઘણા વર્ષોમાં અમને તમારો સ્નેહ, તમારો ભરોસો સતત મળતો રહ્યો છે. આ સ્નેહ દરેક ક્ષણે વધુ મજબૂત થઈ રહ્યો છે. તમારો આજ પ્રેમ અમને તમારી સેવા માટે દિવસ-રાત એક થવાની ઊર્જા આપતો રહે છે.
સાથીઓ,
આજ સેવાભાવ સાથે આજે આદિવાસી સમાજ માટે શિવરાજજીની સરકારે ઘણી યોજનાઓનો શુભારંભ કર્યો છે. અને આજે જ્યારે આ કાર્યક્રમના પ્રારંભમાં મારા આદિવાસી જનજાતિય સમુદાયને તમામ લોકો અલગ અલગ મંચ પર ગીતની સાથે, ધૂનની સાથે પોતાની ભાવનાઓ પ્રગટ કરી રહ્યા હતા. મેં એ ગીતોને સમજવાનો પ્રયાસ કર્યો. કેમ કે મારો અનુભવ રહ્યો છે કે જીવનના એક મહત્વપૂર્ણ કાળખંડમાં મેં આદિવાસીઓ સાથે સમય વીતાવ્યો છે અને મેં જોયું છે કે તેમની દરેક બાબતમાં કોઈને કોઈ તત્વજ્ઞાન હોય છે. જીવનનો હેતુ આદિવાસીઓ પોતાના નાચ-ગાનમાં, પોતાના ગીતોમાં, પોતાની પરંપરાઓમાં સારી રીતે રજૂ કરે છે. અને તેથી આજના આ ગીત પ્રત્યે મારું ધ્યાન જવું સ્વાભાવિક હતું. અને મેં આ ગીતોના શબ્દોને બારિકાઈથી જોયા તો હું ગીતને દોહરાવી રહ્યો નથી પરંતુ તમે જે કાંઈ કહ્યું તે કદાચ દેશભરના લોકોને આપના એક એક શબ્દ જીવન જીવવાનું કારણ, જીવન જીવવાનો ઇરાદો, જીવન જીવવાનો હેતુ સ્પષ્ટ કરે છે. તમે તમારા નૃત્ય દ્વારા, તમારા ગીતો દ્વારા આજે રજૂઆત કરી - શરીર ચાર દિવસનું હોય છે, અંતે તો માટીમાં ભળી જવાનું છે. ખાણી-પીણી ખૂબ કરી, ભગવાનનું નામ ભુલાવ્યું. જૂઓ આ આદિવાસી આપણને શું કહી રહ્યા છે જી. ખરેખર તેઓ શિક્ષિત છે કે આપણે હજી શીખવાનું બાકી છે. આગળ કહે છે, મોજ મસ્તીમાં જીવન વીતાવી દીધું, જીવન સફળ કર્યું નહીં. પોતાના જીવનમાં લડાઈ-ઝઘડા તો ઘણા કર્યા, ઘરમાં ધમાલ પણ ઘણી મચાવી. જ્યારે અંત સમય આવ્યો તો પસ્તાવો કરવો વ્યર્થ છે. ધરતી, ખેતીવાડી, કોઈના નથી - જૂઓ, આદિવાસી મને શું સમજાવી રહ્યો છે. ધરતી, ખેતીવાડી કોઈના નથી, આપણા મનમાં અભિમાન કરવું વ્યર્થ છે. આ ધન દોલત કોઈ કામના નથી, તેને અહીં જ છોડીને જવાનું છે. તમે જૂઓ, આ સંગીતમાં, આ નૃત્યમાં જે શબ્દ કહેવાયા છે તે જીવનનું ઉત્તમ તત્વજ્ઞાન જંગલોમાં જીવન ગુજારનારા મારા આદિવાસી ભાઈ-બહેનોએ આત્મસાત કરેલું છે. આથી મોટી કોઈ દેશની તાકાત શું હોઈ શકે. આથી મોટો કોઈ દેશનો વારસો શું હોઈ શકે. આથી મોટી કોઈ દેશની મૂડી શું હોઈ શકે.
સાથીઓ,
આ જ સેવાભાવથી આજે આદિવાસી સમાજ માટે શિવરાજજીની સરકારે ઘણી યોજનાઓનો પ્રારંભ કર્યો છે. ‘રાશન આપકે ગ્રામ’ યોજના હોય કે પછી મધ્ય પ્રદેશ સિકલ સેલ મિશન હોય, આ બંને કાર્યક્રમ આદિવાસી સમાજમાં આરોગ્ય અને પોષણને બહેતર બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. મને તેનો પણ સંતોષ છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના મારફતે વિનામૂલ્યે રાશન મળવાથી કોરોના કાળમાં ગરીબ આદિવાસી પરિવારોને આટલી મોટી મદદ મળશે. હવે જ્યારે ગામડામાં તમારા ઘરની પાસે સસ્તું રાશન પહોંચશે તો તમારો સમય પણ બચશે અને તમને વધારાના ખર્ચમાંથી પણ રાહત મળશે.
આયુષમાન ભારત યોજના કરતાં પહેલાથી જ અનેક બીમારીઓનો વિનામૂલ્યે ઇલાજ આદિવાસી સમાજને મળી રહ્યો છે, દેશના ગરીબોને મળી રહ્યો છે. મને ખુશી છે કે મધ્ય પ્રદેશમાં જનજાતિય પરિવારોમાં ઝડપથી વિનામૂલ્યે રસીકરણ પણ થઈ રહ્યું છે. દુનિયાના ભણેલા ગણેલા દેશોમાં પણ રસીકરણને લઈને સવાલો થઈ રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. પણ મારા આદિવાસી ભાઈ-બહેને રસીકરણનું મહત્વ સમજ્યું પણ છે, સ્વિકાર્યું પણ છે અને દેશને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આથી મોટી સમજદારી કઈ હોઈ શકે. 100 વર્ષમાં આ સૌથી મોટી મહામારી સામે આખી દુનિયા લડી રહી છે, આ સૌથી મોટી મહામારીનો સામનો કરવા માટે જનજાતિય સમાજના તમામ સાથીઓ વેક્સિનેશન માટે આગળ વધીને આવવું, ખરેખર આ બાબત પોતાનામાં એક ગૌરવપૂર્ણ ઘટના છે. ભણેલા-ગણેલા શહેરમાં રહેનારાઓએ મારા આ આદિવાસી ભાઈઓ પાસેથી ઘણું શીખવા જેવું છે.
સાથીઓ,
આજે અહીં ભોપાલ આવતાં અગાઉ મને રાંચીમાં ભગવાન બિરસા મુન્ડા સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમના લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આઝાદીની લડતમાં જનજાતિય નાયક-નાયિકાઓની વીરગાથાને દેશ સમક્ષા લાવવી, તેને નવી પેઢી સાથે પરિચિત કરાવવી તે આપણું કર્તવ્ય છે. ગુલામીના કાળખંડમાં વિદેશી શાસનની વિરુદ્ધ ખાસી-ગારો આંદોલન, મિઝો આંદોલન, કોલ આંદોલન સહિત ઘમા સંગ્રામ થયા હતા. ગૌંડ મહારાણી વીર દુર્ગાવતીનું શૌર્ય હોય અથવા તો પછી રાણી કમલાપતિનું બલિદાન, દેશ તેને ભુલાવી શકે નહીં. વીર મહારાણા પ્રતાપના સંઘર્ષની કલ્પના આ બહાદુર ભીલો વિના કરી શકાય નહીં જેમણે ખભે ખભા મિલાવીને રાણા પ્રતાપની સાથે યુદ્ધના મેદાનમાં પોતાનું બલિદાન આપી દીધું. આપણે સૌ તેમના ઋણી છીએ. આપણે આ ઋણ ક્યારેય ચૂકવી શકીએ તેમ નથી પરંતુ આપણા આ વારસાને સાંકળીને તેને ઉચિત સ્થાન આપીને આપણી જવાબદારી ચોક્કસ અદા કરી શકીએ છીએ.
ભાઈઓ અને બહેનો,
આજે હું જ્યારે તમારી સાથે આપણા વારસાને સાંકળવાની વાત કરી રહ્યો છું તો દેશના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શિવ શાહીર બાબાસાહેબ પુરન્દરેજીને પણ યાદ કરીશ. આજે સવારે જ ખબર મળી કે તેઓ આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. તેમનો દેહાંતવાસ થયો છે. પદ્મવિભૂષણ બાબાસાહેબ પુરન્દરેજીએ છત્રપતિ શિવાજી મહારાજના જીવનને, તેમને ઇતિહાસને સામાન્ય માનવી સુધી પહોંચાડવા માટે જે યોગદાન આપ્યું તે અમૂલ્ય છે. અહીંની સરકારે તેમને કાલિદાસ પુરસ્કાર પણ એનાયત કર્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજના જે આદર્શોને બાબાસાહેબ પુરન્દરેએ દેશ સમક્ષ રજૂ કર્યો તે આદેશ આપણને સૌને સતત પ્રેરણા આપતા રહેશે., હું બાબાસાહેબ પુરન્દરેજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
સાથીઓ,
આજે જ્યારે આપણે રાષ્ટ્રીય મંચ પરથી, રાષ્ટ્ર નિર્માણમાં જનજાતિય સમાજના યોગદાનની ચર્ચા કરીએ છીએ તો કેટલાક લોકોને નવાઈ લાગે છે. એવા લોકોને વિશ્વાસ બેસતો નથી કે જનજાતિય સમાજનું ભારતની સંસ્કૃતિને મજબૂત કરવામાં કેટલું મોટું યોગદાન રહ્યું છે. તેનું કારણ એ છે કે જનજાતિય સમાજના યોગદાન અંગે કાં તો દેશને કાંઈ જણાવવામાં આવ્યું નથી, અંધારામાં રાખવાનો ભરપુર પ્રયાસ કરવામાં આવ્યો છે અને જો કાંઈક કહેવામાં પણ આવ્યું છે તો તે મર્યાદિત જાણકારી જ આપવામાં આવી છે. આમ એટલા માટે બન્યું છે કેમ કે આઝાદી પછી દાયકાઓ સુધી જેમણે દેશમાં સરકાર ચલાવી તેઓએ પોતાની સ્વાર્થી રાજનીતિને જ પ્રાથમિકતા આપી હતી. દેશની કુલ વસતિના લગભગ દસ ટકા હોવા છતાં, દાયકાઓ સુધી જનજાતિય સમાજને, તેમની સંસ્કૃતિ, તેમના સામર્થ્યને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. આદિવાસીઓનું દુઃખ, તેમની તકલીફો, બાળકોના શિક્ષણ, આદિવાસીઓના આરોગ્ય, આ તમામ બાબતો તેમના માટે કોઈ મહત્વ રાખતી ન હતી.
સાથીઓ,
ભારતની સાંસ્કૃતિ યાત્રામાં જનજાતિય સમાજનું યોગદાન અતૂટ રહ્યું છે. તમે જ કહો, જનજાતિય સમાજમાં તેમના યોગદાન વિના પ્રભુ રામના જીવનની સફળતાઓની કલ્પનાઓ કરી શકાય ? બિલકુલ નહી. વનવાસીઓ સાથે વિતાવેલા સમયે એક રાજકુમારને મર્યાદા પુરષોત્તમ બનવામાં મહત્વનુ યોગદાન આપ્યુ છે. વનવાસના એ જ કાળખંડમાં પ્રભુ રામે વનવાસી સમાજની પરંપરા, રિત-રિવાજો, રહેણી-કરણીની રીતભાતો, જીવનના દરેક પાસામાંથી પ્રેરણા મેળવી હતી.
સાથીઓ,
આદિવાસી સમાજને યોગ્ય મહત્વ નહીં આપીને, પ્રાથમિક્તા નહીં આપીને અગાઉની સરકારોએ જે અપરાધ કર્યો છે તેના પર સતત બોલાતું રહેવું જરૂરી છે. દરેક મંચ પર ચર્ચા થાય તે જરૂરી છે. જયારે દાયકાઓ પહેલા મેં ગુજરાતમાં સાર્વજનિક જીવનની શરૂઆત કરી હતી ત્યારથી હું જોતો આવ્યો છું કે દેશમાં કેવી રીતે રાજકીય દળોએ સુખ-સુવિદ્યા અને વિકાસના દરેક સંસાધનથી આદિવાસી સમાજને વંચિત રાખ્યો છે. આ વંચિત અને અભાવમાં રાખ્યા પછી ચૂંટણી આવે ત્યારે આ જ અભાવની પૂર્તિ કરવાના નામે વારંવાર મતો માંગ્યા છે. સત્તા મળી પણ જનજાતિય સમુદાય માટે જે કરવું જોઇએ, જેટલું કરવું જોઇએ અને જયારે કરવું જોઇએ તે ઓછું પડયું અથવા તો કરી શકયા નથી. સમાજને નિઃસહાય છોડી દેવામાં આવ્યો, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ મેં ત્યાં જનજાતિય સમાજની સ્થિતિને બદલવા માટે અનેક પ્રકારના અભિયાન શરૂ કર્યા હતા. જયારે દેશે મને 2014માં તમારી સેવા કરવાની તક આપી તો મેં જનજાતિય સમૂદાયના હિતોને મેં મારી સર્વોચ્ચ પ્રાથમિક્તા આપી હતી.
ભાઇઓ અને બહેનો,
આજે સાચા અર્થમાં આદિવાસી સમાજના દરેક સાથીને દેશના વિકાસમાં યોગ્ય હિસ્સેદારી અને ભાગીદારી આપવામાં આવે છે. આજે ભલે ગરીબોના ઘર હોય, શૌચાલય હોય, મફત વીજળી અને ગેસ કનેક્શન હોય, સ્કૂલ હોય, સડક હોય, વિનામૂલ્યે ઇલાજ હોય આ તમામ સેવા જે ગતિથી દેશના બાકીના હિસ્સામાં થઇ રહી છે તે જ ગતિથી આદિવાસી ક્ષેત્રોમાં પણ થઇ રહી છે. જો દેશના ખેડૂતોના બેંકના ખાતામાં જયારે કરોડો રુપિયા સીધા પહોંચે છે તો આદિવાસી ક્ષેત્રોના ખેડૂતોને પણ એ જ સમયે મળે છે. આજે જો દેશના કરોડો-કરોડો પરિવારોને પીવાનું શુધ્ધ પાણી પાઇપથી ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે તો આજ ઇચ્છાશક્તિથી એટલી જ ઝડપથી આદિવાસી પરિવારો સુધી પણ પહોંચાડવાનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. નહિતર આટલા વર્ષો સુધી જનજાતિ વિસ્તારોની બહેન-દીકરીઓએ પાણી માટે કેટલી મુશ્કેલી ભોગવવી પડતી હતી તે મારા કરતાં તમે લોકો વધારે સારી રીતે જાણો છો. મને ખુશી છે કે જળજીવન મિશન અંતર્ગત મધ્ય પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોના 30 લાખ પરિવારોને હવે નળથી જળ આપવાનું શરૂ થઇ ગયું છે અને તેમાં પણ સૌથી વધારે આપણા આદિવાસી વિસ્તારો જ છે.
સાથીઓ
જનજાતિય વિકાસની વાત કરતી વખતે મારે વધુ એક વાત એ કરવી છે કે એવું કહેવાતું હતું કે જનજાતિય વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ વધારે મુશ્કેલ હોય છે. એમ કહેવાતું હતુ કે ત્યાં સવલતો પહોંચાડવી મુશ્કેલ છે. આ તમામ બહાનાઓ કામ નહીં કરવાના બહાનાઓ હતા. આ બહાનાઓને કારણે જ જનજાતિય સમાજમાં સવલતોને કયારેય પ્રાથમિક્તા આપી નથી અને તેમને તેમના ભાગ્ય પર છોડી દેવામા આવ્યા હતા.
સાથીઓ,
આવી જ રાજનીતિ, આવી જ વિચારધારાને કારણે આદિવાસી બહુવસ્તી ધરાવતાં જિલ્લાઓ પાયાના વિકાસ અને સુવિધાઓથી વંચિત રહી ગયા. ખરેખર તો તેના વિકાસ માટેના પ્રયાસો થવા જોઇતા હતા પરંતુ આ જિલ્લાઓ પર પછાત હોવાનો ટેગ લગાવી દેવામાં આવ્યો હતો.
ભાઇઓ અને બહેનો
કોઇ રાજય, કોઇ જિલ્લા, કોઇ વ્યક્તિ, કોઇ સમાજ વિકાસની દોડમાં પાછળ રહેવા જોઇએ નહીં. દરેક વ્યકિત, દરેક સમાજને અપેક્ષા હોય છે દરેકના સ્વપ્ન હોય છે. વર્ષોથી સ્વપ્નથી વંચિત રાખવામાં આવેલા સમાજને અપેક્ષાની ઉડાન આપવાનો પ્રયાસ અમારી સરકારની પ્રાથમિક્તા છે. તમારા આર્શીવાદથી આજે આ 100થી વધારે જિલ્લાઓમાં વિકાસની અપેક્ષાઓને પૂરી કરવામાં આવી રહી છે. આજે જેટલી કલ્યાણકારી યોજનાઓ કેન્દ્ર સરકાર બનાવી રહી છે તેમાં આદિવાસી વસતિ ધરાવતાં અપેક્ષિત જિલ્લાઓને પ્રાથમિક્તા આપવામાં આવી રહી છે. અપેક્ષિત જિલ્લા એટલે કે એવો જિલ્લો કે જયાં હોસ્પિટલનો અભાવ હોય ત્યાં દોઢસોથી વધારે મેડિકલ કોલેજની મંજૂરી આપી દેવામાં આવી છે.
સાથીઓ
દેશના આદિવાસી ક્ષેત્ર સંસાધનો, સંપદાના મામલે હંમેશા સમૃદ્ધ રહ્યા છે. પરંતુ જે પહેલા સરકારમાં હતા તેઓ આ વિસ્તારને નીચોવી લેવાની નીતિ પર ચાલતા હતા. અમે આ ક્ષેત્રોના સામર્થ્યનો યોગ્ય ઉપયોગ કરવાની નીતિ પર ચાલીએ છીએ. આજે જે જિલ્લાઓમાંથી જે પ્રાકૃતિક સંપત્તિ રાષ્ટ્રના વિકાસમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેનો એક હિસ્સો આવા જ જિલ્લાના વિકાસમાં લગાવવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ અંતર્ગત રાજયોમાં અંદાજે 50 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. આજે તમારી સંપત્તિ જ તમારા કામમાં આવી રહી છે. તમારા બાળકોના કામમાં આવી રહી છે. હવે તો ખનન (ખોદકામ)ને લગતી નીતિઓ માટે પણ અમે એવા ફેરબદલ કર્યા છે કે આદિવાસી વિસ્તારોમાં જ રોજગારની વ્યાપક સંભાવના બની શકે.
ભાઇઓ અને બહેનો,
આઝાદીનો આ અમૃત મહોત્સવ, આત્મનિર્ભર ભારતના નિર્માણનો સમય છે. ભારતની આત્મનિર્ભરતા આદિવાસીઓની ભાગીદારી વિના સંભવ જ નથી. તમે જોયું હશે કે તાજેતરમાં જ પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે જેમાં આદિવાસી વિસ્તારમાંથી આવતાં મિત્રો જયારે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યાં, પગમાં ચંપલ પણ ન હતા, આખી દુનિયા તેમને જોઇને દંગ રહી ગઇ, હેરાન થઇ ગઇ. આદિવાસી અને ગ્રામીણ વિસ્તારમાં કામ કરવાવાળા આ દેશનાં સાચા હિરો છે. આ જ તો સાચા ડાયમંડ છે, આજ તો આપણા હિરો છે.
ભાઇઓ અને બહેનો
જનજાતિય સમાજમાં પ્રતિભાની કોઇ કમી નથી પણ કમનસીબે અગાઉની સરકારોમાં આદિવાસી સમાજને તક આપવા માટે જે જરૂરી રાજકીય ઇચ્છાશક્તિ જોઇએ તે ન હતી અથવા તો બહુ ઓછી હતી. સર્જન, આદિવાસી પરંપરાનો ભાગ છે હું હાલ અહીં આવ્યો તે પહેલા આદિવાસી સમાજની બહેનો દ્વારા જે નિર્માણ કાર્ય થયું છે તે જોતો હતો ત્યારે સાચે જ મારા મનમાં આનંદ હતો. આ આંગળીઓમાં તેમની પાસે શું તાકાત છે. સર્જન આદિવાસી પરંપરાનો ભાગ છે પરંતુ આદિવાસી સર્જનને બજાર સાથે સાંકળવામાં આવતી ન હતી. તમે કલ્પના કરી શકો કે વાંસની ખેતી જેવી નાની અને સામાન્ય બાબતને કાયદાની જાળમાં ફસાવીને રાખી હતી. શું આપણા આદિવાસી ભાઇ-બહેનોનો એ અધિકાર નથી કે તેઓે વાંસની ખેતી કરીને તેને વેચીને થોડા રૂપિયા કમાઇ શકે? અમે આ કાયદામાં ફેરબદલ કરીને આવી વિચારધારાને બદલી નાખી છે.
સાથીઓ,
દાયદાઓથી જે સમાજની નાની નાની જરૂરિયાતોની પૂર્તિ માટે લાંબા સમય સુધી રાહ જોવડાવી, તેમની ઉપેક્ષા કરવામાં આવી, હવે તેમને આત્મનિર્ભર કરવા માટેના સતત પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. લાકડી અને પથ્થરની કલાકારી તો આદિવાસી સમાજ વર્ષોથી કરે છે પરંતુ હવે તેમણે બનાવેલા ઉત્પાદનોને નવું માર્કેટ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. ટ્રાઇફેડ પોર્ટલના માધ્યમથી આદિવાસી કલાકારોના ઉત્પાદન દેશ અને દુનિયાના બજારોમાં ઓનલાઇન પણ વેચાઇ રહ્યા છે. જે મોટા અનાજને ઉપેક્ષાની નજરથી જોવામાં આવતું હતું તે હવે ભારતની બ્રાન્ડ બની રહ્યુ છે.
સાથીઓ,
વનધન યોજના હોય... વનોપજને MSPના ક્ષેત્રમાં લાવવાની હોય કે બહેનોની સંગઠન શક્તિને નવી તાકાત આપવાની હોય આ આદિવાસી ક્ષેત્રોમાં અભૂતપૂર્વ અવસર પેદા થઇ રહ્યાં છે. અગાઉની સરકારો માત્ર નવથી દસ નવ ઉપજને જ MSP આપતી હતી. આજે અમારી સરકાર ઓછામાં ઓછા 90થી વધારે વન ઉપજોને MSP આપી રહી છે. કયાં 9થી 10 અને કયા 90? અમે 2500થી વધારે વનધન વિકાસ કેન્દ્રોને 37 હજારથી વધારે વનધન સેલ્ફ હેલ્પ ગ્રૂપો સાથે જોડયા છે. જેનાથી આજે અંદાજે સાડા સાત લાખ મિત્રો જોડાઇ ગયા છે. તેમને પણ રોજગાર અને સ્વરોજગાર મળી રહ્યો છે. અમારી સરકાર જંગલની જમીનને લઇને પણ સંવેદનશીલતાથી પગલાં ભરી રહી છે. રાજયોમાં લગભગ 20 લાખ જમીનના પટ્ટા આપીને અમે લાખો આદિવાસી સાથીઓની મોટામાં મોટી ચિંતા દૂર કરી દીધી છે.
ભાઇઓ અને બહેનો,
અમારી સરકાર આદિવાસી યુવાનોને શિક્ષણ અને કૌશલ્ય પર વધારે ભાર આપી રહી છે. એકલવ્ય મોડલ રેસિડેન્શ્યિલ સ્કૂલ આજે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની નવી જયોત જાગૃત કરી રહી છે. આજે મને અહીં 50 એકલવ્ય મોડલ રેસીડેન્શ્યિલ સ્કૂલોનો શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો છે. અમારું લક્ષ્ય દેશમાં આવી લગભગ સાડા સાતસો સ્કૂલ ખોલવાનો છે. જેમાંથી અનેક એકલવ્ય સ્કૂલ પહેલેથી જ શરૂ થઇ ચૂકી છે. સાત વર્ષ પહેલાં દરેક વિદ્યાર્થી પર સરકાર લગભગ 40 હજાર રૂપિયા ખર્ચ કરતી હતી, જે આજે વધીને એક લાખ રૂપિયાથી વધારે થઇ ગયો છે. આથી આદિવાસી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વધારે સુવિદ્યાઓ મળી રહી છે. કેન્દ્ર સરકાર દર વર્ષે લગભગ 30 લાખ આદિવાસી યુવાનોને સ્કોલરશિપ પણ આપે છે. આદિવાસી યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને રિસર્ચ સાથે જોડવા માટે પણ અદ્દભૂત કામગીરી થઇ રહી છે. આઝાદી પછી જયાં માત્ર 18 ટ્રાયબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ હતા ત્યાં સાત વર્ષ જ નવા નવ જેટલા સંસ્થાન સ્થાપિત કરી દેવામાં આવ્યા છે.
સાથીઓ,
આદિવાસી સમાજના બાળકોને સૌથી મોટી સમસ્યા અભ્યાસ દરમિયાન ભાષાની આવતી હતી. હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્થાનિક ભાષામાં જ અભ્યાસ કરાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેનો લાભ પણ આપણા જનજાતિય સમાજના બાળકોને મળશે તે નક્કી છે.
ભાઇઓ અને બહેનો,
જનજાતિય સમાજનો પ્રયાસ, દરેકનો પ્રયાસ જ આઝાદીના અમૃતકાળને બુલંદ ભારતના નિર્માણ માટેની ઊર્જા છે. આદિવાસી સમાજના આત્મ સન્માન માટે, આત્મવવિશ્વાસ માટે, અધિકાર માટે અમે દિવસ-રાત મહેનત કરીશું, આજે જનજાતિય ગૌરવ દિવસ પર આપણે આ સંકલ્પને ફરીવાર દોહરાવીએ છીએ. અને આ જનજાતિય ગૌરવ દિવસ જેવી રીતે આપણે ગાંધીજયંતી મનાવીએ છીએ, જેવી રીતે સરદાર પટેલ જયંતી મનાવીએ છીએ, જેવી રીતે બાબા સાહેબ આંબેડકર જયંતી મનાવીએ છીએ.. એવી જ રીતે ભગવાન બિરસા મુંડાની 15 નવેમ્બરે જયંતી દર વર્ષે જનજાતિય ગૌરવ દિવસના રૂપમાં સમગ્ર દેશમાં મનાવવામાં આવશે.
ફરી એક વાર તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારી સાથે બંને હાથ ઉપર કરીને પૂરી તાકાત સાથે બોલો --
ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
ખૂબ ખૂબ ધન્યવાદ.