




પુડુચેરીના લેફટેનન્ટ ગવર્નર તમિલ સાઈજી, મુખ્યમંત્રી શ્રી એન રંગાસામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નારાયણ રાણેજી, શ્રી અનુરાગ ઠાકુરજી, શ્રી નિશિથ પ્રમાણિકજી, શ્રી ભાનુપ્રતાપસિંહ વર્માજી, પુડુચેરી સરકારના વરિષ્ઠ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, દેશના અન્ય રાજ્યોના મંત્રીઓ અને મારા યુવા સાથીઓ, વણક્કમ! આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું!
ભારત માતાના મહાન સંતાન સ્વામી વિવેકાનંદજીને તેમની જયંતી પ્રસંગે પ્રણામ કરૂં છું. આઝાદીના અમૃત મહોત્સવમાં તેમની જયંતી ખૂબ જ પ્રેરણાદાયી બની ગઈ છે. આ વર્ષ બે કારણોને લીધે પણ ખૂબ વિશેષ બની ગયું છે. આપણે આ વર્ષે શ્રી ઑરોબિન્દોની 150મી જન્મજયંતી મનાવી રહયા છીએ અને આ વર્ષે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીજીની પણ 100મી પુણ્ય તિથિ છે. આ બંને વિદ્વાનોનો પુડુચેરી સાથે ખાસ નાતો રહ્યો છે. તે બંને એકબીજાની સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રાના ભાગીદાર રહ્યા છે. આથી પુડુચેરીમાં યોજાયેલા રાષ્ટ્રીય યુવક મહોત્સવ ભારત માતાના મહાન સંતાનોને સમર્પિત કરવામાં આવ્યો છે. મિત્રો, આજે પુડુચેરીમાં એમએસએમઈ ટેકનોલોજી સેન્ટરનો પણ પ્રારંભ થયો છે. આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે એમએસએમઈની ભૂમિકા ખૂબ ખૂબ મહત્વની બની રહી છે. એ ખૂબ જ જરૂરી છે કે એમએસએમઈ એવી ટેકનોલોજીનો ઉપયોગ કરે કે જેનાથી આજે દુનિયા બદલાઈ રહી છે. એટલા માટે દેશમાં આજે ટેકનોલોજી સેન્ટર સિસ્ટમ્સ પ્રોગ્રામનું ખૂબ મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. પુડુચેરીમાં બનેલું આ એમએસએમઈ ટેકનોલોજી સેન્ટર તે દિશાનું એક ખૂબ મહત્વનું કદમ છે.
સાથીઓ,
આજે પુડુચેરીના યુવાનોને કામરાજજીના નામે મનીમંડપમ, વિવિધ ઉપયોગિતા ધરાવતા એક પ્રકારના સભાગૃહની ભેટ પણ મળી રહી છે. આ સભાગૃહ કામરાજજીના યોગદાનની યાદ તો અપાવશે જ, પણ સાથે સાથે યુવા પ્રતિભાઓને પણ પોતાની પ્રતિભા દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરૂં પાડશે.
સાથીઓ,
આજે દુનિયામાં ભારતને એક આશાની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યું છે. દુનિયા ભારતને એક વિશ્વાસની દ્રષ્ટિએ જુએ છે, કારણ કે ભારતના લોકો પણ યુવાન છે અને ભારતનું મન પણ યુવાન છે. ભારત પોતાના સામર્થ્યથી પણ યુવાન છે. ભારત પોતાના સપનાંઓથી પણ યુવાન છે. ભારત પોતાના ચિંતનથી પણ યુવાન છે. ભારત પોતાની ચેતનાથી પણ યુવાન છે. ભારત યુવાન છે, કારણ કે ભારતની દ્રષ્ટિએ પણ હંમેશા આધુનિકતાનો સ્વીકાર કર્યો છે. ભારતની વિચારધારાએ પરિવર્તનને અંગીકાર કર્યું છે. ભારત એ છે કે જેની પ્રાચીનતામાં પણ નવીનતા છે. આપણાં હજારો વર્ષ જૂના વેદો પણ કહી રહ્યા છે કે
"અપિ યથા, યુવાનો મત્સથા, નો વિશ્વં જગત્ત, અભિપિત્યે મનીષા"
આનો અર્થ એવો થાય છે કે યુવાનો જ દુનિયાને વિશ્વમાં સુખથી સુરક્ષા સુધી લઈ જાય છે. યુવાનો જ ભારત માટે, આપણાં રાષ્ટ્ર માટે સુખ અને સુરક્ષાનો માર્ગ ચોક્કસ બતાવશે. ભારતમાં જન જનથી જગત સુધી યોગની યાત્રા થાય, ક્રાંતિ હોય કે ઉત્ક્રાંતિ હોય, માર્ગ સેવાનો હોય કે સમર્પણનો હોય, વાત પરિવર્તનની હોય કે પરાક્રમની હોય, માર્ગ સહયોગનો હોય કે સુધારાનો હોય, વાત પોતાના મૂળીયાં સાથે જોડાવાની હોય કે દુનિયામાં વિસ્તરણ કરવાની હોય, પણ એવો કોઈ માર્ગ નથી કે જેમાં ભારતના યુવાનોએ આગળ ધપીને ભાગ લીધો ના હોય. જો ક્યારેક ભારતની ચેતના વિભાજિત થાય તો એવા સમયે શંકર જેવો કોઈ યુવાન આદિ શંકરાચાર્ય બનીને દેશને એકતાના સૂત્રમાં પરોવી દે છે. જ્યારે ભારતને અન્યાય તથા અત્યાચાર સામે લડવાની જરૂર પડે છે ત્યારે ગુરૂ ગોવિંદ સિંહજીના યુવા દીકરાઓના બલિદાનો આજે પણ માર્ગ દેખાડે છે. જ્યારે ભારતને આધુનિક ક્રાંતિની જરૂર પડે છે ત્યારે સરદાર ભગતસિંહથી માંડીને ચંદ્રશેખર આઝાદ અને નેતાજી સુભાષચંદ્ર સુધીના કેટલાય યુવાનો દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યૌચ્છાવર કરી દે છે. જ્યારે ભારતના આધ્યાત્મની, સર્જનની શક્તિની જરૂર પડે છે ત્યારે શ્રી ઑરોબિંદોથી માંડીને સુબ્રહ્મણ્યમ ભારતી જેવા લોકોનો સાક્ષાત્કાર થાય છે અને ભારતને જ્યારે પોતાનું ગુમાવેલું સ્વાભિમાન ફરીથી પ્રાપ્ત કરવાની અને પોતાનું ગૌરવ દુનિયામાં ફરીથી પ્રતિષ્ઠિત કરવાની અધીરતા હોય છે ત્યારે સ્વામી વિવેકાનંદ જેવો એક યુવાન ભારતના જ્ઞાનથી, તેના સનાનત આવાહનથી દુનિયાના માનસને જાગૃત કરી દે છે.
સાથીઓ,
દુનિયાએ પણ એ વાત માની છે કે ભારત પાસે બે અપાર શક્તિઓ છે- એક ડેમોગ્રાફી (વસતિ શાસ્ત્ર) અને બીજી ડેમોક્રસી (લોકશાહી). જે દેશ પાસે આટલી મોટી યુવા વસતિ હોય તેના સામર્થ્યને એટલું જ મોટું માનવામાં આવે છે. તેની સંભાવનાઓને પણ એટલી જ વ્યાપક માનવામાં આવે છે, પરંતુ ભારતના યુવાનો પાસે ડેમોગ્રાફિક ડિવિડંડની સાથે સાથે લોકતાંત્રિક મૂલ્યો પણ છે અને તેનું ડેમોગ્રાફિક ડિવિડંડ પણ અતુલનીય છે. ભારત પોતાના યુવાનોને ડેમોગ્રાફિક ડિવિડંડની સાથે સાથે વિકાસનું પ્રેરકબળ પણ માને છે. આજે ભારનતા યુવાનો આપણાં વિકાસની સાથે સાથે ભારતના લોકતાંત્રિક મૂલ્યોને પણ આગેવાની પૂરી પાડી રહ્યા છે. તમે જુઓ, આજે ભારતના યુવાનોમાં ટેકનોલોજીને એક મોહકતા છે, તો સાથે સાથે લોકશાહીની ચેતના પણ છે. આજે ભારતના યુવાનોમાં શ્રમ અને સામર્થ્ય છે તો સાથે સાથે ભવિષ્ય અંગે સ્પષ્ટતા પણ છે. એટલા માટે, ભારત આજે જે કહે છે તેને દુનિયા આવતી કાલનો અવાજ માને છે. આજે ભારત જે સપનાંઓ જુએ છે, જે સંકલ્પો કરે છે તેમાં ભારતની સાથે વિશ્વનું ભવિષ્ય પણ જોવા મળે છે અને ભારતના આ ભવિષ્યની સાથે દુનિયાના ભવિષ્યનું પણ આજે નિર્માણ થઈ રહ્યું છે. આ જવાબદારી અને આ સૌભાગ્ય તમારા જેવા દેશના અનેક કરોડ નવયુવાનોને મળ્યું છે. 2022નું આ વર્ષ તમારા માટે, ભારતની યુવા પેઢી માટે ખૂબ જ મહત્વનું છે. આજે આપણે 25મો રાષ્ટ્રીય યુવક મહોત્સવ મનાવી રહયા છીએ. આ નેતાજી સુભાષ બાબુની જન્મ જયંતીનુ વર્ષ પણ છે. 25 વર્ષ પછી દેશ તેની આઝાદીના 100 વર્ષ પણ ઉજવશે. એટલે કે 25નો આ સંયોગ ચોક્કસ સ્વરૂપે ભારતની ભવ્ય અને દિવ્ય તસવીર બનાવવાનો એક યોગ પણ છે. આઝાદી સમયે જે યુવા પેઢી હતી તેણે દેશ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરવામાં એક પણ ક્ષણ ગૂમાવી ન હતી, પરંતુ આજના યુવાને દેશ માટે જીવવાનું છે અને આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાં સાકાર કરવાના છે. મહર્ષિ ઑરોબિંદોએ કહ્યું હતું કે એક હિંમતવાન, નિખાલસ, સ્વચ્છ મનનો, હિંમતવાન અને મહત્વાકાંક્ષી યુવાન એવો પાયો છે કે જેની ઉપર ભવિષ્યના રાષ્ટ્રનું નિર્માણ થશે. તેમની આ વાત આજના 21મી સદીના ભારતના યુવાનો માટે જીવનમંત્ર જેવી છે. આજે આપણે એક રાષ્ટ્ર તરીકે દુનિયાના સૌથી મોટા યુવાન દેશ તરીકે એક મુકામ પર છીએ, જે ભારતના નવા સપનાં અને નવા સંકલ્પોનો મુકામ છે, કે જે ભારતના યુવાનોનું સામર્થ્ય ભારતને એક નવી ઉંચાઈ પર લઈ જશે.
શ્રી ઑરબિંદો યુવાનો માટે એવું કહેતા હતા કે યુવાનોએ જ નવી દુનિયાનું નિર્માણ કરવાનું છે. ક્રાંતિ અને ઉત્ક્રાંતિની આસપાસ તેમણે પોતાની જે વિચારધારા રજૂ કરી હતી તે યુવાનોની પણ અસલી ઓળખ છે. આ બે ગુણ એક ધબકતા રાષ્ટ્ર માટે મોટી તાકાત છે. યુવાનોમાં એક ક્ષમતા હોય છે, એક સામર્થ્ય હોય છે કે જે જૂની રૂઢિઓનો બોજ લઈને ચાલતા નથી, પણ તેને ત્યજી દેવામાં માને છે. આવા જ યુવાનો પોતાને, સમાજને નવા પડકારો અને નવી માંગના આધારે વિકસિત કરે છે, નવું સર્જન કરે છે. અને આજે આપણે દેશમાં આવું થતું જોઈ રહ્યા છીએ. હવે ભારતનો યુવાન ઉત્ક્રાંતિ ઉપર સૌથી વધુ ધ્યાન આપી રહ્યો છે. આજે જે અવરોધો નડી રહ્યા છે તે વિકાસ માટે આગળ ધપાવી રહ્યા છે. આજે ભારતનો યુવાનો ઈનોવેશન કરી રહયો છે. સમસ્યાઓના સમાધાન માટે સંગઠિત થઈ રહ્યો છે. મિત્રો, વર્તમાન સમયનો યુવાન "CAN DO"ની ભાવના ધરાવે છે, જે દરેક પેઢી માટે પ્રેરણારૂપ છે. આજના ભારતનો યુવાન વિશ્વની સમૃધ્ધિના નિયમો લખી રહ્યો છે. સમગ્ર દુનિયાની યુનિકોર્ન વ્યવસ્થામાં ભારતના યુવાનોની બોલબાલા છે. ભારત પાસે આજે 50 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સની મજબૂત વ્યવસ્થા છે, એમાંથી 10 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ તો કોરોનાના પડકારની વચ્ચે વિતેલા 6 થી 7 મહિનામાં જ બન્યા છે. ભારતની આ જ તો તાકાત છે. જેના બળ ઉપર આપણો દેશ સ્ટાર્ટઅપ્સના પૂર્ણ યુગમાં પ્રવેશ કરી રહ્યો છે.
સાથીઓ,
નવા ભારતનો એ મંત્ર છે કે સ્પર્ધા કરો અને લડી લો. સંગઠિત થાવ અને જંગ જીતો. પેરા- ઓલિમ્પિક્સમાં ભારતે જેટલા મેડલ જીત્યા છે તેટલા મેડલ તો અત્યાર સુધીમાં ભારતના ઈતિહાસમાં પણ જીતવામાં આવ્યા ન હતા. ઓલિમ્પિકમાં પણ આપણું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે, કારણ કે આપણાં યુવાનોમાં જીતનો વિશ્વાસ પેદા થયો છે. આપણાં કોવિડ રસીકરણ કાર્યક્રમની સફળતામાં પણ યુવાનોની કાર્યક્ષમતા રહી છે, જે અલગ સ્તરે નજરે પડે છે. આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે 15થી 18 વર્ષના યુવાનો ઝડપભેર પોતાને રસી લગાવડાવી રહ્યા છે. આટલા ઓછા સમયમાં પણ બે કરોડથી વધુ બાળકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. હું જ્યારે આજના કિશોરોમાં કર્તવ્યનિષ્ઠાનું દર્શન કરૂં છું ત્યારે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટેનો મારો વિશ્વાસ દ્રઢ બને છે. આપણાં આ 15 થી 18 વર્ષની વયના બાળસાથીઓએ જવાબદારીની ભાવના દર્શાવી છે જે સમગ્ર કોરોના કાળમાં જોવા મળી છે.
સાથીઓ,
સરકારનો એવો પ્રયાસ રહ્યો છે કે યુવાનોની આ તાકાત માટે તેમને અવકાશ મળે. સરકારની દખલ ઓછામાં ઓછી હોય. સરકારનો પ્રયાસ તેમને યોગ્ય વાતાવરણ પૂરૂં પાડવાનો છે, સાધનો આપવાનો છે, તેમનું સામર્થ્ય વધે તેની વ્યવસ્થા કરવાનું કામ છે. ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી સરકારી પ્રક્રિયાઓને સરળ બનાવવાનો, હજારો નિયમપાલનના બોજમાંથી મુક્તિ મળે તેવી ભાવના બળ પૂરૂં પાડે છે. મુદ્રા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા જેવા અભિયાનોથી યુવાનોને ખૂબ મદદ મળી રહી છે. સ્કીલ ઈન્ડિયા, અટલ ઈનોવેશન મિશન અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાનોનું સામર્થ્ય વધારવાનો જ એક પ્રયાસ છે.
સાથીઓ,
આપણે જાણીએ છીએ કે દીકરા અને દીકરીઓ એક સમાન છે એવી ભાવના સાથે સરકારે દીકરીઓના ઉત્કર્ષ માટે તેમના લગ્નની ઉંમર 21 વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. દીકરીઓ પણ પોતાની કારકિર્દી ઘડી શકે તે માટે તેમને સમય મળે તે દિશાનું આ એક ખૂબ જ મહત્વનું કદમ છે.
સાથીઓ,
આઝાદીના આ અમૃતકાળમાં આપણાં રાષ્ટ્રીય સંકલ્પોની સિધ્ધિ આપણી કામગીરીથી નક્કી થશે. આવી કામગીરી દરેક સ્તરે, દરેક ક્ષેત્રમાં જરૂરી છે. શું આપણે વોકલ ફોર લોકલને આગળ ધપાવવા માટેનું મિશન હાથ ધરી શકીએ? શોપિંગ કરતી વખતે તમારી પસંદગીમાં કોઈ ભારતીયના શ્રમની, ભારતીય માટીની સુગંધ હોય તે બાબતને ક્યારેય ભૂલશો નહીં. દરેક વખતે આવી જ રીતે ચીજોને તોળવી અને કોઈપણ ખરીદીના નિર્ણય પહેલાં આ ત્રાજવાથી તોળીને જોઈશું તો તેમાં મારા દેશના મજૂરોના પરસેવાની મહેંક વર્તાઈ આવશે. તેમાં શ્રી ઑરોબિંદો, શ્રી વિવેકાનંદ જેવા મહાપુરૂષો કે જેમણે માટીને માતા સમાન માની હતી તેવી ભારત માતાની સુગંધ છે કે નહીં. વોકલ ફોર લોકલમાં, આપણી ઘણી સમસ્યાઓનો ઉકેલ આત્મનિર્ભરતામાં છે. આપણાં દેશમાં બનેલી ચીજોની ખરીદી કરવાથી રોજગાર પણ ઊભો થશે અને અર્થવ્યવસ્થા પણ ઝડપી ગતિથી આગળ ધપશે. દેશના ગરીબમાં ગરીબને સન્માન પણ તેનાથી જ પ્રાપ્ત થવાનું છે. અને એટલા માટે વોકલ ફોર લોકલને આપણાં દેશના નવયુવાનો પોતાનો જીવન મંત્રી બનાવી લે. તમે કલ્પના કરી શકો છો કે આઝાદીની 100 વર્ષ કેટલા ભવ્ય હશે, કેટલા દિવ્ય હશે, કેટલા સામર્થ્યથી ભરેલા હશે. એમાં સંકલ્પોની સિધ્ધિની પળ હશે.
સાથીઓ,
દર વખતે હું એક વિષયની વાત ચોક્કસપણે કહું છું અને તમારી વચ્ચે પણ આ વાત કરવાનું મન એટલા માટે થાય છે કે તમે તેનું નેતૃત્વ કર્યું છે અને તે છે-સ્વચ્છતા. સ્વચ્છતાને પણ પોતાની જીવનશૈલીનો હિસ્સો બનાવવામાં તમે સૌ નવયુવાનોનું ખૂબ મોટું યોગદાન છે. આઝાદીની લડતમાં આપણાં એવા અનેક સેનાની જોડાયા હતા કે જેમને, પોતે જેના માટે હક્કદાર હતા તેવા પોતાના યોગદાનની ઓળખ પ્રાપ્ત થઈ શકી નથી. તેમના ત્યાગ, તપસ્યા અને બલિદાનમાં કોઈ ઊણપ ન હતી, પરંતુ તેમને આ અધિકારી મળી શક્યો નથી. આવી વ્યક્તિઓ અંગે આપણાં યુવાનો જેટલું લખશે, જેટલું સંશોધન કરશે, ઈતિહાસના એ પાનાઓને શોધી શોધીને બહાર કાઢશે તેટલી દેશની આવનારી પેઢીઓમાં જાગૃતિ વધશે. આપણી આઝાદીની લડતનો ઈતિહાસ ખૂબ જ તંદુરસ્ત બનશે, વધુ સશક્ત બનશે અને વધુ પ્રેરણાદાયી બની રહેશે.
સાથીઓ,
એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પુડુચેરી એક સુંદર ઉદાહરણ છે. અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ પ્રવાહો આવીને આ સ્થળની સંગઠિતતાને ઓળખ પૂરી પાડે છે. અહીંયા જે સંવાદ થશે, જે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવશે, તમારા વિચારોમાંથી કોઈ નવો ભાવ નીકળે અને તમે અહીંથી કેટલીક નવી ચીજો શીખીને જાવ, જે વર્ષો સુધી રાષ્ટ્ર સેવા માટેની પ્રેરણા બની રહેશે. મને રાષ્ટ્રીય યુવક મહોત્સવમાં સંપૂર્ણ શ્રધ્ધા છે અને તે આપણી મહેચ્છાઓ હાંસલ કરવા માટેનો માર્ગ બની રહેશે.
સાથીઓ,
આ સમય તહેવારોનો છે. ભારતના દરેક ખૂણે અનેક તહેવાર ઉજવાઈ રહ્યા છે. ક્યાંક મકરસંક્રાંતિ, ક્યાંક લોહડી, ક્યાંક પોંગલ, ક્યાંક ઉતરાયણ, ક્યાંક બીહુ જેવા તમામ તહેવારોની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને કોરોનાથી સંપૂર્ણ સાવધાની અને સતર્કતાથી તહેવારો મનાવવાના છે. તમે ખુશ રહો, સ્વસ્થ રહો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ !