કોઈ એક પ્રોજેકટની શરૂઆત થવાથી બિઝનેસમાં સરળતા વધે અને સાથે–સાથે જીવન જીવવામાં પણ સરળતા વધે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હમણાં મને જે ચાર-પાંચ ભાઈ-બહેનો સાથે વાત કરવાની તક મળી અને તે પોતાના અનુભવનું જે રીતે વર્ણન કરતા હતા, પછી ભલેને તે તીર્થ યાત્રાની કલ્પના હોય કે પછી વાહનો દ્વારા ઓછામાં ઓછુ નુકસાન થવાની ચર્ચા હોય, સમય બચાવવાની ચર્ચા હોય કે પછી ખેતીમાં જે ઉત્પાદન મળે છે તેને નુકસાન થતું અટકાવવાની વાત હોય, તાજા ફળ અને શાકભાજી સુરત જેવા બજાર સુધી પહોંચાડવા માટેનો આટલો ઉત્તમ ઉપાય હોય અને એક પ્રકારે કહીએ તો આ યોજનાનાં જેટલાં પાસાં છે તેને અમારી સામે રજૂ કર્યાં અને તેને કારણે વેપાર માટે જે સુવિધાઓમાં વધારો થવાનો છે, ઝડપમાં જે વધારો થવાનો છે મને લાગે છે કે આ બધા કારણોથી ખુબ જ ખુશીનુ વાતાવરણ છે. વેપારી હોય કે વ્યવસાયી, શ્રમિક હોય કે ખેડૂત, સૌ કોઈને આ બહેતર કનેક્ટીવિટીનો લાભ થવાનો છે. જ્યારે પોતાના લોકો સાથેનું અંતર ઓછુ થાય છે, ત્યારે મનને પણ ખૂબ સંતોષ મળતો હોય છે.
એક રીતે કહીએ તો આજે ગુજરાતના લોકોને દિવાળીના તહેવારનો ખૂબ મોટો ઉપહાર પણ મળી રહ્યો છે. ખુશીના આ અવસર ઉપરથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, કેન્દ્ર સરકારમાં મારા મંત્રી મંડળના સાથી ભાઈ શ્રી મનસુખભાઈ માંડવિયાજી, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને સંસદમાં મારા સાથીદાર શ્રી સી. આર પાટીલજી, ગુજરાત સરકારના મંત્રીમંડળના તમામ સભ્યો, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ લોકો, પ્રતિનિધિઓ અને અલગ–અલગ સ્થળોએથી મોટી સંખ્યામાં એકત્ર થયેલા મારા ભાઈઓ અને બહેનો. આજે ઘોઘા અને હજીરાની વચ્ચે રો-પેક્સ સેવા શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, બંને વિસ્તારોના લોકોનું વર્ષોનું સપનું સાકાર થયું છે. વર્ષોની પ્રતિક્ષા પૂરી થઈ છે. હજીરામાં આજે નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભાવનગર અને સુરતની વચ્ચે સ્થાપિત થયેલા આ નવા સમુદ્રી સંપર્ક માટે હું આપ સૌને ખૂબ–ખૂબ અભિનંદન પાઠવું છું. અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ, આ સેવાના કારણે ઘોઘા અને હજીરા વચ્ચે હાલમાં સડક માર્ગે જે પોણા ચારસો કી.મી.નું અંતર છે તે સમુદ્ર માર્ગે માત્ર 90 કી.મી.નું થઈ જશે. આનો અર્થ એ થાય કે જે અંતર પાર કરવા માટે 10 થી 12 કલાકનો સમય લાગતો હતો તે અંતર હવે માત્ર 3 થી 4 કલાકમાં કાપી શકાશે. તેના કારણે સમય તો બચશે જ, પણ સાથે–સાથે તમારો ખર્ચ પણ ઓછો થશે. આ ઉપરાંત સડકો ઉપર જે ટ્રાફિક જામ થતો હતો તે ઓછો થશે, પ્રદુષણ ઓછુ કરવામાં પણ મદદ મળશે. જે રીતે અહીંયા હમણાં કહેવામાં આવ્યું તે રીતે એક વર્ષમાં આ આંકડા ખૂબ ઘણાં મોટા આંકડા છે. એક વર્ષમાં 80,000 પ્રવાસીઓ એટલે કે 80,000 પ્રવાસી ગાડીઓ, કાર, લગભગ 30,000 ટ્રક આ નવી સેવાનો લાભ લઈ શકશે. તમે વિચાર કરો કે કેટલા બધા પેટ્રોલ અને ડિઝલની બચત થવાની છે.
સાથીઓ, સૌથી મોટી વાત એ છે કે ગુજરાતના એક વેપારી મથકની સાથે સૌરાષ્ટ્રની આ કનેક્ટીવિટી જીવનના આ વિસ્તારમાં પરિવર્તન લાવવાની બની રહેશે. હવે સુરતના ખેડૂતો અને પશુપાલકોને ફળ, શાકભાજી અને દૂધ સુરત મોકલવામાં આસાની થશે. અગાઉ સડક માર્ગે શાકભાજી અને દૂધ જેવી ચીજો આટલો લાંબો સમય લાગતો હોવાના કારણે અને ટ્રકની અંદર ઉછળવાને કારણે ખાસ કરીને ફળ અને શાકભાજીને ઘણું નુકસાન થતું હતુ તે બધુ બંધ થઈ જશે. હવે સમુદ્ર માર્ગે પશુપાલક અને ખેડૂતોની ઉપજ વધુ ઝડપથી અને વધુ સુરક્ષિત રીતે બજાર સુધી પહોંચી શકશે. આ રીતે સુરત સાથે વેપાર ધંધો કરનારા સાથીઓ અને શ્રમિકો માટે આવવા તથા જવાનું પરિવહન પણ ખૂબ આસાન બનશે અને સસ્તુ પણ પડશે.
સાથીઓ, ગુજરાતમાં રો–પેક્સ ફેરી સેવા જેવી સુવિધાઓનો વિકાસ કરવામાં ઘણાં લોકોએ મહેનત કરી છે. આ કામ એટલી આસાનીથી થયું નથી. આ કામગીરીમાં અનેક મુસીબતો આવી છે. માર્ગમાં ઘણાં પડકારો નડ્યા છે. આ પ્રોજેકટ સાથે ઘણાં સમય પહેલાંથી હું તેની સાથે જોડાયેલો છું અને તેના કારણે મને તેની સમસ્યાઓ બાબતે ઘણી માહિતી છે. કેવી કેવી મુસીબતોમાંથી રસ્તો કાઢવો પડતો હતો, ક્યારેક તો એવું પણ લાગતું હતું કે આ કામ કરી શકીશું કે નહીં કરી શકાય. કારણ કે અમારા લોકો માટે તો આ નવો અનુભવ હતો. ગુજરાતમાં તો મેં અન્ય તમામ બાબતો જોઈ છે અને એટલા માટે આ યોજના અંગે જેમણે મહેનત કરી છે તે તમામ લોકો અભિનંદનને પાત્ર છે. આ તમામ ઈજનેરોનો, શ્રમિકોનો હું આજે વિશેષ આભાર વ્યક્ત કરૂં છું. આ લોકો જે હિંમત સાથે ટકી રહયા હતા અને આજે આ સપનું સાકાર કરીને બતાવ્યું છે. તેમનો આ પરિશ્રમ, તેમની આ હિંમત લાખો ગુજરાતીઓ માટે નવી સુવિધા લઈને આવી છે, નવી તક લઈને આવી છે.
સાથીઓ, ગુજરાત પાસે સમુદ્રી વેપાર વ્યવસાયનો એક સમૃધ્ધ વારસો પડેલો છે. હજુ હમણાં મનસુખભાઈ હજારો સેંકડો વર્ષોના વારસાની વાત કરી રહ્યા હતા કે કેવી રીતે આપણે સમુદ્રી વેપાર સાથે જોડાયેલા છીએ. ગુજરાતમાં જે રીતે વિતેલા બે દાયકા દરમિયાન તમે સમુદ્રી સામર્થ્યને સમજીને પોર્ટ ડેવલપમેન્ટને અગ્રતા આપી છે તે દરેક ગુજરાત માટે ગૌરવનો વિષય છે. આ ગાળા દરમિયાન ગુજરાતના સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અને વિકાસની અન્ય યોજનાઓ તરફ પણ વિશેષ ધ્યાન આપવામા આવ્યું છે. રાજ્યમાં શીપ બિલ્ડીંગની પોલિસી બનાવવાની હોય કે શીપ બિલ્ડીંગ પાર્ક બનાવવાનો હોય અથવા તો વિશેષ ટર્મિનલનું નિર્માણ કરવાનું હોય, દરેક માળખાગત સુવિધાને અગ્રતા આપવામાં આવી છે. જે રીતે દહેજમાં સોલીડ કાર્ગો, કેમિકલ અને એલએનજી ટર્મિનલ તથા મુંદ્રામાં કોલસા માટે ટર્મિનલ. તેની સાથે–સાથે જહાજ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અને નવતર પ્રકારની કનેક્ટીવિટીની યોજનાઓને પણ અમે સંપૂર્ણપણે પ્રોત્સાહન પૂરૂં પાડ્યું છે. આવા પ્રયાસોના કારણે ગુજરાતના પોર્ટ સેક્ટરને એક નવી દિશા પ્રાપ્ત થઈ છે.
સાથીઓ, માત્ર બંદરો ઉપર ભૌતિક માળખાગત સુવિધાઓનું નિર્માણ જ નહીં, પણ તે બંદરોની આસપાસ રહેનારા સાથીઓનું જીવન આસાન બની રહે તેના માટે પણ કામ કરવામાં આવ્યું છે. સાગરકાંઠાનું સમગ્ર વ્યવસ્થા તંત્ર આધુનિક હોય તે બાબત ઉપર પણ અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સાગર ખેડુ જેવી અમારી મિશન મોડ ધરાવતી યોજના હોય કે પછી શિપીંગ ઉદ્યોગમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની વાત હોય, ગુજરાતમાં બંદર આધારિત નિકાસનો વ્યાપ ઘણો મોટો રહ્યો છે. સરકારે સારગકાંઠા વિસ્તારોમાં દરેક પ્રકારની પાયાની સુવિધા મળી રહે તેની ખાત્રી રાખી છે.
સાથીઓ, આવા પ્રયાસોના પરિણામે ગુજરાત આજે, એક રીતે કહીએ તો ભારતના સમુદ્રી દ્વાર તરીકે સ્થાપિત થયું છે, ગેટવે બની રહ્યું છે. સમૃધ્ધિનો ગેટવે બન્યું છે. વિતેલા બે દાયકાની પરંપરાગત બંદર સંચાલનની પધ્ધતિમાંથી બહાર નિકળીને ઘનિષ્ટ અને એકીકૃત પધ્ધતિનું એક અનોખું મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું છે. આ મોડલ આજે એક સીમાચિહ્ન તરીકે વિકાસ પામ્યું છે. આજે મુંદ્રા ભારતના સૌથી મોટા ભિન્ન ઉદ્દેશ ધરાવતું બંદર અને સિક્કા સૌથી બંદી બંદર છે અને તે આ પ્રયાસોનું પરિણામ છે. અને એટલે જ ગુજરાતના બંદરો દેશના મુખ્ય સમુદ્રી કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. ગયા વર્ષ દેશના કુલ દરિયાઈ વેપારથી 40 ટકા કરતાં વધુ હિસ્સેદારી ગુજરાતના બંદરોની રહી છે. આ બાબત કદાચ ગુજરાતના લોકોને પણ હું પહેલી વખત જણાવી રહ્યો છું.
સાથીઓ, આજે ગુજરાતમાં દરિયાઈ કારોબાર સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓ અને ક્ષમતા નિર્માણ બાબતે ઝડપભેર કામ ચાલી રહ્યું છે. જે રીતે ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર, ગુજરાત સમુદ્રી વિશ્વ વિદ્યાલય, મેરીટાઈમ યુનિવર્સિટી, ભાવનગરમાં દુનિયાનું પ્રથમ સીએનજી ટર્મિનલ જેવી અનેક સુવિધાઓ ગુજરાતમાં તૈયાર થઈ રહી છે. ગિફ્ટ સીટીમાં આકાર પામનાર ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર બંદરોથી માંડીને સમુદ્ર આધારીત લોજીસ્ટીક્સને હલ કરનારૂં એક સમર્પિત તંત્ર બની રહેશે. એક રીતે કહીએ તો આ ક્લસ્ટર સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગને ગતિ આપશે. તેના કારણે આ ક્ષેત્રમાં મૂલ્યવૃધ્ધિમાં પણ ઘણી મોટી મદદ થવાની છે.
સાથીઓ, વિતેલા વર્ષોમાં દહેજમાં ભારતનું પ્રથમ રાસાયણિક ટર્મિનલ બન્યું હતું. પહેલું એલએનજી ટર્મિનલ પણ સ્થપાયું હતું. હવે ભાવનગર બંદરે દુનિયાનું પહેલું સીએનજી ટર્મિનલ સ્થાપિત થવાની તૈયારીઓ ચાલી રહી છે. સીએનજી ટર્મિનલ સિવાય ભાવનગર બંદરે રો-રો ટર્મિનલ, લિક્વીડ કાર્ગો ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ જેવી સુવિધાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ નવા ટર્મિનલો સાથે જોડાવાથી ભાવનગર બંદરની ક્ષમતા અનેકગણી વધી જશે.
સાથીઓ, સરકારનો પ્રયાસ ઘોઘા અને દહેજ વચ્ચે પણ ફેરી સર્વિસને ઝડપથી શરૂ કરવાનો છે. આ પ્રોજેક્ટ સામે કુદરતના અનેક પડકારો સામે આવીને ઉભા છે અને તેને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મને આશા છે કે ઘોઘા અને દહેજના લોકો ખૂબ જ ટૂંકા ગાળામાં આ સુવિધાનો લાભ ફરીથી લઈ શકશે.
સાથીઓ, દરિયાઈ વેપાર વ્યવસાય માટેના નિષ્ણાતો તૈયાર કરવાના હોય કે પછી તાલીમ પામેલ માનવબળ માટે ગુજરાતમાં મેરીટાઈમ યુનિવર્સિટી એક મોટું કેન્દ્ર છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલી આવશ્યકતાઓ માટે વ્યવસાયી શિક્ષણ આપનારી દેશની આ પ્રથમ સંસ્થા બની રહેશે. આજે અહીંયા દરિયાઈ કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય વેપારના કાયદા અંગે અભ્યાસથી માંડીન મેરીટાઈમ મેનેજમેન્ટ, શિપીંગ, લોજીસ્ટીક્સ. વગેરેમાં એમબીએ સુધીની અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે. આ યુનિવર્સિટી ઉપરાંત જેનો ઉલ્લેખ હમણાં મનસુખભાઈએ કર્યો હતો તે લોથલમાં દેશનું સમુદ્રી વારસાને દર્શાવનાર પ્રથમ રાષ્ટ્રીય મ્યુઝિયમ બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યુ છે.
સાથીઓ, આજની રો–પેક્સ ફેરી સેવા હોય કે પછી થોડાંક દિવસ પહેલાં શરૂ કરવામાં આવેલી સી- પ્લેન જેવી સુવિધા હોય, તેના કારણે જળ આધારિત અર્થતંત્રને મોટી ગતિ પ્રાપ્ત થવાની છે. અને તમે જુઓ, જળ, સ્થળ અને નભ- ત્રણેય માટે ગુજરાત આ દિવસોમાં મોટી હરણફાળ ભરી રહ્યું છે. થોડાંક દિવસ પહેલાં મને ગિરનારમાં રોપવેનું લોકાર્પણ કરવાની તક પ્રાપ્ત થઈ હતી. તેના કારણે પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે. યાત્રાળુઓની સુવિધામાં વધારો થશે અને આકાશ તરફ જવાનો એક નવો માર્ગ મળશે. ત્યાર પછી મને સી- પ્લેનની તક મળી. એક સ્થળેથી પાણીમાંથી ઉડવું અને બીજા સ્થળે જઈ પાણીમાં ઉતરવું. અને આજે સમુદ્રની અંદર પાણીના માધ્યમથી પ્રવાસ કરવાની એટલે કે એક સાથે કેટલા પ્રકારે ગતિ વધવાની છે તેનો તમે સારી રીતે અંદાજ લગાવી શકો તેમ છો.
સાથીઓ, જ્યારે સમુદ્રની વાત આવે છે, પાણીની વાત આવે છે ત્યારે તેનો વિસ્તાર, માછલી સાથે જોડાયેલા વેપાર વ્યવસાયથી માંડીને સી-વીડની ખેતીથી માંડીને જલ પરિવહન અને પ્રવાસનની તકો ઉભી થઈ રહી છે. વિતેલા વર્ષોમાં દેશમાં બ્લૂ ઈકોનોમીને સશક્ત બનાવવા માટે ગંભીર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પહેલાં દરિયાઈ અર્થતંત્રની વાત થતી હતી, આજે આપણે બ્લૂ ઈકોનોમીની પણ વાત કરી રહ્યા છીએ.
સાથીઓ, સાગરકાંઠાનું સમગ્ર વ્યવસ્થા તંત્ર અને માછીમાર સાથીદારોને મદદરૂપ થવા માટે વિતેલા વર્ષોમાં અનેક યોજનાઓ ઘડવામાં આવી છે. આધુનિક ટ્રોલર્સ માટે માછીમારોને આર્થિક મદદ આપવાની બાબત હોય કે પછી મોસમ અને સમુદ્ર અંગેની સાચી જાણકારી પૂરી પાડનારી નેવિગેશન સિસ્ટમ હોય, માછીમારોની સુરક્ષા અને સમૃધ્ધિ એ અમારી અગ્રતા રહી છે. હાલમાં જ માછલી સાથે જોડાયેલા વેપારને વેગ આપવા માટે પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી વર્ષોમાં માછીમારી સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓ માટે રૂ.20,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને તેનો ખૂબ મોટો લાભ ગુજરાતના લાખો માછીમાર પરિવારોને થશે. દેશની બ્લૂ ઈકોનોમીને પણ તેનો લાભ મળશે.
સાથીઓ, આજે સમગ્ર દેશમાં સમુદ્રી સરહદો ઉપર બંદરોની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે અને નવા બંદરોના નિર્માણની કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે. દેશ પાસે આશરે 21,000 કી.મી.નો જે જળમાર્ગ છે તેને દેશના વિકાસમાં કેવી રીતે વધુને વધુ ઉપયોગમાં લઈ શકાય તેના માટે પ્રયાસો ચાલી રહ્યા છે. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ આજે સમગ્ર દેશમાં 500 થી વધુ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. લાખો- કરોડોની યોજનાઓમાંથી અનેક યોજનાઓ પૂર્ણ પણ થઈ ચૂકી છે.
સાથીઓ, સમુદ્રી જળમાર્ગ હોય કે પછી નદી જળમાર્ગ. ભારત પાસે સાધનો છે અને નિપુણતાની પણ કોઈ અછત નથી. એ બાબત પણ નિશ્ચિત છે કે જળમાર્ગે થનારૂં પરિવહન સડક અને રેલવે માર્ગે થનારા પરિવહન કરતાં અનેકગણું સસ્તુ પડવાનું છે અને તેના કારણે પર્યાવરણને પણ ઓછામાં ઓછુ નુકસાન થશે. આમ છતાં પણ આ દિશામાં એક સમગ્રલક્ષી અભિગમ અપનાવીને વર્ષ 2014 પછી જ કામ થઈ શક્યું છે. આ નદીઓ અને આ સમુદ્ર મોદી પ્રધાન મંત્રી બન્યા તે પછી આવ્યા નથી, પરંતુ અગાઉ તે માટેની દ્રષ્ટિ ન હતી, જેનો આજે લોકો અનુભવ કરી રહ્યા છે. આજે સમગ્ર દેશમાં નદીઓમાં જે આંતરિક જળમાર્ગો અંગે કામ ચાલી રહ્યું છે તેના કારણે ચારે તરફ જમીન સાથે જોડાયેલા રાજ્યોને પણ દરિયા સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આજે બંગાળની ખાડીમાં, હિંદ મહાસાગરમાં આપણી ક્ષમતાઓને આપણે અભૂતપૂર્વ સ્વરૂપે વિકસાવી રહ્યા છીએ. દેશનો સમુદ્રી હિસ્સો આત્મનિર્ભર ભારતનો એક મહત્વનો હિસ્સો બનીને ઉભરી આવે તે માટે નિરંતર કામ ચાલી રહ્યું છે. સરકારના આ પ્રયાસોને વેગ આપવા માટે એક મોટું કદમ ઉઠાવવામાં આવી રહ્યું છે. હવે વહાણવટા મંત્રાલયનું પણ નામ બદલવામાં આવી રહ્યું છે. હવે આ મંત્રાલયને પોર્ટસ, શિપીંગ અને જળમાર્ગ મંત્રાલયના નામથી ઓળખવામાં આવશે. આ મંત્રાલયનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. વિકસીત અર્થ વ્યવસ્થાઓમાં મહદ્દ અંશે શિપીંગ મંત્રાલય જ બંદર અને જળ માર્ગોની જવાબદારી સંભાળતું હોય છે. ભારતમાં પણ શિપીંગ મંત્રાલય બંદરો અને જળ માર્ગો સાથે જોડાયેલા અનેક કામ કરતું રહ્યું છે. હવે આ નામમાં વધુ સ્પષ્ટતા થવાને કારણે કામમાં પણ વધુ સ્પષ્ટતા આવશે.
સાથીઓ, આત્મનિર્ભર ભારતમાં બ્લૂ ઈકોનોમીની હિસ્સેદારીને મજબૂત બનાવવા માટે સમુદ્ર સાથે જોડાયેલા લોજીસ્ટીક્સને પણ મજબૂત કરવાનું ખૂબ જ આવશ્યક બની રહે છે. આ એટલા માટે જરૂરી છે, કારણ કે આપણી અર્થ વ્યવસ્થા ઉપર લોજીસ્ટીક્સ માટે થનારા ખર્ચની અસર ઘણી મોટી છે. આનો અર્થ એ થાય કે આપણા દેશમાં જે સામાન દેશના એક ખૂણેથી બીજા વિસ્તારમાં લઈ જવા માટે બીજા દેશોની તુલનામાં આજે પણ વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જળ પરિવહનના માધ્યમથી લોજીસ્ટીક્સનો ખર્ચ ખૂબ જ નીચે લાવવા માટેની કામગીરી થઈ શકે છે અને એટલા માટે અમારૂં ધ્યાન એક એવું વ્યવસ્થા તંત્ર ઉભુ કરવા ઉપર છે કે જેમાં કાર્ગોની અપાર હેરફેરની ખાત્રી થઈ શકે. આજે એક બહેતર માળખાગત સુવિધાઓની સાથે સાથે બહેતર મેરીટાઈમ લોજીસ્ટીક્સ માટે એક સિંગલ વિન્ડો સિસ્ટમ ઉપર પણ આપણે કામ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ અને તે માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે.
સાથીઓ, લોજીસ્ટીક્સ ઉપર થનારા ખર્ચને ઓછો કરવા માટે દેશમાં મલ્ટી-મોડલ કનેક્ટીવિટીની દિશામાં પણ એક ખૂબ જ સમગ્રલક્ષી દ્રષ્ટિકોણની સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. આપણો પ્રયાસએ રહ્યો છે કે રોડ, રેલવે, એર અને શિપીંગ જેવી માળખાગત સુવિધાઓ બાબતે એક બીજા સાથે કનેક્ટીવિટી પણ બહેતર હોય અને એ માટે જે અવરોધો નડી રહ્યા છે તેને પણ દૂર કરવામાં આવશે. દેશમાં મલ્ટી મોડલ લોજીસ્ટીક્સ પાર્કસનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે અને માત્ર દેશની અંદર જ નહીં, પરંતુ આપણાં પડોશી દેશોની સાથે મલ્ટી મોડલ કનેક્ટીવિટીના વિકાસ માટે સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. મને વિશ્વાસ છે કે આ તમામ પ્રયાસોથી આપણાં લોજીસ્ટીક્સ ખર્ચને નિયંત્રિત કરવા માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે પ્રયાસોને કારણે અર્થવ્યવસ્થાને એક નવી ગતિ પ્રાપ્ત થશે.
સાથીઓ, તહેવારોના આ સમયમાં ખરીદી પણ ખૂબ થઈ રહી છે. આ ખરીદીના સમયે હું સુરતના લોકોને થોડોક આગ્રહ કરીશ કે તેમના માટે તો દુનિયામાં આવવા- જવાનું ખૂબ જ રૂટિન રહ્યું છે. આવી ખરીદીના સમયે હું તેમને વોકલ ફોર લોકલ એટલે કે વોકલ ફોર લોકલનો મંત્ર નહીં ભૂલવા આગ્રહ કરૂં છું. વોકલ ફોર લોકલ અને મેં જોયું છે કે લોકોને લાગે છે કે આપણાં દીવડા ખરીદી લીધા અને તેનો અર્થ એ કે આપણે આત્મનિર્ભર થઈ ગયા, જી નહીં, દરેક બાબતમાં ધ્યાન આપવાનું છે, નહીં તો આજકાલના દિવસોમાં માત્ર દીવા જ નહીં, અરે ભાઈ આપણે ભારતના દીવા ખરીદીશું તો તે ઘણી સારી બાબત છે. પરંતુ તમે જાતે જોશો તો જણાશે કે આપણાં શરીર ઉપર, આપણાં ઘરમાં કેટલી બધી ચીજો બહારની હોય છે કે જેને આપણાં દેશના લોકો પણ બનાવી રહ્યા છે. આપણાં દેશના નાના લોકો તેને બનાવે છે. આપણે તેમને શા માટે તક નહીં આપવી જોઈએ. દેશને આગળ વધારવાનો છે. દોસ્તો તેના માટે આપણે આ નાના લોકોને, નાના વેપારીઓને, નાના કારીગરોને, નાના કલાકારોને,ગામડાંની આપણી બહેનોને તે જે ચીજો બનાવે છે, અનેક પ્રકારની ચીજો બનાવે છે તેને એક વખત હાથમાં લઈને જુઓ અને દુનિયાને બતાવો કે તે આપણાં ગામના લોકોએ બનાવેલી ચીજો છે, આપણાં જીલ્લાના લોકોએ બનાવેલી ચીજો છે. આપણાં દેશના લોકોએ તેને બનાવી છે. જુઓ, તમારી છાતી પણ ગર્વથી ફૂલાઈ જશે. દિવાળી મનાવવાની મજામાં વધારો થશે અને એટલા જ માટે, વોકલ ફોર લોકલ માટે, આપણે કોઈ સમાધાન કરીશું નહીં.
દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવાનો છે ત્યાં સુધી આ મંત્રને આપણાં જીવનનો મંત્ર માનવામાં આવે. આપણાં પરિવારનો મંત્ર બની જાય. આપણાં ઘરની દરેક વ્યક્તિના મનમાં એવો ભાવ પેદા થાય તે બાબતે આપણે આગ્રહ રાખવો જોઈએ. અને એટલા માટે જ આ દિવાળી, વોકલ ફોર લોકલનો એક ટર્નિંગ પોઈન્ટ બનવો જોઈએ. હું મારા ગુજરાતના ભાઈ-બહેનો પાસે અધિકારપૂર્વક આ માંગણી કરી શકું છું. અને મને ખાત્રી છે કે તમે મને ક્યારેય નિરાશ નહીં કરો. હમણાં જ નંદલાલજીએ એક વાત કરી હશે અને લોકોએ તેને સાંભળી પણ હશે અને તેને આજથી લાગુ કરવામાં આવી છે. તમે બધાં મારા માટે નંદલાલ છો, આવો મહેનત કરો અને મારા દેશના ગરીબો માટે કશુંક કામ કરો. દિવાળી મનાવો અને તેમના ઘરમાં પણ દિવાળી મનાવાય તેવું વાતાવરણ ઉભુ કરો. દીવો પ્રગટાવો અને ગરીબના ઘરમાં પણ દીવો પ્રગટે, વોકલ ફોર લોકલનો મંત્ર તે રીતે આગળ ધપાવો. મને વિશ્વાસ છે કે કોરોનાના આ સમયમાં આપ સૌ સંપૂર્ણ સાવધાની સાથે તહેવારો ઉજવશો, કારણ કે તમારૂં રક્ષણ એ દેશનું રક્ષણ છે. મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, સમગ્ર દેશના ભાઈ બહેનોને હું આવનારા દિવસોમાં ધનતેરસ હોય, દિવાળી હોય, ગુજરાત માટે નવુ વર્ષ પણ આવશે. દરેક બાબત માટે, દરેક તહેવાર માટે હું તમને ખૂબ–ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ !