ડિજિટલ ઇન્ડિયા વીક 2022ની થીમ: નવા ભારતના ટેકેડનું પ્રેરકત્વ
પ્રધાનમંત્રીએ 'ડિજિટલ ઇન્ડિયા ભાષિની', 'ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ' અને 'Indiastack.global' લૉન્ચ કર્યું; 'માય સ્કીમ' અને 'મેરી પહેચાન'નું પણ લોકાર્પણ
પ્રધાનમંત્રીએ ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી 30 સંસ્થાઓના પ્રથમ સમૂહની જાહેરાત કરી
"ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રી 4.0માં વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું છે"
"ઓનલાઈન થઈને ભારતે ઘણી લાઈનો દૂર કરી છે"
"ડિજિટલ ઈન્ડિયાએ સરકારને નાગરિકોનાં ઘર અને ફોન સુધી પહોંચાડી છે"
"ભારતનો ફિનટેક પ્રયાસ ખરેખર લોકો દ્વારા, લોકોનો અને લોકો માટેનો ઉકેલ છે"
"આપણાં ડિજિટલ સોલ્યુશન્સમાં સ્કેલ, સુરક્ષા અને લોકશાહી મૂલ્યો છે"
"ભારત આગામી ત્રણ-ચાર વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને 300 અબજ ડૉલરથી વધુ સુધી લઈ જવાનાં લક્ષ્ય પર કામ કરી રહ્યું છે"
"ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવા માગે છે"

નમસ્તે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી રાજીવ ચંદ્રશેખરજી, અલગ અલગ રાજ્યો સાથે સંકળાયેલા તમામ પ્રતિનિધિ, ડિજિટલ ઇન્ડિયાના તમામ લાભાર્થી, સ્ટાર્ટ અપ્સ અને ઇન્ડસ્ટ્રી સાથે સકળાયેલા તમામ સાથીઓ, નિષ્ણાતો, એકેડમીડિશિયન, સંશોધકો, દેવીઓ તથા સજ્જનો.
આજનો આ કાર્યક્રમ 21મી સદીમાં સતત આધુનિક થઈ રહેલા ભારતની એક ઝલક લઈને આવ્યો છે. ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ સમગ્ર માનવતા માટે કેટલો ક્રાંતિકારી છે તેનું ઉદાહરણ ભારતે ડિજિટલ ઇન્ડિયાના અભિયાન મારફતે સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કર્યું છે.
મને આનંદ છે કે આઠ વર્ષ અગાઉ શરૂ કરાયેલા આ અભિયાનમાં નવા પાસાઓ જોડાયા છે, નવી ટેકનોલોજીનો સમાવેશ થયો છે. આજના આ કાર્યક્રમમાં જે નવા પ્લેટફોર્મ, નવા પ્રોગ્રામ લોન્ચ થયા છે તે આ શ્રેણીને આગળ ધપાવી રહ્યા છે. હમણાં જ આપ સૌએ નાના નાના વીડિયો નિહાળ્યા, માય સ્કીમ હોય, ભાષિણી  ભાષાદાન હોય, ડિજિટલ ઇન્ડિયા જેનેસિસ હોય, ચીપ્સ ટુ સ્ટાર્ટ અપ્સ પ્રોગ્રામ હોય, અથવા તો બાકીના તમામ પ્રોજેક્ટ્સ આ તમામ ઇઝ ઓફ લિવિંગ (સરળ જીવનશૈલી) અને ઇઝ ઓફ ડુઇંગ (સરળ કાર્ય) બિઝનેસને મજબૂતી આપનારા છે. ખાસ કરીને આ તમામ પ્રોડક્ટનો મોટો ફાયદો ભારતની સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમને થશે.

સાથીઓ,
સમયની સાથે સાથે જે દેશ આધુનિક ટેકનોલોજીને અપનાવતો નથી, સમય તેને પાછળ રાખીને આગળ નીકળી જાય છે અને તે દેશ ત્યાંનો ત્યાં જ રહી જાય છે. ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિના સમયે ભારત તે ભોગવી ચૂક્યું છે. પરંતુ આજે આપણે ગર્વ સાથે કહી શકીએ છીએ કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રી 4.0 છે આજે ભારત ગર્વથી કહી શકે છે કે હિન્દુસ્તાન દુનિયાને દિશા ચીંધી રહ્યું છે. અને મને આ વાતનો બેવડો આનંદ છે કે ગુજરાતે તેમાં એક રીતે પથદર્શકની ભૂમિકા ભજવી છે.
થોડી વાર પહેલાં અહીં ડિજિટલ ગવર્નન્સને લઈને ગુજરાતના વીતેલા બે દાયકાના અનુભવો દર્શાવવામાં આવ્યા હતા. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું જ્યાં ગુજરાત સ્ટેટ ડાટા સેન્ટર (જીએસડીસી), ગુજરાત સ્ટેટવાઇડ એરિયા નેટવર્ક (જીએસડબ્લ્યુએએન), ઇ ગ્રાન્ટ સેન્ટર્સ અને એટીવીટી જનસેવા કેન્દ્ર જેવા પાયા રચવામાં આવ્યા છે.
સુરત, બારડોલીની નજીક જ્યારે સુભાષ બાબુ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા ત્યાં સુભાષ બાબુની યાદમાં કાર્યક્રમ કરવામાં આવ્યો અને ઇ વિશ્વગ્રામને એ સમયે લોન્ચ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના અનુભવોએ 2014 પછી રાષ્ટ્રીય સ્તર પર ટેકનોલોજીના ગવર્નન્સનો વ્યાપક હિસ્સો બનવામાં ખૂબ મદદ કરી છે, ધન્યવાદ ગુજરાત. આ જ અનુભવ ડિજિટલ ઇન્ડિયા મિશનનો આધાર બને. આજે જ્યારે આપણે પાછું વળીને જોઈએ છીએ તો તમે અનુભવ્યું હશે કે આ સાતથી આઠ વર્ષમાં ડિજિટલ ઇન્ડિયાએ આપણા જીવનને કેટલું આસાન બનાવી દીધું છે. 21 સદીમાં જેમનો જન્મ થયો છે, જે આપણી યુવાન પેઢી છે, જેમનો જન્મ 21મી સદીમાં થયો છે તેમને માટે તો આજે ડિજિટલ લાઇફ એકદમ કૂલ લાગે છે, ફેશન સ્ટેટમેન્ટ લાગે છે તેઓને. પરંતુ માત્ર  8-10 વર્ષ અગાઉની પરિસ્થિતિને યાદ કરો. જન્મનું પ્રમાણપત્ર લેવા માટે લાઇન, બિલ ભરવા માટે લાઇન, રાશન માટે લાઇન, પ્રવેશ માટે લાઇન, પરિણામ અને પ્રમાણપત્ર લેવા માટે લાઇન, બેંકોમાં લાઇન, આટલી બધી લાઇનોનો ઉકેલ ભારતે ઓનલાઇન બનીને આપ્યો છે. આજે જન્મના પ્રમાણપત્રથી લઇને વરિષ્ઠ નાગરિકની ઓળખ આપનારા જીવન પ્રમાણપત્ર (હયાતીનું પ્રમાણપત્ર) સુધી, સરકારની મોટા ભાગની સેવાઓ ડિજિટલ છે નહિતર અગાઉ તો સિનિયર સિટીઝને અને ખાસ કરીને પેન્શનર્સે રૂબરૂ જઈને કહેવું પડતું હતું કે જે જીવિત છે. જે કામો માટે કયારેક તો દિવસોના દિવસો વીતી જતા હતા તે આજે માત્ર ગણતરીની પળોમાં જ થઈ જાય છે.

સાથીઓ,
આજે ભારતમાં ડિજિટલ ગવર્નન્સનું એક શાનદાર માળખું તૈયાર છે. જનધન મોબાઇલ અને આધાર, જીઇએમ, આ તમામની જે ત્રિશક્તિનો દેશના ગરીબો અને મધ્યમ વર્ગને તેનો સૌથી વઘુ લાભ થયો છે. તેનાથી જે સવલત સાંપડી છે અને જે પારદર્શકતા આવી છે તેનાથી દેશના કરોડો પરિવારોના પૈસા બચી રહ્યા છે. આઠ વર્ષ અગાઉ ઇન્ટરનેટ ડાટા માટે જે રૂપિયા ખર્ચવા પડતા હતા તેના કરતાં કેટલાય ગણા ઓછા એટલે કે લગભગ નહિવત, એ દર કરતાં આજે ઘણી ઓછી કિંમતમાં  તેના કરતાં પણ બહેતર સુવિધા મળી રહી છે. અગાઉ તો બિલ ભરવા માટે, ક્યાંક અરજી આપવા માટે, રિઝર્વેશન માટે, બેંકના કોઈ કામકાજ માટે, આવી તમામ સેવાઓ માટે ઓફિસોનો આંટા મારવા પડતા હતા. રેલવેનું રિઝર્વેશન કરાવવાનું હોય અને ગામડામાં રહેતા હો તો બિચારો આખો દિવસ વીતાવીને શહેરમાં જતો હતો, 100 થી 150  રૂપિયાનું બસ ભાડું ખર્ચ કરતો હતો અને પાછો રેલવે રિઝર્વેશન માટે લાઇનમાં ઊભો રહેતો હતો. આજે તે કોમન સર્વિસ સેન્ટરમાં જાય છે અને ત્યાંથી જ તેને આ મારી કોમર્સ સર્વિસવાળી ફોજ જોવા મળે છે. અને, ત્યાંથી જ તેનું કામ થઈ જાય છે, ગામમાં જ થઈ જાય છે. અને ગામડાના લોકોને પણ ખબર છે કે આ વ્યવસ્થા ક્યાં છે. તેમાં પણ ભાડા, આવવા જવાનું, આખો દિવસ લાગવાનું આ તમામ ખર્ચમાં કાપ આવી જાય છે. ગરીબ અને મહેનત મજૂરી કરનારા લાકો માટે તો આ બચત વધારે મોટી છે કેમ કે તેમનો આખો દિવસ બચી જાય છે.
અને ક્યારેક ક્યારેક આપણે સાંભળીએ છીએ ને કે સમય જ પૈસો છે, આ સાંભળવામાં અને કહેવામાં સારું લાગે છે પરંતુ જ્યારે તેનો અનુભવ સાંભળીએ છીએ ત્યારે દિલને સ્પર્શી જાય છે. હું હમણાં જ કાશી ગયો હતો, તો કાશીમાં રાત્રે, દિવસે તો ત્યાં જાઉં છું ટ્રાફિક અને લોકોની પરેશાની હોય છે પછી હું રાત્રે એક દોઢ વાગ્યે રેલવે સ્ટેશન પહોંચી ગયો એ જોવા કે ભાઈ ત્યાં શું હાલત છે. કેમ કે હું ત્યાંનો સાંસદ છું તો કામ તો કરવાનું છે. તો હું ત્યાં મુસાફરો સાથે વાત કરી રહ્યો હતો , સ્ટેશન માસ્તર સાથે વાત કરી રહ્યો હતો. કેમ કે મારી સરપ્રાઇઝ મુલાકાત હતી એટલે કોઈને કહીને ગયો ન હતો. તો મેં પૂછ્યું કે ભાઈ આ જે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે તેના શું અનુભવ છે અને તેમાં મુસાફરી કેવી લાગી. તો જવાબ મળ્યો કે ભાઈ તેની એટલી બધી માગ છે કે અમને ટ્રેન ઓછી પડી રહી છે. મેં કહ્યું કે એ ટ્રેન તો થોડી મોંઘી છે, તેની
ટિકિટના દર પણ વધારે છે તેમાં લોકો શા માટે જાય છે. બોલ્યા, સાહેબ, તેમાં તો મજૂર લોકો સૌથી વધારે મુસાફરી કરે છે. મેં પૂછ્યું કેવી રીતે ભાઈ. મારા માટે આશ્ચર્ય હતું. તો જવાબ મળ્યો તેઓ  બે કારણોથી જાય છે. એક તો વંદે ભારત ટ્રેનમાં જગ્યા એટલી છે કે સામાન લઈને જાય છે તો તે રાખવાની જગ્યા મળી જાય છે. ગરીબોનો પોતાનો હિસાબ છે. બીજું કારણ એ છે કે સમય... જવામાં ચાર કલાક બચી જાય છે અને ત્યાં જઇને તરત કામે લાગી જાઉં છું  તો છથી આઠ કલાકની કમાણી થઈ જાય છે અને ટિકિટ તો તેના કરતાં પણ ઓછા ભાવમાં પડી જાય છે. સમય પૈસો છે, ગરીબો કેવી રીતે હિસાબ કરે છે, વધારે ભણેલા ગણેલા લોકોને આ સમજ ઓછી હોય છે.
સાથીઓ,
ઇ સંજીવની જેવી ટેલિકન્સલ્ટન્ટની જે સેવા શરૂ થઈ છે. મોબાઈલ ફોનથી મોટી મોટી હોસ્પિટલો, મોટા મોટા ડૉક્ટરો સાથે પ્રાથમિક તમામ જરૂરિયાત પૂરી થઈ જાય છે. અને તેના માધ્યમથી અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધારે લોકોએ ઘેર બેઠાં જ પોતાના મોબાઇલથી સારામાં સારી હોસ્પિટલમાં, સારામાં સારા ડૉક્ટરોને કન્સલ્ટ કર્યા છે. જો તેમને ડૉક્ટર પાસે જવું પડતું તો તે કલ્પના કરી શકો છો કે કેટલી પરેશાની થાત અને કેટલો ખર્ચો થયો હોત. આ તમામ ચીજોની ડિજિટલ ઇન્ડિયાને કારણે જરૂર પડશે નહીં.

સાથીઓ,
સૌથી મોટી વાત, જે પારદર્શિતા તેનાથી આવી છે તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને અનેક સ્તર પર ચાલી રહેલા ભ્રષ્ટાચારથી મુક્તિ મળી છે. આપણે એ સમય જોયો છે જ્યારે લાંચ આપ્યા વિના કોઇ પણ સુવિધા લેવી મુશ્કેલ હતી. ડિજિટલ ઇન્ડિયાએ સામાન્ય પરિવારનો પૈસો બચાવ્યો છે. ડિજિટલ ઇન્ડિયાએ વચેટીયાઓના નેટવર્કને જ નાબૂદ કરી નાખ્યું છે.
અને મને યાદ છે કે એક વાર વિધાનસભામાં ચર્ચા થઈ હતી કે આજે એ ચર્ચાને યાદ કરું છે તો મને લાગે છે કે વિધાનસભામાં આવી ચર્ચા થઈ હતી. કેટલાક પત્રકારો આ તમામ શોધી કાઢશે. વિષય એવો હતો કે જે વિધવા પેન્શન મળે છે તો એ સમયે મેં કહ્યું હતું કે ભાઈ એક કામ કરો, પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી દો જ્યાં તેમનો ફોટો હોય અને આ તમામ વ્યવસ્થા હોય અને પોસ્ટ ઓફિસમાં જઈને વિધવા બહેનને તેમનું પેન્શન મળી જાય. હંગામો મચી ગયો, તોફાન આવ્યું, મોદી સાહેબ તમે આ શું લાવ્યા...વિધવા બહેન ઘરની બહાર કેવી રીતે નીકળે? તે બેંક કે પોસ્ટ ઓફિસમાં કેવી રીતે જાય, તેમને કેવી રીતે રૂપિયા મળે, આ અલગ અલગ પ્રકારના ભાષણમાં તમે જૂઓ તો મજા પડી જાય એવું બોલતા હતા. મેં તો કહ્યું કે મારે આ માર્ગે જવું છે તમે મદદ કરો તો સારું રહેશે. તેમણે મદદ ના કરી પણ અમે તો એ માર્ગે ગયા કેમ કે જનતાની મદદ કરવાની હતી ને? પરંતુ તેઓ આવો ઉહાપોહ શા માટે મચાવી રહ્યા હતા સાહેબ, તેમને વિધવાની ચિંતા ન હતી જ્યારે મેં પોસ્ટ ઓફિસમાં ફોટો, ઓળખ આવી તમામ વ્યવસ્થા કરી ત્યારે ડિજિટલની દુનિયા આટલી આગળ વધી ન હતી. તમને આશ્ચર્ય થશે કે અનેક વિધવાઓ એવી મળી જે હજી તો દિકરીનો જન્મ થયો ન હતો ત્યાં જ વિધવા થઈ ગઈ હતી અને પેન્શન મળી રહ્યું હતું. આ કોના ખાતામાં જતું હશે તે તમે સમજી ગયા હશો. તો પછી ઉહાપોહ મચે કે ના મચે. આવા તમામ માર્ગો બંધ થઈ જાય તો તકલીફ તો પડવાની જ હતી. આજે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી છેલ્લા આઠ વર્ષમાં 23 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવી છે. આ ટેકનોલોજીને કારણે દેશના બે લાખ 23 હજાર કરોડ રૂપિયા એટલે કે લગભગ સવા બે લાખ કરોડ રૂપિયા જે કોઈ અન્યના હાથમાં એટલે કે ખોટા હાથમાં જતા હતા તે બચી ગયા છે. દોસ્તો.
સાથીઓ,
ડિજિટલ ઇન્ડિયા અભિયાને જે એક સૌથી મોટું કામ કર્યું છે તે છે શહેર અને ગામડાઓ વચ્ચેનું અંતર ઘટાડી દેવાનું. આપને યાદ હશે કે શહેરોમાં તો થોડી પણ સવલત હતી પરંતુ ગામડાના લોકો માટે તો પરિસ્થિતિ વધારે તકલીફદાયક હતી. ગામડા અને શહેર વચ્ચેનું અંતર ઘટશે તેવી પણ કોઈને કલ્પના કરી શકતું ન હતું. ગામડામાં નાનામાં નાની સુવિધા માટે આપે તાલુકા કે જિલ્લાના વડામથકની કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. આવી તમામ સમસ્યાઓને પણ ડિજિટલ ઇન્ડિયા અભિયાને આસાન બનાવી દીધી છે અને સરકારને નાગરિકના દ્વાર પર, તેના ગામ, ઘર અને  તેમની હથેળીમાં ફોન લાવીને મૂકી દીધો છે.
ગામડામાં સેંકડો સરકારી સેવાઓ ડિજિટલી આપવા માટે છેલ્લા આઠ વર્ષમાં ચાર લાખ કરતાં વધારે કોમન સર્વિસ સેન્ટર સાંકળી લેવામાં આવ્યા છે. આજે ગામડાના લોકો આ કેન્દ્રો મારફતે ડિજિટલ ઇન્ડિયાનો લાભ લઈ રહ્યા છે.
હું દાહોદ આવ્યો હતો ત્યારે મારા આદિવાસી ભાઈઓ અને બહેનોને મળવાનું થયું. ત્યાં એક દિવ્યાંગ યુગલ હતું. 30-32 વર્ષની વય હશે. તેમણે મુદ્રા યોજનામાંથી નાણા લીધા, કમ્પ્યુટર પણ થોડું ઘણું શીખી લીધું અને પતિ તથા પત્નીએ કોમન સર્વિસ સેન્ટર શરૂ કર્યું. દાહોદના આદિવાસી જિલ્લાના એક નાનકડા ગામમાં. તે ભાઈ તથા તેમની પત્ની મને મળ્યા તો તેમણે મને કહ્યું કે સાહેબ, સરેરાશ મારી માસિક આવક 28,000 રૂપિયા છે અને ગામડામાં હવે લોકો મારી પાસે સેવા લઈ રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયાની તાકાત જૂઓ ભાઈ સવા લાખ કરતાં વધારે કોમન સર્વિસ સેન્ટર ગ્રામીણ સ્ટોર હવે ઇ કોમર્સને પણ ગ્રામીણ ભારત સુધી લઈ જઈ રહ્યા છીએ.
એક સુખદ અનુભવ વ્યવસ્થાઓનો કેવી રીતે લાભ લઈ શકાય છે. મને યાદ છે જ્યારે હું અહીં ગુજરાતમાં હતો તો ખેડૂતોને વીજળીના બિલ ભરવાની સમસ્યા હતી. બિલ સ્વિકારવાના સ્થળો 800થી 900 હતા. વિલંબ થાય તો નિયમ મુજબ વીજ જોડાણ કાપી નાખવામાં આવતું હતું અને જોડાણ કપાઈ જાય તો ફરીથી નવું જોડાણ લેવું પડે અને ફરીથી પૈસા ભરવા પડતા હતા. એ વખતે અટલજીની સરકાર હતી અને અમે ભારત સરકારને એ સમયે વિનંતી કરી હતી કે  આ બિલ ભરવાનું પોસ્ટ ઓફિસમાં શરૂ કરી દો ને, અટલજીએ મારી વાત માની અને ગુજરાતમાં ખેડૂતોને આ સમસ્યામાંથી મુક્તિ મળી ગઈ. વ્યવસ્થાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તેનો એક પ્રયોગ મેં દિલ્હી જઈને કર્યો. આદત જાય નહીં કેમ કે આપણે અમદાવાદી લોકોને એક ભાડામાં બે મુસાફરીની આદત પડી ગઈ છે તેથી રેલવેને પોતાનું વાઇ-ફાઇનું ઘણું મજબૂત નેટવર્ક છે. તો એ સમયે અમારા રેલવેના મિત્રોએ કહ્યું આ 2019ની ચૂંટણી પહેલાંની વાત છે. મેં તેમને કહ્યું કે રેલવેના પ્લેટફોર્મ પર વાઇ-ફાઇ વિનામૂલ્યે કરી દો. અને આસપાસના ગામડાના લોકોને અહીં આવીને અભ્યાસ કરવો હોય તો તેઓ આવે અને તેમને કનેક્ટિવિટી મળી જાય અને તેમને જે અભ્યાસ કરવો છે તે કરી શકે. તમને આશ્ચર્ય થશે કે એક વાર કેટલાક વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાત કરી રહ્યો હતો. આ બધા વિદ્યાર્થીઓ રેલવે પ્લેટફોર્મ પર વિનામૂલ્યે વાઇ-ફાઇની મદદથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને પાસ થતા હતા. કોચિંગ ક્લાસમાં જવાનું નહીં, ખર્ચ કરવાનો નહીં, ઘર છોડવું પડે નહીં, બસ અમને બાના હાથનાં રોટલા મળે અને ભણવા મળે, રેલવે પ્લેટફોર્મનો ઉપયોગ...ડિજિટલ ઇન્ડિયાની તાકાત જૂઓ દોસ્તો.
પીએમ સ્વામિત્વ યોજના, કદાચ શહેરના લોકોનું આ બાબત પર ખાસ ધ્યાન પડયું નથી. પહેલી વાર શહેરોની માફક ગામડાના ઘરોની મેપિંગ અને ડિજિટલ લીગલ ડોક્યુમેન્ટ ગ્રામીણોને આપવાનું કામ ચાલી રહ્યું છે. ડ્રોન ગામની અંદર જઇને તમામ ઘર પર મેપિંગ કરી રહ્યું છે, નકશો બનાવે છે, તે સહમત થાય છે, તેને પ્રમાણપત્ર મળે છે. હવે તેની કોર્ટ કચેરીઓની ઝંઝટ બંધ...આ શક્ય બન્યું છે ડિજિટલ ઇન્ડિયાને કારણે. ડિજિટલ ઇન્ડિયા અભિયાને દેશમાં જંગી સંખ્યામાં રોજગારી અને સ્વરોજગારીની તકો પણ પેદા કરી છે.
સાથીઓ,
ડિજિટલ ઇન્ડિયાનું એક અત્યંત સંવેદનીશીલ પાસું પણ છે. જેની આટલી બધી ચર્ચા કદાચ વધારે તો થઈ નથી. ડિજિટલ ઇન્ડિયા ખોવાયેલા અનેક બાળકોને તેમના પરિવાર સુધી પાછા પહોંચાડે છે તે જાણીને આ બાબત તમારા હૃદયને સ્પર્શી જશે. હમણા હું, અને મારો તો તમને આગ્રહ છે કે અહીં જે ડિજિટલ પ્રદર્શન છે તે તમે ચોક્કસ નિહાળો. તમે તો જૂઓ પણ તમારા બાળકોને લઈને ફરીથી આવો. કેવી રીતે દુનિયા બદલાઈ રહી છે તે આવીને જોશો તો તમને ખબર પડશે. મને ત્યાં પણ એક દિકરીને મળવાનું થયું. તે દિકરી છ વર્ષની હતી અને પોતાના પરિવારથી વિખૂટી પડી ગઈ. રેલવે પ્લેટફોર્મ પર માતાથી અલગ પડી ગઈ. તે કોઈ ટ્રેનમાં બેસી ગઈ. માતા પિતા વિશે ખાસ કોઈ જાણકારી ન હતી. તેના પરિવારને શોધવાના ઘણા  પ્રયાસો કરવામાં આવ્યા પણ કોઈ સફળતા મળી નહીં. પછી આધાર ડાટાની મદદથી તેના પરિવારને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તે બાળકીનું આધાર બાયોમેટ્રિક લેવામાં આવ્યું પણ તે રિજેક્ટ થઈ ગયું. ખબર પડી કે બાળકીનું તો પહેલેથી આધાર કાર્ડ બની ચૂક્યું છે. તે આધાર વિગતોને આધારે તે દિકરીના પરિવારને શોધી કાઢવામાં આવ્યું.
તમને જાણીને સારું લાગશે કે આજે તે બાળકી પોતાના પરિવાર સાથે જીવન જીવી રહી છે. પોતાના સપનાઓને સાકાર કરવા માટે ગામડામાં પ્રયાસ કરી રહી છે. તમને એ જાણીને આનંદ થશે  અને મારી જાણકારી છે કે વર્ષોથી 500 કરતાં વધારે બાળકોને આ ટેકનોલોજીની મદદથી તેમના પરિવાર સાથે મિલાપ કરાવી દેવાયો છે.
સાથીઓ,
છેલ્લા આઠ વર્ષમાં ડિજિટલ ઇન્ડિયાએ દેશમાં જે સામર્થ્ય પેદા કર્યું છે તેણે કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે મુકાબલો કરવામાં ભારતની ઘણી મદદ કરી છે.િટલ ઇન્ડિયાએ દેશરી  ામ, નેલ્પના કરી  વીતી જતા હતા તેતમે કલ્પના કરી શકો છો કે જો ડિજિટલ ઇન્ડિયા અભિયાન ન હોત તો 100 વર્ષમાં આવેલી આ સૌથી મોટી આફત સામે આપણે શું કરી શક્યા હોત? અમે દેશની કરોડો મહિલાઓ, ખેડૂતો, મજૂરોના બેંક ખાતામાં એક ક્લિક પર હજારો કરોડ રૂપિયા તેમને પહોંચાડી દીધા. વન પેન્શન, વન રાશન કાર્ડની મદદથી અમે 80 કરોડથી વધુ દેશવાસીઓને વિનામૂલ્યે અનાજ સુનિશ્ચત કર્યું.. આ ટેકનોલોજીની કમાલ છે.
અમે દુનિયાના સૌથી મોટા અને સૌથી સક્ષમ કોવિડ વેક્સિનેશન અને કોવિડ રિલીફ પ્રોગ્રામ હાથ ધર્યો. આરોગ્ય સેતુ અને કોવીન આ એવા પ્લેટફોર્મ છે જેના માધ્યમથી અત્યાર સુધીમાં લગભગ 200 કરોડ વેક્સિન ડોઝ...તેનો સંપૂર્ણ રેકોર્ડ ઉપલબ્ધ છે, કોણ રહી ગયું, ક્યાં રહી ગયું તેની માહિતી તેના માધ્યમથી પ્રાપ્ત થઈ જાય છે. અને અમે લક્ષિત વ્યક્તિને વેક્સિનેશનનું કામ કરી શક્યા છીએ. દુનિયામાં આજે પણ ચર્ચા છે કે વેક્સિન સર્ટિફિકેટ કેવી રીતે લેવાનું છે, ઘણા દિવસ નીકળી જાય છે. હિન્દુસ્તાનમાં તો વ્યક્તિ વેક્સિન લઈને બહાર નીકળે છે અને તેની મોબાઇલ સાઇટ પર સર્ટિફિકેટ ઉપલબ્ધ થઈ જાય છે. દુનિયા કોવીન મારફતે વેક્સિનેશનની માહિતી સર્ટિફિકેટની માહિતીની ચર્ચા કરી રહી છે, હિનદુસ્તાનમાં તો કેટલાક લોકોની જીભ એ જ વાત પર અટકી છે કે તેની ઉપર મોદીનો ફોટો શા માટે છે. આટલું મોટું કામ અને તેમનું દિમાગ ત્યાં જ અટકી ગયું છે.
સાથીઓ,
ભારતમાં ડિજિટલ ફિનટેક સોલ્યુશન અને આજે યુ-ફિનટેક છે તેના વિષય પર પણ હું કાંઇક કહીશ. ક્યારેક સંસદની અંદર એક વાર ચર્ચા થઈ હતી તેમાં જોઇ લેવું. જેમાં દેશના ભૂતપૂર્વ નાણામંત્રીજી ભાષણ કરી રહ્યા હતા કે જે લોકો પાસે મોબાઇલ ફોન નથી, લોકો ડિજિટલ કેવી રીતે કરશે. ખબર નહીં તેઓ શું શું બોલ્યા હતા તમે સાંભળશો તો તમને આશ્ચર્ય થશે. બહુ ભણેલા ગણેલા લોકોના આ જ હાલ થતા હોય છે. ફિનટેક યુપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ આજે સમગ્ર દુનિયા તેની તરફ આકર્ષિત થઈ છે. વર્લ્ડ બેંક સહિત તમામ ઉમદામાં ઉમદા પ્લેટફોર્મે આ બાબતની પ્રશંસા કરી છે. અને હું તમને કહીશ કે આ પ્રદર્શનમાં સમગ્ર ફિનટેક ડિવિઝન છે. તે કેવી રીતે કામ કરે તે અહીં જોવા મળશે. કેવી રીતે મોબાઇલ ફોન પર પેમેન્ટ થાય છે, કેવી રીતે પૈસો આવે છે, પૈસો જાય છે તે તમામ બાબત અહીં તમને જોવા મળશે. અને હું કહું છું કે ફિનટેકનો જે પ્રયાસ થયો છે તે સાચી રીતે પ્રજા દ્વારા, પ્રજાના અને પ્રજા માટેનો ઉત્તમમાં ઉત્તમ ઉકેલ છે. દેશવાસીઓએ તેને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો એટલે કે પ્રજા દ્વારા. તેણે દેશવાસીઓની લેવડ દેવડને આસાન બનાવી એટલે કે પ્રજા માટે.
આ જ વર્ષે મે મહિનામાં ભારતની પ્રત્યેક મિનિટ, ગર્વ કરશો તમે દોસ્તો, ભારતમાં દર મિનિટમાં એક લાખ 30 હજારથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે. પ્રત્યેક સેકન્ડ સરેરાશ 2200 યુપીઆઈ વ્યવહાર પૂરા થયા છે. એટલે કે અત્યારે હું તમારી સમક્ષ પ્રવચન આપી રહ્યો છું જ્યાં સુધીમાં હું યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલા શબ્દો બોલું છું એટલા સમયમાં યુપીઆઈ મારફતે 7000 ટ્રાન્ઝેક્શન થઈ ચૂક્યા છે. હું જે બે શબ્દો બોલ્યો તેટલા જ સમયમાં. આ કાર્ય ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી થઈ રહ્યું છે.
અને સાથીઓ, તમને ગર્વ થશે કે ભારતમાં કોઈ કહે છે અભણ છે, ફલાણો છે, ઢીંકણો છે, આ એ છે, તે પેલો છે, દેશની તાકાત જૂઓ, મારા દેશવાસીઓની તાકાત જૂઓ, દુનિયાના સમૃદ્ધ દેશ અને તેની સામે મારો દેશ જે વિકસતા દેશોની દુનિયામાં છે. દુનિયાની 40 ટકા ડિજિટલ લેવડ દેવડ આપણા હિન્દુસ્તાનમાં જ થાય છે દોસ્તો.
તેમાં પણ ભીમ યુપીઆઈ આજે સરળ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું સશક્ત માધ્યમ તરીકે સામે આવ્યું છે. અને સૌથી મોટી વાત આજે કોઈ પણ મોલની અંદર મોટામાં મોટી બ્રાન્ડ્સ વેચનારાની પાસે ટ્રાન્ઝેક્શનની જે ટેકનોલોજી છે તે જ ટેકનોલોજી આજે તેની સામે રેલવે કે ફૂટપાથ પર લારી લઈને બેઠેલોઓ કે જે 700થી 800 રૂપિયા કમાય છે એવા મજૂર પાસે પણ એવી જ સિસ્ટમ છે. જે મોટા મોટા મોલમાં અમીરો પાસે છે.  નહિતર આપણે એ દિવસ પણ જોયા છે જ્યારે મોટી મોટી દુકાનોમાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ચાલતા હતા અને રેકડી, લારી કે ખુમચાવાળા ગ્રાહકો પાસેથી છુટ્ટા પૈસાની મથામણ કરતા રહેતા હતા. અને હમણા તો હું જોઈ રહ્યો હતો કે એક દિવસ બિહારના કોઈ પ્લેટફોર્મ પર કોઈ ભીખ માગી રહ્યો હતો અને તે ડિજિટલ પૈસા લઈ રહ્યો હતો. હવે જૂઓ બંને પાસે સમાન શક્તિ છે અને આ ડિજિટલ ઇન્ડિયાની તાકાત છે.


તેથી જ આજે દુનિયાના વિકસીત દેશ હોય અથવા તો પછી એવા દેશ જે આ પ્રકારની ટેકનોલોજીમાં રોકાણ નથી કરી શકતા તેમના માટે યુપીઆઈ જેવા ભારતના ડિજિટલ પ્રોડક્ટ આજે આકર્ષણનું કેન્દ્ર છે. આપણા ડિજિટલ સોલ્યુશનમા સ્કેલ પણ છે, તે સુરક્ષિત પણ છે અને લોકશાહી મૂલ્યો પણ છે. આપણું આ જે ગિફ્ટ સિટીનું કામ છે ને, મારા શબ્દો લખીને રાખજો અને મારું 2005 અથવા તો 2006નું ભાષણ છે તે પણ સાંભળજો. એ વખતે મેં કહ્યું હતું ગિફ્ટ સિટીમાં શું શું થનારું છે, આજે તે ધરતી પર ઉતરતું દેખાઈ રહ્યું છે. અને, આવનારા દિવસોમાં ફિનટેક દુનિયામાં સૌથી મોટા ડાટા સિક્યુરિટીના વિષયમાં, ફાઇનાન્સની દુનિયામાં ગિફ્ટ સિટી એક મોટી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. આ માત્ર ગુજરાત જ નહીં સમગ્ર હિન્દુસ્તાનની આન-બાન અને શાન બની રહ્યું છે.
સાથીઓ,
ડિજિટલ ઇન્ડિયા ભવિષ્યમાં ભારતના નવા અર્થતંત્રનો ઠોસ આધાર બને, ઇન્ડસ્ટ્રી 4.0માં ભારતને અગ્રણી રાખે તેના માટે પણ અનેક પ્રકારની પહેલ કરવામાં આવી રહી છે, પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આજે દેશભરમાં AI, બ્લોક ચેઇન, AR-VR, 3D પ્રિન્ટિંગ, ડ્રોન, રોબોટિક્સ, ગ્રીન ઊર્જા એવા અનેક નવી પેઢીના ઉદ્યોગો માટે 100થી વધુ સ્કીલ ડેવલપમેન્ટના કોર્સ ચાલી રહ્યા છે. અમારો પ્રયાસ છે કે વિવિધ સંસ્થાઓની સાથે મળીને આવનારા ચારથી પાંચ વર્ષમાં 14થી 15 લાખ યુવાનોને ફ્યુચર સ્કીલ્સ માટે રિસ્કીલ કરીને અપસ્કીલ કરવામાં આવે અને એ દિશામાં અમારો પ્રયાસ છે.
ઇન્ડસ્ટ્રી 4.0 માટે જરૂરી સ્કિલ્સ તૈયાર કરવા માટે આજે શાળાના સ્તરેથી જ ધ્યાન કેન્દ્રીત કરાય છે. લગભગ 10 હજાર અટલ ટિકરિંગ લેબ્સમાં આજે 75 લાખથી વધુ વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ ઇનોવેટિવ આઇડિયા પર કામ કરી રહ્યા છે. આધુનિક ટેકનોલોજી અવગત કરાવી રહ્યા છે. હમણા હું અહીં પ્રદર્શન જોવા ગયો હતો. મને એટલો આનંદ થયો કે દૂર દૂરના અંતરિયાળ ઓડિશાની દિકરી છે, કોઈ ત્રિપૂરાની દિકરી છે, કોઈ ઉત્તર પ્રદેશના નાના ગામડાની દિકરી છે, તે પોતાના પ્રોજેક્ટ લઈને આવી છે. 15 વર્ષ, 16 વર્ષ, 18 વર્ષની આ બાળકીઓ દુનિયાની સમસ્યાના ઉકેલ લઈને આવી છે. તમે જ્યારે આ બાળકીઓ સાથે વાત કરશો તો તમને લાગશે કે આ મારા દેશની તાકાત છે દોસ્તો. અટલ ટિકરિંગ લેબ્સને કારણે શાળાની અંદર જ જે વાતાવરણ બન્યું છે તેનું જ આ પરિણામ છે કે બાળકો મોટી વાતો કરે છે અને મોટામાં મોટી સમસ્યાઓનો ઉકેલ લઈને સામે આવી રહ્યા છે. તે 17 વર્ષનો હતો અને મેં તેને તેની ઓળખ પૂછી તો તે કહે છે હું બ્રાન્ડ એમ્બેસેડર છું. એટલે કે ડિજિટલ ઇન્ડિયાના ક્ષેત્રમાં આપણે જે સાધનોને લઈને કામ કરી રહ્યા છીએ હું તેનો બ્રાન્ડ એમ્બેસેડર છું. આટલા આત્મવિશ્વાસ સાથે વાત કરી રહ્યો હતો. એટલે કે આ પ્રકારનું સામર્થ્ય જ્યારે જોવા મળે છે તો વિશ્વાસ ઓર મજબૂત બની જતો હોય છે. આ દેશ સપનાઓ સાકાર કરી રહ્યો છે. સંકલ્પ પૂરો કરીને જ રહેશે.
સાથીઓ,
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ ટેકનોલોજી માટે જરૂરી માઇન્ડસેટ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી છે. અટલ ઇનક્યુબેશન સેન્ટરનું એક વિશાળ નેટવર્ક દેશમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ જ રીતે પીએમ ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન એટલે કે પીએમ દિશા દેશમાં ડિજિટલ સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાનું એક અભિયાન ચલાવી રહ્યું છે. અત્યાર સુધીમાં આ દિશામાં 40 હજારથી વધુ કેન્દ્રો સમગ્ર દેશમાં બની ચૂક્યા છે અને પાંચ કરોડથી વધુ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે.
સાથીઓ,
ડિજિટલ સ્કિલ્સ અને ડિજિટલ માળખાની સાથે સાથે ટેકનોલોજી ક્ષેત્રમાં યુવાનોને વધુમાં વધુ અવસર આપવા માટે અનેક વિવિધ દિશાઓમાં સુધારા હાથ ધરાયા છે. સ્પેસ હોય, મેપિંગ હોય, ડ્રોન હોય, ગેમિંગ અને એનિમેશન હોય. આવા અનેક ક્ષેત્ર જે ફ્યુચર ડિજિટલ ટેકનોલોજીને વિસ્તાર આપનારા છે તેને ઇનોવેશન માટે ખોલી દેવામાં આવ્યા છે. હવે ઇન સ્પેસ વડુંમથક અમદાવાદમાં બન્યું છે. ઇન સ્પેસ અને નવી ડ્રોન પોલિસી જેવી જોગવાઈઓ આવનારા વર્ષોમાં ભારતની ટેક પ્રતિભાને આ દાયકામાં નવી ઊર્જા પ્રદાન કરશે. હું અહીં ગયા મહિને જ્યારે ઇન સ્પેસના હેડક્વાર્ટરના ઉદઘાટન માટે આવ્યો હતો તો કેટલાક બાળકો સાથે મારી વાતચીત થઈ હતી, શાળાના બાળકો હતા. તેઓ સેટેલાઇટ છોડવાની તૈયારી કરી રહ્યા હતા. અંતરિક્ષમાં સેટેલાઇટ છોડવાની તૈયારી કરી રહ્યા હતા. તો મને જાણ કરવામાં આવી કે અમે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શાળાના બાળકો દ્વારા બનાવવામાં આવેલા 75 સેટેલાઇટ આકાશમાં છોડવાના છીએ. અંતરિક્ષમાં મોકલવાના છીએ. આ મારા દેશની શાળાઓના શિક્ષણમાં થઈ રહ્યું છે દોસ્તો.
સાથીઓ,
આજે ભારત આગામી ત્રણથી ચાર વર્ષમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનને 2000 બિલિયન ડોલર કરતાં પણ ઉપર લઈ જવાના લક્ષ્યાંક પર કાર્ય કરી રહ્યું છે. ભારત ચીપ ટેકર (ચીપ ખરીદનાર)થી ચીપ મેકર (ચીપ ઉત્પાદન કરનારા) બનવા માગે છે. સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન વધારવા માટે ભારત ઝડપથી રોકાણ કરી રહ્યું છે. પીએલઆઈ સ્કીમથી પણ તેમાં મદદ મળી રહી છે. એટલે કે મેઇક ઇન્ડિયાની શક્તિ અને ડિજિટલ ઇન્ડિયાની તાકાતનો બમણો ડોઝ, ભારતમાં ઇન્ડસ્ટ્રી 4.0ને નવી ઊંચાઇ પ્રદાન કરનારો છે.
આજે ભારત એ દિશા તરફ આગળ ધપી રહ્યો છે જેમાં નાગરિકોને યોજનાઓના લાભ લેવા માટે, દસ્તાવેજો માટે રૂબરૂમાં સરકાર પાસે જવાની જરૂરિયાત નથી. દરેક ઘરમાં પહોંચતું ઇન્ટરનેટ અને ભારતની પ્રાંતિય ભાષાઓની વિવિધતા ભારતના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને નવો વેગ આપશે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન આવા જ નવા નવા પાસા પોતાનમાં સાંકળતું રહેશે. ડિજિટલ સ્પેસ વૈશ્વિક નેતાગીરીને દિશાનું સીંચન કરશે. અને આજે મારી પાસે સમય ઓછો હતો એટલે હું દરેક ચીજને જોઈ શક્યો નથી. પરંતુ કદાચ આ તમામ ચીજો જોવામાં બે દિવસ પણ ઓછા પડી જાય. અને હું ગુજરાતનો લોકોને કહીશ કે આ તક ગુમાવશો નહીં. તમે તમારી શાળા કોલેજના બાળકોને લઈને અહીં ચોક્કસ આવો. તે પણ સમય કાઢીને આવો. તમારી આંખો સમક્ષ એક નવું હિન્દુસ્તાન જોવા મળશે. અને સામાન્ય માનવીની જરૂરિયાતો સાથે જોડાયેલું હિન્દુસ્તાન જોવા મળશે. એક નવો વિશ્વાસ પેદા થશે, નવા સંકલ્પો ભરાઈ જશે, અને આશા આકાંક્ષોઓની પૂર્તિનો વિશ્વાસ લઈને ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી પણ દેશના, ભવિષ્યના ભારત, આધુનિક ભારત, સમૃદ્ધ અને સશક્ત ભારત એ દિશામાં આગળ વધવાની તૈયારી તરફ ઝડપથી આગળ ધપી રહ્યું છે. આટલા ઓછા સમયમાં જે કાંઈ પ્રાપ્ત કર્યું છે, ભારત પાસે પ્રતિભા છે, ભારત નવયુવાનોનું સામર્થ્ય છે તેમને તક મળવી જોઇએ. અને આજે દેશમાં એક એવી સરકાર છે જે દેશની પ્રજા પર ભરોસો કરે છે, દેશના નવયુવાનો પર ભરોસો કરે છે અને તેમને નવતર પ્રયોગો માટે અવસર આપે છે અને તેનું જ પરિણામ છે કે દેશ અનેક દિશાઓમાં અભૂતપૂર્વ તાકાત સાથે આગળ ધપી રહ્યો છે.
આ ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ માટે હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવનારા બે  ત્રણ દિવસ સુધી તો કદાચ આ પ્રદર્શન જારી રહેશે. તેનો લાભ આપ સૌ લેશો. હું ફરી એક વાર ભારત સરકારના વિભાગને પણ અભિનંદન આપું છું કે તેમણે આટલા શાનદાર કાર્યક્મનું આયોજન કર્યું. મને,આજે સવારે તો હું તેલંગણા હતો, પછી આંધ્ર પ્રદેશ ચાલ્યો ગયો અને પછી અહીં આપની સમક્ષ ઉપસ્થિત થવાની તક મળી તો સારું લાગી રહ્યું છે. આપ સૌનો ઉત્સાહ જોઉં છું, ઉમંગ જોઉં છું તો આનંદ થાય છે. આ કાર્યક્રમનું ગુજરાતમાં આયોજન કરવા માટે વિભાગને અભિનંદન પાઠવું છું. અને આટલો શાનદાર કાર્યક્રમ કરવા માટે ખાસ અભિનંદન પાઠવું છું. અને દેશભરના નવયુવાનો માટે આ પ્રેરણા બનીને રહેશે. એ જ વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."