"આ ભારતની ક્ષણ છે"
"21મી સદીના આ દાયકામાં ભારત સમક્ષ જે સમયગાળો છે, તે અભૂતપૂર્વ છે"
"વર્ષ 2023ના પ્રથમ 75 દિવસની સફળતાઓ ઇન્ડિયા મૉમન્ટનું પ્રતિબિંબ છે"
"વિશ્વ ભારતીય સંસ્કૃતિ અને સૉફ્ટ પાવર માટે અભૂતપૂર્વ આકર્ષણ ધરાવે છે"
"જો દેશને આગળ વધવું હોય, તો તેનામાં હંમેશા ગતિશીલતા હોવી જોઈએ અને સાહસિક નિર્ણયો લેવાની શક્તિ હોવી જોઈએ"
"આજે દેશવાસીઓમાં એવો વિશ્વાસ જાગ્યો છે કે સરકાર તેમની કાળજી લે છે"
"અમે શાસનને માનવીય સ્પર્શ આપ્યો છે"
"ભારત આજે જે કંઈ પણ પ્રાપ્ત કરી રહ્યું છે, તે આપણી લોકશાહીની શક્તિ, આપણી સંસ્થાઓની શક્તિને કારણે છે"
"આપણે 'સબ કા પ્રયાસ'થી ભારતની પળને મજબૂત કરવી જોઈએ અને આઝાદી કા અમૃત મહોત્સવમાં વિકસિત ભારતની યાત્રાને સશક્ત બનાવવી જોઈએ”

ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ અને વિદેશમાંથી જે દર્શકો- વાચકો, ડિજિટલ માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, તે સૌને પણ મારા અભિનંદન. મને આ જોઇને ઘણો આનંદ થયો કે આ કોન્ક્લેવની થીમ - ધ ઇન્ડિયા મોમેન્ટ રાખવામાં આવી છે. આજે દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો, બધા જ એવું કહે છે કે ‘ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ’. પરંતુ જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપ આવો આશાવાદ બતાવે છે, ત્યારે તે કંઇક ખાસ બની જાય છે. આમ તો, મેં 20 મહિના પહેલાં જ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. પરંતુ અહીં સુધી પહોંચવામાં 20 મહિના નીકળી ગયા. ત્યારે પણ લાગણી તો એક જ હતી – આ ભારતની ક્ષણ છે.

મિત્રો,

કોઇપણ દેશની વિકાસયાત્રામાં અનેક ચડાવ-ઉતાર આવતા રહે છે, અનેક પડાવ આવતા હોય છે. આજે 21મી સદીના આ દાયકામાં ભારત સમક્ષ જે ‘ટાઇમ પીરિઅડ’ આવ્યો છે તે અભૂતપૂર્વ છે. આજથી થોડા દાયકાઓ પહેલાં જે દેશો આગળ વધ્યા, ઘણા દેશો આગળ વધ્યા, વિકસિત થયા, પરંતુ તેમની સમક્ષ જે સ્થિતિઓ હતી તે ઘણી અલગ હતી. એક રીતે જોઇએ તો, તેઓ પોતાની સામે જ સ્પર્ધા કરી રહ્યા હતા, તેમની સમક્ષ એટલી બધી હરીફાઇ નહોતી. પરંતુ આજે ભારત જે પરિસ્થિતિઓમાં આગળ વધી રહ્યું છે, તે પડકારો ખૂબ જ અલગ પ્રકારના છે, ખૂબ જ વ્યાપક છે, વિવિધતાઓથી ભરેલા છે. આજે ઘણા બધા વૈશ્વિક પડકારો ઉભા છે, હવે 100 વર્ષના સમયગાળામાં આવતી સૌથી મોટી મહામારીને જ જુઓ, સૌથી મોટી કટોકટી છે, બે દેશો વચ્ચે ઘણા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે, આખી દુનિયાની પુરવઠા શ્રૃંખલા અસ્તવ્યસ્ત થઇ ગઇ છે, આવી સ્થિતિમાં આ પૃષ્ઠભૂમિનો વિચાર કરી જુઓ કે, આ પરિસ્થિતિમાં ધ ઇન્ડિયા મોમેન્ટ વિશે વાત કરવી એ કોઇ સામાન્ય બાબત નથી.

આ એક નવો ઇતિહાસ રચાઇ રહ્યો છે જેના આપણે સૌ સાક્ષી છીએ. આજે આખું વિશ્વ ભારત વિશે વિશ્વાસથી ભરેલું છે. આજે ભારત, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે. આજે ભારત આખા વિશ્વમાં નંબર વન સ્માર્ટફોન ડેટા કન્ઝ્યુમર છે. આજે ભારત, વૈશ્વિક ફિનટેક અપનાવવાના દરમાં નંબર વન પર છે. આજે ભારત, સમગ્ર વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ છે. આજે ભારત, વિશ્વમાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ધરાવે છે.

આવી તો અનેક બાબતોની ચર્ચાઓ થતી રહે છે. પરંતુ ચાલો, જૂની વાતો કોઇને જરૂર પડશે તો, તેઓ તેને ખોદી કાઢશે. પરંતુ હું તો અત્યારની જ વાત કરવા માંગું છુ અને તે પણ 2023ની. 2023ના 75 દિવસ વીતી ગયા છે. આજે મારે માત્ર 75 દિવસની જ વાત કરવી છે. આ 75 દિવસમાં દેશનું ઐતિહાસિક ગ્રીન બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ 75 દિવસમાં કર્ણાટકના શિવમોગા ખાતે એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ 75 દિવસમાં જ મુંબઇમાં મેટ્રો રેલનો આગળનો તબક્કો શરૂ થઇ ગયો છે. આ 75 દિવસમાં વિશ્વનું સૌથી લાંબું રીવર ક્રૂઝ આપણા દેશમાં ચાલવા લાગ્યું છે. બેંગ્લોર મૈસુર એક્સપ્રેસ વે શરૂ થયો છે. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનો એક ભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મુંબઇથી, વિશાખાપટ્ટનમથી વંદે ભારત ટ્રેનો દોડવા લાગી છે. IIT ધારવાડના કાયમી સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતે આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 ટાપુઓનું નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી રાખ્યું છે.

મિત્રો,

આ 75 દિવસના સમયની અંદર, ભારતે પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ કરીને E20 ઇંધણ લોન્ચ કર્યું છે. આ 75 દિવસમાં જ તુમકુરુમાં એશિયાની સૌથી મોટી આધુનિક હેલિકોપ્ટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એર ઇન્ડિયાએ વિશ્વનો સૌથી મોટો ઉડ્ડયન ઓર્ડર આપ્યો છે. આ 75 દિવસમાં જ ભારતે ઇ-સંજીવનીના માધ્યમથી 10 કરોડ ટેલિ-કન્સલ્ટેશનની સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ 75 દિવસમાં જ ભારતે 8 કરોડ નવા પાણીના નળના જોડાણો આપવાની સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ 75 દિવસમાં જ ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડમાં રેલ્વે નેટવર્કના 100 ટકા વિદ્યુતીકરણનું કામ પૂરું કરવામાં આવ્યું છે.

મિત્રો,

આ 75 દિવસ દરમિયાન જ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 12 ચિત્તાઓની નવી બેચ લાવવામાં આવી છે. ભારતની મહિલા ટીમે અંડર-19 ક્રિકેટ T-20 વર્લ્ડ કપ જીતી લીધો છે. આ 75 દિવસના સમયમાં જ દેશને બે ઓસ્કાર જીતવાનો આનંદ પ્રાપ્ત થયો છે.

મિત્રો,

આ 75 દિવસમાં, હજારો વિદેશી રાજદ્વારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ G-20 બેઠકોમાં ભાગ લેવા માટે ભારતમાં આવ્યા છે. આ 75 દિવસમાં G-20ની 28 મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે દર ત્રીજા દિવસે એક બેઠક યોજવામાં આવી છે. આ સમય દરમિયાન જ, એનર્જી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, આજે જ ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આપણે જોયું કે બેંગલુરુમાં યોજવામાં આવેલા એરો-ઇન્ડિયામાં ભાગ લેવા માટે 100 કરતાં વધુ દેશો ભારત આવ્યા હતા. સિંગાપોર સાથે UPI લિંકેજનો પ્રારંભ પણ આ 75 દિવસમાં જ કરવામાં આવ્યો છે. આ 75 દિવસમાં ભારતે તુર્કીની મદદ માટે 'ઓપરેશન દોસ્ત' હાથ ધર્યું હતું. થોડા કલાકો પહેલાં જ ભારત-બાંગ્લાદેશ ગેસ પાઇપલાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ 75 દિવસની યાદી એટલી બધી લાંબી છે કે સમય ઓછો પડશે. અને હું 75 દિવસની કેટલીક વાતો એટલા માટે જણાવી રહ્યો છું, કારણ કે આ ઇન્ડિયાઝ મોમેન્ટનું પ્રતિબિંબ છે.

મિત્રો,

આજે એક તરફ દેશ રોડ-રેલ્વે, બંદર-હવાઇમથકો જેવી ભૌતિક માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી રહ્યો છે, તો બીજી તરફ વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને સોફ્ટ પાવર પ્રત્યે અભૂતપૂર્વ આકર્ષણ જોવા મળી રહ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં યોગને લોકપ્રિયતા મળી રહી છે. આજે આયુર્વેદ વિશે લોકોમાં ઉત્સાહ છે, ભારતના ખાણી-પીણી વિશે ઉત્સાહ છે. આજે ભારતીય ફિલ્મો, ભારતીય સંગીત, નવી ઉર્જા સાથે લોકોને તેમના દિવાના બનાવી રહ્યા છે. આપણા જાડા ધાન્ય-શ્રી અન્ન પણ આખી દુનિયામાં પહોંચી રહ્યા છે. ભલે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની વાત હોય કે પછી આપદા પ્રતિરોધરક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સંગઠનની વાત હોય, આજે દુનિયાને એ વાતનો અહેસાસ થઇ રહ્યો છે કે ભારતના વિચારો અને ભારતની ક્ષમતા વૈશ્વિક ભલાઇ માટે જ છે. તેથી જ આજે દુનિયા કહી રહી છે કે – ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ.

અને આપ સૌએ તાજેતરમાં વધુ એક વાતની નોંધ લીધી જ હશે. આ બધાની અસર અનેકગણી છે. હું તમારું ધ્યાન એક નાની વાત તરફ દોરવા માંગું છું. આજકાલ જ્યારે પણ મારે મોટા ભાગના દેશોને મળવાનું થાય છે અથવા તેમણે ભારત આવવાનું થાય છે અથવા ભારતમાંથી કોઇ ત્યાંની મુલાકાતે જાય છે, ત્યારે તમારા ધ્યાનમાં આવ્યું હશે કે દરેક દેશમાં સ્પર્ધા શરૂ થઇ ગઇ છે કે, ભારતમાંથી જે પ્રાચીન મૂર્તિઓ ચોરવામાં આવી હતી, તે મૂર્તિઓ હવે તેઓ આપોઆપ આપણને પાછી આપવા લાગ્યા છે, તેઓ પોતે જ આપણને કહે છે કે, આ લઇ જાઓ. કારણ કે હવે તેમને ખાતરી થઇ ગઇ છે કે તેનું સન્માન કરવું પણ હવે ત્યાં જ શક્ય છે. આ જ તો મોમેન્ટ (સમય) છે.

અને આ બધું આપોઆપ નથી થઇ જતું, મિત્રો. આજની ઇન્ડિયા મોમેન્ટની સૌથી વિશેષ વાત એ છે કે આપણે તેમાં  પ્રોમીસ (વચન)ની સાથે સાથે પરફોર્મન્સ (કામગીરી) પણ જોડાઇ ગયું છે. ઘણા વરિષ્ઠ લોકો અહીં બેઠા છે. તમે 2014 પહેલાંની હેડલાઇન્સ લખી, વાંચી અને રિપોર્ટ કરી છે. અને ત્યારે મારા જેવો કોઇ દુકાન ચલાવનારો નહોતો. પહેલાંના સમયમાં શું હેડલાઇન્સ બનતી હતી? આ ક્ષેત્રમાં આટલા લાખ કરોડનું કૌભાંડ થયું. ભ્રષ્ટાચાર સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આજે શું હેડલાઇન બની રહી છે? ભ્રષ્ટાચારના કેસોમાં કાર્યવાહીના કારણે ભયભીત થયેલા ભ્રષ્ટાચારીઓ એકજૂથ થઇ ગયા અને રસ્તા પર ઉતરી આવ્યા. તમે લોકોએ કૌભાંડોના સમાચાર બતાવીને કેટલી બધી TRP ભેગી કરી છે. હવે તમારી પાસે તક છે, ભ્રષ્ટાચારીઓ સામે થતી કાર્યવાહી બતાવીને TRP વધારો. કોઇના દબાણમાં ન આવશો, સંતુલન રાખવાના ચક્કરમાં આ તક ગુમાવશો નહીં.

મિત્રો,

અગાઉ શહેરોમાં બોમ્બ વિસ્ફોટોની હેડલાઇન્સ બનતી હતી, નક્સલવાદી ઘટનાઓની હેડલાઇન્સ બનતી હતી. આજે શાંતિ અને સમૃદ્ધિના સમાચાર વધુ હોય છે. પહેલાંના સમયમાં પર્યાવરણના નામે મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રોકી દેવાના સમાચાર આવતા હતા. આજે પર્યાવરણને લગતા સકારાત્મક સમાચારોની સાથે સાથે નવા ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વેના નિર્માણના સમાચાર પણ આવે છે. અગાઉના સમયમાં ટ્રેનોના અકસ્માતના દુઃખદ સમાચાર આવે તે સામાન્ય બાબત હતી. આજે આધુનિક ટ્રેનોની શરૂ કરવામાં આવે છે તે સમાચારની હેડલાઇન્સ બને છે. પહેલાંના સમયમાં એર ઇન્ડિયાના કૌભાંડો અને ગરીબીની ચર્ચા થતી હતી. આજે, વિશ્વની સૌથી મોટી એરક્રાફ્ટ ડીલના સમાચાર દુનિયાભરમાં હેડલાઇન્સ બને છે. પ્રોમીસ અને પરફોર્મન્સનું આ જ પરિવર્તન ઇન્ડિયા મોમેન્ટ લઇને આવી છે.

આમ તો મિત્રો, દેશ જ્યારે આત્મવિશ્વાસથી ભરેલો હોય, સંકલ્પથી ભરેલો હોય, ત્યારે વિદેશો પણ, દુનિયાના વિદ્વાનો પણ ભારત વિશે આશાવાદી હોય, આ બધાની વચ્ચે નિરાશાની વાતો, હતાશાની વાતો, ભારતને અપમાનિત કરવાની વાતો, ભારતનું મનોબળ તોડવાની વાતો પણ થતી રહે છે. આપણે બધા જાણીએ જ છીએ કે, જ્યારે પણ કોઇનું કંઇક શુભ થાય ત્યારે કાળું ટીલું કરવાની પરંપરા છે. તો આજે આટલું શુભ થઇ રહ્યું છે, એટલું શુભ થઇ રહ્યું છે કે કેટલાક લોકોએ કાળું ટીલું કરવાની જવાબદારી ઉપાડી લીધી છે અને આ એટલા માટે કરવામાં આવે છે કે જેથી તેને કોઇની નજર ન લાગી જાય.

મિત્રો,

ગુલામીનો કાળખંડ ઘણો લાંબા સમય સુધી ચાલ્યો હોવાથી આપણે ગરીબીનો ઘણો લાંબો સમય જોયો છે. આ સમયગાળો ગમે તેટલો લાંબો હોય, એક વસ્તુ હંમેશા શાશ્વત રહી છે. ભારતના ગરીબો વહેલામાં વહેલી તકે ગરીબીમાંથી બહાર આવવા માંગે છે. આજે પણ તેઓ આખો દિવસ તનતોડ મહેનત કરે છે. તેઓ ઇચ્છે છે કે તેમનું જીવન બદલાય, તેની ભાવિ પેઢીઓનું જીવન બદલાય. તેઓ માત્ર બે ટાણાંનું ખાવાનું મળે ત્યાં સુધી સીમિત રહેવા માંગતા નથી.

છેલ્લા દાયકાઓમાં જે પણ સરકારો રહી છે, તેમણે પણ પોતપોતાની ક્ષમતા અને સમજણ પ્રમાણે પ્રયાસો કર્યા જ છે. તેમણે કરેલા એ પ્રયાસો અનુસાર તે સરકારોને પરિણામ પણ મળ્યા છે. અમે નવા પરિણામો ઇચ્છતા હતા, તેથી અમે અમારી ઝડપ વધારી અને અમારી વ્યાપકતા વધારી. હવેની જેમ કે, અગાઉ પણ શૌચાલય બનાવવામાં આવતા હતા. પરંતુ અમે વિક્રમી ગતિએ 11 કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ કર્યું. દેશમાં પહેલાં પણ બેંકો તો હતી જ અને ગરીબોના નામે બેંકોનું રાષ્ટ્રીયકરણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ અમે.. અને હમણાં અરુણજી જે પ્રકારે વિગતવાર કહી રહ્યા હતા તેમ, અમે ઝડપથી 48 કરોડ લોકોને બેંકિંગ સિસ્ટમમાં જોડી દીધા. ગરીબો માટે ઘરની યોજનાઓ પહેલાના સમયમાં પણ જ હતી. તે યોજનાઓની સ્થિતિ શું હતી તે વિશે તમે લોકો સારી રીતે જાણો છો. અમારી સરકારે પણ તેમાં પણ સંપૂર્ણપણે પરિવર્તન લાવી દીધું. હવે ઘરના પૈસા સીધા તે ગરીબ લોકોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. હવે મકાનો બનાવવાની સમગ્ર પ્રક્રિયા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને અમે માલિક સંચાલિત યોજના અપનાવીને આગળ વધી રહ્યા છીએ. અને જ્યારે માલિક સંચાલિત કામગીરી કરવામાં આવે છે, ત્યારે તેમાં કોઇ કૌભાંડો નથી થતા, તેઓ એક સારું ઘર બનાવવા માંગે છે.

છેલ્લા 9 વર્ષમાં અમે 3 કરોડથી વધુ ઘરનું બાંધકામ કરવામાં આવ્યું છે અને ગરીબોને આપ્યા છે. એટલે કે દુનિયામાં ઘણા દેશો એવા છે કે, આપણે આખો દેશ જ નવો બનાવી રહ્યા હોઇએ એટલા ઘર બાંધ્યા છે. આપણે ત્યાં મોટાભાગે મહિલાઓના નામે મિલકત નથી હોતી. દુકાન ખરીદવામાં આવે, તો પુરુષના નામે. કાર ખરીદવામાં આવે, તો પુરુષના નામે. જમીન પણ પુરુષના નામે ખરીદવામાં આવે છે. પરંતુ અમારી સરકારે જે મકાનો બાંધીને આપ્યા છે અને ગરીબોને સોંપ્યા છે, તેમાંથી લગભગ 2.5 કરોડ મકાનો સંયુક્ત નામે છે, તેમાં મહિલાઓને પણ માલિકીનો અધિકાર છે. હવે તમે જ વિચારો, ગરીબ મહિલાઓને લાગશે કે તેઓ સશક્ત છે તો ઇન્ડિયા મોમેન્ટ આવશે કે નહીં?

દેશમાં એવા ઘણા પરિવર્તનો આવ્યા છે જે ઇન્ડિયા મોમેન્ટ લઇને આવ્યા છે. આમાંના કેટલાક પરિવર્તનોની ચર્ચા મીડિયા દ્વારા પણ કરવામાં આવતી નથી. શું તમે જાણો છો કે, આખી દુનિયાનો એક ખૂબ જ મોટો પડકાર – મિલકતના અધિકારનો પણ છે. વર્લ્ડ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વિશ્વની માત્ર 30 ટકા વસ્તી પાસે જ તેમની મિલકતની કાયદેસર રીતે નોંધણી કરાવેલી છે. એટલે કે, વિશ્વની 70 ટકા વસ્તી પાસે તેમની મિલકતના કાયદાકીય દસ્તાવેજ નથી.

મિલકતનો અધિકાર ન હોવો એ બાબતને, વૈશ્વિક વિકાસ સામે ખૂબ જ મોટો અવરોધ માનવામાં આવે છે. વિશ્વના ઘણા વિકસિત દેશો પણ આ પડકારનો સામનો કરી રહ્યા છે. પરંતુ આજનું ભારત આમાં પણ નેતૃત્વ લઇ રહ્યું છે. છેલ્લા અઢી વર્ષથી ભારતમાં પીએ-સ્વામિત્વ યોજના ચાલી રહી છે. તેમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતના ગામડાઓમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી લેન્ડ મેપિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતના બે લાખ ચોત્રીસ હજાર ગામડાઓમાં ડ્રોન દ્વારા સર્વે પૂરું કરવામાં આવ્યું છે. એક કરોડ બાવીસ લાખ પ્રોપર્ટી કાર્ડ પણ આપી દેવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાનો બીજો પણ એક ફાયદો છે. ગામના લોકોનો એ ડર પણ ઓછો થયો છે કે જો તેઓ ગામની બહાર જશે તો તેમના ઘર કે જમીન પર કોઇ બીજી વ્યક્તિ કબજો કરી જશે.

આવી અનેક મૌન ક્રાંતિ આજે ભારતમાં થઇ રહી છે અને આ જ ઇન્ડિયા મોમેન્ટનો આધાર બની રહી છે. બીજું એક ઉદાહરણ જોઇએ તો,  ખેડૂતોને આપવામાં આવતી મદદ પણ છે. પહેલાંના સમયમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડૂતોની લોન માફીની જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ કરોડો ખેડૂતો પાસે બેંક ખાતા જ નહોતા, તેઓ અન્ય સ્રોતોમાંથી લોન લેતા હતા. તેમને લોન માફીનો કોઇ લાભ મળતો જ નહોતો. અમે આ પરિસ્થિતિ પણ બદલી નાખી છે. પીએમ કિસાન સન્માન નિધિમાંથી અત્યાર સુધીમાં લગભગ અઢી લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે. તેનાથી દેશના તે 11 કરોડ નાના ખેડૂતોને ફાયદો થયો છે, જેમને પહેલા કોઇ પૂછતું પણ ન હતું.

મિત્રો,

કોઇપણ દેશની પ્રગતિમાં નીતિ-નિર્ણયોમાં સ્થગિતતા, યથાસ્થિતિને જાળવી રાખવી તે એક મોટો અવરોધ હોય છે. આપણા દેશમાં પણ જૂની વિચારસરણી અને અભિગમને કારણે, અમુક પરિવારોની મર્યાદાઓને કારણે લાંબા સમય સુધી સ્થગિતતા રહી હતી. જો દેશે આગળ વધવું હોય તો તેની પાસે હંમેશા ગતિશીલતા, સાહસિક નિર્ણય શક્તિ હોવી જોઇએ. દેશે જો આગળ વધવું હોય તો આવિષ્કારને સ્વીકારવાનું સામર્થ્ય હોવું જોઇએ, પ્રગતિશીલ માનસિકતા હોવી જોઇએ. જો દેશે આગળ વધવું હોય, તો તેણે પોતાના દેશવાસીઓના સામર્થ્ય અને પ્રતિભા પર ભરોસો રાખવો જોઇએ. અને આ બધાથી ઉપર, દેશના સંકલ્પો અને સપનાઓ પર દેશની જનતાના આશીર્વાદ હોવા જોઇએ, લક્ષ્યો પ્રાપ્ત કરવામાં લોકોની ભાગીદારી પણ હોવી જોઇએ.

માત્ર સરકાર અને સત્તા દ્વારા જ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો માર્ગ ખૂબ જ મર્યાદિત પરિણામો આપે છે. પરંતુ જ્યારે 130 કરોડ દેશવાસીઓનું સામર્થ્ય એકજૂથ થઇ જાય છે, જ્યારે સબકા પ્રયાસ કામે લાગે છે ત્યારે દેશની સામે કોઇ સમસ્યા ટકી શકતી નથી. આ માટે સરકાર પર દેશની જનતાનો વિશ્વાસ હોવો પણ એટલો જ જરૂરી છે. મને સંતોષ છે કે, આજે દેશવાસીઓમાં એવો વિશ્વાસ જાગ્યો છે કે સરકાર તેમની કાળજી લઇ રહી છે.

તેનું બીજી એક કારણ પણ હું તમને જણાવવા માંગુ છું. અને તે કારણ છે કે ગવર્નન્સમાં માનવીય સ્પર્શ છે, સુશાસનમાં સંવેદનશીલતા છે. અમે ગવર્નન્સને માનવીય સ્પર્શ આપ્યો છે, તેના કારણે જ આટલી મોટી અસર જોવા મળી છે. જેમ કે અત્યારે વાઇબ્રન્ટ વિલેજ યોજના જ જોઇ લો. દાયકાઓ સુધી આપણા સરહદી ગામડાઓને છેલ્લા ગામો માનવામાં આવતા હતા. અમે તેમને વિશ્વાસ અપાવ્યો કે તેઓ દેશના પ્રથમ ગામ છે, અમે ત્યાંના વિકાસને પ્રાથમિકતા આપી. આજે સરકારી અધિકારીઓ અને મંત્રીઓ આ ગામોની મુલાકાત લેવા જાય છે, ત્યાંના લોકોને મળે છે, ત્યાં લાંબો સમય વિતાવે છે.

પૂર્વોત્તરના લોકોને પણ પહેલાંના સમયમાં દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર ખૂબ જ મુશ્કેલ લાગતું હતું. અહીં પણ અમને ગવર્નન્સને માનવીય સ્પર્શ સાથે જોડી દીધું છે. હવે કેન્દ્ર સરકારના મંત્રીઓ.. જેમ કે અરુણજીએ ખૂબ જ વિગતવાર કહ્યું તે પ્રમાણે, નિયમિતપણે પૂર્વોત્તર પ્રદેશની મુલાકાત લઇ રહ્યા છે. અને એ પણ તેઓ રાજ્યના પાટનગરની મુલાકાતે નથી જતા પરંતુ છેક અંદરના ભાગોની મુલાકાત લેવા જાય છે. પૂર્વોત્તરની મુલાકાતની અડધી સદી મેં પણ મારી છે.

મિત્રો,

આ સંવેદનશીલતાના કારણે પૂર્વોત્તરનું અંતર તો ઘટ્યું જ છે, સાથે સાથે ત્યાં શાંતિ સ્થાપવામાં પણ ઘણી મદદ મળી શકી છે. તમારે યુક્રેનની કટોકટી દરમિયાન સરકારની કાર્ય સંસ્કૃતિ પણ યાદ રાખવી જોઇએ. દેશના હજારો પરિવારો ચિંતામાં ડૂબેલા હતા. અમે લગભગ 14 હજાર પરિવારો સાથે જોડાયા, દરેક ઘરમાં સરકારના એક પ્રતિનિધિને મોકલ્યા. એ પરિવારની અંદર, તેમની વચ્ચે જઇને બેઠા, સરકારની વ્યક્તિ તરીકે તેઓ ત્યાં જઇને બેઠા. અમે તેમને મુશ્કેલ સમયમાં વિશ્વાસ અપાવ્યો હતો કે સરકાર તેમની સાથે જ છે. તમે જાણતા જ હશો કે કેટલીકવાર આવી વસ્તુઓને એટલું મહત્વ આપવામાં આવે છે કે, જે કામ કરવામાં આવે છે તેમાં જ અવરોધો આવી જાય છે. અને તેથી અમે સૌથી પહેલાં એ કામ કર્યું કે, પ્રતિનિધિઓને કહ્યું કે જાઓ ભાઇ, તે પરિવારમાં બેસો. તેમની સાથે નિયમિત રીતે વાતચીત કરો. અને તેના કારણે દેશની તમામ જનતાને ખાતરી થઇ ગઇ કે ભાઇ આપણું સંતાન ત્યાં છે તે વાત ઠીક છે, હવે આ સ્થિતિમાં, કાલે આવશે, પરમ દિવસે આવી સ્થિતિનું નિર્માણ થયું છે.

માનવીય સંવેદનાઓથી છલકાતી આવી જ ગવર્નન્સથી ઇન્ડિયા મોમેન્ટને એકધારી ઉર્જા મળતી રહે છે. તમે કલ્પના કરી શકો છો. જો ગવર્નન્સમાં આવો માનવીય સ્પર્શ ન હોત તો આપણે કોરોના સામે આટલી મોટી લડાઇ પણ જીતી શક્યા ન હોત.

મિત્રો,

આજે ભારત જે કંઇ પણ પ્રાપ્ત કરી રહ્યું છે તેની પાછળ આપણી લોકશાહીની તાકાત છે, આપણી સંસ્થાઓની તાકાત છે. દુનિયા આજે જોઇ રહી છે કે ભારતમાં લોકશાહી ઢબે ચૂંટવામાં આવેલી સરકાર નિર્ણાયક નિર્ણયો લઇ રહી છે. અને ભારતે દુનિયાને બતાવી દીધું છે કે લોકશાહી પરિણામો આપી શકે છે. વિતેલા વર્ષોમાં ભારતે અનેક નવી સંસ્થાઓનું નિર્માણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની રચના ભારતના નેતૃત્વમાં કરવામાં આવી હતી. આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંગઠન CDRIની રચના પણ ભારતના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. આજે નીતિ આયોગ ભવિષ્યનો રોડમેપ નક્કી કરવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દેશમાં કોર્પોરેટ ગવર્નન્સને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. GST કાઉન્સિલના કારણે દેશમાં આધુનિક કર પ્રણાલી બની છે.

દુનિયા આજે જોઇ રહી છે કે, ભારતમાં કેવી રીતે વધુને વધુ લોકોની લોકશાહીમાં ભાગીદારી વધી રહી છે. દેશમાં કોરોના વચ્ચે પણ ઘણી ચૂંટણીઓ યોજવામાં આવી હતી, તેનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, આ આપણી સંસ્થાઓની તાકાત છે. વૈશ્વિક સંકટ વચ્ચે આજે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે, બેંકિંગ વ્યવસ્થા મજબૂત છે. આ આપણી સંસ્થાઓની તાકાત છે. અમે દૂર દૂર સુધીના વિસ્તારોમાં કોરોનાની રસી પહોંચાડી છે, 220 કરોડ કરતાં વધુ ડોઝ લગાવ્યા છે, આ આપણી સંસ્થાઓની તાકાત છે. મને લાગે છે કે આપણી લોકશાહી અને આપણી લોકતાંત્રિક સંસ્થાઓની સફળતા જ કેટલાક લોકોને ડંખે છે અને તેના કારણ જ તેના પર હુમલા પણ કરી રહ્યા છે. પરંતુ મને ખાતરી છે કે, આ હુમલાઓ વચ્ચે પણ, ભારત તેના લક્ષ્યો તરફ ઝડપથી આગળ વધશે, પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરશે.

મિત્રો,

ભારતની ભૂમિકા હવે વૈશ્વિક બની રહી છે, ત્યારે ભારતના મીડિયાએ પણ તેની ભૂમિકા વૈશ્વિક બનાવવાની છે. આપણે 'સબકા પ્રયાસ'થી ઇન્ડિયા મોમેન્ટને સશક્ત બનાવવાની છે. આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતની યાત્રાને સશક્ત બનાવવાની છે. હું ફરી એકવાર અરુણજીનો, ઇન્ડિયા ટુડે ગ્રૂપનો આભાર માનું છું કે મને અહીં આવવાની તક આપી, અહીં વાત કરવાની તક આપી, આથી હું તેમનો આભાર માનું છું અને 2024માં આમંત્રણ આપવાની જે હિંમત દાખવી તે બદલ, વિશેષ આભાર માનું છુ.

આપ સૌનો આભાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi