ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી કિરણ રિજિજુજી, શ્રી કિશન રેડ્ડીજી, જનરલ વી કે સિંહજી, શ્રી અર્જુન રામ મેઘવાલજી, શ્રી શ્રીપદ નાયકજી, શ્રીમતી મીનાક્ષી લેખીજી, યુપી સરકારના મંત્રી શ્રી નંદ ગોપાલ નંદીજી, સંસદમાં મારા સાથી શ્રી વિજય કુમાર દુબેજી, ધારાસભ્ય શ્રી રજનીકાંત મણિ ત્રિપાઠીજી, જુદા જુદા દેશોના રાજદૂત રાજનાયકો, અન્ય જન પ્રતિનિધિ ગણ,
ભાઈઓ અને બહેનો!
ભારત, વિશ્વભરના બૌદ્ધ સમાજની શ્રદ્ધા, આસ્થાનું, પ્રેરણાનું કેન્દ્ર છે. આજે કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની આ સુવિધા, એક રીતે તેમની શ્રદ્ધાને અર્પિત પુષ્પાંજલિ છે. ભગવાન બુદ્ધના જ્ઞાનથી લઈને મહા પરિનિર્વાણ સુધીની સંપૂર્ણ યાત્રાનું સાક્ષી એવું આ ક્ષેત્ર આજે સીધું દુનિયા સાથે જોડાઈ ગયું છે. શ્રીલંકન એર લાઇન્સની ફ્લાઇટ કુશીનગરમાં ઉતરવી, તે આ પુણ્ય ભૂમિને નમન કરવાને સમાન છે. આ ફ્લાઇટ વડે શ્રીલંકાથી આવેલ અતિપૂજનીય મહાસંઘ અને અન્ય મહાનુભવો, આજે કુશીનગર ખૂબ ગર્વ સાથે તમારું સ્વાગત કરે છે. આજે એક સુખદ સંયોગ એ પણ છે કે આજે મહર્ષિ વાલ્મીકીજીની જયંતી પણ છે. ભગવાન મહર્ષિ વાલ્મીકીજીની પ્રેરણા વડે આજે દેશ સૌને સાથે લઈને, સૌના પ્રયાસ વડે સૌનો વિકાસ કરી રહ્યો છે.
સાથીઓ,
કુશીનગરનું આ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દાયકાઓની આશાઓ અને અપેક્ષાઓનું પરિણામ છે. મારી ખુશી આજે બેવડી છે. આધ્યાત્મિક યાત્રાના જિજ્ઞાસુના રૂપમાં મનમાં સંતોષનો ભાવ છે અને પૂર્વાંચલ ક્ષેત્રના પ્રતિનિધિના રૂપમાં પણ આ એક પ્રતિબદ્ધતા પૂરી થવાની ક્ષણ પણ છે. કુશીનગરના લોકોને, યુપીના લોકોને, પૂર્વાંચલ પૂર્વી ભારતના લોકોને, દુનિયાભરમાં ભગવાન બુદ્ધના અનુયાયીઓને, કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક માટે ખૂબ ખૂબ આભિનંદન!
સાથીઓ,
ભગવાન બુદ્ધ સાથે જોડાયેલ સ્થાનોને વિકસિત કરવા માટે, વધુ સારા સંપર્ક માટે, શ્રદ્ધાળુઓની સુવિધાઓના નિર્માણ પર ભારત દ્વારા આજે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કુશીનગરનો વિકાસ, યુપી સરકાર અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે. ભગવાન બુદ્ધનું જન્મ સ્થળ લુંબિની અહીથી વધારે દૂર નથી. હમણાં જ્યોતિરાદિત્યજીએ તેનું ખાસ્સું એવું વર્ણન કર્યું છે પરંતુ તેમ છતાં હું તેનું પુનરાવર્તન એટલા માટે કરવા માંગુ છું કારણ કે દેશના દરેક ખૂણામાં આ ક્ષેત્રનું આ કેન્દ્ર બિંદુ કઈ રીતે છે તે આપણે સરળતાથી સમજી શકીએ. કપિલવસ્તુ પણ પાસે જ છે. ભગવાન બુદ્ધે જ્યાં પોતાનો સૌપ્રથમ સંદેશ આપ્યો, તે સારનાથની ભૂમિ પણ સો અઢીસો કિલોમીટરના વિસ્તારમાં જ છે. જ્યાં બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું, તે બોધગયા પણ અમુક જ કલાકોના અંતરે આવેલું છે. એવામાં આ ક્ષેત્ર માત્ર ભારતના જ બૌદ્ધ અનુયાયીઓ માટે જ નહિ પરંતુ શ્રીલંકા, થાઈલેન્ડ, સિંગાપુર, લાઓસ, કંબોડિયા, જાપાન, કોરિયા જેવા અનેક દેશોના નાગરિકો માટે પણ એક બહુ મોટી શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
કુશીનગર આંતરરાષ્ટ્રીય વિમાન મથક માત્ર હવાઈ સંપર્કનું જ એક માધ્યમ નહિ બને પરંતુ તેના બનવાથી ખેડૂત હોય, પશુપાલક હોય, દુકાનદાર હોય, શ્રમિક હોય, અહિયાના ઉદ્યોગપતિઓ હોય, સૌને તેનો સીધે સીધો લાભ મળે જ છે. તેનાથી વેપાર કારોબારનું એક આખું વ્યવસ્થા તંત્ર અહીં વિકસિત થશે. સૌથી વધુ લાભ અહિયાના પ્રવાસીઓને, પ્રવાસન-ટેક્સીવાળાઓને, હોટલ-રેસ્ટોરન્ટ જેવા નાના મોટા વ્યવસાયવાળાઓને પણ થવાનો છે. તેનાથી આ ક્ષેત્રના યુવાનો માટે રોજગારીના પણ અનેક નવા અવસરો ઊભા થશે.
ભાઈઓ અને બહેનો,
પ્રવાસનનું કોઈપણ સ્વરૂપ હોય, આસ્થા માટે કે પછી આનંદ માટે, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર તેની માટે હોવું ખૂબ વધારે જરૂરી છે. તે તેની પૂર્વ શરત છે ઇન્ફ્રાસ્ટ્રકચર – રેલવે, રસ્તાઓ, હવાઈ માર્ગો, જળમાર્ગોનું ઇન્ફ્રાસ્ટ્રકચરનું આ આખું માળખું, તેની સાથે સાથે હોટલ દવાખાનાઓ અને ઈન્ટરનેટ મોબાઈલની સંપર્ક વ્યવસ્થાનું ઇન્ફ્રાસ્ટ્રકચર, સફાઇ વ્યવસ્થાનું, ગટર વ્યવસ્થાના પ્લાન્ટનું, તે પણ પોતાનામાં એક એવું જ ઇન્ફ્રાસ્ટ્રકચર છે – સ્વચ્છ પર્યાવરણની ખાતરી કરનારી પુનઃપ્રાપ્ય ઊર્જાનું, આ બધા જ પરસ્પર એક બીજા સાથે જોડાયેલા છે. ગમે ત્યાં પ્રવાસન વધારવા માટે આ બધા ઉપર એક સાથે કામ કરવું ખૂબ જરૂરી છે અને આજે 21મી સદીનું ભારત આ જ પહોંચ સાથે આગળ વધી રહ્યું છે. પ્રવાસન ક્ષેત્રમાં હવે એક નવું પાસું પણ જોડાઈ ગયું છે, રસીકરણની ભારતની ઝડપી ગતિએ પ્રગતિ એ દુનિયા માટે એક વિશ્વાસ ઉત્પન્ન કરશે, જો પ્રવાસીના રૂપમાં ભારત જવું છે, કોઈ કામકાજ માટે ભારત જવું છે તો ભારત વ્યાપક રૂપે રસીકરણ પ્રાપ્ત દેશ છે અને એટલા માટે રસીકરણ પ્રાપ્ત દેશ તરીકે પણ દુનિયાના પ્રવાસીઓ માટે એક ખાતરીપૂર્ણ વ્યવસ્થા, તે પણ તેમના માટે એક કારણ બની શકે છે, તેમાં પણ વિતેલા વર્ષોમાં હવાઈ સંપર્કને દેશે તે લોકો સુધી, તે ક્ષેત્રો સુધી પહોંચાડવા ઉપર ભાર મૂક્યો છે કે જેમણે ક્યારેય આના વિષે વિચાર પણ નહોતો કર્યો.
આ જ લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવેલ ઉડાન યોજનાને 4 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ઉડાન યોજના અંતર્ગત વિતેલા વર્ષોમાં 900 કરતાં વધુ નવા માર્ગોને મંજૂરી આપી દેવામાં આવી છે. તેમાંથી 350 કરતાં વધુ સ્થાનો પર હવાઈ સેવા શરૂ પણ થઈ ચૂકી છે. 50 કરતાં વધુ નવા એરપોર્ટ અથવા પહેલા જેઓ સેવામાં નહોતા તેમને ચાલુ કરી દેવામાં આવ્યા છે. આવનારા 3-4 વર્ષોમાં પ્રયાસ એવો છે કે દેશમાં 200 કરતાં વધુ હવાઈ મથકો, હેલીપોર્ટ્સ અને સી-પ્લેનની સેવા આપનારા વૉટરડ્રોમનું નેટવર્ક દેશમાં તૈયાર કરવામાં આવે. તમે અને હું એ વાતના સાક્ષી છીએ કે વધી રહેલી આ સુવિધાઓની વચ્ચે હવે હવાઈ મથકો પર ભારતનો સામાન્ય માનવી વધારે જોવા મળી રહ્યો છે. મધ્યમ વર્ગના વધુમાં વધુ લોકો હવે હવાઈ સેવાનો લાભ લેવા લાગ્યા છે. ઉડાન યોજના અંતર્ગત અહિયાં ઉત્તર પ્રદેશમાં પણ સંપર્ક વ્યવસ્થા સતત વધી રહી છે. યુપીમાં 8 વિમાન મથકો વડે ફ્લાઇટ્સ ચાલુ થઈ ચૂકી છે. લખનઉ, વારાણસી અને કુશીનગર પછી ઝેવરમાં પણ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. તે સિવાય અયોધ્યા, અલીગઢ, આઝમગઢ, ચિત્રકૂટ, મુરાદાબાદ અને શ્રાવસ્તીમાં પણ નવા વિમાનમથકો પર કામ ચાલી રહ્યું છે. એટલે કે એક રીતે યુપીના જુદા જુદા ભાગોમાં હવાઈ માર્ગ વડે સંપર્ક, ખૂબ ઝડપથી, ખૂબ મજબૂત થઈ જશે. મને એ પણ માહિતી આપવામાં આવી છે કે આવનાર કેટલાક અઠવાડિયામાં દિલ્હી અને કુશીનગરની વચ્ચે સ્પાઇસ જેટ દ્વારા સીધી ઉડાન શરૂ કરવામાં આવી રહી છે. અને જ્યોતિરાદિત્યજીએ બીજા પણ કેટલાક ગંતવ્ય સ્થાનો કહી દીધા છે, તેનાથી સ્થાનિક યાત્રીઓને, શ્રદ્ધાળુઓને ખૂબ સુવિધા પ્રાપ્ત થવા જઈ રહી છે.
સાથીઓ,
દેશનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર વ્યાવસાયિક રીતે ચાલે, સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા મળે, તેની માટે હમણાં તાજેતરમાં એર ઈન્ડિયા સાથે જોડાયેલ બહુ મોટું પગલું દેશે ભર્યું છે. આ પગલું ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊર્જા આપશે. એવો જ એક મોટો સુધારો સંરક્ષણ એરસ્પેસને નાગરિક વપરાશ માટે ખોલવા સાથે જોડાયેલ છે. આ નિર્ણય દ્વારા ઘણા બધા હવાઈ માર્ગો પર હવાઈ યાત્રાનું અંતર ઓછું થયું છે, સમય ઓછો થયો છે. ભારતના યુવાનોને અહિયાં જ વધુ સારી તાલીમ મળે, તેની માટે દેશના 5 વિમાન મથકોમાં 8 નવી ફ્લાઇંગ એકેડમી સ્થાપિત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. તાલીમ માટે વિમાન મથકના ઉપયોગ સાથે જોડાયેલ નિયમોને પણ સરળ કરવામાં આવ્યા છે. ભારત દ્વારા હમણાં તાજેતરમાં બનાવવામાં આવેલ ડ્રોન નીતિ પણ દેશમાં કૃષિથી લઈને સ્વાસ્થ્ય સુધી, આપત્તિ વ્યવસ્થાપનથી લઈને સંરક્ષણ સુધી, જીવનને બદલવા જઈ રહી છે. ડ્રોનના ઉત્પાદનથી લઈને ડ્રોન ફ્લાઈંગ સાથે જોડાયેલ તાલીમ પામેલ માનવબળ તૈયાર કરવા માટે હવે ભારતમાં સંપૂર્ણ ઇકો સિસ્ટમ વિકસિત કરવામાં આવી રહી છે. આ બધી યોજનાઓ, બધી નીતિઓ, ઝડપથી આગળ વધે, કોઈ પ્રકારની કોઈ અડચણ ના આવે તેની માટે હમણાં તાજેતરમાં જ પીએમ ગતિશક્તિ – રાષ્ટ્રીય માસ્ટર પ્લાન પણ શરૂ કરવામાં આવ્યો છે. તેનાથી શાસન વ્યવસ્થામાં તો સુધારો આવશે જ પરંતુ સાથે એ બાબતની પણ ખાતરી કરવામાં આવશે કે રસ્તાઓ હોય, રેલવે હોય, કે વિમાન હોય, તે એકબીજાને ટેકો આપે, એકબીજાની ક્ષમતા વધારે. ભારતમાં થઈ રહેલા આ સતત સુધારાઓનું જ પરિણામ છે કે ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં એક હજાર નવા વિમાનો જોડાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સાથીઓ,
આઝાદીના અમૃતકાળમાં ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર રાષ્ટ્રની ગતિ અને રાષ્ટ્રની પ્રગતિનું પ્રતિક બનશે, ઉત્તર પ્રદેશની ઊર્જા તેમાં સામેલ થશે, એ જ કામના સાથે એક વાર ફરી આંતરરાષ્ટ્રીય વિમાન મથક માટે હું આપ સૌને, દુનિયાભરના બૌદ્ધ ધર્મના અનુયાયી દેશોના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અહીથી હું દેશ અને દુનિયામાંથી આવેલ બૌદ્ધ ભિક્ષુઓ પાસે આશીર્વાદ લેવા જઈશ અને પછી યુપીના ઇન્ફ્રાસ્ટ્રકચરના અનેક બીજા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાનું પણ મને સૌભાગ્ય મળશે.
ફરી એક વાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર!