દેશની વિવિધ વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ, પ્રાધ્યાપકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મારા યુવા મિત્રો! આજે, ભારત મંડપમમાં ઉપસ્થિત હોય તેના કરતાં વધુ લોકો આપણી સાથે ઑનલાઇન માધ્યમથી જોડાયેલા છે. હું આ કાર્યક્રમ, G-20 યુનિવર્સિટી કનેક્ટમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌ યુવાનોને અભિનંદન પાઠવું છું.
મિત્રો,
આજથી માત્ર બે અઠવાડિયા પહેલાં જ, આ ભારત મંડપમમાં જ જબરદસ્ત હલચલન માહોલ હતો. આ ભારત મંડપમ એકદમ 'હેપનિંગ' સ્થળ બની ગયું હતું. અને મને ખુશી છે કે, આજે એ જ ભારત મંડપમાં મારું ભાવિ ભારત ઉપસ્થિત છે. ભારત, G-20 કાર્યક્રમને જે ઊંચાઇઓ પર લઇ ગયું છે તે જોઇને દુનિયા ખરેખર દંગ રહી ગઇ છે. પરંતુ તમને ખબર છે કે, મને એ વાતનું જરાય પણ આશ્ચર્ય નથી. કદાચ તમારા મનમાં સવાલ થશે કે આટલું મોટું આયોજન થઇ ગયું છે, અને તમને ખુશી નથી થઇ, તેનું કારણ શું છે? શું તમે જાણો છો, શા માટે? કારણ કે જો તમારા જેવા યુવાન વિદ્યાર્થીઓ કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી ઉપાડી લેતા હોય, જો યુવાનો સાથે જોડાઇ જતા હોય, તો તેમાં સફળતા મળશે એ વાત નક્કી જ છે.
આપ સૌ યુવાનોને કારણે આખું ભારત ‘હેપનિંગ’ સ્થળ બની ગયું છે. અને જો આપણે છેલ્લા 30 દિવસ પર જ નજર કરીએ, તો કેટલું બધું થઇ રહ્યું છે તે સ્પષ્ટપણે દેખાઇ આવે છે. અને હું જ્યારે 30 દિવસ વિશે વાત કરું છુ, તો તમે પણ સાથે સાથે તમારા 30 દિવસોને સાથે જોડતા જાઓ, છેલ્લા 30 દિવસોને જોડો. તમારા વિશ્વવિદ્યાલયના 30 દિવસો પણ યાદ કરી લેજો. અને મિત્રો, અન્ય લોકોએ કરેલા પરાક્રમો કે જે 30 દિવસમાં થયા છે તેને પણ યાદ કરો. આજે હું તમારી સમક્ષ આવ્યો છુ એટલે જ મારા નવયુવાન મિત્રો, એટલે હું તમને મારી કામગીરીનો અહેવાલ પણ આપી રહ્યો છું. હું તમને છેલ્લા 30 દિવસ પર ફરી એક નજર કરાવવા માંગુ છું. આના પરથી તમે નવા ભારતની ગતિ અને નવા ભારતની વ્યાપકતા, બંનેની ખબર પડી જશે.
સાથીઓ,
તમને બધાને યાદ હશે કે, 23મી ઑગસ્ટનો એ દિવસ કે જ્યારે હૃદયના ધબકારા છેક ગળા સુધી પહોંચી રહ્યા હતા, ભૂલી તો નથી ગયાને, સૌ કોઇ પ્રાર્થના કરી રહ્યા હતા કે, ભાઇ સાહેબ બધુ બરાબર પાર પડે, કંઇ જ ખોટું ન થાય, પ્રાર્થના કરી રહ્યા હતા ને? અને પછી અચાનક બધાના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા, આખી દુનિયાએ ભારતનો અવાજ સાંભળ્યો... ભારત ચંદ્ર પર છે. 23મી ઑગસ્ટની તે તારીખ આપણા દેશમાં ‘રાષ્ટ્રીય અવકાશ દિવસ’ તરીકે અમર બની ગઇ છે. પરંતુ એ પછી શું થયું? એક બાજુ, ચંદ્ર મિશનને સફળતા મળી, તો બીજી બાજુ, ભારતે પોતાના સૌર મિશનની શરૂઆત કરી દીધી. આપણું ચંદ્રયાન 3 લાખ કિલોમીટર દૂર સુધી ગયું છે, જ્યારે આ તો 15 લાખ કિલોમીટર દૂર સુધી જશે. તમે જ મને કહો, શું ભારતની રેન્જ (અંતર)નો કોઇ મુકાબલો કરી શકે એમ છે?
મિત્રો,
છેલ્લા 30 દિવસમાં ભારતની વ્યૂહનીતિ એક નવી ઊંચાઇ પર પહોંચી છે. G-20 પહેલાં દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે કરેલા પ્રયાસોના પરિણામ સ્વરૂપે બ્રિક્સ સમુદાયમાં 6 નવા દેશોને જોડવામાં આવ્યા છે. મારે, દક્ષિણ આફ્રિકા પછી ગ્રીસ જવાનું થયું હતું. છેલ્લા 40 વર્ષમાં કોઇપણ ભારતીય પ્રધાનમંત્રી ગ્રીસની મુલાકાત હોય તેવું આ પ્રથમ વખત બન્યું હતું. અને જેટલા પણ સારા કામ છે, જે તમે મને કરવા માટે બેસાડ્યો છે તે હું કરતો રહું છું. G-20 શિખર સંમેલનની બરાબર પહેલાં જ મારે ઇન્ડોનેશિયામાં વિશ્વના ઘણા નેતાઓ સાથે મુલાકાત થઇ હતી. આ પછી, G-20માં આ જ ભારત મંડપમમાં દુનિયા માટે મોટા-મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આજના ધ્રુવીકૃત આંતરરાષ્ટ્રીય માહોલ વચ્ચે આટલા બધા દેશોને એક જ મંચ પર લાવવા એ કોઇ નાનું કામ નથી, મિત્રો. તમે જો કોઇ એક પિકનિકનું આયોજન કરો, તો પણ ક્યાં જવું તેનો નિર્ણય તમે લઇ શકતા નથી. અમારી નવી દિલ્હી ઘોષણા અંગે 100% સંમતિ સાધવામાં આવી તે બાબત આંતરરાષ્ટ્રીય મુખ્ય સમાચાર બની ગઇ છે. આ દરમિયાન, ભારતે અનેક મહત્વપૂર્ણ પહેલ અને નિર્ણયોનું નેતૃત્વ સંભાળ્યું છે. G-20માં કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં 21મી સદીની આખી દિશા જ બદલી નાખવાનું સામર્થ્ય છે. ભારતે કરેલી પહેલના કારણે આફ્રિકન સંઘને G-20માં કાયમી સભ્ય તરીકે સ્થાન મળ્યું છે. ભારતે વૈશ્વિક જૈવ ઇંધણ ગઠબંધનનું પણ નેતૃત્વ સંભાળ્યું છે. G-20 શિખર સંમેલનમાં જ આપણે સૌએ સાથે મળીને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. આ કોરિડોર ઘણા ખંડોને એકબીજા સાથે જોડશે. આના કારણે આવનારી કેટલીય સદીઓ સુધી વેપાર અને પર્યટનને પ્રોત્સાહન મળવાનું છે.
સાથીઓ,
જ્યારે G-20 શિખર સંમેલનનું સમાપન થયું, ત્યારે દિલ્હીમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સની રાજકીય મુલાકાત શરૂ થઇ હતી. સાઉદી અરબ ભારતમાં 100 અબજ ડૉલરનું રોકાણ કરવા જઇ રહ્યું છે. અને હું જે વાત તમને બધાને કહી રહ્યો છું તે 30 દિવસની જ વાત કરું છું. છેલ્લા 30 દિવસમાં જ ભારતના પ્રધાનમંત્રી તરીકે મેં કુલ 85 વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી છે. અને આમા લગભગ અડધી દુનિયા આવી જાય છે. તમે કદાચ વિચારતા જ હશો કે આનાથી તમને શું ફાયદો થશે, વિચારો છો ને? જ્યારે અન્ય દેશો સાથે ભારતના સંબંધો સારા હોય છે, જ્યારે નવા નવા દેશો ભારત સાથે જોડાય છે, તેના કારણે ભારત માટે પણ નવી તકો ઊભી થાય છે, આપણને એક નવા ભાગીદાર, નવું બજાર મળે છે. અને આ બધાનો ફાયદો મારા દેશની યુવા પેઢીને થાય છે.
સાથીઓ,
તમે બધા વિચારતા જ હશો કે, છેલ્લા 30 દિવસના કામનો અહેવાલ આપતી વખતે હું માત્ર અવકાશ વિજ્ઞાન અને વૈશ્વિક સંબંધોની જ વાત કરતો રહીશ, પરંતુ મેં છેલ્લા 30 દિવસમાં માત્ર આટલા જ કામ કર્યા છે, એવું નથી. છેલ્લા 30 દિવસમાં અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિ- અન્ય પછાત વર્ગ, ગરીબ અને મધ્યમ વર્ગનું સશક્તિકરણ કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના આપણા હસ્તકલાકારો, કૌશલ્યવાન કારીગરો અને પરંપરાગત કામ સાથે સંકળાયેલા લોકો માટે છે. છેલ્લા 30 દિવસમાં રોજગાર મેળાનું આયોજન કરીને 1 લાખ કરતાં વધુ યુવાનોને કેન્દ્ર સરકારમાં સરકારી નોકરી આપવામાં આવી છે. આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 6 લાખ કરતાં વધુ યુવક, યુવતીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે.
આ 30 દિવસમાં જ તમે દેશના નવી સંસદ ભવનનું પ્રથમ સંસદ સત્ર પણ જોયું હશે. દેશના નવા સંસદ ભવનમાં પહેલું વિધેયક પાસ કરવામાં આવ્યું, જેના કારણે આખો દેશ ગૌરવથી છલકાઇ ગયો છે. સંસદે નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસના મહત્વનો સહર્ષ સ્વીકાર કર્યો છે.
સાથીઓ,
વિતેલા 30 દિવસમાં જ, દેશમાં ઇલેક્ટ્રિક પરિવહનનું વિસ્તરણ કરવા માટે અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમારી સરકારે બૅટરી ઉર્જા સંગ્રહ પ્રણાલીને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ યોજનાને સ્વીકૃતિ આપી છે. થોડા દિવસો પહેલાં જ, અમે દ્વારકામાં યશોભૂમિ આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. યુવાનોને રમતગમતમાં વધુ તકો મળી રહે તે માટે મેં વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનનો શિલાન્યાસ પણ કર્યો છે. 2 દિવસ પહેલાં મેં 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. એક જ દિવસમાં આટલી બધી આધુનિક ટ્રેનો એક સાથે શરૂ કરવી એ પણ અમારી ઝડપ અને વ્યાપકતાનો પુરાવો આપે છે.
આ 30 દિવસોમાં, અમે પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતામાં વધારો કરવા માટે અન્ય એક મોટું પગલું ભર્યું છે. મધ્યપ્રદેશમાં આવેલી એક રિફાઇનરીમાં પેટ્રોકેમિકલ પરિસંકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં જ અક્ષય ઉર્જા, આઇટી પાર્ક, એક મેગા ઔદ્યોગિક પાર્ક તેમજ 6 નવા ઔદ્યોગિક ક્ષેત્રો પર કામ શરૂ થઇ ગયું છે. આ તમામ કાર્યો કે જે મેં ગણાવ્યા છે, તેનો સીધો સંબંધ યુવાનોના કૌશલ્ય સાથે છે અને યુવાનો માટે રોજગાર સર્જન સાથે છે. આ યાદી તો એટલી લાંબી છે કે બધો સમય તેમાં જ પસાર થઇ જશે. હું તમને મારા આ 30 દિવસનો હિસાબ આપતો હતો, હવે તમે તમારો હિસાબ કરી લીધો? બહુ બહુ તો તમે એમ કહેશો કે બે ફિલ્મો જોઇ. મારા નવયુવાન સાથીઓ, આ બધું હું એટલા માટે કહી રહ્યો છું, કારણ કે દેશ કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે અને અલગ અલગ પરિબળો પર કેટલું કામ કરી રહ્યું છે તેના વિશે મારા દેશના યુવાનોને ખબર હોવી જોઇએ.
સાથીઓ,
યુવાનો ત્યાં જ પ્રગતિ કરે છે જ્યાં આશાવાદ હોય, તકો અને નિખાલસતા હોય છે. આજે ભારત જે રીતે આગળ વધી રહ્યું છે, તેમાં આપ સૌને ઉડવા માટે આખું આકાશ ખુલ્લું છે, મિત્રો. હું તમને એટલું જ કહેવા માંગુ છું કે - મોટું વિચારો. થિંક બિગ. એવું કઇં જ નથી જે તમે પ્રાપ્ત કરી શકો તેમ નથી. એવી કોઇ જ સિદ્ધિ નથી કે જેને હાંસલ કરવામાં દેશ તમારો સાથ નહીં આપે. કોઇપણ તકને સામાન્ય ન માનશો. તેના બદલે, તે તકને નવો માપદંડ બનાવવા અંગે વિચાર કરો. અમે આ અભિગમ સાથે જ G-20ને પણ ભવ્ય અને વિશાળ બનાવ્યું છે. અમે પણ જો ઇચ્છત તો G-20ની અધ્યક્ષતાને માત્ર રાજદ્વારી અને દિલ્હી કેન્દ્રિત કાર્યક્રમ બનાવી શક્યા હોત. પરંતુ ભારતે તેને લોકો દ્વારા સંચાલિત રાષ્ટ્રીય ઝુંબેશ બનાવી દીધો. ભારતની વિવિધતા, જનસંખ્યા અને લોકશાહીની તાકાતે G-20ને નવી ઊંચાઇઓ પર પહોંચાડી દીધું છે.
G-20ની 200થી વધુ બેઠકોનું 60 શહેરોમાં આયોજન કરવામાં આવ્યું હતું. G-20ની ગતિવિધિઓમાં 1.5 કરોડ કરતાં વધારે નાગરિકોએ તેમનું યોગદાન આપ્યું છે. સ્તર-2 અને સ્તર-3 શહેરો, કે જ્યાં અગાઉ કોઇ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું, ત્યાં પણ ઘણી શાનદાર તાકાત જોવા મળી હતી. અને આજે આ કાર્યક્રમમાં હું ખાસ કરીને G-20 માટે આપણા યુવાનોની પ્રશંસા કરવા માંગુ છું. 100થી વધુ વિશ્વવિદ્યાલયો અને 1 લાખ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કનેક્ટ કાર્યક્રમ દ્વારા G-20માં ભાગ લીધો હતો. સરકારે શાળાઓ, ઉચ્ચ શિક્ષણ તેમજ ઘણી સંસ્થાઓ અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓમાંથી 5 કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ સુધી G-20ને પહોંચાડ્યું છે. આપણા લોકોએ મોટું વિચાર્યું, પરંતુ તેમણે જે કરી બતાવ્યું એ તો તેનાથી પણ ભવ્ય હતું.
સાથીઓ,
આજે ભારત તેના અમૃતકાળમાં છે. આ અમૃતકાળ તમારા જેવી અમૃત પેઢીઓનો જ સમય છે. 2047માં આપણે દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરીશું, તે આપણા માટે ઐતિહાસિક ક્ષણ હશે. 2047 સુધીનો સમયગાળો એ જ સમય છે જેમાં તમે યુવાનો પણ તમારું ભવિષ્ય ઘડશો. એટલે કે આગામી 25 વર્ષ તમારા જીવનમાં એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા દેશના જીવનમાં મહત્વના છે. તેથી, આ એવો સમય છે કે જેમાં દેશના વિકાસના ઘણા પરિબળો એક સાથે આવ્યા છે. આ પ્રકારનો સમય ઇતિહાસમાં પહેલાં ક્યારેય આવ્યો નથી, અને ન તો ભવિષ્યમાં આવવાનો અવસર મળવાનો છે, એટલે કે, ન ભૂતો ન ભવિષ્યતિ. આજે આપણે વિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છીએ, શું તમે જાણો છો, ખબર છે ને! વિક્રમી ટૂંકા સમયમાં, આપણે 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ. આજે ભારત પર વિશ્વને ખૂબ જ વધારે વિશ્વાસ છે, ભારતમાં આવનારું રોકાણ વિક્રમી સ્તરે પહોંચી ગયું છે. આજે ભારતનું ઉત્પાદન અને સેવા ક્ષેત્ર નવી ઊંચાઇઓ પર પહોંચી રહ્યા છે, આપણી નિકાસ નવા વિક્રમો સ્થાપિત કરી રહી છે. માત્ર 5 વર્ષમાં 13.5 કરોડ કરતાં વધુ લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા છે. તેઓ ભારતનો નવો મધ્યમ વર્ગ બની ગયા છે.
દેશમાં સામાજિક માળખાકીય સુવિધાઓ, ભૌતિક માળખાકીય સુવિધાઓ અને ડિજિટલ માળખાકીય સુવિધાઓના નિર્માણથી વિકાસમાં અભૂતપૂર્વ તેજી આવી ગઇ છે. આ વર્ષે ભૌતિક માળખાકીય સુવિધાઓમાં રૂપિયા 10 લાખ કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રકારનું રોકાણ દર વર્ષે વધતું જ જાય છે. જરા કલ્પના કરી જુઓ કે, આનાથી આપણા અર્થતંત્ર પર કેટલી મોટી અસર પડશે અને કેટલી નવી તકોનું સર્જન થશે.
સાથીઓ,
તમારા જેવા યુવાનો માટે અત્યારે તકોનો સમયગાળો છે. વર્ષ 2020 પછી લગભગ 5 કરોડ સહયોગીઓની EPFO પેરોલમાં નોંધણી કરાવવામાં આવી છે. તેમાંથી લગભગ 3.5 કરોડ લોકો એવા છે જેઓ પહેલીવાર EPFOના પરિઘમાં આવ્યા છે અને તેમને પહેલીવાર ઔપચારિક નોકરી મળી છે. આનો અર્થ એવો થાય કે ભારતમાં તમારા જેવા યુવાનો માટે ઔપચારિક નોકરીઓની તકો નિરંતર વધી રહી છે.
2014 પહેલાં આપણા દેશમાં 100થી પણ ઓછા સ્ટાર્ટઅપ હતા. આજે તેમની સંખ્યા એક લાખનો આંકડો ઓળંગ ગઇ છે. સ્ટાર્ટઅપની આ લહેરથી ઘણા લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થઇ છે. આજે ભારત સમગ્ર વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું મોબાઇલ ઉત્પાદક બની ગયું છે. આપણે મોબાઇલ ફોનના આયાતકાર હતા તેમાંથી આજે નિકાસકાર બની ગયા છીએ. તેના કારણે મોટી સંખ્યામાં રોજગારીની તકોનું સર્જન પણ થયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ વિનિર્માણના ક્ષેત્રમાં ઘણો વિકાસ થયો છે. 2014ની સરખામણીમાં સંરક્ષણ ક્ષેત્રની નિકાસ લગભગ 23 ગણી વધી છે. જ્યારે આટલું મોટું પરિવર્તન થાય છે, ત્યારે સંરક્ષણ આર્થિકતંત્રની સમગ્ર પૂરવઠા શૃંખલામાં મોટી સંખ્યામાં નવી નોકરીઓનું સર્જન થાય છે.
હું જાણું છું કે, આપણા ઘણા યુવા મિત્રો નોકરી ઇચ્છુકો બદલે નોકરી સર્જકો બનવા માંગે છે. દેશના નાના વેપારીઓને સરકારની મુદ્રા યોજના દ્વારા આર્થિક મદદ મળે છે. આજે 8 કરોડ લોકોએ પ્રથમ વખત ઉદ્યોગસાહસિક તરીકે પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે, ભલે કોઇપણ વ્યવસાય ચાલુ કર્યો હોય, પણ પોતાનું કામ શરૂ કર્યું છે. છેલ્લા 9 વર્ષમાં 5 લાખ સામાન્ય સેવા કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે. આ દરેક કેન્દ્રોમાં 2 થી 5 લોકોને નોકરી મળી છે.
સાથીઓ,
આ બધું ભારતમાં રાજકીય સ્થિરતા, નીતિની સ્પષ્ટતા અને આપણા લોકશાહી મૂલ્યોને કારણે થઇ રહ્યું છે. વિતેલા 9 વર્ષમાં ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા માટે પ્રમાણિકતાપૂર્વક પ્રયાસો કરવામાં આવ્યા છે. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે, જેઓ 2014માં, આજથી દસ વર્ષ પહેલાં લગભગ, દસ વર્ષના, કેટલાક બાર વર્ષના, કેટલાક ચૌદ વર્ષના માંડ હશે. તેથી તે સમયે તેમને ખબર નહી હોય કે સમાચારપત્રોમાં શું મુખ્ય સમાચરો છપાય છે. ભ્રષ્ટાચારે દેશને કેવી રીતે બરબાદ કરી દીધો હતો.
સાથીઓ,
આજે હું ખૂબ ગૌરવ સાથે કહી શકું છું કે અમે વચેટિયાઓ અને ઉણપોને રોકવા માટે નવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાતંત્ર બનાવ્યું છે. અનેક સુધારાઓ અમલમાં મૂકીને તેમજ સમગ્ર પ્રણાલીમાંથી દલાલોને નાબૂદ કરીને પારદર્શક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અપ્રમાણિક લોકોને સજા થઇ રહી છે અને ઇમાનદારીનું સન્માન થઇ રહ્યું છે. મને આશ્ચર્ય થાય છે કે, આજકાલ મારા પર એવો એક આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મોદી લોકોને જેલમાં ધકેલી દે છે. તમે જ મને કહો ભાઇ, તમે દેશની સંપત્તિની ચોરી કરી છે તો તમારે ક્યાં રહેવું પડે? ક્યાં રહેવું જોઇએ? શોધી શોધીને મોકલવા જોઇએ, બોલો મોકલવા જોઇએ નહીં. તમે જે ઇચ્છો તે જ કામ હું કરું છું, ખરું ને? કેટલાક લોકો આનાથી ખૂબ પરેશાન થઇ ગયા છે.
સાથીઓ,
વિકાસની યાત્રા ચાલુ રાખવા માટે સ્વચ્છ, સ્પષ્ટ અને સ્થિર શાસન હોવું ખૂબ જ જરૂરી છે. જો તમે મક્કમ હોવ તો 2047 સુધીમાં ભારતને વિકસિત, સમાવેશી અને આત્મનિર્ભર દેશ બનવાથી કોઇ રોકી શકશે નહીં.
સાથીઓ,
આપણે બીજી એક વાત પણ ધ્યાનમાં રાખવી પડશે. માત્ર ભારત જ તમારી પાસેથી વધુ સારી અપેક્ષા કરી રહ્યું છે એવું નથી, પરંતુ આખી દુનિયા તમારી તરફ આશા સાથે નજર માંડી રહી છે. વિશ્વને ભારત અને તેના યુવાનોના સામર્થ્ય અને કાર્યક્ષમતા બંને વિશે જાણવા મળ્યું છે. હવે તેમણે સમજાવવાની જરૂર નથી કે જો કોઇ ભારતનો દીકરો હોય, જો કોઇ ભારતની દીકરી હોય તો શું કરી શકે. તેઓ સમજે છે, ભાઇ, આ માની લો.
દુનિયાની પ્રગતિ માટે ભારતની પ્રગતિ, અને ભારતના યુવાનોની પ્રગતિ થાય તે ખૂબ જ જરૂરી છે. હું દેશને કોઇ પણ ખચકાટ વિના અશક્ય લાગતી બાંયધારી આપવા માટે સક્ષમ છું, કારણ કે તેની પાછળ આપ સૌ દેશવાસીઓની તાકાત છે, મારા સાથીઓ તે તમારી જ તાકાત છે. જો હું એ બાંયધરી પૂરી કરી શકું એમ હોઉં તો તેની પાછળ તમારા જેવા યુવાનોનું સામર્થ્ય હોય છે. હું જ્યારે વિશ્વના વિવિધ મંચો પર ભારતની વાત મજબૂત રીતે રજૂ કરવામાં સક્ષમ છું, તો તેની પાછળ મારી પ્રેરણા પણ મારી યુવા શક્તિ જ છે. તેથી, ભારતના યુવાનો એ મારી અસલ તાકાત છે, મારું સંપૂર્ણ સામર્થ્ય તેમનામાં સમાયેલું છે. અને હું તમને ભરોસો આપું છું કે તમારા સારા ભવિષ્ય માટે હું દિવસ-રાત કામ કરતો રહીશ.
પરંતુ મિત્રો,
મને પણ તમારી પાસેથી અપેક્ષાઓ છે. આજે મને પણ તમારી પાસેથી કંઇક માંગવાની ઇચ્છા છે. તમને ખોટું તો નહીં લાગે ને? તમને લાગશે કે, કેવા પ્રધાનમંત્રી છે, અમારા જેવા નવયુવાનો પાસેથી માંગે છે. મિત્રો, હું તમારી પાસેથી એવી માંગણી નથી કરી રહ્યો તમે મને ચૂંટણીમાં જીત અપાવજો. મિત્રો, હું એવું પણ નથી કહેવાનો કે તમે મારા પક્ષમાં સામેલ થઇ જાઓ.
સાથીઓ,
મારું કંઇ જ અંગત નથી, જે કંઇ પણ છે તે દેશનું છે, દેશ માટે છે. અને તેથી જ આજે હું તમારી પાસેથી કંઇક માંગી રહ્યો છું, હું દેશ માટે માંગી રહ્યો છું. સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવામાં આપ સૌ યુવાનોએ મોટી ભૂમિકા ભજવી છે. પરંતુ સ્વચ્છાગ્રહ એ એક કે બે દિવસનો પ્રસંગ નથી. આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આપણે આ આદત બનાવવી પડશે. અને તેથી જ 2જી ઓક્ટોબરે પૂજ્ય બાપુની જન્મજયંતિ પૂર્વે 1લી ઓક્ટોબરે સમગ્ર દેશમાં સ્વચ્છતાને લગતો એક મોટો કાર્યક્રમ યોજાવાનો છે. હું આપ સૌ યુવા મિત્રોને આમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે વિનંતી કરું છું. કરીશું પૂરું, ચોક્કસ કરીશું. તે તમારી વિશ્વવિદ્યાલયમાં યોજાશે. શું તમે કોઇ વિસ્તારને નક્કી કરી લો અને તેને સંપૂર્ણપણે સાફ રાખશો?
મારી બીજી વિનંતી ડિજિટલ લેવડ-લેવડ અંગે છે, UPI સાથે જોડાયેલી છે. આજે આખી દુનિયા ડિજિટલ ઇન્ડિયા અને UPIની ખૂબ પ્રશંસા કરી રહી છે. આ ગૌરવ પણ તમારું છે. આપ સૌ યુવાન મિત્રોએ તેને ઝડપથી અપનાવી લીધું અને ફિનટેકમાં તેને લગતા અદભૂત આવિષ્કારો પણ કર્યા. હવે તેનું વિસ્તરણ કરવાની અને તેને નવી દિશા આપવાની જવાબદારી મારા યુવાનોએ ઉપાડવી પડશે. શું તમે નક્કી કરશો કે હું ઓછામાં ઓછા એક અઠવાડિયામાં સાત લોકોને UPI ચલાવતા શીખવાડીશ, UPI સાથે કેવી રીતે કામ કરવું તે શીખવાડીશ, ડિજિટલ વ્યવહારો શીખવાડીશ? જુઓ, જોત જોતામાં તો પરિવર્તન આવવાનું શરૂ થઇ જાય છે, મિત્રો.
સાથીઓ,
હું તમારી પાસે ત્રીજો આગ્રહ એ કરું છુ, મારી ત્રીજી માંગ વોકલ ફોર લોકલ સાથે સંકળાયેલી છે. મિત્રો, ફક્ત તમે જ આને આગળ લઇ શકો છો. એકવાર તમે તેને તમારા હાથમાં લઇ લેશો, એટલે વિશ્વ અટકવાનું નથી, મને પૂરો વિશ્વાસ છે. કારણ કે મને તમારી તાકાત પર ભરોસો છે. મને ખબર નથી કે તમને તમારી તાકાત પર ભરોસો છે કે નહીં, તે હું નથી જાણતો, પરંતુ મને છે. જુઓ, આ તહેવારોનો સમય છે. તમારે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઇએ કે તમે તહેવારો દરમિયાન ભેટ આપવા માટે જે કંઇ પણ ખરીદો છો તે ભારતમાં બનેલું હોય. મિત્રો, તમારા જીવનમાં પણ આગ્રહ રાખો, તે જ વસ્તુઓનો ઉપયોગ કરો, ફક્ત તે જ ઉત્પાદનોનો ઉપયોગ કરો, જેમાં ભારતીય માટીની સુગંધ ભળેલી હોય, જેમાં ભારતીય કામદારોના પરસેવાની સુગંધ હોય. અને વોકલ ફોર લોકલનું આ અભિયાન માત્ર તહેવારો પૂરતું મર્યાદિત ન હોવું જોઇએ.
હું તમને એક કામ કહું છું, તમે તે કરશો? ગૃહકાર્ય વગરનો તો કોઇ વર્ગ ન હોય, બરાબર ને? કેટલાક લોકો બોલતા પણ નથી. તમારા પરિવારના તમામ લોકોને ભેગા કરો, પેન અને કાગળ લો, અને જો તમે તમારા મોબાઇલ પર લખતા હોવ, તો તમારા મોબાઇલ પર યાદી બનાવો. તમે તમારા ઘરમાં જે વસ્તુઓનો ઉપયોગ કરો છો, 24 કલાકમાં તમે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો, તેમાંથી કેટલી આપણા દેશની છે અને કેટલી બહારની છે. શું તમે આવી યાદી બનાવશો? તમને ખબર પણ નહીં હોય કે તમારા ખિસ્સામાંનો કાંસકો કોઇ સમયે વિદેશથી આવતો હશે. આવી વિદેશી વસ્તુઓ આપણા ઘરમાં અને આપણા જીવનમાં પગપેસારો કરી ગઇ છે, મિત્રો, દેશને બચાવવો ખૂબ જ જરૂરી છે. હા, આવી કેટલીય વસ્તુઓ છે જે આપણા દેશમાં હોવી જોઇએ તેવી નથી, ઠીક છે. પણ આપણે બહુ આગ્રહથી જોઇશું ભાઇ, કોઇ ભૂલ થઇ રહી છે કે નહીં તે જોવા વિનંતી. એકવાર હું મારા દેશમાં બનેલી વસ્તુઓ ખરીદવાનું શરૂ કરીશ, એટલે મિત્રો તમે જુઓ, આપણો ઉદ્યોગ અને વેપાર એટલી ઝડપે વધશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. નાનું કામ પણ મોટા સપનાં પૂરાં કરે છે.
સાથીઓ,
આપણા પરિસંકુલો પણ વોકલ ફોર લોકલ માટેના વિશાળ કેન્દ્રો બની શકે છે. આપણા પરિસંકુલો માત્ર અભ્યાસનું જ નહીં, ફેશનનું પણ કેન્દ્ર છે. કેમ સારું ન લાગ્યું? જ્યારે આપણે કોઇ દિવસ ઉજવીએ છીએ ત્યારે શું થાય છે? આજે રોઝ ડે છે. શું આપણે પરિસંકુલમાં ખાદી, ભારતીય વસ્ત્રોને ફેશનની ઓળખ ન બનાવી શકીએ? તમારા બધા યુવાનોમાં આ તાકાત છે. તમે બજાર, બ્રાન્ડ્સ, ડિઝાઇનરોને તમારી તરફ વળવા દબાણ કરી શકો છો. ઘણી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કોલેજ અને વિશ્વવિદ્યાલયોના પરિસંકુલોમાં થાય છે. તેમાં આપણે ખાદીને લગતા ફેશન શોનું આયોજન કરી શકીએ છીએ.
આપણે આપણા વિશ્વકર્મા મિત્રો, આપણા આદિવાસી મિત્રોની હસ્તકળાનું પ્રદર્શન કરી શકીએ છીએ. ભારતને આત્મનિર્ભર બનાવવાનો, ભારતને વિકસિત બનાવવાનો આ માર્ગ છે. આ માર્ગને અનુસરીને આપણે મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન કરી શકીએ છીએ. અને તમે જુઓ, આ ત્રણ નાની વસ્તુઓ જે મેં તમને કહી છે, જે માંગણીઓ મેં તમારી સમક્ષ મૂકી છે, તમારે એકવાર જોવું જોઇએ કે તમને કેટલો ફાયદો થાય છે, દેશને કેટલો ફાયદો થાય છે, તેનાથી બીજાને કેટલો ફાયદો થાય છે.
મારા નવયુવાન સાથીઓ,
જો આપણા યુવાનો અને આપણી નવી પેઢી એક વખત મનમાં દૃઢ સંકલ્પ લઇ લે તો આપણને ચોક્કસ પરિણામ મળશે. મને ખાતરી છે કે તમે આ સંકલ્પ સાથે આજે ભારત મંડપમાંથી વિદાય લેશો. અને એક સંકલ્પ લઇને, તમે ચોક્કસપણે તમારી આ ક્ષમતાઓને ઉજાગર કરશો.
સાથીઓ,
આપણે પળભર માટે વિચારીએ કે, આપણે એવા લોકો છીએ કે જેમને દેશ માટે જીવ આપવાનો મોકો નથી મળ્યો. જે સૌભાગ્ય ભગતસિંહને મળ્યું, સુખદેવને મળ્યું, ચંદ્રશેખરને મળ્યું, આઝાદને મળ્યું, તે આપણને નથી મળ્યું. પરંતુ આપણને ભારત માટે જીવવાનો મોકો તો મળ્યો છે. 100 વર્ષ પાછળ નજર કરો, 19,20,22,23,25 વર્ષ પહેલાંની કલ્પના કરો. તે સમયે યુવકોએ નક્કી કરી લીધું હતું કે તે દેશને આઝાદ કરાવવા માટે ગમે કરી છુટશે. મને જે રસ્તો મળશે તે હું કરીશ. અને તે સમયના યુવાનોએ શરૂઆત કરી હતી. પુસ્તકો કબાટમાં મૂકી દીધા હતા, જેલમાં જવાનું પસંદ કર્યું હતું. ફાંસી પર ચડવાનું પસંદ કર્યું હતું. જે પણ રસ્તો મળ્યો તેના પર ચાલ્યા. 100 વર્ષ પહેલાં થયેલી બહાદુરીની પરાકાષ્ઠાએ ત્યાગ અને તપસ્યાનું વાતાવરણ ઊભું કર્યું, માતૃભૂમિ માટે જીવવાની અને મરવાની ઇચ્છા મજબૂત કરી અને 25 વર્ષમાં જ દેશ આઝાદ થઇ ગયો. થયો કે નહીં મિત્રો? એમના પ્રયત્નોથી એવું બન્યું કે નહીં? જો 25 વર્ષમાં સમગ્ર દેશમાં જે સામર્થ્યનો જન્મ થયો હતો તેણે 1947માં દેશને આઝાદી અપાવી.
સાથીઓ,
મારી સાથે નીકળી પડો. આવો, હું તમને આમંત્રણ આપું છું. આગામી 25 વર્ષ આપણી સામે છે. 100 વર્ષ પહેલાં જે પણ થયું હતું, એક વાર તેઓ સ્વરાજ માટે સાથે મળીને નીકળી પડ્યા હતા, આપણે સમૃદ્ધિ માટે આગળ વધીશું. 25 વર્ષમાં દેશને સમૃદ્ધ બનાવીશું. તેના માટે મારે ગમે તેટલું કરવું પડે, હું પાછળ હટીશ નહીં. આત્મનિર્ભર ભારતને સમૃદ્ધિના દ્વાર સુધી લઇ જઇએ, મિત્રો. આત્મનિર્ભર ભારત આત્મસન્માનને નવી ઊંચાઇઓ પર લઇ જાય છે. ચાલો, આપણે સાથે મળીને તે સંકલ્પ સાથે આગળ વધીએ, ચાલો આપણે સાથે મળીને એક સમૃદ્ધ ભારતના સંકલ્પને પૂરો કરીએ, આપણે 2047માં વિકસિત દેશ હોવા જોઇએ. અને પછી તમે પણ જીવનના સર્વોચ્ચ સ્થાને હશો. 25 વર્ષ પછી તમે જ્યાં પણ હશો, તમે તમારા જીવનના સર્વોચ્ચ સ્થાને હશો.
કલ્પના કરો મિત્રો, આજે હું જે મહેનત કરી રહ્યો છું ને, તેમજ આવતીકાલે હું તમને સાથે રાખીને જે મહેનત કરવાનો છું, તે તમને કેટલી આગળ લઇ જશે. તમારા સપનાંને સાકાર થતાં કોઇ રોકી શકશે નહીં. અને હું તમને ખાતરી આપું છું કે મિત્રો, હું ભારતને વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરીને જ રહીશ. અને તેથી જ મને તમારા સૌનો સાથ જોઇએ છે, મને તમારો સહયોગ જોઇએ છે, મને ભારત માતા માટે સાથ જોઇએ છે. 140 કરોડ ભારતવાસીઓ માટે જોઇએ છે.
મારી સાથે બોલો – ભારત માતાની – જય, પૂરી તાકાતથી બોલો મિત્રો – ભારત માતાની – જય, ભારત માતાની – જય
ખૂબ ખૂબ આભાર.