ગોવાના ઉર્જાવાન અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી ગોવાના સપૂત શ્રીપાદ નાયકજી, કેન્દ્ર સરકારના મંત્રી પરિષદના મારાં સાથી ડોકટર ભારતી પવારજી ગોવાના તમામ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અન્ય લોક પ્રતિનિધિઓ, તમામ કોરોના વૉરિયર, ભાઈઓ અને બહેનો.
गोंयच्या म्हजा मोगाल भावा बहिणींनो, तुमचे अभिनंदन.
આપ સૌને ગણેશ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અનંતચતુર્દશીના પવિત્ર તહેવારના દિવસે આપણે બપ્પાને વિદાય આપીશું, તમારા હાથમાં અનંત દોરાઓ પણ બાંધવામાં આવશે. અનંત સૂત્ર એટલે જીવનમાં સુખ-સમૃદ્ધિ, લાંબા આયુષ્યના આશીર્વાદ.
મને ખુશી છે કે આ પવિત્ર દિવસ પહેલાં ગોવાના લોકોએ પોતાના હાથ ઉપર, ખભા ઉપર જીવન રક્ષા સૂત્ર એટલે કે રસી લગાવવાનું કામ પૂરૂ કર્યું છે. ગોવામાં દરેક પાત્ર વ્યક્તિને રસીનો એક ડોઝ લાગી ચૂક્યો છે. કોરોના સામેની લડાઈમાં આ ઘણી મોટી વાત છે. આ માટે ગોવાના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન.
સાથીઓ,
ગોવા એક એવું પણ રાજય છે કે જ્યાં ભારતની વિવિધતાની શક્તિનાં દર્શન થાય છે. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ, રહેણી-કરણી, ખાન-પાન, અહીં એક જ જગ્યાએ જોવા મળે છે. અહીં ગણેશોત્સવ પણ મનાવાય છે અને દિવાળી પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે તથા ક્રિસમસ દરમિયાન તો ગોવાની રોનક ઘણી જ બદલાઈ જાય છે. આવુ કરીને ગોવા પોતાની પરંપરાઓનું પાલન કરે છે. એક ભારત- શ્રેષ્ઠ ભારતની ભાવનાને નિરંતર મજબૂત કરતા ગોવાની દરેક ઉપલબ્ધિ માત્ર મને જ નહીં, પણ સમગ્ર દેશને ખુશી પૂરી પાડે છે.
ભાઈઓ અને બહેનો,
આ મહત્વના પ્રસંગે મને મારા મિત્ર અને સાચા કર્મયોગી સ્વ. મનોહર પારિકરજીની યાદ આવે તે સ્વાભાવિક છે. 100 વર્ષના સૌથી મોટા સંકટ સામે ગોવાએ જે પ્રકારે લડાઈ લડી છે, પારિકરજી જો આપણી વચ્ચે હોત તો તેમને તમારી આ સિધ્ધિથી, તમારી આ સિધ્ધિ માટે ખૂબ જ આનંદ થાત.
દુનિયામાં સૌથી મોટુ અને સૌથી ઝડપી રસીકરણ અભિયાન-સૌને રસી, મફત રસી-ની સફળતામાં ગોવા મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. વિતેલા થોડાક મહિનામાં ગોવામાં ભારે વરસાદ, વાવાઝોડું, પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે પણ ગોવાએ બહાદુરીથી લડત આપી છે. આ પ્રાકૃતિક પડકારોની વચ્ચે પણ પ્રમોદ સાવંતજીના નેતૃત્વમાં ઘણી બહાદુરીથી લડત આપવામાં આવી છે. આ કુદરતી ઓફતોની વચ્ચે પણ કોરોના રસીકરણની ગતિ જાળવી રાખવા માટે તમામ કોરોના વોરિયર્સને, આરોગ્ય કર્મચારીઓને અને ટીમ ગોવાના દરેક વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન.
અહીં અનેક સાથીદારોએ પોતાનો અનુભવ મારી સમક્ષ રજૂ કર્યો તેનાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે આ અભિયાન કેટલુ મુશ્કેલ હતું. ઉછળતી નદીઓને પાર કરીને, રસીને સુરક્ષિત રાખીને, દૂર દૂર પહોંચવા માટે કર્તવ્ય ભાવ પણ જોઈએ. સમાજ તરફ ભક્તિ પણ જોઈએ અને અપ્રતિમ સાહસની જરૂર પણ પડે છે. આપ સૌ રોકાયા વગર કે થાક્યા વગર માનવતાની સેવા કરી રહ્યા છો. તમારી આ સેવા હંમેશા હંમેશા યાદ રાખવામાં આવશે.
સાથીઓ,
સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ થી આ તમામ બાબતો કેવા ઉત્તમ પરિણામો આપી શકે છે તે ગોવાની સરકારે, ગોવાના નાગરિકોએ, ગોવાના કોરોના વૉરિયર્સે, ફ્રન્ટલાઈન વર્કર્સે કરી બતાવ્યું છે. સામાજિક અને ભૌગોલિક પડકારો પાર પાડવા માટે જે પ્રકારે ગોવાએ સમન્વય દર્શાવ્યો છે તે ખૂબ જ પ્રશંસનીય છે. પ્રમોદજી તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. રાજ્યના દૂર દૂરના વિસ્તારોમાં રહેતા, કેનાકોના સબ ડિવિઝનના બાકી રાજ્યોની જેમ જ ઝડપથી રસીકરણ થવું એ તેનું ખૂબ મોટું ઉદાહરણ છે.
મને આનંદ છે કે ગોવાએ પોતાની ગતિ ધીમી પડવા દીધી નથી. આ સમયે પણ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે બીજા ડોઝ માટે રાજ્યમાં રસી ઉત્સવ ચાલી રહ્યો છે. આવા ઈમાનદાર, એકનિષ્ઠ પ્રયાસોના કારણે જ સંપૂર્ણ રસીકરણ બાબતે ગોવા દેશનું અગ્રણી રાજ્ય બનવા તરફ આગળ ધપી રહ્યું છે અને એ પણ સારી બાબત છે કે ગોવા માત્ર પોતાની વસતીને જ નહીં, પણ અહીં આવનારા પ્રવાસીઓ, બહારથી આવનારા શ્રમિકોને પણ રસી લગાવી રહ્યું છે.
સાથીઓ,
આજે આ પ્રસંગે હું દેશના તમામ ડોક્ટરો, મેડિકલ સ્ટાફ, વહિવટ સાથે જોડાયેલા લોકોની પણ પ્રશંસા કરવા ઈચ્છું છું. તમારા સૌના પ્રયાસોથી જ ગઈકાલે ભારતમાં એક જ દિવસમાં અઢી કરોડથી વધુ લોકોને રસી આપવાનો વિક્રમ રચવામાં આવ્યો છે. વિશ્વના મોટા મોટા અને સમૃધ્ધ તથા સામર્થ્યવાન માનવામાં આવતા દેશ પણ આ કરી શક્યા નથી. કાલે આપણે કોવિન ડેશબોર્ડ જોઈ રહ્યા હતા કે દેશ કેવી રીતે મટકું માર્યા વગર અને રસીના વધતા જતા આંકડા જોઈને ઉત્સાહ અનુભવી રહ્યો હતો.
ગઈ કાલે દર કલાકે 15 લાખથી વધુ રસીકરણ થયું છે. દરેક મિનિટે 26 હજારથી વધુ લોકોનું રસીકરણ થયું. દર સેકંડે સવા ચારસોથી વધુ લોકોને રસી આપવામાં આવી. દેશના ખૂણે ખૂણે ઉભા કરવામાં આવેલા 1 લાખથી વધુ રસીકરણ કેન્દ્રો ઉપર લોકોએ રસી લગાવડાવી છે. ભારતની પોતાની રસી, રસીકરણ માટે આટલું મોટું નેટવર્ક અને કુશળ માનવબળ એ બધુ ભારતનું સામર્થ્ય દેખાડે છે.
સાથીઓ,
ગઈ કાલની તમારી જે સિધ્ધિ છે તે સમગ્ર વિશ્વમાં માત્ર રસીકરણના આંકડાના આધારે જ નથી, પણ ભારત પાસે કેટલું સામર્થ્ય છે તેની ઓળખ દુનિયાને થવાની છે અને એટલા માટે તેનું ગૌરવ લેવું તે દરેક ભારતીયનું કર્તવ્ય પણ છે અને તે માટે સ્વભાવ પણ હોવો જોઈએ.
સાથીઓ,
હું આજે મારા મનની વાત પણ કહેવા માંગુ છું. જન્મદિવસ તો ઘણાં આવ્યા અને ઘણાં ગયા, પણ હું હંમેશા મનથી આવી બાબતોથી અળગો રહું છું. આવી ચીજોથી હું દૂર રહું છું, પણ મારી આટલી ઉંમરમાં ગઈકાલનો દિવસ મારા માટે ખૂબ જ ભાવુક બનાવી દેનાર હતો. જન્મદિવસ મનાવવાની ઘણી બધી પધ્ધતિઓ હોય છે. લોકો અલગ અલગ પ્રકારે મનાવે પણ છે. જન્મદિવસ મનાવે છે તેથી તે ખોટું કરે છે તેવું માનનારા લોકોમાં હું નથી, પરંતુ આપ સૌના પ્રયાસોના કારણે ગઈકાલનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ બની ગયો હતો.
તબીબી ક્ષેત્રના લોકો કે જે છેલ્લા દોઢ વર્ષથી દિવસ રાત કામ કરી રહ્યા છે. પોતાના જીવની પરવા કર્યા વગર કોરોના સામે લડવામાં દેશવાસીઓની મદદ કરી રહ્યા છે, તેમણે ગઈ કાલે જે રીતે રસીકરણનો વિક્રમ રચી બતાવ્યો છે તે ઘણી મોટી બાબત છે. દરેક વ્યક્તિએ એમાં ઘણો સહયોગ આપ્યો છે. લોકોએ આ સેવાની સાથે પોતાને જોડ્યા છે. આ તેમનો કરૂણાભાવ, કર્તવ્ય ભાવ પણ છે, જેના કારણે રસીના અઢી કરોડ ડોઝ આપી શકાયા.
અને હું માનું છું કે રસીનો દરેક ડોઝ એક જીવ બચાવવામાં મદદ કરે છે. અઢી કરોડથી વધુ લોકોને આટલા ઓછા સમયમાં આટલું મોટું સુરક્ષા કવચ મળ્યું તેનાથી ખૂબ સંતોષ પ્રાપ્ત થાય છે. જન્મ દિવસ આવશે, જશે પણ કાલનો આ દિવસ મારા મનને સ્પર્શી ગયો છે. યાદગાર બની ગયો છે. હું જેટલા ધન્યવાદ આપું તેટલા ઓછા છે. હું હૃદયપૂર્વક દરેક દેશવાસીને નમન કરૂં છું અને તમામ લોકોનો આભાર માનું છું.
ભાઈઓ અને બહેનો,
ભારતનું રસીકરણ અભિયાન માત્ર આરોગ્યનું સુરક્ષા કવચ જ નહીં, પણ એક રીતે કહીએ તો આજીવિકાની સુરક્ષા માટેનું પણ કવચ છે. આપણે જોઈએ છીએ કે પ્રથમ ડોઝ લેવા બાબતે હિમાચલમાં 100 ટકા સિધ્ધિ પ્રાપ્ત થઈ છે. ગોવામાં પણ 100 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. ચંદીગઢ અને લક્ષદીપમાં પણ તમામ પાત્ર વ્યક્તિઓને રસીનો ડોઝ મળી ચૂક્યો છે. સિક્કીમ પણ ખૂબ જલ્દી 100 ટકા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આંદામાન, નિકોબાર, કેરાલા, ઉત્તરાખંડ, દાદરા અને નગર હવેલી પણ હવે ઝાઝા દૂર નથી.
સાથીઓ,
એની ખાસ ચર્ચા થઈ નથી, પણ ભારતે પોતાના રસીકરણ અભિયાનમાં પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા રાજ્યોને ખૂબ જ અગ્રતા આપી છે. શરૂઆતમાં અમે કહ્યું ન હતું, કારણ કે તેની ઉપર પણ રાજનીતિ થવા લાગે છે, પરંતુ એ ખૂબ જરૂરી હતું કે આપણાં પ્રવાસન સ્થળો વહેલામાં વહેલા ખૂલે. હવે ઉત્તરાખંડમાં પણ ચાર ધામ યાત્રા શક્ય બની છે અને આ પ્રયાસોની વચ્ચે ગોવામાં 100 ટકા સિધ્ધિ પ્રાપ્ત થવી તે ખૂબ જ વિશેષ બાબત છે.
પ્રવાસન ક્ષેત્રને પુનર્જીવિત કરવામાં ગોવાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. હોટલ ઉદ્યોગના લોકો હોય, ટેક્સી ડ્રાઈવર હોય, ફેરીવાળા હોય, દુકાનદાર હોય. જ્યારે તમામને રસી લાગી ગઈ હોય ત્યારે પ્રવાસી પણ સુરક્ષાની ભાવના સાથે અહીં આવશે. હવે ગોવા, દુનિયાના ખૂબ ઓછા ગણ્યા ગાંઠ્યા આંતરરાષ્ટ્રીય પ્રવાસન મથકોમાં સામેલ થઈ ચૂક્યું છે, જ્યાં લોકોને રસીની સુરક્ષાનું કવચ પ્રાપ્ત થયું છે.
સાથીઓ,
પ્રવાસનની આગામી સિઝનમાં અહીંયા અગાઉની જેમ જ પ્રવાસન પ્રવૃત્તિ ચાલુ રહે, દેશ અને દુનિયાના પ્રવાસીઓ અહીંયા આનંદ લઈ શકે તેવી આપણાં સૌની ઈચ્છા હોય છે. આવુ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કોરોના સાથે જોડાયેલી સાવચેતીઓ બાબતે પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે. જેટલું ધ્યાન રસીકરણ તરફ આપવામાં આવ્યું છે તેના કારણે સંક્રમણ ઓછું થયું છે. હજુ પણ આપણે વાયરસને ઓછો આંકવો જોઈએ નહીં. સલામતી અને આરોગ્ય બાબતે જ્યાં જેટલુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, પ્રવાસીઓ પણ એટલી જ મોટી સંખ્યામાં અહીં આવશે.
સાથીઓ,
કેન્દ્ર સરકારે પણ હાલમાં વિદેશી પ્રવાસીઓને પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે અનેક પગલાં ભર્યા છે. ભારત આવનારા 5 લાખ પર્યટકોને મફત વિઝા આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. પ્રવાસ અને પ્રવાસન સાથે જોડાયેલા સહયોગીઓને રૂ.10 લાખ સુધીની લોન, 100 ટકા સરકારી ગેરંટી સાથે આપવામાં આવી રહી છે. રજીસ્ટર્ડ ટુરિસ્ટ ગાઈડને પણ રૂપિયા એક લાખ સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર હવે પછી પણ એવા તમામ આવશ્યક પગલાં ભરવા માટે કટિબધ્ધ છે કે જેનાથી પ્રવાસન ક્ષેત્રને ઝડપથી આગળ ધપવામાં સહાય પ્રાપ્ત થાય.
સાથીઓ,
ગોવાના પ્રવાસન ક્ષેત્રને આકર્ષક બનાવવા માટે અહીંના ખેડૂતો, માછીમારો અને અન્ય લોકોની સુવિધા માટે માળખાકીય સુવિધાઓ પણ ડબ એન્જીનની સરકારની ડબલ શક્તિ સાથે મળી રહી છે. ખાસ કરીને કનેક્ટિવીટા સાથે જોડાયેલી માળખાકીય સુવિધાઓ બાબતે ગોવામાં અભૂતપૂર્વ કામ થઈ રહ્યું છે. 'મોપા' માં બની રહેલું ગ્રીનફીલ્ડ એરપોર્ટ હવે પછીના થોડાક મહિનામાં તૈયાર થવાનું છે. આ એરપોર્ટને નેશનલ હાઈવે સાથે જોડવા માટે આશરે રૂ.12 લાખ કરોડના ખર્ચે 6 લેનનો એક આધુનિક કનેક્ટિંગ હાઈવે બનાવવામાં આવી રહ્યો છે. માત્ર નેશનલ હાઈવેના નિર્માણ માટે વિતેલા વર્ષોમાં હજારો કરોડ રૂપિયાનું મૂડી રોકાણ ગોવામાં કરવામાં આવ્યું છે.
એ પણ, ઘણી ખુશીની વાત છે કે નોર્થ ગોવાને સાઉથ ગોવા સાથે જોડવા માટે 'ઝૂરી બ્રીજ' નું લોકાર્પણ પણ હવે પછીના થોડાક મહિનામમાં થવાનું છે. જે રીતે તમે પણ જાણો છો કે આ બ્રીજ પણજીને 'માર્ગો' સાથે જોડે છે. મને કહેવામાં આવ્યું છે કે ગોવા મુક્તિ સંગ્રામની અનોખી ગાથાનું સાક્ષી 'અગૌડા' કિલ્લો પણ ખૂબ જ વહેલી તકે ફરીથી ખોલવામાં આવશે.
ભાઈઓ અને બહેનો,
ગોવાના વિકાસનો જે વારસો મનોહર પારિકરજી છોડીને ગયા છે તેને મારા મિત્ર પ્રમોદજી અને તેમની ટીમ સંપૂર્ણ ધ્યેય સાથે આગળ ધપાવી રહી છે. આઝાદીના અમૃતકાળમાં દેશ જ્યારે આત્મનિર્ભરતાનો નવો સંકલ્પ લઈને આગળ વધી રહ્યો છે ત્યારે ગોવાએ પણ સ્વયંપૂર્ણા ગોવા નો સંકલ્પ લીધો છે. મને જણાવવામાં આવ્યું છે કે આત્મનિર્ભર ભારત, સ્વંયપૂર્ણા ગોવાના આ સંકલ્પ હેઠળ ગોવામાં 50થી વધુ ઘટકોના નિર્માણ બાબતે કામ શરૂ થઈ ચૂક્યું છે. આ બાબત દર્શાવે છે કે ગોવા રાષ્ટ્રીય લક્ષ્યોની પ્રાપ્તિ માટે, યુવકો માટે રોજગારીની નવી તકો પૂરી પાડવા માટે કેટલી ગંભીરતા સાથે કામ કરી રહ્યું છે.
સાથીઓ,
આજે ગોવા માત્ર રસીકરણમાં જ અગ્રણી છે એવું નથી, પરંતુ વિકાસના અનેક માપદંડ બાબતે પણ દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ગોવાનું જે શહેરી અને ગ્રામ્ય ક્ષેત્ર છે તે સંપૂર્ણ રીતે ખૂલ્લામાં શૌચ મુક્ત થઈ રહ્યું છે. વિજળી અને પાણી જેવી પાયાની સુવિધાઓ બાબતે પણ ગોવામાં સારૂં કામ થઈ રહ્યું છે. ગોવા દેશનું એવું રાજ્ય છે કે જ્યાં 100 ટકા વિજળીકરણ થઈ ચૂક્યું છે. દરેક ઘરે નળથી પાણી આપવા બાબતે પણ ગોવાએ કમાલ કરી બતાવી છે. ગોવાના ગ્રામીણ વિસ્તારોમાં પણ દરેક ઘરમાં નળથી જળ પહોંચાડવાનો પ્રયાસ પ્રશંસનિય છે. જળ જીવન મિશન હેઠળ વિતેલા બે વર્ષમાં દેશમાં અત્યાર સુધીમાં આશરે 5 કરોડ પરિવારોને પાઈપથી પાણીની સુવિધા સાથે જોડવામાં આવ્યા છે. જે પ્રકારે ગોવાએ આ અભિયાનને આગળ ધપાવ્યું છે તે 'ગુડ ગવર્નન્સ' અને 'ઈઝ ઓફ લીવીંગ' બાબતે ગોવા સરકારની અગ્રતાઓ પણ સ્પષ્ટ કરે છે.
ભાઈઓ અને બહેનો,
સુશાસન બાબતે આવી કટિબધ્ધતા કોરોના કાળમાં ગોવા સરકાર બતાવી છે. દરેક પ્રકારના પડકારો હોવા છતાં કેન્દ્ર સરકારે પણ ગોવા માટે જે પણ મદદ કરી તેને ઝડપથી, કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેક લાભાર્થી સુધી પહોંચાડવાનું કામ ગોવાની ટીમે કર્યું છે. દરેક ગરીબ, દરેક ખેડૂત, દરેક માછીમાર સાથી સુધી મદદ પહોંચાડવામાં કોઈ કસર રાખવામાં આવી નથી. અનેક મહિનાઓ સુધી ગોવાના ગરીબ પરિવારોને સંપૂર્ણ ઈમાનદારી સાથે મફત રાશન પૂરૂ પાડવામાં આવ્યું છે. મફત ગેસ સિલિન્ડર મળવાના કારણે ગોવાની અનેક બહેનોને મુશ્કેલ સમયમાં સહારો મળ્યો છે.
પીએમ કિસાન સન્માન નિધિમાંથી કરોડો રૂપિયા ગોવાના ખેડૂત પરિવારોના સીધા બેંકના ખાતામાં જમા થયા છે. કોરોના કાળમાં જ અહીંયા નાના ખેડૂતોને મિશન મોડમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે અને એટલું જ નહીં, ગોવાના પશુપાલકો અને માછીમારોને પ્રથમ વખત મોટી સંખ્યામાં કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા મળી છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ પણ ગોવામાં લારી- ફેરી અને ઢેલાના માધ્યમથી વેપારી કરનારા સાથીઓને ઝડપથી લોન આપવાનું કામ ચાલી રહ્યું છે. આવા તમામ પ્રયાસોના કારણે ગોવાના લોકોને પૂર વખતે પણ ઘણી મદદ મળી છે.
ભાઈઓ અને બહેનો,
ગોવા અપાર સંભાવનાઓ ધરાવતો પ્રદેશ છે. ગોવા દેશનું એક રાજ્ય જ નથી, પણ બ્રાન્ડ ઈન્ડીયાની મજબૂત ઓળખ પણ છે. આપણાં સૌની એ જવાબદારી છે કે ગોવાની આ ભૂમિકાને આપણે વિસ્તારીએ. ગોવામાં આજે પણ જે સારૂં કામ થઈ રહ્યું છે તેમાં સાતત્ય જળવાય તે ખૂબ જ આવશ્યક છે. લાંબા સમય પછી ગોવામાં રાજકિય સ્થિરતા અને સુશાસનનો લાભ મળી રહયો છે.
આ પરંપરાને ગોવાના લોકો આવી જ રીતે જાળવી રાખશે તેવી શુભેચ્છા સાથે આપ સૌને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન. પ્રમોદજી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન.
सगल्यांक देव बरें करूं
ધન્યવાદ!