ભારત માતા કી, જય.
ભારત માતા કી, જય.
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રાજેન્દ્રજી, અહીંના લોકપ્રિય અને કર્મઠ મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રી જયરામ ઠાકુરજી, પ્રદેશ અધ્યક્ષ, અમારા જૂના સાથી શ્રીમાન સુરેશજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સાથીદારો, સાંસદો, ધારાસભ્યો, હિમાચલના તમામ જનપ્રતિનિધિઓ. આજનો દિવસ મારાં જીવનનો એક ખાસ દિવસ પણ છે અને તે ખાસ દિવસે મને આ દેવભૂમિને વંદન કરવાનો મોકો મળે, એનાથી મોટું જીવનનું સૌભાગ્ય શું હોઇ શકે છે. આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવ્યા એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.
અત્યારે દેશના કરોડો-કરોડ ખેડૂતોને એમનાં ખાતાંમાં પીએમ કિસાન સન્માન નિધિના પૈસા ટ્રાન્સફર થયા, તેમને પૈસા મળી પણ ગયા, અને આજે મને શિમલાની ધરતીથી દેશના 10 કરોડથી વધુ ખેડૂતોનાં ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કરવાનો લહાવો મળ્યો છે. એ ખેડૂતો પણ શિમલાને યાદ કરશે, હિમાચલને યાદ કરશે, આ દેવભૂમિને યાદ કરશે. હું આ તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને મારાં હૃદયનાં ઊંડાણથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અનેક-અનેક શુભકામનાઓ આપું છું.
સાથીઓ,
આ કાર્યક્રમ શિમલામાં છે, પરંતુ એક રીતે આ કાર્યક્રમ આજે સમગ્ર હિંદુસ્તાનનો છે. અમારી અહીં ચર્ચા ચાલી રહી હતી કે સરકારને આઠ વર્ષ થયાં છે ત્યારે કેવો કાર્યક્રમ કરવો જોઈએ, કયો કાર્યક્રમ કરવો જોઈએ. તો અમારા નડ્ડાજી, જે હિમાચલના જ છે, આપણા જયરામજી; તેમના તરફથી એક સૂચન આવ્યું અને મને બંને સૂચનો ખૂબ ગમ્યા. આ આઠ વર્ષ નિમિત્તે, ગઈકાલે મને એવાં બાળકોની જવાબદારી સંભાળવાની તક મળી કે જેમણે કોરોનાના સમયગાળા દરમિયાન તેમનાં માતા અને પિતા બંને ગુમાવ્યા. સરકારે દેશનાં તે હજારો બાળકોની સંભાળ લેવાનું નક્કી કર્યું, અને ગઈકાલે મેં તેમને કેટલાક પૈસા પણ ડિજિટલી મોકલ્યા. આઠ વર્ષ પૂરાં થતાં આવો કાર્યક્રમ કરવાથી મનને પરમ શાંતિ મળે છે, આનંદ મળે છે. અને પછી મારી સમક્ષ એક સૂચન આવ્યું કે આપણે હિમાચલમાં એક કાર્યક્રમ કરીએ, તો મેં આંખો બંધ કરીને હા પાડી દીધી. કારણ કે મારાં જીવનમાં હિમાચલનું સ્થાન ઘણું મોટું છે, એટલું મોટું છે અને જો મને હિમાચલમાં ખુશીની પળો વિતાવવાનો મોકો મળે તો પછી પૂછવું જ શું જી. તેથી જ મેં કહ્યું હતું કે, આઠ વર્ષ નિમિત્તે દેશનો આ મહત્વપૂર્ણ કાર્યક્રમ આજે શિમલાની ધરતી પર થઈ રહ્યો છે, જે એક સમયે મારી કર્મભૂમિ હતી, મારા માટે જે દેવભૂમિ છે, મારા માટે જે પૂણ્યભૂમિ છે. ત્યાં, આજે મને આ દેવભૂમિમાંથી દેશવાસીઓ સાથે વાત કરવાનો મોકો મળે, એ પોતે જ મારા માટે મારી ખુશીને અનેકગણી વધારી દેનારું કામ છે.
સાથીઓ,
તમે બધાએ મને 130 કરોડ ભારતીયોના સેવક તરીકે કામ કરવાની જે તક આપી, મને સૌભાગ્ય મળ્યું છે, તમામ ભારતીયોનો જે વિશ્વાસ મને મળ્યો છે, જો હું આજે કંઈક કરી શકું છું, દિવસ-રાત દોડી શકું છું, તો એવું ન વિચારો કે મોદી કરે છે, એવું ન વિચારો કે મોદી દોડે છે. આ બધું 130 કરોડ દેશવાસીઓની કૃપાથી થઈ રહ્યું છે, આશીર્વાદથી થઈ રહ્યું છે, તેમનાં કારણે, તેમની તાકાતથી થઈ રહ્યું છે. પરિવારના એક સભ્ય તરીકે મેં મારી જાતને ક્યારેય એ પદ પર જોઈ નથી, કલ્પના પણ કરી નથી અને આજે પણ હું એવું નથી કહેતો કે હું કોઈ પ્રધાનમંત્રી છું. જ્યારે હું ફાઇલ પર હસ્તાક્ષર કરું છું, એક જવાબદારી હોય છે, ત્યારે તો મારે પ્રધાનમંત્રી તરીકે કામ કરવાનું હોય છે. પરંતુ ત્યારપછી જેવી ફાઈલ જતી રહે છે, હું પ્રધાનમંત્રી નથી રહેતો, હું માત્ર અને માત્ર 130 કરોડ દેશવાસીઓના પરિવારનો સભ્ય બની જાઉં છું. તમારા જ પોતાના પરિવારના એક સભ્ય તરીકે, હું એક પ્રધાન સેવક તરીકે જ્યાં પણ રહું છું, કામ કરતો રહું છું અને ભવિષ્યમાં પણ એક પરિવારના સભ્ય તરીકે, પરિવારની આશાઓ અને આકાંક્ષાઓ સાથે જોડાવવું, 130 કરોડ દેશવાસીઓનો પરિવાર, આ જ બધું મારાં જીવનમાં છે. મારાં જીવનમાં તમે જ સર્વસ્વ છો અને આ જીવન પણ તમારા માટે જ છે. અને જ્યારે અમારી સરકાર તેનાં આઠ વર્ષ પૂરાં કરી રહી છે ત્યારે આજે ફરી હું આ દેવભૂમિ પરથી મારો સંકલ્પ દોહરાવીશ, કારણ કે સંકલ્પને વારંવાર યાદ કરતા રહેવું જોઈએ, સંકલ્પને ક્યારેય ભૂલવો ન જોઈએ, અને મારો સંકલ્પ હતો, આજે છે, આગળ પણ રહેશે. જે સંકલ્પ માટે હું જીવીશ, જે સંકલ્પ માટે હું ઝઝૂમતો રહીશ, જે સંકલ્પ માટે હું આપ સૌની સાથે ચાલતો રહીશ, અને તેથી જ મારો સંકલ્પ છે ભારતવાસીનાં સન્માન માટે, દરેક ભારતવાસીની સુરક્ષા, એ દરેક ભારતવાસીની સમૃદ્ધિ કેવી રીતે વધે, ભારતવાસીને સુખ-શાંતિનું જીવન કેવી રીતે મળે, તે એક ભાવનાથી ગરીબમાં ગરીબ હોય, દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય, દૂર-દૂરનાં જંગલોમાં રહેતા લોકો હોય, પર્વતની ટોચે રહેતા છૂટાછવાયા એકાદ-બે પરિવાર હોય, દરેકનાં કલ્યાણ માટે જેટલું વધારે કામ કરી શકું, એ કરતો રહું, આ ભાવના સાથે, આજે ફરી એકવાર હું આ દેવભૂમિમાંથી મારી જાતને સંકલ્પિત કરું છું.
સાથીઓ,
આપણે સાથે મળીને ભારતને એ ઊંચાઈ પર લઈ જઈશું, જ્યાં પહોંચવાનું સપનું આઝાદી માટે શહીદ થયેલા- મરી ફિટનારા લોકોએ જોયું હતું. આઝાદીના આ અમૃત મહોત્સવમાં, હું આજે ભારતની યુવા શક્તિ, ભારતની મહિલા શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકવા સાથે, ભારતનાં બહુ ઉજ્જવળ ભવિષ્યના વિશ્વાસ સાથે તમારી વચ્ચે આવ્યો છું.
સાથીઓ,
જીવનમાં જ્યારે આપણે મોટાં લક્ષ્યો તરફ આગળ વધીએ છીએ ત્યારે ઘણી વાર એ જોવું પણ જરૂરી થઈ પડે છે કે આપણે ક્યાંથી ગયા, ક્યાંથી શરૂઆત કરી હતી. અને જ્યારે આપણે તેને યાદ કરીએ છીએ, ત્યારે જ તો હિસાબ-કિતાબની ખબર પડે છે કે આપણે ક્યાંથી નીકળ્યા અને ક્યાં પહોંચ્યા, આપણી ગતિ કેવી રહી, આપણી પ્રગતિ કેવી રહી, આપણી સિદ્ધિઓ શું રહી. 2014 પહેલાના દિવસોને યાદ કરીએ તો, એ દિવસોને ભૂલશો નહીં, સાથીઓ, ત્યારે જ આજના દિવસોની કિંમત સમજાશે. આજની પરિસ્થિતિઓને, તમને ખબર પડશે, મિત્રો, દેશે બહુ લાંબી મજલ કાપી છે.
2014 પહેલા અખબારોની હેડલાઈન્સ ભરેલી રહેતી હતી, હેડલાઈન્સ જળવાઇ રહેતી હતી, ટીવી પર ચર્ચાઓ થયા કરતી હતી. વાત શું થતી હતી, વાત લૂંટ અને ઉચાપતની, ભ્રષ્ટાચારની, વાત થતી હતી કૌભાંડોની, વાત થતી હતી ભાઇ-ભત્રીજાવાદની, વાત થતી હતી અમલદારશાહીની, વાત થતી હતી અટકેલી-લટકેલી-ભટકેલી યોજનાઓની. પરંતુ સમય બદલાઇ ગયો છે, આજે ચર્ચા થાય છે સરકારી યોજનાઓથી મળતા ફાયદા-લાભની. સિરમૌરથી આપણાં કોઇ સમાદેવી કહે છે કે મને આ લાભ મળી ગયો છે. છેલ્લાં ઘર સુધી પહોંચવાનો પ્રયાસ થાય છે. ગરીબોના પૈસા સીધા તેમનાં ખાતામાં પહોંચે એની વાત થાય છે, આજે ચર્ચા થાય છે વિશ્વમાં ભારતના સ્ટાર્ટઅપની, આજે ચર્ચા થાય છે, વિશ્વ બેંક પણ ભારતના ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસની ચર્ચા કરે છે, આજે ભારતના નિર્દોષ નાગરિકો ચર્ચા કરે છે ગુનેગારો પર કાર્યવાહી કરવાની આપણી તાકાતની, ભ્રષ્ટાચાર સામે ઝીરો ટૉલરન્સ સાથે આગળ વધવાની.
2014 પહેલાંની સરકારે ભ્રષ્ટાચારને સિસ્ટમનો અનિવાર્ય ભાગ માની લીધો હતો, ત્યારની ભ્રષ્ટાચાર સામે લડવાને બદલે તેની સામે ઘૂંટણ ટેકવી દીધા હતા, ત્યારે દેશ જોઈ રહ્યો હતો કે યોજનાઓના પૈસા જરૂરિયાતમંદો સુધી પહોંચતા પહેલા જ લૂંટાઈ જાય છે. પરંતુ આજે ચર્ચા જન-ધન ખાતાંઓથી મળતા ફાયદાઓની થઈ રહી છે, જન ધન-આધાર અને મોબાઈલથી બનેલી ત્રિશક્તિની થઈ રહી છે. પહેલાં રસોઇમાં ધૂમાડો સહન કરવાની મજબૂરી હતી, આજે ઉજ્જવલા યોજનાથી સિલિન્ડર મેળવવાની સગવડ છે. પહેલાં ખુલ્લામાં શૌચની લાચારી હતી, આજે ઘરમાં શૌચાલય બનાવીને સન્માનથી જીવવાની આઝાદી છે. પહેલાં ઈલાજ માટે પૈસા એકત્ર કરવાની વિવશતા હતી, આજે દરેક ગરીબને આયુષ્માન ભારતનો સહારો છે. પહેલાં ટ્રિપલ તલાકનો ડર હતો, હવે પોતાના અધિકારોની લડાઇ લડવાનો જુસ્સો છે.
સાથીઓ,
2014 પહેલાં દેશની સુરક્ષાને લઈ ચિંતા હતી, આજે સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈકનો ગર્વ છે, આપણી સરહદ પહેલા કરતા વધુ સુરક્ષિત છે. અગાઉ દેશનો ઉત્તર પૂર્વ તેના અસંતુલિત વિકાસથી, ભેદભાવથી પીડિત હતો, દુઃખી હતો. આજે આપણું નોર્થ ઈસ્ટ હૃદયથી પણ જોડાયેલું છે અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પણ જોડાઈ રહ્યું છે. સેવા, સુશાસન અને ગરીબોનાં કલ્યાણ માટે બનેલી અમારી યોજનાઓએ લોકો માટે સરકારનો અર્થ જ બદલી નાખ્યો છે. હવે સરકાર માઇ-બાપ નથી, એ જમાનો ગયો, હવે સરકાર સેવક છે સેવક, જનતા-જનાર્દનની સેવક. હવે સરકાર જીવનમાં દખલ કરવા નહીં પરંતુ જીવનને સરળ બનાવવા માટે કામ કરી રહી છે. વીતેલાં વર્ષોથી આપણે વિકાસની રાજનીતિને, દેશના મુખ્ય પ્રવાહમાં લાવ્યા છીએ. વિકાસની આ આકાંક્ષામાં લોકો સ્થિર સરકાર ચૂંટી રહ્યા છે, ડબલ એન્જિનવાળી સરકાર ચૂંટી રહ્યા છે.
સાથીઓ,
આપણે વારંવાર સાંભળીએ છીએ કે સરકારો આવે છે અને જાય છે, પરંતુ સિસ્ટમ એ જ રહે છે. અમારી સરકારે આ સિસ્ટમને જ ગરીબો માટે વધુ સંવેદનશીલ બનાવી છે, તેમાં સતત સુધારા કર્યા છે. પીએમ આવાસ યોજના હોય, શિષ્યવૃત્તિ આપવાની હોય કે પેન્શન યોજનાઓ હોય, ટેક્નોલોજીની મદદથી અમે ભ્રષ્ટાચારનો વ્યાપ ઓછામાં ઓછો કરી દીધો છે. જે સમસ્યાઓ અગાઉ કાયમી ગણી લેવાઇ હતી તેનો અમે કાયમી ઉકેલ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યારે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનું લક્ષ્ય હોય ત્યારે તે કામ કેવી રીતે થાય છે તેનું એક ઉદાહરણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ છે, અત્યારે હજી તો હું કહી રહ્યો હતો, DBTનાં માધ્યમથી, ડાયરેક્ટ બેનિફિટ સ્કીમનાં માધ્યમથી, 10 કરોડથી વધુ ખેડૂત પરિવારોનાં બૅન્ક ખાતાંમાં સીધા 21 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે. આ અમારા નાના ખેડૂતોની સેવા માટે છે, તેમના સન્માનનું ભંડોળ છે. છેલ્લાં 8 વર્ષમાં, આવી જ રીતે DBT દ્વારા, અમે 22 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા દેશવાસીઓનાં ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. અને એવું નથી બન્યું કે જો 100 પૈસા મોકલવામાં આવે તો પહેલાં 85 પૈસા ગુમ થઈ જતા હતા. જેટલા પૈસા મોકલ્યા, એ પૂરેપૂરા સાચા સરનામે, સાચા લાભાર્થીઓના બૅન્ક ખાતાંમાં મોકલવામાં આવ્યા છે.
સાથીઓ,
આજે આ યોજનાને કારણે 2.25 લાખ કરોડ રૂપિયાનું લીકેજ બંધ થઈ ગયું છે. પહેલાં આ જ 2.25 લાખ કરોડ રૂપિયા વચેટિયાઓના હાથમાં ચાલ્યા જતા હતા, દલાલોના હાથમાં જતા હતા. આ DBTના કારણે અમે દેશમાં સરકારી યોજનાઓનો ખોટો ફાયદો ઉઠાવનારા 9 કરોડથી વધુ નકલી નામોને યાદીમાંથી કાઢી નાખ્યાં છે. તમે વિચારો, કાગળ પર નકલી નામો આપીને ગેસ સબસિડી, બાળકોનાં શિક્ષણ માટે મોકલવામાં આવેલી ફી, કુપોષણથી મુક્તિ માટે મોકલવામાં આવેલા પૈસા, દેશમાં બધું લૂંટવાનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો હતો. શું તે દેશના ગરીબો સાથે અન્યાય ન હતો, જે બાળકો ઉજ્જવળ ભવિષ્યની આશા રાખે છે, શું તે બાળકો સાથે અન્યાય ન હતો, શું તે પાપ ન હતું? જો કોરોના સમયે આ 9 કરોડ નકલી નામો કાગળ પર જ રહ્યાં હોત તો શું સરકારના પ્રયાસોનો લાભ ગરીબોને મળતે કે?
સાથીઓ,
જ્યારે ગરીબનો રોજનો સંઘર્ષ ઓછો થાય છે, જ્યારે તે સશક્ત થાય છે, ત્યારે તે પોતાની ગરીબી દૂર કરવા માટે નવી ઊર્જા સાથે જોડાય જાય છે. આ જ વિચાર સાથે અમારી સરકાર પહેલાં દિવસથી જ ગરીબોને સશક્ત કરવામાં લાગેલી છે. અમે તેમનાં જીવનની દરેક ચિંતા હળવી કરવાનો પ્રયાસ કર્યો છે. આજે દેશના 3 કરોડ ગરીબ લોકો પાસે તેમના પાકાં અને નવાં પણ ઘર છે, જ્યાં તેઓ આજે રહેવા લાગ્યા છે. આજે દેશના 50 કરોડથી વધુ ગરીબ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા છે. આજે દેશના 25 કરોડથી વધુ ગરીબ લોકો પાસે 2-2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને ટર્મ ઈન્સ્યોરન્સ છે, વીમો છે. આજે દેશના લગભગ 45 કરોડ ગરીબ લોકોના જન ધન બૅન્ક ખાતાં છે. આજે હું ખૂબ જ ગર્વ સાથે કહી શકું છું કે દેશમાં ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે જે સરકારની કોઈ ને કોઈ યોજના સાથે સંકળાયેલો ન હોય, યોજના તેને લાભ ન આપતી હોય. અમે દૂર-દૂર પહોંચીને લોકોને રસી મૂકી છે, દેશ લગભગ 200 કરોડ રસીના ડૉઝના રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યો છે અને હું જયરામજીને અભિનંદન આપીશ, જે રીતે તેમની સરકારે કોરોના સમયગાળા દરમિયાન કામ કર્યું છે, અને તેમણે આ પ્રવાસન સ્થળ હોવાને કારણે પ્રવાસન માટે સમસ્યા ન થાય, તેથી તેમણે રસીકરણ એટલી ઝડપથી ચલાવ્યું, જયરામજીની સરકાર હિંદુસ્તાનમાં રસીકરણનું કાર્ય પૂર્ણ કરનારામાં અગ્ર હરોળમાં રહી. મિત્રો, અમે ગામમાં રહેતા 6 કરોડ પરિવારોને સ્વચ્છ પાણીનાં જોડાણથી જોડ્યા છે, નળથી જળ.
સાથીઓ,
અમે 35 કરોડ મુદ્રા લોન આપીને ગામડાં અને નાનાં શહેરોમાં કરોડો યુવાનોને સ્વરોજગારની તક આપી છે. કોઈ મુદ્રા લોન લઈને ટેક્સી ચલાવી રહ્યું છે, કોઈ ટેલરિંગની દુકાન ખોલી રહ્યું છે, કોઈ દીકરી પોતાનો બિઝનેસ શરૂ કરી રહી છે. સ્ટ્રીટ વેન્ડર્સ તરીકે કામ કરતા લગભગ 35 લાખ સાથીઓએ પણ પ્રથમ વખત બૅન્કો પાસેથી લોન મેળવી છે, તેમનાં કામને વધારવાનો માર્ગ મળ્યો છે. અને જે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે ને, તે મારા માટે સંતોષની વાત છે. તેમાં 70 ટકા, બૅન્કમાંથી પૈસા મેળવનારામાં 70 ટકા આપણી માતાઓ-બહેનો છે જે આજે ઉદ્યોગસાહસિક બનીને લોકોને રોજગાર આપી રહી છે.
સાથીઓ,
અહીં હિમાચલ પ્રદેશમાં તો દરેક ઘરમાંથી, ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે, જે પરિવારમાંથી કોઈ સૈનિક ન નીકળ્યો હોય. આ વીરોની ભૂમિ છે જી. આ વીર માતાઓની ભૂમિ છે જે પોતાના ખોળામાંથી વીરોને જન્મ આપે છે. જે વીર માતૃભૂમિની રક્ષા માટે ચોવીસ કલાક પોતાની જાતને સમર્પિત કરતા રહે છે.
સાથીઓ,
આ સૈનિકોની ભૂમિ છે, આ સૈન્ય પરિવારોની ભૂમિ છે. અહીંના લોકો ક્યારેય ભૂલી શકતા નથી કે અગાઉની સરકારોએ તેમની સાથે કેવો વ્યવહાર કર્યો, વન-રેન્ક વન-પેન્શનનાં નામે કેવી છેતરપિંડી તેમની સાથે કરી. અત્યારે અમે લદ્દાખના ભૂતપૂર્વ સૈનિક સાથે વાત કરી રહ્યા હતા. તેમણે પોતાનું જીવન સેનામાં વિતાવ્યું હતું, અમારા આવ્યા પછી તેમને કાયમી ઘર મળી રહ્યું છે, મિત્રો. તેમને નિવૃત્ત થયાને પણ 30-40 વર્ષ થઈ ગયા છે.
સાથીઓ,
સૈન્ય પરિવાર અમારી સંવેદનશીલતાને સારી રીતે સમજે છે. આ અમારી જ સરકાર છે જેણે ચાર દાયકાની રાહ જોયા પછી વન-રેન્ક વન-પેન્શન લાગુ કર્યું, આપણા ભૂતપૂર્વ સૈનિકોને એરિયર્સનાં નાણાં આપ્યા. આનો બહુ મોટો લાભ હિમાચલના દરેક પરિવારને થયો છે.
સાથીઓ,
આપણા દેશમાં દાયકાઓથી વોટ બૅન્કનું રાજકારણ થયું છે. પોતાની વોટબૅન્ક બનાવવાની રાજનીતિએ દેશને ઘણું નુકસાન કર્યું છે. અમે વોટબૅન્ક બનાવવા માટે કામ નથી કરી રહ્યા, અમે નવા ભારતનાં નિર્માણ માટે કામ કરી રહ્યા છીએ. જ્યારે ધ્યેય રાષ્ટ્રનાં નવનિર્માણનું હોય, જ્યારે લક્ષ્ય આત્મનિર્ભર ભારતનું હોય, જ્યારે ઇરાદો 130 કરોડ દેશવાસીઓની સેવા અને તેમનાં કલ્યાણનો હોય, ત્યારે વોટબૅન્ક નથી બનાવાતી, તમામ દેશવાસીઓનો વિશ્વાસ જીતવામાં આવે છે. તેથી જ અમે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ભાવના સાથે આગળ વધી રહ્યા છીએ. સરકારી યોજનાઓનો લાભ દરેકને મળે, દરેક ગરીબને મળે, કોઈ ગરીબ બાકાત ન રહે, હવે આ જ સરકારની વિચારસરણી છે અને અમે આ જ અભિગમ સાથે કામ કરી રહ્યા છીએ. અમે 100% લાભ, 100% લાભાર્થી સુધી પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું છે, લાભાર્થીઓની સંતૃપ્તિ માટે પ્રતિજ્ઞા લીધી છે. સોએ સો ટકા સશક્તીકરણનો અર્થ છે ભેદભાવ સમાપ્ત, ભલામણો ખતમ, તુષ્ટિકરણ ખતમ. સોએ સો ટકા સશક્તીકરણનો અર્થ એ છે કે દરેક ગરીબને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ. મને એ જાણીને આનંદ થયો કે હિમાચલ પ્રદેશ જય રામજીનાં નેતૃત્વમાં આ દિશામાં ઘણું સારું કામ કરી રહ્યું છે. હર ઘર જલ યોજનામાં પણ હિમાચલ પહેલેથી જ 90 ટકા ઘરોને આવરી ચૂક્યું છે. કિન્નૌર, લાહૌલ-સ્પીતિ, ચંબા, હમીરપુર જેવા જિલ્લાઓમાં તો સોએ સો ટકા કવરેજ પ્રાપ્ત થઈ ચૂક્યું છે.
સાથીઓ,
મને યાદ છે, 2014 પહેલાં જ્યારે હું તમારી વચ્ચે આવતો હતો ત્યારે કહેતો હતો કે ભારત દુનિયા સાથે આંખ ઝુકાવીને નહીં, આંખ મેળવીને વાત કરશે. આજે ભારત મજબૂરીમાં દોસ્તીનો હાથ લંબાવતું નથી અને જ્યારે મજબૂરીમાં દોસ્તીનો હાથ લંબાવે છે ને ત્યારે આ રીતે લંબાવે છે, બલ્કે મદદ કરવા માટે હાથ લંબાવે છે અને હાથ આમ કરીને લઈ જાય છે. કોરોના સમયગાળા દરમિયાન પણ અમે 150થી વધુ દેશોમાં દવાઓ, રસી મોકલી છે. અને આમાં હિમાચલ પ્રદેશના ફાર્મા હબ- બદ્દીની પણ મોટી ભૂમિકા રહી છે. ભારતે સાબિત કર્યું છે કે આપણી પાસે ક્ષમતા છે અને આપણે પર્ફોર્મર પણ છીએ. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ સ્વીકારી રહી છે કે ભારતમાં ગરીબી ઘટી રહી છે, લોકો પાસે સુવિધાઓ વધી રહી છે. તેથી હવે ભારતે માત્ર તેના લોકોની જરૂરિયાતો જ પૂરી કરવાની નથી, પરંતુ આપણે લોકોની જાગૃત થયેલી આકાંક્ષાઓને પણ પૂરી કરવાની છે. આવનારી પેઢીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે, 21મી સદીના ઉજ્જવળ ભારત માટે આપણે આપણી જાતને ખર્ચવી પડશે. એક ભારત જેની ઓળખ અભાવ નહીં પણ આધુનિકતા હોય. એક એવું ભારત કે જેમાં સ્થાનિક ઉત્પાદક, સ્થાનિક માગને પણ પૂર્ણ કરે અને વિશ્વનાં બજારોમાં પણ તેનો માલ વેચે. એક એવું ભારત જે આત્મનિર્ભર હોય, જે તેના લોકલ માટે વોકલ હોય, જેને તેનાં સ્થાનિક ઉત્પાદનો પર ગર્વ હોય.
આપણા હિમાચલની તો હસ્તકલા, અહીંનું સ્થાપત્ય પણ એટલું જ પ્રખ્યાત છે. ચંબાનું મેટલ વર્ક, સોલનની પાઈન આર્ટ, કાંગડાના લઘુચિત્રોના લોકો અને એને જોવા આવે તો પ્રવાસીઓ જ્યારે તેના દિવાના થઈ જાય છે. અમે આવાં ઉત્પાદનોને દેશના ખૂણે ખૂણે પહોંચાડવાં, આંતરરાષ્ટ્રીય બજારોની રોનક વધારે એ માટે કામ કરી રહ્યા છીએ.
આમ તો, ભાઈઓ અને બહેનો, હિમાચલનાં સ્થાનિક ઉત્પાદનોની ચમક હવે કાશીમાં બાબા વિશ્વનાથનાં મંદિર સુધી પહોંચી ગઈ છે. કુલ્લુમાં બનેલી, આપણી માતાઓ અને બહેનો બનાવે છે, કુલ્લુમાં બનાવેલા પૂહલેં શિયાળાની ઋતુમાં કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓ અને સુરક્ષા કર્મચારીઓને મદદ કરે છે. બનારસના સંસદસભ્ય તરીકે હું આ ભેટ માટે હિમાચલ પ્રદેશના લોકોનો વિશેષ આભાર વ્યક્ત કરું છું.
સાથીઓ,
છેલ્લાં 8 વર્ષના પ્રયાસોનાં જે પરિણામો મળ્યાં છે એનાથી હું ખૂબ જ વિશ્વાસથી ભરપૂર છું, આત્મવિશ્વાસથી ભરેલો છું. આપણા ભારતીયોનાં સામર્થ્ય સામે કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આજે ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ થઈ રહ્યું છે, આજે ભારત રેકોર્ડ નિકાસ કરી રહ્યું છે. 8 વર્ષ પહેલાં આપણે સ્ટાર્ટ અપના સંદર્ભમાં ક્યાંય નહોતા, આજે આપણે વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ છીએ, ત્રીજી મોટી. લગભગ-લગભગ દર અઠવાડિયે આપણા યુવાનો હજારો કરોડ રૂપિયાની કંપની તૈયાર કરી રહ્યા છે. આગામી 25 વર્ષના વિરાટ સંકલ્પોની પરિપૂર્ણતા માટે દેશ નવી અર્થવ્યવસ્થા માટે નવી માળખાકીય સુવિધાઓનું નિર્માણ પણ ઝડપથી કરી રહ્યું છે. અમે એકબીજાને ટેકો આપતી મલ્ટિમોડલ કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ બજેટમાં અમે જે પર્વતમાલા યોજના જાહેર કરી છે તે હિમાચલ જેવા પર્વતીય રાજ્યોમાં કનેક્ટિવિટી વધુ મજબૂત કરશે. એટલું જ નહીં, વાઈબ્રન્ટ બોર્ડર વિલેજ, જે અમે બજેટમાં આયોજન કર્યું છે, એનાં કારણે જે ગામો સરહદ પર આવેલાં છે, આ ગામો વાઈબ્રન્ટ બને, પ્રવાસન સ્થળ બને, પ્રવૃત્તિનું કેન્દ્ર બને. ભારત સરકારે સરહદને અડીને આવેલાં ગામોના વિકાસ માટે ખાસ યોજના બનાવી છે. આ વાઈબ્રન્ટ બોર્ડર વિલેજ યોજનાનો લાભ મારા હિમાચલના સરહદી ગામોને સ્વાભાવિક રીતે મળવાનો છે.
સાથીઓ,
આજે આપણે વિશ્વમાં શ્રેષ્ઠ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમે દેશભરમાં આરોગ્ય સેવાઓનાં આધુનિકીકરણ પર કામ કરી રહ્યા છીએ. અમે આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ જિલ્લા અને તાલુકા સ્તરે ક્રિટિકલ આરોગ્ય સંભાળ સુવિધાઓ તૈયાર કરી રહ્યા છીએ. દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ હોય તે દિશામાં કામ ચાલી રહ્યું છે. અને આટલું જ નહીં, એક ગરીબ માતાનો પુત્ર અને પુત્રી પણ ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે છે. પહેલા તો હાલત એવી હતી કે જો તેનું શાળાકીય શિક્ષણ અંગ્રેજીમાં ન થયું હોય તો તેનું ડૉક્ટર બનવાનું સપનું અધૂરું રહી જતું હતું. હવે અમે નક્કી કર્યું છે કે અમે તબીબી અને ટેકનિકલ શિક્ષણ માતૃભાષામાં આપવાનું પ્રોત્સાહિત કરીશું જેથી કરીને ગરીબમાં ગરીબ વ્યક્તિનું બાળક, ગામનું બાળક પણ ડૉક્ટર બની શકે અને તેથી તેને અંગ્રેજીના ગુલામ બનવાની જરૂર નહીં પડે.
સાથીઓ,
દેશમાં AIIMS જેવી શ્રેષ્ઠ સંસ્થાઓનો વ્યાપ દેશના છેવાડાના રાજ્યો સુધી વિસ્તારવામાં આવી રહ્યો છે. બિલાસપુરમાં બની રહેલ એઈમ્સ તેનો સીધો પુરાવો છે. હવે હિમાચલના લોકોને ચંદીગઢ કે દિલ્હી જવાની ફરજ નહીં પડે.
સાથીઓ,
આ તમામ પ્રયાસો હિમાચલ પ્રદેશના વિકાસને વેગ આપવાનું કામ પણ કરી રહ્યા છે. જ્યારે અર્થવ્યવસ્થા મજબૂત હોય છે, રોડ કનેક્ટિવિટી, ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધે છે, આરોગ્ય સેવાઓ સુધરે છે, ત્યારે પ્રવાસન પણ વધે છે. જે રીતે ભારત ડ્રોનનું ઉત્પાદન વધારી રહ્યું છે, ડ્રોનનો ઉપયોગ વધારી રહ્યું છે, એનાથી આપણા દૂરના જે વિસ્તારો છે, હિંદુસ્તાનના દૂરના જે પણ વિસ્તારો છે, પછી તે પહાડી વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, જેમ કે હિમાચલના પણ દૂરના વિસ્તારો છે, ત્યાં આ ડ્રોન સેવાઓને બહુ મોટો લાભ મળવાનો છે.
ભાઇઓ અને બહેનો,
છેલ્લાં આઠ વર્ષમાં આઝાદીના 100મા વર્ષ માટે એટલે કે 2047 માટે મજબૂત આધાર તૈયાર કરવામાં આવ્યો છે. આ અમૃતકાળમાં સિદ્ધિઓ માટે એક જ મંત્ર છે – સબકા પ્રયાસ. બધા જોડાય, બધા એક થાય અને બધા આગળ વધે - આ ભાવના સાથે આપણે કામ કરવાનું છે. કેટલી સદીઓ પછી, અને કેટલી પેઢીઓ પછી આપણને આ સૌભાગ્ય મળ્યું છે, આપણી તમારી પેઢીને મળ્યું છે. તો આવો, આપણે સંકલ્પ લઈએ, આપણે સૌ આ 'હમ સબકા પ્રયાસ'નાં આ આહ્વાનમાં સક્રિય ભાગ ભજવીશું, આપણી દરેક ફરજ બજાવીશું.
આ વિશ્વાસ સાથે, આજે હિમાચલે જે આશીર્વાદ આપ્યા છે અને દેશના દરેક બ્લોકમાં લોકો આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. આજે આખું હિંદુસ્તાન શિમલા સાથે જોડાયેલું છે. આજે કરોડો-કરોડો લોકો જોડાયેલા છે. અને આજે હું શિમલાની ધરતી પરથી એ કરોડો દેશવાસીઓ સાથે વાત કરી રહ્યો છું. હું એ કરોડો-કરોડો દેશવાસીઓને અનેક-અનેક શુભકામનાઓ પાઠવું છું અને તમારાં આશીર્વાદ બન્યાં રહે, અમે વધુ કામ કરતા રહીએ, દિવસ-રાત કામ કરતા રહીએ, જીવ લગાવીને જોતરાયેલા રહીએ. આ જ એક ભાવનાને આગળ લઈ જતા, તમારા બધાનાં આશીર્વાદ સાથે, હું ફરી એકવાર આપ સૌનો હૃદયથી આભાર માનું છું. મારી સાથે બોલો-
ભારત માતા કી – જય
ભારત માતા કી – જય!
ભારત માતા કી – જય!
ખૂબ ખૂબ ધન્યવાદ!