“બેંકિંગ સેવાઓ છેવાડાના સ્થળ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાના કાર્યને અમે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે”
“જ્યારે નાણાકીય ભાગીદારીઓને ડિજિટલ ભાગીદારીઓ સાથે સાંકળી લેવામાં આવે ત્યારે સંભાવનાઓની સંપૂર્ણ નવી દુનિયાના દ્વાર ખુલે છે”
“આજે ભારતમાં પ્રત્યેક એક લાખ પુખ્ત નાગરિકોએ શાખાઓની સંખ્યા જર્મની, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો કરતાં વધારે છે”
“ભારતના ડિજિટલ બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની IMFએ પણ પ્રશંસા કરી છે”
“વર્લ્ડ બેંકે તો ત્યાં સુધી કહ્યું છે કે, ભારત ડિજિટલાઇઝેશન દ્વારા સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અગ્રેસર બન્યું છે”
“આજે, બેંકિંગ નાણાકીય વ્યવહારોથી આગળ નીકળી ગયું છે અને તે 'ગુડ ગવર્નન્સ' તેમજ 'સેવાઓની બહેતર ડિલિવરી'નું માધ્યમ પણ બની ગયું છે”
“જો જન ધન ખાતાઓએ દેશમાં નાણાકીય સમાવેશનો પાયો નાખ્યો છે, તો ફિનટેક નાણાકીય ક્રાંતિનો આધાર તૈયાર કરશે”
“આજે આખો દેશ જન ધન બેંક ખાતાની તાકાતનો અનુભવ કરી રહ્યો છે”
“કોઇપણ દેશની અર્થવ્યવસ્થા એટલી જ પ્રગતિશીલ હોય છે, જેટલી તેની બેંકિંગ પ્રણાલી મજબૂત હોય”

નાણાં મંત્રી નિર્મલાજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા અન્ય સાથીઓ, આરબીઆઈના ગવર્નર, વિવિધ મંત્રાલયોના સચિવો, દેશના અલગ અલગ ખૂણામાં મુખ્યમંત્રીઓ, મંત્રી પરિષદના લોકો, જેઓ આ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે. અર્થનીતિ સાથે સંબંધિત તમામ નિષ્ણાતો, બૅન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો,

75 ડિજિટલ બૅન્કિંગ યુનિટ્સના શુભારંભ પ્રસંગે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. આજે દેશ ફરી એક વાર ડિજિટલ ઇન્ડિયાનાં સામર્થ્યનો સાક્ષી બની રહ્યો છે. આજે 75 ડિજિટલ બૅન્કિંગ યુનિટ્સ દેશના 75 જિલ્લાઓમાં ધરાતલ પર ઉતરી રહ્યાં છે. હું આ મિશન સાથે જોડાયેલા તમામ લોકોને, આપણા બૅન્કિંગ ક્ષેત્રને, આપણી આરબીઆઈને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

ભારતના સામાન્ય માનવીનાં જીવનને સરળ બનાવવા માટે દેશમાં ચાલી રહેલાં અભિયાનની દિશામાં ડિજિટલ બૅન્કિંગ એકમો એ વધુ એક મોટું પગલું છે. આ માત્ર એક એવી વિશેષ બૅન્કિંગ વ્યવસ્થા છે જે ન્યૂનતમ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી મહત્તમ સેવાઓ પ્રદાન કરવાનું કામ કરશે. આ સેવાઓ કાગળ પરની લખાણપટ્ટી અને મુશ્કેલીઓથી મુક્ત હશે, અને તે પહેલા કરતા વધુ સરળ હશે. એટલે કે, આમાં સગવડ હશે, અને મજબૂત ડિજિટલ બૅન્કિંગ સુરક્ષા પણ હશે. જ્યારે કોઈ વ્યક્તિ ગામડામાં, નાનાં શહેરમાં ડિજિટલ બૅન્કિંગ યુનિટની સેવાઓ લેશે, ત્યારે પૈસા મોકલવાથી લઈને લોન લેવા સુધીની દરેક વસ્તુ સરળ થઈ જશે, ઓનલાઇન થઈ જશે. તમે કલ્પના કરો, એક જમાનામાં જ્યારે એક ગામવાસી, આપણા એક ગામનો નાગરિકે, એક ગરીબ વ્યક્તિને નાની નાની બૅન્કિંગ સેવાઓ માટે સંઘર્ષ કરવો પડતો હતો, ત્યારે તે તેના માટે ખૂબ મોટું પગલું ગણાતું હતું. પરંતુ આજે ખૂબ જ સરળતાથી તે આ પરિવર્તનને જીવીને ખુશ થશે, તે ઉત્સાહિત થઈ જશે.

સાથીઓ,

અમારી સરકારનું લક્ષ્ય ભારતના સામાન્ય માણસને સશક્ત બનાવવાનું અને તેને શક્તિશાળી બનાવવાનું છે. તેથી, સમાજના છેવાડાના ફલક પર ઊભેલી વ્યક્તિને ધ્યાનમાં રાખીને અમે નીતિઓ બનાવી અને આખી સરકાર તેની સુવિધા અને પ્રગતિના માર્ગે ચાલી. અમે બે વસ્તુઓ પર એક સાથે કામ કર્યું. પ્રથમ, બૅન્કિંગ વ્યવસ્થાને સુધારવી, એને મજબૂત કરવી, તેમાં પારદર્શિતા લાવવી અને બીજું, નાણાકીય સમાવેશ કર્યો. નાણાકીય સમાવેશ કર્યો, પહેલાં જ્યારે બૌદ્ધિક સેમિનારો યોજાતા હતા ત્યારે મોટા મોટા વિદ્વાનો બેન્કિંગ સિસ્ટમ, ઇકોનોમી, ગરીબોની વાતો કરતા હતા. પછી સ્વાભાવિક રીતે જ નાણાકીય સમાવેશની વાત તો થતી હતી, પણ જે વ્યવસ્થાઓ હતી તે વિચારો પૂરતી જ મર્યાદિત રહી જતી હતી. વ્યવસ્થાઓ આ ક્રાંતિકારી કાર્ય માટે, નાણાકીય સર્વસમાવેશકતા માટે, સર્વસમાવેશકતા માટે તૈયાર રહેતી ન હતી. પહેલા એવું માનવામાં આવતું હતું કે ગરીબ પોતે જ સામે ચાલીને બૅન્ક જશે, તે બૅન્કિંગ સિસ્ટમ સાથે જોડાઇ જશે. પણ અમે રિવાજ બદલી નાખ્યો. અમે નક્કી કર્યું છે કે બૅન્કો પોતે જ સામે ચાલીને ગરીબનાં ઘરે જશે. આ માટે આપણે સૌ પ્રથમ ગરીબો અને બૅન્કો વચ્ચેનું અંતર ઘટાડવાનું હતું. અમે ભૌતિક અંતર પણ ઘટાડ્યું અને સૌથી મોટો જે અવરોધ હતો, એ મનોવૈજ્ઞાનિક અંતર પણ અમે ઘટાડ્યું. અમે દૂર-સુદૂરનાં ઘર-ઘર સુધી બૅન્કિંગ સેવાઓ પહોંચાડવાને ટોચની અગ્રતા આપી. આજે, ભારતનાં 99 ટકાથી વધારે ગામડાંમાં પાંચ કિ.મી.ની અંદર કોઇ ને કોઇ બૅન્ક શાખા, બૅન્કિંગ આઉટલેટ અથવા બૅન્કિંગ મિત્ર, બૅન્કિંગ કોરસપોન્ડન્ટ હાજર છે. આ ઉપરાંત દેશમાં પોસ્ટ ઓફિસનું જે વિસ્તૃત નેટવર્ક હતું, આજે તે ઇન્ડિયા પોસ્ટ બૅન્કના માધ્યમથી એ પણ બૅન્કિંગની મુખ્યધારાનો ભાગ બની ગયું છે. આજે, દેશમાં દર એક લાખ પુખ્ત વસ્તીએ બૅન્ક શાખાઓની સંખ્યા જર્મની, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો કરતા પણ વધારે છે.

સાથીઓ,

સામાન્ય માણસનું જીવનધોરણ બદલવાના સંકલ્પ સાથે અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. અમારો સંકલ્પ વ્યવસ્થાઓને સુધારવાનો છે, અમારો સંકલ્પ પારદર્શિતા લાવવાનો છે. અમારો સંકલ્પ છેલ્લી હરોળમાં ઊભેલી વ્યક્તિ સુધી પહોંચવાનો છે. જ્યારે અમે જનધન ખાતાની ઝુંબેશ શરૂ કરી હતી, ત્યારે કેટલાક અવાજો ઉઠ્યા હતા કે ગરીબ લોકો બૅન્ક ખાતાનું શું કરશે? ત્યાં સુધી કે આ ક્ષેત્રના ઘણા નિષ્ણાતો પણ સમજી શકતા ન હતા કે આ અભિયાનનું મહત્વ શું છે. પરંતુ બૅન્ક ખાતાની તાકાત શું છે, એ આજે આખો દેશ જોઈ રહ્યો છે. મારા દેશનો સામાન્યમાં સામાન્ય નાગરિક અનુભવી રહ્યો છે. બૅન્ક ખાતાને કારણે અમે ગરીબોને ખૂબ ઓછા પ્રીમિયમ પર વીમાની સુવિધા આપી હતી. બૅન્ક ખાતાઓની તાકાત સાથે જોડાયા બાદ ગરીબોને ગૅરન્ટી વગર લોન મળવાનો માર્ગ ખુલી ગયો. બૅન્ક એકાઉન્ટ હોવાને કારણે સબસિડીના પૈસા ગરીબ લાભાર્થીઓને સીધા તેમનાં ખાતામાં પહોંચ્યા. બૅન્ક ખાતાનાં માધ્યમથી જ ગરીબોને ઘર બનાવવાનું હોય છે, શૌચાલય બનાવવાનું હોય છે, ગેસની સબસીડી મેળવવાની હોય, તેમને સીધા જ તેમનાં ખાતામાં આપી શકાયા. ખેડૂતોને પણ તમામ સરકારી યોજનાઓમાંથી મળતી સહાય બૅન્ક ખાતાઓને કારણે એમના સુધી સરળતાથી પહોંચાડી શકાઇ. અને જ્યારે કોરોના મહામારીનો દોર આવ્યો ત્યારે ગરીબોનાં બૅન્ક ખાતામાં, માતા-બહેનોનાં બૅન્ક ખાતામાં સીધા પૈસા પહોંચાડવામાં. બૅન્ક ખાતાનાં કારણે આપણા શેરી-પાથરણાંવાળાં ભાઈ-બહેનો માટે સ્વનિધિ યોજના પણ શરૂ થઈ શકી. જ્યારે એ જ દરમ્યાન વિકસિત દેશોને સુદ્ધાં આ કામમાં મુશ્કેલીઓનો પડી રહી હતી. તમે હમણાં જ સાંભળ્યું હશે કે આઇએમએફે ભારતના ડિજિટલ બૅન્કિંગ માળખાની ભરપૂર પ્રશંસા કરી છે. આનો શ્રેય ભારતના ગરીબો, ભારતના ખેડૂતો અને ભારતના શ્રમિકોને જાય છે, જેમણે હિંમત સાથે, સમજણ સાથે નવી ટેકનોલોજીઓ અપનાવી, તેને તેમનાં જીવનનો હિસ્સો બનાવી.

સાથીઓ,

જ્યારે નાણાકીય ભાગીદારી ડિજિટલ ભાગીદારી સાથે જોડાઈ જાય છે, ત્યારે સંભાવનાઓનું એક નવું વિશ્વ ખુલવા લાગે છે. યુપીઆઈ જેવું મોટું ઉદાહરણ આપણી સામે છે. અને ભારતને તેના પર ગર્વ છે. યુપીઆઈ એ આ પ્રકારની વિશ્વની પ્રથમ ટેકનોલોજી છે. પરંતુ ભારતમાં તમે તેને શહેરથી લઈને ગામ સુધી, શૉ રૂમ્સ હોય કે શાકભાજીની લારીઓ, બધે જ તમે એ જોઈ શકો છો. યુપીઆઈની સાથે જ, હવે 'રૂપે કાર્ડ'ની તાકાત પણ દેશના સામાન્ય માનવીના હાથમાં છે. એક સમય હતો જ્યારે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડને ભદ્ર વ્યવસ્થા માનવામાં આવતી હતી. મોટા સમાજના શ્રીમંતોની વ્યવસ્થા મનાતી હતી. કાર્ડ્સ પણ વિદેશી હતા, તેનો ઉપયોગ કરનારા પણ બહુ જ ગણ્યાં ગાંઠ્યા લોકો રહેતા, અને તેનો ઉપયોગ પણ એવી જ રીતે પસંદગીનાં સ્થળોએ જ થતો હતો. પરંતુ આજે 70 કરોડથી વધુ રૂપે કાર્ડ ભારતમાં સામાન્ય માનવી પાસે છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતના સ્વદેશી રૂપે કાર્ડને સ્વીકારવામાં આવી રહ્યો છે. ટેકનોલોજી અને અર્થવ્યવસ્થાનો આ સમન્વય એક તરફ ગરીબોની ગરિમા અને મધ્યમ વર્ગને ખૂબ જ મોટી તાકાત આપી રહ્યો છે. સાથે જ દેશના ડિજિટલ ડિવાઈડને પણ ખતમ કરી રહ્યો છે.

સાથીઓ,

જામ- JAM એટલે કે જનધન, આધાર અને મોબાઈલની ત્રિશક્તિએ મળીને એક મોટી બીમારીનો ઈલાજ પણ કર્યો છે. આ બીમારી છે- ભ્રષ્ટાચારની બીમારી. પૈસા ઉપરથી નીકળતા હતા, પરંતુ ગરીબો સુધી પહોંચતા પહોંચતા ગાયબ થઈ જતા હતા. પરંતુ, હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા, પૈસા જેનાં નામે નીકળે છે, તેનાં ખાતામાં પહોંચી જાય છે, તે જ સમયે પહોંચે છે. અત્યાર સુધી ડીબીટીનાં માધ્યમથી 25 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ અલગ-અલગ યોજનાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને કાલે પણ, હું આવતીકાલે દેશના કરોડો ખેડૂતોને બે હજાર રૂપિયાનો આવો જ એક હપ્તો મોકલવાનો છું.

ભાઇઓ અને બહેનો,

આજે, આખું વિશ્વ ભારતની આ ડીબીટી અને ડિજિટલ શક્તિની પ્રશંસા કરી રહ્યું છે. આપણને તેને આજે એક વૈશ્વિક મોડેલ તરીકે જોવાઇ રહ્યું છે. વિશ્વ બૅન્ક હવે તો એમ પણ કહી રહી છે કે ભારત ડિજિટાઇઝેશન દ્વારા સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાના મામલે અગ્રેસર બની ચૂક્યું છે. ટેક્નોલોજી જગતના સૌથી સફળ લોકો પણ, ટેક્નોલોજી જગતના જે મહારથીઓ છે એ લોકો પણ ભારતની આ વ્યવસ્થાની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે, તેઓ પોતે પણ તેની સફળતાથી અચંબિત છે.

ભાઇઓ અને બહેનો,

તમે કલ્પના કરો, જ્યારે ડિજિટલ ભાગીદારી અને આર્થિક ભાગીદારીમાં આટલી તાકાત હોય છે, તો બંનેની 100 ટકા ક્ષમતાનો ઉપયોગ કરીને આપણે આપણા દેશને કેટલી ઊંચાઈએ લઈ જઈ શકીએ? એટલે જ આજે ફિનટેક ભારતની નીતિઓ, ભારતના પ્રયાસોનાં કેન્દ્રમાં છે અને ભવિષ્યને દિશા આપી રહી છે. ડિજિટલ બૅન્કિંગ એકમો ફિનટેકની આ ક્ષમતાને નવું વિસ્તરણ આપશે. જો જન ધન ખાતાઓએ દેશમાં નાણાકીય સર્વસમાવેશકતાનો પાયો નાંખ્યો હતો, તો ફિનટેક નાણાકીય ક્રાંતિનો પાયો તૈયાર કરશે.

સાથીઓ,

હમણાં તાજેતરમાં જ ભારત સરકારે પણ બ્લોકચેન ટેકનોલોજી આધારિત ડિજિટલ કરન્સી શરૂ કરવાની જાહેરાત કરી છે. આગામી સમયમાં ડિજિટલ કરન્સી હોય કે પછી આજના સમયમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ હોય, અર્થતંત્ર સિવાય પણ તેની સાથે અનેક મહત્વનાં પાસાં સંકળાયેલાં છે. જેમ કે, કરન્સી છાપવામાં જે ખર્ચ થાય છે, દેશનાં એ નાણાંની બચત થાય છે. કરન્સી માટે પેપર અને શાહી આપણે વિદેશોથી મગાવીએ છીએ. ડિજિટલ ઇકોનોમીનાં માધ્યમથી આપણે આનાથી પણ બચી રહ્યા છીએ. આ એક અલગ રીતે આત્મનિર્ભર ભારતમાં, ભારતના બેન્કિંગ ક્ષેત્રનું, આપણી આરબીઆઇનું એક બહુ મોટું યોગદાન હું માનું છું. સાથે જ કાગળનો વપરાશ ઘટવાથી પર્યાવરણને પણ મોટો ફાયદો થશે.

સાથીઓ,

બૅન્કિંગ આજે નાણાકીય વ્યવહારોથી આગળ વધીને 'સુશાસન' અને 'વધુ સારી સેવા વિતરણ' નું પણ માધ્યમ બની ગયું છે. આજે આ વ્યવસ્થાએ ખાનગી ક્ષેત્ર અને લઘુ ઉદ્યોગો માટે પણ વિકાસની અપાર સંભાવનાઓને જન્મ આપ્યો છે. આજે ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ક્ષેત્ર હશે કે જેમાં ટેકનોલોજીનાં માધ્યમથી પ્રોડક્ટ અને સર્વિસ ડિલિવરી એક નવી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ન બની રહી હોય. તમે જુઓ, આજે જો તમને બંગાળથી મધની જરૂર હોય, અથવા તમારે આસામના વાંસનાં ઉત્પાદનોની જરૂર હોય, જો તમને કેરળથી જડીબુટ્ટીઓની જરૂર હોય, અથવા ખાવા માટે કોઈ સ્થાનિક રેસ્ટોરન્ટમાંથી કોઈ મનપસંદ વસ્તુ મગાવવી હોય, કે પછી તમારે કાનૂની સલાહની જરૂર હોય, આરોગ્ય માટે કોઈ સલાહની જરૂર હોય,  અથવા તો ગામમાં બેઠેલા યુવાનને શહેરના કોઇ શિક્ષક પાસેથી ક્લાસ લેવાના હોય! ડિજિટલ ઇન્ડિયાએ તે બધું શક્ય બનાવ્યું છે જેની આપણે થોડાં વર્ષો પહેલા કલ્પના પણ કરી શકતા ન હતા.

સાથીઓ,

ડિજિટલ અર્થતંત્ર અત્યારે આપણી અર્થવ્યવસ્થાની, આપણાં સ્ટાર્ટઅપ વર્લ્ડની પણ, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની એક બહુ મોટી તાકાત છે. આજે આપણા લઘુ ઉદ્યોગ,  આપણા એમએસએમઇઝ જીઈએમ- GEM જેવી વ્યવસ્થા મારફત સરકારી ટેન્ડરમાં પણ સહભાગી થઈ રહ્યા છે. તેમને બિઝનેસની નવી તકો મળી રહી છે. અત્યાર સુધીમાં જીઇએમ પર 2.5 લાખ કરોડ રૂપિયાના ઓર્ડર અપાઇ ચૂક્યા છે. આનાથી દેશનાં સ્થાનિક અર્થતંત્રનેમ વોકલ ફોર લોકલ મિશનને કેટલો મોટો ફાયદો થયો હશે તેનું મૂલ્યાંકન આપ કરી શકો છો. ડિજિટલ બેન્કિંગ એકમોનાં માધ્યમથી હવે આ દિશામાં ઘણી નવી તકો ઊભી થશે. આપણે આ દિશામાં નવીનતા લાવવાની છે, નવી વિચારસરણી સાથે નવી તકોને આવકારવાની છે.

સાથીઓ,

કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા એટલી જ પ્રગતિશીલ હોય છે, જેટલી ત્યાંની બેન્કિંગ વ્યવસ્થા મજબૂત હોય. આજે ભારતનું અર્થતંત્ર સાતત્ય સાથે આગળ વધી રહ્યું છે. આ એટલા માટે શક્ય બની રહ્યું છે કારણ કે આ 8 વર્ષોમાં દેશ 2014 પહેલાંની ફોન બૅન્કિંગ સિસ્ટમથી ડિજિટલ બૅન્કિંગ તરફ વળી ગયો છે. 2014 પહેલાનું ફોન બૅન્કિંગ, તમને લોકોને ખૂબ સારી રીતે યાદ હશે, સમજી ગયા હશો! બૅન્કોને ઉપરથી ફોન આવતા હતા, અને નક્કી થતું હતું કે બૅન્કો કેવી રીતે કામ કરે, કોને પૈસા આપે! આ ફોન બેન્કિંગની રાજનીતિએ બૅન્કોને અસુરક્ષિત કરી દીધી, દેશની અર્થવ્યવસ્થાને અસુરક્ષિત કરી દીધી, હજારો કરોડ રૂપિયાના કૌભાંડોનાં બીજ, સતત કૌભાંડો જ કૌભાંડોના સમાચાર આવ્યા કરતા હતા. પરંતુ હવે ડિજિટલ બૅન્કિંગ સાથે બધું પારદર્શક રીતે ચાલી રહ્યું છે. અમે એનપીએની ઓળખ માટે પારદર્શિતા લાવવાની દિશામાં કામ કર્યું. લાખો કરોડો રૂપિયા બૅન્કિંગ સિસ્ટમમાં પાછા આવ્યા. અમે બૅન્કોનું પુનઃમૂડીકરણ કર્યું, વિલફુલ ડિફોલ્ટરો સામે પગલાં લીધાં, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં પણ સુધારો કરવામાં આવ્યો. એનપીએને લગતા મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આઇબીસીની મદદથી ઝડપ લાવવામાં આવી. અમે લોન માટે પણ ટેકનોલોજી અને એનાલિટિક્સનાં ઉપયોગને પ્રોત્સાહન આપ્યું, જેથી પારદર્શક અને વૈજ્ઞાનિક વ્યવસ્થા ઊભી થઈ શકે. બૅન્કોનાં મર્જર જેવા મહત્વપૂર્ણ નિર્ણયો પોલિસી પેરાલિસિસનો ભોગ બન્યા હતા, દેશે તેમને પણ એટલા જ મજબૂતીથી લીધા હતા. આજે નિર્ણયો લીધા, પગલાં લીધાં. આજે નિર્ણયોનાં પરિણામો આપણી સામે છે. દુનિયા પ્રશંસા કરી રહી છે. ડિજિટલ બૅન્કિંગ યુનિટ્સ જેવી નવી શરૂઆત અને ફિનટેકનાં નવીન ઉપયોગ મારફતે હવે બૅન્કિંગ વ્યવસ્થા માટે એક નવું સ્વ-સંચાલિત માળખું તૈયાર થઈ રહ્યું છે. તેમાં ગ્રાહકો માટે જેટલી સ્વાયત્તતા છે, બૅન્કો માટે પણ એટલી જ સુવિધા અને પારદર્શિતા છે. હું ઇચ્છું છું કે તમામ હિતધારકો આવી વ્યવસ્થાઓને વધુ વ્યાપક કેવી રીતે બનાવી શકાય, તેને મોટા પાયે કેવી રીતે આગળ વધારી શકાય તે દિશામાં કામ કરે. આપણી તમામ બૅન્કોએ વધુને વધુ લોકોને ડિજિટલ સિસ્ટમ્સ સાથે જોડવાનું લક્ષ્ય રાખવું જોઈએ. હું એક આગ્રહ તમને પણ કરવા માગું છું. ખાસ કરીને મારાં બૅન્કિંગ ક્ષેત્રનાં લોકોને કહેવા માગું છું. અને બૅન્કો સાથે જોડાયેલા ગામડે-ગામડે ફેલાયેલા જે નાના વેપારી છે, કારભારી છે આપ બેઉને મારો આગ્રહ છે કે અને જ્યારે આઝાદીનો અમૃતકાળ છે, ત્યારે હું આપ પાસે દેશ માટે એ આગ્રહ કરીને આશા રાખું છું કે, તમે તેને પૂર્ણ કરશો. શું આપણી બૅન્કો અને આપણા નાના વેપારીઓ સાથે મળીને આપણે એક કામ કરી શકીએ કે? આપણી બૅન્કના ઓછામાં ઓછા 100 વેપારીઓ, પછી તે શહેર હોય કે ગામ હોય, તેમનો જે વિસ્તાર હોય એ વિસ્તારના, હું વધારે નથી કહેતો, માત્ર 100 વેપારીઓ, તે સંપૂર્ણ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની વ્યવસ્થા, 100 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શનવાળી સિસ્ટમ, જો આપણા 100 વેપારીઓ તમારી સાથે જોડાઇને કરી લે, તો તમે કલ્પના કરી શકો છો કે આપણે કેટલી મોટી ક્રાંતિનો પાયો તૈયાર કરીએ છીએ.

ભાઇઓ બહેનો,

દેશ માટે આ એક મોટી શરૂઆત હોઈ શકે છે. આગ્રહ કરી શકું છું, આ માટે કોઈ કાયદો ન બનાવી શકે, નિયમ ન બનાવી શકે, અને જ્યારે તમે તેનો લાભ જોશો, ત્યારે મારે કોઈને ફરીથી 100 થી 200 કરવા માટે સમજાવવું નહીં પડે.

સાથીઓ,

દરેક શાખાએ ૧૦૦ વેપારીઓ પોતાની સાથે જોડવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આજે જનધન ખાતાની જે સફળતા છે. તેનું મુખ્ય કારણ બૅન્કની શાખામાં બેઠેલા આપણા નાના મોટા જે સાથીઓ છે. આપણા કર્મચારીઓ છે, એ સમયે જે મહેનત કરી, તેઓ ગરીબોની ઝૂંપડી સુધી જતા હતા. શનિવાર અને રવિવારે પણ કામ કરતા હતા. તેનાં કારણે જનધન સફળ રહ્યું હતું. તે વખતે જે જે બૅન્કના આપણા સાથીઓએ જનધનને સફળ કર્યું, આજે દેશ એની તાકાત જોઇ રહ્યો છે. જો આજે જે લોકો બૅન્કની વ્યવસ્થા જુએ છે, જેઓ શાખા સંભાળે છે, તેઓ તેમના વિસ્તારમાં તેમની બૅન્કના કમાન્ડ એરિયાના 100 વેપારીઓને પ્રેરિત કરે, એકજૂથ કરે, એમને જોડે. એક બહુ મોટી ક્રાંતિનું નેતૃત્વ આપના હાથમાં હશે. મને વિશ્વાસ છે કે આ પહેલ આપણી બૅન્કિંગ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાને એક એવા મુકામે લઈ જશે જે ભવિષ્ય માટે તૈયાર હોય અને વૈશ્વિક અર્થતંત્રનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવશે. આ જ શુભકામનાઓ સાથે હું ભારતનાં નાણામંત્રી, ભારતનાં નાણાં મંત્રાલય, આપણા આરબીઆઈના ગવર્નર, આરબીઆઈની ટીમ, આપણા બૅન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ નાના-મોટા સાથી આજે આપ સૌ મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છો. કારણ કે તમે દેશને એક બહુ મોટી ભેટ આપી છે. અને દેશની જનતાને પણ આ અમૂલ્ય ભેટ માટે, દિવાળી પહેલાની આ મહત્વપૂર્ણ ભેટ માટે, આઝાદીનાં 75 વર્ષ અને 75 ડિજિટલ બૅન્કિંગ યુનિટ્સ પોતાનામાં જ એક સુખદ સંયોગ છે. ખૂબ ખૂબ શુભકામનાઓ, તમારો ખૂબ-ખૂબ આભાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi