નમસ્કાર! કેન્દ્રમાં મંત્રીમંડળમાં મારા સાથીદાર અને આજ મતવિસ્તારના સાંસદ, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, ગુજરાતના લોકપ્રિય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલજી, સંસદમાં મારા સાથી શ્રી સી.આર. પાટીલ, IN-SPACeના ચેરમેન પવન ગોએન્કાજી, સ્પેસ વિભાગના સચિવ શ્રી એસ. સોમનાથજી, ભારતના અવકાશ ઉદ્યોગના તમામ પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.
આજે 21મી સદીના આધુનિક ભારતની વિકાસયાત્રામાં એક અદ્ભુત અધ્યાય ઉમેરાયો છે. હું ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર એટલે કે IN-SPACeનાં મુખ્યાલય માટે તમામ દેશવાસીઓને અને ખાસ કરીને વૈજ્ઞાનિક સમુદાયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજકાલ આપણે જોઈએ છીએ કે યુવાનોએ સોશિયલ મીડિયા પર કંઈક રોમાંચક કે રસપ્રદ પોસ્ટ કરવાની હોય છે, તો તે પહેલા તેઓ એલર્ટ કરે છે અને એલર્ટમાં મેસેજ કરે છે –‘વૉચ ધિસ સ્પેસ’ ભારતના સ્પેસ ઈન્ડસ્ટ્રી માટે, IN-SPACeનો શુભારંભ, 'Watch this space' ક્ષણ જેવો જ છે.
IN-SPACe એ ભારતના યુવાનો માટે ભારતની શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પ્રતિભાઓને તેમની પ્રતિભા દર્શાવવાની અભૂતપૂર્વ તક છે. ભલે તેઓ સરકારમાં કામ કરતા હોય કે ખાનગી ક્ષેત્રમાં, IN-SPACe બધા માટે મોટી તકો લઈને આવ્યું છે. IN-SPACeમાં ભારતના અવકાશ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની ઘણી ક્ષમતા છે અને તેથી જ હું આજે ચોક્કસપણે કહીશ કે ‘ વૉચ ધિસ સ્પેસ’ IN-SPACe સ્પેસ (અવકાશ) માટે છે, IN-SPACe પેસ (ગતિ) માટે છે, IN-SPACe એસ (અવ્વલ) માટે છે.
સાથીઓ,
દાયકાઓથી ભારતમાં અવકાશ ક્ષેત્ર સાથે સંકળાયેલા ખાનગી ઉદ્યોગને માત્ર વેન્ડર તરીકે જ જોવામાં આવતો હતો. સરકાર જ તમામ સ્પેસ મિશન્સ અને પ્રોજેક્ટ્સ પર કામ કરતી હતી. આપણાં ખાનગી ક્ષેત્રના લોકો પાસેથી જરૂરિયાત મુજબ ફક્ત થોડા ભાગો અને સાધનો લેવામાં આવતા હતા. પ્રાઈવેટ સેક્ટરને માત્ર વેન્ડર બનાવી દેવાના કારણે તેની સામે આગળ વધવાનો રસ્તો હંમેશા રોકાઈ ગયો, એક દીવાલ ઊભી થઈ ગઈ. જે લોકો સરકારી વ્યવસ્થામાં નથી, પછી ભલે તે વૈજ્ઞાનિક હોય કે પછી કોઇ યુવા, તેઓ અવકાશ ક્ષેત્રને લગતા પોતાના વિચારો પર કામ જ કરી શકતા ન હતા. અને આ બધામાં નુકસાન કોનું થઇ રહ્યું હતું? નુકસાન દેશને થતું હતું. અને વાતના સાક્ષી છે કે છેવટે તો મોટા વિચારો જ તો વિજેતા બનાવે છે. સ્પેસ સેક્ટરમાં સુધારો કરીને, તેને તમામ પ્રતિબંધોથી મુક્ત કરીને, IN-SPACe દ્વારા ખાનગી ઉદ્યોગને પણ ટેકો આપીને, દેશ આજે વિજેતા બનાવવાનું અભિયાન શરૂ કરી રહ્યો છે. આજે ખાનગી ક્ષેત્ર માત્ર વિક્રેતા બનીને જ નહીં રહે પરંતુ અવકાશ ક્ષેત્રમાં મોટા વિજેતાઓની ભૂમિકા ભજવશે. જ્યારે ભારતની સરકારી અવકાશ સંસ્થાઓનું સામર્થ્ય અને ભારતના ખાનગી ક્ષેત્રનો જુસ્સો એક સાથે આવશે ત્યારે તેના માટે આકાશ પણ ઓછું પડશે. 'આકાશ પણ મર્યાદા નથી'! જેમ વિશ્વ આજે ભારતના આઈટી ક્ષેત્રની શક્તિ જોઈ રહ્યું છે, તેવી જ રીતે આવનારા દિવસોમાં ભારતનાં અવકાશ ક્ષેત્રની તાકાત નવી ઊંચાઈઓ પર હશે. IN-SPACe અવકાશ ઉદ્યોગ, સ્ટાર્ટઅપ્સ અને ઇસરો વચ્ચે ટેક્નોલોજીની ટ્રાન્સફરને પણ સરળ બનાવવા માટે કામ કરશે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે ખાનગી ક્ષેત્ર ઈસરોના સંસાધનોનો પણ ઉપયોગ કરી શકે, ઈસરો સાથે મળીને કામ કરી શકે.
સાથીઓ,
સ્પેસ સેક્ટરમાં આ સુધારા કરતી વખતે, મારા મનમાં હંમેશા ભારતના યુવાનોનું અમર્યાદ સામર્થ્ય રહ્યું અને હું જે સ્ટાર્ટ અપ્સમાં જઈને આવ્યો છું, ખૂબ જ નાની ઉંમરના યુવાનો અને ખૂબ જ બુલંદ જુસ્સા સાથે તે આગળ પગલાં લઈ રહ્યા છે, તેમને જોઈને અને સાંભળીને મારું હૃદય ખૂબ જ ખુશ થઈ ગયું. હું આ તમામ યુવાનોને અભિનંદન આપું છું. અવકાશ ક્ષેત્રમાં પહેલાંની જે વ્યવસ્થાઓ હતી, એમાં ભારતના યુવાઓને એટલી તકો મળતી ન હતી. દેશના યુવાનો પોતાની સાથે નવીનતા, ઊર્જા અને સંશોધનની ભાવના લાવે છે. તેમની જોખમ લેવાની ક્ષમતા પણ ઘણી વધારે હોય છે. કોઈપણ દેશના વિકાસ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો કોઈ યુવક બિલ્ડીંગ બનાવવા માગતો હોય તો શું આપણે તેને કહી શકીએ કે માત્ર PWD પાસે જ બનાવડાવો. જો કોઇ યુવક ઇનોવેશન કરવા ઇચ્છતો હોય તો શું આપણે તેને કહી શકીએ કે આ કામ માત્ર સરકારી સુવિધામાંથી જ થશે. સાંભળવામાં વિચિત્ર લાગે છે પરંતુ આપણા દેશમાં અલગ-અલગ સેક્ટર્સમાં આ જ સ્થિતિ હતી. એ દેશની કમનસીબી હતી કે સમય જતાં રેગ્યુલેશન્સ અને રિસ્ટ્રિક્શન્સ વચ્ચે જે તફાવત હોય છે, એને ભૂલાવી દેવાયો. આજે જ્યારે ભારતનો યુવા વર્ગ રાષ્ટ્ર નિર્માણમાં વધુને વધુ સહભાગી બનવા માગે છે ત્યારે આપણે તેની સામે એ શરત રાખી શકીએ નહીં કે જે કરવું હોય તે સરકારી માર્ગે જ કરો. આવી શરતનો જમાનો ગયો. અમારી સરકાર ભારતના યુવાનો સામેના દરેક અવરોધને દૂર કરી રહી છે, સતત સુધારા કરી રહી છે. સંરક્ષણ ક્ષેત્રને ખાનગી ઉદ્યોગો માટે ખોલવું હોય, આધુનિક ડ્રોન નીતિ બનાવવી હોય, geospatial data માર્ગદર્શિકા બનાવવી હોય, ટેલિકોમ-આઈટી સેક્ટરમાં ગમે ત્યાંથી કામ કરવાની- વર્ક ફ્રોમ એનીવ્હેરની સુવિધા આપવાની હોય, સરકાર દરેક દિશામાં કામ કરી રહી છે. અમારો પ્રયાસ છે કે ભારતના ખાનગી ક્ષેત્ર માટે બિઝનેસ કરવા માટે મહત્તમ સરળતા-ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસનું વાતાવરણ ઊભું કરવામાં આવે, જેથી દેશનું ખાનગી ક્ષેત્ર દેશવાસીઓને જીવનની સરળતા-ઈઝ ઑફ લિવિંગમાં એટલી જ મદદ કરે.
સાથીઓ,
અહીં આવતા પહેલા હમણાં હું IN-SPACeની ટેકનિકલ લેબ અને ક્લીન રૂમ પણ જોતો હતો. અહીં ભારતીય કંપનીઓને સેટેલાઇટ્સની ડિઝાઇન, ફેબ્રિકેશન, એસેમ્બલી, એકીકરણ અને પરીક્ષણ માટેના અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ થશે. અહીં બીજી પણ ઘણી વધુ આધુનિક સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે જે અવકાશ ઉદ્યોગની ક્ષમતા વધારવામાં મદદ કરશે. આજે મને પ્રદર્શન વિસ્તારની મુલાકાતનો, અવકાશ ઉદ્યોગ અને સ્પેસ સ્ટાર્ટ-અપ્સના લોકો સાથે વાર્તાલાપ કરવાનો પણ મોકો મળ્યો. મને યાદ છે કે જ્યારે અમે સ્પેસ સેક્ટરમાં સુધારા કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે અવકાશ ઉદ્યોગમાં ખાનગી ખેલાડી કોણ આવશે? પરંતુ આજે 60થી વધુ ભારતીય ખાનગી કંપનીઓ સ્પેસ સેક્ટરમાં આવી છે, આજે તેઓ પહેલાથી જ તેમાં અગ્રેસર છે અને આજે તેમને જોઈને હું વધુ ખુશ છું. મને ગર્વ છે કે અમારા ખાનગી ઉદ્યોગના સાથીઓએ લૉન્ચ વ્હીકલ, સેટેલાઇટ, ગ્રાઉન્ડ સેગમેન્ટ અને સ્પેસ એપ્લિકેશનનાં ક્ષેત્રોમાં ઝડપથી કામ શરૂ કર્યું છે. PSLV રોકેટ બનાવવા માટે ભારતના ખાનગી ખેલાડીઓ પણ આગળ આવ્યા છે. એટલું જ નહીં, ઘણી ખાનગી કંપનીઓએ તો પોતાનાં રોકેટની ડિઝાઈન પણ બનાવી લીધી છે. આ ભારતના અવકાશ ક્ષેત્રની અમર્યાદ શક્યતાઓની એક ઝલક છે. આ માટે હું આપણા વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, યુવા ઉદ્યમીઓ અને તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આ સમગ્ર પ્રવાસમાં જે એક નવો વળાંક આવ્યો છે, એક નવી ઊંચાઈનો માર્ગ પસંદ કર્યો છે, એ માટે જો મારે કોઇને સૌથી વધુ અભિનંદન આપવા હોય, સૌથી વધુ આભાર માનવો હોય, તો મારે ઈસરોના લોકોનો આભાર માનવો પડશે. ઈસરોના આપણા જૂના સચિવ અહીં બેઠા છે જેમણે આ વાતની આગેવાની લીધી અને હવે આપણા સોમનાથજી તેને આગળ લઈ જઈ રહ્યા છે અને તેથી જ હું ઈસરોના આ સાથીઓને સંપૂર્ણ શ્રેય આપું છું. હું આ શ્રેય વૈજ્ઞાનિકોને આપી રહ્યો છું. આ કોઈ નાનો નિર્ણય નથી, મિત્રો અને આ સ્ટાર્ટઅપ્સવાળાં જાણે છે કે આવા મહત્વના નિર્ણયને કારણે તેઓ હિંદુસ્તાન અને વિશ્વને શું શું આપવાનો બુલંદ ઉત્સાહ ધરાવે છે અને તેથી આનો સમગ્ર શ્રેય ઈસરોને જાય છે. તેમણે આ કામમાં ઉત્સાહભેર પગલાં ભર્યાં છે, તેમણે વસ્તુઓને ઝડપથી આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે અને જ્યાં જ્યાં તેમની પોતાની માલિકી હતી ત્યાં તેઓ કહી રહ્યા છે કે ના, આવો દેશના યુવાનો, આ તમારું છે, તમે આગળ વધો. આ પોતે જ એક ખૂબ જ મોટો ક્રાંતિકારી નિર્ણય છે.
સાથીઓ,
આ સમયે આપણે આપણી આઝાદીનાં 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આઝાદ ભારતમાં આપણી જે સફળતાઓએ કરોડો દેશવાસીઓને પ્રેરણા આપી, તેમને આત્મવિશ્વાસ આપ્યો, તેમાં આપણી અવકાશ સિદ્ધિઓનું વિશેષ યોગદાન છે. ISRO જ્યારે કોઇ રોકેટ લૉન્ચ કરે છે, અવકાશમાં કોઇ મિશન મોકલે છે, ત્યારે આખો દેશ તેની સાથે જોડાઈ જાય છે, ગર્વ અનુભવે છે. દેશ તેના માટે પ્રાર્થના કરે છે, અને જ્યારે તે સફળ થાય છે, ત્યારે દરેક દેશવાસી તેને આનંદ, ઉમંગ અને ગર્વથી અભિવ્યક્ત કરે છે અને હિંદુસ્તાનનો દરેક નાગરિક તે સફળતાને પોતાની સફળતા માને છે. અને જો કંઈક અપ્રિય બને, અકલ્પનીય કંઈક બને, તો પણ દેશ આપણા વૈજ્ઞાનિકોની સાથે ઊભો રહીને તેમને પ્રોત્સાહિત કરે છે. કોઈ વૈજ્ઞાનિક હોય કે ખેડૂત-મજૂર હોય, વિજ્ઞાનની ટેકનિક સમજે કે ન સમજે, આ બધાથી ઉપર આપણું અંતરિક્ષ મિશન દેશના લોકોનાં- જન ગણનાં મનનું મિશન બની જાય છે. આપણે મિશન ચંદ્રયાન દરમિયાન ભારતની આ ભાવનાત્મક એકતા જોઈ હતી. ભારતનું અવકાશ મિશન એક રીતે 'આત્મનિર્ભર ભારત'ની સૌથી મોટી ઓળખ રહ્યું છે. હવે આ અભિયાનને ભારતનાં ખાનગી ક્ષેત્રની શક્તિ મળશે, તો તમે કલ્પના કરી શકો છો કે તેની શક્તિ કેટલી બધી વધી જશે.
સાથીઓ,
21મી સદીના આ સમયમાં તમારા-આપણા જીવનમાં સ્પેસ ટેક્નોલોજીની ભૂમિકા દિવસેને દિવસે વધી રહી છે. જેટલી વધુ ભૂમિકાઓ, જેટલી વધુ એપ્લિકેશન, એટલી જ વધુ શક્યતાઓ. 21મી સદીમાં સ્પેસ-ટેક એક મોટી ક્રાંતિનો આધાર બનવાની છે. સ્પેસ-ટેક હવે માત્ર દૂરના અવકાશની જ નહીં, પણ આપણી અંગત જગ્યાની ટેકનોલોજી બનવા જઈ રહી છે. સામાન્ય માનવીના જીવનમાં સ્પેસ ટેક્નોલોજીની જે ભૂમિકા છે, રોજિંદા જીવનમાં અવકાશ તકનીક જે રીતે સંકળાયેલી છે, તે તરફ ઘણીવાર કોઈનું ધ્યાન જતું નથી. આપણે ટીવી ચાલુ કરીએ છીએ, આટલી બધી ચેનલ્સ આપણને ઉપલબ્ધ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ સેટેલાઇટની મદદથી થઈ રહ્યું છે. ક્યાંક જવું છે અને એ જોવું હોય કે ટ્રાફિક છે કે નહીં, સૌથી ટૂંકો રસ્તો કયો છે, આ બધું કોની મદદથી થઈ રહ્યું છે? તે સેટેલાઇટની મદદથી થઈ રહ્યું છે. અર્બન પ્લાનિંગનાં ઘણાં કામો છે, ક્યાંક રસ્તાઓ બની રહ્યા છે, ક્યાંક પુલ બની રહ્યા છે, ક્યાંક સ્કૂલો બની રહી છે, ક્યાંક હૉસ્પિટલો બની રહી છે, ક્યાંક ગ્રાઉન્ડ વોટર ટેબલ ચેક કરવાના છે, ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર નજર રાખવાની છે, આ બધાં કામો સેટેલાઈટની મદદથી થઈ રહ્યા છે. આપણા દરિયાકાંઠાના વિસ્તારો છે એના આયોજન માટે, તેમના વિકાસમાં પણ સ્પેસ ટેક્નોલોજીની મોટી ભૂમિકા છે. દરિયામાં જતા માછીમારોને પણ સેટેલાઈટ દ્વારા માછીમારી અને દરિયાઈ તોફાનની માહિતી પહેલેથી મળી જાય છે. આજે જે વરસાદની આગાહી કરવામાં આવે છે તે લગભગ સાચી પડી રહી છે. એ જ રીતે ચક્રવાત ક્યારે આવશે, તેનો ચોક્કસ ફોલ પોઈન્ટ શું હશે, તે કઈ દિશામાં જશે, કેટલા કલાક, કેટલી મિનિટમાં આવી પડશે, આ તમામ સૂક્ષ્મ વિગતો સેટેલાઇટની મદદથી મળી રહી છે. એટલું જ નહીં, કૃષિ ક્ષેત્રમાં પાક વીમા યોજના હોય, સોઈલ હેલ્થ કાર્ડ્સનું અભિયાન હોય, તમામમાં સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. આપણે આજના આધુનિક ઉડ્ડયન ક્ષેત્રની અવકાશ તકનીક વિના કલ્પના પણ કરી શકતા નથી. આ બધા સામાન્ય માણસના જીવન સાથે જોડાયેલા વિષયો છે. ભવિષ્યમાં અને તમને ખબર હશે કે આ વખતના બજેટમાં અમે ટીવીના માધ્યમથી બાળકોને ભણાવવા, ટ્યૂશન આપવાનું એક મોટું અભિયાન કરવાની યોજના દર્શાવી છે. એટલું જ નહીં, જે બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જતા હોય છે અને જે બાળકોને ગામ છોડીને મોટા શહેરોમાં ખૂબ જ મોંઘી ફી ભરીને ટ્યૂશન લેવું પડે છે, તેઓને પણ અમે સેટેલાઇટ દ્વારા આ સિલેબસ તેમના ઘર સુધી તેમની જરૂરિયાત મુજબ તૈયાર કરાવીએ છીએ. જેથી કરીને બાળકોને વધારાના પૈસા ખર્ચવા ન પડે અને ગરીબનું ગરીબ બાળક પણ તેમના ટીવી સ્ક્રીન પર, તેમના લેપટોપની સ્ક્રીન પર, તેમના મોબાઇલ પર સેટેલાઇટ દ્વારા સારામાં સારું ટ્યૂશન મેળવી શકે, તે દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.
સાથીઓ,
ભવિષ્યમાં આવા અનેક ક્ષેત્રોમાં સ્પેસ-ટેકનો ઉપયોગ વધુ ને વધુ વધશે. આપણે સ્પેસ ટેક્નોલોજીને સામાન્ય માણસ માટે કેવી રીતે વધુ સુલભ બનાવી શકીએ, સ્પેસ-ટેક કેવી રીતે જીવનની સરળતા- ઈઝ ઑફ લિવિંગ વધારવાનું માધ્યમ બની શકે, અને દેશના વિકાસ અને સામર્થ્ય માટે આપણે આ ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, આ દિશામાં IN-SPACE અને ખાનગી ખેલાડીઓએ સતત કામ કરવાની જરૂર છે. Geo spatial mappingને લગતી પણ ઘણી બધી શક્યતાઓ આપણી સામે છે. ખાનગી ક્ષેત્ર આમાં પણ મોટી ભૂમિકા ભજવી શકે છે. આપણી પાસે આજે સરકારી ઉપગ્રહોમાંથી વિશાળ ડેટા ઉપલબ્ધ છે. હવે આવનારા સમયમાં પ્રાઈવેટ સેક્ટર પાસે પણ પોતાનો ઘણો ડેટા હશે. ડેટાની આ સંપત્તિ તમને વિશ્વમાં બહુ મોટી શક્તિ આપવાની છે. હાલમાં, વિશ્વમાં અવકાશ ઉદ્યોગનું કદ લગભગ $ 400 બિલિયન છે. 2040 સુધીમાં તે એક ટ્રિલિયન ડૉલરનો ઉદ્યોગ બનવાની સંભાવના છે. આજે આપણી પાસે પ્રતિભાની સાથે સાથે અનુભવ પણ છે, પરંતુ આજે આ ઉદ્યોગમાં આપણી ભાગીદારી માત્ર જનભાગીદારી એટલે કે ખાનગી ભાગીદારી માત્ર 2 ટકા છે. આપણે વૈશ્વિક અવકાશ ઉદ્યોગમાં આપણો હિસ્સો વધારવો પડશે, અને આમાં આપણાં ખાનગી ક્ષેત્રની મોટી ભૂમિકા છે. હું આવનારા સમયમાં સ્પેસ ટુરિઝમ અને સ્પેસ ડિપ્લોમસીના ક્ષેત્રમાં પણ ભારતની મજબૂત ભૂમિકા જોઈ રહ્યો છું. ભારતની અવકાશ કંપનીઓ વૈશ્વિક બને, આપણી પાસે વૈશ્વિક અવકાશ કંપની હોય, તે સમગ્ર દેશ માટે ગૌરવની વાત હશે.
સાથીઓ,
આપણા દેશમાં અનંત શક્યતાઓ છે, પરંતુ મર્યાદિત પ્રયત્નોથી ક્યારેય પણ અનંત શક્યતાઓને સાકાર કરી શકાતી નથી. હું તમને ખાતરી આપું છું, દેશના યુવાનોને ખાતરી આપું છું, વૈજ્ઞાનિક સ્વભાવવાળા, જોખમ લેવાની ક્ષમતાવાળા નવયુવાનોને ખાતરી આપવા માગું છું કે અવકાશ ક્ષેત્રમાં સુધારાની આ પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહેશે. ખાનગી ક્ષેત્રની જરૂરિયાતોને સાંભળવામાં આવે, સમજવામાં આવે, વ્યવસાયની શક્યતાઓનું મૂલ્યાંકન કરવામાં આવે એ માટે એક મજબૂત મિકેનિઝમ બનાવાયું છે. IN-SPACe ખાનગી ક્ષેત્રની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા સિંગલ વિન્ડો સ્વતંત્ર નોડલ એજન્સી તરીકે આ દિશામાં કામ કરશે. સરકારી કંપનીઓ, અવકાશ ઉદ્યોગ, સ્ટાર્ટઅપ્સ અને સંસ્થાઓ સાથે સુમેળ સાધીને આગળ વધવા માટે ભારત નવી ભારતીય અવકાશ નીતિ પર પણ કામ કરી રહ્યું છે. અમે સ્પેસ સેક્ટરમાં બિઝનેસ કરવાની સરળતા- ઈઝ ઑફ ડુઇંગને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં એક પોલિસી પણ લાવવાના છીએ.
સાથીઓ,
માનવતાનું ભાવિ, તેનો વિકાસ, એ બે ક્ષેત્રો છે જે આવનારા દિવસોમાં સૌથી વધુ અસરકારક બનવાના છે, આપણે જેટલું વહેલું તેનું અન્વેષણ કરીશું, વિશ્વની આ સ્પર્ધામાં આપણે વિલંબ કર્યા વિના જેટલા આગળ વધીશું, આપણે સંજોગોનું નેતૃત્વ પણ કરી શકીએ, આપણે તેને નિયંત્રિત પણ કરી શકીએ અને તે બે ક્ષેત્રો છે - એક અવકાશ છે, બીજું છે- સમુદ્ર-મહાસાગર, તે એક ખૂબ જ મોટી તાકાત બનવા જઈ રહ્યા છે અને આજે અમે તે બધાને નીતિઓ દ્વારા સંબોધવા અને યુવાનોને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને દેશના નવયુવાનોને એની સાથે જોડવા પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. આપણા યુવાનો, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અવકાશ માટે જે જિજ્ઞાસા છે, તે ભારતના અવકાશ ઉદ્યોગના વિકાસ માટે એક મહાન બળ હોય છે. તેથી જ અમારો પ્રયાસ છે કે દેશમાં બનેલી હજારો અટલ ટિંકરિંગ લૅબ્સમાં વિદ્યાર્થીઓને અવકાશ સંબંધિત વિષયોથી સતત માહિતગાર કરાય, તેમને અપડેટ રાખવામાં આવે. હું દેશની શાળાઓ અને કૉલેજોને પણ વિનંતી કરીશ કે તેઓ તેમના વિદ્યાર્થીઓને ભારતીય સંસ્થાઓ અને અવકાશ સંબંધિત કંપનીઓ વિશે જણાવે, તેમની લૅબ્સની મુલાકાત કરાવે. જે રીતે આ ક્ષેત્રમાં ભારતીય ખાનગી કંપનીઓની સંખ્યા સતત વધી રહી છે, તેનાથી પણ તેમને મદદ મળવાની છે. તમને ધ્યાનમાં હશે કે ભારતમાં અગાઉ, મને ખબર નથી કે આવું શા માટે હતું, પરંતુ હતું, મને આ જવાબદારી મળી તે પહેલાં, પરિસ્થિતિ એવી હતી કે જ્યારે સેટેલાઇટ લૉન્ચ કરવામાં આવતો ત્યારે તે આખા વિસ્તારમાં કોઈને પ્રવેશ ન હતો અને અમારા જેવા નેતા લોકો છે, એમને વીઆઇપીની જેમ, 12-15 લોકોને ત્યાં નિમંત્રિત કરીને બતાવવામાં આવતું હતું કે સેટેલાઇટ લૉન્ચ થઈ રહ્યો છે અને અમે પણ ખૂબ જ ઉત્સાહથી જોતા હતા. પરંતુ મારી વિચારસરણી અલગ છે, મારી કામ કરવાની રીત અલગ છે તેથી હું પહેલી વાર પ્રધાનમંત્રી તરીકે ત્યાં ગયો તો અમે એક નિર્ણય લીધો, અમે જોયું કે દેશના વિદ્યાર્થીઓને આમાં રસ છે, જિજ્ઞાસા છે અને એ વાત ધ્યાનમાં રાખીને જ્યાંથી આપણા ઉપગ્રહો લૉન્ચ થાય છે, એ શ્રીહરિકોટામાં અમે એક બહુ મોટી લૉન્ચ જોવાની, જ્યારે ઉપગ્રહ જાય છે ત્યારે તેને જોવા માટે એક વ્યુ ગેલેરીનું નિર્માણ કર્યું છે અને કોઈપણ નાગરિક, કોઈપણ શાળાનો વિદ્યાર્થી પણ આ કાર્યક્રમ જોઈ શકે છે અને બેસવાની વ્યવસ્થા પણ નાની નથી. 10 હજાર લોકો બેસીને આ સેટેલાઇટ લૉન્ચિંગ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વસ્તુઓ નાની લાગે છે પરંતુ ભારતના જીવન પર તેની બહુ મોટી અસર પડી રહી છે.
સાથીઓ,
IN-SPACE હેડક્વાર્ટરનું આજે ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે, જે એક પ્રકારની પ્રવૃત્તિનું કેન્દ્ર બની રહ્યું છે. મને એ વાતનો પણ આનંદ છે કે ગુજરાત વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી સંસ્થાઓનું કેન્દ્ર બની રહ્યું છે. આ પહેલ માટે, સક્રિય રહીને નીતિઓને સમર્થન આપવા બદલ હું ભૂપેન્દ્રભાઈ અને તેમની સમગ્ર ટીમનો, ગુજરાત સરકારના અમારા તમામ સાથીદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. અને તમે જાણો છો કે થોડાં અઠવાડિયા પહેલા જ જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું કામ શરૂ થયું છે. નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી હોય, નેશનલ લૉ યુનિવર્સિટી હોય, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી હોય, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી હોય, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન હોય, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી હોય, કેટલીય રાષ્ટ્રીય સંસ્થાઓ અહીં આસપાસ જ છે. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ - એટલે કે BISAG, તેની સ્થાપના દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની છે. હવે આ મોટી સંસ્થાઓ વચ્ચે IN-SPACe પણ આ સ્થળની ઓળખ વધારશે. મારો દેશના યુવાનોને, ખાસ કરીને ગુજરાતના યુવાનોને આગ્રહ છે કે આ અદ્ભુત ભારતીય સંસ્થાઓનો ભરપૂર લાભ તેઓ લે. મને ખાતરી છે કે તમારી સક્રિય ભૂમિકાથી ભારત અવકાશ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરશે. અને આજના આ શુભ અવસર પર, ખાસ કરીને ખાનગી ક્ષેત્રએ ઉત્સાહ સાથે ભાગ લીધો છે, જે યુવાનો નવા જુસ્સા સાથે, નવા સંકલ્પો સાથે આગળ આવ્યા છે, તેઓને પણ હું અભિનંદન આપું છું અને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ પણ આપું છું. હું ઈસરોના તમામ વૈજ્ઞાનિકોને પણ અને ઈસરોની સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, તમારો ખૂબ ખૂબ આભાર. અને હું માનું છું કે ગોએન્કા પ્રાઈવેટ સેક્ટરમાં ખૂબ જ સફળ વ્યક્તિત્વ રહ્યું છે, તેમના નેતૃત્વમાં IN-SPACE એ સપનાને સાકાર કરવાની ક્ષમતા સાથે આગળ વધશે જે સાચા અર્થમાં આપણાં છે. આ જ અપેક્ષાઓ સાથે, અનેક-અનેક શુભેચ્છાઓ સાથે, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું!