આજે દેશને પ્રેરણા આપનારા એવા સાત મહાનુભાવોનો હું ખાસ કરીને આભાર વ્યક્ત કરું છું, કારણ કે તમે સમય ફાળવ્યો અને તમારા પોતાના અનુભવો જણાવ્યા, પોતાની ફિટનેસના વિવિધ આયામો પરના તમારા અનુભવો જણાવ્યા તે ચોક્કસપણે દેશની દરેક પેઢીને ખૂબ લાભકારી થશે એવું મને લાગે છે.
આજની આ ચર્ચા દરેક વર્ગની ઉંમરના લોકો માટે અને વિવિધ રૂચિ રાખનારા લોકો માટે પણ ખૂબ ઉપયોગી થશે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દરેક દેશવાસિઓના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.
એક વર્ષની અંદર-અંદર આ ફિટનેસ મૂવમેન્ટ, મૂવમેન્ટ ઓફ પીપલ પણ બની ગઈ છે, અને મૂવમેન્ટ ઓફ પોઝીટીવીટી પણ બની ગઈ છે. દેશમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને લઈને સતત જાગૃતિ વધી રહી છે અને લોકો પ્રવૃત્તિમય પણ થઈ રહ્યા છે. મને ખુશી છે કે યોગ, આસન, વ્યાયામ, વૉકિંગ, રનિંગ, સ્વીમિંગ, તંદુરસ્ત ખોરાકની આદત, તંદુરસ્ત સ્વાસ્થ્ય જીવનશૈલી, હવે આ આપણી કુદરતી ચેતનાનો ભાગ બની ગયા છે.
સાથીઓ,
ફિટ ઈન્ડિયા મૂવમેન્ટે પોતાનું એક વર્ષ એવા સમયે પૂર્ણ કર્યું છે, જેમાં લગભગ 6 મહિના ઘણા પ્રકારના પ્રતિબંધોની વચ્ચે આપણે વિતાવવા પડ્યા છે.
પરંતુ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટે પોતાનો પ્રભાવ અને પ્રાસંગિકતાને આ કોરોનાકાળમાં સિદ્ધ કરી બતાવી છે.
ખરેખર, ફિટ રહેવું તેટલું જ મુશ્કેલ કાર્ય નથી જેટલું કેટલાક લોકોને લાગે છે. થોડાક નિયમથી અને થોડાક પરિશ્રમથી તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો.
‘ફિટનેસનો ડોઝ, અડધો કલાક રોજ’ આ મંત્રમાં સૌનું સ્વાસ્થ્ય, સૌનું સુખ છુપાયેલું છે. પછી તે યોગ હોય, કે બેડમિંટન હોય, ટેનિસ હોય, અથવા ફૂટબોલ હોય, કરાટે હોય કે કબ્બડી, જે પણ તમને પસંદ હોય, ઓછામાં ઓછી 30 મિનિટ રોજ કરો. હમણાં આપણે જોયું કે, યુવા મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલયે મળીને ફિટનેસ પ્રોટોકૉલ પણ બહાર પાડ્યા છે.
સાથીઓ, આજે વિશ્વભરમાં ફિટનેસને લઈને જાગરૂકતા આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા – ડબલ્યુએચઓએ આહાર, શારીરિક પ્રવૃત્તિ અને આરોગ્ય પર વૈશ્વિક વ્યૂહરચના બનાવી છે. શારીરિક પ્રવૃત્તિ પર વૈશ્વિક ભલામણો પણ બહાર પાડી છે.
આજે વિશ્વના ઘણાં દેશોએ ફિટનેસને લઈને નવા લક્ષ્યો બનાવ્યા છે અને તેના પર ઘણાં મોરચે તેઓ કામ કરી રહ્યા છે, ઘણાં પ્રકારના કાર્ય કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા, જર્મની, બ્રિટેન, અમેરિકા, જેવા ઘણાં દેશોમાં આ સમયે મોટા પાયા પર ફિટનેસનું અભિયાન ચાલી રહ્યું છે કે તેમના વધુમાં વધુ નાગરિકો દરરોજ શારીરિક કસરત કરે, શારીરિક કસરતને રોજીંદા કાર્યો સાથે જોડે.
સાથીઓ, આપણા આયુર્વિજ્ઞાન શાસ્ત્રોમાં કહ્યં છે કે-
सर्व प्राणि भृताम् नित्यम्
आयुः युक्तिम् अपेक्षते।
दैवे पुरुषा कारे च
स्थितम् हि अस्य बला बलम्॥
એટલે કે, સંસારમાં શ્રમ, સફળતા, ભાગ્ય, એ બધું આરોગ્ય પર જ નિર્ભર કરે છે. સ્વાસ્થ્ય છે, તો જ ભાગ્ય છે, તો જ સફળતા છે. જ્યારે આપણે નિયમિત રીતે વ્યાયામ કરીએ છીએ, પોતાની જાતને ફિટ અને મજબૂત રાખીએ છીએ, એક ભાવના જાગે છે કે, હા આપણે સ્વયં નિર્માતા છીએ. એક આત્મવિશ્વાસ જાગે છે. વ્યક્તિનો આજ આત્મવિશ્વાસ તેમના જીવનના અલગ-અલગ ક્ષેત્રોમાં પણ સફળતા અપાવે છે.
આજ વાત પરિવાર, સમાજ અને દેશ પર પણ લાગુ પડે છે, એક પરિવાર જે એક સાથે રમે છે, એક સાથે ફિટ પણ રહે છે.
A family that plays together, stays together.
આ મહામારી દરમિયાન ઘણાં પરિવારોએ આ પ્રયોગ કરી બતાવ્યો છે. સાથે રમ્યા, સાથે યોગ-પ્રાણાયામ કર્યું, કસરત કરી, સાથે મળીને પરસેવો પાડ્યો. પરિણામ એ આવ્યું કે આ શારીરિક ફિટનેસ માટે તો ઉપયોગી થયું જ પરંતુ, તેનો એક બીજા નિષ્કર્ષ ભાવનાત્મક સંબંધ, વધુ સારી સમજણ, પરસ્પર સહકાર જેવી ઘણી લાગણીઓ પણ પરિવારની એક તાકાત બની ગઈ અને સહજતાથી ઉભરી આવી. સામાન્ય રીતે એવું પણ જોવામાં આવે છે કે કોઈપણ સારી આદત હોય છે તો તે આપણા માતા-પિતા જ આપણને શીખવાડે છે. પરંતુ ફિટનેસની બાબતમાં હવે થોડું ઉંધું થઈ રહ્યું છે. હવે યુવા જ નવી યુક્તિ લઈ આવ્યા છે,
સાથીઓ, આપણે ત્યાં કહેવાય છે કે –
મન ચંગા તો કથરોટ મેં ગંગા
આ સંદેશ આધ્યાત્મિક અને સામાજિક રીતે તો મહત્વપૂર્ણ છે જ, પરંતુ તેના બીજા પણ નિષ્કર્ષ છે જે આપણા રોજિંદા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનો એક અર્થ એ પણ છે કે, આપણું માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ મહત્વનું છે. તે છે, સ્વસ્થ મન એક સ્વસ્થ શરીરમાં છે. આનું ઉલટું પણ એટલું જ સાચું છે. જ્યારે આપણું મન સ્વસ્થ રહે છે, તો જ શરીર પણ સ્વસ્થ રહે છે. અને અત્યારે ચર્ચા કરવામાં આવી હતી કે મનને સ્વસ્થ રાખવા, મનને વિસ્તૃત કરવા માટેનો એક અભિગમ છે.
સંકુચિત "હું" થી આગળ વધી, જ્યારે કોઈ વ્યક્તિ પરિવાર, સમાજ અને દેશને પોતાનો જ વિસ્તાર માને છે, તેમના માટે કામ કરે છે તો તેમનામાં એક આત્મવિશ્વાસ આવે છે, માનસિક રીતે મજબૂત બનવા માટે એક મોટી ઔષધિ તરીકે કામ કરે છે. તેથી જ સ્વામી વિવેકાનંદે કહ્યું –
"શક્તિ જીવન છે, નબળાઇ એ મૃત્યુ છે. વિસ્તરણ જીવન છે, સંકોચન એ મૃત્યુ છે."
આજકાલ લોકો સાથે, સમાજ સાથે, દેશ સાથે જોડાવા અને જોડાયેલા રહેવાની પદ્ધતિઓ, માધ્યમોનો અભાવ નથી, ભરપૂર તકો રહેલી છે. અને પ્રેરણા માટે આપણી આજુબાજુના ઘણા ઉદાહરણો જોવા મળશે. આજે જે સાત મહાન મહાનુભાવોને સાંભળ્યા, આનાથી મોટી પ્રેરણ શું હોય શકે, આપણે ફક્ત એટલું કરવાનું છે કે આપણી રૂચિ અને આપણી ઉત્કંઠા પ્રમાણે કેટલીક વસ્તુની પસંદગી કરવાની છે અને તેને નિયમિતપણે કરવાની છે. હું દેશવાસીઓને વિનંતી કરીશ, દરેક પેઢીના મહાનુભાવોને વિનંતી કરું છું કે તમે નક્કી કરો કે કેવી રીતે બીજાને મદદ કરશો, તમે શું આપશો – તમારો સમય, તમારું જ્ઞાન, તમારી કુશળતા, શારીરિક મદદ કંઈપણ પરંતુ આપો જરૂર.
મિત્રો, મને ખાતરી છે કે દેશવાસીઓ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ સાથે વધુને વધુ જોડાતા રહેશે અને આપણે સૌ મળીને લોકોને એક સાથે જોડવાનું ચાલુ રાખીશું. ‘ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ’ પણ ખરેખર 'હિટ ઇન્ડિયા મૂવમેન્ટ' પણ છે. તેથી, જેટલું ભારત ફિટ હશે, તેટલું ભારત વધુ સફળ બનશે. આમાં તમારા બધા પ્રયત્નો દેશને હંમેશની જેમ મદદ કરશે.
આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ સાથે અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીને, આજે ફીટ ઈન્ડિયા મૂવમેન્ટને એક નવું બળ આપો, નવા સંકલ્પ સાથે આગળ વધો, ફીટ ઈન્ડિયા વ્યક્તિ-સમસ્તિની એક રીત બને. એવી જ એક ભાવના સાથે આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!