હું કાશીનો જન પ્રતિનિધિ છું અને કાશીની ધરતી પર આટલી મોટી સંખ્યામાં પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો એ મારું સૌભાગ્ય છે અને કાશીના પ્રતિનિધિના રૂપમાં હું આપ સૌનું હૃદયપૂર્વક ખૂબ-ખૂબ સ્વાગત કરું છું. સંસ્કૃત અને સંસ્કૃતિની સંગમ સ્થળીમાં આપ સૌની વચ્ચે આવવું એ મારા માટે સૌભાગ્યનો વિષય છે. બાબા વિશ્વનાથના સાનિધ્યમાં, માઁ ગંગાના ખોળામાં, સંતવાણીના સાક્ષી બનવાનો અવસર વારંવાર નથી આવતો.
આ કાર્યક્રમમાં આવવા માટે પૂજ્ય જગદગુરૂજીએ આમંત્રણ પત્ર લખ્યો હતો. પરંતુ તે પત્રમાં અપેક્ષા અને આગ્રહ કરતા પણ વધુ મારા અને રાષ્ટ્રના સમયની ચિંતા વધુ હતી. પરંતુ સંતોનો આદેશ હોય, ઋષિઓના સંદેશનો મહોત્સવ હોય, યુવા ભારતની માટે પુરાતન ભારતઅ ગૌરવગાનનો અવસર હોય, તો સમય અને અંતર અવરોધક નથી બનતા.
આખરે સંતોના સત્સંગનો, જ્ઞાનની પ્રાપ્તિનો આ અવસર જ્યારે પણ મળે તો છોડવો ન જોઈએ. તમે પણ આખા દેશમાંથી, ખૂણે ખૂણેથી, આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા છો. ઘણા બધા લોકો કર્ણાટકથી આવ્યા છો, ઘણા લોકો મહારાષ્ટ્રના છે અને બાબા ભોલેની નગરીનું પ્રતિનિધિત્વ તો અહીં છે જ.
હું આપ સૌનું સ્વાગત પણ કરું છું અને અભિનંદન પણ આપું છું.
સાથીઓ, તુલસીદાસજી કહેતા હતા- ‘સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોઉ’. આ ભૂમિની આ જ વિશેષતા છે. એવામાં વીરશૈવ જેવી સંત પરંપરાને યુવા પેઢી સુધી પહોંચાડી રહેલા જગદગુરૂ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી વર્ષનું સમાપન એક ગૌરવશાળી ક્ષણ છે. આ ક્ષણના સાક્ષી, વીરશૈવ પરંપરા સાથે જોડાયેલ આપ સૌ સાથીઓની સાથે જોડાવું મારી માટે ખૂબ જ સુખદ છે. આમ તો વીર શબ્દને મોટાભાગના લોકો વીરતા સાથે જોડે છે પરંતુ વીરશૈવ પરંપરા, એ પરંપરા છે જેમાં વીર શબ્દને આધ્યાત્મિક અર્થ સાથે પરિભાષિત કરવામાં આવ્યો છે.
વિરોધ રહિતં શૈવં વીરશૈવં વિદુર્બુધા:|
એટલે કે જે વિરોધની, વેરની ભાવનાથી ઉપર ઉઠી ગયો છે તે વીરશૈવ છે. માનવતાનો આટલો મહાન સંદેશ આ નામ સાથે જોડાયેલ છે. આ જ કારણ છે કે સમાજને વેર, વિરોધ અને વિકારોમાંથી બહાર કાઢવા માટે વીરશૈવ પરંપરાનો હંમેશાથી આગ્રહ અને પ્રખર નેતૃત્વ રહ્યું છે.
સાથીઓ, ભારતમાં રાષ્ટ્રનો આ અર્થ ક્યારેય નથી રહ્યો કે કોણે ક્યાં જીત હાંસલ કરી, કોની ક્યાં હાર થઇ! આપણે ત્યાં રાષ્ટ્ર સત્તાથી નહીં, સંસ્કૃતિ અને સંસ્કારો વડે સર્જન પામ્યું છે, અહીં રહેનારાઓના સામર્થ્ય વડે બન્યું છે. એવામાં ભારતની સાચી ઓળખને ભાવી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌના પર છે, ગુરુઓ, સંતો અને વિદ્વાનો પર છે.
આપણા આ મંદિર હોય, બાબા વિશ્વનાથ સહિત દેશના 12 જ્યોતિર્લિંગ હોય, ચાર ધામ હોય કે પછી વીરશૈવ સંપ્રદાયના 5 મહાપીઠ હોય, શક્તિપીઠ હોય, તે દિવ્ય વ્યવસ્થાઓ છે. આ બધા જ ધામ આસ્થા અને અધ્યાત્મના જ કેન્દ્રો નથી પરંતુ એક ભારત, શ્રેષ્ઠ ભારતના પણ માર્ગદર્શક છે. તે આપણને સૌને, દેશના જન-જનને, દેશની વિવિધતાને અંદર અંદર જોડે છે.
સાથીઓ, એ સંયોગ જ છે ગુરુકુળનો આ શતાબ્દી સમારોહ નવા દાયકાની શરૂઆતમાં થયો છે. આ દાયકો 21મી સદીના જ્ઞાન વિજ્ઞાનમાં ભારતની ભૂમિકાને વિશ્વ પટલ પર ફરીથી પ્રતિસ્થાપિત કરવાનો છે. એવામાં, ભારતના પૂરાતન જ્ઞાનઅને દર્શનના સાગર, શ્રી સિદ્ધાંત શિખામણીને 21મી સદીનું રૂપ આપવા માટે હું તમને અભિનંદન આપું છું.
ભક્તિથી મુક્તિનો માર્ગ પ્રદર્શિત કરનારા આ દર્શનને ભાવી પેઢી સુધી પહોંચાડવું જોઈએ. એક એપના માધ્યમથી આપવિત્ર જ્ઞાનગ્રંથનું ડિજિટલિકરણ યુવા પેઢીના જોડાણને વધુ બળ આપશે, તેમના જીવનની પ્રેરણા બનશે. હું ઈચ્છીશ આગળ જતા આ એપના માધ્યમથી આ જ ગ્રંથના સંદર્ભમાં દર વર્ષે ક્વીઝ કોમ્પિટિશન યોજવી જોઈએ અને દરેક રાજ્યમાંથી પહેલા ત્રણમાં જે આવે તેમને ઇનામ આપવું જોઈએ. આ બધું જ ઓનલાઈન થઇ શકે તેમ છે.
દેશ અને દુનિયાના ખૂણે ખૂણા સુધી શ્રી જગદગુરૂ રેણુકાચાર્યજીના પવિત્ર ઉપદેશને પહોંચાડવા માટે શ્રી સિદ્ધાંત શિખામણી ગ્રંથનો 19 ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. આજે તેનું પણ વિમોચન અહીં કરવામાં આવ્યું છે. સંતોના આ જ્ઞાનને જન જન સુધી પહોંચાડવું એ માનવતાની બહુ મોટી સેવા છે. તેની માટે આપણા બધાથી જે કંઈ પણ શક્ય થઇ શકે, તે આપણે આ જ રીતે કરતા રહેવું જોઈએ.
સાથીઓ, વીરશૈવ સાથે જોડાયેલ, લિંગાયત સમુદાય સાથે જોડાયેલ સંતોએ કે પછી અન્ય સાથીઓએ શિક્ષણ અને સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડવામાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે. કર્ણાટક સહિત દેશના અન્ય ભાગોમાં મઠોના માધ્યમથી અજ્ઞાનના અંધકારને દૂર કરવામાં આવી રહ્યો છે, માનવ ગરિમાને નવા આયામ આપવામાં આવી રહ્યા છે, તે પ્રશંસનીય છે. જંગમબાડી મઠ તો ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક રૂપે વંચિત સાથીઓની માટે પ્રેરણાનું, આજીવિકાનું માધ્યમ પણ છે. તમારા આ પ્રયાસ ખૂબ પ્રશંસનીય છે. એટલું જ નહી, સંસ્કૃત ભાષા અને અન્ય ભારતીય ભાષાઓને જ્ઞાનનું માધ્યમ બનાવીને ટેકનોલોજીનો સમાવેશ તમે કરી રહ્યા છો, તે પણ અદભૂત છે. સરકારનો પણ એ જ પ્રયાસ છે કે સંસ્કૃત સહિત તમામ ભારતીય ભાષાઓનો વિસ્તાર થાય, યુવા પેઢીને તેનો લાભ મળે.
અહિયાં હું શ્રી કાશી જગદગુરૂ શ્રી ચંદ્રશેખર શિવાચાર્ય મહાસ્વામીજીની પણ વિશેષ પ્રશંસા કરીશ જેમણે ‘ભારતીય દર્શન કોષ’ની રચનામાં મોટી ભૂમિકા નિભાવી છે. શ્રી સિદ્ધાંત શિખામણી પર તો તેમણે પીએચડી કરેલું છે. તેમના દ્વારા લખવામાં આવેલ સેંકડો પુસ્તકો, યુવા પેઢીનું માર્ગદર્શન કરી રહ્યા છે. તેમને રાષ્ટ્ર નિર્માણના સંસ્કાર આપી રહ્યા છે.
સાથીઓ, દેશ માત્ર સરકારથી નથી બનતો પરંતુ એક એક નાગરિકના સંસ્કાર વડે બને છે. નાગરિક સંસ્કારને તેની કર્તવ્ય ભાવના શ્રેષ્ઠ બનાવે છે. એક નાગરિકના રૂપમાં આપણું આચરણ જ ભારતના ભવિષ્યને નિર્ધારિત કરશે, નવા ભારતની દિશા નક્કી કરશે. આપણી સનાતન પરંપરામાં તો ‘ધર્મ’ શબ્દ જ કર્તવ્યનો પર્યાય રહ્યો છે. અને વીરશૈવ સંતોએ તો સદીઓથી ધર્મની શિક્ષા કર્તવ્યોની સાથે જ આપી છે. જંગમબાડી મઠ હંમેશાથી આ જ મૂલ્યોના સર્જનમાં લાગેલો રહ્યો છે. કેટલાય શિક્ષણ સંસ્થાનોની માટે મઠ દ્વારા જમીન દાન કરવામાં આવી છે, સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. મઠો દ્વારા દેખાડવામાં આવેલ રસ્તા પર ચાલીને, સંતો દ્વારા દર્શાવેલ રસ્તા પર ચાલીને, આપણે આપણા સંકલ્પ પૂરા કરવાના છે અને રાષ્ટ્ર નિર્માણમાં પણ આપણો સંપૂર્ણ સહયોગ આપતા જવાનું છે. ભગવાન બસેશ્વર જે કરુણા ભાવની સાથે અન્ય લોકોની સેવા માટે કહેતા હતા, આપણે તે જ કરુણાભાવની સાથે આગળ વધવાનું છે. આપણે દેશના સંકલ્પોની સાથે પોતાની જાતને જોડવાની છે.
જે રીતે છેલ્લા 5 વર્ષોમાં ભારતમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં સંતોની, મઠોની, ગુરુકુળોની, શાળાઓની, કોલેજોની એક વ્યાપક ભૂમિકા રહી છે. જે રીતે કાશી અને દેશના યુવાનોએ સ્વચ્છ ભારત અભિયાનને દેશના ખૂણે ખૂણામાં પહોંચાડ્યું છે, તે જ રીતે અન્ય સંકલ્પોને પણ આપણે આગળ વધારવાના છે. એવો જ એક મોટો સંકલ્પ છે, ભારતમાં બનેલ સામાનને, આપણા વણકરોને, આપણા હસ્તશિલ્પીઓ દ્વારા બનાવવામાં આવેલ સામાનને સન્માન આપવું. મેં તો લાલ કિલ્લા પરથી પણ આ કહ્યું હતું કે આપણે સૌ એવો આગ્રહ રાખીએ કે સ્થાનિક જે છે તેને જ ખરીદીએ. આપણે પોતે પણ અને આસપાસના લોકોએ પણ ભારતમાં બનેલ સામાનના ઉપયોગ પર ભાર મુકવો પડશે. આજે ભારતમાં વૈશ્વિક સ્તરના ઉત્પાદનો બની રહ્યા છે. આપણે તે માનસિકતાને બદલવી છે જેના અનુસાર માત્ર ઈમ્પોર્ટેડ વસ્તુઓ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
એ જ રીતે, દેશમાં જળજીવન મિશનને લઇને પણ આપ સૌની ભૂમિકા, દેશની ભૂમિકા મહત્વની રહેવાની છે. ઘર હોય, ખેતર હોય, કે પછી બીજા અન્ય સ્થાન, આપણે પાણીની બચત પર, રીસાયકલીંગ પર ધ્યાન આપવાનું છે. ભારતને દુષ્કાળમુક્ત અને જળયુક્ત કરવા માટે એક એક ભારતીયનું યોગદાન કામ આવશે.
સાથીઓ, દેશમાં આટલા મોટા અભિયાનોને માત્ર સરકારોના માધ્યમથી જ ચલાવી શકાય તેમ નથી. સફળતાની માટે ખૂબ જરૂરી છે જનભાગીદારી. વીતેલા 5-6 વર્ષોમાં જો ગંગાજળમાં અભૂતપૂર્વ સુધારો જોવા મળી રહ્યો છે તો તેની પાછળ પણ જનભાગીદારીનું ઘણું મહત્વ છે. માં ગંગા પ્રત્યે આસ્થા અનેદાયિત્વનો બોધ અભૂતપૂર્વ સ્તર પર છે. આ જવાબદારી બોધે, કર્તવ્યબોધે, માં ગંગાની સ્વચ્છતામાં, નમામી ગંગે મિશનમાં ઘણું મોટું યોગદાનઆપ્યું છે. નમામી ગંગે અભિયાન અંતર્ગત 7 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ પૂરું થઇ ચુક્યું છે. 21 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ પર કાર્ય પ્રગતિ પર છે. જે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે તેમને પણ અમે ઝડપથી પૂરું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
આ પ્રયાસોને મદદ મળશે, વધુમાં વધુ જનભાગીદારી વડે, આપ સૌના સહયોગ વડે. તમે જાતે જ જોયું હશે કે ગયા વર્ષે કુંભ મેળાદરમિયાન, ગંગા જળની સ્વચ્છતાને લઈને દરેક સાધુ-સંત અને દરેક શ્રદ્ધાળુએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા. દેશ વિદેશમાં જો તેને લઈને પ્રશંસાનો ભાવ જોવા મળ્યો છે, તો તેની પાછળ જનભાગીદારીની જ ભાવના રહી છે.
સાથીઓ,
વીરશૈવ સંતોએ માનવતાના જે મૂલ્યોનો ઉપદેશ આપ્યો છે તે આપણને સૌને, આપણીસરકારોને પણ સતત પ્રેરણા આપે છે. આ જ પ્રેરણાના કારણે આજે દેશમાં એવા નિર્ણયો થઇ રહ્યા છે, એવી જૂની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવી રહ્યું છે, જેમની કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું. રામ મંદિરના નિર્માણનો વિષય પણ દાયકાઓથી અદાલતમાં ગૂંચવાયેલો પડ્યો હતો. હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો માર્ગ સંપૂર્ણ રીતે સાફ થઇ ગયો છે. કેટલાક દિવસ પહેલા જ સરકારે રામ મંદિર નિર્માણ માટે એક સ્વાયત્ત ટ્રસ્ટ- શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ની સ્થાપના કરવાની જાહેરાત પણ કરી છે. અ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મસ્થળી પર, ભવ્ય એન દિવ્ય શ્રી રામ મંદિરના નિર્માણનું કામ જોશે અને બધા નિર્ણયો લેશે. કર્ણાટક સહિત અનેક સ્થાનોના સંત આ ટ્રસ્ટનો ભાગ છે. આ કામ પૂજ્ય સંતોના આશીર્વાદ દ્વારા શરુ થયું હતું અને સંતોના આશીર્વાદ વડે જ સમાપ્ત થશે.
સાથીઓ, અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલ એક અન્ય મોટો નિર્ણય સરકારે કર્યો છે. અયોધ્યા કાયદા અંતર્ગત જે 67 એકર જમીન ફાળવવામાં આવી હતી તે પણ પુરેપુરી, નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને હસ્તાંતરિત કરી દેવામાં આવશે. જ્યારે આટલી મોટી જમીન રહેશે તો મંદિરની ભવ્યતા અને દિવ્યતા વધારે વધશે.
વિચાર કરો, એક બાજુ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને બીજી તરફ અહીં વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામ, ભારતના ઈતિહાસમાં આ કાળખંડ ઐતિહાસિક છે.
સાથીઓ, આપ સૌ લોકોના, આપ સૌ સંતોના આશીર્વાદ વડે જ આજે દેશમાં અને કાશીમાં અનેક નવા કાર્યો થઇ રહ્યા છે. હમણાં અત્યારે અહીં આ કાર્યક્રમ પછી, વારાણસીમાં જ મારા બે અન્ય કાર્યક્રમો છે જેમાં હજારો કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમ, કાશીને મજબૂત કરશે, નવા ભારતને મજબૂત કરશે.
ચાલો, ગુરુકુળના શતાબ્દી વર્ષના આ અંતિમ દિવસે આપણે એવો સંકલ્પ લઈએ કે નવા ભારતના નિર્માણમાં આપણું શક્ય તમામ યોગદાન આપીશું. રાષ્ટ્રહિતમાં એક વધુ સારા અને કર્તવ્ય પ્રેરિત નાગરિક બનીને, સમગ્ર સમાજને આગળ વધારીશું. મને આ અવસરનો ભાગ બનાવવા બદલ આપનો ફરીથી આભાર.!!!