“ભારતે વર્ષના પ્રથમ મહિનાના પ્રથમ અઠવાડિયામાં એના રસીકરણ અભિયાનમાં 150 કરોડ – 1.5 અબજ રસીના ડોઝનું ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે”
“એક વર્ષથી ઓછા ગાળામાં 150 કરોડ ડોઝ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે અને દેશના નવી ઇચ્છાશક્તિનું પ્રતીક છે”
“આયુષ્માન ભારત યોજના વાજબી અને સર્વસમાવેશક હેલ્થકેરની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય માપદંડ બની ગઈ છે”
“પીએમ-જેએવાય અંતર્ગત સમગ્ર દેશમાં હોસ્પિટલોમાં 2 કરોડ 60 લાખ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી છે”

નમસ્કાર!

પશ્ચિમ બંગાળના આદરણીય મુખ્યમંત્રી સુશ્રી મમતાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી મનસુખ માંડવિયાજી, સુભાષ સરકારજી, શાંતનું ઠાકુરજી, જ્હોન બરલાજી, નીતિશ પ્રમાણિકજી, નેતા વિપક્ષ સુવેન્દુ અધિકારીજી, સીએનસીઆઈ, કોલકાતાની ગવર્નીંગ બોડીના સભ્યો, આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા મારા તમામ કર્મઠ સાથીદારો અને અન્ય મહાનુભવો, દેવીઓ અને સજ્જનો!

દેશના નાગરિક સુધી આરોગ્યની ઉત્તમ સુવિધાઓ પહોંચાડવાના રાષ્ટ્રીય સંકલ્પોને મજબૂત કરવા માટે આજે અમે વધુ એક કદમ આગળ ધપાવવામાં આવ્યુ  છે. ચિત્તરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટનું આ બીજુ સંકુલ પશ્ચિમ બંગાળના અનેક નાગરિકો માટે ઘણી મોટી સુવિધા લઈને આવ્યું છે. તેનાથી ખાસ કરીને મધ્યમ વર્ગના એવા પરિવારોને ઘણી રાહત મળશે કે જેમના પોતાના સ્વજનો કેન્સર સામે મુકાબલો કરી રહ્યા છે. કેન્સર સાથે જોડાયેલો ઈલાજ અને તેની સાથે જોડાયેલી શસ્ત્રક્રિયા અને થેરાપી હવે કોલકાતાના આ આધુનિક હોસ્પિટલને કારણે પણ વધુ સુલભ બનશે.

સાથીઓ,

દેશે આજે જ એક મહત્વનો મુકામ પાર કર્યો છે. આ વર્ષની શરૂઆત દેશમાં 15થી 18 વર્ષની વયના બાળકોને રસીકરણની શરૂઆતથી  કરવામાં આવી હતી,  આજે વર્ષના પહેલા મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારત 150 કરોડ- 1.5 બિલિયન રસીના ડોઝનો ઐતિહાસિક આંકડો પાર કરી ચૂક્યો છે. 150 કરોડ વેક્સિન ડોઝ અને તે પણ એક વર્ષ કરતાં ઓછા સમયમાં, આંકડાની દ્રષ્ટિએ પણ આ ખૂબ મોટી સંખ્યા છે. દુનિયાના મોટા ભાગના અને મોટા મોટા દેશ માટે પણ આ સ્થિતિ આશ્ચર્યથી ઓછી નથી, અને ભારત માટે પણ તે 130 કરોડ દેશવાસીઓના સામર્થ્યનું પ્રતિક છે. ભારત માટે તે એક નવી ઈચ્છાશક્તિનું પ્રતિક છે કે જે અસંભવને શક્ય બનાવવા માટે, જે કશું પણ કરી શકવાનો ઉત્સાહ ધરાવે છે તેવા ભારત માટે તે આત્મવિશ્વાસનું પ્રતિક છે, તે આત્મનિર્ભરતાનું પ્રતિક છે અને તે આત્મગૌરવનું પણ પ્રતિક છે. હું આજે આ પ્રસંગે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

કોરોના વિરૂધ્ધની લડાઈમાં આપણો આ રસીકરણ પ્રોગ્રામ એટલો જ મહત્વનો છે કે જેટલો આ ખતરનાક વેશ બદલનારો કોરોના વાયરસ છે. આજે ફરી એક વખત દુનિયા કોરોનાના નવા ઓમિક્રોન વાયરસનો સામનો કરી રહી છે. આપણાં દેશમાં પણ આ નવા વેરિયન્ટને કારણે કેસ ઝડપથી વધતા જઈ રહ્યા છે. એટલા માટે 150 કરોડ રસીના ડોઝનું આ સુરક્ષા કવચ આપણાં માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. આજે ભારતની પુખ્તવયની વસતિમાંથી 90 ટકા કરતાં વધુ લોકોને રસીનો એક ડોઝ લાગી ચૂક્યો છે. માત્ર પાંચ દિવસની અંદર જ દોઢ કરોડ કરતાં વધુ બાળકોને પણ રસીનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આ સિધ્ધિ સમગ્ર દેશની છે, આ સરકારની છે. આ સિધ્ધિ માટે હું ખાસ કરીને દેશના વૈજ્ઞાનિકોનો, રસીના ઉત્પાદકોનો, આપણાં આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા સાથીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આપણા બધાંના પ્રયાસોથી જ દેશ આ સંકલ્પની શિખર સુધી પહોંચી શકયો છે, જેની શરૂઆત આપણે શૂન્યથી કરી હતી.

સાથીઓ,

100 વર્ષની સૌથી મોટી મહામારીનો મુકાબલો કરવાના સૌના પ્રયાસની આ ભાવના જ દેશને મજબૂતી પૂરી પાડી રહી છે. કોવિડ સામે લડવા માટે પાયાની અને મહત્વની માળખાકીય સુવિધાઓથી માંડીને દુનિયાના સૌથી મોટા, સૌથી ઝડપી, મફત રસીકરણ અભિયાન સુધીની આ તાકાત આજે ચારે તરફ દેખાઈ રહી છે. આટલા બધા ભૌગોલિક, આર્થિક અને સામાજીક વૈવિધ્ય ધરાવતા આપણાં દેશમાં ટેસ્ટીંગથી માંડીને રસીકરણની આટલી મોટી માળખાકીય સુવિધાઓ આપણે વિકસીત કરી છે તે સમગ્ર દુનિયા માટે પણ એક ઉદાહરણ બની રહી છે.

સાથીઓ,

અંધારૂં ગમે તેટલુ ગાઢું હોય, પ્રકાશનું મહત્વ તેના કરતાં વધુ હોય છે, પડકારો ગમે તેટલા મોટા હોય, ઉત્સાહ તેટલો જ મહત્વનો બની રહે છે. અને લડત ગમે તેટલી કઠિન હોય, શસ્ત્રો એટલા જ જરૂરી બની રહે છે. સરકાર તરફથી અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળને કોરોનાની રસીના આશરે 11 કરોડ ડોઝ મફત આપવામાં આવી ચૂક્યા છે. બંગાળને દોઢ હજારથી વધુ વેન્ટીલેટર, 9 હજારથી વધુ ઓક્સિજન સિલિન્ડર પણ આપવામાં આવ્યા છે. 49 નવા પીએસએ ઓક્સિજન પ્લાન્ટ પણ કામ કરતા થઈ ગયા છે. આ બધુ કોરોના સામેની લડતમાં પશ્ચિમ બંગાળના લોકોને મદદરૂપ થશે.

સાથીઓ,

ચિત્તરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટની સંકુલમાં ઉભી કરાયેલી દેશબંધુ ચિત્તરંજન દાસજી અને મહર્ષિ સુશ્રુતની પ્રતિમાઓ તો આપણાં સૌ માટે પણ ખૂબ જ પ્રેરણારૂપ છે. દેશબંધુજી કહેતા હતા કે આ દેશમાં હું વારંવાર જન્મ લેવા માંગુ છું, કે જેથી હું દેશ માટે જીવી શકું અને તેના માટે કામ કરી શકું.

મહર્ષિ સુશ્રુત આરોગ્યના ક્ષેત્રે પૌરાણિક ભારતીય જ્ઞાનનું પ્રતિબિંબ છે. આવી જ પ્રેરણાઓ સાથે વિતેલા વર્ષોમાં આપણે દેશવાસીઓના આરોગ્ય સાથે જોડાયેલા સંપૂર્ણ ઉપાયો માટે સમગ્રલક્ષી પધ્ધતિથી કામ કરી રહ્યા છીએ. સબ કા પ્રયાસની ભાવનાથી આજે દેશ આરોગ્યની માળખાકીય સુવિધાઓને, આરોગ્યના આયોજનને સુસંકલિત કરવાના, રાષ્ટ્રીય સંકલ્પો સાથે જોડવાનું કામ ઝડપથી આગળ ધપાવી રહ્યા છીએ. આરોગ્ય ક્ષેત્ર સામે આજે જે પડકારો પડેલા છે તેને પાર પાડવાની સાથે સાથે ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે પણ આપણે સતત કામમાં જોડાયેલા રહીએ છીએ. જે કારણથી બીમારીઓનું કારણ બને છે  તેવી સ્થિતિને દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીમાર થવાની સ્થિતિ આવી પડે ત્યારે  સસ્તો ઈલાજ સુલભ બને તે માટે અમારી સરકાર ધ્યાન આપી રહી છે અને સાથે સાથે ડોક્ટર અને તબીબી માળખાકીય સુવિધાઓની ક્ષમતાનું વિસ્તરણ કરીને આરોગ્ય સેવાઓને બહેતર બનાવવામાં આવી રહ્યુ છે.

સાથીઓ,

આ હેતુથી આપણાં આરોગ્ય ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે દેશ આજે પ્રિવેન્ટિવ હેલ્થ, પોસાય તેવી સારવાર અને પૂરવઠાલક્ષી પ્રયાસો અને મિશન મોડમાં અભિયાનોને ગતિ પૂરી પાડી રહ્યો છે. પ્રિવેન્ટિવ હેલ્થ કેરને યોગ, આયુર્વેદ, ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ, સાર્વત્રિક રસીકરણ જેવા માધ્યમોથી પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન અને ઘેર ઘેર પાણીની સગવડ માટેની રાષ્ટ્રીય યોજનાઓ દ્વારા ગામડાં અને ગરીબ પરિવારોને અનેક રોગમાંથી બચાવવામાં સહાય મળી રહી છે. આર્સેનિક અને અન્ય કારણોથી જે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે તે અનેક રાજ્યમાં કેન્સરનું એક મોટું કારણ છે. ઘેર ઘેર પાણીના અભિયાન દ્વારા આ સમસ્યાના ઉપાયમાં ખૂબ જ મદદ મળી રહી છે.

સાથીઓ,

લાંબા સમય સુધી આપણે ત્યાં ગરીબ અને નીચલો મધ્યમ વર્ગ આરોગ્ય સુવિધાઓથી એટલા માટે વંચિત રહી ગયો હતો, કારણ કે કાં તો ઈલાજ સુલભ  ન હતો અથવા તો મોંઘો હતો. જો ગરીબ  વ્યક્તિ બીમારીગ્રસ્ત બને તો તેની પાસે બે જ વિકલ્પ રહે છે- કાં તો તે દેવુ કરે અથવા તો પોતાનું ઘર કે જમીન વેચે, અથવા ઈલાજ કરવાનો વિચાર જ ટાળી દે. કેન્સરની બીમારી એ એક એવી બીમારી છે કે જેનું નામ સાંભળતા જ ગરીબ અને મધ્યમવર્ગના લોકો હિંમત હારવા માંડે છે. ગરીબોને આ કુચક્ર, આ ચિંતામાંથી બહાર લાવવા માટે દેશ સસ્તા અને સુલભ ઈલાજ માટે સતત કદમ ઉઠાવી રહ્યો છે. વિતેલા વર્ષોમાં કેન્સરની સારવાર માટે જરૂરી દવાઓની કિંમત ઘણી ઘટાડવામાં આવી છે. હમણાં મનસુખભાઈ આ વાત વિસ્તારપૂર્વક કરી રહ્યા હતા. પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર દેશમાં 8 હજારથી વધુ જનૌષધિ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ખૂબ જ ઓછી કિંમતે દવાઓ અને સર્જીકલ સામાન આપવામાં આવી રહ્યો છે. આ સ્ટોર્સમાં કેન્સરની પણ 50 થી વધુ દવાઓ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. કેન્સરની દવાઓ સસ્તી મળી રહે તે માટે દેશમાં ખાસ અમૃત સ્ટોર પણ ચાલી રહ્યા છે. સરકાર આવા જ સેવા ભાવ સાથે, આવી જ સંવેદનશીલતા સાથે ગરીબોને સસ્તો ઈલાજ પૂરો પાડવામાં મદદ કરી રહી છે. સરકારે 500થી વધુ દવાઓની કિંમતો નિયંત્રિત કરી છે, જેનાથી દર્દીઓને દર વર્ષે રૂ.3 હજાર કરોડથી વધુ રકમની બચત થઈ રહી છે. નાગરિકોના પૈસા બચી રહ્યા છે. કોરોનરી સ્ટેન્ટસની કિંમત ફીક્સ કરવાના કારણે હૃદયના દર્દીઓના દર વર્ષે રૂ.4500 કરોડથી વધુ બચી રહ્યા છે. સરકારે ની-ઈમ્પલાન્ટની કિંમત ઓછી કરવાનો જે નિર્ણય કર્યો તેનો વિશેષ લાભ આપણાં વરિષ્ઠ નાગરિકો, આપણી બુઝુર્ગ માતાઓ, બહેનો અને પુરૂષોને થયો છે. આ કારણે વૃધ્ધ દર્દીઓના રૂ.1500 કરોડ દર વર્ષે બચી રહ્યા છે. સરકાર જે પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસીસ પ્રોગ્રામ ચલાવી રહી છે તેની મદદથી 12 લાખ ગરીબ દર્દીઓને મફત ડાયાલિસીસની સુવિધા પણ મળી છે. તેના કારણે તેમને રૂ.520 કરોડથી વધુ રકમની બચત થઈ છે.

સાથીઓ,

આયુષમાન ભારત યોજના આજે પોસાય તેવી અને સમાવેશી આરોગ્યલક્ષી સુવિધાઓ બાબતે એક વૈશ્વિક સિમાચિહ્ન સ્થાપિત થઈ ચૂકી છે. પીએમ જેએવાય હેઠળ સમગ્ર દેશમાં  2 કરોડ 60 લાખથી વધુ દર્દી હોસ્પિટલોમાં પોતાનો મફત ઈલાજ કરાવી ચૂક્યા છે. જો આ યોજના ના હોત તો એક અંદાજ મુજબ દર્દીઓએ પોતાના ઈલાજ માટે રૂ.50 થી 60 કરોડનો ખર્ચ કરવો પડ્યો હોત.

 

સાથીઓ,

આયુષમાન ભારત યોજનાનો લાભ 17 લાખ કરતાં વધુ કેન્સરના દર્દીઓને પણ મળ્યો છે. કીમો થેરાપી હોય કે પછી રેડિયો થેરાપી કે પછી સર્જરી હોય, આ દર્દીઓને હોસ્પિટલમાં દરેક સુવિધા મફત મળી રહી છે. કલ્પના કરો કે સરકારે આ પ્રયાસો કર્યા ના હોત તો કેટલા ગરીબોનું જીવન સંકટમાં આવી ગયું હોત અથવા તો કેટલા પરિવાર દેવાના કુચક્રમાં ફસાઈ ગયા હોત.

સાથીઓ,

આયુષમાન ભારત યોજના માત્ર મફત ઈલાજનું માધ્યમ નથી, પણ રોગના વહેલા નિદાન અને વહેલી સારવારમાં પણ ખૂબ જ ઉપયોગી થઈ રહ્યું છે. તેમાં પણ કેન્સર જેવી તમામ ગંભીર બીમારીઓ માટે તે ખૂબ જ આવશ્યક છે. આ સગવડ ના હોત તો આપણે ત્યાં મોટાભાગના લોકોને કેન્સરની જાણકારી છેલ્લા તબક્કામાં જ થાત. જ્યારે બીમારી બેઈલાજ બની જાય છે ત્યારે તેને દૂર કરવા માટે 30 વર્ષથી વધુ વય ધરાવતા સાથીઓમાં ડાયાબિટીસ, હાયપર ટેન્શન અને કેન્સરના સ્ક્રિનીંગ ઉપર ભાર મૂકવામાં આવે છે. આયુષમાન ભારત યોજના હેઠળ ગામે ગામ બની રહેલા હજારો આરોગ્ય કેન્દ્રો ખૂબ જ ઉપયોગી પૂરવાર થઈ રહ્યા છે. બંગાળમાં પણ આવા પાંચ હજારથી વધુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં આશરે 15 કરોડ લોકોને મોંઢાના, બ્રેસ્ટ અને સર્વાઈકલ કેન્સર માટે સ્ક્રિનીંગ કરવામાં આવી ચૂક્યું છે. સ્ક્રિનીંગ પછી જે લોકોમાં લક્ષણો દેખાય છે તેની સારવાર માટે ગામડાંના સ્તરે જ હજારો આરોગ્યકર્મીઓને વિશેષ પ્રકારે તાલિમ આપવામાં આવી રહી છે.

સાથીઓ,

આપણાં આરોગ્ય ક્ષેત્રની વધુ એક મોટી સમસ્યા એ રહી છે કે માંગ અને પૂરવઠા વચ્ચે ખૂબ મોટું અંતર છે. ડોક્ટર અને અન્ય હેલ્થ પ્રોફેશનલ હોય કે પછી આરોગ્યલક્ષી માળખાકીય સુવિધા હોય, માંગ અને પૂરવઠા વચ્ચેની આ ઊણપ ભરવા માટે દેશમાં આજે મિશન મોડમાં કામ ચાલી રહ્યું છે. વર્ષ 2014 સુધીમાં દેશમાં અન્ડર ગ્રેજ્યુએટસ અને પોસ્ટ ગ્રેજ્યુએટસ બેઠકોની સંખ્યા 90 હજારની આસપાસ હતી, વિતેલા 7 વર્ષમાં એમાં નવી 60 હજાર બેઠકો ઉમેરવામાં આવી છે. વર્ષ 2014માં આપણે ત્યાં માત્ર 9 એમ્સ હતા. આજે સમગ્ર દેશ 22 એમ્સના સશક્ત નેટવર્ક તરફ આગળ વધી રહ્યો છે. ભારતના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ ચોક્કસપણે હોય તે માટે પણ કામ ચાલી રહ્યું છે. આ તમામ સંસ્થાઓમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓના ઈલાજ માટેની સુવિધાઓ જોડવામાં આવી છે. દેશમાં કેન્સરની સારવારની માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા માટે 19 સ્ટેટ કેન્સર ઈન્સ્ટીટ્યુટ અને 20 ટર્શિયરી કેર સેન્ટર સ્થાપવાનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. 30 વધુ સંસ્થાઓ માટે ઝડપભેર કામ ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ કોલકાતા, મુર્શિદાબાદ અને વર્ધમાનની મેડિકલ કોલેજોમાં હવે કેન્સરના દર્દીઓનો ઈલાજ ખૂબ આસાનીથી થઈ શકશે. આપણાં આરોગ્ય મંત્રી મનસુખભાઈએ આ બાબતે વિસ્તારપૂર્વક વાત કરી છે. આ તમામ પ્રયાસોની અસર આપણાં દેશમાં ડોક્ટરોની ઉપલબ્ધિ પર પડશે. દેશમાં વિતેલા 70 વર્ષમાં જેટલા ડોક્ટર બન્યા છે, તેટલા જ ડોક્ટર હવે પછીના 10 વર્ષમાં તૈયાર થઈ જશે.

સાથીઓ,

વિતેલા વર્ષમાં દેશમાં બે મોટા રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવ્યા છે તે પણ ભારતના આરોગ્ય ક્ષેત્રને આધુનિક સ્વરૂપ આપવા માટે ખૂબ જ મદદગાર બનશે. આયુષમાન ભારત- ડિજિટલ હેલ્થ મિશન દેશવાસીઓ માટે ઈલાજ સુલભ બનાવવામાં સહાયક બનશે. મેડિકલ હિસ્ટ્રીના ડિજિટલ રેકોર્ડથી ઈલાજ આસાન અને અસરકારક બનશે. નાની બીમારીઓ માટે હોસ્પિટલના ચક્કર કાપવાની ઝંઝટ ઓછી થશે અને સારવાર પાછળ થતા વધારાના ખર્ચમાં પણ નાગરિકોને મુક્તિ મળી શકશે. એવી જ રીતે આયુષમાન ભારત- ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર મિશનથી ક્રિટીકલ હેલ્થ કેર સાથે જોડાયેલી માળખાકીય સુવિધાઓ મોટા શહેરોની સાથે સાથે હવે જિલ્લા અને તાલુકા સ્તરે પણ સુલભ બનશે. આ યોજના હેઠળ પશ્ચિમ બંગાળને પણ પાંચ વર્ષમાં અઢી હજાર કરોડ રૂપિયા કરતાં વધુ મદદ મળવાનું નિશ્ચિત થયું છે, જેનાથી સમગ્ર  રાજ્યમાં સેંકડો હેલ્થ સબ સેન્ટર્સ બનશે. લગભગ 1 હજાર શહેરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત થશે. ડઝનબંધ જિલ્લા ઈન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીઝ બનશે અને જિલ્લા હોસ્પિટલોમાં સેંકડો ક્રિટીકલ કેર પથારીઓની નવી ક્ષમતા તૈયાર થશે. આવા પ્રયાસોના કારણે આપણે ભવિષ્યમાં કોરોના જેવી મહામારી સામે બહેતર રીતે કામ પાર પાડી શકીશું. ભારતને સ્વસ્થ અને સમર્થ બનાવવાનું આવું જ અભિયાન ચાલુ રહેશે. તમામ નાગરિકોને મારો ફરી એકવાર આગ્રહ છે કે તે સતર્ક રહે, તમામ જરૂરી સાવધાનીઓનું પાલન કરે. હું ફરી એકવાર આ કાર્યક્રમમાં સામેલ થયેલા દરેકનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi