બાબાસાહેબ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદને નમન કર્યા
બાપુ અને આઝાદીની ચળવળમાં બલિદાન આપનારા તમામને શ્રદ્ધાંજલિ અર્પી
26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી
“બંધારણ દિવસ ઉજવવો જોઇએ કેમ કે આપણો માર્ગ સાચો છે કે નથી એનું સતત મૂલ્યાંકન થવું જોઇએ”
“પરિવાર આધારિત પક્ષો સ્વરૂપે ભારત એક પ્રકારની કટોકટી તરફ આગળ વધી રહ્યું છે જે બંધારણને સમર્પિત લોકો માટે ચિંતાનો વિષય છે”
“જે પક્ષોએ એમનું લોકતાંત્રિક ચારિત્ર્ય ગુમાવી દીધું છે એ લોકશાહીનું રક્ષણ કેવી રીતે કરી શકે?”
“દેશની સ્વતંત્રતા બાદ જો ફરજ પર ભાર મૂકાયો હોત તો સારું થાત. આઝાદી કા અમૃત મહોત્સવમાં આપણા માટે કર્તવ્યના માર્ગે આગળ વધવાનું આવશ્યક છે જેથી આપણા અધિકારોનું રક્ષણ થઈ શકે”

આદરણીય રાષ્ટ્રપતિજી, આદરણીય ઉપરાષ્ટ્રપતિજી, આદરણીય સ્પીકર મહોદય, મંચ ઉપર બિરાજમાન તમામ વરિષ્ઠ મહાનુભવો અને ગૃહમાં ઉપસ્થિત સંવિધાન પ્રત્યે સમર્પિત તમામ ભાઈઓ અને બહેનો.

 

આજનો દિવસ બાબા સાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા દૂરંદેશી ધરાવતા મહાનુભવોને નમન કરવાનો દિવસ છે. આજનો દિવસ ગૃહને પ્રણામ કરવાનો  દિવસ છે, કારણ કે આ પવિત્ર સ્થળ પર મહિનાઓ સુધી ભારતના વિદ્વાનોએ, કાર્યશીલોએ દેશના ઉજળા ભવિષ્ય માટે વ્યવસ્થાઓ નિર્ધારિત કરવા માટે મનોમંથન કર્યું હતું અને તેમાંથી સંવિધાન સ્વરૂપે આપણને અમૃત પ્રાપ્ત થયું હતું, જેણે આઝાદીનો આટલો લાંબો સમય વિત્યા પછી આપણને અહિંયા પહોંચાડ્યા છે.

આજે પૂજ્ય બાપુને પણ નમન કરવાનો દિવસ છે. આઝાદીના જંગમાં જે જે લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું, પોતાનું જીવન સમર્પિત કર્યું હતું તે તમામને પણ નમન કરવાનો આ અવસર છે. આજનો  26/11નો દિવસ  આપણાં સૌ માટે એક એવો દુઃખદ દિવસ છે કે જ્યારે દેશના દુશ્મનોએ દેશની અંદર ઘૂસીને ઘાતક આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો હતો. ભારતના બંધારણમાં સૂચિત દેશના સામાન્ય માનવીના રક્ષણની જવાબદારી હેઠળ આપણા અનેક વીર જવાનોએ એ આતંકવાદીઓ સાથે બાથ ભીડતાં ભીડતાં પોતાનો જીવ સમર્પિત કરી દીધો હતો. સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. હું આજે 26/11ના રોજ બલિદાન આપનારા તે તમામ લોકોને પણ આદરપૂર્વક નમન કરૂં છું.

 

આદરણીય મહાનુભવો, આપણે ક્યારેય પણ વિચાર્યું હતું કે જો આજે આપણને સંવિધાનનું નિર્માણ કરવાની સ્થિતિ ઊભી થઈ હોત તો શું થયું હોત? આઝાદીના આંદોલનની છાયા, દેશભક્તિની જ્વાળા, ભારતના વિભાજનની વિભિષિકા, આ બધા સિવાય પણ દેશ હિતને સર્વોચ્ચ માનીને દરેકના હૃદયમાં એક જ મંત્ર હતો. વિવિધતાથી  ઉભરતો આપણો આ દેશ અનેક  ભાષાઓ, અનેક બોલીઓ, અનેક પંથ, અનેક રાજા- રજવાડાં, આ બધાં હોવા છતાં પણ બંધારણના માધ્યમથી સમગ્ર દેશને એક બંધનમાં બાંધીને આગળ ધપાવવા માટે યોજના બનાવવી તે આજના સંદર્ભમાં જોઈએ તો શું આપણે સંવિધાનનું એક પાનું પણ પૂરૂં કરી શક્યા હોત? કારણ કે રાષ્ટ્ર પ્રથમના કાળક્રમથી માંડીને રાજનીતિએ બધાં લોકો પર એવો  પ્રભાવ ઊભો કરી દીધો છે કે દેશ હિત પણ ક્યારેક પાછળ રહી જાય છે. હું તે મહાનુભવોને એટલા માટે પણ પ્રણામ કરવા ઈચ્છીશ કે તેમના પોતાના પણ વિચારો હશે. વિચારોની પણ અનેક ધારાઓ હશે. તે ધારાઓમાં ધાર પણ હશે, પરંતુ આમ છતાં તેમણે રાષ્ટ્રહિત સર્વોચ્ચ હોવાના સંબંધે બધાં લોકોએ સાથે બેસીને આપણને એક સંવિધાન આપ્યું છે.

 

સાથીઓ,

આપણું સંવિધાન માત્ર અનેક કલમોની જ સંગ્રહ નથી. આપણું સંવિધાન એ હજારો વર્ષોની ભારતની મહાન પરંપરા, અખંડ ધારા, અને એ ધારાની અભિવ્યક્તિ છે અને એટલા માટે, આપણા માટે, તેને શબ્દ અને ભાવના સાથે આપણે બંધારણ પ્રત્યે સમર્પણ દર્શાવીએ અને જ્યારે આપણે આ સંવિધાનિક વ્યવસ્થાને આધારે લોકોના પ્રતિનિધિ તરીકે ગ્રામ પંચાયતથી માંડીને સંસદ સુધી જે કોઈપણ જવાબદારી નિભાવીએ છીએ તેમાં તે સંવિધાનના શબ્દો અને ભાવનાને સમર્પણ ભાવનાથી જ આપણે હંમેશા સજ્જ રહેવાનું રહેશે અને જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે સંવિધાનની ભાવનાઓને ક્યાં હાનિ પહોંચી રહી છે તે બાબતને પણ નકારી શકીએ તેમ નથી. અને એટલા જ માટે આજે આ બંધારણ દિવસે આપણે જે કાંઈ પણ કરી રહ્યા છીએ તે બંધારણ દિવસના પ્રભાવમાં હોવો જોઈએ. સાચો હોય કે ખોટો હોય, આપણો રસ્તો સાચો હોય કે ખોટો હોય, આપણે દર વર્ષે બંધારણ દિવસ મનાવીને પોતાની જાતનું મૂલ્યાંકન કરતા રહેવું  જોઈએ. એ સારૂં થાત કે દેશ આઝાદ થયા પછી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના પર્વ તરીકે મનાવવાની શરૂઆત થયા પછી આપણે 26 નવેમ્બરને બંધારણ દિવસ સ્વરૂપે દેશમાં મનાવવાની પરંપરા ઊભી કરી હોત. આવું થઈ શક્યું હોત તો પેઢી દર પેઢી જાણી શકાયું હોત કે સંવિધાન કેવી રીતે બન્યું હતું? કયા કયા લોકોએ તેનું નિર્માણ કર્યું હતું? કેવી પરિસ્થિતિમાં તે બન્યું હતું? ક્યાં બન્યું હતું? સંવિધાન આપણને ક્યાં લઈ જાય છે? કેવી રીતે લઈ જાય છે? કોના માટે લઈ જાય છે? આ તમામ બાબતો અંગે જો દર વર્ષે ચર્ચા થતી હોત તો બંધારણ કે જેને દુનિયા એક જીવંત એકમ તરીકે માને છે, એક સામાજીક દસ્તાવેજ તરીકે માને છે. વિવિધતા ભરેલા આ દેશ માટે તે એક ખૂબ મોટી તાકાત તરીકે પેઢી દર પેઢી એખ અવસર તરીકે કામ આવ્યું હોત, પરંતુ કેટલાક લોકો તે કામ ચૂકી ગયા હતા, પરંતુ જ્યારે બાબા સાહેબ આંબેડકરની 150મી જયંતી હતી ત્યારે તેનાથી મોટો પવિત્ર અવસર કયો હોઈ શકે? બાબા સાહેબ આંબેડકરે આપણને ખૂબ મોટી ભેટ આપી છે. તેને આપણે સદા- સર્વદા એક ગ્રંથ તરીકે યાદ કરતા રહીશું. અને તેમાંથી મને યાદ છે કે જ્યારે ગૃહમાં આ વિષય પર હું બોલી રહ્યો હતો ત્યારે વર્ષ 2015માં બાબા સાહેબ આંબેડકરની 150મી જયંતીના દિવસે અમે કેટલીક જાહેરાતો કરી હતી અને તે સમયે કોઈ વિરોધ થયો ન હતો. એ દિવસે પણ થતું હતું કે 26 નવેમ્બર ક્યાંથી લઈ આવ્યા, શું કરી રહ્યા છે, શું જરૂર હતી. શું બાબા સાહેબ આંબેડકરનું નામ હોય અને તમારા મનમાં તેમના માટે ભાવ ઉઠે તે દેશ સાંભળવા માટે તૈયાર નથી? અને આજે પણ મોટું દિલ રાખીને ખૂલ્લા મનથી બાબા સાહેબ આંબેડકર જેવા મનુષ્યે દેશને જે કાંઈ આપ્યું છે તેનું પુનઃ સ્મરણ કરવા તૈયાર ના હોય તે પણ એક ચિંતાનો વિષય છે.

સાથીઓ,

ભારત એક બંધારણિય લોકશાહી પરંપરા છે. રાજકીય પક્ષોનું પોતાનું પણ એક ઘણું મહત્વ છે. અને રાજકીય પક્ષો પણ આપણા સંવિધાનની ભાવનાઓને જન જન સુધી પહોંચાડવાનું એક મોટું માધ્યમ છે, પરંતુ સંવિધાનની ભાવનાઓને પણ હાનિ પહોંચી છે. સંવિધાનની એક એક ધારાને પણ ચોટ પહોંચી છે. જ્યારે રાજનીતિક પક્ષ પોતાની જાતે, પોતાના લોકશાહી ચરિત્રને ગુમાવી દે છે, જે પક્ષ જાતે લોકશાહી ચરિત્ર ગૂમાવી ચૂક્યા છે તે લોકશાહીની રક્ષા કેવી રીતે કરી શકશે? આજે દેશમાં કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી ભારતના કોઈપણ ખૂણામાં જશો તો લાગશે કે ભારત એક એવા સંકટ તરફ આગળ વધી રહ્યું છે કે જે બંધારણ પ્રત્યે સમર્પિત લોકો માટે એક ચિંતાનો વિષય છે. લોકશાહી તરફ આસ્થા રાખનારા લોકો માટે ચિંતાનો વિષય છે અને તે છે-  પારિવારિક પક્ષો, રાજનીતિક પક્ષો, પરિવાર માટે પક્ષ, પરિવાર વડે પક્ષ. હવે આગળ કશું કહેવાની મને જરૂર જણાતી નથી. કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી તમામ રાજકીય પક્ષો તરફ નજર નાંખશો તો આ બધું લોકશાહીની ભાવનાની વિરૂધ્ધનું છે તે સમજાઈ જશે. બંધારણ આપણને જે કાંઈ કહે છે તેનાથી બિલકુલ વિપરીત થઈ રહ્યું છે. અને આજે જ્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે પારિવારિક પક્ષોનો અર્થ હું એ નથી કરતો કે એક પરિવારમાંથી એકથી વધુ લોકો રાજનીતિમાં ના આવે. હા,એવું નથી. યોગ્યતાના આધારે જનતાના આશીર્વાદથી કોઈપણ પરિવારમાંથી એકથી વધુ લોકો રાજનીતિમાં આવે તેનાથી પક્ષ પરિવારવાદી બની જતો નથી, પરંતુ જે પક્ષ પેઢી દર પેઢી એક જ પરિવાર ચલાવતો રહે, પાર્ટીની તમામ વ્યવસ્થાઓ આ પરિવાર પાસે જ રહે તે સ્વસ્થ લોકશાહી વ્યવસ્થા માટે સંકટ ઊભું કરી શકે છે. અને આજે સંવિધાન દિવસ પ્રસંગે સંવિધાનમાં વિશ્વાસ કરનારા લોકો, સંવિધાનને સમજનારા લોકો અને સંવિધાન પ્રત્યે સમર્પિત તમામ દેશવાસીઓ પાસેથી હું એવો આગ્રહ રાખું છું કે દેશમાં એક જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે.

 

જાપાનમાં એક પ્રયોગ થયો હતો. જાપાનમાં એવું જોવા મળ્યું હતું કે કેટલાક રાજકીય પરિવારો જ વ્યવસ્થા તંત્રમાં ચાલી રહ્યા છે. ત્યારે કોઈએ બીડું ઉઠાવ્યું કે તે એવા નાગરિકોને તૈયાર કરશે કે જે રાજકીય પરિવારની બહારના લોકો તરીકે નિર્ણય પ્રક્રિયામાં સામેલ થઈ શકે અને ખૂબ જ સફળતાપૂર્વક, આ પ્રક્રિયામાં 30 થી 40 વર્ષ લાગ્યા અને જે કરવાનું હતું તે કરવું પડ્યું. લોકશાહીને સમૃધ્ધ બનાવવા માટે આપણે પણ આપણા દેશમાં આવી બાબતો અંગે વધુ જાણવું ખૂબ જ જરૂરી બની રહે છે. ચિંતા કરવાની જરૂર છે. દેશવાસીઓને જાગૃત કરવાની પણ જરૂર છે અને એ રીતે આપણે ત્યાં ભ્રષ્ટાચાર, શું આપણને આપણું બંધારણ ભ્રષ્ટાચાર માટે મંજૂરી આપે છે. કાયદા છે, નિયમો છે, બધું જ છે, પણ ચિંતા ત્યારે જ થાય છે કે જ્યારે ન્યાયપાલિકાએ જાતે કોઈને જો ભ્રષ્ટાચાર માટે જવાબદારા જાહેર કર્યો હોય, ભ્રષ્ટાચાર કરવા માટે સજા આપવામાં આવી હોય તો પણ રાજનીતિક સ્વાર્થના કારણે આવા લોકોનો મહિમા વધારવાનું ચાલુ રહ્યું છે. પુરવાર થયેલી વિગતો હોવા છતાં પણ ભ્રષ્ટાચારને છાવરીને જ્યારે રાજનીતિક લાભ માટે તમામ મર્યાદાઓ તોડી નાંખીને લોકલાજને નેવે મુકીને  એવા લોકો સાથે ઉઠવા - બેસવાનું શરૂ થાય છે ત્યારે દેશના નવયુવાનના મનમાં એવું થાય છે કે જો આ પ્રકારની રાજનીતિના ક્ષેત્રમાં નેતાગિરી કરનારા લોકો ભ્રષ્ટાચારી લોકોની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે. એનો અર્થ એ થાય છે કે આવા લોકોને પણ રસ્તો મળી રહે છે, કારણ કે  ભ્રષ્ટાચારના માર્ગે ચાલવાનું ખરાબ નથી. બે- ચાર વર્ષ પછી લોકો પણ સ્વિકારી લે છે. શું આપણે આવી સમાજ વ્યવસ્થા ઊભી કરવાની છે? શું સમાજની અંદર ભ્રષ્ટાચારને કારણે કોઈ ગુનો સાબિત થઈ ચૂક્યો હોય ત્યારે તેને સુધારવા માટે તક આપવી જોઈએ, પણ સાર્વજનિક જીવનમાં તેમની પ્રતિષ્ઠા કરવાની જે સ્પર્ધા ચાલી રહી છે ત્યારે હું સમજું છું કે તે વ્યવસ્થા નવા લોકોને લૂંટવાના રસ્તે જવા માટે મજબૂત કરી દે  છે અને એટલા માટે જ આપણે તેનાથી ચિંતિત થવાની જરૂર છે. આપણે ત્યાં આઝાદીનું 75મું વર્ષ ચાલી રહ્યું છે. આ એક અમૃત કાળ છે. આપણે જ્યાં સુધી આઝાદીના 75મા વર્ષ સુધીમાં દેશ જે સ્થિતિમાંથી પસાર થયો હતો. અંગ્રેજો ભારતના નાગરિકોને કચડી નાંખવામાં લાગેલા હતા અને તેના કારણે ભારતના નાગરિકોએ તેમના અધિકારો મેળવવા માટે લડવું પડે તે ખૂબ જ સ્વાભાવિક પણ હતું અને જરૂરી પણ હતું.

મહાત્મા ગાંધી સહિત દરેક વ્યક્તિ ભારતના નાગરિકોને તેમના અધિકાર મળે એના માટે લડતા રહ્યા હતા તે ખૂબ જ સ્વાભાવિક છે. છતાં એ પણ યોગ્ય નથી કે મહાત્મા ગાંધીજીએ આઝાદીના આંદોલનમાં પણ અધિકારો માટે લડતા લડતા દેશને પોતાના કર્તવ્ય માટે તૈયાર કરવાના સતત પ્રયાસ કર્યા હતા. તેમણે ભારતના નાગરિકોમાં આ પ્રકારના બીજ રોપવાની સતત કોશિષ પણ કરી હતી, કે સફાઈ કરો, પ્રૌઢ શિક્ષણ મેળવો, મહિલાઓને સન્માન આપો, નારી ગૌરવ જાળવો, મહિલાઓનું સશક્તીકરણ કરો, ખાદી પહેરો અને સ્વદેશી વિચાર, આત્મનિર્ભરતાના વિચાર કર્તવ્ય તરફ મહાત્મા ગાંધી સતત દેશને તૈયાર કરતા રહ્યા, પણ આઝાદી પછી મહાત્મા ગાંધીજીએ જે કર્તવ્યના બીજ વાવ્યા હતા તે આઝાદી પછી વટવૃક્ષ બની જવા જોઈતા હતા, પરંતુ કમનસીબે શાસન વ્યવસ્થા એવી ઊભી થઈ કે તેણે અધિકાર, અધિકાર અને અધિકારની જ વાતો કરીને લોકોને એવી વ્યવસ્થામાં રાખ્યા કે અમે છીએ, તેથી જ તમારા અધિકારો પૂરા થશે. દેશ આઝાદ થયા પછી કર્તવ્ય તરફ ભાર મૂકવાનું ચાલુ રાખ્યું હોત તો સારૂં થાત અને અધિકારોની જાતે જ રક્ષા થઈ શકી હોત. કર્તવ્યમાં જવાબદારીની એક ભાવના હોય છે. કર્તવ્યના કારણે સમાજ તરફ એક જવાબદારીની ભાવના ઊભી થાય છે. અધિકારને કારણે ક્યારેક ક્યારેક તો એક યાચકવૃત્તિ પેદા થતી હોય છે કે મને મારો અધિકાર મળવો જોઈએ. આનો અર્થ એ થાય કે સમાજને કુંઠીત કરવાની કોશિષ થાય છે. કર્તવ્યની ભાવનાથી સામાન્ય માનવીના જીવનમાં એક ભાવ પેદા થાય છે કે આ મારી જવાબદારી છે અને મારે તે જવાબદારી નિભાવવાની છે. મારે આ બાબત યાદ રાખવાની છે અને જ્યારે પણ હું કર્તવ્યનું પાલન કરૂં છું ત્યારે કોઈને કોઈના અધિકારનું આપમેળે રક્ષણ થઈ જતું હોય છે. કોઈના અધિકારનું સન્માન થતું હોય છે. કોઈના અધિકારનું ગૌરવ થઈ જાય છે અને તેના કારણે કર્તવ્ય પણ જળવાય છે અને અધિકાર પણ ચાલે છે તેમજ સ્વસ્થ સમાજની રચના પણ થાય છે.

 

 

 

 

 

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આપણા માટે એ ખૂબ જ આવશ્યક છે કે આપણે કર્તવ્યોના માધ્યમથી અધિકારોનું રક્ષણ કરવાના માર્ગે ચાલી નિકળીએ. કર્તવ્યનો માર્ગ એવો માર્ગ છે કે જેમાં અધિકારની ગેરંટી છે, કર્તવ્યનો પંથ એવો છે કે જેમાં કોઈના અધિકારના સન્માનની સાથે સાથે આપણે બીજાનો સ્વિકાર કરીએ છીએ અને તેને હક્ક આપીએ છીએ. અને એટલા જ માટે આજે જ્યારે આપણે સંવિધાન દિવસ મનાવી રહ્યા છીએ ત્યારે આપણી અંદર પણ આવો જ ભાવ નિરંતર જાગતો રહે છે કે આપણે કર્તવ્ય પથ પર ચાલતા રહીને  કર્તવ્યને જેટલું વધુ પ્રમાણમાં નિષ્ઠા અને તપસ્યા સાથે મનાવીશું ત્યારે દરેકના અધિકારોનું રક્ષણ થશે અને આઝાદીના દિવાના લોકોએ જે સપનાં લઈને ભારતનું નિર્માણ કર્યું હતું તે સપનાં પૂરાં કરવાનું સૌભાગ્ય આજે આપણને મળી રહ્યું છે. આપણે લોકોએ સાથે મળીને તે સપનાં સાકાર કરવામાં કોઈ કસર છોડવાની નથી. આ મહત્વના અવસરે હું ફરી એક વખત સ્પીકર મહોદયને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, વધામણી આપું છું કે જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું, આ કાર્યક્રમ કોઈ સરકારનો ન હતો, આ કાર્યક્રમ કોઈ રાજકીય પક્ષનો પણ ન હતો. આ કાર્યક્રમનું કોઈ પ્રધાનમંત્રીએ આયોજન કર્યું ન હતું. આ ગૃહનું એક ગૌરવ હોય છે અને ગૌરવ કરનારા સ્પીકર હોય છે. સ્પીકરની પણ એક ગરિમા હોય છે. બાબા સાહેબ આંબેડકરની એક ગરિમા હોય છે. બંધારણની એક ગરિમા હોય છે. આપણે સૌ એ મહાન પુરૂષોને પ્રાર્થના કરીએ કે તે આપણને એવો બોધ આપે કે આપણે હંમેશા સ્પીકરપદની ગરિમા જાળવી રાખીએ. બાબા સાહેબ આંબેડકરનું ગૌરવ જાળવતા રહીને આપણે  સંવિધાનનું પણ ગૌરવ જાળવી રાખીએ એવી અપેક્ષા સાથે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 નવેમ્બર 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage