આજના આ ઐતિહાસિક કાર્યક્રમ પર આખા દેશની નજર છે, તમામ દેશવાસીઓ અત્યારે આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. હું, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેલા તમામ દેશવાસીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, તેમને અભિનંદન પાઠવું છું. આ ઐતિહાસિક ક્ષણમાં, મારા મંત્રીમંડળના સાથીદારો શ્રી હરદીપ પુરીજી, શ્રી જી. કિશન રેડ્ડીજી, શ્રી અર્જુનરામ મેઘવાલજી, શ્રીમતી મીનાક્ષી લેખીજી, શ્રી કૌશલ કિશોરજી, પણ આજે મારી સાથે મંચ પર ઉપસ્થિત છે. દેશના અનેક મહાનુભાવ અતિથિઓ, પણ આજે અહીં ઉપસ્થિત છે.
સાથીઓ,
આઝાદીના અમૃત મહોત્સવમાં, દેશને આજે એક નવી પ્રેરણા, નવી ઊર્જા પ્રાપ્ત થઇ છે. આજે આપણે ભૂતકાળની વાતોને છોડીને આવતીકાલની તસવીરમાં નવા રંગો ભરી રહ્યા છીએ. આજે, આપણને ચારેય બાજુ જે નવી આભા જોવા મળી રહી છે, તે નવા ભારતના આત્મવિશ્વાસની આભા છે. ગુલામીનું પ્રતીક કિંગ્સવે એટલે કે રાજપથ, આજથી ઇતિહાસનો વિષય બની ગયો છે, હંમેશ માટે તે ભૂંસાઇ ગયો છે. આજે કર્તવ્ય પથના સ્વરૂપમાં એક નવા ઇતિહાસનું સર્જન થયું છે. હું, આઝાદીના આ અમૃતકાળમાં તમામ દેશવાસીઓને ગુલામીની વધુ એક ઓળખમાંથી આઝાદી મેળવવા બદલ અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
આજે ઇન્ડિયા ગેટની સમીપે આપણા રાષ્ટ્ર નાયક નેતાજી સુભાષ ચંદ્ર બોઝની વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. ગુલામીના સમયે અહીં બ્રિટિશ રાજ સત્તાના પ્રતિનિધિની પ્રતિમા રાખવામાં આવી હતી. આજે તે જ સ્થળે નેતાજીની પ્રતિમા સ્થાપિત કરીને દેશે આધુનિક અને સશક્ત ભારતની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી છે. ખરેખરમાં, આ એક ઐતિહાસિક સમય છે, આ અવસર અભૂતપૂર્વ છે. આપણા સૌના માટે આ સૌભાગ્યની વાત છે કે આજે આપણે આ દિવસ જોઇ રહ્યા છીએ, તેના સાક્ષી બની રહ્યા છીએ.
સાથીઓ,
સુભાષ ચંદ્ર બોઝ એવા મહાન માણસ હતા જેઓ પદ અને સંસાધનોના પડકારથી ઉપર હતા. તેમની સ્વીકૃતિ એવી હતી કે, આખી દુનિયા તેમને નેતા માનતી હતી. તેમની પાસે હિંમત અને આત્મસન્માન હતું. તેમની પાસે વિચારો હતા, તેમની પાસે દીર્ઘદૃષ્ટિ હતી. તેમની પાસે નેતૃત્વ કરવાની ક્ષમતા હતી, નીતિઓ હતી. નેતાજી સુભાષ કહેતા હતા કે - ભારત એવો દેશ નથી જે પોતાના ગૌરવશાળી ઇતિહાસને ભૂલી જાય. ભારતનો ગૌરવશાળી ઇતિહાસ દરેક ભારતીયના લોહીમાં છે, તેમની પરંપરાઓમાં વણાયેલો છે. નેતાજી સુભાષચંદ્ર ભારતના વારસા પર ગૌરવ લેતા હતા અને તેઓ શક્ય તેટલી વહેલી તકે ભારતને આધુનિક બનાવવા માગતા હતા. જો આઝાદી પછી આપણો ભારત દેશ સુભાષબાબુના માર્ગે આગળ વધ્યો હોત તો આજે દેશ અનેક નવી ઊંચાઇએ સર કરી શક્યો હોત! પરંતુ દુર્ભાગ્યવશ આપણા આ મહાન નાયકને આપણા માનસ પટમાંથી ભૂલાવી દેવામાં આવ્યા છે. તેમના વિચારોની, તેમની સાથે સંકળાયેલા પ્રતીકોની પણ અવગણના કરવામાં આવી હતી. મને સુભાષબાબુની 125મી જન્મજયંતી નિમિત્તે કોલકાતામાં તેમના ઘરે જવાનો અવસર પ્રાપ્ત થયો હતો. નેતાજીના જીવન સાથે સંકળાયેલી જગ્યા પર તેમની જે અનંત શક્તિ હતી તેમનો મને અનુભવ થયો હતો. આજે દેશનો પ્રયાસ છે કે નેતાજીની તે ઊર્જા દેશને માર્ગદર્શન પૂરું પાડે. કર્તવ્યપથ પર નેતાજીની પ્રતિમા આ બાબતનું માધ્યમ બનશે. દેશની નીતિઓ અને નિર્ણયોમાં સુભાષબાબુની છાપ રહે, આ પ્રતિમા તેના માટે પ્રેરણા સ્ત્રોત બનશે.
ભાઇઓ અને બહેનો,
છેલ્લા આઠ વર્ષ દરમિયાન અમે એક પછી એક એવા સંખ્યાબંધ નિર્ણયો લીધા છે, જેના પર નેતાજીના આદર્શો અને સપનાઓની છાપ અંકિત થયેલી છે. નેતાજી સુભાષ, અખંડ ભારતના એવા પ્રથમ પ્રધાન હતા જેમણે 1947 પહેલા આંદામાનને આઝાદ કરીને ત્યાં તિરંગો ફરકાવ્યો હતો. તે સમયે તેમણે કલ્પના કરી હતી કે લાલ કિલ્લા પર તિરંગો ફરકશે તો તેની અનુભૂતિ કેવી હશે. એ અનુભૂતિનો સાક્ષાત્કાર મને એ સમયે થયો જ્યારે, આઝાદ હિંદ સરકારના 75 વર્ષ પૂરા થવાના અવસરે મને લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવાનો અવસર પ્રાપ્ત થયો હતો. અમારી સરકારે કરેલા પ્રયાસોથી જ લાલ કિલ્લામાં નેતાજી અને આઝાદ હિંદ ફોજ સાથે સંકળાયેલા એક સંગ્રહાલયનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
સાથીઓ,
હું એ દિવસ ભૂલી શકતો નથી જ્યારે 2019માં આઝાદ હિંદ ફોજના જવાનોએ પણ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો. એ સન્માનની તેઓ કેટલાય દાયકાઓથી પ્રતિક્ષા કરી રહ્યા હતા. આંદામાનમાં જ્યાં નેતાજીએ તિરંગો ફરકાવ્યો હતો ત્યાં પણ મારે જવું હતું, મને ત્યાં જવાનો અવસર પ્રાપ્ત થયો, તિરંગો ફરકાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણ દરેક દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ હતી.
ભાઇઓ અને બહેનો,
આંદામાનના એ ટાપુઓ કે, જેમને નેતાજીએ પહેલીવાર આઝાદી અપાવી હતી, તેઓ પણ થોડા સમય પહેલા સુધી ગુલામીના પ્રતીકો વહન કરવા કરવા માટે મજબૂર હતા! સ્વતંત્ર ભારતમાં પણ તે ટાપુઓનું નામ અંગ્રેજ શાસકોના નામ પરથી રાખવામાં આવ્યા હતા તે જ અમલમાં હતા. ગુલામીના એ પ્રતીકોને ભૂંસી નાખીને, અમે આ ટાપુઓને નેતાજી સુભાષ સાથે જોડીને તેમને ભારતીય નામ, ભારતીય ઓળખ આપી છે.
સાથીઓ,
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશે પોતાના માટે 'પંચ પ્રણ'નું વિઝન નક્કી કર્યું છે. આ પાંચ પ્રણમાં વિકાસના મોટા ધ્યેયો પ્રાપ્ત કરવા માટેના સંકલ્પ છે, કર્તવ્યની પ્રેરણા છે. આમાં ગુલામીની માનસિકતા છોડવાનું આહ્વાન કરવામાં આવ્યું છે, આપણા વારસા પ્રત્યે ગૌરવ લેવાની ભાવના છે. આજે ભારત પાસે તેના પોતાના આદર્શો છે, તેના પોતાના આયામો છે. આજે ભારતના પોતાના સંકલ્પો છે, પોતાના લક્ષ્યો છે. આજે આપણી પાસે આપણા પોતાના માર્ગો છે, આપણા પોતાના પ્રતીકો છે. અને સાથીઓ, આજે જો રાજપથનું અસ્તિત્વ સમાપ્ત થઇ ગયું છે અને એક કર્તવ્ય પથ બની ગયો છે, આજે જો પાંચમા જ્યોર્જની પ્રતિમાના સ્થાને નેતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, તો આ ગુલામીની માનસિકતાના પરિત્યાગનું પ્રથમ ઉદાહરણ નથી. આ ન તો શરૂઆત છે કે ન તો અંત છે. જ્યાં સુધી મન અને માનસની સ્વતંત્રતાનું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે નિરંતર ચાલનારી એક સંકલ્પ યાત્રા છે. દેશના પ્રધાનમંત્રીનું જ્યાં નિવાસ સ્થાન રહ્યું છે તે સ્થળનું નામ રેસકોર્સ રોડથી બદલીને લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું છે. આપણા પ્રજાસત્તાક દિવસના સમારંભમાં હવે ભારતીય સંગીતનાં વાદ્યોનો પડઘો ગૂંજી ઉઠે છે. હવે બીટિંગ રીટ્રીટ સેરેમનીમાં દેશભક્તિના ગીતો સાંભળીને દરેક ભારતીય રોમાંચિત થઈ જાય છે. તાજેતરમાં જ ભારતીય નૌકાદળે પણ ગુલામીની નિશાનીને ઉતારીને છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતીક અપનાવ્યું છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું નિર્માણ કરીને દેશે તમામ દેશવાસીઓની લાંબા સમયથી અધુરી રહેલી ઇચ્છા પણ પૂરી કરી છે.
સાથીઓ,
આ પરિવર્તન માત્ર પ્રતીકો પૂરતું જ સમિતિ નથી, આ પરિવર્તન દેશની નીતિઓનો પણ એક હિસ્સો બની ગયું છે. આજે દેશે અંગ્રેજોના જમાનાથી અમલમાં રાખવામાં આવેલા સેંકડો કાયદાઓ બદલી ચુક્યો છે. ભારતનું અંદાજપત્ર, જેમાં આટલા દાયકાઓથી બ્રિટિશ સંસદના સમયનું પાલન કરવામાં આવતું હતું તેના સમય અને તારીખને પણ બદલી નાખવામાં આવ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા હવે દેશના યુવાનોને વિદેશી ભાષાની મજબૂરીમાંથી પણ આઝાદ કરવામાં આવી રહ્યા છે. એટલે કે, આજે દેશનો વિચાર અને દેશનો વ્યવહાર બંને ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઇ રહ્યા છે. આ આઝાદી આપણને વિકસિત ભારતના લક્ષ્ય સુધી લઇ જશે.
સાથીઓ,
મહાકવિ ભરતિયારે ભારતની મહાનતા વિશે તમિલ ભાષામાં ખૂબ જ સુંદર કવિતા લખી છે. આ કવિતાનું શીર્ષક છે – પારુકુલૈ નલ્લ નાડઅ-યિંગલ, ભરત નાડ-અ, મહાન કવિ ભરતિયારની આ કવિતા દરેક ભારતીયને ગૌરવથી છલકાવી દે તેવી છે. તેમની આ કવિતાનો અર્થ છે કે, આપણો દેશ ભારત, સમગ્ર વિશ્વમાં સૌથી મહાન છે. જ્ઞાનમાં, આધ્યાત્મિકતામાં, ગરિમામાં, અન્નદાનમાં, સંગીતમાં, શાશ્વત કવિતાઓમાં, આપણો દેશ ભારત, સમગ્ર વિશ્વમાં સૌથી મહાન છે. પરાક્રમમાં, સૈન્યના શૌર્યમાં, કરુણામાં, અન્ય લોકોની સેવા કરવામાં, જીવનનું સત્ય શોધવામાં, વૈજ્ઞાનિક સંશોધનોમાં, આપણો દેશ ભારત, સમગ્ર વિશ્વમાં સૌથી મહાન છે. આ તમિલ કવિ ભરતિયારના એક એક શબ્દ, એક એક લાગણીનો તેમની કવિતામાં અનુભવ કરો.
સાથીઓ,
ગુલામીના એ કાળખંડમાં, તે આખી દુનિયા માટે ભારતની હુંકાર હતી. તે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનો કરવામાં આવેલું આહ્વાન હતું. જે ભારતનું વર્ણન ભરતિયારે તેમની કવિતામાં કર્યું છે, આપણે એ જ સર્વશ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાનું જ છે. અને તેનો માર્ગ આ કર્તવ્ય માર્ગમાંથી પ્રશસ્ત થાય છે.
સાથીઓ,
કર્તવ્ય પથ એ માત્ર ઇંટો અને પથ્થરોનો બનેલો માર્ગ નથી. તે ભારતના લોકશાહી અતિત અને સર્વકાલીન આદર્શોનો જીવંત માર્ગ છે. અહીંયા જ્યારે દેશના લોકો મુલાકાતે આવશે, ત્યારે નેતાજીની પ્રતિમા, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, આ બધું તેમને આટલી મોટી પ્રેરણા આપશે, આ બધુ જ તેમનામાં કર્તવ્ય બોધની ભાવનાથી ઓતપ્રોત કરી દેશે! આ જ સ્થળે દેશની સરકાર કામ કરી રહી છે. તમે કલ્પના કરો કે, દેશે જેમને જનતાની સેવા કરવાની જવાબદારી સોંપી છે તેમને રાજપથ કેવી રીતે તેઓ જનતાના સેવક હોવાનો અહેસાસ કરાવી શકે? જો માર્ગ જ રાજપથ હોય, તો તેના પર થનારી મુસાફરી કેવી રીતે લોકાભિમુખ હોઇ શકે? રાજપથ બ્રિટિશ રાજ માટે હતો, જેમના માટે ભારતના લોકો ગુલામ હતા તેમના માટે હતો. રાજપથની ભાવના પણ ગુલામીનું પ્રતીક હતી, તેનીસંરચના પણ ગુલામીનું પ્રતીક હતી. આજે તેનું સ્થાપત્ય પણ બદલાઇ ગયું છે અને તેની ભાવના પણ બદલાઇ ગઇ છે. હવે જ્યારે દેશના સાંસદો, મંત્રીઓ, અધિકારીઓ જ્યારે આ માર્ગ પરથી પસાર થશે ત્યારે તેમનામાં કર્તવ્ય પથના માધ્યમથી દેશ પ્રત્યેની ફરજની ભાવનાનો બોધ આવશે, તેમને નવી ઊર્જા અને પ્રેરણા પ્રાપ્ત થશે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી લઇને કર્તવ્ય પથ સુધી, અને ત્યાં થઇને રાષ્ટ્રપતિ ભવન સુધીના આ આખા વિસ્તારમાં Nation First, સૌથી પહેલાં દેશ, આ ભાવના દરેક ક્ષણે પ્રવાહની જેમ સંચારિત થતી રહેશે.
સાથીઓ,
આજના આ અવસર પર, હું આપણા એવા શ્રમિક સાથીદારોનો વિશેષરૂપે આભાર વ્યક્ત કરવા માગુ છું જેમણે માત્ર કર્તવ્ય પથનું નિર્માણ જ નથી કર્યું, પરંતુ તેમણે પોતાના પરિશ્રમની પરાકાષ્ઠાથી દેશને પણ કર્તવ્યનો માર્ગ ચિંધ્યો છે. મને હમણાં જ તે શ્રમજીવીઓ સાથે મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેમની સાથે વાત કરતી વખતે મને અહેસાસ થયો કે દેશના ગરીબો, શ્રમિકો અને સામાન્ય માનવીઓના દિલમાં ભારતનું કેટલું ભવ્ય સપનું સજેલું છે! પોતાનો પરસેવો વહાવીને, તેઓ એ જ સપનાંને જીવંત કરી દે છે અને આજે હું, આ પ્રસંગે, એ દરેક ગરીબ શ્રમિકોનો આભાર માનું છું, તેમને અભિનંદન પાઠવું છું, જેઓ દેશના અભૂતપૂર્વ વિકાસમાં મદદ કરી રહ્યા છે, આપણા મજૂર ભાઇઓ કે જેઓ તેને ગતિ આપી રહ્યાં છે. અને જ્યારે હું, આજે આ શ્રમિક ભાઇઓ અને બહેનોને મળ્યો ત્યારે મેં તેમને કહ્યું કે આ વખતે 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં જેઓ અહીં કામ કરી ચૂક્યા છે, જે શ્રમિક ભાઇઓ છે, તેઓ પોતાના પરિવારો સાથે અહીં આપણા અતિથિ વિશેષ રહેશે. મને સંતોષ છે કે, નવા ભારતમાં આજે શ્રમ અને શ્રમજીવીઓના આદરની સંસ્કૃતિ રચાઇ રહી છે, એક પરંપરા ફરી સજીવન થઇ રહી છે. અને સાથીઓ, જ્યારે નીતિઓમાં સંવેદનશીલતાની વાત આવે છે ત્યારે નિર્ણયો પણ એટલા જ સંવેદનશીલ બનતા જાય છે. તેથી જ, દેશ હવે પોતાની શ્રમશક્તિ પર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. ‘શ્રમેવ જયતે’ આજે આ દેશનો મંત્ર બની રહ્યો છે. આથી જ, જ્યારે બનારસમાં, કાશીમાં, વિશ્વનાથ ધામના લોકાર્પણનો અલૌકિક પ્રસંગ થાય છે, ત્યારે ત્યાં શ્રમજીવી લોકોના સન્માનમાં પુષ્પ વર્ષા થાય છે. જ્યારે પ્રયાગરાજમા કુંભ મેળાનો પવિત્ર તહેવાર ઉજવાતો હોય, ત્યારે શ્રમિક સ્વચ્છતા કર્મચારીઓ પ્રત્યે આભારની ભાવના વ્યક્ત કરવામાં આવે છે. થોડા દિવસ પહેલાં જ દેશને સ્વદેશી વિમાન વાહક યુદ્ધ જહાજ INS વિક્રાંત મળ્યું છે. ત્યારે પણ મને INS વિક્રાંતના નિર્માણમાં રાત-દિવસ કામ કરનારા શ્રમિક ભાઇ અને બહેનો તેમજ તેમના પરિવારોને મળવાનો મોકો પ્રાપ્ત થયો હતો. મેં તેમની સાથે મુલાકાત કરીને તેમનો આભાર માન્યો હતો. શ્રમ પ્રત્યે સન્માનની આ પરંપરા દેશના સંસ્કારોનો અભિન્ન હિસ્સો બની રહી છે. તમને જાણીને ઘણું સારું લાગશે કે નવી સંસદના નિર્માણ બાદ તેમાં કામ કરતા શ્રમિકોને પણ એક ખાસ ગેલેરીમાં સ્થાન આપવામાં આવશે. આ ગેલેરી આવનારી પેઢીઓને એ પણ એ વાત યાદ અપાવશે કે લોકશાહીના પાયામાં એક તરફ બંધારણ છે તો બીજી તરફ શ્રમિકોનું યોગદાન પણ છે. આ જ પ્રેરણા દરેક દેશવાસીને કર્તવ્ય પથ પણ આપશે. આ જ પ્રેરણા શ્રમથી સફળતાનો માર્ગ પ્રશસ્ત કરશે.
સાથીઓ,
આપણા વ્યવહારમાં, આપણાં સાધનોમાં, આપણાં સંસાધનોમાં, આપણી માળખાકીય સુવિધાઓમાં, આધુનિકતાના આ અમૃતકાળનું મુખ્ય લક્ષ્ય છે. અને સાથીઓ, જ્યારે આપણે માળખાકીય સુવિધાઓ વિશે વાત કરીએ છીએ, ત્યારે મોટાભાગના લોકોના મનમાં સૌથી પહેલાં માર્ગો અથવા ફ્લાયઓવરનું ચિત્ર ઉપસી આવે છે. પરંતુ આધુનિક બની રહેલા ભારતમાં માળખાકીય સુવિધાઓનું વિસ્તરણ તેના કરતા ઘણું મોટું છે, તેના અનેક પાસાઓ છે. આજે ભારત સામાજિક માળખાકીય સુવિધાઓ, પરિવહનલક્ષી માળખાકીય સુવિધાઓ, ડિજિટલ માળખાકીય સુવિધાઓ તેમજ સાંસ્કૃતિક માળખાકીય સુવિધાઓ તરફ પણ એટલી જ ઝડપથી કામ કરી રહ્યું છે. હું આપને સામાજિક માળખાકીય સુવિધાઓનું ઉદાહરણ આપું છું. આજે દેશમાં એઇમ્સની સંખ્યા અગાઉની સરખામણીમાં ત્રણ ગણી થઇ ગઇ છે. મેડિકલ કોલેજોની સંખ્યામાં પણ 50 ટકાનો વધારો થયો છે. આ બાબત દર્શાવે છે કે, ભારત આજે પોતાના નાગરિકોને આધુનિક તબીબી સુવિધાઓ પૂરી પાડીને તેમના સ્વાસ્થ્યમાં વધુ સુધારો લાવવા માટે કેવી રીતે કામ કરી રહ્યું છે. આજે દેશમાં નવા IIT, ટ્રિપલ આઇટી, વૈજ્ઞાનિક સંસ્થાઓનું આધુનિક નેટવર્ક એકધારું વિસ્તરણ પામી રહ્યું છે, તૈયાર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સાડા 6 કરોડ કરતાં પણ વધુ ગ્રામીણ પરિવારોને પાઇપલાઇન દ્વારા પાણીનો પુરવઠો પહોંચાડવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આજે દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરવાનું એક મહાઅભિયાન પણ ચાલી રહ્યું છે. ભારતની આ સામાજિક માળખાકીય સુવિધાઓ, સામાજિક ન્યાયને વધુ સમૃદ્ધ બનાવી રહી છે.
સાથીઓ,
પરિવહનલક્ષી માળખાકીય સુવિધાઓના વિકાસ પર આજે ભારત જેટલું કામ કરી રહ્યું છે એટલું પહેલાં ક્યારેય કરવામાં આવ્યું નથી. આજે, એક તરફ, આખા દેશમાં ગ્રામીણ માર્ગોનું વિક્રમી સ્તરે નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ વિક્રમી સંખ્યામાં આધુનિક એક્સપ્રેસ વેનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આજે દેશમાં ઝડપી ગતિએ રેલવેનું વિદ્યુતીકરણ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે એટલી જ ઝડપથી અલગ અલગ શહેરોમાં મેટ્રોનું પણ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આજે, દેશમાં ઘણા નવા હવાઇમથકો બનાવવામાં આવી રહ્યા છે, તો સાથે સાથે જળમાર્ગોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો કરવામાં આવી રહ્યો છે. આજે ભારતે ડિજિટલ માળખાકીય સુવિધાઓના નિર્માણમાં સમગ્ર દુનિયાના અગ્રણી દેશોમાં પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે. દોઢ લાખ કરતાં પણ વધુ પંચાયતો સુધી ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડવાની વાત હોય, ડિજિટલ પેમેન્ટના નવા વિક્રમો હોય, દરેક મોરચે ભારતની ડિજિટલ પ્રગતિ અંગે આખી દુનિયામાં ચર્ચા ચાલી રહી છે.
ભાઇઓ અને બહેનો,
માળખાકીય સુવિધાઓના આ કાર્યોમાં, ભારતમાં સાંસ્કૃતિક માળખાકીય સુવિધા પર જે કામ કરવામાં આવ્યું છે તેની ખાસ એટલી ચર્ચા થઇ નથી. પ્રસાદ યોજના હેઠળ દેશના અનેક તીર્થસ્થળોનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. કાશી-કેદારનાથ-સોમનાથથી માંડીને કરતારપુર સાહિબ કોરિડોર માટે જે કામ કરવામાં આવ્યું છે તે અભૂતપૂર્વ છે. અને સાથીઓ, જ્યારે આપણે સાંસ્કૃતિક માળખાકીય સુવિધાઓ વિશે વાત કરીએ, તો તેનો અર્થ ફક્ત આસ્થાના સ્થાનોથી સંકળાયેલી માળખાકીય સુવિધાઓના વિકાસ પૂરતો સમિતિ નથી. માળખાકીય સુવિધા, કે જે આપણા ઇતિહાસ સાથે સંકળાયેલી છે, જે આપણા રાષ્ટ્ર નાયકો અને રાષ્ટ્ર નાયિકાઓ સાથે સંકળાયેલી છે, જે આપણા વારસા સાથે સંબંધ ધરાવે છે, તેનું પણ એટલી જ તત્પરતા સાથે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સરદાર પટેલની સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિમા હોય કે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સમર્પિત સંગ્રહાલય હોય, પ્રધાનમંત્રી સંગ્રહાલય હોય કે બાબાસાહેબ આંબેડકર સ્મારક, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક કે પછી રાષ્ટ્રીય પોલીસ સ્મારક હોય, આ તમામ સાંસ્કૃતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના ઉદાહરણો છે. તેઓ એવું પરિભાષિત કરે છે કે, એક રાષ્ટ્ર તરીકે આપણી સંસ્કૃતિ શું છે, આપણા મૂલ્યો શું છે અને કેવી રીતે આપણે તેનું જતન કરી રહ્યા છીએ. એક મહત્વાકાંક્ષી ભારત માત્ર સામાજિક માળખાકીય સુવિધાઓ, પરિવહનલક્ષી માળખાકીય સુવિધાઓ, ડિજિટલ માળખાકીય સુવિધાઓ તેમજ સાંસ્કૃતિક માળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન આપીને જ ઝડપી પ્રગતિ કરી શકે છે. મને એ વાતની ખુશી છે કે, આજે દેશને કર્તવ્ય પથના રૂપમાં સાંસ્કૃતિક માળખાકીય સુવિધાનું વધુ એક મહાન ઉદાહરણ પ્રાપ્ત થઇ રહ્યું છે. સ્થાપત્યકળાથી માંડીને આદર્શો સુધી, આપને અહીં ભારતની સંસ્કૃતિના પણ દર્શન થશે, અને ઘણું શીખવા પણ મળશે. હું દેશના દરેક નાગરિકને આહ્વાન કરું છું, હું સૌને બધાને આમંત્રણ પાઠવું છું કે, આવો અને આ નવ નિર્મિત કર્તવ્ય પથ પર આવી તેને જુઓ. આ નિર્માણમાં તમે ભવિષ્યનું ભારત જોવા મળશે. અહીંની ઊર્જા તમને આપણા વિશાળ રાષ્ટ્ર માટે એક નવી દૃષ્ટિ આપશે, એક નવો વિશ્વાસ આપશે અને આવતીકાલથી શરૂ કરીને અહીં આવનારા ત્રણ દિવસ એટલે કે શુક્ર, શનિ અને રવિ, આ ત્રણ દિવસ સુધી અહીં સાંજના સમયે નેતાજી સુભાષબાબુના જીવન પર આધારિત ડ્રોન શોની ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ અહીં આવો, તમારા અને તમારા પરિવારના ફોટા લો, સેલ્ફી લો. તેને આપ સૌ હેશટેગ કર્તવ્ય પથ સાથે સોશિયલ મીડિયા પર પણ જરૂર અપલોડ કરો. હું જાણું છું કે, આ સમગ્ર વિસ્તાર દિલ્હીના લોકોના દિલનો ધબકાર છે, અહીં સાંજે મોટી સંખ્યામાં લોકો તેમના પરિવાર સાથે આવે છે, સમય વ્યતિત કરે છે. કર્તવ્ય પથનું આયોજન, ડિઝાઇનિંગ અને લાઇટિંગ આ બધુ જ આ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે, કર્તવ્ય પથની આ પ્રેરણા દેશમાં કર્તવ્ય બોધનો પ્રવાહ તૈયાર કરશે, આ પ્રવાહ જ આપણને નવા અને વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ તરફ લઇ જશે. આ વિશ્વાસ સાથે જ, ફરી એકવાર આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું! મારી સાથે આપ સૌ બોલજો, હું કહીશ નેતાજી, તમે કહેજો અમર રહે! અમર રહે!
નેતાજી અમર રહે!
નેતાજી અમર રહે!
નેતાજી અમર રહે!
ભારત માતાની જય!
ભારત માતાની જય!
વંદે માતરમ્!
વંદે માતરમ્!
વંદે માતરમ્!
ખૂબ ખૂબ આભાર!