ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, લખનઉના સાંસદ અને ભારત સરકારના અમારા વરિષ્ઠ સાથી શ્રી રાજનાથ સિંહજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા અન્ય સાથીદારો, યુપીના નાયબ મુખ્યમંત્રી, રાજ્ય સરકારના પ્રધાનો, વિધાનસભા અને વિધાન પરિષદના સ્પીકર મહોદય, અહીં ઉપસ્થિત ઉદ્યોગ જગતના તમામ સાથીદારો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!
સૌ પ્રથમ, હું ઉત્તર પ્રદેશના સાંસદ તરીકે, કાશીના સાંસદ તરીકે રોકાણકારોનું સ્વાગત કરું છું અને હું રોકાણકારોનો એટલા માટે આભાર માનું છું કારણ કે તેઓએ ઉત્તર પ્રદેશની યુવા શક્તિ પર વિશ્વાસ મૂક્યો છે. ઉત્તર પ્રદેશની યુવા શક્તિમાં તમારાં સપનાં અને સંકલ્પોને નવી ઉડાન, નવી ઊંચાઈ આપવાની શક્તિ છે અને તમે જે સંકલ્પ લઈને આવ્યા છો, ઉત્તર પ્રદેશના યુવાનોની મહેનત, તેમનો પુરુષાર્થ, તેમની સમજ, તેમનું સમર્પણ તમારાં બધાં સપનાં અને સંકલ્પોને પૂર્ણ કરશે, એ હું આપને ખાતરી આપું છું.
હું કાશીનો સાંસદ છું, તેથી એક સાંસદ તરીકે, હું આ લોભ છોડી શકતો નથી, હું આ મોહને છોડી શકતો નથી કે હું એટલું તો ઇચ્છીશ કે તમે લોકો ખૂબ વ્યસ્ત રહો છો, પણ થોડો સમય કાઢીને મારી કાશી જોઇ આવો, કાશી બહુ બદલાઈ ગઈ છે, કાશી ઘણું બદલાઈ ગયું છે. વિશ્વનું આવું શહેર તેનાં પ્રાચીન સામર્થ્યથી નવા રૂપમાં સજી શકે છે, તે ઉત્તર પ્રદેશની તાકાતનું જીવંત ઉદાહરણ છે.
સાથીઓ,
યુપીમાં 80 હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ રેકોર્ડ રોકાણથી યુપીમાં હજારો નવી રોજગારીની તકો ઊભી થશે. આ ભારતની સાથે જ ઉત્તર પ્રદેશની વૃદ્ધિની વાર્તામાં વધતા જતા વિશ્વાસને દર્શાવે છે. આજનાં આ આયોજન માટે હું યુપીના યુવાનોને વિશેષ અભિનંદન આપીશ, કારણ કે તેનો સૌથી મોટો ફાયદો યુપીના યુવાનોને, યુવતીઓને, આપણી નવી પેઢીને થવાનો છે.
સાથીઓ,
આપણે અત્યારે આપણી આઝાદીનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. આ સમય આગામી 25 વર્ષ માટે અમૃતકાળ, નવા સંકલ્પનો સમય છે, નવા ધ્યેયનો સમય છે અને નવાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સબકા પ્રયાસના મંત્રને લઈને પરિશ્રમની પરાકાષ્ઠા કરવાનો અમૃત કાળ છે. આજે વિશ્વમાં જે વૈશ્વિક પરિસ્થિતિઓ ઊભી થઈ છે તે આપણા માટે મોટી તકો પણ લઈને આવી છે. વિશ્વ આજે જે વિશ્વાસપાત્ર ભાગીદારની શોધમાં છે તે પ્રમાણે ખરા ઉતરવાનું સામર્થ્ય ફક્ત આપણા લોકશાહી ભારત પાસે છે. આજે દુનિયા ભારતની સંભાવનાને પણ જોઈ રહી છે અને ભારતનાં પ્રદર્શનની પ્રશંસા પણ કરી રહી છે.
ભારત કોરોનાના સમયગાળા દરમિયાન પણ અટક્યું નહીં, બલકે તેના સુધારાની ગતિ વધુ વધારી દીધી. તેનું પરિણામ આજે આપણે સૌ જોઈ રહ્યાં છીએ. આપણે G-20 અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસી રહ્યા છીએ. આજે ભારત વૈશ્વિક રિટેલ ઈન્ડેક્સમાં બીજા નંબરે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોક્તા દેશ છે. ગયા વર્ષે, વિશ્વના 100થી વધુ દેશોમાંથી 84 અબજ ડૉલરનું રેકોર્ડ FDI આવ્યું છે. ભારતે પાછલાં નાણાકીય વર્ષમાં 417 અબજ ડૉલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાથી વધુના માલની નિકાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
સાથીઓ,
એક રાષ્ટ્ર તરીકે, હવે આપણા સહિયારા પ્રયાસોને અનેકગણો વધારવાનો સમય છે. આ એવો સમય છે જ્યારે આપણે આપણા નિર્ણયોને માત્ર એક વર્ષ અથવા 5 વર્ષ સુધી જોઇને મર્યાદિત કરી શકતા નથી. ભારતમાં એક મજબૂત મૅન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ, એક મજબૂત અને વૈવિધ્યસભર મૂલ્ય અને સપ્લાય ચેઇન વિકસાવવા માટે દરેક વ્યક્તિનું યોગદાન જરૂરી છે. સરકાર પોતાના તરફથી સતત નીતિઓ બનાવી રહી છે, જૂની નીતિઓમાં સુધારો કરી રહી છે.
હાલમાં જ કેન્દ્રમાં એનડીએ સરકારે તેનાં 8 વર્ષ પૂર્ણ કર્યાં છે. આ વર્ષોમાં અમે, જેમ યોગીજી હમણાં કહેતા હતા તેમ, રિફોર્મ-પરફોર્મ-ટ્રાન્સફોર્મના મંત્ર સાથે આગળ વધ્યા છીએ. અમે પોલિસી સ્ટેબિલિટી પર ભાર મૂક્યો છે, કોઓર્ડિનેશન પર ભાર મૂક્યો છે, બિઝનેસ કરવાની સરળતા-ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ પર ભાર મૂક્યો છે. વીતેલા સમયમાં અમે હજારો અનુપાલન નાબૂદ કર્યા છે, જૂના કાયદા નાબૂદ કર્યા છે. અમે અમારા સુધારા સાથે ભારતને એક રાષ્ટ્ર તરીકે મજબૂત કરવાનું કામ કર્યું છે. વન નેશન-વન ટેક્સ GST હોય, વન નેશન-વન ગ્રીડ હોય, વન નેશન-વન મોબિલિટી કાર્ડ હોય, વન નેશન-વન રાશન કાર્ડ હોય, આ તમામ પ્રયાસો અમારી નક્કર અને સ્પષ્ટ નીતિઓનું પ્રતિબિંબ છે.
જ્યારથી યુપીમાં ડબલ એન્જિનની સરકાર બની છે ત્યારથી યુપીમાં પણ આ દિશામાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. ખાસ કરીને જે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે, એનાથી યુપીમાં, વેપારીઓનો વિશ્વાસ પાછો ફર્યો છે, વેપાર માટે યોગ્ય વાતાવરણ ઊભું થયું છે. વીતેલાં વર્ષોમાં વહીવટી ક્ષમતા અને શાસનમાં પણ સુધારો થયો છે. તેથી જ આજે લોકોને યોગીજીની સરકારમાં વિશ્વાસ છે. અને જેમ ઉદ્યોગ જગતના સાથીદારો તેમના અનુભવના આધારે હમણાં ઉત્તર પ્રદેશની પ્રશંસા કરી રહ્યા હતા.
હું સાંસદ તરીકે મારા અનુભવો વર્ણવું છું. આપણે ક્યારેય ઉત્તર પ્રદેશના વહીવટને નજીકથી જોયો ન હતો. ક્યારેક મુખ્યમંત્રીઓની બેઠકમાં લોકો આવતા હતા, તો ત્યાંનો એજન્ડા કંઈ અલગ રહેતો હતો. પરંતુ એક સાંસદ તરીકે, જ્યારે મેં અહીં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે મારો વિશ્વાસ અનેકગણો વધી ગયો કે ઉત્તર પ્રદેશની અમલદારશાહી, ઉત્તર પ્રદેશના વહીવટીતંત્ર પાસે તે શક્તિ છે જે દેશ તેમની પાસેથી ઈચ્છે છે.
જે વાત ઉદ્યોગ જગતના લોકો કહી રહ્યા હતા, એક સાંસદ તરીકે મેં પોતે આ સામર્થ્યનો અનુભવ કર્યો છે. અને તેથી જ હું અહીં સરકારના તમામ અમલદારોને, સરકારના દરેક નાના-મોટા માણસને તેમનો જે મિજાજ બન્યો છે તેના માટે હું વધામણાં આપું છું, એમને અભિનંદન આપું છું.
મિત્રો, આજે યુપીની જનતાએ 37 વર્ષ પછી ફરી કોઇ સરકારને ફરીથી સત્તામાં લાવીને તેમના સેવકને એક જવાબદારી સોંપી છે.
સાથીઓ,
ઉત્તર પ્રદેશમાં ભારતની પાંચમા-છઠ્ઠા ભાગની વસ્તી વસે છે. એટલે કે, યુપીમાંથી એક વ્યક્તિનું ભલું એ ભારતના દરેક છઠ્ઠા વ્યક્તિનું ભલું હશે. હું માનું છું કે યુપી જ છે જે 21મી સદીમાં ભારતની વિકાસગાથાને વેગ આપશે. અને આ જ દસ વર્ષમાં તમે જોશો કે, ઉત્તર પ્રદેશ હિંદુસ્તાનનું બહુ મોટું પ્રેરક બળ બનવાનું છે. તમને આ 10 વર્ષમાં દેખાય જશે.
જ્યાં પરિશ્રમની પરાકાષ્ઠા કરનારા લોકો હોય, જ્યાં દેશની કુલ વસ્તીના 16 ટકાથી વધુનો ઉપભોક્તા આધાર હોય, જ્યાં 5 લાખથી વધુ વસ્તી ધરાવતાં એક ડઝનથી વધુ શહેરો હોય, જ્યાં દરેક જિલ્લાની પોતાનાં કોઇ ને કોઇ વિશેષ ઉત્પાદન હોય, જ્યાં આટલી મોટી સંખ્યામાં MSME હોય, લઘુ ઉદ્યોગો હોય, જ્યાં વિવિધ ઋતુઓમાં વિવિધ કૃષિ ઉત્પાદનો-અનાજ-ફળો-શાકભાજીઓનો વિપુલ જથ્થો હોય, ગંગા, યમુના, સર્યૂ સહિત અનેક નદીઓનાં આશીર્વાદ પ્રાપ્ત હોય, આવા યુપીને ઝડપી વિકાસ કરતા કોણ રોકી શકે છે ભલા?
સાથીઓ,
અત્યારે આ બજેટમાં જ, ભારત સરકારના બજેટની વાત કરું છું, અમે ગંગાની બંને બાજુએ 5-5 કિમીની ત્રિજ્યામાં રસાયણ મુક્ત કુદરતી ખેતી કૉરિડોર બનાવવાની જાહેરાત કરી છે. ડિફેન્સ કૉરિડોરની ચર્ચા તો થાય છે, પરંતુ આ કૉરિડોરની વાત કોઈ કરતું નથી. યુપીમાં, ગંગા અગિયારસો કિલોમીટરથી વધુ લાંબી છે અને અહીંના 25 થી 30 જિલ્લામાંથી પસાર થાય છે. તમે કલ્પના કરી શકો છો કે યુપીમાં કુદરતી ખેતીની વિશાળ સંભાવનાઓ ઊભી થવા જઈ રહી છે. યુપી સરકારે થોડાં વર્ષો પહેલા તેની ફૂડ પ્રોસેસિંગ પોલિસી પણ જાહેર કરી છે. હું સમજું છું કે, કોર્પોરેટ જગત માટે અને અહીં આવેલા ઉદ્યોગ જગતના લોકોને હું આ વિષય પર આગ્રહપૂર્વક કહેવા માગું છું. કોર્પોરેટ જગત માટે આ સમય કૃષિમાં રોકાણ કરવાની આ સુવર્ણ તક છે.
સાથીઓ,
ઝડપી વૃદ્ધિ માટે, અમારી ડબલ એન્જિન સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને ઉત્પાદન, ત્રણેય પર એક સાથે કામ કરી રહી છે. આ વર્ષનાં બજેટમાં 7.50 લાખ કરોડ રૂપિયાના અભૂતપૂર્વ મૂડી ખર્ચની ફાળવણી આ દિશામાં લેવાયેલું એક પગલું છે. મૅન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે, અમે PLI સ્કીમ્સની જાહેરાત કરી છે, જેનો લાભ તમને અહીં યુપીમાં પણ મળશે.
યુપીમાં બની રહેલો ડિફેન્સ કૉરિડોર પણ તમારા માટે મોટી સંભાવનાઓ લઈને આવી રહ્યો છે. ભારતમાં આજે ડિફેન્સ મૅન્યુફેક્ચરિંગ પર જેટલો ભાર મૂકવામાં આવી રહ્યો છે એટલો પહેલા ક્યારેય ન અપાયો હતો. અમે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ખૂબ હિંમતથી નિર્ણય લીધો છે, અમે આવી 300 વસ્તુઓની ઓળખ કરી છે અને અમે નક્કી કર્યું છે કે આ 300 વસ્તુઓ હવે વિદેશથી નહીં આવે. એટલે કે, આ 300 સૈન્ય ઉપકરણોને લગતી વસ્તુઓ છે, એટલે કે સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનમાં આવવા માગતા લોકો માટે આ 300 ઉત્પાદનો માટે એક ખાતરીપૂર્વકનું બજાર ઉપલબ્ધ છે. તેનાથી પણ તમને ઘણો ફાયદો થશે.
સાથીઓ,
અમે મૅન્યુફેક્ચરિંગ અને ટ્રાન્સપોર્ટેશન જેવા પરંપરાગત ધંધાની માગને પહોંચી વળવા માટે ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ કરી રહ્યા છીએ. અહીં યુપીમાં પણ આધુનિક પાવર ગ્રિડ હોય, ગેસ પાઈપલાઈનનું નેટવર્ક હોય કે મલ્ટિમોડલ કનેક્ટિવિટી હોય, બધા પર 21મી સદીની જરૂરિયાતો અનુસાર કામ થઈ રહ્યું છે. આજે યુપીમાં જેટલા કિલોમીટરના એક્સપ્રેસ વે પર કામ થઈ રહ્યું છે તે પોતાનામાં એક રેકોર્ડ છે. આધુનિક એક્સપ્રેસ વેનું મજબૂત નેટવર્ક ઉત્તર પ્રદેશના તમામ આર્થિક ક્ષેત્રો-ઈકોનોમિક ઝોન્સને જોડવા જઈ રહ્યું છે.
ટૂંક સમયમાં યુપી આધુનિક રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંગમ તરીકે પણ ઓળખાવાનું છે. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર અહીં યુપીમાં જ એકબીજા સાથે જોડાનાર છે. જેવર સહિત યુપીના 5 ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ અહીંની ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાના છે. ગ્રેટર નોઈડાનો વિસ્તાર હોય કે પછી વારાણસી, અહીં બે મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટ હબ પણ બનાવવામાં આવી રહ્યા છે. ઔદ્યોગિક વ્યૂહરચનાના સંદર્ભમાં, લોજિસ્ટિક્સના સંદર્ભમાં, યુપી દેશના સૌથી આધુનિક માળખાકીય સુવિધાઓ સાથેના રાજ્યોમાં સામેલ થઈ રહ્યું છે. યુપીમાં આ વધતી જતી કનેક્ટિવિટી અને વધતું જતું રોકાણ યુપીના યુવાનો માટે ઘણી નવી તકો લઈને આવી રહ્યું છે.
સાથીઓ,
આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં નિર્માણમાં ગતિ આવે એ માટે અમારી સરકારે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, વિવિધ વિભાગો, વિવિધ એજન્સીઓ, એટલું જ નહીં, સ્થાનિક સમાજની સંસ્થાઓ સુધી, આ બધાને એક સાથે જોડવા માટે, તે જ રીતે, ખાનગી ક્ષેત્ર, વ્યવસાય સંબંધિત સંસ્થાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાનું કામ આ પીએમ ગતિશક્તિ યોજના દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા, કોઈપણ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા દરેક હિતધારકને વાસ્તવિક સમયની માહિતી મળશે. તે સમયસર આયોજન કરી શકશે કે તેણે કેટલા સમયમાં તેના ભાગનું કામ પૂરું કરવાનું છે. છેલ્લાં 8 વર્ષમાં દેશમાં પ્રોજેક્ટ સમયસર પૂરા કરવાની જે નવી સંસ્કૃતિ વિકસિત થઈ છે, તે તેને નવા આયામો આપશે.
સાથીઓ,
ભારતે વીતેલાં વર્ષોમાં જે ઝડપ સાથે કામ કર્યું છે તેનું ઉદાહરણ આપણી ડિજિટલ ક્રાંતિ છે. 2014માં, આપણા દેશમાં ફક્ત 6 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો હતા. આજે તેમની સંખ્યા 78 કરોડને વટાવી ગઈ છે. 2014માં એક જીબી ડેટાની કિંમત લગભગ 200 રૂપિયા હતી. આજે તેની કિંમત ઘટીને 11-12 રૂપિયા થઈ ગઈ છે. ભારત વિશ્વના એવા દેશોમાંથી એક છે જ્યાં આટલો સસ્તો ડેટા છે. 2014માં દેશમાં 11 લાખ કિમી ઓપ્ટિકલ ફાઈબર હતો. હવે દેશમાં બિછાવાયેલ ઓપ્ટિકલ ફાઈબરની લંબાઈ 28 લાખ કિમીને વટાવી ગઈ છે.
2014માં, ઓપ્ટિકલ ફાઈબર દેશની 100થી ઓછી ગ્રામ પંચાયતો સુધી પહોંચ્યું હતું. આજે ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા પણ પોણા બે લાખને પાર કરી ગઈ છે. 2014માં દેશમાં માત્ર 90 હજારની આસપાસ કોમન સર્વિસ સેન્ટર હતા. આજે દેશમાં કોમન સર્વિસ સેન્ટરની સંખ્યા પણ 4 લાખને વટાવી ગઈ છે. આજે દુનિયાના 40 ટકા જેટલા ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે, દુનિયાના 40 ટકા. કોઈપણ હિંદુસ્તાનીને ગર્વ થશે. જે ભારતને લોકો અભણ કહે છે, તે ભારત આ કમાલ કરી રહ્યું છે.
છેલ્લાં 8 વર્ષમાં ડિજિટલ ક્રાંતિ માટે આપણે જે પાયો મજબૂત કર્યો છે તેનું જ પરિણામ છે કે આજે વિવિધ ક્ષેત્રો માટે આટલી શક્યતાઓ ઊભી થઈ છે. આપણા યુવાનોને આનો મોટો લાભ મળ્યો છે. 2014 પહેલા આપણે ત્યાં માત્ર થોડાક સો સ્ટાર્ટ-અપ્સ હતાં. પરંતુ આજે દેશમાં રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ્સની સંખ્યા પણ 70 હજારની આસપાસ પહોંચી રહી છે. તાજેતરમાં જ, ભારતે 100 યુનિકોર્નનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આપણી નવી અર્થવ્યવસ્થાની માગને પહોંચી વળવા માટે, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતાઈનો ઘણો લાભ તમને લોકોને મળવાનો છે.
સાથીઓ,
હું તમને ખાતરી આપું છું કે યુપીના વિકાસ માટે, આત્મનિર્ભર ભારતનાં નિર્માણ માટે, કોઈપણ ક્ષેત્રમાં, જે પણ સુધારાની જરૂર પડશે, તે સુધારાઓ સતત થતા રહેશે. અમે નીતિથી પણ વિકાસ સાથે છીએ, અમે નિર્ણયોથી પણ વિકાસની સાથે છીએ, અમે ઈરાદાથી પણ વિકાસની સાથે છીએ અને અમે સ્વભાવથી પણ વિકાસ સાથે છીએ.
અમે બધા તમારા દરેક પ્રયાસમાં તમારી સાથે રહીશું અને તમને દરેક પગલામાં સાથ આપીશું. ઉત્તર પ્રદેશની વિકાસયાત્રામાં પૂરા ઉત્સાહ સાથે જોડાઓ. ઉત્તર પ્રદેશનાં ભવિષ્યનું નિર્માણ તમારું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવશે. આ જીત-જીતની સ્થિતિ છે. આ રોકાણ બધા માટે શુભ બની રહે, તે બધા માટે લાભદાયી બની રહે.
એ જ ઈચ્છા સાથે ઇતિ શુભમ કહીને, તમને બધાંને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
આભાર!