Language of Laws Should be Simple and Accessible to People: PM
Discussion on One Nation One Election is Needed: PM
KYC- Know Your Constitution is a Big Safeguard: PM

નમસ્કાર,

ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી, લોકસભાના અધ્યક્ષ શ્રીમાન ઓમ બિરલાજી, સંસદીય કાર્યવાહીના મંત્રી શ્રી પ્રહલાદ જોષીજી, રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશજી, સંસદીય કાર્યવાહીના રાજ્યકક્ષાના મંત્રી શ્રી અર્જુન મેઘવાલજી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીજી, દેશની અલગ-અલગ વિધાનસભાઓના પ્રિસાઈડીંગ અધિકારીગણ, અન્ય મહાનુભવો, દેવીઓ અને સજ્જનો.

આજે મા નર્મદાના કિનારે સરદાર પટેલજીના સાનિધ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ બે અવસરોનો સમન્વય થઈ રહ્યો છે. બંધારણ દિન પ્રસંગે મારા તમામ ભારતીય સાથીઓને શુભેચ્છા પાઠવું છું. આપણે એ મહાન પુરૂષો અને મહિલાઓ કે જે આપણું બંધારણ ઘડવામાં સંકળાયેલા હતા તે તમામને શ્રધ્ધાંજલિ પાઠવું છું. આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણનું રક્ષણ કરવામાં મહત્વની ભૂમિકા બજાવનારા આપ પ્રિસાઈડીંગ અધિકારીઓનું સંમેલન પણ છે. આ વર્ષ પ્રિસાઈડીંગ અધિકારીઓના સંમેલનનું શતાબ્દી વર્ષ પણ છે. મહત્વની આ ઉપલબ્ધિ માટે આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

આજે ડો. રાજેન્દ્ર પ્રસાદ અને ડો. બાબા સાહેબ આંબેડકરથી માંડીને બંધારણ સભાના એ તમામ વ્યક્તિઓને નમન કરવાનો દિવસ છે કે જેમણે અથાગ પ્રયાસો વડે આપણા સૌ દેશવાસીઓને બંધારણ આપ્યું. આજનો દિવસ પૂજય બાપુની પ્રેરણાને, સરદાર વલ્લભભાઈ પટેલની કટિબધ્ધતાને પ્રણામ કરવાનો દિવસ છે. આવા જ અનેક દૂરંદેશી ધરાવતા પ્રતિનિધિઓએ સ્વતંત્ર ભારતના નિર્માણનો માર્ગ નક્કી કર્યો હતો. દેશ એ પ્રયાસોને પણ યાદ રાખશે કે આ ઉદ્દેશ સાથે પાંચ વર્ષ પહેલાં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હું સમગ્ર દેશને આપણાં લોકતંત્રના આ મહત્વના પર્વ માટે અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

આજની તારીખ દેશ ઉપર સૌથી મોટા આતંકી હુમલા સાથે જોડાયેલી રહી છે. વર્ષ 2008માં પાકિસ્તાનમાંથી આવેલા, પાકિસ્તાનથી મોકલાયેલા આતંકીઓએ મુંબઈ ઉપર હુમલો કર્યો હતો અને તે હુમલામાં અનેક લોકોના મોત થયા હતા. અનેક દેશના લોકો માર્યા ગયા હતા. મુંબઈ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોને હું મારી શ્રધ્ધાંજલિ અર્પણ કરૂં છું. આ હુમલામાં આપણાં પોલીસ દળના અનેક બહાદુર જવાનો પણ શહીદ થયા હતા તેમને પણ હું નમન કરૂં છું. દેશ, મુંબઈ હુમલાના ઘા ભૂલી શકે તેમ નથી. હવે આજનું ભારત નવી-નવી પધ્ધતિ સાથે આતંકવાદનો મુકાબલો કરી રહ્યું છે. મુંબઈ હુમલા જેવા કાવતરાઓને નિષ્ફળ બનાવનારા આતંકને જડબાતોડ જવાબ દેનારા ભારતની રક્ષામાં દરેક ક્ષણે જોડાયેલા આપણાં સુરક્ષા દળોને પણ હું આજે વંદન કરૂં છું.

સાથીઓ,

પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે લોકશાહીમાં તમારી મહત્વની ભૂમિકા છે. આપ સૌ પ્રિસાઈડીંગ ઓફિસરો કાયદાના નિર્માણ કરનાર તરીકે, બંધારણ અને દેશના સામાન્ય માનવીને જોડનારી ખૂબ મહત્વની એક કડી સમાન છો. ધારાસભ્ય હોવાની સાથે-સાથે તમે ગૃહના અધ્યક્ષ પણ છો. આવી સ્થિતિમાં આપણાં બંધારણના ત્રણેય મહત્વપૂર્ણ અંગ- વિધાનસભા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાની વચ્ચે બહેતર સમન્વય સ્થાપિત કરવામાં તમે ઘણી મહત્વની ભૂમિકા અદા કરી શકો તેમ છો. તમે તમારા સંમેલનમાં આ વિષય અંગે ઘણી ચર્ચા પણ કરી છે. બંધારણના રક્ષણમાં ન્યાયપાલિકાની પોતાની ભૂમિકા હોય છે, પરંતુ સ્પીકર કાયદો ઘડનારી સંસ્થાનો ચહેરો હોય છે અને એટલા માટે એક રીતે સ્પીકર બંધારણના સુરક્ષા કવચના પ્રથમ સંરક્ષક પણ છે.

સાથીઓ,

બંધારણના ત્રણેય અંગોની ભૂમિકાથી માંડીને મર્યાદા સુધી તમામ બાબતોનું બંધારણમાં જ વર્ણન કરવામાં આવ્યું છે. 70ના દાયકામાં આપણે જોયું હતું કે કેવી રીતે અલગ કરવાની શક્તિની મર્યાદાનો ભંગ કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તેનો જવાબ પણ દેશના બંધારણમાંથી પ્રાપ્ત થયો છે, પરંતુ કટોકટીના એ સમય ખંડ પછી નિયંત્રણ અને સમતુલાની આ પધ્ધતિ મજબૂતમાં પણ મજબૂત બનતી રહી છે. વિધાનસભા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા- આ ત્રણેય આ સમયગાળામાં ઘણું બધુ શીખીને આગળ ધપ્યા છે અને આજે પણ એ શીખ એટલી જ પ્રાસંગિક છે. વિતેલા 6થી 7 વર્ષોમાં વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાનો સમન્વય કરીને તેને બહેતર બનાવવાના પ્રયાસો થયા છે.

સાથીઓ,

આ પ્રકારના પ્રયાસોનો સૌથી મોટો પ્રભાવ જનતાના વિશ્વાસ ઉપર પડ્યો છે. કપરામાં કપરા સમયમાં જનતાની આસ્થા આ ત્રણેય અંગો પર યથાવત્ત રહી છે. આ બાબત આપણે વર્તમાન દિવસોમાં વૈશ્વિક મહામારીના સમયમાં પણ સારી રીતે જોઈ છે. ભારતની 130 કરોડ કરતાં વધુ જનતાએ જે પરિપક્વતાનો પરિચય આપ્યો છે તેનું સૌથી મોટું કારણ તમામ ભારતીયોનો બંધારણના આ ત્રણેય અંગો પરનો સંપૂર્ણ વિશ્વાસ છે. આ વિશ્વાસને આગળ ધપાવવા માટે નિરંતર કામ પણ ચાલી રહ્યું છે. મહામારીના આ સમયમાં દેશની સંસદે રાષ્ટ્રના હિત સાથે જોડાયેલા કાયદાઓ માટે, આત્મનિર્ભર ભારત માટે મહત્વના કાયદાઓ માટે તત્પરતા અને કટિબધ્ધતા દર્શાવી છે, જે અભૂતપૂર્વ છે. આ સમયગાળા દરમિયાન સંસદના બંને ગૃહોમાં નિર્ધારિત સમય કરતાં વધારે કામ થયું છે. સાંસદોએ પોતાના વેતનમાં કાપ મૂકીને પોતાની કટિબધ્ધતા દર્શાવી છે. અનેક રાજ્યોના ધારાસભ્યોએ પણ પોતાના વેતનનો કેટલોક હિસ્સો આપીને કોરોના સામેની લડાઈમાં પોતાનો સહયોગ આપ્યો છે. હું તમામ પ્રયાસોની કદર કરૂં છું. હાલના કોવિડ કાળમાં આ પ્રકારના કદમ લોકોનો આત્મવિશ્વાસ વધારવામાં મહત્વની ભૂમિકા બજાવે છે.

સાથીઓ,

કોરોનાના આ કાલખંડમાં આપણી ચૂંટણી પ્રક્રિયાની મજબૂતી પણ દુનિયાએ જોઈ છે. આટલા મોટા પાયે ચૂંટણીઓ યોજવી, સમયસર પરિણામો આપવા, સારી રીતે નવી સરકારની રચના થવી, આ બધું એટલું આસાન ન હતું. આપણને આપણાં બંધારણમાંથી જે તાકાત મળી છે આવા દરેક મુશ્કેલ કાર્યોને આસાન બનાવે છે. આપણું બંધારણ 21મી સદીમાં બદલાતા સમયના દરેક પડકારને પાર પાડવા માટે આપણને માર્ગદર્શન આપતું રહે, નવી પેઢી સાથે તેનું જોડાણ થાય તે બધી જવાબદારી આપણાં માથે છે.

આવનારા સમયમાં બંધારણ 75મા વર્ષ તરફ વધુ ગતિથી આગળ ધપી રહ્યું છે. એ રીતે આઝાદ ભારતને પણ 75 વર્ષ પૂર્ણ થવાના છે એવી સ્થિતિમાં વ્યવસ્થાઓને સમય સાથે અનુકૂળ બનાવવા માટે મોટા કદમ ઉઠાવવા માટે આપણે સંકલ્પ ભાવ સાથે કામ કરવું પડશે. એક રાષ્ટ્ર તરીકે, સેવામાં આવેલા દરેક સંકલ્પને સિધ્ધ કરવામાં વિધાનસભા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા- આ બધાં વચ્ચે બહેતર તાલમેલ સાથે કામ કરતાં રહેવાનું છે. આપણાં દરેક નિર્ણયનો આધાર એક જ ત્રાજવાથી તોલવાનો હોવો જોઈએ. એક જ માપદંડ રહેવો જોઈએ અને એ માપદંડ છે- રાષ્ટ્રહિત. રાષ્ટ્રહિત એ જ આપણું ત્રાજવું હોવું જોઈએ.

આપણે એ યાદ રાખવાનું રહે છે કે વિચારોમાં દેશ હિત અને લોક હિત નહીં, પણ તેને બદલે રાજનીતિ આક્રમક બની જાય છે અને તેનું નુકસાન દેશે ભોગવવું પડે છે. જ્યારે દરેકે દરેક વ્યક્તિ અલગ-અલગ પ્રકારે વિચારતો હોય ત્યારે કેવું પરિણામ આવે છે તેના તમે સાક્ષી છો. આપ સૌ અહિંયા બે દિવસથી બિરાજમાન છો. સરદાર સરોવર બંધ પણ તેનું એક ખૂબ મોટું ઉદાહરણ છે.

સાથીઓ,

કેવડિયાના પ્રવાસ દરમિયાન તમે સૌએ સરદાર સરોવર બંધની વિશાળતા જોઈ છે, ભવ્યતા જોઈ છે. તેની શક્તિ જોઈ છે, પરંતુ આ બંધનું કામ વર્ષો સુધી અટકેલું પડ્યુ હતું, અટવાઈ ગયું હતું. આઝાદીના થોડાં વર્ષો પછી શરૂ થયું હતું અને આઝાદીના 75 વર્ષ જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે તેના થોડાંક વર્ષ પહેલાં જ પૂરૂ થયું છે. કેવા કેવા અવરોધો આવ્યા હતા, કેવા કેવા લોકોએ અવરોધો ઉભા કર્યા હતા, કેવી રીતે બંધારણનો દુરૂપયોગ કરવાનો પ્રયાસ થયો હતો અને આટલો મોટો પ્રોજેક્ટ, જન હિતનો પ્રોજેકટ આટલા વર્ષો સુધી લટકતો રહ્યો હતો. આજે આ બંધનો લાભ ગુજરાતની સાથે-સાથે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકોને પણ મળી રહ્યો છે. આ બંધના કારણે ગુજરાતની 10 લાખ હેક્ટર જમીનને અને રાજસ્થાનની અઢી લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થઈ છે. ગુજરાતના 9 હજારથી વધુ ગામ અને રાજસ્થાન અને ગુજરાતના અને નાના મોટા શહેરોમાં ઘર વપરાશના પાણીનો પૂરવઠો પણ આ સરદાર સરોવર બંધને કારણે પ્રાપ્ત થઈ શક્યો છે.

અને જ્યારે પાણીની વાત આવે છે ત્યારે મને એક પ્રસંગ યાદ આવી રહ્યો છે. જ્યારે નર્મદાના પાણી અનેક વિવાદોમાં અટવાયેલા હતા, અનેક સંકટોમાંથી પસાર થઈ રહ્યા હતા, હકિકતમાં કોઈ માર્ગ કાઢવાનો હતો, પરંતુ જ્યારે રાજસ્થાનને પાણી પહોંચાડવામાં આવ્યું ત્યારે ભૈરવ સિહજી શેખાવત અને જસવંત સિંહજી મને ખાસ ગાંધીનગર મળવા માટે આવવા માંગતા હતા. મેં પૂછયું કે શું કામ છે, તેમણે કહ્યું કે આવીને જણાવીશું. તે આવ્યા અને મને તેમણે એટલા અભિનંદન આપ્યા, એટલા આશીર્વાદ આપ્યા ત્યારે મેં પૂછ્યું કે આટલો પ્રેમ અને આટલી ભાવના કેમ. તો તેમણે કહ્યું કે ઈતિહાસ સાક્ષી છે કે પાણીના એક એક ટીંપા માટે યુધ્ધ થયા છે. લડાઈઓ થઈ છે. બે-બે પરિવાર વચ્ચે ભાગલા પડ્યા છે. કોઈપણ સંઘર્ષ વગર, કોઈ ઝઘડા વગર ગુજરાતથી નર્મદાના પાણી રાજસ્થાન પહોંચી ગયા છે. રાજસ્થાનની સૂકી ધરતીને તમે પાણી પહોંચાડ્યું છે તે અમારા માટે ખૂબ જ ગર્વ અને આનંદનો વિષય છે અને એટલા માટે અમે તમને મળવા આવ્યા છીએ. જુઓ, આ કામ અગાઉ પણ થઈ શક્યું હોત. આ બંધના કારણે જે વીજળી પેદા થઈ રહી છે, તેનો અધિક લાભ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને થઈ રહ્યો છે.

સાથીઓ,

આ બધું વર્ષો પહેલાં પણ થઈ શકતું હતું. લોક કલ્યાણની વિચારધારા સાથે, વિકાસને સૌથી વધુ અગ્રતા દાખવવાના અભિગમ સાથે આ લાભ અગાઉ પણ મળી શક્યો હોત, પરંતુ વર્ષો સુધી જનતાએ વંચિત રહેવું પડયું હતું. અને તમે જુઓ કે જે લોકોએ આવું કર્યું છે તેમને કોઈ પસ્તાવો પણ થતો નથી. આટલું મોટું રાષ્ટ્રને નુકસાન થયું, બંધનો ખર્ચ ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયો અને જે લોકો આ માટે જવાબદાર હતા તેમના ચહેરા પર કોઈ રેખા પણ ફરકી નથી. આપણે દેશને આવી પ્રવૃત્તિમાંથી બહાર કાઢવાનો છે.

સાથીઓ,

સરદાર પટેલજીની આટલી વિશાળ પ્રતિમા સામે જઈને, દર્શન કરીને તમે લોકોએ પણ નવી ઉર્જાનો અનુભવ કર્યો હશે, તમને પણ એક નવી પ્રેરણા પ્રાપ્ત થઈ હશે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી દરેક ભારતીયનું ગૌરવ વધારતી રહે છે અને જ્યારે સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ થયું છે, તે જનસંઘના સભ્ય ન હતા, ભાજપના સભ્ય ન હતા. કોઈ રાજકીય આભડછેટ રાખવામાં આવી નથી. જે રીતે ગૃહમાં એક સમાન ભાવનાની આવશ્યકતા હોય છે તે જ રીતે દેશમાં પણ સમાન ભાવની આવશ્યકતા રહે છે. સરદાર સાહેબનું આ સ્મારક તેનું જીવતું જાગતું સાક્ષી છે કે અહિંયા કોઈ રાજકીય આભડછેટ નથી. દેશ કરતાં કશું મોટું હોતું નથી. દેશના ગૌરવ કરતાં કશું મોટું હોતું નથી.

તમે કલ્પના કરી શકો છો કે વર્ષ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યા પછી આશરે 46 લાખ લોકો અહિંયા સરદાર સાહેબની પ્રતિમાને નમન કરવા માટે આવ્યા છે. કોરોનાના કારણે 7 મહિના સુધી પ્રતિમાના દર્શન બંધ ના રહ્યા હોત તો આ આંક ઘણો મોટો હોત. મા નર્મદાના આશીર્વાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ સમગ્ર કેવડીયા શહેર ભારતના સૌથી ભવ્ય શહેરોમાં સમાવેશ પામવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. માત્ર થોડાંક વર્ષોમાં અને જ્યારે શ્રીમાન ગવર્નર આચાર્યજીએ તેનું વર્ણન કર્યું છે તે મુજબ થોડાંક જ વર્ષોમાં આ સ્થળનો કાયાકલ્પ થઈ રહ્યો છે. જ્યારે વિકાસને સર્વોપરી રાખીને, કર્તવ્ય ભાવનાને સર્વોપરી ગણીને કામ થાય છે ત્યારે તેના પરિણામ પણ મળી રહે છે.

તમે જોયું હશે કે વર્તમાન દિવસોમાં તમને અનેક ગાઈડને મળવાનું થયું હશે, વ્યવસ્થા સાથે સંકળાયેલા અનેક લોકોને મળવાનું થયું હશે. આ તમામ નવયુવાન દિકરા- દિકરીઓ આ વિસ્તારના જ છે. આદિવાસી પરિવારોની દિકરીઓ છે અને તમને જ્યારે બતાવતી હશે ત્યારે ખૂબ જ સ્પષ્ટ શબ્દોનો ઉપયોગ કરતી હશે. તમે જોયું હશે કે આપણાં દેશમાં આ તાકાત પડેલી છે. આપણાં ગામડાંઓની અંદર પણ આ તાકાત પડેલી છે, માત્ર થોડી રાખ ખસેડવાની જરૂર છે અને એવું થાય તો તે એકદમ પ્રજવલ્લિત થાય છે. તમે જોયું હશે કે મિત્રો, વિકાસના આ કાર્યોના કારણે અહીના આદિવાસી ભાઈ- બહેનોમાં પણ નવો આત્મવિશ્વાસ પ્રાપ્ત થયો છે.

સાથીઓ,

દરેક નાગરિકનું આત્મ સન્માન અને આત્મવિશ્વાસ વધે તે બંધારણની અપેક્ષા છે. અમારો નિરંતર એવો પ્રયાસ રહ્યો જ છે. આવુ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે આપણે સૌ પોતાના કર્તવ્યોને પોતાના અધિકારોનો સ્રોત માનીશું, પોતાના કર્તવ્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીશું. બંધારણમાં કર્તવ્યો ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ અગાઉના સમયમાં તેની ભૂલી જવામાં આવ્યું હતું. ભલે સામાન્ય નાગરિક હોય, કર્મચારી હોય, લોકપ્રતિનિધિ હોય, ન્યાય વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો હોય, દરેક વ્યક્તિ અને દરેક સંસ્થા માટે કર્તવ્યનું પાલન એ ખૂબ મોટી અગ્રતા છે, ખૂબ જરૂરી બાબત છે. બંધારણમાં તો દરેક નાગરિક માટે આ કર્તવ્ય લેખિત સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે. હવે આપણાં સ્પીકર આદરણીય બિરલાજીએ કર્તવ્યોના વિષયને વિગતવાર તમારી સામે મૂક્યો પણ છે.

સાથીઓ,

આપણા બંધારણમાં ઘણાં વિશેષ પાસાં છે, પણ તેમાનું સૌથી વિશેષ પાસુ એ તેમાં દર્શાવેલી ફરજો પ્રત્યેનું મહત્વ છે. મહાત્મા ગાંધીજી પોતે પણ આ બાબતે ખૂબ જ આગ્રહ રાખતા હતા. તેમણે હક્કો અને અધિકારો વચ્ચેની ઘનિષ્ટ કડી જોઈ છે. તેમને લાગતું હતું કે એક વખત આપણે આપણી ફરજોનું પાલન કરીશુ તો અધિકારોનું પણ રક્ષણ થશે.

સાથીઓ,

હવે આપણો પ્રયાસ એ હોવો જોઈએ કે બંધારણ પ્રત્યે સામાન્ય નાગરિકની સમજ ઘણી બધી વ્યાપક બને. આ માટે બંધારણને જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી બની રહે છે. આજ કાલ આપણે સૌ લોકો સાંભળીએ છીએ કે કેવાયસી… આ ખૂબ જ સામાન્ય શબ્દ છે. દરેક વ્યક્તિ જાણે છે કે કેવાયસીનો અર્થ તમારા ગ્રાહકને જાણો એવો થાય છે. આ બાબત ડીજીટલ સુરક્ષા માટે પણ એક ખૂબ મહત્વનું પાસુ બની જાય છે. જે રીતે કેવાયસી એક નવા રૂપમાં, કેવાયસી એટલે તમારા બંધારણને જાણો. આપણે બંધારણના સુરક્ષા કવચને પણ મજબૂત કરી શકીએ છીએ અને એ માટે બંધારણ પ્રત્યે જાગૃતિ માટે સતત અભિયાન ચલાવવું જરૂરી બની રહે છે. આ બાબતને હું દેશની આવનારી પેઢીઓ માટે ખૂબ આવશ્યક સમજું છું. ખાસ કરીને શાળાઓમાં, કોલેજોમાં આપણી નવી પેઢીને એનો ખૂબ જ નિકટથી પરિચય કરાવવો પડશે.

હું આપ સૌને અરજ કરૂં છું કે આપ સૌ પહેલ કરીને આપણાં બંધારણના આ પાસાંને આપણાં યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બનાવો અને તે પણ નવતર પ્રકારની પધ્ધતિઓથી.

સાથીઓ,

આપણે ત્યાં સૌથી મોટી સમસ્યા એ રહી છે કે બંધારણ અને કાયદાની ભાષા એ વ્યક્તિ માટે સમજવી મુશ્કેલ બને છે કે જેના માટે કાયદો બન્યો છે. મુશ્કેલ શબ્દ લાંબા લાંબા વાક્યો, મોટા મોટા ફકરા, ક્લોઝ- સબક્લોઝ એટલે કે જાણે અજાણે એક મુશ્કેલ જાળું ઉભુ થાય છે. આપણાં કાયદાઓની ભાષા એટલી સરળ હોવી જોઈએ કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ તેને સમજી શકે. આપણે ભારતનાં લોકોએ પોતાને બંધારણ આપ્યું છે એટલા માટે તેની અંતર્ગત લેવામાં આવેલા દરેક નિર્ણય, દરેક કાયદાને સામાન્ય નાગરિક તેની સાથે સીધુ જોડાણ અનુભવી શકે તે સુનિશ્ચિત કરવાનું રહે છે.

આ બાબતે આપ સૌ પ્રિસાઈડીંગ ઓફિસરોની ખૂબ મોટી મદદ મળી શકે તેમ છે અને એટલા માટે સમયની સાથે સાથે જે કાયદા પોતાનું મહત્વ ગૂમાવી ચૂક્યા છે તે કાયદા દૂર કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ આસાન હોવી જોઈએ. હજુ હમણાં માનનીય હરિવંશજીએ આ વિષય બાબતે આપણી સમક્ષ ઘણાં સારાં ઉદાહરણો રજૂ કર્યા હતા. આવા કાયદાઓ જીવનને સરળ બનાવવાને બદલે વધુ અવરોધરૂપ બને છે. વિતેલા વર્ષોમાં આવા સેંકડો કાયદાઓ દૂર કરવામાં આવ્યા છે, પણ શું આપણે એવી વ્યવસ્થા ના ગોઠવી શકીએ કે જેમાં જૂના કાયદાઓમાં બંધારણના કાયદાઓની જેમ જ બંધારણમાં પણ જૂના કાયદાઓ રદ કરવાની પ્રક્રિયા આપમેળે ચાલતી રહે ?

હવે કેટલાક કાયદાઓમાં સનસેટ ક્લોઝની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હવે સુસંગતા અંગેના કાયદાઓ અને કેટલાક અન્ય કાયદાઓમાં પણ આ પ્રકારનો વ્યાપ વધારવા માટે વિચાર ચાલી રહ્યો છે. મારૂં એ સૂચન છે કે રાજ્યની વિધાનસભાઓમાં પણ આ પ્રકારની વ્યવસ્થાની વિચારણા થઈ શકે તેમ છે. આવુ થઈ શકે તો જૂના અને ઉપયોગ વગરના કાયદાઓને, કાયદાના પુસ્તકમાંથી દૂર કરવા માટે પ્રક્રિયાલક્ષી જરૂરિયાતોથી બચી શકાય. આ પ્રકારની વ્યવસ્થા થઈ શકશે તો કાનૂની ગૂંચવાડા ખૂબ જ ઓછા થશે અને સામાન્ય નાગરિકોને પણ આસાની થશે.

સાથીઓ, વ

ધુ એક વિષય છે કે જે આજે પણ એટલો જ મહત્વનો છે. વન નેશન વન ઈલેક્શન એ માત્ર ચર્ચાનો જ વિષય નથી, પણ ભારતની જરૂરિયાત છે. દર થોડા મહિના પછી ભારતમાં ક્યાંકને ક્યાંક ચૂંટણીઓ યોજાતી રહે છે, જેની વિકાસના કામો ઉપર પણ અસર પડે છે. આ બધુ તમે સારી રીતે જાણો છો. આવી સ્થિતિમાં વન નેશન, વન ઈલેક્શન ઉપર ઘનિષ્ટ અભ્યાસ અને વિચારણા જરૂરી બની રહે છે અને તેમાં પ્રિસાઈડીંગ ઓફિસર ખૂબ જ માર્ગદર્શન આપી શકે તેમ છે, ગાઈડ કરી શકે તેમ છે, નેતૃત્વ આપી શકે તેમ છે. તેની સાથે સાથે લોકસભા હોય, વિધાનસભા હોય કે પછી પંચાયતની ચૂંટણીઓ હોય, તેના માટે એક જ મતદાર યાદી કામમાં આવી શકે છે. આવો, આપણે તેના માટે સૌથી પહેલાં રસ્તો શોધવાનો રહેશે. આજે દરેક માટે અલગ અલગ મતદાર યાદીઓ છે. આપણે શા માટે ખર્ચ કરી રહ્યા છીએ, શા માટે સમય બરબાદ કરી રહ્યા છીએ. હવે દરેક માટે 18 વર્ષથી ઉપરના લોકો માટે મતદાન આપવાનો અધિકાર નક્કી છે. પહેલાં તો ઉંમરમાં ફર્ક રહેતો હતો અને એટલા માટે થોડી અલગ સ્થિત રહેતી હતી. હવે તેની કોઈ જરૂરિયાત રહેતી નથી.

સાથીઓ, ડીજીટાઈઝેશન બાબતે સંસદથી માંડીને કેટલીક વિધાનસભાઓમાં પણ કેટલાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ હવે સંપૂર્ણ ડીજીટલીકરણ કરવાનો સમય આવી ચૂક્યો છે. જો આપ પ્રિસાઈડીંગ અધિકારીઓ તેની સાથે જોડાયેલા પ્રયાસો હાથ ધરશો તો મને વિશ્વાસ છે કે આપણાં ધારાસભ્યો, સંસદ સભ્યો પણ ઝડપથી આ ટેકનોલોજીને અપનાવી લેશે. શું આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં લઈને તમે આ સાથે જોડાયેલા લક્ષ્યને નક્કી કરી શકો છો ? કોઈ લક્ષ્યાંક નક્કી કરીને અહીંથી જઈ શકો તેમ છો ?

સાથીઓ,

આજે દેશના તમામ વિધાન ગૃહોના ડેટાનું આદાન-પ્રદાન કરવાની દિશામાં પણ આગળ ધપવું જરૂરી બની રહે છે, કારણ કે દેશમાં એક મધ્યસ્થ ડેટાબેઝ હોવો જોઈએ. તમામ ગૃહોના કામકાજનું એક રિયલ ટાઈમ વિવરણ સામાન્ય નાગરિકને ઉપલબ્ધ થાય અને દેશના તમામ ગૃહોને પણ ઉપલબ્ધ થવું જોઈએ. આના માટે “નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન” તરીકે એક આધુનિક ડીજીટલ પ્લેટફોર્મ અગાઉથી જ વિકસાવવામાં આવ્યું છે. મારો આપ સૌને એ આગ્રહ રહેશે કે આ પ્રોજેકટને જલ્દીમાં જલ્દી અપનાવે. આપણે હવે આપણી કાર્ય પધ્ધતિમાં વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેપરલેસ પધ્ધતિઓ ઉપર ભાર મૂકવાનો છે.

સાથીઓ,

દેશને બંધારણ સોંપતી વખતે બંધારણ સભા આ મુદ્દે એક મત હતી કે આવનારા સમયમાં ભારતમાં ઘણી બધી બાબતો પરંપરાઓના આધારે સ્થાપિત થશે. બંધારણ સભા એવું ઈચ્છતી હતી કે આવનારી પેઢીઓ આ સામર્થ્ય દેખાડે અને નવી પરંપરાઓને પોતાની સાથે જોડીને આગળ ધપે. આપણે સંવિધાનના આ શિલ્પીઓની આ ભાવનાનું ધ્યાન રાખવાનું છે. પ્રિસાઈડીંગ ઓફિસર હોવાના નાતે આપ સૌ શું નવું કરી શકો છો, કઈ નવી નીતિ જોડી શકો તેમ છો. આ દિશામાં પણ કશુંકને કશુંક યોજદાન આપશો તો દેશની લોકશાહીને એક નવી તાકાત મળશે.

વિધાનસભાની ચર્ચાઓ દરમ્યાન જન ભાગીદારી કેવી રીતે આગળ ધપે, આજની યુવા પેઢીને કેવી રીતે સાથે જોડી શકાય તે બાબતે પણ વિચારી શકાય તેમ છે. હજુ દર્શક દીર્ઘામાં લોકો આવે છે, ચર્ચાઓ પણ જુએ છે, પરંતુ આ પ્રક્રિયાને ખૂબ જ આયોજીત પ્રક્રિયા તરીકે પણ હાથ ધરી શકાય તેમ છે. જે વિષયની ચર્ચા થતી હોય, એ વિષય સાથે જોડાયેલા લોકો ત્યાં હોય તો તે દિવસે તેમને વધુ લાભ થશે. એ રીતે માનો કે, શિક્ષણ સાથે જોડાયેલ વિષય હોય તો વિધાર્થીઓને, શિક્ષકોને, યુનિવર્સિટી સાથે જોડાયેલા લોકોને બોલાવી શકાય છે. સામાજીક સંબંધ ધરાવતો કોઈ અન્ય વિષય હોય તો તેની સાથે જોડાયેલા સમૂહને બોલાવી શકાય છે. મહિલાઓ સાથે સંકળાયેલા કોઈ વિષયની ચર્ચા થતી હોય તો તેમને પણ બોલાવી શકાય છે.

આ રીતે કોલેજોમાં પણ મૉક પાર્લામેન્ટને પ્રોત્સાહન આપીને આપણે ખૂબ વ્યાપક પ્રમાણમાં તેનો પ્રચાર કરી શકીએ તેમ છીએ અને આપણે પોતે પણ તેની સાથે જોડાઈ શકીએ તેમ છીએ. કલ્પના કરી જુઓ, યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની સંસદ હોય અને તેમને ખુદ તેનું સંચાલન કરતાં હોવ તો તેનાથી વિદ્યાર્થીઓને કેટલી પ્રેરણા મળશે. કેટલું બધુ નવું શિખવાનું મળશે. આ તો મારૂં એક સૂચન માત્ર છે. તમે સૌ વરિષ્ઠ પણ છો, તમારી પાસે અનુભવ પણ છે, મને વિશ્વાસ છે કે આવા અનેક પ્રયાસોથી આપણી વૈધાનિક વ્યવસ્થાઓ માટે જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થશે.

ફરી એક વખત આ કાર્યક્રમમાં મને આમંત્રણ આપવા બદલ હું અધ્યક્ષ મહોદયનો ખૂબ-ખૂબ આભાર માનું છું. મેં અમસ્તા જ સૂચન કર્યા છે, પરંતુ અધ્યક્ષ સાહેબે કેવડીયામાં આ કાર્યક્રમનું આયોજન કર્યું, ગુજરાતના લોકોની મહેમાનગતિ તો ખૂબ જ સારી હોય છે. એક રીતે કહીએ તો આપણાં દેશના દરેક ખૂણામાં એ સ્વભાવ રહેલો છે કે એમાં કોઈ ઊણપ આવતી નથી. મને પૂરો વિશ્વાસ છે, પરંતુ તેને જોયા પછી બની શકે કે તમારા મનમાં ઘણાં નવા સારા વિચારો આવ્યા હશે. જો ત્યાંના વિચાર અહીં પહોંચાડશો તો વિકાસમાં તેનો જરૂર લાભ થશે, કારણ કે એક સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ એક જગા બની છે અને તેમાં આપ સૌનું યોગદાન છે, અને તેના મૂળમાં તમને યાદ હશે કે ભારતના દરેક ગામના ખેડૂતો ખેતરમાં જે ઓજારનો ઉપયોગ કરતા હતા એવા જૂના ઓજાર એકઠા કરવામાં આવ્યા હતા. ભારતના 6 લાખ ગામડાંઓમાંથી ઓજાર એકઠા કરવામાં આવ્યા હતા અને તેને અહીંયા ઓગાળીને આ પ્રતિમા બનાવવા માટે ખેડૂતોએ ખેતીમાં ઉપયોગ કરતા હોય તેવા ઓજારમાં લોખંડ કાઢીને તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે એક રીતે કહીએ તો તેની સાથે ભારતના દરેક ગામનો ખેડૂત તેની સાથે જોડાયેલો છે.

સાથીઓ, નર્મદાજી અને સરદાર સાહેબના સાનિધ્યમાં આ પ્રવાસ તમને પ્રેરણા આપતો રહેશે તેવી શુભેચ્છા સાથે આપ સૌને મારા તરફથી ખૂબ-ખૂબ આભાર !! ખૂબ-ખૂબ ધન્યવાદ !! ખૂબ-ખૂબ શુભકામના !!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 નવેમ્બર 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage