નમસ્કાર!
ગંગા-પુષ્કરાલુ ઉત્સવ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તમે બધા કાશીમાં આવ્યા છો, તેથી આ યાત્રામાં તમે અંગત રીતે મારા પણ મહેમાન છો, અને જેમ આપણે ત્યાં કહેવાય છે, મહેમાન ભગવાન સમાન છે. ભલે હું જવાબદારીઓને કારણે તમારું સ્વાગત કરવા ત્યાં હાજર ન રહી શક્યો, પણ મારું મન તમારી વચ્ચે હોવાનો અહેસાસ કરી રહ્યું છે. હું કાશી-તેલુગુ સમિતિ અને સંસદમાં મારા સહયોગી જીવીએએલ નરસિમ્હા રાવજીને આ કાર્યક્રમનાં આયોજન માટે અભિનંદન આપું છું. કાશીના ઘાટ પર આ ગંગા-પુષ્કરાલુ ઉત્સવ ગંગા અને ગોદાવરીના સંગમ સમાન છે. તે ભારતની પ્રાચીન સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને પરંપરાઓના સંગમનો ઉત્સવ છે. તમને યાદ હશે કે થોડા મહિનાઓ પહેલા અહીં કાશીની ધરતી પર કાશી-તમિલ સંગમમ્નું આયોજન પણ થયું હતું. હમણાં થોડા દિવસો પહેલા જ મને સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્માં પણ સામેલ થવાનો લહાવો મળ્યો. ત્યારે મેં કહ્યું હતું કે, આઝાદીનો આ અમૃતકાલ દેશની વિવિધતાઓનો, વિવિધ પ્રવાહોનો સંગમકાલ છે. આ વિવિધતાઓના સંગમમાંથી રાષ્ટ્રીયતાનું અમૃત નીકળી રહ્યું છે, જે ભારતને અનંત ભવિષ્ય સુધી ઊર્જાવાન રાખશે.
સાથીઓ,
કાશી સાથે જોડાયેલ દરેક વ્યક્તિ જાણે છે કે કાશી અને કાશીવાસીઓનો તેલુગુ લોકો સાથે કેટલો ઊંડો સંબંધ છે. જેવું કાશીમાં કોઈ તેલુગુ વ્યક્તિ આવે કે ઘણા કાશીવાસીઓને લાગે છે કે તેમના પોતાના પરિવારનો જ કોઈ સભ્ય આવ્યો છે. કાશીનાં લોકો પેઢીઓથી આપ સૌનું સ્વાગત કરતા આવ્યા છે. કાશી જેટલું પ્રાચીન છે, એટલો જ પ્રાચીન આ સંબંધ છે. કાશી જેટલી પવિત્ર છે, એટલી જ પવિત્ર કાશીમાં તેલુગુ લોકોની આસ્થા છે. આજે પણ જેટલા તીર્થયાત્રીઓ કાશી આવે છે, એમાં બહુ મોટી સંખ્યા એકલા આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનાં લોકોની જ હોય છે. તેલુગુ રાજ્યોએ કાશીને ઘણા મહાન સંતો, ઘણા આચાર્યો અને ઋષિઓ આપ્યા છે. જ્યારે કાશીનાં લોકો અને તીર્થયાત્રીઓ બાબા વિશ્વનાથનાં દર્શન કરવા જાય છે, ત્યારે તેઓ તૈલંગ સ્વામીના આશીર્વાદ લેવા તેમના આશ્રમ પણ જાય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ તો તૈલંગ સ્વામીને કાશીના જીવંત શિવ કહેતા હતા. તમે પણ જાણો છો કે તૈલંગ સ્વામીનો જન્મ વિજયનગરમમાં થયો હતો. જિદ્દકૃષ્ણમૂર્તિ જેવા ઘણા મહાન આત્માઓ થયા, જેમને આજે પણ કાશીમાં યાદ કરવામાં આવે છે.
ભાઇઓ-બહેનો,
જેમ કાશીએ તેલુગુ લોકોને અપનાવ્યાં, આત્મસાત્ કર્યાં, તે જ રીતે તેલુગુ લોકોએ પણ કાશીને પોતાના આત્મા સાથે જોડી રાખ્યું છે. ત્યાં સુધી કે પવિત્ર તીર્થ વેમુલા-વાડાને પણ દક્ષિણ કાશી કહેવામાં આવે છે. આંધ્ર અને તેલંગાણાનાં મંદિરોમાં હાથ પર જે કાળો દોરો બાંધવામાં આવે છે તેને આજે પણ કાશી દારમ્ કહેવામાં આવે છે. એ જ રીતે, શ્રીનાથ મહાકવિનો કાશી ખંડમુ ગ્રંથ હોય, એન્ગુલ વીરસ્વામૈયાનું કાશી યાત્રા ચરિત્ર હોય, કે પછી લોકપ્રિય કાશી મજિલી કથલુ હોય, કાશી અને કાશીનો મહિમા તેલુગુ ભાષા અને તેલુગુ સાહિત્યમાં પણ સમાન રીતે ઊંડે વણાયેલો છે. જો કોઈ બહારની વ્યક્તિ આ બધું જુએ તો તેના માટે માનવું મુશ્કેલ થઈ જાય કે કોઇ શહેર આટલું દૂર હોવાં છતાં પણ હૃદયની આટલી નજીક કેવી રીતે હોઈ શકે છે! પરંતુ, આ જ ભારતનો એ વારસો છે જેણે સદીઓથી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના વિશ્વાસને જીવંત રાખ્યો છે.
સાથીઓ,
કાશી એ મુક્તિ અને મોક્ષની નગરી પણ છે. એક સમય હતો જ્યારે તેલુગુ લોકો હજારો કિલોમીટર ચાલીને કાશી આવતા હતા. તેમને તેમના પ્રવાસમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આધુનિક સમયમાં હવે તે પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ રહી છે. આજે એક તરફ વિશ્વનાથ ધામનો દિવ્ય વૈભવ છે તો બીજી તરફ ગંગાના ઘાટોની ભવ્યતા પણ છે. આજે એક બાજુ કાશીની ગલીઓ છે તો બીજી બાજુ નવા રસ્તાઓ અને રાજમાર્ગોનું નેટવર્ક પણ છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનાં જે લોકો અગાઉ કાશી આવી ચૂક્યાં છે તેઓ કાશીમાં થઈ રહેલાં આ પરિવર્તનને અનુભવતાં હશે. એક સમય હતો જ્યારે એરપોર્ટથી દશાશ્વમેધ ઘાટ પહોંચવામાં કલાકો લાગી જતા હતા. આજે નવો હાઇવે બનવાથી લોકોનો ઘણો સમય બચી રહ્યો છે. એક સમય હતો જ્યારે કાશીની શેરીઓ વીજળીના વાયરોથી ભરેલી રહેતી હતી. હવે કાશીમાં મોટાભાગની જગ્યાઓ પર વીજ વાયરો પણ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. આજે કાશીના અનેક કુંડ હોય, મંદિરો સુધી પહોંચવાનો માર્ગ હોય, કાશીનાં સાંસ્કૃતિક સ્થાનો હોય, તમામનો કાયાકલ્પ થઈ રહ્યો છે. હવે તો ગંગાજીમાં સીએનજીવાળી હોડીઓ પણ ચાલવા લાગી છે. અને તે દિવસ પણ બહુ દૂર નથી જ્યારે બનારસ આવતા-જતા લોકોને રોપ-વેની સુવિધા પણ મળશે. સ્વચ્છતા અભિયાન હોય, કાશીના ઘાટોની સાફ-સફાઇ હોય, બનારસનાં લોકોએ, ત્યાંના યુવાનોએ તેને જનઆંદોલન બનાવી દીધું છે. કાશીવાસીઓએ આ કામ પોતાના પરિશ્રમથી કર્યું છે, ઘણી મહેનતથી કર્યું છે. આ માટે હું આ કાર્યક્રમ દ્વારા કાશીવાસીઓનાં જેટલા ગુણગાન કરું, જેટલું ગૌરવ કરું તેટલું ઓછું છે.
અને સાથીઓ,
હું એ પણ પૂરા વિશ્વાસ સાથે કહીશ કે કાશીનાં લોકો, તમારી સેવા અને સ્વાગતમાં કોઈ કસર છોડશે નહીં. કારણ કે મને મારા કાશીવાસીઓ પર પૂરો વિશ્વાસ છે. બાબાના આશીર્વાદ, કાલભૈરવ અને મા અન્નપૂર્ણાનાં દર્શન પોતાનામાં જ અદ્ભૂત હોય છે. ગંગાજીમાં ડૂબકી લગાવવાથી તમારા આત્માને આનંદ થશે. આ બધાની સાથે આ ઉનાળામાં તમારા માટે કાશી કી લસ્સી અને ઠંડાઈ પણ છે. બનારસ કી ચાટ, લિટ્ટી-ચોખા અને બનારસી પાન, તેનો સ્વાદ તમારી યાત્રાને વધુ યાદગાર બનાવશે. અને હું તમને વધુ એક વિનંતી કરીશ. જેમ એટિકોપપ્પાકાના લાકડાનાં રમકડાં પ્રખ્યાત છે, તેવી જ રીતે બનારસ પણ લાકડાનાં રમકડાં માટે પ્રખ્યાત છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણાથી આવેલા આપણા સાથી, તેમની સાથે લાકડાનાં બનારસી રમકડાં, બનારસી સાડીઓ, બનારસી મીઠાઈઓ, આવી ઘણી વસ્તુઓ લઈ જઈ શકે છે. જોજો, એ આપના આનંદને અનેકગણો વધારી દેશે.
સાથીઓ,
આપણા પૂર્વજોએ વિવિધ કેન્દ્રોમાં ભારતની ચેતનાને સ્થાપિત કરી, જેની સાથે ભારત માતાનું સ્વરૂપ પૂર્ણ થાય છે. કાશીમાં જો બાબા વિશ્વનાથ છે તો આંધ્રમાં મલ્લિકાર્જુન છે અને તેલંગાણામાં ભગવાન રાજ-રાજેશ્વર છે. જો કાશીમાં વિશાલાક્ષી શક્તિપીઠ છે, તો આંધ્રમાં મા ભ્રમરામ્બા છે, તેલંગાણામાં રાજ-રાજેશ્વરી છે. આવાં તમામ પવિત્ર સ્થળો ભારતની સાંસ્કૃતિક ઓળખનાં મહત્વપૂર્ણ કેન્દ્રો છે. આપણે દેશની આ વિવિધતાને આ જ સમગ્રતા સાથે જોવી પડશે. ત્યારે જ આપણે આપણી પૂર્ણતાને જાણી શકીશું, તો જ આપણે આપણાં પૂરાં સામર્થ્યને જાગૃત કરી શકીશું. મને વિશ્વાસ છે કે ગંગા-પુષ્કરાલુ જેવા ઉત્સવ રાષ્ટ્ર સેવાના આ સંકલ્પને આ જ રીતે આગળ વધારતા રહેશે. આ કામના સાથે, ફરી એકવાર હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમારી આ યાત્રા ફળદાયી, સુવિધાપૂર્ણ બની રહે અને કાશીની નવી નવી યાદો લઈને તમારાં મનમંદિરને દિવ્યતાથી ભરી દે. આ જ પ્રાર્થના હું બાબાનાં ચરણોમાં કરું છું. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર.