મોય ઓહમબાખિક, રૉગાલી બિહૂર, હોભેચ્છા જોનાઇસૂ, એઇ હોભા મોહાર્ટત, આપોન-લુકોકોઇ,
ઑન્ટોરિક ઓભિનન્દન, જ્ઞાપન કોરીસૂ..
સાથીઓ,
આજનું આ દ્રશ્ય, ટીવી પર નિહાળનારા હોય, અહીં કાર્યક્રમમાં ઉપસ્થિત હોય જીવનમાં કયારેય ભૂલી શકશે નહી. આ અવિસ્મરણીય છે, અદ્દભૂત છે, અભૂતપૂર્વ છે, આ આસામ છે. આસમાનમાં ગૂંજતી ઢોલ, પેપા અરુ ગૉગોના તેની અવાજ આજે સમગ્ર હિન્દુસ્તાન સાંભળી રહ્યું છે. આસામના હજારો કલાકારોની આ મહેનત, આ પરિશ્રમ, આ તાલમેલ, આજે દેશ અને દુનિયા ભારે ગર્વની સાથે જોઇ રહી છે. એક તો પ્રસંગ એટલો મોટો છે, બીજું તમારો જુસ્સો અને તમારા લાગણી લાજવાબ છે. મને યાદ છે, જયારે હું વિધાનસભા ચૂંટણી વખતે અહીં આવ્યો હતો, તો કહ્યું હતુ કે, તે દિવસ દૂર નથી જયારે લોકો A થી આસામ બોલશે. આજે ખરેખર આસામ, A-ONE (એ-વન) પ્રદેશ બની રહ્યો છે. હુંઆસામના લોકોને, દેશના લોકોને બિહુની ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ,
હાલ પંજાબ સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં બૈસાખીની પણ રોનક છે. બાંગ્લા બહેન-ભાઇ પોઇલા બોઇશાખ મનાવી રહ્યા છે, તો કેરળમાં વિષુ પર્વ મનાવવામાં આવશે. આ અનેક રાજયોમાં નવા વર્ષના પ્રારંભનો સમય છે. જે ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ, તે એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવનાઓનું પ્રતિબિંબ છે. આ ઉત્સવ, તમામના પ્રયાસોથી વિકસિત ભારતના આપણા સંકલ્પોને પૂરા કરવાની પ્રેરણા છે.
સાથીઓ,
આજે આજ ભાવનાથી આસામના, નોર્થ ઇસ્ટ (ઉત્તર-પૂર્વીય)ના વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટોનો અહીં શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે આસામને, નોર્થ ઇસ્ટને, એઇમ્સ ગુવાહાટીને ત્રણ નવી મેડિકલ કોલેજની ભેટ મળી છે. આજે નોર્થ ઇસ્ટની રેલવે કનેક્ટિવિટીથી જોડાયેલા, તેનાથી જોડાયેલા કેટલાય પ્રોજેક્ટની પણ શરૂઆત થઇ છે. આજે બ્રહ્મપુત્ર પર કનેક્ટિવિટી વધારવા માટે એક વધુ બ્રિજ પર કામ શરૂ થયું છે. મિથેનૉલ પ્લાન્ટ બનવાથી આસામ હવે પડોશી દેશોને પણ મિથેનૉલ એક્સપોર્ટ કરી શકશે. અસમિયા કલા-સંસ્કૃતિ, પરંપરાનું પ્રતિક રંગઘરના પુનર્વિકાસ અને સૌંદર્યકરણનું કામ પણ આજે શરૂ થયું છે. સંસ્કૃતિ અને ઝડપી વિકાસનો આ જે ઉત્સવ આપણે બધા મનાવી રહ્યા છીએ, તેના માટે પણ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન.
ભાઇઓ અને બહેનો,
હવે થોડી વારમાં જ જે સંસ્કૃતિક છ્ટ્ટાના દર્શન આખો દેશ કરવાનો છે, અને હું પણ જયારે અંદર તમારી વચ્ચે આવ્યો ત્યારે મને તેની ફલેવર પણ આવી રહી હતી કે શું રંગ જમાવ્યો છે તમે. આ તમામના પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ છે. પોતાની સંસ્કૃતિને તમે બધા આસામવાસીઓએ ખૂબ સાચવીને સંભાળીને રાખી છે. અને તેના માટે પણ જેટલી શુભેચ્છા અભિનંદન તમને મળે તે ઓછી છે, હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. જેટલા પણ મિત્રોએ આ સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લીધો છે, તેમની પ્રશંસા માટે શબ્દો ઓછા પડી જશે. આપણા આ તહેવારો માત્ર સંસ્કૃતિનો ઉત્સવ માત્ર નથી પરંતુ તે બધાંને ભેગા મળીને આગળ વધવાની પ્રેરણા પણ છે. રોંગાલી બિહૂ-બૌહાગ બિહૂની આજ શાશ્વત ભાવના છે. આ આસામવાસીઓ માટે દિલ અને આત્માનો તહેવાર છે. તે દરેક પ્રકારની ખાઇને ઘટાડે છે, દરેક ભેદને મિટાવી દે છે. આ માનવ અને પ્રકૃતિની વચ્ચે તાલમેલનુ ઉત્તમ પ્રતિક છે. એટલા માટે બિહૂને માત્ર શાબ્દિક અર્થથી કોઇ સમજી શકશે નહી. પરંતુ તેને સમજવા માટે ભાવનાઓની અને લાગણીઓની જરૂરિયાત હોય છે. આજ ભાવ, બહેન-દિકરીઓના વાળમાં સજાવેલા કોપોફુલથી થાય છે, મોગા સિલ્ક, મેખેલા, સદૉર અરુ રોંગા રિહાથી મળે છે. આજ લાગણી, આજે ઘરે ઘરે બનનારા વિશેષ વ્યંજન `ઇખો એક બીડ-ખાક’ તેનાથી પણ થાય છે.
સાથીઓ,
ભારતની વિશેષતા જ એ છે કે, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ, હજારો-હજારો વર્ષોથી દરેક ભારતવાસીઓને જોડતી આવી છે. આપણે મળીને,ગુલામીના લાંબા કાળખંડ (સમય)ના દરેક હુમલાઓનો સામનો કર્યો. આપણે મળીને, આપણી સંસ્કૃતિ અને સભ્યતા પર થયેલા ભારેથી ભારે હુમલાઓને સહન કર્યા છે. સત્તાઓ આવી, શાસક આવ્યા અને ગયા, પરંતુ ભારત અજરાઅમર રહ્યું અટલ રહ્યું. આપણા ભારતીઓનું મન આપણી માટીથી બન્યું છે, આપણી સંસ્કૃતિથી બન્યું છે. અને આ આજે વિકસિત ભારતના નિર્માણની મજબૂત આધારશિલા પણ છે.
સાથીઓ,
મને આ સમયે આસામના પ્રસિદ્ધ સાહિત્યકાર અને ફિલ્મકાર જ્યોતિ પ્રોહાદ આગરવાલાજી તેમના દ્વારા લખાયેલા એક પ્રસિદ્ધ ગીત યાદ આવી રહ્યું છે. આ ગીત છે- બિસ્સા બિજોઈ નૌ જોઆન, આ ગીતની એક બીજી ખાસિયત છે. જયારે ભારતરત્ન ભૂપેન હઝારિકાજી બહુ નાના હતા, ત્યારે તેઓએ આ ગીતને ગાયું હતું. આજે પણ આ ગીત, દેશના યુવાનો માટે, આસામના યુવાનો માટે ઘણી મોટી પ્રેરણા છે. હું આ ગીતની કેટલીક પંક્તિઓ વાંચીશ, પરંતુ પહેલા તમારાથી એક વાત જાણવા માંગું છું. તમે મને ઉચ્ચારણ દોષ માટે માફ તો કરી દેશો ને ? પાક્કુ કરશોને?. હું ભૂલ કરું તો તમે લોકો નારાજ તો નહી થાવ ને ? ખરેખર, આસામના લોકોના હ્વદય બહુ મોટા હોય છે.
સાથીઓ,
આ ગીત છે. “बिस्साबिजोईनौजोआन, बिस्साबिजोईनौजोआन, होक्तिहालिभारोटोर, उलाईआहा - उलाईआहा !!!!होन्टानटुमिबिप्लोबोर, होमुखहोमोहोमुखोटे, मुक्टिजोजारुहूसियार, मृट्युबिजोयकोरिबोलागिबो, साधीनाताखुलि डुआर” !!!
સાથીઓ,
આસામના તમે બધા લોકો આનો અર્થ ખૂબ સારી રીતે સમજો છો. પરંતુ જે લોકો દેશભરના આ કાર્યક્રમને જોઇ રહ્યા છે તેમને પણ તેનો અર્થ બતાવવો જરૂરી છે કે આસામની નસોમાં, આસામના દિલમાં, આસામની યુવાન પેઢીના મગજમાં શું છે. આ ગીતમાં ભારતના યુવાનોને આહવાન કરવામાં આવ્યું છે. વિશ્વવિજયી ભારતના યુવાનો, ભારત માતાના અવાજને સાંભળો. આ ગીત યુવાનોનું આહવાન કરે છે કે પરિવર્તનના વાહક બનો. આ ગીત વિશ્વાસ આપે છે કે આપણે મૃત્યુ પર વિજય મેળવીશું અને સ્વાધીનતાના દ્વાર ખોલીશું.
સાથીઓ,
આ ગીત ત્યારે લખવામાં આવ્યું હતું જયારે આઝાદી જ સૌથી મોટુ સ્વપ્ન હતું. ભારત આજે આઝાદ છે અને આજે વિકસિત ભારતનું નિર્માણ, આપણા બધાનું સ્વપ્ન છે. આપણને દેશના માટે જીવવાનું સૌભાગ્ય મળ્યું છે. હું દેશના યુવાનોને, આસામના યુવાનોને આહવાન કરું છું કે- મારા ભારતના યુવાનો, તમારામાં વિશ્વ વિજય કરવાનું સામર્થ્ય છે. તમે આગળ વધો, ઝડપી ગતિથી વિકાસની કમાન સંભાળો, વિકસિત ભારતના દ્વાર ખોલો.
સાથીઓ,
ઘણા બધા લોકો મને કહે છે કે, હું આટલા મોટા મોટા લક્ષ્ય કેવી રીતે નક્કી કરી શકું છું, કોના ભરોસે વિકસિત ભારતની વાત કરું છું. જવાબ બહુ સરળ છે, મારા અંદરથી નીકળતો અવાજ કહે છે મારો ભરોસો, તમારા લોકો પર છે, મારો ભરોસો દેશના યુવાનો પર છે, મારો ભરોસો140 કરોડ દેશવાસીઓ પર છે. અમારી સરકારનો પ્રયાસ છે કે, તમારા રસ્તામાં આવનારી તમામ અડચણોને જલદીથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે. અમે પૂરી ઇમાનદારીથી તમારા માટે મહેનત કરવામાં કોઇ ખામી રાખતા નથી. આજે અહીં જેટલી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયા છે, તે પણ તેનું જ ઉદાહરણ છે.
ભાઇઓ અને બહેનો,
દાયકાઓ સુધી આપણા દેશમાં કનેક્ટિવિટીને બહુ મર્યાદિત વિસ્તારમાં રાખવામાં આવી હતી. કોઇ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે પહોંચે, માત્ર તેને જ કનેક્ટિવિટી માનવામાં આવતી હતી. તેમાં પણ ભારતની શું સ્થિતિ હતી, તે આસામ અને નોર્થ ઇસ્ટના તમે લોકો બહુ સારી રીતે જાણો છો. છેલ્લા નવ વર્ષમાં અમે, કનેક્ટિવિટીને લઇને આ જૂના ખ્યાલને જ બદલી નાંખ્યો છે. આજે અમારા માટે કનેક્ટિવિટી, ચાર દિશાઓમાં એકસાથે કામ કરવા માટેનો મહાયજ્ઞ છે. આજે જે કનેક્ટિવિટી પર દેશ કામ કરી રહ્યો છે, તેમાંચાર આયામ છે- ફિઝિકલ કનેક્ટિવિટી, ડિજિટલ કનેક્ટિવિટી, સામાજિક કનેક્ટિવિટી અને સાંસ્કૃતિક કનેક્ટિવિટી.
સાથીઓ,
આજે અહીંઆટલું શાનદાર આયોજન થયું છે અને એટલા માટે પહેલાંતો હુંસાંસ્કૃતિક કનેક્ટિવિટીની જ વાત કરું છું. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સાંસ્કૃતિક કનેક્ટિવિટીને લઇને અભૂતપૂર્વ કામ થયું છે. નહીં તો કોણ કલ્પના કરી શકતું હતું કે આસામના મહાન યોદ્ધા લાસિત બોરફુકનની 400મી જયંતી પર દિલ્હીમાં આટલો મોટો કાર્યકમ થશે અહીંઆસામથી પણ તેમાં હજારો લોકો ગયા હતા, અને મને તેમની સાથે વાતચીત કરવાની તક પણ મળી હતી.
સાથીઓ,
વીર લાસિત બોરફુકન હોય કે પછી રાણી ગાઇદિન્લ્યુ હોય, ભલે કાશી-તમિળ સંગમ હોય કે સૌરાષ્ટ્ર-તમિળ સંગમ હોય, ભલે કેદારનાથ હોય કે કામાખ્યા હોય, ભલે ડોસા હોય, કે પછી ડોઇસિરા હોય, આજે ભારતમાં દરેક વિચાર, દરેક સંસ્કૃતિને એકબીજાથી કનેક્ટ વધારવામાં આવી રહી છે. હિમંતાજીહમણાં જ ગુજરાતમાં માધવપુર મેળામાં જઇને આવ્યા છે. કૃષ્ણ-રૂક્ષ્મણીનું આ બંધન પણ પશ્ચિમ ભારતને નોર્થ ઇસ્ટથી જોડે છે. એટલું જ નહી, મોગા સિલ્ક, તેચપુર લેસુ, જોહા રાઇસ, બોકા સાઉલ, કાજી નેમુ જેવા અનેક ઉત્પાદનો પછી આપણા ગામોસાને પણ GI ટેગ મળ્યો છે. આ પણ આસામીયા કળા, આપણી બહેનોના શ્રમ-મહેનતને સમગ્ર દેશ સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.
ભાઇઓ અને બહેનો,
આજે દેશની અલગ અલગ સંસ્કૃતિઓનો સંવાદ પર્યટનથી પણ થઇ રહ્યો છે. પ્રવાસીઓ જયાં જાય છે ત્યાં માત્ર પૈસા જ ખર્ચ નથી કરતાં, પરંતુ ત્યાંની સંસ્કૃતિને પણ પોતાની સાથે યાદગીરી તરીકે લઇને જાય છે. પરંતુ નોર્થ ઇસ્ટમાં ફિઝિકલ કનેક્ટિવિટીનો જે અભાવ રહ્યો, તેમાં અલગ અલગ કલ્ચરલમાં કનેક્ટ કેવી રીતે થઇ શકે ? એટલા માટે અમારું વધારે જોર, રેલ-રોડ અને હવાઇ માર્ગની કનેક્ટિવિટી પર પણ છે. છેલ્લા નવ વર્ષમાં અમે ઝડપથી આ લોકો સુધી કનેક્ટિવિટીનો વિસ્તાર કર્યો છે, જે લાંબા સમય સુધી વિખૂટા રહ્યા. આજે નોર્થ ઇસ્ટના પણ મોટાભાગના ગામડાઓ બારેમાસના માર્ગોથી કનેક્ટ છે. પાછળના નવ વર્ષમાં નોર્થ ઇસ્ટમાં કેટલાય નવા એરપોર્ટ બન્યા છે, પહેલી વાર કમર્શિયલ ફ્લાઇટનું ઉતરાણ થયું છે. છેલ્લા નવ વર્ષમાં, બ્રોડ ગેજ ટ્રેનોની પહોંચ મણિપુર અને ત્રિપુરા સુધી પહોંચી ગઇ છે. આજે અગાઉની સરખામણીમાં, ત્રણ ગણી ઝડપથી નોર્થ ઇસ્ટમાં નવી રેલવે લાઇન લગાવવામાં આવી રહી છે. આજે અગાઉની સરખામણીમાં, નોર્થ ઇસ્ટમાં અંદાજે 10 ગણી ઝડપથી રેલવે લાઇનને ડબલ કરવાની કામગીરી થઇ રહી છે. આજે જ અહીંરેલવેના પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે, એકસાથે પાંચ પ્રોજેક્ટ નોર્થ ઇસ્ટમાં. તેના પર છ હજાર કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ થયું છે. આ આસામ સહિત નોર્થ ઇસ્ટના ઘણા મોટા વિસ્તારને વિકાસની ગતિ આપનારું છે. આસામના એક મોટા વિસ્તારમાં પહેલી વખત રેલવે પહોંચી છે.રેલવે લાઇનને ડબલ કરવાને કારણે આસામની સાથે સાથે મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને નાગાલેન્ડ સુધી અવર જવર આસાન થઈ થશે. તેનાથી માલગાડીઓ પણ હવે અનેક વિસ્તારો સુધી પહોંચી શકશે.તેનાથી આસ્થા અને પર્યટનના અનેક સ્થળો સુધી આવવું-જવું વધારે સરળ થઇ જશે.
ભાઇઓ અને બહેનો,
મને આજે પણ યાદ છે કે જયારે હુ વર્ષ 2018માં બોગીબીલ બ્રિજના લોકાર્પણ માટે આવ્યો હતો. ઢોલા-સાદિયા-ભૂપેન હઝારિકા સેતૂના લોકાર્પણનું સૌભાગ્ય પણ મને મળ્યું હતું. અમે માત્ર દાયકાઓથી અધૂરી પરિયોજનાઓને પૂરી નથી કરી રહ્યાં પરંતુ નવા પ્રોજેક્ટ પર પણ ઝડપથી કામ કરી રહ્યા છીએ. બ્રહ્મપુત્ર પર સેતૂઓનું જે નેટવર્ક છેલ્લા નવ વર્ષમાં તૈયાર થયું છે, તેનો ભરપુર લાભ આજે આસામને મળી રહ્યો છે. આજે પણ જે સેતૂ પર કામ શરૂ થયું છે, તેનાથી ખ્વાલકુસ્સીના સિલ્ક ઉદ્યોગને મોટો વેગ મળવાનો છે.
સાથીઓ,
છેલ્લા નવ વર્ષમાં અમારી ડબલ એન્જિનની સરકારે જે રીતે સોશિયલ કનેક્ટિવિટી પર કામ કર્યું છે, તેણે કરોડો લોકોનું જીવન આસાન બનાવ્યું છે.સ્વચ્છ ભારત મિશનને કારણે આજે લાખો ગામડાઓ ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ ગયા છે. પીએમ આવાસ યોજનાથી કરોડો લોકોને ઘર મળ્યા છે. સૌભાગ્ય યોજનાથી કરોડો ઘરોમાં રોશની મળી છે. ઉજ્જવલા યોજનાએ કરોડો માતાઓ-બહેનોને ઘુમાડાથી મુક્તિ અપાવી છે. જળ જીવન મિશનને કારણે કરોડો ઘરો સુધી નળથી જળ પહોંચવા લાગ્યું છે. ડિજિટલ ઇન્ડિયા અને સસ્તા ડેટાએ દેશના કરોડો લોકોને તેના મોબાઇલ પર અનેક સુવિધાઓ લાવીને તેમની હથેળીમાં રાખી દીધી છે. આ તમામ ઘર, આ તમામ પરિવાર, આકાંક્ષી ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આજ ભારતની એ તાકાત છે, જે વિક્સિત ભારતના સ્વપ્નને સાકાર કરશે.
ભાઇઓ અને બહેનો,
વિકાસ માટે વિશ્વાસનું સૂત્ર મજબૂત હોવુ એટલું જ જરૂરી છે. અમારી સરકારના પ્રયાસોથી આજે નોર્થ ઇસ્ટમાં ચારે તરફ કાયમી શાંતિ આવી રહી છે. અનેક યુવાનોએ હિંસાનો રસ્તો છોડીને, વિકાસના રસ્તા પર ચાલવાનું શરૂ કરી દીધું છે. નોર્થ ઇસ્ટમાં અવિશ્વાસનું વાતાવરણ દૂર થઇ રહ્યું છે,દિલોની દૂરી ઓછી થઇ રહી છે. આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપણે આજ માહોલ આ જ વાતાવરણને વધારવાનું છે, દૂર સુધી લઇ જવાનું છે. આપણે તમામનો સાથ, તમામનો વિકાસ, તમામનો વિશ્વાસ અને તમામનો પ્રયાસની ભાવનાથી જ મળીને આગળ વધવાનું છે.આજ કામના-ઇચ્છા સાથે આજે આ પવિત્ર તહેવાર પર દેશવાસીઓને, આસામવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તમારા બધા માટે નવુ વર્ષ મંગલમય નીવડે અને હવે આખો દેશ તમે જે કેટલાય દિવસોથી મહેનત કરી છે, હજારો લોકોના એક સાથે બિહૂ નૃત્યનો આ પ્રસંગ આસામને દુનિયાની નજરોમાં નવી ઉંચાઇ પર લઇ જશે. હું પણ આગળના કાર્યક્રમોને જોવા માટે ઘણો ઉત્સુક છું, હું પણ આનંદ લઇશ, દેશવાસીઓ પણ ટીવી પર તેનો આનંદ લેશે અને મને પૂરો વિશ્વાસ છે હવે તો સોશિયલ મીડિયા પર તમે જ છવાઇ જવાના છો.
મારી સાથે બોલો-ભારત માતા કી જય, અવાજ દૂરદૂર સુધી જવો જોઇએ. ભારત માતા કી જય. ભારત માતા કી જય, ભારત માતા કી જય
વંદે-માતરમ, વંદે-માતરમ, વંદે માતરમ
વંદે-માતરમ,વંદે-માતરમ, વંદે માતરમ
વંદે-માતરમ, વંદે-માતરમ, વંદે માતરમ
વંદે-માતરમ.....
ખૂબ ખબૂ ધન્યવાદ..