![Quote](https://staticmain.narendramodi.in/images/quoteIconArticle.jpg)
![Quote](https://staticmain.narendramodi.in/images/quoteIconArticle.jpg)
![Quote](https://staticmain.narendramodi.in/images/quoteIconArticle.jpg)
![Quote](https://staticmain.narendramodi.in/images/quoteIconArticle.jpg)
નમસ્તે, ઓમ શાંતિ,
કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, રાજસ્થાનના ગવર્નર શ્રી કલરાજ મિશ્રાજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સાથી શ્રી કિશન રેડ્ડીજી, ભૂપેન્દ્ર યાદવજી, અર્જુન રામ મેઘવાલજી, પરષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાસ ચૌધરીજી, રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી ગુલાબચંદ કટારિયાજી, બ્રહ્માકુમારીઝના એક્ઝિક્યુટિવ સેક્રેટરી રાજયોગી મૃત્યુંજયજી, રાજયોગિની બહેન મોહિનીજી, બહેન ચંદ્રિકાજી, બ્રહ્માકુમારીઝની અન્ય તમામ બહેનો, દેવીઓ અને સજજનો તથા અહીંયા ઉપસ્થિત સાધક અને સાધિકાઓ!
કેટલાંક સ્થળ એવાં હોય છે કે જેની એક અલગ ચેતના હોય છે. ઊર્જાનો પોતાનો એક અલગ જ પ્રવાહ હોય છે. એ ઊર્જા એવી મહાન વ્યક્તિઓની હોય છે કે જેમની તપસ્યાથી વન, પર્વત અને પહાડ પણ જાગૃત થઈ જાય છે, માનવીય પ્રેરણાનું કેન્દ્ર બની જાય છે. માઉન્ટ આબુની આભા પણ દાદા લેખરાજ અને તેમના જેવા અનેક સિધ્ધ વ્યક્તિત્વોને કારણે નિરંતર વધતી જાય છે.
આજે આ પવિત્ર સ્થળેથી બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારતકી ઓર' ના એક ઘણાં મોટા અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં સ્વર્ણિમ ભારત માટે ભાવના પણ છે અને સાધના પણ છે. તેમાં દેશ માટેની પ્રેરણા પણ છે અને બ્રહ્માકુમારીઓનો પ્રયાસ પણ છે.
હું દેશના સંકલ્પોની સાથે, દેશના સપનાંઓ સાથે સતત જોડાયેલા રહેવા બદલ બ્રહ્માકુમારી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજના આ કાર્યક્રમમાં દાદી જાનકી, રાજયોગિની દાદી અને હૃદય મોહિનીજી આજે આપણી વચ્ચે સદેહે ઉપસ્થિત નથી. મારી ઉપર તેમનો ઘણો પ્રેમ હતો. આજે આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હુ તેમના આશીર્વાદનો અનુભવ કરી રહ્યો છું.
સાથીઓ,
જ્યારે સંકલ્પની સાથે સાધનો જોડાય છે ત્યારે માનવ માત્રની સાથે આપણો મમભાવ પણ જોડાઈ જાય છે. પોતાની વ્યક્તિગત ઉપલબ્ધિઓ માટે 'ઈદમ ન મમ' નો ભાવ જાગવા લાગે છે. આ ભાવ જાગવા માંડે તો સમજી લો કે આપણાં સંકલ્પના માધ્યમથી એક નવા કાલખંડનો જન્મ થવાનો છે, એક નવી સવાર થવાની છે. સેવા અને ત્યાગનો આ અમૃત ભાવ આજે અમૃત મહોત્સવમાં નવા ભારત માટે ઉમટી રહ્યો છે. ત્યાગ અને કર્તવ્યની ભાવનાથી કરોડો દેશવાસીઓ આજે સ્વર્ણિમ ભારતનો પાયો નાંખી રહ્યા છે.
આપણાં અને રાષ્ટ્રના સપના અલગ અલગ નથી. આપણી વ્યક્તિગત અને રાષ્ટ્રીય સફળતાઓ અલગ અલગ નથી. રાષ્ટ્રની પ્રગતિમાં જ આપણી પ્રગતિ છે. આપણાંથી જ રાષ્ટ્રનું અસ્તિત્વ છે અને રાષ્ટ્રથી જ આપણું અસ્તિત્વ છે. આ ભાવ, આ બોધ નૂતન ભારતના નિર્માણ માટે આપણાં સૌ ભારતવાસીઓની સૌથી મોટી તાકાત બની રહ્યો છે.
આજે દેશમાં જે કાંઈ થઈ રહ્યું છે તેમાં સૌનો પ્રયાસ સામેલ છે. 'સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબકા પ્રયાસ' આ બધુ દેશનો મૂળ મંત્ર બની રહ્યો છે. આજે આપણે એવી વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છીએ કે જેમાં ભેદભાવ માટે કોઈ સ્થાન નથી અને એક એવો સમાજ બનાવી રહ્યા છીએ કે જેમાં સમાનતા અને સામાજિક ન્યાયના પાયા પર મજબૂતીથી ઉભા રહી શકાય. આપણે એક એવા ભારતને ઉભરતું જોઈ રહ્યા છીએ કે જેનો વિચાર અને અભિગમ નવો છે તથા જેના નિર્ણયો પ્રગતિશીલ છે.
ભારતની સૌથી મોટી તાકાત એ છે કે ગમે તેવો સમય આવે, ગમે તેટલો અંધકાર છવાઈ જાય તો પણ ભારત પોતાનો મૂળ સ્વભાવ જાળવી રાખે છે, જે માટે આપણા યુગો યુગોનો ઈતિહાસ આ બાબતનું સાક્ષી છે. દુનિયા જ્યારે અંધકારના ઊંડી ગર્તમાં હતી અને મહિલાઓ અંગે જૂના વિચારો ધરાવતી હતી ત્યારે ભારત દેવી સ્વરૂપે માતૃશક્તિની પૂજા કરતું હતું. આપણે ત્યાં ગાર્ગી, મૈત્રૈયી, અરૂંધતિ અને મદાલસા જેવી વિદુષીઓ સમાજને જ્ઞાન આપતી હતી. મુશ્કેલીઓથી ભરેલા મધ્યકાળમાં પણ આ દેશમાં પન્નાદાઈ અને મીરાંબાઈ જેવી મહાન નારીઓ થઈ હતી. અને અમૃત મહોત્સવમાં દેશ જે સ્વાધિનતાના સંગ્રામના ઈતિહાસને યાદ કરી રહ્યો છે તેમાં પણ કેટલી બધી મહિલાઓએ પોતાના બલિદાન આપ્યા છે. કિત્તૂરની રાણી ચેન્નમમા, મતંગિની, હાજરા, રાણી લક્ષ્મીબાઈ, વિરાંગના ઝલકારીબાઈથી માંડીને સામાજિક ક્ષેત્રમાં અહલ્યાબાઈ હોડકર અને સાવિત્રીબાઈ ફૂલે સુધી આ દેવીઓએ ભારતની ઓળખ ઊભી કરી હતી.
આજે દેશ લાખો સ્વતંત્ર સેનાનીઓની સાથે આઝાદીની લડાઈમાં નારી શક્તિના આ યોગદાનને યાદ કરી રહ્યો છે અને તેમનાં સપનાં પૂરા કરવા પ્રયાસ કરી રહ્યો છે. અને એટલા માટે આજે સૈનિક સ્કૂલોમાં ભણવાનું દીકરીઓનું સપનું પૂરૂ થઈ રહ્યું છે. હવે દેશની કોઈપણ દીકરી રાષ્ટ્રની સુરક્ષા માટે સેનામાં દાખલ થઈને મહત્વની જવાબદારીઓ ઉપાડી શકે છે. મહિલાઓનું જીવન અને કારકિર્દી બંને એક સાથે ચાલે તે માટે માતૃ અવકાશને વધારવા માટેના નિર્ણયો કરવામાં આવી રહ્યા છે.
દેશની લોકશાહીમાં પણ મહિલાઓની ભાગીદારી વધતી જાય છે. આપણે જોયું કે વર્ષ 2019ની ચૂંટણીમાં પુરૂષોની સાથે સાથે મહિલાઓએ પણ કેવી રીતે વધુ મતદાન કર્યું હતું. આજે મહિલાઓ મોટી મોટી જવાબદારીઓ પણ સંભાળી રહી છે અને સૌથી વધુ ગર્વની બાબત તો એ છે કે હવે સમાજમાં આ પરિવર્તનનું નેતૃત્વ પણ જાતે જ લઈ રહી છે. તાજા આંકડાઓના આધારે ખ્યાલ આવ્યો છે કે 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અભિયાનની સફળતાને કારણે વર્ષો પછી દેશમાં સ્ત્રી-પુરૂષનો ગુણોત્તર પણ બહેતર બન્યો છે. આ પરિવર્તન એ બાબતનો સ્પષ્ટ સંકેત છે કે નવુ ભારત કેવું હશે, કેટલું સામર્થ્યશાળી હશે.
સાથીઓ,
આપ સૌ જાણો છો કે આપણાં ઋષિઓએ ઉપનિષદોમાં 'તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મ મૃતમં ગમય' ની પાર્થના કરી છે. આનો અર્થ એવો થાય છે કે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ ધપીએ. મૃત્યુથી, મુશ્કેલીઓથી અમૃત તરફ આગળ વધીએ. અમૃત અને અમરત્વનો માર્ગ જ્ઞાન વગર પ્રકાશિત થતો નથી. એટલા માટે અમૃત કાળનો આ સમય આપણાં જ્ઞાન, શોધ અને ઈનોવેશનનો સમય છે. આપણે એક એવું ભારત બનાવવાનું છે કે જેના મૂળિયાં પ્રાચીન પરંપરાઓ અને વારસા સાથે જોડાયેલા હોય તથા તેનું વિસ્તરણ આધુનિકતાના આકાશમાં અનંત સુધી હોય. આપણે, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા અને આપણાં સંસ્કારોને જીવંત રાખવાના છે. આપણી આધ્યાત્મિકતાને, આપણી વિવિધતાઓને સુરક્ષિત અને સંવર્ધિત કરવાની છે અને સાથે સાથે ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થાઓને સતત આધુનિક બનાવતા રહેવાનું છે.
દેશના આ પ્રયાસોમાં આપ સૌ બ્રહ્માકુમારી જેવી આધ્યાત્મિક સંસ્થાઓની ઘણી મોટી ભૂમિકા છે. મને એ વાતનો આનંદ છે કે તમે આધ્યાત્મની સાથે સાથે શિક્ષણ, આરોગ્ય અને ખેતી જેવા અનેક ક્ષેત્રોમાં મોટા મોટા કામ કરી રહ્યા છો અને આજે જે અભિયાનનો પ્રારંભ કરી રહ્યા છો અને તેને આગળ ધપાવી રહ્યા છો તેના કારણે તમે અમૃત મહોત્સવ માટે પોતાના અનેક લક્ષ્ય નક્કી કર્યા છે. તમારો આ પ્રયાસ દેશને ચોક્કસપણે નવી ઊર્જા આપશે અને નવી શક્તિ આપશે.
આજે દેશ ખેડૂતોને સમૃધ્ધ અને આત્મનિર્ભર બનાવવા માટે ઓર્ગેનિક ફાર્મિંગ અને નેચરલ ફાર્મિંગની દિશામાં પ્રયાસ કરી રહ્યો છે. ખાણી-પીણી અને આહાર શુધ્ધિ માટે આપણી બ્રહ્માકુમારી બહેનો સમાજને સતત જાગૃત કરતી રહે છે, પણ ગુણવત્તાયુક્ત આહાર માટે, ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવામાં આવે તે પણ જરૂરી છે. એટલા માટે બ્રહ્માકુમારી નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહિત કરવા માટે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પ્રેરણા બની શકે તેમ છે. કેટલાક ગામોને પ્રેરણા પૂરી પાડીને એક મોડલ ઉભુ કરી શકાય તેમ છે. આવી જ રીતે ક્લિન એનર્જી અને પર્યાવરણના ક્ષેત્રમાં પણ દુનિયાને ભારત પાસેથી અનેક અપેક્ષાઓ છે. આજે ક્લિન એનર્જી માટે અનેક વિકલ્પ વિકસિત કરવામાં આવી રહ્યા છે. તેના માટે પણ જનજાગૃતિ ઉભી કરવા માટે મોટું અભિયાન હાથ ધરવાની જરૂર છે. બ્રહ્માકુમારીએ તો સોલાર પાવર ક્ષેત્રમાં સૌની સામે એક ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. ઘણાં સમયથી તમે આશ્રમની રસોઈ સોલાર પાવરથી ભોજન તૈયાર કરી રહ્યા છો. સોલાર પાવરનો ઉપયોગ વધુને વધુ લોકો કરે તે માટે પણ તમારો મોટો સહયોગ મળી શકે તેમ છે. આવી જ રીતે આપ સૌ આત્મનિર્ભર ભારત અભિયાનને પણ ગતિ આપી શકો તેમ છો. વોકલ ફોર લોકલ, સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપીને આ અભિયાનમાં પણ મદદ કરી શકો તેમ છો.
સાથીઓ,
અમૃતકાળનો આ સમય સૂતાં સૂતાં સપનાં જોવાનો નથી, પણ જાગૃત બનીને પોતાના સંકલ્પ પૂરાં કરવાનો છે. આવનારા 25 વર્ષમાં, પરિશ્રમની પરાકાષ્ઠા, ત્યાગ, તપ અને તપસ્યાથી 25 વર્ષના કાલખંડમાં તેને ફરીથી પ્રાપ્ત કરવાનો છે. એટલા માટે આઝાદીના આ અમૃત મહોત્સવમાં આપણું ધ્યાન ભવિષ્ય તરફ કેન્દ્રિત થયેલું હોવું જોઈએ.
સાથીઓ,
આપણા સમાજમાં એક અદ્દભૂત સામર્થ્ય છે. આ એક એવો સમાજ છે કે જેમાં પૌરાણિક અને નિત્ય નવી વ્યવસ્થાઓ છે. જો કે આપણે એ બાબતનો ઈન્કાર કરી શકીએ તેમ નથી કે સમય જતાં વ્યક્તિમાં, સમાજમાં અને દેશમાં પણ કેટલીક ખરાબીઓ પ્રવેશ કરતી હોય છે. જે લોકો જાગૃત રહીને આ ખરાબીઓને ઓળખી લે છે તે આ ખરાબીઓથી બચવામાં સફળ બની રહે છે. આવા લોકો પોતાના જીવનમાં દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. આપણાં સમાજની એ વિશેષતા છે કે તેમાં વિશાળતા પણ છે, વિવિધતા પણ છે અને હજારો વર્ષની યાત્રાનો અનુભવ પણ છે. એટલા માટે આપણા સમાજમાં બદલાતા જતા યુગની સાથે સાથે પોતાની જાતને ઢાળવાની એક અલગ જ શક્તિ છે, એક આંતરિક તાકાત છે.
આપણા સમાજની સૌથી મોટી તાકાત એ છે કે સમાજની અંદર જ સમયે સમયે તેને સુધારનારા લોકો ઉભા થાય છે અને સમાજમાં પ્રસરેલી ખરાબીઓ પર તે કુઠારાઘાત કરે છે. આપણે એ પણ જોયું છે કે સમાજ સુધારણાના શરૂઆતના વર્ષોમાં ઘણી વખત લોકોના વિરોધનો પણ સામનો કરવો પડતો હતો. ઘણી વખત તિરસ્કાર પણ સહન કરવો પડતો હતો, પણ આવા સિધ્ધ લોકો સમાજ સુધારણાની કામગીરીમાં પીછેહઠ કરતા ન હતા અને અડગ રહેતા હતા. સમયની સાથે સાથે સમાજ પણ તેમને ઓળખતો હતો અને તેમને માન- સન્માન આપતો હતો તથા તેમની શિખામણ આત્મસાત પણ કરતો હતો.
એટલા માટે સાથીઓ,
દરેક યુગના કાલખંડમાં મૂલ્યોના આધારે સમાજને સજાગ રાખવો અને સમાજને દોષમુક્ત રાખવો તે ખૂબ જ જરૂરી બની રહે છે. આ એક નિરંતર ચાલુ રહેનારી પ્રક્રિયા છે. તે સમયની જે કોઈપણ પેઢીઓ હોય તેમણે આ જવાબદારી નિભાવવાની હોય છે. વ્યક્તિગત રીતે આપણે સંસ્થા તરીકે પણ બ્રહ્માકુમારી જેવી લાખો સંસ્થાઓ કામ કરી રહી છે, પણ આપણે એ પણ માનવાનું રહેશે કે આઝાદી પછીના 75 વર્ષમાં આપણાં સમાજમાં, આપણાં રાષ્ટ્રમાં એક ખરાબી તમામ લોકોની અંદર ઘર કરી ગઈ છે. આ ખરાબી કર્તવ્યોથી વિમુક્ત થવાની છે. કર્તવ્યોને સર્વોપરી નહીં માનવાની છે. આપણે 75 વર્ષમા માત્ર અધિકારની જ વાતો કરતા રહ્યા છીએ અને અધિકારો માટે ઝઝૂમતા રહ્યા છીએ, સમય વ્યતિત કરતા રહ્યા છીએ. અધિકારની બાબત અમુક હદ સુધી, થોડા સમય માટે એક પરિસ્થિતિમાં સાચી હોઈ શકે છે, પણ આપણાં કર્તવ્યોને સંપૂર્ણ રીતે ભૂલી જવું તે બાબતે ભારતને કમજોર રાખવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી છે.
ભારતે પોતાનો ઘણો બધો સમય એટલા માટે ગૂમાવ્યો છે કે કર્તવ્યોને અગ્રતા આપવામાં આવી ન હતી. આ 75 વર્ષમાં કર્તવ્યોને દૂર રાખવાના કારણે સમાજમાં જે ઊણપ આવી છે તેને ભરપાઈ કરવા માટે આપણે સૌએ સાથે મળીને આવનારા 25 વર્ષમાં કર્તવ્યની સાધના કરીને ભરપાઈ કરી શકીએ તેમ છીએ.
બ્રહ્માકુમારી જેવી સંસ્થાઓ આવનારા 25 વર્ષ માટે એક મંત્ર બનાવીને ભારતના જન-જનને કર્તવ્ય માટે જાગૃત કરીને ખૂબ મોટું પરિવર્તન લાવી શકે તેમ છે. મારો આગ્રહ છે કે બ્રહ્માકુમારી અને તમારા જેવી તમામ સામાજિક સંસ્થાઓ આ એક મંત્ર પર ચોક્કસ કામ કરે અને તે મંત્ર છે દેશના નાગરિકોમાં કર્તવ્ય ભાવનાનું વિસ્તરણ. આપ સૌ પોતાની શક્તિ અને સમયથી જન જનમાં કર્તવ્ય બોધ જાગૃત કરવાની કામગીરી જરૂરથી બજાવો. અને બ્રહ્માકુમારી જેવી સંસ્થાઓ જે રીતે દાયકાઓથી કર્તવ્યના પથ પર ચાલી રહી છે એટલે તમે લોકો આ કામ કરી શકો તેમ છો.
તમે સૌ કર્તવ્ય માટે મચી પડેલા અને કર્તવ્ય પાલન કરનારા લોકો છો અને એટલા માટે જ તેમ જે ભાવના સાથે પોતાની સંસ્થામાં કામ કરી રહ્યા છો, તે કર્તવ્ય ભાવનાનું વિસ્તરણ સમાજમાં થાય, દેશમાં થાય, દેશના લોકોમાં થાય અને આઝાદીના આ અમૃત મહોત્સવ પ્રસંગે તે તમારો આપણાં દેશ માટે સૌથી મોટી ભેટ બની રહેશે.
તમે લોકોએ એક વાર્તા જરૂર સાંભળી હશે કે એક ઓરડામાં અંધારૂ હોવાથી તે અંધારૂ દૂર કરવા માટે લોકો પોતાની રીતે અલગ અલગ કામ કરી રહ્યા હતા. કોઈ કશુંક કરી રહ્યું હતું, તો કોઈ કશુંક કરાવી રહ્યું હતું, પણ કોઈ સમજદાર વ્યક્તિએ જ્યારે એક નાનો સરખો દીપક પ્રજવલ્લિત કર્યો તો તેનાથી અંધકાર તુરત જ દૂર થઈ ગયો. આવી તાકાત કર્તવ્યની જ છે, અને તાકાત નાના પ્રયાસોની પણ છે. દેશના દરેક નાગરિકના હૃદયમાં એક દીવો પ્રજ્વલ્લિત કરવાનો છે. કર્તવ્યનો દીવો પ્રગટાવવાનો છે.
આપણે સૌ સાથે મળીને દેશને કર્તવ્ય પથ ઉપર આગળ ધપાવીશું તો સમાજમાં પ્રસરેલી ખરાબીઓ પણ દૂર થશે અને દેશ નવી ઉંચાઈઓ સુધી પહોંચશે. ભારતની ભૂમિને પ્રેમ કરનારા અને આ ભૂમિને માતા માનનાર કોઈપણ વ્યક્તિ એવી નહીં હોય કે જે દેશને નવી ઉંચાઈ પર લઈ જવા માટે ના ઈચ્છતું હોય અને કરોડો કરોડો લોકોના જીવનમાં આનંદ લાવવા ના માંગતું હોય. એટલા માટે આપણે કર્તવ્ય ઉપર ભાર મૂકવાની જરૂર છે.
સાથીઓ,
આજના આ કાર્યક્રમમાં હું એક વધુ વિષય અંગે વાત કરવા માંગુ છું. તમે સૌ એ બાબતના સાક્ષી છો કે ભારતની છબી ઝાંખી કરવા માટે કેવી રીતે અલગ અલગ પ્રયાસ કરવામાં આવે છે. આમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણું બધુ ચાલતુ રહેતું હોય છે. આમાં આપણે એવું કહીને છૂટી જઈ શકીએ તેમ નથી કે આ માત્ર રાજકારણ છે. તેમાં માત્ર રાજકારણ નથી, આ આપણા દેશનો સવાલ છે અને જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા હોઈએ ત્યારે તો એ આપણી જવાબદારી બની રહે છે કે દુનિયા ભારતને સાચી રીતે ઓળખે.
એવી સંસ્થાઓ કે જેમની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં દુનિયાના અનેક દેશોમાં હાજરી છે તે દુનિયાના દેશો સુધી ભારતની સાચી વાત પહોંચાડે, ભારત અંગે જે કોઈ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તેની સાચી બાબત લોકોને જણાવે અને તેમને જાગૃત કરે તે પણ આપણા સૌની જવાબદારી બની રહે છે. બ્રહ્માકુમારી જેવી સંસ્થાઓ આવી કામગીરીને આગળ ધપાવવા માટે વધુ એક પ્રયાસ કરી શકે તેમ છે. જ્યાં જ્યાં પણ, જે દેશોમાં તમારી શાખાઓ છે ત્યાં પ્રયાસ કરતા રહેવું જોઈએ કે દરેક શાખામાંથી દરેક વર્ષે ઓછામાં ઓછા 500 લોકો ભારતના પ્રવાસે આવે. ભારતને જાણવા માટે આવે અને આ 500 લોકો ભારતના લોકો જ્યાં રહે છે તે નહીં, પણ એ જે તે દેશના નાગરિક હોવા જોઈએ. મૂળ ભારતીયો વિશે હું વાત કરતો નથી. તમે જોશો કે જો આવા પ્રચારથી લોકોનું આવવા-જવાનું શરૂ થશે તો તે લોકો અહીંની દરેક બાબત સમજશે અને આપમેળે ભારતની સાચી ઓળખને વિશ્વ સમક્ષ લઈ જશે. તમે જોશો કે તમારા પ્રયાસોથી તેમાં કેટલો મોટો ફર્ક પડી શકે છે.
સાથીઓ,
પરમાર્થ કરવાની ઈચ્છા તો દરેક વ્યક્તિને થતી હોય છે, પરંતુ આપણે એ બાબત ભૂલીએ નહીં કે પરમાર્થ અને અર્થ જ્યારે એક સાથે જોડાય છે ત્યારે સફળ જીવન, સફળ સમાજ અને સફળ રાષ્ટ્રનું નિર્માણ આપમેળે થતુ હોય છે. અર્થ અને પરમાર્થ વચ્ચેની આ જવાબદારી હંમેશા ભારતની આધ્યાત્મિક શક્તિ પાસે રહી છે અને મને પૂરો ભરોંસો છે કે ભારતની આધ્યાત્મિક સત્તા, આપ સૌ બહેનોની જવાબદારી તેને પરિપકવતાની સાથે નિભાવશે. તમારા પ્રયાસોથી જ દેશની અન્ય સંસ્થાઓ અને અન્ય સંગઠનો પણ ભારતની આઝાદીના અમૃત મહોત્સવમાં નવા લક્ષ્ય ઘડી કાઢવા માટે પ્રેરણા મેળવશે. અમૃત મહોત્સવની તાકાત જન-જનનું મન છે, જન-જનનું સમર્પણ પણ છે. તમારા પ્રયાસોથી ભારત આવનારા સમયમાં વધુ ઝડપી ગતિથી સ્વર્ણિમ ભારત તરફ આગળ ધપશે એવા વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ!
ઓમ શાંતિ!